Market Summary 5 September 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

વૈશ્વિક સ્તરે સાર્વત્રિક નરમાઈ વચ્ચે ભારતીય બજારની આગેકૂચ
નિફ્ટીએ 17600નું સ્તર પાર કર્યું
મેટલ, બેંકિંગ અને એનર્જી સેક્ટરનો સપોર્ટ
કોટક બેંક તરફથી ફેડરલ બેંકની ખરીદીની શક્યતાએ બેંકિંગમાં મજબૂતી
ચીનની સેન્ટ્રલ બેંકે CRRને 8 ટકાથી ઘટાડી 6 ટકા કરતાં મેટલમાં તેજી
વોલેટિલિટી ઈન્ડેક્સ 0.6 ટકા સુધરી 19.66ની સપાટીએ
બ્રોડ માર્કેટમાં ભારે ખરીદી પાછળ બ્રેડ્થ મજબૂત
યુરોપ બજારોમાં 2 ટકાથી વધુનો ઘટાડો
રિલાયન્સ પાવર, સુઝલોન એનર્જીમાં અપર સર્કિટ્સ

ભારતીય શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી. એશિયન અને યુરોપ બજારોમાં નોંધપાત્ર ઘટાડા વચ્ચે સ્થાનિક બેન્ચમાર્ક્સ પોણો ટકા સુધરી બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 443 પોઈન્ટ્સ સુધારે 59246ની સપાટીએ જ્યારે નિફ્ટી 126.35 પોઈન્ટ્સ સુધરી 17665.80ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ખરીદી પાછળ માર્કેટ-બ્રેડ્થ મજબૂત જોવા મળી હતી. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 36 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 14 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. બ્રોડ માર્કેટમાં ભારે ખરીદી પાછળ બીએસઈ ખાતે બે શેર્સમાં ખરીદી સામે એક શેરમાં વેચાણ જોવા મળ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.56 ટકા સુધારા સાથે 19.66ના સ્તરે બંધ રહ્યો હતો.
ગયા સપ્તાહાંતે યુએસ બજાર ખાતે નરમાઈ પાછળ એશિયન બજારોની શરૂઆત નરમ જોવા મળી હતી. ચીન અને સિંગાપુરને બાદ કરતાં અન્ય એશિયન બેન્ચમાર્ક્સ નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. જેની વચ્ચે ભારતીય બજારે ગેપ-અપ શરૂઆત કરી દિવસ દરમિયાન સુધારો જાળવી રાખ્યો હતો. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 17539ના બંધ સામે 17546ની સપાટીએ ખૂલી સુધરતો રહ્યો હતો. તેણે દિવસ દરમિયાન 17683.15ની ટોચ દર્શાવી હતી. કેશની સરખામણીમાં ફ્યુચર્સ 38 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 17704ની સપાટીએ બંધ રહ્યો હતો. માર્કેટ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીએ 17600ની સપાટી પાર કરતાં ટેકનિકલી મજબૂત જોવા મળી રહ્યો છે. ઉપરમાં તેને માટે 17777નો અવરોધ છે. જ્યારે નીચે 17400નો સપોર્ટ છે. વિદેશી રોકાણકારો તરફથી જળવાયેલા ઈનફ્લો તથા પોઝીટીવ સ્થાનિક ડેટા પાછળ ભારતીય બજારમાં વધ-ઘટે સુધારો જળવાય રહે તેવી પૂરી શક્યતાં છે. જો નિફ્ટી 18 હજારની સપાટી કૂદાવશે તો 18600નું લેવલ દર્શાવી શકે છે. લોંગ ટ્રેડર્સ 17400ના સ્ટોપલોસ સાથે તેમની પોઝીશન જાળવી શકે છે.
સોમવારે બજારને સપોર્ટ આપવામાં મેટલ, બેંકિંગ અને એનર્જી મુખ્ય હતાં. મંદીનો સામનો કરી રહેલાં ચીનની મધ્યસ્થ બેંકે ક્રેડિટ રિઝર્વ રેશિયોને 8 ટકા પરથી 2 ટકા ઘટાડી 6 ટકા કરતાં મેટલ શેર્સમાં તેજી જોવા મળી હતી. નિફ્ટી મેટલ 1.7 ટકા ઉછળી નોંધપાત્ર સમયગાળા બાદ 6 હજારની સપાટી નજીક ટ્રેડ થયો હતો. મેટલ શેર્સમાં વેલપ્સન કોર્પ 5 ટકાથી વધુ ઉછળ્યો હતો. જ્યારે હિંદાલ્કો 3.5 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 3 ટકા, નાલ્કો 3 ટકા, જિંદાલ સ્ટીલ 2 ટકા, સેઈલ 2 ટકા અને ટાટા સ્ટીલ 1.3 ટકાનો સુધારો દર્શાવતાં હતાં નિફ્ટી બેંક એક ટકા સુધારે 39806ની સપાટીએ બંધ રહ્યો હતો. એક આર્થિક માધ્યમે કોટક બેંક અને ફેડરલ બેંક વચ્ચે મર્જર માટે વાતચીત ચાલી રહી હોવાનું જણાવતાં બેંક શેર્સમાં મજબૂતી જોવા મળી હતી. ફેડરલ બેંક ઈન્ટ્રા-ડે ધોરણે રૂ. 129.75ની ટોચ બનાવી 3.3 ટકા સુધારે રૂ. 123.55 પર બંધ રહ્યો હતો. મજબૂત સુધારો દર્શાવનારી અન્ય બેંક્સમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક 5 ટકા, બંધન બેંક 3 ટકા, બેંક ઓફ બરોડા 2 ટકા, પીએનબી 1 ટકાનો સમાવેશ થતો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાછળ નિફ્ટી એનર્જી પણ 0.7 ટકા સુધારે મજબૂતી દર્શાવતો હતો. હેવીવેઈટ આરઆઈલ 1.6 ટકા સુધારે બંધ રહ્યો હતો. જ્યારે એનટીપીસી, ગેઈલ અને બીપીસીએલમાં પણ એક ટકા આસપાસ સુધારો જોવા મળતો હતો. આઈટી, ફાર્મા અને એફએમસીજી પણ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. આઈટી શેર્સમાં એચસીએલ ટેક્નોલોજી, એમ્ફેસિસ, ટેક મહિન્દ્રા અને ઈન્ફોસિસ મજબૂત રહ્યાં હતાં. જ્યારે ફાર્મા શેર્સમાં આલ્કેમ લેબો રેટરી 1 ટકા, સન ફાર્મા 2 ટકા અને સિપ્લા એક ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. એફએમસીજી ક્ષેત્રે આઈટીસી 1 ટકા સુધારા સાથે નવી ટોચ પર બંધ રહ્યો હતો. જોકે ગોદરેજ કન્ઝ્યૂમર, નેસ્લે, બ્રિટાનિયા, કોલગેટ, મેરિકો અને બ્રિટાનિયા સહિતના શેર્સમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું હતું. પસંદગીના રિઅલ્ટી કાઉન્ટર્સમાં ખરીદી નીકળી હતી. જેની પાછળ રિઅલ્ટી ઈન્ડેક્સ એક ટકા મજબૂતી સૂચવતો હતો. ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 4 ટકા, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ 3 ટકા અને પ્રેસ્ટીજ એસ્ટેટ 2 ટકા પોઝીટીવ બંધ સૂચવતાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ઘણા કાઉન્ટર્સ ભારે ખરીદી દર્શાવતાં હતાં. જેમાં એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ 8.2 ટકા ઉછળ્યો હતો. અમર રાજા બેટરી 6 ટકા ઉછાળો દર્શાવી રહ્યો હતો. આ ઉપરાંત ઈન્ડિયન હોટેલ્સ, પીવીઆર, વોડાફોન આઈડિયા, રેઈન ઈન્ડસ્ટ્રીઝ, હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, એમએન્ડએમ ફાઈનાન્સિયલ, ઈન્ટેલેક્ટ ડિઝાઈન, ડિક્સોન ટેક્નોલોજી, ભેલ, આઈડીએફસી સહિતના શેર્સ 2 ટકાથી લઈ 5 ટકા સુધીનો સુધારો નોંધાવી રહ્યાં હતાં. બીજી બાજુ ડો. લાલ પેથલેબ્સ 3 ટકા, એસ્કોર્ટ્સ કુબોટા 3 ટકા, સિન્જિન ઈન્ટરનેશનલ 3 ટકા, એબીબી ઈન્ડિયા 2.4 ટકા, ઈન્ડિયામાર્ટ 2 ટકા, બજાજ ઓટો 2 ટકા, મેટ્રોપોલીસ 2 ટકા અને જીએસપીસી 1.6 ટકા ઘટાડો સૂચવી રહ્યાં હતાં. કેશ સેગમેન્ટમાં ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટે 9 ટકા ઉછાળા સાથે સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. આ ઉપરાંત ત્રિવેણી ટર્બાઈન, કરુર વૈશ્ય, સોલાર ઈન્ડસ્ટ્રીઝ, જીએમએમ ફોડલર વગેરેએ તેમની સર્વોચ્ચ ટોચ અથવા ઘણા વર્ષોની હાઈ બનાવી હતી. જ્યારે બાયોકોન, એલેમ્બિક ફાર્મા અને સનોફી ઈન્ડિયાએ તેમની વાર્ષિક ટોચ નોંધાવી હતી. બ્રોડ માર્કેટમાં પણ લેવાલી નીકળી હતી અને બીએસઈ ખાતે કુલ 3736 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2208 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1348 નેગેટિવ જોવા મળ્યાં હતાં. 225 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 34 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 10 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 7 કાઉન્ટર્સ લોઅર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. 180 કાઉન્ટર્સ અગાઉની સપાટી પર ફ્લેટ જોવા મળ્યાં હતાં.ડોલર ઈન્ડેક્સે 110ની સપાટી પાર કરી, સોનું સ્થિર
વૈશ્વિક બજારમાં ડોલરમાં મજબૂતી જળવાય છે. નવા સપ્તાહની શરૂઆતમાં જ ડોલર ઈન્ડેક્સે 110ની સપાટી કૂદાવી 110.255ની 20-વર્ષોની ટોચ નોંધાવી હતી. અગ્રણી છ કરન્સિઝના બાસ્કેટ સામે ચાલુ કેલેન્ડરમાં ડોલર સતત સુધારો દર્શાવતો રહ્યો છે. તેણે ગયા સપ્તાહે 109.97ની ટોચ બનાવી હતી. જેને સોમવારે પાર કરી હતી. બીજી બાજુ ડોલર સામે યુરો 20 વર્ષમાં પ્રથમવાર 99ની સપાટી નીચે ઉતરી ગયો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે ડોલર ઈન્ડેક્સનો હવેનો ટાર્ગેટ 112 છે. જ્યાં તેને અવરોધ નડી શકે છે. નીચામાં 106નો સપોર્ટ છે. સપ્ટેમ્બરમાં યુએસ ફેડ તરફથી 75 બેસીસ પોઈન્ટ્સની નિશ્ચિત વૃદ્ધિ બાદ વધુ બે રેટ વૃદ્ધિ રાઉન્ડની શક્યતાએ ડોલરમાં તેજીનો ટ્રેન્ડ અકબંધ છે. દરમિયાનમાં સોમવારે વૈશ્વિક ગોલ્ડમાં સ્થિરતા જોવા મળી રહી હતી. કોમેક્સ સ્પોટ ગોલ્ડ 1710 ડોલરની સપાટી પર જળવાયુ હતું.

ઓગસ્ટમાં EV વેચાણમાં 11 ટકાની સર્વોચ્ચ વૃદ્ધિ
ઓગસ્ટમાં ઈલેક્ટ્રીક વેહીકલ્સ રજિસ્ટ્રેશનમાં માસિક ધોરણે સર્વોચ્ચ વૃદ્ધિ જોવા મળી હતી. ગયા મહિને કુલ 85911 ઈવી રજિસ્ટ્રેશન નોંધાયા હતા. જે જુલાઈ દરમિયાન 77686 યુનિટ્સ પર હતાં. જો એક વર્ષ અગાઉ ઓગસ્ટ 2021ની વાત કરીએ તો તે વખતે માત્ર 29127 યુનિટ્સ ઈવી રજિસ્ટ્રેશન જોવા મળ્યું હતું. આમ વાર્ષિક ધોરણે વોલ્યુમમાં 195 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. ઈવી રજિસ્ટ્રેશનમાં મુખ્ય વૃદ્ધિ ટુ-વ્હીલર્સના વેચાણ પાછળ જોવા મળી હતી. ઓગસ્ટમાં કુલ 51500 ટુ-વ્હીલર્સનું રજિસ્ટ્રેશન થયું હતું. જે જુલાઈમાં 45560 યુનિટ્સ પર હતું. જ્યારે જુલાઈ 2021માં તે 14700 યુનિટ્સ જોવા મળતું હતું. ટોચની ઈવી ટુ-વ્હીલર્સ કંપનીઓમાં હીરો ઈલેક્ટ્રીક, ઓકિનાવા અને એમ્પેર વેહીકલ્સનો સમાવેશ થતો હતો.

કોટનમાં ખાંડીએ રૂ. 4000નો ઘટાડો
નવા માલોની વહેલી શરૂઆત તથા પાંખી માગ પાછળ કોટનના ભાવ ઝડપથી ગગડ્યાં છે. ગયા શુક્રવારે ખાંડીએ રૂ. 94 હજાર આસપાસ ટ્રેડ થઈ રહેલું કોટન સોમવારે રૂ. 89500-90500ની રેંજમાં બોલાતું હતું. નોર્થના રાજ્યો સહિત ગુજરાતમાં નવી કોટન આવકો શરૂ થઈ ચૂકી છે. જ્યારે બીજી બાજુ સ્પીનર્સ એક પાળીમાં જ કામ કરી રહ્યાં હોવાથી તેમની માગ ઘણી નીચી જોવા મળી રહી છે. હાજરમાં ક્વોલિટી માલોનો અભાવ છે. આમ કોટનમાં એક પખવાડિયામાં ભાવ રૂ. 1 લાખ પરથી ગગડી રૂ. 90 હજાર પર પરત ફર્યાં છે. આગામી દિવસોમાં આવકો વધવા સાથે ભાવ પર ધીમો ઘસારો જાળવી શકે છે. જોકે નવી આવકો ખૂબ પાંખી છે અને ભેજવાળી હોવાથી તેના ભાવ નીચાં જોવા મળી રહ્યાં છે.ભારત ખાતેથી ચીનની આયાતમાં 35 ટકાનો તીવ્ર ઘટાડો
એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન ચીનમાં ભારતની આયાત 6.8 અબજ ડોલર રહી
સમાનગાળામાં ચીન ખાતેની આયાતમાં 28 ટકા ઉછાળો નોંધાયો

ચીન ખાતે આર્થિક પ્રવૃત્તિમાં ઘટાડાને કારણે ભારત ખાતેથી ચીનની આયાતમાં ચાલુ નાણાકિય વર્ષના શરૂઆતી પાંચ મહિનામાં 35 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો છે. એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં ચીન ખાતેની નિકાસ માત્ર 6.8 અબજ ડોલર જોવા મળી છે. સમાનગાળામાં ભારતની કુલ નિકાસ 17.1 ટકા જેટલી વૃદ્ધિ દર્શાવી રહી છે. આ સમયગાળામાં ચીન ભારતનું ચોથું મોટું એક્સપોર્ટ ડેસ્ટિનેશન બન્યું હતું. ગયા વર્ષે સમાનગાળામાં તે બીજા ક્રમ પર જોવા મળતું હતું.
ચીનના અર્થતંત્ર પર એકથી વધુ પરિબળોને કારણે નકારાત્મક અસર જોવા મળી છે. જેમાં ઝીરો-કોવિડ પોલિસીને કારણે કન્ઝ્મ્પ્શન પર થયેલી ગંભીર અસર મહત્વનું કારણ છે. આ ઉપરાંત પ્રોપર્ટી સેક્ટરમાં લાંબાં સમયથી જોવા મળી રહેલી મંદીની પણ અસર પડી છે. દેશમાંથી ઘટતી નિકાસ માગે પણ સ્થાનિક વપરાશ પર અસર કરી છે. જો વિવિધ પ્રોડક્ટ્સવાર જોઈએ તો એપ્રિલથી ઓગસ્ટમાં નેપ્થા જેવી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની ચીન ખાતે નિકાસ 81 ટકા ઉછળી 1.2 અબજ ડોલર જોવા મળી હતી. આ માટે ક્રૂડના ઊંચા જળવાયેલા ભાવ જવાબદાર હતા. જ્યારે બીજી બાજુ ઓર્ગેનિક કેમિકલ્સના શીપમેન્ટ્સમાં 38.3 ટકા, આયર્ન ઓર નિકાસમાં 78.5 ટકા અને એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સમાં 84.2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીજી બાજુ ચીનની નોન-બાસમતી ચોખાની આયાતમાં 141.1 ટકા ઉછાળો નોંધાયો હતો. જ્યારે મરીન પ્રોડક્ટ્સની નિકાસ 18.7 ટકા ઉછળી હતી. ચીન ખાતે સ્ટીલના ઉત્પાદનમાં તીવ્ર ઘટાડાને કારણે પણ ભારતની આયર્ન ઓર નિકાસમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જો ચીનની ભારતમાં આયાતની વાત કરીએ તો એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન 28 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. ભારતની કુલ આયાતમાં સમાનગાળામાં 45.6 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી અને 2022-23ના પ્રથમ પાંચ મહિનામાં દેશની વેપાર ખાધ 37.1 અબજ ડોલરના વિક્રમી તળિયે જોવા મળી હતી. ચીન સાથે ભારતની સતત વધતી વેપારી ખાધ એ ચિંતાનો વિષય છે. ચીન ભારત ખાતેથી કાચી સામગ્રી આયાત કરે છે. જ્યારે ફિનિશ્ડ પ્રોડક્ટ્સની નિકાસ કરે છે. બીજી બાજુ તેણે દેશના ફાર્મા અને આઈટી ઉદ્યોગ માટે નિકાસ પ્રતિબંધો લાદેલા છે.


FMCG બિઝનેસને મજબૂત બનાવવા રિલાયન્સ વધુ બ્રાન્ડ્સ ખરીદવાની પ્રક્રિયામાં

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેના ફાસ્ટ-મુવીંગ કન્ઝ્યૂમર ગુડ્ઝ(એફએમસીજી) બિઝનેસને મજબૂત બનાવવા માટે ઘણી બ્રાન્ડ્સ ખરીદવા માટેની પ્રક્રિયામાં છે. કંપની આ માટે ઘણા બ્રાન્ડ ઓઉનર્સ સાથે હાલમાં મંત્રણા ચલાવી રહી છે. જેમાં કેવિનકેર પાસેથી ગાર્ડન નેમકેન્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લાહોરી ઝીરા અને બિંદુ બેવરેજીસને પણ ખરીદવાની વિચારણા ચાલી રહી છે એમ જાણકાર વર્તુળો જણાવે છે.
ગયા સપ્તાહે જ રિલાયન્સે દિલ્હી સ્થિત પ્યોર ડ્રિંક્સ ગ્રૂપ પાસેથી સોફ્ટ ડ્રિન્ક બ્રાન્ડ કેમ્પાની ખરીદી કરી હતી. તેણે અંદાજિત રૂ. 22 કરોડમાં આ બ્રાન્ડ ખરીદી હતી. કંપનીની બ્રાન્ડ્સ ખરીદીની પ્રક્રિયા સાથે નજીકથી જોડાયેલા વર્તુળ જણાવે છે કે રિલાયન્સ ત્રણેય કંપનીઓ સાથે ચર્ચા-વિચારણાના આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. એફએમસીજી સેગમેન્ટમાં વધુ બ્રાન્ડ્સ ખરીદી એ કંપનીની સ્ટ્રેટેજીના ભાગરૂપ હોવાનું વર્તુળ જણાવે છે. ત્રણેય કંપનીઓ સાથે હાલમાં રિલાયન્સ ડિલ ટર્મ્સને લઈને ચર્ચા-વિચારણા કરી રહી છે. તેમના મતે બ્રાન્ડ્સ ખરીદીમાં અલગ સ્ટ્રક્ચર્સ તૈયાર કરવુ પડે એમ છે. કેમકે કેટલીક બ્રાન્ડ્સ મોટા જૂથોના હાથમાં છે અને કેટલાંક કિસ્સાઓમાં કેટલાંક પ્રમોટર્સ કંપનીમાં કેટલોક ઈક્વિટી હિસ્સો જાળવી રાખવા માગે છે. બ્રાન્ડ એક્સપર્ટ્સના મતે આગામી સમયગાળામાં ભારતમાં કન્ઝ્યૂમર સ્પેસમાં કેટલુંક કોન્સોલિડેશન જોવા મળી શકે છે. ભારતમાં પ્રોસેસ્ડ ફૂડ્ઝ અને કન્ઝ્યૂમર ફૂડ્સ સેક્ટર દ્વિઅંકી વૃદ્ધિ દર દર્શાવી રહ્યું છે. દેશમાં ડિસ્ક્રિશ્નરી સ્પેન્ડિંગમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે અને તેથી આ સેક્ટર પણ ઝડપી વૃદ્ધિ નોંધાવવાનું ચાલુ રાખશે એમ એક્સપર્ટ્સ માની રહ્યાં છે. પીડબલ્યુસી ઈન્ડિયાના પાર્ટનરના મતે ભારતમાં કન્ઝ્યૂમર સેક્ટરમાં જે કંપની ગંભીરપણે વિસ્તરણ માટે જઈ રહી છે તેના પોર્ટફોલિયોમાં પ્રાઈવેટ બ્રાન્ડ્સ હોવી જરૂરી છે. તાજેતરમાં જ રિલાયન્સની એજીએમમાં ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની એફએમસીજી ક્ષેત્રે મોટેપાયે પ્રવેશની જાહેરાત કરી હતી.માર્કેટમાં મજબૂતી પાછળ ઓગસ્ટ વોલ્યુમમાં 35 ટકા ઉછાળો
જૂનમાં કેશ સેગમેન્ટમાં સરેરાશ દૈનિક રૂ. 46456 કરોડ સામે ઓગસ્ટમાં રૂ. 64163 કરોડનું ટર્નઓવર નોંધાયું
જોકે કેલેન્ડરમાં એપ્રિલમાં જોવા મળેલા રૂ. 73245ના સરેરાશ દૈનિક કામકાજ સામે 15 ટકા નીચું વોલ્યુમ
ડેરિવેટીવ્સ સેગમેન્ટની કામગીરી ઓગસ્ટમાં 22 ટકા ઉછળી દૈનિક સરેરાશ રૂ. 137 લાખ કરોડની ટોચે જોવા મળી


ઈક્વિટી માર્કેટમાં છેલ્લાં ત્રણ મહિનાથી જોવા મળી રહેલા મજબૂત અન્ડરટોન પાછળ કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. જૂન મહિનાની સરખામણીમાં ઓગસ્ટ મહિનાના કેશ વોલ્યુમમાં 35 ટકા ઉછાળો નોંધાયો છે. સમાનગાળામાં સ્થાનિક બેન્ચમાર્ક્સમાં 17 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. છેલ્લાં ચાર મહિના દરમિયાન મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં તેજી પાછળ રિટેલ પાર્ટિસિપેશન વધવાને કારણે કામકાજમાં વૃદ્ધિ નોઁધાઈ છે. વિદેશી રોકાણકારો તરફથી ઓગસ્ટમાં જોવા મળેલો ઊંચો ઈનફ્લો પણ કેશ સેગમેન્ટની ઊંચી કામગીરી માટે જવાબદાર છે.
છેલ્લાં ત્રણ મહિના દરમિયાન શેરબજારમાં કેશ સેગમેન્ટની કામગીરીનો અભ્યાસ કરીએ તો જૂન મહિનામાં દૈનિક સરેરાશ રૂ. 47456 કરોડનું કામકાજ જોવા મળ્યું હતું. જે જુલાઈમાં લગભગ 5 ટકા જેટલું વધી રૂ. 49825 કરોડ પર રહ્યું હતું. જ્યારે ઓગસ્ટમાં કેશ ટર્નઓવર ઉછળી રૂ. 64163 કરોડ પર નોંધાયું હતું. જે ચાર મહિનાની ટોચ પર હતું. આ અગાઉ એપ્રિલમાં દૈનિક રૂ. 73245 કરોડનું ટર્નઓવર જોવા મળ્યું હતું. જે ચાલુ કેલેન્ડરમાં કોઈપણ મહિનામાં સૌથી ઊંચં હતું. માર્ચમાં પણ સરેરાશ વોલ્યુમ રૂ. 70731 કરોડની ઊંચી સપાટીએ જોવા મળ્યું હતું. જોકે એ સિવાયના મહિનાઓમાં કેશ સેગમેન્ટની દૈનિક કામગીરી રૂ. 70 હજાર કરોડથી નીચે જળવાય હતી. જો છેલ્લાં 12 મહિનાની દૈનિક સરેરાશ કામગીરી જોઈએ તો તે રૂ. 66364 કરોડ પર જોવા મળી હતી. આમ કેલેન્ડર 2021ની સરખામણીમાં ચાલુ કેલેન્ડરમાં કેશ સેગમેન્ટની કામગીરી ખાસ્સી એવી નીચી જળવાય હતી. માર્કેટ વર્તુળોના મતે ઓગસ્ટમાં વોલ્યુમમાં વૃદ્ધિનું મુખ્ય કારણ મીડ અને સ્મોલ-કેપ્સનું આઉટપર્ફોર્મન્સ હતું. જેને કારણે રિટેલ વર્ગ ફરીથી માર્કેટમાં એક્ટિવ બન્યો હતો. બીજી બાજુ વિદેશી રોકાણકારોની કામગીરીમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. તેમણે ઓગસ્ટમાં રૂ. 51 હજાર કરોડથી વધુનો નેટ ઈનફ્લો દર્શાવ્યો હતો. જે ડિસેમ્બર 2020 પછીનો માસિક ધોરણે સૌથી ઊંચો ઈનફ્લો હતો.
જૂન મહિનામાં બેન્ચમાર્ક્સ તેમના 13 મહિનાની તળિયાની સપાટી પર ગગડ્યાં હતાં. જે જુલાઈ અને ઓગસ્ટમાં સુધરતાં રહી ચાર મહિનાની ટોચ પર પહોંચ્યાં હતાં. ઓગસ્ટમાં સેન્સેક્સમાં 3.4 ટકા સુધારા સામે બીએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ 5.6 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. જ્યારે બીએસઈ સ્મોલ-કેપમાં 5.9 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. આમ ભાવમાં નોંધપાત્ર વૃદ્ધિને કારણે પણ ટર્નઓવરની વેલ્યૂ વધી હતી. મીડ-કેપ્સના આઉટપર્ફોર્મન્સને કારણે રિટેલ વર્ગની રૂચિ બજારમાં જળવાયેલી રહેવાની શક્યતાં છે અને તેથી આગામી સમયગાળામાં પણ કેશ સેગમેન્ટના વોલ્યુમ ઊંચા જોવા મળી શકે છે. જ્યારે બીજી બાજુ પ્રાઈમરી માર્કેટ એક્ટિવ થવાને કારણે પણ કેશ સેગમેન્ટને લાભ થઈ શકે છે એમ વર્તુળો જણાવે છે.
કેશ ઉપરાંત ડેરિવેટિવ્સ સેગમેન્ટની કામગીરી પણ તેની સર્વોચ્ચ સપાટીએ જોવા મળી હતી. જૂન મહિનામાં ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટની કામગીરી 22 ટકા વધી દૈનિક સરેરાશ રૂ. 137 લાખ કરોડની ઓલ-ટાઈમ સપાટીએ જોવા મળી હતી. જૂન મહિનામા તે રૂ. 112.19 લાખ કરોડ પર જોવા મળતી હતી. જ્યારે જુલાઈમાં તેનાથી પણ નીચે રૂ. 111.72 લાખ કરોડ પર નોંધાઈ હતી. ચાલુ કેલેન્ડરમાં અત્યાર સુધીમાં આઁઠ મહિનામાંથી છ મહિના દરમિયાન તે રૂ. 100 લાખ કરોડથી ઉપર જોવા મળી છે. જ્યારે જાન્યુઆરીમાં તે રૂ. 92..40 લાખ કરોડ અને માર્ચમાં રૂ. 97.99 લાખ કરોડ પર રહી હતી.

કેશ સેગમેન્ટમાં સરેરાશ માસિક ટર્નઓવર

મહિનો ટર્નઓવર(રૂ. કરોડમાં)
જાન્યુઆરી 69457
ફેબ્રુઆરી 63080
માર્ચ 70731
એપ્રિલ 73245
મે 61710
જૂન 47456
જુલાઈ 49825
ઓગસ્ટ 64163


કોર્પોરેટ હેડલાઈન્સ

ICICI બેંકઃ પ્રાઈવેટ સેક્ટર બેંક ઈન્ફ્રા બોન્ડ્સ મારફતે રૂ. 10 હજાર કરોડ ઊભા કરે તેવી શક્યતાં છે. કંપની પ્રોજેક્ટ ફાઈનાન્સિંગ અને એફોર્ડેબલ હાઉસિંગ માટે આમ કરશે. આ લોંગ ટર્મ બોન્ડ્સ કેશ રિઝર્વ રેશિયો તથા સ્ટેચ્યૂટરી લિક્વિડિટી રેશિયો જાળવવામાંથી મુક્તિનો લાભ ધરાવે છે.
રેલ્વેઝઃ દેશમાં વિક્રમી વીજ માગને વહોંચી વળવા વધેલા કોલ સપ્લાય પાછળ ઓગસ્ટમાં રેલ્વેની ફ્રેઈટ અર્નિંગ્સ 19 ટકા ઉછળી રૂ. 12926 કરોડ રહી હતી. રેલ્વેએ 11.9 કરોડ ટન ગુડ્ઝ અને રો-મિટિરિયલ્સની પરિવહન કર્યું હતું. જે વાર્ષિક ધોરણે 7.9 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
સુઝલોન એનર્જીઃ અદાણી જૂથની અદાણી ગ્રીન એનર્જીએ વિન્ડ પાવર ટર્બાઈન ઉત્પાદક કંપનીમાં ગયા સપ્તાહે 52.4 લાખ શેર્સની ખરીદી કરી હતી. આ અહેવાલ પાછળ સોમવારે સુઝલોન એનર્જીના શેરમાં 20 ટકાની બાયર સર્કિટ જોવા મળી હતી.
ફોર્જિંગ કંપનીઝઃ નોર્થ અમેરિકા ખાતે ક્લાસ 8 ટ્રક ઓર્ડર્સ 21400 યુનિટ્સ પર પાંચ વર્ષોની ટોચ પર જોવા મળી રહ્યાં છે. જેનો લાભ ભારત ફોર્જ, આરકે ફોર્જ અને મધરસન જેવી કંપનીઓને થશે.
હિંદુસ્તાન એરોનોટિક્સ/લાર્સનઃ કંપનીઓએ સંપૂર્ણપણે 5 પીએસએલવી રોકેટ્સ બનાવવા માટે એનએસઆઈએલ તરફથી રૂ. 860 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે.
મહિન્દ્રા લાઈફઃ મહિન્દ્રા જૂથની રિઅલ્ટી કંપનીમાં આઈસીઆઈસાઈ પ્રૂડેન્શિયલે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ મારફતે 31.09 લાખ શેર્સ અથવા 2.01 ટકા ઈક્વિટી હિસ્સાનું વેચાણ કર્યું છે.
ડોડલા ડેરીઃ ટીપીજી હોલ્ડિંગ્સે ડેરી કંપનીમાં ઓપન માર્કેટ ઓપરેશન મારફતે 40 લાખ શેર્સ અથવા 6.72 ટકા ઈક્વિટી હિસ્સાનું વેચાણ કર્યું છે.
એમએન્ડએમ ફાઈનાન્સઃ એનબીએફસી કંપનીએ જૂન ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 75 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3740 કરોડનું વિતરણ કર્યું છે. જોકે ત્રિમાસિક ધોરણે તે 4 ટકા ઘટાડો દર્શાવે છે.
એનએમડીસીઃ પીએસયૂ માઈનીંગ કંપનીએ ઓગસ્ટ મહિનામાં 24.8 લાખ ટન ઓરનું ઉત્પાદન કર્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 30.6 લાખ ટન ઉત્પાદનની સરખામણીમાં 19 ટકા ઘટાડો દર્શાવે છે.
ઈન્ડોવિન્ડ એનર્જીઃ ઈન્ડસ ફાઈનાન્સ કોર્પોરેશને રૂ. 15.18 પ્રતિ શેરના ભાવે કંપનીના 5.5 લાખ શેર્સનું વેચાણ કર્યું છે.
જેએસડબલ્યુ સ્ટીલઃ પ્રિમીયમ સ્ટીલ કંપનીમાં લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનનો હિસ્સો વધીને 7.01 ટકા પર પહોંચ્યો છે.
હિંદુજા ગ્લોબલઃ નેક્સ્ટડિજિટલના શેરધારકોએ હિંદુજા ગ્લોબલ સોલ્યુશન્સના કંપની સાથે મર્જરની તરફેણમાં વોટિંગ કર્યું છે.
એનસીસીઃ કંપનીના પ્રમોટર જૂથની કંપનીએ 65 લાખ પ્લેજ્ડ શેર્સને છૂટા કરાવ્યાં છે.
હિંદુસ્તાન ઝીંકઃ વેદાંત જૂથની મેટલ કંપની સેરેન્ટીકા રિન્યૂએબલ્સમાં રૂ. 350 કરોડમાં 26 ટકા હિસ્સાનું ખરીદી કરશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage