Market Summary 5 October 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
તેજીવાળાઓએ પકડ મજબૂત બનાવી
સતત બીજા દિવસે ભારતીય બજારમાં તેજી જોવા મળી હતી. બેન્ચમાર્ક ફરી એકવાર 17800ના સ્તર પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી 17640ના દિવસના તળિયાથી બપોર બાદ સુધરતો રહ્યો હતો અને 17833ની ટોચ પર ટ્રેડ થઈ 17822 પર બંધ રહ્યો હતો. નિફ્ટી ફ્યુચર્સ 15 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 13837 પર બંધ રહ્યો હતો. માર્કેટને મુખ્ય સપોર્ટ હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી સાંપડ્યો હતો. કંપનીનો શેર રૂ. 2600ની સપાટી કૂદાવી ગયો હતો. પીએસયૂ અગ્રણી ઓએનજીસીએ પણ બજારને નોંધપાત્ર સપોર્ટ પૂરો પાડ્યો હતો. જેની પાછળ નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 2.3 ટકા ઉછળ્યો હતો. માર્કેટમાં તેજી બ્રોડ બેઝ હતી. બીએસઈ ખાતે 2000થી વધુ શેર્સમાં સુધારો જ્યારે 1200 શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ONGC ફરી રૂ. 2 લાખ કરોડ ક્લબમાં પરત ફરી
જાહેર ક્ષેત્રની અપસ્ટ્રીમ ઓઈલ કંપની ઓએનજીસીના શેરમાં મંગળવારે 11 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. કંપનીનો શેર રૂ. 164.40ની સપાટી પર ટ્રેડ થયો હતો. જે તેની છેલ્લાં 4 વર્ષની ટોચનું સ્તર હતું. આ સાથે જ કંપનીનું માર્કેટ-કેપિટલાઈઝેશન રૂ. 2 લાખ કરોડની સપાટીને પાર કરી ગયું હતું અને તે ટોની 20 કંપનીઓમાં પ્રવેશ પામી હતી. એક સમયે ઓએનજીસી શેરબજારો પર સૌથી ઊંચું વેલ્યૂએશન ધરાવતી હતી. જોકે છેલ્લાં 10 વર્ષોમાં કંપનીના શેરના મોટા અન્ડરપર્ફોર્મન્સને કારણે ખાનગી ક્ષેત્રના હરિફો કરતાં તે ઘણી પાછળ રહી ગઈ હતી. પીએસયૂ કંપનીઓમાં એસબીઆઈ બાદ માર્કેટ-કેપમાં તે બીજા ક્રમે જોવા મળી રહી છે. વૈશ્વિક બજારોમાં ક્રૂડ અને ગેસના ભાવમાં તીવ્ર વૃદ્ધિને કારણે અપસ્ટ્રીમ કંપનીઓને નોંધપાત્ર લાભની શક્યતાં પાછળ ઓએનજીસીના શેરમાં છેલ્લાં કેટલાક દિવસોથી ભારે સુધારો જોવા મળ્યો છે. તાજેતરમાં સરકારે એક ઓક્ટોબરથી ગેસના ભાવ રિવાઈઝ કરતાં કંપનીને મળતરમાં વૃદ્ધિ થશે. એનાલિસ્ટ્સ માને છે કે આગામી બે નાણાકિય વર્ષોમાં કંપનીની નફાકારક્તામાં સરેરાશ 35-40 ટકાની વૃદ્ધિ જોવા મળી શકે છે અને હાલમાં બજાર આ શક્યતાને ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે. કંપનીના કેજી બેસીનના ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે.
સપ્ટેમ્બરમાં FPIsએ ભારતીય બજારમાં રૂ. 26517 કરોડ ઠાલવ્યાં
વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બર મહિનામાં ભારતીય બજારમાં કુલ રૂ. 26517 કરોડનું રોકાણ કર્યું હતું. જેમાં ઈક્વિટીઝમાં તેમણે રૂ. 13154 કરોડનું જ્યારે ડેટ સેગમેન્ટમાં રૂ. 13363 કરોડનું રોકાણ નોંધાવ્યું હતું એમ ડિપોઝીટરી ડેટા જણાવે છે. ઓગસ્ટમાં પણ એફઆઈઆઈએ રૂ. 16459 કરોડનું ચોખ્ખું રોકાણ દર્શાવ્યું હતું. સપ્ટેમ્બરમાં મોટાભાગના ઈમર્જિંગ બજારોએ પોઝીટીવ ઈનફ્લો દર્શાવ્યો હતો. જેમાં ભારતીય બજારે સૌથી ઊંચો ઈનફ્લો નોંધાવ્યો હતો. દક્ષિણ કોરિયાએ 88.4 કરોડ ડોલર, થાઈલેન્ડે 33.8 કરોડ ડોલર અને ઈન્ડોનેશિયાએ 30.5 કરોડ ડોલરનો ઈનફ્લો મેળવ્યો હતો. વિદેશી રોકાણકારો છેલ્લાં કેટલાંક મહિનાઓમાં જોવા મળતાં સાવચેતીના વલણને ત્યજીને હવે બજારોમાં રોકાણ કરી રહ્યાં હોવાનું વર્તુળો જણાવે છે. સોમવારે ભારતીય બજારમાં એફઆઈઆઈ અને સ્થાનિક સંસ્થાઓ, બંનેની ખરીદી જોવા મળી હતી.
ક્રૂડના ભાવ 3 વર્ષની ટોચ પર પહોંચ્યાં
વૈશ્વિક ક્રૂડના ભાવ ત્રણ વર્ષોની ટોચ પર પહોંચ્યાં હતાં. યુએસ ખાતે ડબલ્યુટીઆઈ લાઈટ સ્વીટ ક્રૂડનો ભાવ 2015 પછી પ્રથવાર 78 ડોલર પ્રતિ બેરલની સપાટી પર ટ્રેડ થયો હતો. તેણે 78.36 ડોલરની ટોચ દર્શાવી હતી. મંગળવારે તે 78 ડોલરના સ્તરે ટ્રેડ દર્શાવી રહ્યો હતો. જ્યારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 81.98 ડોલરની ટોચ દર્શાવ્યાં બાદ 81.75 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. તેણે વાર્ષિક ધોરણે 107 ટકાનું વળતર દર્શાવ્યું છે. એમસીએક્સ ખાતે ઓક્ટોબર ક્રૂડ વાયદો રૂ. 5819ના સ્તરે ફ્લેટ ટ્રેડિંગ દર્શાવી રહ્યો હતો.

કેમિકલ્સના ભાવોમાં તેજી પાછળ ઉત્પાદક કંપનીઓના શેરમાં તેજીના ઘોડાપૂર
વિવિધ રસાયણ ઉત્પાદક કંપનીઓના શેર્સ છેલ્લાં એક મહિનામાં 80 ટકા જેટલા ઉછળ્યાં
કેમિકલ્સ કંપનીઓના શેર્સ છેલ્લાં સવા મહિનામાં જોતજોતામાં 60 ટકા જેટલી વૃદ્ધિ દર્શાવી રહ્યાં છે. વિવિધ કેમિકલ્સના ભાવમાં છેલ્લાં ત્રણ મહિનામાં તીવ્ર ઉછાળા પાછળ ઉત્પાદક કંપનીઓના શેર્સમાં રોકાણકારોએ ખરીદી માટે દોટ મૂકી છે. માર્કેટ વર્તુળોના મતે કેમિકલ કંપનીઓ બીજી અને ત્રીજા ક્વાર્ટરમાં ખૂબ સારા અર્નિંગ્સ રજૂ કરે તેવી શક્યતાં પાછળ ખરીદી જોવા મળી રહી છે.
ચાલુ સપ્તાહે શરૂઆતી બે ટ્રેડિંગ સત્રોમાં કેમિકલ્સ કંપનીઓએ તીવ્ર ઉછાળો દર્શાવ્યો છે. મંગળવારે સવારે બજાર ફ્લેટ ઓપનીંગ દર્શાવતું હતું ત્યારે પણ મોટાભાગની કેમિકલ કંપનીઓના શેર્સ 10-20 ટકાના સુધારા સાથે ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જેમાં સ્મોલ અને મીડ સાઈઝ કંપનીઓ મુખ્ય હતી. જેમકે ડીસીડબલ્યુનો શેર 20 ટકાની ઉપલી સર્કિટમાં બંધ રહ્યો હતો. કેટલાંક અન્ય શેર્સમાં અક્ષર કેમ(19 ટકા), ધરમશી મોરારજી(18 ટકા), શ્રી પુષ્પક(12 ટકા), જીએનએફસી(11 ટકા), બોદાલ કેમિકલ(10 ટકા), લાઈમ કેમિકલ(10 ટકા) અને જીએસએફસી(9 ટકા)નો સુધારો દર્શાવતાં હતાં.
જો સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં જોઈએ તો ગુજરાત આલ્કલીઝના શેરમાં 79 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. કંપનીનો શેર 31 ઓગસ્ટે રૂ. 449ના ભાવ સામે મંગળવારે રૂ. 805ના સ્તરે બંધ રહ્યો હતો. ડીસીડબલ્યુનો શેર પણ આ ગાળામાં રૂ. 35.80ના સ્તરેથી 78 ટકા ઉછળી રૂ. 63.55 પર જોવા મળે છે. આ સિવાય થિરુમલાઈ કેમ(56 ટકા), મનાલી પેટ્રો(54 ટકા), જીએનએફસી(50 ટકા), જીએસએફસી(45 ટકા) અને આઈજી પેટ્રો(45 ટકા)નું રિટર્ન દર્શાવી રહ્યાં છે. કેમિકલ્સ શેર્સમાં સુધારાનું કારણ વિવિધ કેમિકલ્સના ભાવમાં જોવા મળેલી તીવ્ર વૃદ્ધિ છે. જેમકે જૂન ક્વાર્ટરમાં રૂ. 27 પ્રતિ કિગ્રા પર ચાલી રહેલા કોસ્ટીક સોડાના ભાવ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 40 પર પહોંચ્યાં છે. જેનો લાભ ગુજરાત આલ્કલીઝ જેવી કંપનીને મળ્યો છે. ડીસીએમ શ્રીરામ અને મેઘમણી ફાઈનકેમનો પણ તેનો લાભ મળ્યો છે. એચ એસિડનો ભાવ રૂ. 450 પરથી ઉછળી રૂ. 750 પર જોવા મળ્યો છે. જેને કારણે બોદાલ કેમિકલ, શ્રી પુષ્કર, કિરી ઈન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓને ફાયદો થયો છે. ટીડીઆઈના ભાવ રૂ. 160 પરથી વધી રૂ. 220 પર પહોચ્યાં છે. જેને કારણે ગુજરાત સરકારના સાહસ જીએનએફસીને મોટો ફાયદો થયો છે. એસેટીક એસિડના ભાવ રૂ. 90 પરથી રૂ. 120 બનતાં પણ કંપનીને લાભ થયો છે. વિક નાઈટ્રીક એસિડનો ભાવ પણ 25 ટકા ઉછળ્યો છે. જેનું ઉત્પાદન કંપની કરે છે. કંપનીનો શેર તેની ત્રણ વર્ષની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. વિનાઈલ સલ્ફોનના ભાવ રૂ. 225થી 350 થતાં બોદાલ કેમિકલ્સ તથા કિરી ઈન્ડ.ને લાભ મળી રહ્યો છે. ફોસ્ફરિક એસિડના ભાવમાં સોમવારે એક દિવસમાં રૂ. 100નો ઉછાળો નોંધાયો હતો. જ્યારે વિવિધ રેફ્રિજરેન્ટ્સના ભાવમાં પણ સરેરાશ 5-7 ટકાની ભાવ વૃદ્ધિને કારણે એસઆરએફ, નવીન ફ્લોરિન અને ગુજરાત ફ્લોરો જેવી કંપનીઓને લાભ મળ્યો છે. જેની પાછળ કંપનીઓના શેર્સમાં કેટલોક સમય કોન્સોલિડેશન બાદ ફરી તેજીનો સંચાર થયો છે.

મંગળવારે કેમિકલ્સ કંપનીઓનો દેખાવ
સ્કિપ્સ વૃદ્ધિ(ટકામાં)
DCW 20
અક્ષર કેમ 19
ધરમશી મોરારજી 18
શ્રી પુષ્પક 12
જીએનએફસી 11
બોદાલ કેમિકલ 10
લાઈમ કેમિકલ 10
જીએસએફસી 9
ગુજરાત આલ્કલીઝ 8
વિનાઈલ ઈન્ડિયા 8


IPOમાં ફાળવણીમાં નાના HNIના હિતમાં કેટેગરીને બે ભાગમાં વહેંચવાનો પ્રસ્તાવ
સેબીના પ્રસ્તાવ મુજબ એક સેગમેન્ટ રૂ. 2 લાખથી રૂ. 10 લાખની અરજીનું જ્યારે બીજું રૂ. 10 લાખથી વધુની અરજીનું રહેશે
રેગ્યુલેટરે પ્રપોશનેટ એલોટમેન્ટ ફાળવણીની વર્તમાન પધ્ધતિને બંધ કરી ડ્રો સિસ્ટમ અપનાવવાનો વિચાર મૂક્યો
માર્કેટ રેગ્યુલેટર સેબી આઈપીઓમાં હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યૂલ(એચએનઆઈ) માટે શેર એલોટમેન્ટ પ્રોસેસમાં આમૂલ પરિવર્તન માટે વિચારી રહી છે. સોમવારે આ સંબંધમાં તેણે રજૂ કરેલા કન્સલ્ટેશન પેપરમાં તેણે એચએનઆઈ કેટેગરીને બે ભાગમાં વહેંચવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેથી નાની ટિકિટ સાઈઝ ધરાવતાં એચએનઆઈના હિતોનો ખ્યાલ રાખી શકાય. આ પેપરમાં સેબીએ લોઅર અને અપર બેન્ડ વચ્ચે લઘુત્તમ 5 ટકાના પ્રાઈસ બેન્ડનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. સાથે જ તેણે એચએનઆઈ માટે હાલમાં ઉપયોગમાં લેવાતી પ્રપોશનેટ બેસિસ આધારિત ફાળવણી પ્રક્રિયાને બંધ કરી ડ્રો આધારિત એલોટમેન્ટ માટેનો વિચાર રજૂ કર્યો છે.
એ વાત ઉલ્લેખનીય છે કે છેલ્લાં એક વર્ષમાં બજારમાં પ્રવેશેલાં આઈપીઓમાં એચએનઆઈ કેટેગરી તરફથી ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે અને એચએનઆઈ સેગમેન્ટમાં 100-200 ગણા જેટલા ભરણા છલકાવાને કારણે ઓવરઓલ ભરણામાં જંગી વૃદ્ધિ જોવા મળી છે. હાલમાં રૂ. 2 લાખથી વધુ રકમની અરજી કરનારા વર્ગને એચએનઆઈ ગણવામાં આવે છે.
સેબીએ એચએનઆઈ સેગમેન્ટને બે ભાગમાં વહેંચવાનો વિચાર નાના એચએનઆઈને ધ્યાનમાં રાખીને કર્યો છે. આઈપીઓ દરમિયાન મોટા એચએનઆઈની મોટી અરજીઓને કારણે નાના એચએનઆઈને ફાળવણીમાં નુકસાનીનો સામનો કરવાનો થાય છે. જે કારણે જ આ બકેટને બે ભાગમાં વહેંચવા જરૂરી હોવાનું રેગ્યુલેટર માને છે. જેમાં એક સેગમેન્ટ રૂ. 2 લાખથી રૂ. 10 લાખ સુધીની અરજીનું રહેશે. જ્યારે બીજુ સેગમેન્ટ રૂ. 10 લાખથી વધુની અરજીનું રહેશે. હાલમાં આઈપીઓ રોકાણકારોને ત્રણ બ્રોડ કેટેગરીઝમાં વિભાગવામાં આવેલાં છે. એક ઈન્સ્ટીટ્યુશ્નલ ઈન્વેસ્ટર્સ, બીજા નોન-ઈન્સ્ટીટ્યુશ્નલ ઈન્વેસ્ટર્સ(એનઆઈઆઈ અથવા એચએનઆઈ) અને ત્રીજા રિટેલ ઈન્વેસ્ટર્સ. આમાં ઈન્સ્ટીટ્યુશ્નલ ઈન્વેસ્ટર્સમ માટે 50 ટકા હિસ્સો અનામત રાખવામાં આવતો હોય છે. જ્યારે રિટેલ માટે 35 ટકા હિસ્સો અનામત રાખવામાં આવતો હોય છે. જે કંપનીઓ પ્રોફિટેબિલિટીના ટ્રેક રેકર્ડનું પાલન નથી કરતી હોતી તેવા કિસ્સામાં રિટેલ સેગમેન્ટમાં 15 ટકા હિસ્સો અનામત રાખવાનો નિયમ છે. જે વખતે સંસ્થાઓને 75 ટકા હિસ્સો ઓફર કરવામાં આવે છે. આમ એચએનઆઈ સેગમેન્ટ માટે માત્ર 15 ટકા હિસ્સો અનામત રહેતો હોય છે.
સેબીએ કેલેન્ડર 2018ની શરૂઆતથી એપ્રિલ 2021 સુધી બજારમાં પ્રવેશેલાં આઈપીઓના હાથ ધરેલા એક અભ્યાસ મુજબ 29 આઈપીઓમાંથી એચએનઆઈ કેટેગરીમાંથી અરજી કરનારા સરેરાશ 60 ટકા લોકોને કોઈ શેર્સની ફાળવણી કરવામાં આવી નહોતી. આમાં કેટલાક કિસ્સાઓમાં તો રૂ. 75 લાખ સુધીની અરજી કરનારા એચએનઆઈને એક પણ શેર ફાળવાયો નહોતો. જેને ધ્યાનમાં રાખીને સેબીએ એચએનઆઈને બે કેટગરીમાં વહેંચવાનું નક્કી કર્યું છે. સેબીએ ચર્ચાપત્રમાં નોંધ્યું છે કે આઈપીઓનો ઉદ્દેશ્ય વિવિધ વર્ગોને સમાન ઓફરિંગનો હોય છે. એચએનઆઈ સેગમેન્ટમાં હાલની પ્રપોશનેટ એલોટમેન્ટ પધ્ધતિ નાના એચએનઆઈ માટે પડકાર ઊભો કરે છે. સેબીએ તેના પ્રસ્તાવ અંગે માર્કેટ પાસેથી પ્રતિભાવ મંગાવ્યાં છે. ઉદ્યોગ વર્તુળોના જણાવ્યા મુજબ આઈપીઓમાં એચએનઆઈ સેગમેન્ટને એલોટમેન્ટ માટે સૂચવવામાં આવેલા ફેરફારોની કેટેગરીમાં રોકાણકારો કેવી રીતે બિડીંગ કરશે તેના પર નોંધપાત્ર અસર જોવા મળશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage