Market Summary 5 May 2021

માર્કેટ સમરી

નિફ્ટી 14600 પર બંધ આપવામાં સફળ રહ્યો

નિફ્ટીએ બુધવારે સમગ્ર દિવસ દરમિયાન પોઝીટીવ મોમેન્ટમ જાળવી રાખ્યું હતું અને આખરે તે 14618 પર બંધ રહ્યો હતો. આમ તેણે 14600ને પાર કર્યું હતું. આ સ્થિતિમાં તેજીવાળાનો હાથ ઉપર જણાય છે અને બજાર આગામી દિવસોમાં 15000 ભણીની કૂચ દર્શાવે તેવી શક્યતા છે. બજારમાં તેજીની આગેવાની ફાર્મા શેર્સે લીધી હતી. ફ્રન્ટલાઈન ફાર્મા શેર્સમાં તીવ્ર સુધારો જોવા મળ્યો હતો.

એનએમડીસીનો શેર 6 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટી પર

જાહેર ક્ષેત્રની ખનીદ કંપની એનએમડીસીનો શેર બુધવારે વધુ 6 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર રૂ. 157.70ના અગાઉના બંધ સામે રૂ. 168.20ની ટોચ પર ટ્રેડ થયો હતો અને કામકાજના અંતે રૂ. 9.65ના સુધારે રૂ. 167.35 પર બંધ જોવા મળ્યો હતો. જે ભાવે કંપનીએ રૂ. 49 હજાર કરોડનું માર્કેટ-કેપ હાંસલ કર્યું હતું. છેલ્લા કેટલાક મહિનાઓથી સ્ટીલ કંપનીઓ દ્વારા સ્ટીલના ભાવમાં વૃદ્ધિ પાછળ એનએમડીસીને આર્યન ઓરના ભાવમાં વૃદ્ધિ કરવાની તક સાંપડી રહી છે અને કંપનીને મેટલ ક્ષેત્રની તેજીનો નોંધપાત્ર લાભ મળી રહ્યો છે. કંપનીનો શેર તેના 52-સપ્તાહના રૂ. 70ના તળિયા સામે 150 ટકા રિટર્ન સૂચવી રહ્યો છે.

યુએસ ડોલર સામે રૂપિયો 5 પૈસા ઘટીને બંધ

યુએસ ડોલર સામે રૂપિયો બુધવારે નોંધપાત્ર રેંજમાં અથડાયા બાદ નરમ બંધ રહ્યો હતો. ઈક્વિટી માર્કેટમાં પોઝીટીવ મોમેન્ટમની રૂપિયા પર પોઝીટીવ અસર પડી નહોતી. અલબત્ત, મંગળવારે એફઆઈઆઈએ સ્થાનિક બજારમાં રૂ. 1770 કરોડની વેચવાલી દર્શાવી હોવા છતાં કરન્સી માર્કેટમાં રૂપિયો મોટા ઘટાડાથી દૂર રહ્યો હતો. કામકાજની શરૂઆતમાં ભારતીય ચલણ 73.83 પર મજબૂતી સાથે ખૂલ્યો હતો અને 73.79ની ટોચ પર જોવા મળ્યો હતો. જોકે તે ઘટીને 74.04 પર ટ્રેડ થયો હતો અને આખરે 73.91 પર બંધ રહ્યો હતો. મંગળવારે તે 73.85 પર બંધ રહ્યો હતો.

સોનુ-ચાંદીને ઊંચા મથાળે અવરોધ યથાવત

કિંમતી ધાતુઓને ઊંચા સ્તરે અવરોધ નડી રહ્યો છે. જેમાં સોનાને રૂ. 47 હજાર પર બંધ રહેવામાં જ્યારે ચાંદીને રૂ. 70 હજાર પર ટકવામાં તકલીફ પડી રહી છે. મંગળવારે વૈશ્વિક બજારમાં મજબૂતી પાછળ રૂ. 47 હજાર પર ટ્રેડ થઈ રહેલું સોનુ મોડી સાંજે ફરી નરમ પડ્યું હતું અને બુધવારે મોટાભાગનો સમય રૂ. 47000ની નીચે જ ટ્રેડ દર્શાવતું રહ્યું હતું. ચાંદીમાં પણ મંગળવારે સાંજ બાદ રૂ. 70000ની નીચે ટ્રેડ જોવા મળતો હતો. બુધવારે પણ તેણે સમગ્ર દિવસ રૂ. 69500ના સ્તર આસપાસ કામકાજ દર્શાવ્યું હતું. વૈશ્વિક બજારમાં ચાંદી 27 ડોલરનો મજબૂત અવરોધ અનુભવી રહી છે. જ્યારે સોનુ 1800 ડોલરને પાર કરવામાં નિષ્ફળ રહે છે. દરમિયાનમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ 70 ડોલરથી 20 સેન્ટ નીચે ટ્રેડ દર્શાવી રહ્યાં છે. એમસીએક્સ ખાતે મે ક્રૂડ વાયદો 1.8 ટકાના સુધારે રૂ. 4926ની તાજેતરની ટોચ દર્શાવી રહ્યો છે.

 

 

ફ્રન્ટલાઈન ફાર્મા શેર્સમાં ભારે લેવાલીએ શેર્સમાં 14 ટકા સુધીનો ઉછાળો

યુએસ પ્રમુખ ઓબામા હેલ્થકેર પ્લાનને ફરીથી અમલી બનાવવા વિચારી રહ્યાં હોવાના હેવાલે લ્યુપિન, સન ફાર્મા દોડ્યાં

નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 4.12 ટકા ઉછળી 2015ની તેની સર્વોચ્ચ સપાટી સામે હવે માત્ર 400 પોઈન્ટ્સ છેટે

સ્ટોક માર્કેટમાં બુધવારે ફાર્માસ્યુટીકલ ક્ષેત્રે મહત્વનો સપોર્ટ પૂરો પાડ્યો હતો. અગ્રણી ફાર્મા કંપનીઓના શેર્સમાં ઓચિંતી નીકળેલી ખરીદી પાછળ શેર્સના ભાવ એક દિવસમાં 14 ટકા જેટલા ઉછળ્યાં હતાં. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ પણ 4.12 ટકા સુધરી 13809ની છેલ્લા છ વર્ષની ટોચ પર જોવા મળ્યો હતો. જે જૂન 2015માં તેણે દર્શાવેલી 14020ની સર્વોચ્ચ ટોચથી હવે 400 પોઈન્ટ્સનું છેટે દર્શાવે છે.

ફાર્મા કંપનીઓમાં ભારે ખરીદી માટે માર્કેટ નિરીક્ષકો બે મુખ્ય પરિબળોને જવાબદાર ગણાવતાં હતાં. જેમાં એક તો આરબીઆઈ ગવર્નર  શશીકાંત દાસે બુધવારે કોવિડને કારણે તીવ્ર દબાણ અનુભવી રહેલા હેલ્થકેર ક્ષેત્ર માટે જાહેર કરેલી નાણાકિય રાહતો હતી. જ્યારે બીજી બાજુ યુએસ ખાતે વર્તમાન જો બાઈડન સરકાર અગાઉના ઓબામા હેલ્થકેર પ્લાનને ફરી અમલમાં મૂકવા માટે વિચારી રહી હોવાના અહેવાલ હતાં. વર્ષ 2017માં તે વખતના યુએસ પ્રમુખ ટ્રમ્પે ઓબામા હેલ્થકેર પ્લાનને બંધ કર્યો હતો. જો તે ફરીથી અમલમાં આવે તો ભારતીય કંપનીઓને તેનો નોંધપાત્ર લાભ મળશે તેવું માનવામાં આવે છે. એમાં પણ યુએસ ખાતે જેનેરિક માર્કેટમાં મજબૂત હાજરી ઘરાવતી ભારતીય કંપનીઓ લુપિન અને સન ફાર્માને તેનો સૌથી વધુ લાભ મળી શકે છે એમ વર્તુળો જણાવે છે. આ કારણે જ લ્યુપિનનો શેર બુધવારે 14 ટકા જેટલો ઉછળ્યો હતો અને છેલ્લા ચાર વર્ષની ટોચ પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 1058ના બંધ ભાવ સામે ઊછળી રૂ. 1209 પર ટ્રેડ થયો હતો અને રૂ. 1201 પર બંધ રહ્યો હતો. જેની પાછળ કંપનીના માર્કેટ-કેપમાં એક દિવસમાં રૂ. 4000 કરોડથી વધુનો ઉછાળો નોંધાયો હતો. સન ફાર્માનો શેર પણ 6 ટકા જેટલો ઉછળ્યો હતો અને છેલ્લા ચાર વર્ષની ટોચ પર જોવા મળ્યો હતો. આ બંને કાઉન્ટર્સ તેમણે કેલેન્ડર 2015માં દર્શાવેલા લાઈફ-હાઈ સામે હજુ પણ નોંધપાત્ર ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થઈ રહ્યાં છે. જેમકે સન ફાર્માએ એપ્રિલ 2015માં રૂ. 1200ની ટોચ દર્શાવી હતી. આમ છ વર્ષ બાદ પણ તે 40 ટકાથી વધુ નીચે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે લ્યુપિનનો શેર તેણે ઓક્ટોબર 2015માં દર્શાવેલા રૂ. 2120ની સર્વોચ્ચ સપાટી સામે હજુ પણ 45 ટકાથી વધુ ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થઈ રહ્યો છે. જો નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સની વાત કરીએ તો જે જૂન 2015માં દર્શાવેલા 14020ના સ્તર સામે 411 પોઈન્ટ્સ નીચે 13809 પર બંધ આવ્યો હતો. એનાલિસ્ટ્સના મતે આગામી સત્રોમાં ફાર્મા ઈન્ડેક્સ આ સ્તરને પાર કરવાનો પ્રયાસ કરશે. જોકે અગાઉની ટોચ એક મજબૂત અવરોધ બનતી હોય છે અને તેથી તેની આસપાસ કોન્સોલિડેશન જોવા મળતું હોય છે. આમ આગામી દિવસોમાં ફાર્મા ક્ષેત્ર નવા ઝોનમાં પ્રવેશે તે અગાઉ કોન્સોલિડેશન દર્શાવી શકે છે. જે દરમિયાન લ્યુપિન અને સન ફાર્મા જેવા કાઉન્ટર્સ આઉટપર્ફોર્મન્સ દર્શાવી શકે છે.

ઊંચો સુધારો દર્શાવનાર અન્ય જાણીતા ફાર્મા કાઉન્ટર્સમાં ઓરોબિંદો ફાર્મા(6.5 ટકા), કેડિલા હેલ્થકેર(6 ટકા), ટોરેન્ટ ફાર્મા(5 ટકા), આલ્કેમ લેબોરેટરી(3.5 ટકા) અને બાયોકોન(2.2 ટકા)નો સમાવેશ થાય છે. અમદાવાદ સ્થિત કેડિલા હેલ્થકેરનો શેર ગયા સપ્તાહે તેના 2017માં દર્શાવેલા રૂ. 570ની ટોચને પાર કર્યાં બાદ નવા ઝોનમાં પ્રવેશ્યો છે અને બુધવારે તેણે રૂ. 608ની ટોચ દર્શાવી હતી. જ્યારે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 61000 કરોડને પાર કરી ગયું હતું અને તે રીતે તે ટોચની પાંચ કંપનીઓમાં સમાવેશ પામી હતી. તાજેતરમાં તેણે લ્યુપિન અને ઓરોબિંદો ફાર્માને પાછળ રાખી દીધાં છે. જ્યારે ચોથા ક્રમે આવતી સિપ્લાથી તે હજુ ઘણી દૂર છે. નાના ફાર્મા શેર્સ તેજીથી દૂર રહ્યાં હતાં. જોકે છેલ્લા ત્રણેક મહિના દરમિયાન લાર્જ-કેપ્સ સાઈડલાઈન હતાં ત્યારે તેમણે ખૂબ સારો દેખાવ દર્શાવ્યો હતો.

બુધવારે અગ્રણી ફાર્મા શેર્સનો દેખાવ

કંપની          શેરના ભાવમાં વૃદ્ધિ(%)

લુપિન                  13.5

ઓરોબિંદો ફાર્મા         6.5

સન ફાર્મા               6.0

કેડિલા હેલ્થકેર          5.8

ટોરેન્ટ ફાર્મા             4.8

આલ્કેમ લેબ            3.5

બાયોકોન               2.2

ડો. રેડ્ડીઝ લેબ          1.9

ડિવિઝ લેબ             1.2

સ્પેશ્યલ રેપો ઓપરેશન પાછળ સ્મોલ ફાઈનાન્સ બેંક્સના શેર્સ ઉછળ્યાં

બેંકિંગ રેગ્યુલેટર આરબીઆઈએ સ્મોલ ફાઈનાન્સ બેંક્સ માટે રૂ. 10000 કરોડના વિશેષ લોંગ-ટર્મ રેપો ઓપરેશન(એસએલટીઆરઓ)ની જાહેરાત કરતાં શેરબજારમાં લિસ્ટેડ સ્મોલ ફાઈનાન્સ બેંક્સના શેર્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. સેન્ટ્રલ બેંક ગવર્નર શશીકાંત દાસે તત્કાળ આયોજિત કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી.

આરબીઆઈ ગવર્નરની જાહેરાત પાછળ સ્મોલ-ફાઈનાન્સ બેંક્સના શેર્સ 1-6 ટકા જેટલા ઉછળ્યાં હતાં અને કામકાજના અંતે સુધારા સાથે જ બંધ જોવા મળ્યાં હતાં. ઊંચો સુધારો દર્શાવનાર સ્મોલ ફાઈનાન્સ બેંક શેર્સમાં ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંક, ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંક, એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક અને સર્વોદય સ્મોલ ફાઈનાન્સ બેંકનો સમાવેશ થતો હતો. આમાં ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંકનો શેર રૂ. 55.90ના અગાઉના બંધ સામે 5 ટકાથી વધુ સુધારે રૂ. 58.80ની ટોચ પર ટ્રેડ થયો હતો અને કામકાજના અંતે રૂ. 58ની સપાટી પર બંધ જોવા મળ્યો હતો. જ્યારે એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંકનો શેર લગભગ 4 ટકાથી વધુનો સુધારો દર્શાવતો હતો. તે રૂ. 915.35ના અગાઉના બંધ સામે રૂ. 952ની ટોચ પર ટ્રેડ થયો હતો. બે દિવસ અગાઉ અપેક્ષાથી નબળા પરિણામો પાછળ શેરમાં ઘટાડો નોંધાયો હતો. જોકે આરબીઆઈની કોવિડની સ્થિતિને લઈને સ્મોલ ફાઈનાન્સ બેંક માટેની ખાસ જાહેરાત પાછળ શેરમાં સુધારો જોવા મળ્યો હતો. ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંકનો શેર 4 ટકાથી વધુના ઉછાળે અગાઉના રૂ. 28.75ના બંધ સામે રૂ. 30.40 પર ટ્રેડ થયો હતો. કાઉન્ટરમાં બે સપ્તાહના એવરેજ વોલ્યુમ સામે ત્રણ ગણાથી વધુ કામકાજ જોવા મળ્યાં હતાં. લગભગ દોઢ મહિના અગાઉ બજાર પર લિસ્ટ થયેલી સર્વોદય સ્મોલ ફાઈનાન્સ બેંકનો શેર જોકે એક ટકાનો સાધારણ સુધારો દર્શાવતો હતો અને રૂ. 246.45ના બંધ સામે રૂ. 248.80ની ટોચ પર ટ્રેડ થયો હતો.

આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે સ્મોલ ફાઈનાન્સ બેંક્સ છેવાડાના વ્યક્તિઓ અને નાના ઉદ્યોગો સુધી ધિરાણ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને તેથી રેપો રેટ પર રૂ. 10000 કરોડનું ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવશે. આને કારણે પ્રતિકૂળ રીતે અસર પામેલા કુટિર, માઈક્રો અને લઘુ ઉદ્યોગોને વધારાનો સપોર્ટ મળી રહેશે. એસએફબી માટે ખાસ ઓપરેશન્સ હેઠળ બોરોઅર દીઠ મહત્તમ રૂ. 10 લાખનું ધિરાણ પૂરું પાડી શકાશે.

 

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage