માર્કેટ સમરી
માર્કેટમાં સુધારો અટક્યો, 16000નું સ્તર જળવાયું
ભારતીય બજાર માટે પૂરું થવા જઈ રહેલું સપ્તાહ ઐતિહાસિક બની રહ્યું હતું. નિફ્ટીએ પ્રથમવાર 16000નું સ્તર પાર કર્યું હતું અને સતત ચાર સત્રો તેણે આ સ્તર પર જ બંધ આપ્યું હતું. જોકે શુક્રવારે બજાર પોઝીટીવ બંધ આપવામાં નિષ્ફળ રહ્યું હતું. નિફ્ટી 56 પોઈન્ટ્સના ઘટાડે 16238ના સ્તરે બંધ રહ્યો હતો. બેંકિંગ, ફાઈનાન્સિયલ સર્વિસિઝ, ફાર્મા, એફએમસીજી, રિઅલ્ટી, મિડિયા, એનર્જી સહિતના ક્ષેત્રો નરમાઈ દર્શાવતાં હતાં. ઓટો અને આઈટીમાં પોઝીટીવ બંધ જોવા મળ્યું હતું.
માર્કેટમાં ચોપી મૂવમેન્ટ પાછળ પાંખા કામકાજ
ભારતીય બજારમાં ચોપી મૂવમેન્ટ વચ્ચે ટ્રેડર્સમાં અકળામણ જોવા મળતી હતી. જેને કારણે કામકાજમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી મોટાભાગનો સમય નેગેટિવ ટ્રેડ દર્શાવતો રહ્યો હતો અને આખરે નેગેટિવ ટેરીટરીમાં જ બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારોમાં પણ નરમાઈ જોવા મળતી હતી.
આરબીઆઈએ રેટ સ્થિર જાળવ્યો
મધ્યસ્થ બેંક આરબીઆઈએ રેપો રેટ 4 ટકાના સ્તરે જાળવી રાખ્યાં હતાં. જ્યારે તેણે ફુગાવો 5.7 ટકાના દરે જળવાશે તેમ જણાવ્યું હતું. જ્યારે 2022-23 માટે તેણે ફુગાવો ઘટી 5.1 ટકા રહેશે એમ જણાવ્યું હતું. તેણે એકોમોડેટીવ વલણ જાળવી રાખવાની વાત કરી હતી. તેણે બજારને કોઈ આશ્ચર્ય આપ્યું નહોતું.
વોડાફોન આઈડિયાનો શેર તળિયાથી 65 ટકા ઉછળ્યો
ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર વોડાફોન આઈડિયાનો શેર ગુરુવારે તેણે દર્શાવેલા રૂ.7.55ના બે વર્ષોના તળિયાથી 65 ટકા જેટલો ઉછળ્યો હતો. સરકારે સંસદમાં ઈન્કમ ટેક્સમાંથી રિટ્રોસ્પેક્ટિવ ટેક્સની જોગવાઈ દૂર કરતાં કંપનીના શેરમાં ખરીદી જોવા મળી હતી. અગાઉ કંપનીનો શેર ત્રણ દિવસમાં 38 ટકા જેટલો તૂટ્યો હતો. શુક્રવારે કંપનીનો શેર રૂ. 7.35ની ટોચ પર ટ્રેડ થયો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 20 હજાર કરોડ જોવા મળ્યું હતું.
સારા પરિણામ પાછળ બાસ્ફનો શેર 20 ટકા ઉછળ્યો
કેમિકલ કંપની બાસ્ફનો શેર જૂન ક્વાર્ટરમાં અપેક્ષાથી સારા પરિણામો પાછળ 20 ટકા ઉછળી તેની ઐતિહાસિક સપાટી પર ટ્રેડ થયો હતો. જોકે કામકાજને અંતે તે 18 ટકા સુધારા સાથે રૂ. 3375.80ની સપાટી બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે કંપનીનો શેર રૂ. 3437.75ની ટોચ પર જોવા મળ્યો હતો. કંપનીનો શેર રૂ. 1266.25ના વાર્ષિક તળિયા સામે લગભગ 190 ટકા સુધારો દર્શાવી રહ્યો છે. ચાલુ બજારે કંપનીએ પરિણામ જાહેર કર્યાં હતાં. જેની પાછળ શેરે તીવ્ર ઉછાળો દર્શાવ્યો હતો અને તે રૂ. 14612 કરોડના માર્કેટ-કેપ પર બંધ જોવા મળ્યો હતો.
ગ્લેનમાર્ક લાઈફ સાયન્સિઝનું નબળુ લિસ્ટીંગ
છેલ્લા બે મહિનાથી એક પછી એક સારા લિસ્ટીંગનો ક્રમ ગ્લેનમાર્ક લાઈફ સાયન્સિઝના લિસ્ટીંગે તોડ્યો હતો. કંપનીનો શેર 5 ટકાથી પણ નીચા પ્રિમીયમ સાથે લિસ્ટ થયાં બાદ કામકાજને અંતે 3.96 ટકા સુધારા સાથે રૂ. 748.50ના સ્તરે બંધ રહ્યો હતો. રૂ. 720ના ઓફર ભાવ સામે શુક્રવારે કંપનીનો શેર રૂ. 751.10ના ભાવે 4.3 ટકા પ્રિમીયમે લિસ્ટ થયો હતો. જે સુધરીને રૂ. 799.95ની ટોચ પર જોવા મળ્યો હતો. જોકે ત્યાં ટકી શક્યો નહોતો અને સતત ઘટતો રહી રૂ. 750 પર પટકાયો હતો. આમ ઓફરભાવથી માત્ર રૂ. 28.50ના સુધારે બંધ રહ્યો હતો. અગાઉ ગ્રે-માર્કેટ પ્રિમીયમ 10-15 ટકા પ્રિમીયમે લિસ્ટીંગની શક્યતા દર્શાવતું હતું. સોમવારે રોલેક્સ રિંગ્સનું લિસ્ટીંગ થવાનું છે.
સેબીએ એબીએસએલ એએમસીના ડીઆરએચપીને મંજૂરી રાખ્યું
માર્કેટ રેગ્યુલેટર સેબીએ આદિત્ય બિરલા કેપિટલની એસેટ મેનેજમેન્ટ કંપની આદિત્ય બિરલા સન લાઈફ એએમસીના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ(ડીઆરએચપી)ને મંજૂરી આપી છે. આદિત્ય બિરલા સન લાઈફે એપ્રિલ મહિનામાં ડીઆરએચપી ફાઈલ કર્યું હતું. જોકે માર્કેટ રેગ્યુલેટરે તેને મંજૂરી આપી નહોતી. કંપની સપ્ટેમ્બર-ઓક્ટોબરના સમયગાળામાં આઈપીઓ લાવવા ઈચ્છી રહી છે. એબી કેપિટલ તેની એએમસીનું રૂ. 22000-24000 કરોડની રેંજમાં વેલ્યૂએશન જોઈ રહી છે. જ્યારે કંપનીના આઈપીઓનું કદ લગભગ રૂ. 2500 કરોડ આસપાસ હશે એમ વર્તુળો જણાવે છે. આઈપીઓ સંપૂર્ણપણે ઓફર-ફોર-સેલ હશે. જેમાં એબીએસએલ એએમસીના 13.5 ટકા હિસ્સાનું વેચાણ થશે. સંયુક્ત સાહસમાં કેનેડિયન ભાગીદાર તેની પાસેના 49 ટકા હિસ્સામાંથી 12.5 ટકા હિસ્સો ઓફર કરશે
દેશમાં પ્રથમવાર એક્રિડિટેડ ઇન્વેસ્ટર્સનો કન્સેપ્ટ રજૂ કરતી સેબી
સેબી નિર્ધારિત નાણાકીય માપદંડને આધારે વ્યક્તિઓ, એયુએફ ફેમિલી ટ્રસ્ટ્સ, સોલ પ્રોપરાઇટરશીપ્સ, પાર્ટનરશિપ ફર્મ, ટ્રસ્ટ અને કોર્પોરેટ એક્રિડિશન મેળવી શકશે
વ્યક્તિગત, એચયુએફ કે ફેમિલી ટ્રસ્ટ માટે એક્રેડિડેટ ઈન્વેસ્ટર્સ બનવા વાર્ષિક લઘુત્તમ રૂ. 2 કરોડની આવક અથવા રૂ. 7.5 કરોડની નેટવર્થ હોવું જરૂરી
માર્કેટ રેગ્યુલેટર સેબીએ સિક્યોરિટીઝ માર્કેટમાં એક્રિડિટેડ ઇન્વેસ્ટર નામના નવા પ્રકારના રોકાણકારોનો કન્સેપ્ટ રજૂ કર્યો છે. તેનાથી ભંડોળ એકત્ર કરવાનું એક નવું માધ્યમ ઉપલબ્ધ થવાની ધારણા છે. વ્યક્તિ કે એકમો તેમની વાર્ષિક આવક કે નેટવર્થના આધારે આવું એક્રિડિશન સર્ટિફિકેટ મેળવી શકશે. તેમને રોકાણના સંદર્ભમાં નિયમોમાં કેટલીક છૂટછાટ મળશે.
સેબીએ 3 ઓગસ્ટે પ્રગટ કરેલાં જાહેરનામા મુજબ આવક કે નેટવર્થના આધારે કોઇ વ્યક્તિ કે એકમને એક્રિડિટેડ ઇન્વેસ્ટરનો દરજ્જો આપવામાં આવશે. સેબીએ નિર્ધારિત કરેલા નાણાકીય માપદંડને આધારે વ્યક્તિઓ, હિન્દુ અવિભક્ત કુટુંબ (એયુએફ) ફેમિલી ટ્રસ્ટ્સ, સોલ પ્રોપરાઇટરશીપ્સ, પાર્ટનરશિપ ફર્મ, ટ્રસ્ટ અને કોર્પોરેટ એક્રિડિશન મેળવી શકશે. ડિપોઝિટરીઝ અને સ્ટોક એક્સ્ચેન્જ આવા રોકાણકારોને એક્રિડિટેશન સર્ટિફિકેટ આપશે. સેબીએ જણાવ્યું હતું કે કોઇ વ્યક્તિ, એચયુએફ, ફેમિલી ટ્રસ્ટ કે સોલ પ્રોપરાઇટરશિપની વાર્ષિક આવક ઓછામાં ઓછી રૂ. 2 કરોડ અથવા રૂ. 7.5 કરોડની નેટવર્થ હોય તો તેઓ એક્રિડિટેડ ઇન્વેસ્ટર્સ બની શકશે. આ રૂ. 7.5 કરોડની નેટવર્થમાંથી ઓછામાં ઓછી 50 ટકા ફાઇનાન્શિયલ એસેટ્સ હોવી અનિવાર્ય છે. આ ઉપરાંત ઓછામાં ઓછી વાર્ષિક રૂ. 1 કરોડની આવક અને રૂ. 5 કરોડની નેટવર્થનું કોમ્બિનેશન હોય તો પણ એક્રેડિટેડ ઇન્વેસ્ટર્સનો દરજ્જો મળી શકે છે.
ફેમિલી ટ્રસ્ટ સિવાયના ટ્રસ્ટ્સના કિસ્સામાં એક્રિડિટેડ ઇન્વેસ્ટર બનવા માટે ઓછામાં ઓછી રૂ. 50 કરોડની નેટવર્થ જરૂરી છે. કોર્પોરેટ માટે ઓછામાં ઓછી રૂ. 50 કરોડની નેટવર્થ જરૂરી છે. પાર્ટનરશિપના સંદર્ભમાં દરેક પાર્ટનરે વ્યક્તિગત રીતે એક્રિડિટેશનના માપદંડનું પાલન કરવું પડશે. સેબીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના ફંડ્સ, ડેવલપમેન્ટ એજન્સી, ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશન બાયર્સ, કેટેગરી-1 એફપીઆઇ, સોવરિન વેલ્થ ફંડ્સ અને બહુરાષ્ટ્રીય એજન્સીઓ એક્રિડેટેડ ઇન્વેસ્ટર્સ ગણાવશે અને સર્ટિફિકેટ મેળવવું પડશે નહીં. એક્રિડિટેડ ઇન્વેસ્ટર્સને અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (AIF)ના ધોરણો અને પાર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસસ (પીએમએસ)નો નિયમોમાં નિર્ધારિત લઘુતમ રકમ કરતા ઓછી રકમનું રોકાણ કરવાની છૂટ મળશે. આ નવા પ્રકારના રોકાણકારોને તેમની જોખમની ક્ષમતા અને જરૂરિયાતને આધારે એઆઇએફ અને પીએમએસમાં રોકાણ કરવામાં વધુ છૂટછાટ મળશે.
એઆઇએફમાં હાલના નિયમો મુજબ દરેક રોકાણકારે ઓછામાં ઓછું રૂ. 70 કરોડનું રોકાણ કરવું પડે છે, પરંતુ એક્રિડિટેડ ઇન્વેસ્ટર્સ માટેના એઆઇએફ છૂટછાટ મેળવી શકશે. સેબીના નોટિફેકશન મુજબ એક્રિડિટેડ ઇન્વેસ્ટર્સ માટેના લાર્જ વેલ્યૂ ફંડ (એઆઇએફના દરેક રોકાણકાર એક્રિડિટેડ ગણાશે. જોકે આવા ફંડ઼્સના મેનેજર, સ્પોન્સર, એમ્પ્લોઇડ કે ડિરેક્ટર એક્રિડિટેડ ગણાશે નહીં.
એક્રિડિટેડ ઇન્વેસ્ટર્સ માટેના લાર્જ વેલ્યૂ ફંડ઼્સ તેમની મુદતને નિર્ધારિત બે વર્ષ કરતાં પણ વધુ લંબાવી શકશે. સેબીએ જણાવ્યું હતું કે કેટેગરી-1 અને 2ના એક્રિડિટેડ ઇન્વેસ્ટર્સ માટેના લાર્જ વેલ્યૂ ફંડ્સ સીધી રીતે કે બીજા એઆઇએફના યુનિટમાં રોકાણ મારફત ઇનેસ્ટી કંપનીમાં રોકાણપાત્ર ફંડ્સમાંથી 50 ટકા સુધી રોકાણ કરી શકે છે.
લાંબા સમય બાદ એક્ટિવ ફંડ્સનું બેન્ચમાર્ક્સ કરતાં 22 ટકા સુધી ઊંચું રિટર્ન
છેલ્લા એક વર્ષમાં એક્ટિવ લાર્જ-કેપ ફંડ્સનું સરેરાશ 48 ટકા રિટર્ન જ્યારે સેન્સેક્સનું 45 ટકા વળતર
માર્કેટમાં બ્રોડ બેઝ પાર્ટિસિપેશનને કારણે પેસિવ ફંડ્સની સરખામણીમાં સારો દેખાવ
એક્ટિવ લાર્જ-કેપ ફંડ્સે ફરીથી ઊંચું રિટર્ન દર્શાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા એક વર્ષમાં ભારતીય બેન્ચમાર્ક્સની સરખામણીમાં આવા ફંડ્સે ઊંચું રિટર્ન નોંધાવ્યું છે. તેમણે પેસિવ ફંડ્સને પણ રિટર્નમાં પાછળ રાખી દીધાં છે. જો એક વર્ષના રિટર્નની વાત કરીએ તો દેશમાં એક્ટિવ લાર્જ-કેપ ફંડ્સે સરેરાશ 48 ટકાનું રિટર્ન દર્શાવ્યું છે. જેની સામે બીએસઈ સેન્સેક્સે 45 ટકા જેટલો સુધારો નોંધાવ્યો છે. ઘણા ખરા બ્લ્યૂ-ચિપ ફંડ્સે 50-60 ટકાની રેંજમાં રિટર્ન દર્શાવ્યું છે.
માર્કેટ રિસર્ચ કંપનીઓના જણાવ્યા મુજબ છેલ્લાં એક વર્ષમાં બજારમાં સુધારો બ્રોડ બેઝ જોવા મળ્યો હતો અને અગાઉની માફક તે કેટલીક ચોક્કસ કંપનીઓ પૂરતો મર્યાદિત નહોતો રહ્યો. જેને કારણે એક્ટિવ લાર્જ-કેપ ફંડ્સ તેમના બેન્ચમાર્ક્સની સરખામણીમાં સારો દેખાવ દર્શાવી શક્યાં હતાં. કેલેન્ડર 2017થી 2019ની વચ્ચે ઘણા ફંડ મેનેજર્સ રોકાણકારોને રિટર્ન આપવામાં નિષ્ફળ રહ્યાં હતાં. જેનું મુખ્ય કારણ બજારમાં ખૂબ જ કોન્સન્ટ્રેટેડ તેજી હતું. એટલેકે તે સમય દરમિયાન કેટલાક ગણ્યા-ગાંઠ્યા શેર્સમાં સુધારો જોવા મળ્યો હતો અને તેથી સરવાળે ફંડ્સ વળતર દર્શાવી શક્યું નહોતું. જોકે છેલ્લા એક વર્ષમાં તમામ ક્ષેત્રો અને શેર્સ તેજીમાં જોડાયાં હતાં અને ફંડ મેનેજર્સને મોટી રાહત મળી હતી. તેમણે પસંદ કરેલા શેર્સ પણ ચાલવામાં સફળ રહ્યાં હતાં. જેણે પેસિવ ફંડ્સને રિટર્નમાં પાછળ રાખી દીધાં હતાં. છેલ્લાં એક વર્ષમાં એક્ટિવ લાર્જ-કેપ્સમાં સૌથી સારો દેખાવ ક્વોન્ટ ફોકસ્ડ ફંડે દર્શાવ્યો છે. ફંડે રોકાણકારોને 70.19 ટકા રિટર્નથી નવાજ્યાં છે. જ્યારબાદના ક્રમે ફ્રેન્કલીન બ્લ્યૂચિપ ફંડનો આવે છે. જેણે 64.31 ટકા રિટર્ન દર્શાવ્યું છે. ઈક્વ-વેઈટ ફંડ્સે પણ નિફ્ટી અને સેન્સેક્સથી સારો દેખાવ દર્શાવ્યો છે. જેનું મુખ્ય કારણ મીડ અને સ્મોલ-કેપ્સનો બેન્ચમાર્ક્સથી પણ સારો દેખાવ છે. આવા ફંડ્સે તો લાર્જ-કેપ ફંડ્સના દેખાવને ઓર સહાય કરી છે. છેલ્લા એક વર્ષમાં બીએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ 74.21 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 101 ટકા જેટલાં ઊછળ્યાં છે. સામાન્યરીતે લાર્જ-કેપ ફંડ્સને તેમના કુલ ભંડોળનો ઓછામાં ઓછો 80 ટકા હિસ્સો લાર્જ-કેપ્સમાં રોકવાનો મેન્ડેટ મળ્યો હોય છે. જ્યારે તે સિવાયની રકમ તેઓ મીડ-કેપ અને સ્મોલ-કેપમાં રોકાણ કરી શકે છે. જે ફંડ મેનેજર્સે 20 ટકા રકમ બીજી અને ત્રીજી હરોળના કાઉન્ટર્સમાં રોકવાનું સાહસ કર્યું હતું. તેઓ ચોક્કસ હરિફ લાર્જ-કેપ્સ કરતાં સારો દેખાવ દર્શાવી શક્યાં છે. બેન્ચમાર્ક્સથી ઊંચું રિટર્ન દર્શાવનાર કેટલાક એક્ટિવ લાર્જ-કેપ ફંડ્સમાં નિપ્પોન ઈન્ડિયા લાર્જ કેપ ફંડ(58.04 ટકા), મહિન્દ્રા મેન્યૂલાઈફ લાર્જ કેપ પ્રગતિ યોજના(54.38 ટકા), ટાટા લાર્જ કેપ ફંડ (54.22 ટકા), એબીઆઈ બ્લ્યૂચિપ ફંડ(53.78 ટકા), યુટીઆઈ માસ્ટરશેર ફંડ(53.54 ટકા) અને આદિત્ય બિરલા સન લાઈફ ફ્રન્ટલાઈન ઈક્વિટી ફંડ(53.49 ટકા)નો સમાવેશ થાય છે. આ તમામ ફંડ્સે સેન્સેક્સના 45 ટકાની સરખામણીમાં 8થી લઈ 22 ટકા સુધીનું ઊંચું વળતર નોંધાવ્યું છે. જે નિફ્ટી સાથે જોડાયેલા વિવિધ પેસિવ ફંડ્સની સરખામણીમાં ઓછામાં ઓછું 10 ટકા સારો દખાવ સૂચવે છે. બજારમાં સતત સુધારા બાદ ફંડ ઉદ્યોગ વર્તુળો ફરીથી એક્ટિવ ફંડ્સ તરફ ઊંચો ઈનફ્લો જોવા મળે તેવી શક્યતા પણ જોઈ રહ્યાં છે.