Market Summary 5 October 2022

બ્લોગ કન્ટેન્ટ


રિટેલર્સ ઓપ્શન્સ ટ્રેડિંગ તરફ વળતાં સપ્ટેમ્બરમાં વિક્રમી વોલ્યુમ નોંધાયું
ઓગસ્ટમાં સરેરાશ રૂ. 135 લાખ કરોડના દૈનિક વોલ્યુમ સામે સપ્ટેમ્બરમાં રૂ. 152 લાખ કરોડનું કામકામ
સપ્ટેમ્બર 2021માં રૂ. 69031 કરોડના દૈનિક કામકાજ સામે 115 ટકાનો તીવ્ર ઉછાળો

દેશમાં સૌથી મોટા ડેરિવેટિવ્સ પ્લેટફોર્મ એનએસઈ ખાતે ઓપ્શન્સ ટ્રેડિંગ વોલ્યુમે સપ્ટેમ્બરમાં નવો વિક્રમ દર્શાવ્યો છે. ઓગસ્ટમાં રૂ. 135 લાખ કરોડના ઓપ્શન્સ કામકાજ સામે સપ્ટેમ્બરમાં 13 ટકા વૃદ્ધિ સાથે રૂ. 152 લાખ કરોડના કામકાજ નોંધાયાં હતાં. જ્યારે સપ્ટેમ્બર 2021માં રૂ. 69 હજારના દૈનિક ઓપ્શન્સ ટ્રેડિંગ સામે તો 115 ટકાથી ઊંચી વૃદ્ધિ જોવા મળી છે. સેબીએ પીક માર્જિન રિક્વાર્યમેન્ટ્સ માટે નવું ફ્રેમવર્ક બહાર પાડતાં રિટેલ ટ્રેડર્સ કેશ સેગમેન્ટ તરફથી ઓપ્શન્સ ટ્રેડિંગ વળ્યાં હોવાના કારણે આમ બન્યું હોવાનું શેર માર્કેટ વર્તુળો જણાવે છે.
ન્યૂ ડેટા પેટર્ન પાછળ માર્કેટની રેંજ બાઉન્ડ પેટર્ન તથા ટ્રેડર્સની સાયકોલોજીમાં બદલાવ પણ કારણભૂત હોવાનું તેઓ ઉમેરે છે. એનએસઈ અને બીએસઈના સંયુક્ત કેશ સેગમેન્ટ વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 11 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર 2021માં દૈનિક સરેરાશ રૂ. 74700 કરોડના વોલ્યુમ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 66900 કરોડનું કેશ સેગમેન્ટ ટ્રેડિંગ જોવા મળ્યું હતું. રિટેલ ઈન્વેસ્ટર્સમાં ઓપ્શન્સ ટ્રેડિંગ લોકપ્રિય બની રહ્યું છે. મર્યાદિત રિસ્ક સામે ઊંચા લાભની આશામાં તેઓ ઓપ્શન્સ તરફ વળી રહ્યાં છે. કુલ ઓપ્શન પ્રિમીયમ વેલ્યૂ ટ્રેડેડમાં રિટેલ હિસ્સો 35.9 ટકા પર જોવા મળી રહ્યો છે. જે 2021-22માં 33.7 ટકા પર હતો. સંખ્યાબંધ બ્રોકર્સ તરફથી ઓપ્શન્સ ટ્રેડિંગ પર રજૂ કરવામાં આવેલી ફ્લેટ બ્રોકરેજને કારણે પણ ઓપ્શન્સમાં રસ વધ્યો છે. તે કોસ્ટ-ઈફેક્ટિવ હેજિંગ ટુલ્સ તરીકે ઊભર્યાં છે. સાથે સ્પેક્યૂલેશન માટે પણ એક આદર્શ ઈન્સ્ટ્રુમેન્ટ્સ છે એમ બ્રોકર્સ જણાવે છે. ઓપ્શન્સ ટ્રેડર્સમાં એક નવો ટ્રેડર વર્ગ ઊભો થયો છે. જેમાં સ્ટુડન્ટ્સ, ગૃહિણીઓ, નાન બિઝનેસમેનનો સમાવેશ થાય છે. જેઓ મર્યાદિત કેપિટલ ધરાવે છે. ઓપ્શન્સ આવા ટ્રેડર્સને નીચી મૂડી સાથે એક્સપોઝરની છૂટ આપે છે એમ એક બ્રોકરેજના સીઈઓ જણાવે છે. કેશ સેગમેન્ટમાં માર્જિન્સ સખત બનવાને કારણે પણ રિટેલ ટ્રેડર્સ ઓપ્શન્સ તરફ વળ્યાં છે. એફએન્ડઓ સેગમેન્ટમાં ફ્યુચર્સ ટ્રેડિંગમાં સાધારણ વૃદ્ધિ જોવા મળે છે. સપ્ટેમ્બર 2022માં ફ્યુચર ટ્રેડિંગ વોલ્યુમ માસિક ધોરણે 5.5 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1.27 લાખ કરોડ પર નોંધાયું હતું. ઓગસ્ટમાં તે રૂ. 1.19 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જ્યારે વાર્ષિક ધોરણે તેમાં નજીવી વૃદ્ધિ જોવા મળી હતી. સપ્ટેમ્બર 2021માં દૈનિક ફ્યુચર્સ ટ્રેડિંગ વોલ્યુમ રૂ. 1.20 લાખ કરોડ પર રહી હતી. જે ડિસેમ્બર 2022માં ઘટી રૂ. 1.01 લાખ કરોડ પર તથા જૂન 2022માં રૂ. 1.05 લાખ કરોડ પર નોંધાઈ હતી. ઓક્ટોબર 2021માં નિફ્ટીએ સર્વોચ્ચ ટોચ દર્શાવી ત્યારે દૈનિક ફ્યુચર્સ વોલ્યુમ રૂ. 1.46 લાખ કરોડની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યાં હતાં.

એફએન્ડઓ સેગમેન્ટમાં માસિક કામકાજ(રૂ. કરોડમાં)
મહિનો ફ્યુચર્સ ઓપ્શન્સ
માર્ચ 1317 96675
એપ્રિલ 1324 104648
મે 1215 103032
જૂન 1056 111139
જુલાઈ 1095 110631
ઓગસ્ટ 1191 135489
સપ્ટેમ્બર 1267 152218



ગ્રામીણ માગ નબળી રહેતાં સપ્ટેમ્બરમાં FMCG સેલ્સમાં ઘટાડો
દેશના ગ્રામીણ વિસ્તારોમાં નબળી માગ પાછળ ફાસ્ટ-મૂવીંગ કન્ઝ્યૂમર ગુડ્ઝ કંપનીઓએ ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં વેચાણમાં ઘટાડો નોંધાવ્યો હતો. કંપનીઓએ તહેવારોની સિઝનને કારણે ઊંચો સ્ટોક ઊભો કર્યો હતો. જેનાથી વિપરીત સપ્ટેમ્બરમાં વેચાણ ઘટ્યું હતું એમ એક સર્વે જણાવે છે.
ગ્રામીણ વિસ્તારમાં એફએમસીજી કંપનીઓના વેચાણમાં ઓગસ્ટની સરખામણીમાં 14.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે અર્બન વિસ્તારમાં વેચાણ 1.1 ટકા જેટલું વધ્યું હતું. સમગ્રતયા તેમનું વેચાણ ઓગસ્ટની સરખામણીમાં 9.6 ટકા ઘટાડો દર્શાવતું હતું. એફએમસીજી કંપનીઓના કુલ વેચાણમાં 65-70 ટકા હિસ્સો ગ્રામીણ વેચાણનો હોય છે. ગ્રામીણ વિસ્તારોમાં વેચાણમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ કેટલાંક વિસ્તારોમાં વધુ પડતો વરસાદ હોવાનું સર્વે જણાવે છે. ભારે વરસાદને કારણે ફાર્મ યિલ્ડ્સ પર વિપરીત અસરને કારણે ઘરગથ્થુ આવક ઘટતાં વેચાણ પર અસર પડી હતી. ઉપરાંત ઊંચા કન્ઝ્યૂમર ઈન્ફ્લેશનને કારણે ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં કિરાણા સ્ટોર્સે સાવચેત અભિગમ દર્શાવી મર્યાદિત સ્ટોક ખરીદ્યો હતો. તેમણે ઓગસ્ટ મહિનાનો સ્ટોક ખલાસ થાય ત્યારબાદ જ નવો સ્ટોક ખરીદવાની નીતિ અપનાવી હતી. માસિક ધોરણે વેચાણમાં ઘટાડો દર્શાવતી કેટેગરીઝમાં કોમોડિટી પ્રોડક્ટ્સ મુખ્ય હતી. જેમાં ઘઉઁ, ચોખા, ખાદ્ય તેલ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે 14.5 ટકા ઘટાડો દર્શાવ્યો હતો. ત્યારબાદ 8.5 ટકા ઘટાડે હોમ કેર પ્રોડક્ટ્સ બીજા ક્રમે આવતી હતી. જોકે પર્સનલ કેર સેગમેન્ટ ફ્લેટ સેલ્સ સાથે અપવાદરૂપ જોવા મળ્યું હતું. એક અગ્રણી એફએમસીજી કંપનીએ તેના ત્રિમાસિક રિપોર્ટમાં નોંધ્યું હતું કે ક્વાર્ટર દરમિયાન એફએમસીજી કંપનીઓની કામગીરી નરમ જળવાય રહેશે. તેણે ઉમેર્યું હતું કે અર્બન વિસ્તારોની સરખામણીમાં રૂરલ વિસ્તારોમાં માગ વૃદ્ધિ નીચી જળવાશે. જો વાર્ષિક ધોરણે જોઈએ તો એફએમસીજીના વેચાણમાં 8.1 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વેચાણ વૃદ્ધિ દર 12.3 ટકાનો નોંધાયો હતો.

ગ્લોબલ CEOsના 86 ટકાને 12 મહિનામાં જણાઈ રહેલી મંદી
આગામી છ મહિનામાં 46 ટકા કોર્પોરેટ લીડર્સ જોબ કટ્સની શક્યતાં વ્યક્ત કરે છે

લગભગ 46 ટકા ગ્લોબલ ચીફ એક્ઝિક્યૂટીવ ઓફિસર્સ(સીઈઓ) આગામી છ મહિનામાં તેમના વર્કફોર્સમાં ઘટાડાની વિચારણા કરી રહ્યાં છે. જ્યારે 39 ટકા સીઈઓએ અગાઉથી જ નવા હાયરિંગ બંધ કર્યાં છે એમ કેપીએમજી 2022 સીઈઓ આઉટલૂક જણાવે છે.
સંસ્થાએ 12 જુલાઈથી 24 ઓગસ્ટ 2022 વચ્ચે હાથ ધરેલા 1325 સીઈઓના સર્વે મુજબ 86 ટકા સીઈઓ માની રહ્યાં છે કે મંદી આવી રહી છે. તેમને આગામી 12 મહિનામાં વૈશ્વિક સ્તરે આર્થિક મંદી જણાઈ રહી છે. જે મહામારી પછી જોવા મળી રહેલી આર્થિક રિકવરી પર દબાણ ઊભું કરશે. 86 ટકામાંથી 58 ટકા સીઈઓ માને છે કે મંદી મધ્યમ સ્તરની રહેવા સાથે ટૂંકાગાળાની હશે. જોકે મોટાભાગના લીડર્સ વૈશ્વિક અર્થતંત્રના આગામી ત્રણ વર્ષોના ગ્રોથ ભાવિને લઈને વિશ્વસ્ત જણાય છે. ફેબ્રુઆરી 2022માં સાઈબરસિક્યૂરિટી ગ્રોથ માટે એક ટોચના રિસ્ક તરીકે જોવામાં આવી રહ્યું હતું. જ્યારે તાજેતરના સર્વેક્ષણમાં સીઈઓ નવી ઊભરી રહેલી અને ડીસ્રપ્ટીવ ટેક્નોલોજીને આર્થિક ગ્રોથ સામે સૌથી મોટા પડકાર તરીકે ગણાવી રહ્યાં છે. કેપીએમજીએ ભારત સહિત વિશ્વમાં મહત્વના 11 માર્કેટ્સમાં આ સર્વે હાથ ધર્યો હતો.
તાતા સ્ટીલના એમડી અને સીઈઓ ટીવી નરેન્દ્રનના જણાવ્યા મુજબ જીઓપોલિટીકલ બાબતો પ્રથમ ક્રમના જોખમો છે. તેમના મતે સહુએ ભેગા મળી ‘ઓપ્ટીમાઈઝ્ડ’ તથા ‘રેસિલિઅન્ટ’ સપ્લાય ચેઈન્સનું નિર્માણ કરવું જોઈએ.

CEOsની આર્થિક મથામણ
• 58 ટકા માને છે કે આર્થિક મંદી મધ્યમ તથા ટૂંકાગાળાની હશે
• 75 ટકા માને છે કે આર્થિક મંદીને કારણે કોવિડ પછીની રિકવરી કઠિન બનશે
• 75 ટકાએ આગામી છ મહિના માટે હાયરિંગ બંધ કર્યાં છે.
• 80 ટકા તેમના એમ્પ્લોઈઝ બેઝમાં ઘટાડો કરવાનું નક્કી કરી ચૂક્યાં છે.



એપલે સપ્લાયર્સને એરપોડ્સનું ઉત્પાદન ભારતમાં ખસેડવા જણાવ્યું
ભારતના લોકલ મેન્યૂફેક્ચરિંગ માટેના પ્રયાસોને મળી રહેલી સફળતા

વૈશ્વિક ટેક જાયન્ટ એપલ ઈન્કે પ્રથમવાર તેના સપ્લાયર્સને કેટલાક એરપોડ્સ અને બિટ્સ હેડફોનનું ઉત્પાદન ભારતમાં ખસેડવા માટે જણાવ્યું હોવાનું નિક્કાઈએ નોંધ્યું છે. જેને ભારત તરફથી લોકસ મેન્યૂફેક્ચરિંગ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. એપલ આઈફોન એસેમ્બલર ફોક્સકોન ભારતમાં બિટ્સ હેડફોન્સ બનાવવા માટે તૈયારી કરી રહ્યો છે. સાથે તે ભારતમાં એરપોડ્સના ઉત્પાદનની આશા પણ રાખી રહ્યો છે એમ વર્તુળોને ટાંકીને અહેવાલ જણાવે છે.
આઈફોન ઉત્પાદકના ચાઈનીઝ સપ્લાયર લક્સશેર પ્રિસિસન ઈન્ડસ્ટ્રી અને તેના યુનિટ્સ પણ ભારતમાં એપલને તેના એરપોડ્સના ઉત્પાદનમાં સહાય કરવા વિચારી રહ્યાં છે એમ રિપોર્ટ નોંધે છે. જોકે લક્સશેર હાલામં તેના વિયેટનામ સ્થિત એરપોડ્સ ઓપરેશન્સ પર વધુ ધ્યાન આપી રહ્યું છે અને તેથી તેના હરિફો કરતાં ભારતમાં એપલ પ્રોડક્ટ્સના અર્થપૂર્ણ ઉત્પાદન બાબતે ધીમો જોવા મળી શકે છે. એપલ તરફથી રોઈટર્સની વિનંતી પર કોઈ ટિપ્પણી કરવામાં નહોતી આવી. ટેક જાયન્ટ આઈફોન ઉત્પાદનની કેટલીક કામગીરીને ભારત સહિત અન્ય દેશોમાં ખસેડી રહી છે. ભારતમાં તે અગાઉ આઈફોન 13નું ઉત્પાદન શરૂ કરી ચૂકી છે. તેમજ આઈપેડ ટેબલેટ્સના એસેમ્બલીંગ માટે પણ આયોજન કરી રહી છે. ગયા સપ્તાહે જ એપલે ભારતમાં આઈફોન 14ના ઉત્પાદન માટેની જાહેરાત પણ કરી હતી. મંગળવારે એક વૈશ્વિક મિડિયાના અહેવાલ મુજબ ભારતમાંથી આઈફોનની નિકાસ એપ્રિલથી પ્રથમ પાંચ મહિનામાં એક અબજ ડોલરને પાર કરી ગઈ હતી. માર્ચ 2023 સુધીમાં તે 2.5 અબજ ડોલરને પાર કરે તેવી શક્યતાં છે. એપલના તાજા પગલાને ચીનમાંથી તેના તબક્કાવાર ડાયવર્સિફિકેશનના ભાગરૂપે જોવાઈ રહ્યું છે. ભારત ઉપરાંત મેક્સિકો અને વિયેટનામ જેવા દેશો અમેરિકન બ્રાન્ડ્સ માટે કોન્ટ્રેક્ટ મેન્યૂફેક્ચરિંગ માટે મહત્વના બની રહ્યાં છે.



ઈન્ફ્લેશનને લઈને પોઝીટીવ સંકેતો પાછળ એશિયન બજારોમાં ઉછાળો
હોંગ કોંગ માર્કેટનો બેન્ચમાર્ક હેંગ સેંગ 6 ટકા ઉછળ્યો
યુએસ ખાતે ઓગસ્ટમાં જોબ ઓપનીંગ્સનો દર અઢી વર્ષમાં સૌથી વધુ ઘટતાં રેટ વૃદ્ધિ ધીમી પડે તેવી શક્યતાં

બુધવારે એશિયન શેરબજારોમાં તીવ્ર બાઉન્સ જોવા મળ્યું હતું. વૈશ્વિક સેન્ટ્રલ બેંકર્સે મોંઘવારીના દબાણ પર નિયંત્રણ માટે હાથ ધરેલી આક્રમક રેટ વૃદ્ધિ કામ કરી રહી હોવાના શરૂઆતી સંકેતો પાછળ યુએસ બજારોમાં સુધારા પાછળ એશિયન બજારો પણ ઉછળ્યાં હતાં. ભારતીય બજારમાં વિજયાદશમીના કારણે કામકાજ બંધ હતું ત્યારે એશિયન બજારોમાં હોંગ કોંગ માર્કેટ 5.9 ટકાનો તીવ્ર ઉછાળો દર્શાવી રહ્યું હતું. જે ઉપરાંત તાઈવાન અને કોરિયન બજારો પણ 2 ટકા જેટલો સુધારો સૂચવતાં હતાં.
યુએસ શેરબજારોએ સતત બીજા દિવસે તીવ્ર સુધારો જાળવી રાખતાં એમએસસીઆઈના સૌથી બ્રોડ ઈન્ડેક્સમાં 0.5 ટકા ઉછાળો જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયન માર્કેટમાં પણ 1.35 ટકાનો શરૂઆતી સુધારો નોંધાયો હતો. જ્યારે જાપાનનો નિક્કાઈ 0.5 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જોકે સૌથી ઊંચો ઉછાળો હોંગ કોંગ માર્કેટમાં જોવા મળ્યો હતો. હોંગ કોંગ માર્કેટ મંગળવારે રજા હોવાના કારણે યુએસ બજારોમાં બાઉન્સની પ્રતિક્રિયા દર્શાવી શક્યું નહોતું. આમ તેણે સોમવાર અને મંગળવારના બે બેક-ટુ-બેક યુએસ માર્કેટ ગેઈનની પ્રતિક્રિયા એક દિવસમાં દર્શાવી હતી. ઓસ્ટ્રેલિયન બજારમાં 13 સપ્ટેમ્બર પછી પહેલીવાર મજબૂત શરૂઆત જોવા મળી હતી. રિઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયાએ મંગળવારે અપેક્ષા કરતાં નીચી 25 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ દર્શાવતાં શેરબજારે બે વર્ષનો શ્રેષ્ઠ દિવસ દર્શાવ્યો હતો. યુએસ ખાતે ડાઉ જોન્સ અને એસએન્ડપી 500એ પણ મંગળવારે બે વર્ષમાં તેમનો ઉત્તમ દિવસ અનુભવ્યો હતો.
માર્કેટમાં સેન્ટિમેન્ટ પોઝીટીવ બનવાનું મુખ્ય કારણ યુએસ ખાતે રજૂ થયેલો ઓગસ્ટ માટેનો જોબ ઓપનીંગ્સ ડેટા હતો. જે અઢી વર્ષોમાં સૌથી વધુ ઘટાડો સૂચવી રહ્યો હતો. જોબ ઓપનીંગ્સમાં ઘટાડાને ફેડ રિઝર્વ્સ તરફથી લેવામાં આવી રહેલા રેટ વૃદ્ધિના ઉપાયો કામ કરી રહ્યાં હોવાના સંકેત તરીકે જોવામાં આવે છે. જેની પાછળ આગામી સપ્તાહોમાં માગ પર અસર પડશે અને ફુગાવામાં વૃદ્ધિ દર ઘટતો જોવા મળી શકે છે. જેને જોતાં ફેડ આક્રમક રેટ વૃદ્ધિના વલણને ત્યજે તેવું સંભવ છે. યુએસ ફેડ અત્યાર સુધીમાં ચાલુ વર્ષે છ રેટ વૃદ્ધિ દર્શાવી ચૂક્યું છે. જેમાં છેલ્લી ત્રણ બેઠકોમાં તેણે દરેકમાં 75 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ કરી છે. જ્યારે આગામી નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ તે 50-50 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિ કરે તેવું માનવામાં આવે છે. જોકે આગામી સપ્તાહે સપ્ટેમ્બર માટેનો કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ અપેક્ષાથી નીચો જોવા મળશે તો ફેડ તેની નિતીમાં ફેરફાર કરે તેવું બની શકે છે. જોકે ફુગાવાને કારણે હજુ પણ કેટલાંક સેન્ટ્રલ બેંકર્સ મૂંઝવણનો સામનો કરી રહ્યાં છે. જેના ભાગરૂપે ન્યૂ ઝિલેન્ડની બેંકે બુધવારે 50 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિ જાહેર કરી હતી. જોકે તેણે 75-બેસીસ પોઈન્ટ્સની રેટ વૃદ્ધિ અપેક્ષા સામે વાસ્તવિક વૃદ્ધિ નીચી જાળવી હતી.
વૈશ્વિક શેરબજારોમાં ઓક્ટોબરની શરૂઆતને પ્રમાણમાં સારી માનવામાં આવી રહી છે. એસએન્ડપી 500 માટે 1930 ઓક્ટોબર પછી આ ત્રીજી સૌથી સારી શરૂઆત છે એમ મેક્વેરિના એનાલિસ્ટ્સ જણાવે છે. જોકે માર્કેટ્સ બોટમ-આઉટ થઈ ચૂક્યાં છે કે પછી વર્તમાન સુધારો અલ્પજિવી છે તેને લઈને કોઈ ખાતરીપૂર્વક કશું કહી શકે એમ નથી. યુએસ ખાતે બુધવારે 10-વર્ષ માટેના બોન્ડ યિલ્ડ્સ સુધરી 3.625 ટકા પર જોવા મળ્યાં હતાં. જે મંગળવારે 3.617 ટકા પર રહ્યાં હતાં. બે વર્ષ માટેના યિલ્ડ મંગળવારના 4.097 ટકાના ક્લોઝ સામે 4.0905 પર ટ્રેડ થયા હતા. કરન્સી માર્કેટમાં ડોલર સામે યુરો 0.1 ટકા નરમાઈએ 0.9974 પર જોવા મળ્યો હતો. યુરોએ માસિક ધોરણે 1.97 ટકાનો સુધારો દર્શાવ્યો હતો. જ્યારે ડોલર ઈન્ડેક્સ 26 સપ્ટેમ્બરથી 4 ટકા જેટલો ગગડ્યો છે.





IT કંપનીઓ નવા નાણા વર્ષમાં 20 ટકા નીચી રિક્રૂટમેન્ટ કરે તેવી શક્યતાં
યુએસ-યુરોપમાં ઝળૂંબી રહેલી મંદી પાછળ કંપનીઓની નિમણૂંક ચાલુ વર્ષના સ્તરે જળવાય શકે

આગામી નાણાકિય વર્ષ 2023-24માં ભારતીય આઈટી કંપનીઓ તેમના કેમ્પસ પ્લેસમેન્ટ્સ અને એન્ટ્રી-લેવલ હાઈરિંગમાં 20 ટકા ઘટાડો કરે તેવી શક્યતાં છે. યુએસ અને યુરોપ ખાતે મંદીના ઝળૂંબી રહેલા ભયને કારણે આઈટી કંપનીઓએ તેમના હાયરિંગ તથા ઓનબોર્ડિંગની પ્રક્રિયાને અગાઉથી જ ધીમી કરી દીધી છે એમ અહેવાલો સૂચવે છે.
સોફ્ટવેર માર્કેટમાંથી મજબૂત સંકેતો છતાં ઈન્ડિયન ટેક કંપનીઓ ઊંચા એટ્રીશનનો સામનો કરી રહી છે. તેમજ તેમના માર્જિન્સ સંકડાઈ રહ્યાં છે. જેની અસર ફ્રેશર્સની હાયરિંગમાં જોવા મળે તેવી શક્યતાં છે એમ રિપોર્ટ જણાવે છે. ચાલુ નાણા વર્ષ 2022-23માં ઈન્ફોસિસ કોલેજ કેમ્પસિસમાંથી 50 હજાર લોકોની નિમણૂંક કરે તેવી અપેક્ષા છે. વિપ્રો અને ટીસીએસ પણ અનુક્રમે 30 હજાર અને 40 હજાર લોકોની નિમણૂંક કરે તેવી શક્યતાં છે. જ્યારે ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેક્નોલોજિસ પણ અનુક્રમે 15 હજાર અને 45 હજાર લોકોની નિમણૂંક કરે તેવી અપેક્ષા છે. તાજેતરમાં એવા અહેવાલો પણ જોવા મળ્યાં છે કે જેમને છ મહિના અગાઉ ઓફર લેટર્સ મોકલવામાં આવ્યાં હતાં તેમણે જોઈનીંગ ડેટ મેળવી નથી. આવા ઘણા ઉમેદવારોએ સોશ્યલ મિડિયામાં આ મુદ્દાને લઈને ચર્ચા છેડી છે. આ જોબ ઓફર્સ ફેબ્રુઆરી 2022 અગાઉ જ્યારે અર્થતંત્ર કોવિડની અસરમાંથી બહાર આવી રહ્યું હતું ત્યારે કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ રશિયા-યૂક્રેન યુધ્ધને કારણે ફુગાવામાં ઓચિંતી વૃદ્ધિ જોવા મળી હતી અને વૈશ્વિક સેન્ટ્રલ બેંક્સ રેટ વૃદ્ધિ તરફ વળી હતી. મહામારીની શરૂઆતમાં આઈટી કંપનીઓએ ડિજીટાઈઝેશનની જરૂરિયાતાને પહોંચી વળવા માટે સખત મહેનત કરી હતી. જેને કારણે હાયરિંગ્સમાં અને સેલેરીમાં ઊંચી વૃદ્ધિ નોંધાઈ હતી. હવે લોકડાઉનના નિયંત્રણો દૂર થવાથી કંપનીઓ નફાકારક્તાને ધ્યાનમાં રાખી તેમના સિનિયર સ્ટાફને અન્ય પ્રોજેક્ટમાં ગોઠવવામાં રાહ જોઈ રહી છે. 2021-22માં આઈટી અને આઈટી-અનેબલ્ડ સર્વિસિસ સેક્ટરમાં 4.7 લાખ કર્મચારીઓની નિમણૂંક થઈ હતી. 2022-23માં 3.5-3.7 લાખની નિમણૂંકનો અંદાજ છે. પરંતુ જો મંદી જળવાશે તો 2023-23માં નિમણૂંકમાં મોટો ઘટાડો થશે. જોકે સારી સ્થિતિમાં તે 2022-23ના સ્તરે જ રહેશે એમ અગ્રણી ટેક કંપનીના અધિકારી જણાવે છે.
એટ્રીશનથી કંટાળી HCL ટેક્નોલોજી બ્રાઝિલમાં 1000 કર્મચારી નિમશે
ઘરઆંગણે એટ્રીશનનો સામનો કરી રહેલી ભારતીય આઈટી સર્વિસિસ કંપની એચસીએલ ટેક્નોલોજીએ બ્રાઝિલમાં તેની કામગીરીની સાઈઝ વધારવાનો નિર્ણય લીધો છે. કંપની કેમ્પીનાસ ખાતે નવું ટેક્નોલોજી સેન્ટર ખોલી બે વર્ષોમાં 1000 કર્મચારીઓની નિમણૂંક કરશે. 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં આઈટી કંપનીનો એટ્રીશન રેટ ઉછળી 23.8 ટકા પર જોવા મળ્યો હતો. બ્રાઝિલ ખાતેનો સ્ટાફ તેની ડિજીટલ, એન્જીનીયરીંગ અને ક્લાઉડ ડોમેન્સ માટેના સોલ્યુશન્સ અને સર્વિસિઝ પર કામ કરશે. કંપનીએ 2009માં બ્રાઝિલના સાઓ પાઉલોમાં તેની પ્રથમ ઓફિસ શરૂ કરી હતી. હાલમાં બ્રાઝિલમાં કુલ બે ડિલિવરી સેન્ટર્સ 1100 કર્મચારીઓ ધરાવે છે. કંપની બ્રાઝિલ ખાતે 200 ગ્રાહકોને સેવા પૂરી પાડી રહી છે.


ઓપેક સહિતના ક્રૂડ ઉત્પાદકોની 20 લાખ બેરલ્સ પ્રતિ દિવસ ઘટાડાની વિચારણા
જોકે અનેક ઓપેક દેશો તેમને ફાળવેલા ક્વોટાથી નીચું ઉત્પાદન કરતાં હોવાથી અસરની ઓછી શક્યતાં

ઓપેકના સભ્ય દેશો ઉપરાંત અન્ય ક્રૂડ ઉત્પાદકો દૈનિક 20 લાખ બેરલ્સ સુધીના ઉત્પાદન કાપની વિચારણા ચલાવી રહ્યાં છે. જે 2020 પછી તેમના દ્વારા સૌથી મોટો પ્રોડકશન કટ બની રહેશે. ઓપેકનું આ પગલું યુએસ સાથે તણાવ ઊભો કરી શકે છે.
ક્રૂડ ઉત્પાદક દેશોનું સંગઠન વર્તમાન બેઝલાઈન્સનો ઉપયોગ કરીને દૈનિક ધોરણે 20 લાખ બેરલ્સ ઉત્પાદન કામ માટે મંત્રણા કરવા તૈયાર છે એમ દેશો પ્રતિનિધિઓ જણાવે છે. જોકે વાસ્તવમાં ઉત્પાદન કાપની વૈશ્વિક સપ્લાય પર કોઈ મોટી અસર થવાની શક્યતાં ઓછી છે એમ તેઓ માને છે. કેમકે હાલમાં કેટલાંક દેશો અગાઉથી જ તેમના ક્વાટો કરતાં નીચું ઉત્પાદન દર્શાવી રહ્યાં છે. આમ તેઓ 10-15 લાખ બેરલ્સના નીચા ઘટાડા માટેનો આગ્રહ રાખે તેવું બની શકે એમ તેઓ ઉમેરે છે. ઓપેક સહિતના દેશો તરફથી ઉત્પાદન કાપ ઊંચા એનર્જિ ખર્ચને કારણે અગાઉથી જ ફુગાવાથી પીડાઈ રહેલાં વૈશ્વિક અર્થતંત્રને એક વધુ આંચકો આપી શકે છે. ઉપરાંત તે વધુ ઉત્પાદન માટે આગ્રહ રાખી રહેલાં યુએસ તથા અન્ય વપરાશી દેશોને નારાજ પણ કરશે. યુએસ પ્રમુખ જો બાઈડેને એક નવા ઓઈલ ડીલની શોધમાં ચાલુ વર્ષની શરૂમાં સાઉદી અરેબિયાની મુલાકાત લીધી હતી. તેઓ નવેમ્બરમાં મીડ-ટર્મ ઈલેક્શન્સ અગાઉ અમેરિકન્સ માટે નીચા ભાવોની અપેક્ષા રાખી રહ્યાં હતાં. એક ગ્લોબલ એનર્જી એનાલિસ્ટના મતે બાઈડેન એડમિનિસ્ટ્રેશન ઓઈલના ભાવમાં સંભવિત પુનઉછાળાને લઈ ખૂબ જ તકેદારી દાખવી રહ્યું છે. ઓપેક તરફથી ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડાને માર્કેટ કેવો પ્રતિસાદ આપે છે તે જોવા સુધી વ્હાઈટ હાઉસ રાહ જોવાનું યોગ્ય ગણશે એમ તેઓ ઉમેરે છે. અગાઉ વ્હાઈટ હાઉસ અધિકારીઓએ દેશમાંથી ગેસોલીન, ડિઝલ અને અન્ય રિફાઈન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર નિકાસ પ્રતિબંધને કારણે ફ્યુઅલના ભાવમાં ઘટાડો શક્ય છે કે નહિ તેનો અભ્યાસ કરવા જણાવ્યું છે. યુએસ ખાતે ભાવને નીચા રાખવા માટે આ એક વિવાદાસ્પદ વિચાર છે પરંતુ બાઈડેન એડમિનિસ્ટ્રેશનમાં તેણે કેટલાંક લોકો આમ કરવા તૈયાર જોવા મળી રહ્યાં છે.


માર્કેટ હેડલાઈન્સ

વિપ્રોઃ ટોચની આઈટી સર્વિસ કંપનીએ તેના કર્મચારીઓને સપ્તાહમાં ત્રણવાર ઓફિસમાં આવવા માટે જણાવ્યું છે. તેણે જણાવ્યું છે કે કંપનીની ઓફિસિસ 10 ઓક્ટોબરથી સપ્તાહમાં ચાર દિવસ ખૂલ્લી રહેશે. જે સોમવારે, મંગળવારે, ગુરુવારે અને શુક્રવારે કામ કરશે.
રિલાયન્સ જીઓઃ દેશમાં ટોચનો ટેલિકોમ ઓપરેટરે બુધવારથી ચાર શહેરોમાં જીઓ 5Gના બિટા ટ્રાયલ શરૂ કર્યાં હતાં. જે હેઠળ તેણે પસંદગીના કસ્ટમર્સને 1 જીબીપીએસ સ્પીડ સાથે અનલિમિટેડ ડેટા ઓફર કર્યો હતો. કંપની દિવાળીથી તેની 5જી સર્વિસને લાઈવ કરવાની જાહેરાત કરી ચૂકી છે. જેમાં ચાર મહાનગરો ઉપરાંત અન્ય મહત્વના શહેરોનો સમાવેશ પણ થતો હશે.
સીજી પાવરઃ સિક્યૂરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ અવંતા ગ્રૂપના ગૌતમ થાપર પર રૂ. 10 કરોડની પેનલ્ટી લાગુ પાડી છે. સીજી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ સોલ્યુશન્સના ચેરમેન તરીકે થાપરે ફંડ ડાયવર્ટ કર્યું હોવાના આરોપસર તેમના પર આ દંડ લાગુ પાડવામાં આવ્યો છે. રેગ્યુલેટરે અવંતા હોલ્ડિંગ્સ પર રૂ. 5 કરોડનો જ્યારે ઈન્ડ્સઈન્ડ બેંક પર રૂ. 1 કરોડનો અને આદિત્ય બિરલા ફાઈનાન્સ પર પણ રૂ. 1 કરોડનો દંડ લાગુ પાડ્યો હતો.
બેંક ઓફ બરોડાઃ પીએસયૂ બેંક વિદેશી લોન મારફતે 50 કરોડ ડોલર મેળવવાનું વિચારી રહી છે. કંપની તેના ઓફશોર ઈન્વેસ્ટમેન્ટ્સ અને ક્રેડિટના વિસ્તણના ભાગરૂપે આમ કરી રહી છે. બેંકે આ માટે વૈશ્વિક લેન્ડર્સનો સંપર્ક પણ કર્યો છે અને તેઓ 10 ઓક્ટોબર સુધી કમિટમેન્ટ કરે તેવી શક્યતાં છે. ફાઈવ-સ્ટાર લોનનું સિક્યોર્ડ ઓવરનાઈટ ફાઈનાન્સિંગ રેટ પર 140-160 બેસીસ પોઈન્ટ્સના સ્પ્રેડ પર પ્રાઈસિંગ થાય તેવી શક્યતાં છે.
ઓટોમોબાઈલ કંપનીઝઃ સપ્ટેમ્બરમાં ઓટો કંપનીઓએ સારુ વેચાણ દર્શાવ્યું હતું. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન્સના આંકડા મુજબ મારુતિ, હ્યુન્ડાઈ, ટાટા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ સપ્ટેમ્બર 2022માં કુલ 3,54,956 યુનિટ્સ પેસેન્જર વેહીકલ્સ ડિસ્પેચ કર્યાં હતાં. જે આંક માર્ચ 2021માં 1,85,908 યુનિટ્સ પર હતો. મારુતિએ વાર્ષિક ધોરણે 135 ટકા વૃદ્ધિ સાથે 1.48 લાખ યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 63,111 યુનિટ્સ પર હતું. જ્યારે મહિન્દ્રાએ 163 ટકા વૃદ્ધિ સાથે 34508 યુનિટ્સનું વેચાણ દર્શાવ્યું હતું. સપ્ટેમ્બર 2021માં તેણે 12134 યુનિટ્સનું વેચાણ જ નોંધાવ્યું હતું. હ્યુન્ડાઈએ સપ્ટેમ્બર 2021માં 33087 યુનિટ્સ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 49700 યુનિટ્સનું વેચાણ દર્શાવ્યું હતું. જ્યારે ટાટા મોટર્સે વાર્ષિક ધોરણે 85 ટકા વૃદ્ધિ સાથે 47564 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 25730 યુનિટ્સ પર હતું.
ડો. રેડ્ડીઝ લેબોઃ લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશને ફાર્મા કંપનીમાં તેનો હિસ્સો વધાર્યો છે. 15 જૂન 2022થી 30 સપ્ટેમ્બર 2022 સુધીમાં એલઆઈસીએ ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝના 33,86,486 શેર્સની ખરીદી કરી છે. તે તેના અગાઉના 5.65 ટકા હોલ્ડિંગ્સમાં 2.034 ટકાની વૃદ્ધિ સૂચવે છે. આમ 30 સપ્ટેમ્બરના રોજ તેનો કુલ હિસ્સો વધી 7.7 ટકા પર પહોંચ્યો છે.
આઈડીબીઆઈ બેંકઃ જયપી ઈન્ફ્રાટેકની લીડ લેન્ડર સ્વીસ ચેલેન્જ ઓક્શન મારફતે બીડ મંગાવ્યાં છે. તેણે ડિસ્ટ્રેસ્ડ બોરોઅર્સના રૂ. 22600 કરોડના ડેટ માટે આ બીડીંગ ઈનવાઈટ કર્યાં છે. સંભવિત બીડર્સે નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીના રૂ. 3570 કરોડની ઓફર સાથે સ્પર્ધા કરવાની રહેશે. એનએઆરસીએલની ઓફર સુરક્ષા એઆરસીની રૂ. 7936 કરોડની ઓફર કરતાં અડધી છે. તે કુલ ડેટ પર 84 ટકા હેર કટ માગી રહી છે.
એમએન્ડએમઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટ્રેકટર્સ ઉપરાંત 600 અબજ ડોલરના એગ્રીકલ્ચર માર્કેટમાંથી 20 કરોડ ડોલરની ગ્રોસ મર્કેન્ડાઈઝ વેલ્યૂ ઈચ્છી રહી છે. કંપની તેના ફાર્મિંગ સર્વિસ વર્ટિકલ ક્રિશ-ઈ તરફથી 2025 સુધીમાં આ ટાર્ગેટ નિર્ધારિત કર્યો છે. ક્રિશ-ઈ મારફતે કંપની 20 લાખથી વધુ ખેડૂતોને સેવા પૂરી પાડવા માગે છે.
સાઉથ ઈન્ડિયન બેંકઃ પ્રાઈવેટ બેંકે બીજા ક્વાર્ટરમાં તેના એડવાન્સિસમાં વાર્ષિક 17 ટકા વૃદ્ધિ દર્શાવી છે. જોકે તેની ડિપોઝીટ્સમાં વાર્ષિક ધોરણે ફ્લેટ વૃદ્ધિ જોવા મળી છે.
વેદાંતઃ મેટલ કંપનીએ બીજા ક્વાર્ટરમાં 5.84 લાખ ટનનું એલ્યુમિનિયમ ઉત્પાદન દર્શાવ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 5.7 લાખ ટનની સરખામણીમાં 2 ટકા વૃદ્ધિ સૂચવે છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage