Market Summary 5 May 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

ફેડ રેટ વૃદ્ધિ પછી વિકસિત બજારો Vs ઈમર્જિંગ માર્કેટ્સ
બુધવારે ફેડ વૃદ્ધિ બાદ યુએસ અને યુરોપ બજારો મજબૂત
એશિયન બજારમાં અન્ડરટોન નરમ
ભારતીય બેન્ચમાર્ક સેન્સેક્સ ટોચથી 865 પોઈન્ટ્સ ગગડ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 7.27 ટકા ગગડી 20.29ની સપાટીએ
ફાર્મા, એફએમસીજી, રિઅલ્ટીમાં વેચવાલી
યુએસ ફેડ દ્વારા 50 બેસીસ પોઈન્ટ્સની અપેક્ષિત વૃદ્ધિ બાદ વિકસિત બજારોમાં તીવ્ર બાઉન્સ જોવા મળ્યો હતો. જોકે ઈમર્જિંગ બજારો તેમની માફક દેખાવ દર્શાવવામાંથી વંચિત રહ્યાં હતાં. જે સ્પષ્ટપણે સૂચવે છે કે ફેડ રેટ વૃદ્ધિએ વિકસિત બજારો માટે પોઝીટીવ બની શકે છે. જ્યારે ભારત જેવા ઈમર્જિંગ માર્કેટ્સ માટે તે લિક્વિડીટીને વધુ ડ્રાય બનાવી શકે છે. ગુરુવારે ભારતીય બજાર તેની ઈન્ટ્રા-ડે ટોચ પરથી ગગડીને લગભગ ફ્લેટ બંધ રહ્યું હતું. બીએસઈ સેન્સેકસ દિવસની ટોચથી 865 પોઈન્ટ્સ ગગડી બંધ આવ્યો હતો. સેન્સેક્સ 33 પોઈન્ટ્સના સુધારે 55702ના સ્તરે જ્યારે નિફ્ટી 5 પોઈન્ટ્સ સુધારે 16683ના સ્તરે બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 7.27 ટકા ગગડી 20.29ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 29 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 21 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં.
બુધવારે રાતે ફેડ ચેરમેને બેન્ચમાર્ક રેટમાં 50 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ કર્યાં બાદ ડાઉજોન્સ 900 પોઈન્ટ્સથી વધુ ઉછાળા સાથે જ્યારે નાસ્ડેક 400 પોઈન્ટ્સથી વધુ ઉછળી બંધ રહ્યું હતું. જ્યારે બીજી બાજુ યુરોપ બજારો પણ ગુરુવારે બપોરે 2 ટકા સુધીની મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. જ્યારે એશિયન બજારોમાં સુસ્તી જોવા મળી હતી. ચીન બજાર 0.7 ટકા સુધારો દર્શાવતું હતું. જ્યારે હોંગ કોંગ, સિંગાપુર નરમાઈ દર્શાવતાં હતાં. ભારતીય બજાર પણ ગેપ-અપ ઓપનીંગને જાળવી શક્યું નહોતું અને ફ્લેટ બંધ રહ્યું હતું. નિફ્ટી 16946ની ઈન્ટ્રા-ડે ટોચ પરથી ગગડી 16652ના તળિયા પર ટ્રેડ થયો હતો. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો આઈટી કંપનીઓમાં મજબૂતી જોવા મળી હતી. જેમાં ટેક મહિન્દ્રા 4.2 ટકા સાથે નિફ્ટી કંપનીઓમાં સૌથી સારો દેખાવ દર્શાવતો હતો. ઓટો ક્ષેત્રે હિરો મોટોકોર્પ સારો દેખાવ દર્શાવી રહી હતી. કંપનીનો શેર 4 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત ઈન્ફોસિસ, એચસીએલ ટેકનોલોજી, વિપ્રો, ટાટા સ્ટીલ, ઓએનજીસી અને કોટક મહિન્દ્રા બેંકમાં ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ ઈન્ડસઈન્ડ બેંક 4.24 ટકા સાથે નિફ્ટી શેર્સમાં સૌથી મોટો અન્ડરપર્ફોર્મર હતી. આ સિવાય ટાટા કન્ઝ્યૂમર 3.35 ટકા, બ્રિટાનિયા 3.2 ટકા, નેસ્લે 2.7 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.55 ટકા અને સન ફાર્મા 2.53 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
સેક્ટરલ સૂચકાંકોમાં ફાર્મા, એફએમસીજી અને બેંક નિફ્ટી નરમાઈ દર્શાવતાં હતાં. રિઅલ્ટી અને મિડિયા ઈન્ડાઈસિસ પણ નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે નિફ્ટી આઈટી 2 ટકા સાથે તીવ્ર બાઉન્સ દર્શાવી રહ્યો હતો. એનર્જી ઈન્ડેક્સ પણ 0.3 ટકા સાથે પોઝીટીવ બંધ રહ્યો હતો. જેનું મુખ્ય કારણ અદાણી ગ્રીન હતો. કંપનીનો શેર 6.53 ટકા ઉછળ્યો હતો. આ સિવાય ગેઈલ, ઓએનજીસી અને ટાટા પાવર પણ સુધારો દર્શાવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટની વાત કરીએ તો દેખાવ નબળો જળવાયો હતો. બીએસઈ ખાતે 3461 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1814 નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 1529 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. 79 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ જ્યારે 49 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું. એનએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ 0.1 ટકાના સાધારણ સુધારે જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.75ના ઘટાડે બંધ જોવા મળ્યાં હતાં. ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં એબીબી ઈન્ડિયાનો શેર 10 ટકાથી વધુ ઉછાળા સાથે બંધ આવ્યો હતો. કંપનીના શેરમાં માર્ચ ક્વાર્ટરના અપેક્ષાથી સારા પરિણામો પાછળ ખરીદી જોવા મળી હતી. સિમેન્સ, ડિક્સોન ટેક, ભેલ અને કોફોર્જમાં પણ 3 ટકાથી વધુનો સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ ઈન્ટેલેક્ટ ડિઝાઈન 7 ટકા તૂટ્યો હતો. ગોદરેજ પ્રોપર્ટી 5.6 ટકા, દિપક નાઈટ્રેટ 6 ટકા, કેન ફિન હોમ્સ 5.35 ટકા, ઈન્ડિયામાર્ટ 5 ટકા અને એમસીએક્સ ઈન્ડિયા 3.65 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.

RBIની રેટ વૃદ્ધિથી MCLRમાં બે બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ નોંધાશેઃ SBI
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના મહત્વના લેન્ડિંગ રેટમાં 40 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કર્યાંના બીજા દિવસે દેશની ટોચના બેંક એસબીઆઈના ચેરમેન દિનેશ કુમાર ખારાએ જણાવ્યું છે કે મધ્યસ્થ બેંકના પગલાને કારણે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ(એમસીએલઆર)માં બે બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ નોંધાશે. બેંક માટે એમસીએલઆર લઘુત્તમ રેટ ઓફ ઈન્ટરેસ્ટ હોય છે. જેની નીચે તે ધિરાણ કરી શકતી નથી. એસબીઆઈ ચેરમેનના જણાવ્યા મુજબ બેંકની 74 ટકા લોન બુક એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે જોડાયેલી છે. લોન રેટની વાસ્તવિક વધ-ઘટ બેંકિંગ સિસ્ટમમમાં પ્રાપ્ય લિક્વિડીટી પર આધારિત હોય છે એમ તેમણે ઉમેર્યું હતું. આરબીઆઈની સીઆરઆર વૃદ્ધિને કારણે રૂ. 85-87 હજાર કરોડની લિક્વિડીટી સિસ્ટમમાંથી દૂર થશે. જોકે હાલમાં બજારમાં રૂ. 7.2 લાખ કરોડ જેટલી સરપ્લસ લિક્વિડીટી સિસ્ટમમાં હોવાનું ખારાએ જણાવ્યું હતું.
ફુગાવાની ચિંતા વચ્ચે એપ્રિલમાં સર્વિસ ક્ષેત્રનો મજબૂત દેખાવ
દેશના અર્થતંત્રમાં સૌથી મોટો હિસ્સો ધરાવતાં સર્વિસ સેક્ટરે એપ્રિલ મહિનામાં છેલ્લાં પાંચ મહિનાનો સૌથી સારો દેખાવ દર્શાવ્યો હતો. તેણે નવેમ્બર 2021 બાદ પ્રથમવાર સૌથી વધુ જોબ્સનો ઉમેરો દર્શાવ્યો હતો. જોકે આસમાનને સ્પર્શી રહેલો ફુગાવાનો દર મોટી ચિંતાનું કારણ બન્યું હતું. એસએન્ડપી ગ્લોબલ ઈન્ડિયા સર્વિસિસ પર્ચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ એપ્રિલ મહિનામાં વધીને 57.9ના સ્તરે જોવા મળ્યો હતો. જે નવેમ્બર મહિના પછી સૌથી ઊંચી સપાટી પર હતો.
ડેલ્હિવરી IPO મારફતે રૂ. 5235 કરોડ ઊભા કરશે
ન્યૂ-જેન સપ્લાય ચેઈન કંપની ડેલ્હિવરી પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓ મારફતે રૂ. 5235 કરોડ ઊભા કરશે. જે ચાલુ કેલેન્ડરનો એલઆઈસી પછીનો બીજો મોટો આઈપીઓ બની રહેશે. કંપની આગામી 11 મેના રોજ આરંભિક ભરણા સાથે પ્રવેશશે. જેમાં તે રૂ. 462-487ની પ્રાઈસ બેન્ડમાં શેર ઓફર કરશે. રિટેલ માટે લઘુત્તમ 30 ઈક્વિટી શેર્સનો લોટ રહેશે. આઈપીઓ 13મેના રોજ બંધ થશે. કંપની તેના યોગ્યતા ધરાવતાં કર્મચારીઓને રૂ. 25નું પ્રતિ શેર ડિસ્કાઉન્ટ ઓફર કરશે. કંપનીની એન્કર ઓફર 10મેના રોજ ખૂલશે.


લિસ્ટેડ કંપનીઓમાં સરકારી હિસ્સો માર્ચ ક્વાર્ટરમાં 4 ટકા વધ્યો
મૂલ્ય સંદર્ભમાં એનએસઇ લિસ્ટેડ પીએસયૂમાં સરકારી હોલ્ડિંગ ત્રિમાસિક ધોરણે 3.69 ટકા વધી રૂ. 14.13 લાખ કરોડ

નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) ઉપર લિસ્ટેડ કંપનીઓમાં પ્રમોટર તરીકે ભારત સરકારનો હિસ્સો જાન્યુઆરી-માર્ચ 2021-22 દરમિયાન વધીને 5.48 ટકા થયો છે, જે અગાઉના ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર, દરમિયાન 5.25 ટકા હતો અને તે 4.38 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ તથા ઓછી સંખ્યામાં નવા લિસ્ટિંગને કારણે જૂન 2009થી હિસ્સામાં સ્થિર ઘટાડો થઇ રહ્યો હતો છે, જે તે સમયે 22.48 ટકા હતો. આ ઉપરાંત ખાનગી પિઅર્સની સરખામણીમાં ઘણી જાહેર ક્ષેત્રની કંપનીઓનું પ્રદર્શન નબળું રહ્યું હતું. મૂલ્યની દ્રષ્ટિએ એનએસઇ ઉપર લિસ્ટેડ કંપનીઓમાં સરકારનું હોલ્ડિંગ 3.69 ટકા વધીને રૂ. 14.13 ટ્રિલિયન થયું છે, જે ડિસેમ્બર, 2021 દરમિયાન રૂ. 13.63 ટ્રિલિયન હતું.
શેર્સની સંખ્યા અથવા શેર્સના વોલ્યુમની માલીકીના સંદર્ભે ભારત સરકારનો હિસ્સો 31 માર્ચ દરમિયાન ઘટીને 2.69 થયો છે, જે અગાઉના ક્વાર્ટરમાં 2.71 ટકા હતો.
એનએસઇ ઉપર લિસ્ટેડ કંપનીઓમાં ખાનગી પ્રમોટર્સનો હિસ્સો 31 માર્ચ સુધીમાં સામાન્ય ઘટીને 45.13 ટકા થયો છે, જે 31 ડિસેમ્બર, 2021 સુધીમાં 45.15 ટકા હતો. મૂલ્યની દ્રષ્ટિએ ખાનગી પ્રમોટર્સનું હોલ્ડિંગ 31 માર્ચ સુધીમાં રૂ. 116.44 ટ્રિલિયન હતું, જે અગાઉના ક્વાર્ટરની સરખામણીમાં 0.72 ટકાનો ઘટાડો સૂચવે છે.
સરકારી હિસ્સામાં વૃદ્ધિ દર્શાવનાર PSUs
કંપની સરકારનું માર્કેટ-કેપ(રૂ. લાખ કરોડમાં)
એસબીઆઈ 2.50
ઓએનજીસી 1.21
પાવર ગ્રીડ કોર્પો. 0.77
કોલ ઈન્ડિયા 0.74
એનટીપીસી 0.66

વ્યાજદરોમાં 75 બેસીસ પોઈન્ટ્સ સુધી વૃદ્ધિનો અર્થશાસ્ત્રીઓનો અંદાજ
આરબીઆઈ ચાલુ કેલેન્ડરમાં વધુ 2-3 રેટ વૃદ્ધિ દર્શાવી શકે છે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) દ્વારા નીતિ દરોમાં અચાનક કરાયેલા વધારાથી અર્થશાસ્ત્રીઓ અને બેંકર્સને ફુગાવા અંગેના અંદાજમાં ફેરફાર કરવાની ફરજ પડશે. જાણકારોનું માનવું છે કે આ વર્ષે વધુ 50-75 બેઝિસ પોઇન્ટ્સ (બીપીએસ)નો વધારો થઇ શકે છે. આરબીઆઇ ફુગાવાના અંદાજોમાં સુધારો કરી શકે છે તેમજ એક મત અનુસાર સીપીઆઇનો અંદાજ 5.5-6 ટકા રહી શકે છે, જે 6 ટકા સુધી પહોંચી શકે છે.
મહત્વપૂર્ણ છે કે પોલીસી સંબંધિત જાહેરાતના એક મહિના બાદ અચાનક વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે, જે સ્પષ્ટ કરે છે કે આરબીઆઇનું માનવું છે કે ફુગાવાનું જોખમ ગંભીર છે. ફુગાવાના ઉંચા દરથી વપરાશને નુકશાન થવાની સંભાવના રહે છે અને પરિણામે રોકાણને પણ અસર થાય છે. યુએસ ફેડરલ દ્વારા વ્યાજદરોમાં વધારો કરાય તે પહેલાં આરબીઆઇના નિર્ણયથી એક સંકેત પણ ગયો છે કે તેણે પરિસ્થિતિ સાથે તાલ મીલાવ્યો છે. વ્યાજદરમાં તીવ્ર વધારો આપણી અપેક્ષા કરતાં વધુ આક્રમક રેટ-હાઇક સાઇકલ માટેનો માર્ગ મોકળો કરે તેવી સંભાવના છે. એક અંદાજ મૂજબ વર્તમાન નાણાકીય વર્ષમાં વધુ ત્રણ વખત વ્યાજદરમાં વધારો સાથે રેપો રેટ 5.15 ટકાના સ્તરે રહી શકે છે.
જાણકારોનું માનવું છે કે વ્યાજદરનું સમગ્ર માળખું સખત રહી શકે છે અને તેના પરિણામે લોન મોંઘી થતાં ફિક્ડ્સ ડિપોઝિટ વધુ આકર્ષક બની શકે છે. ઉલ્લેખનીય છે કે ફુગાવાનું જોખમ વધી રહ્યું હતું અને આરબીઆઇનો વ્યાજદરોમાં વધારો કરવાનો નિર્ણય સાહસિક પગલું ગણી શકાય. આરબીઆઇએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તે ફુગાવાની પરિસ્થિતિ ઉપર નજર રાખી રહી છે. આરબીઆઇના નિર્ણય બાદ વિવિધ લોન મોંઘી થશે અને ઋણ ખર્ચ પણ વધશે.

એપ્રિલમાં રિટેલ ઓટો વેચાણમાં 37 ટકા વૃદ્ધિ નોંધાઈ
ઊંચી વૃદ્ધિ પાછળ એપ્રિલ 2021માં કોવિડને કારણે નીચા બેઝનો લાભ
એપ્રિલ 2019ની સરખામણીમાં વેચાણ હજુ પણ 6 ટકા નીચું

એપ્રિલ મહિનામાં દેશમાં ઓટોમોબાઈલ રિટેલ વેચાણમાં 37 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. એપ્રિલ 2021માં 11,87,771 યુનિટ્સના વેચાણ સામે ચાલુ વર્ષે એપ્રિલમાં 16,27,975 યુનિટ્સ વાહનોનું વેચાણ થયું હોવાનું ઓટો ડિલર્સ સંસ્થા ફાડાએ જણાવ્યું હતું.
વાર્ષિક ધોરણે પેસેન્જર વેહીકલ્સ અને ટુ-વ્હીલર્સ કેટેગરીઝ સહિત તમામ કેટેગરીઝમાં વાહનોનું વેચાણ ગયા એપ્રિલ મહિનાની સરખામણીમાં ઊંચું જોવા મળ્યું હતું. પેસેન્જર વેહીકલ્સનું રજિસ્ટ્રેશન્સ ગયા મહિને 2,64,342 યુનિટ્સ પર રહ્યું હતું જે એપ્રિલ 2021માં 2,10,682 યુનિટ્સની સરખામણીમાં 25 ટકા વૃદ્ધિ દર્શાવે છે. આ જ રીતે ટુ-વ્હીલરનું વેચાણ 11,94,520 યુનિટ્સ પર રહ્યું હતું. જે ગયા વર્ષની સરખામણીમાં 38 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કમર્સિયલ વાહનોનું વેચાણ ગયા વર્ષે 51515 યુનિટ્સની સામે 52 ટકા વૃદ્ધિ સાથે 78,398 યુનિટ્સ પર રહ્યું હતું. જ્યારે થ્રી-વ્હીલરનું વેચાણ 96 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. ટ્રેકટર્સના રજિસ્ટ્રેશન્સમાં 26 ટકાની વાર્ષિક વૃદ્ધિ જોવા મળી હતી. ફાડાના જણાવ્યા મુજબ એપ્રિલ 2022માં વાર્ષિક સરખામણી સારો દેખાવ દર્શાવી રહી છે પરંતુ એપ્રિલ 2020 અને એપ્રિલ 2021માં રાષ્ટ્રવ્યાપી લોક-ડાઉનની અસર જોવા મળી હતી. જે દરમિયાન નગણ્ય બિઝનેસ જોવા મળ્યો હતો. જો એપ્રિલ 2019 સાથે સરખામણી કરીએ તો હજુ પણ ઓટો રિટેલ સેલ્સ તે સ્તરે નથી પહોચ્યું. હજુ પણ 2019ની સરખામણીમાં તે 6 ટકા ઘટાડ સૂચવે છે. ફાડા દેશમાં 15000 ઓટો ડિલર્સનું પ્રતિનિધિત્વ ધરાવે છે. જેઓ કુલ 26500 ડિલરશીપ્સ ધરાવે છે.

ફેડ રેટ વૃદ્ધિને પચાવી ગોલ્ડ સહિતની કોમોડિટીઝમાં મજબૂત સુધારો
વૈશ્વિક ગોલ્ડના ભાવ 32 ડોલર ઉછળી 1900 ડોલર પર ટ્રેડ થયા
એમસીએક્સ સિલ્વર ફ્યુચર્સમાં 2 ટકાથી વધુ ઉછાળો નોંધાયો
નેચરલ ગેસ, ક્રૂડ, બેઝ મેટલ્સ અને કોટન જેવી કોમોડિટીઝ પણ મક્કમ

યુએસ ફેડ દ્વારા બહુ અપેક્ષિત 50 બેસીસ પોઈન્ટ્સની આક્રમક રેટ વૃદ્ધિને પચાવી કોમોડિટીઝ બજારમાં તેજી પરત ફરી હતી. કિંમતી ધાતુઓ સહિત બેઝ મેટલ્સ, ક્રૂડ અને કોટનના ભાવ ગુરુવારે પોઝીટીવ ટ્રેન્ડ દર્શાવી રહ્યાં છે. વૈશ્વિક કોમક્સ ખાતે ગોલ્ડ ફ્યુચર્સ તેના અગાઉના બંધ સામે એક ટાથી વધુ સુધારે ટ્રેડ દર્શાવી રહ્યો હતો. જ્યારે ચાંદીમાં 2 ટકાનો ઉછાળો જોવા મળતો હતો. જ્યારે ક્રૂડ પણ સપ્તાહની ટોચ પર ટ્રેડ થઈ રહ્યું હતું.
છેલ્લાં એક પખવાડિયાથી ફેડ તરફથી 50 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિના સંકેતો આપવામાં આવી રહ્યાં હતાં અને તેથી ઈક્વિટી સહિત કોમોડિટીઝ બજારો તેને મહ્દઅંશે ડિસ્કાઉન્ટ કરી ચૂક્યાં હતાં. જોકે આમ છતાં એનાલિસ્ટ્સ યુએસ ફેડ રેટ વૃદ્ધિ પાછળ તત્કાળ પ્રતિક્રિયારૂપે ગોલ્ડમાં ઘટાડાની શક્યતાં વ્યક્ત કરી રહ્યાં હતાં. તેમની ધારણાને કંઈક અંશે સાચી ઠેરવતાં કોમેક્સ ગોલ્ડ ચાલુ સપ્તાહની શરૂઆતથી 1900 ડોલર નીચે ટ્રેડ દર્શાવી રહ્યું હતું. જ્યારે બુધવારે તે 1860 ડોલરની નજીક ટ્રેડ થયું હતું. જોકે ફેડ રેટ વૃદ્ધિ બાદ તેણે સુધારો દર્શાવ્યો હતો. ગુરુવારે સવારે કોમેક્સ ગોલ્ડ તેના અગાઉના 1868 ડોલરના બંધ ભાવ સામે 32 ડોલર મજબૂતી પાછળ 1900 ડોલરની સપાટી પર ટ્રેડ થયાં બાદ તેની આસપાસ અથડાતું રહ્યું હતું. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડ જૂન વાયદો એક ટકા મજબૂતી સાથે રૂ. 540ના સુધારે રૂ. 51150ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું કરતાં ચાંદીમાં વધુ ખરીદી જોવા મળી હતી. સિલ્વર જુલાઈ વાયદો 2.22 ટકા અથવા રૂ. 1376ના સુધારે રૂ. 63490ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી એનાલિસ્ટ્સના મતે વૈશ્વિક બજારમાં ગોલ્ડ 1900 ડોલરના સાયકોલોજિકલ લેવલ પર ટકી જશે તો 1950 ડોલર સુધીનો સુધારો દર્શાવી શકે છે. કેમકે ફુગાવાનું જોખમ ઝડપથી દૂર થવાની શક્યતા નથી. તેને કારણે જ અગ્રણી સેન્ટ્રલ બેંક્સ આક્રમક રેટ વૃદ્ધિનું વલણ અપનાવી રહી છે. બુધવારે આરબીઆઈએ પણ ઓચિંતા નિર્ણયમાં રેપો રેટમાં 40 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી હતી. બીજી બાજુ જીઓ-પોલિટીકલ રિસ્ક પણ ઊભું છે. જેને કારણે રિસ્ક-ઓફ મૂડ બનેલો છે. રોકાણકારોનો એક વર્ગ ઈક્વિટી જેવા એસેટ ક્લાસમાંથી ગોલ્ડમાં તબદિલ થઈ રહ્યો છે. જે ગોલ્ડને સપોર્ટ પૂરો પાડશે. ચાલુ કેલેન્ડરના બીજા અર્ધવાર્ષિકગાળામાં ગોલ્ડ 2000 ડોલરની સપાટી પાર કરે તેવી શક્યતાં જોવાઈ રહી છે.
કિંમતી ધાતુઓ ઉપરાંત નેચરલ ગેસ, કોપર, કોટન અને ક્રૂડ જેવી કોમોડિટીઝના ભાવ પણ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. એમસીએક્સ નેચરલ ગેસ વાયદો 1.2 ટકા મજબૂતી સાથે રૂ. 649ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. જ્યારે મે કોપર વાયદ લગભગ એક ટકા મજબૂતી સાથે રૂ. 772 પર ટ્રેડ થતો હતો. મે કોટન વાયદો પણ એક ટકા આસપાસની મજબૂતીએ રૂ. 46670ની સર્વોચ્ચ સપાટી નજીક જોવા મળી રહ્યો હતો. ન્યૂ યોર્ક કોટન વાયદો 155.93 સેન્ટ્સની 11 વર્ષની નવી ટોચ આસપાસ ટ્રેડ દર્શાવી રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ વાયદો સવારના ભાગમાં 111 ડોલરની સપાટી પાર કરી બપોરે ફ્લેટ-ટુ-પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યો હતો. ચાલુ કેલેન્ડર સુધીમાં રશિયન એનર્જી આયાતને સંપૂર્ણપણે બંધ કરવાના યુરોપના નિર્ણય પાછળ એનર્જી પ્રોડક્ટ્સમાં મજબૂતી જોવા મળી રહી છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

એબીબી ઈન્ડિયાઃ કેપિટલ ગુડ્ઝ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 370 કરોડનો નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 145 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 151 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીની આવક રૂ. 1629 કરોડ સામે વધી રૂ. 1968 કરોડ પર જોવા મળી હતી.
તાતા કન્ઝ્યૂમરઃ તાતા જૂથની રિટેલ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 239 કરોડનો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 250 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે કંપનીએ રૂ. 74.35 કરોડનો નફો નોંધાવ્યો હતો. ત્રિમાસિક ધોરણે કંપનીના નફામાં 17.6 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં તેણે રૂ. 290 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવક રૂ. 3175 કરોડ પર જોવા મળી હતી.
હેવેલ્સઃ કન્ઝ્યૂમર ડ્યૂરેબલ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 352.5 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 16 ટકા વૃદ્ધિ સૂચવે છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 304 કરોડ પર હતો. કંપનીનું વેચાણ 32.55 ટકા વધી રૂ. 4426.26 કરોડના સ્તરે જોવા મળ્યું હતું. કંપનીના બોર્ડે રૂ. 4.5ના ફાઈનલ ડિવિડન્ડને મંજૂરી આપી હતી.
ઓરેકલ ફાઈનાન્સિયલઃ આઈટી સોફ્ટવેર કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 540 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 413 કરોડની સરખામણીમાં 31 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. કંપનીનું ચોખ્ખું વેચાણ રૂ. 896.75 કરોડના ગયા વર્ષના સ્તરેથી 27.48 ટકા ઉછળી રૂ. 1143.17 કરોડ પર જોવા મળ્યું હતું.
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાઃ પીએસયૂ બેંક માર્ચ 2023 સુધીમાં 600 જેટલી શાખાઓ બંધ કરે તેવા અહેવાલ છે. જે તેના વર્તમાન બ્રાન્ચ નેટવર્કનો 13 ટકા જેટલો હિસ્સો થવા જાય છે. બેંક તેની નુકસાન કરી રહેલી શાખાઓને ચાલુ વર્ષે બંધ કરે તેવી શક્યતાં છે. બેંકે તેની નાણાકિય સ્થિતિ સુધારવા માટે લીધેલો આ આકરો નિર્ણય છે. જ્યારબાદ તે તેની નોન-કોર એસેટ્સ જેવીકે રિઅલ એસ્ટેટનું વેચાણ કરશે. 100-વર્ષો કરતાં પણ લાંબા સમયથી અસ્તિત્વ ધરાવતી બેંક હાલમાં 4594 શાખાઓ ધરાવે છે.
જેકેઆઈએલઃ જાણીતા રોકાણકાર સુનીલ સિંઘાનિયાની માલિકીના અબાકસ ગ્રોથ ફંડ-2એ જેકેઆઈએલમાં 20.05 લાખ શેર્સની ખરીદી કરી છે.
ઈન્ડિયાબુલ્સ રિઅલઃ બોફા સિક્યૂરિટીઝ યૂરોપ એસએએ રિઅલ્ટી કંપનીમાં ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ મારફતે 37 લાખ શેર્સની ખરીદી કરી છે.
વિપ્રોઃ અગ્રણી આઈટી કંપનીએ ગ્રાહકોના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને મજબૂત બનાવવા માટે વીએમવેર સાથે ભાગીદારીને વ્યાપક બનાવી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage