માર્કેટ સમરી
બજાર પોઝીટીવ બંધ આપવામાં સફળ
કોવિડના વધતાં કેસિસ વચ્ચે લોકડાઉનની અટકળો છતાં બજાર પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યું હતું. નિફ્ટી-50 46 પોઈન્ટ્સ સુધરી 14684ના સ્તરે બંધ રહ્યો હતો. બજારને બેંકિંગે સપોર્ટ નહોતો કર્યો. એ સિવાય ફાર્મા, એફએમસીજી, મેટલ્સ સહિતના ક્ષેત્રોએ સપોર્ટ કર્યો હતો અને તે પોઝીટીવ બંધ રહ્યું હતું.
પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝનો શેર સર્વોચ્ચ સપાટીએ
દેશમાં અગ્રણી એડહેસિવ્સ ઉત્પાદક કંપની પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝનો શેર તેની નવી ટોચ પર પહોંચ્યો હતો. કંપનીનો શેર અગાઉના બંધ ભાવ રૂ. 1798 સામે લગભગ 5 ટકા ઉછળી રૂ. 1888ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ પ્રથમવાર રૂ. 95500 કરોડની સપાટી પાર કરી ગયું હતું. કંપનીનો શેર રૂ. 1220ના વાર્ષિક તળિયા સામે 70 ટકા જેટલું રિટર્ન દર્શાવી રહ્યો છે.
એસઆરએફનો શેર 9 ટકા ઉછળી રૂ. 6000ને પાર
અગ્રણી ડાયવર્સિફાઈડ કંપની એસઆરએફનો શેર 9 ટકા ઉછળી પ્રથમવાર રૂ. 6000ની સપાટીને પાર કરી ગયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 5642ના બંધ ભાવ સામે 9 ટકા અથવા રૂ. 509ના ઉછાળે રૂ. 6161ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 36300 કરોડને પાર કરી ગયું હતું. છેલ્લા એક વર્ષમાં એસઆરએફનો શેર ઉત્તરોત્તર સુધરતો રહ્યો છે. રૂ. 2700ના વાર્ષિક તળિયાથી ગણીએ તો શેર હાલમાં 250 ટકાથી વધુ રિટર્ન આપી ચૂક્યો છે.
ટાટા કેમિકલ્સનો શેર 6 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટીએ
ટાટા જૂથની સ્પેશ્યાલિટી કેમિકલ કંપની ટાટા કેમિકલનો શેર મંગળવારે 6 ટકાથી વધુ ઉછળી તેની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 762ના બંધ ભાવ સામે રૂ. 53ના સુધારે રૂ. 815ની લાઈફ ટાઈમ હાઈ બનાવી આખરે કામકાજના અંતે રૂ. 809ની સપાટી પર બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 20600 કરોડ પર જોવા મળ્યું હતું. ટાટા જૂથની ત્રણ અબજ ડોલરનું માર્કેટ-કેપ ધરાવતી કંપનીઓની ક્લબમાં ટાટા કેમિકલ્સ ટૂંકમાં પ્રવેશ કરે તેવી પૂરી સંભાવના છે. કંપનીનો શેર રૂ. 223ના વાર્ષિક તળિયાથી સતત સુધરતો રહ્યો છે. તેની વિવિધ પ્રોડક્ટ્સમાં સોડાએશ મુખ્ય છે અને હાલમાં ઉદ્યોગ ખૂબ સારા ભાવનો અનુભવ કરી રહ્યો છે.
અદાણી જૂથના માર્કેટ-કેપમાં વધુ રૂ. 40300 કરોડનો ઉમેરો
મંગળવારે અદાણી જૂથના શેર્સમાં સુધારો જળવાયો હતો. છ જૂથ કંપનીઓએ મળી રૂ. 40300 કરોડનો માર્કેટ-કેપ ઉમેરો નોંધાવ્યો હતો. જેમાં અદાણી પોર્ટ્સમાં સૌથી વધુ રૂ. 14300 કરોડ જ્યારે અદાણી પાવરમાં રૂ. 1800 કરોડનો ઉમેરો થયો હતો. અદાણી એન્ટરપ્રાઈઝમાં પણ રૂ. 10500 કરોડનો ઉમેરો થયો હતો. જ્યારે અદાણી ગ્રીન(રૂ. 4600 કરોડ) અને અદાણી ટ્રાન્સમિશન(રૂ. 3400 કરોડ)ની વૃદ્ધિ દર્શાવતાં હતાં. અદાણી જૂથનું કુલ એમ-કેપ રૂ. 7.85 લાખ કરોડ પર પહોંચ્યું હતું. એટલેકે ડોલર સંદર્ભમાં તેમની શેરબજાર વેલ્થ 107 અબજ ડોલર પર જોવા મળતી હતી.
દોઢ મહિના બાદ મીડ અને સ્મોલ-કેપ્સમાં આઉટપર્ફોર્મન્સ
એપ્રિલના અત્યાર સુધીના સત્રોમાં નિફ્ટી ફ્લેટ જ્યારે મીડ-કેપ ઈન્ડેક્સ 1.5 ટકા અને સ્મોલ-કેપમાં 2 ટકા સુધારો
કોવિડના વધતાં કેસિસ પાછળ જ્યારે લાર્જ-કેપ્સમાં ઘટાડા પાછળ બેન્ચમાર્ક નિફ્ટી છેલ્લા ચાર સત્રોથી બે બાજુ અથડાતો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી અને ત્રીજી હરોળના કાઉન્ટર્સમાં સારી ખરીદી જોવા મળી રહી છે અને લગભગ એક મહિનાથી વધુના સમયગાળા બાદ તેઓ આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યાં છે. માર્કેટ નિરીક્ષકોના મતે સમયની રીતે જોઈએ તો બેન્ચમાર્કનું કરેક્શન લગભગ દોઢથી પોણા બે મહિના જેટલું થઈ ગયું છે અને તેથી તે હવે સુધારાતરફી બની શકે છે.
મંગળવારે સતત બીજા દિવસે ભારતીય બજાર કોન્સોલિડેશનમાં રહ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 0.3 ટકા સુધારા સાથે બંધ આવ્યો હતો. જોકે નિફ્ટી સ્મોલ-કેપ 1.35 ટકા જ્યારે નિફ્ટી મીડ-કેપ 0.91 ટકા સાથે બંધ આવ્યો હતો. બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ લાંબા સમય બાદ નરમ બજારમાં પણ પોઝીટીવ જોવા મળી રહી છે. મંગળવારે દર ત્રણ શેર્સમાં સુધારા સામે 2 શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. અગાઉ માર્ચમાં લાર્જ-કેપ્સની સરખાણીમાં બીજી અને ત્રીજી હરોળના કાઉન્ટર્સ નોંધપાત્ર અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહ્યાં હતાં. સપ્ટેમ્બર બાદ પ્રથમવાર આમ જોવા મળ્યું હતુ. જોકે હવે ફરીથી મીડ અને સ્મોલ-કેપ સુધારાતરફી બન્યાં છે. એપ્રિલમાં અત્યાર સુધીમાં નિફ્ટી લગભગ ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યો છે. એટલેકે માર્ચના અંતે 14690 પર બંધ જોવા મળતો નિફ્ટી મંગળવારે 14683 પર સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ માર્ચ આખરમાં તેના 8113ના બંધ સામે સુધારે 8273 પર 2 ટકા સુધારા સાથે જ્યારે નિફ્ટી મીડ-કેપ 23693ના બંધ સામે 1.5 ટકા સુધારા સાથે 24016 પર બંધ રહ્યો હતો. બજારમાં નરમાઈના દિવસોમાં પણ પોઝીટીવ માર્કેટ બ્રેડ્થ સૂચવે છે કે બ્રોડ માર્કેટમાં મંદી પૂરી થઈ છે. કોવિડ કેસિસમાં વૃદ્ધિ પાછળ લાર્જ-કેપ્સ હજુ કોન્સોલિડેશનમાંથી બહાર આવી શકતાં નથી. જોકે સમયની રીતે તેમનું કરેક્શન પૂર્ણ થઈ ચૂક્યું છે. સામાન્યરીતે કોઈપણ તેજી બાદ પાંચથી છ સપ્તાહનું કરેક્શન અપેક્ષિત હોય છે. ત્યારબાદ બજાર નવી રેંજમાં જવાનો પ્રયાસ કરતું હોય છે. હાલમાં મીડ અને સ્મોલ-કેપ્સ આ તબક્કામાં આવી ચૂક્યાં છે.