બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
ઓમિક્રોનના ગભરાટ પાછળ સેન્સેક્સમાં 949 પોઈન્ટ્સનું ગાબડું
બે ટ્રેડિંગ સત્રોમાં બીએસઈ સેન્સેક્સે 1714નું ધોવાણ, રોકાણકારોએ રૂ. 5.8 લાખ કરોડ ગુમાવ્યાં
વૈશ્વિક બજારોમાં સ્થિરતા વચ્ચે ભારતીય બજારમાં વેચવાલીનું દબાણ
બુધવારે આરબીઆઈ મોનેટરી પોલિસી સમીક્ષા અગાઉ ટ્રેડર્સે લોંગ પોઝીશન હળવી કરી હોવાનો મત
મંગળવારે માર્કેટમાં બાઉન્સ જોવા મળશે તો ડબલ બોટમ બનવાની શક્યતાં વ્યક્ત કરી રહેલા એનાલિસ્ટ્સ
માર્કેટમાં તીવ્ર ઘટાડા વચ્ચે બીએસઈ ખાતે 489 શેર્સ અપર સર્કિટ્સમાં બંધ જોવા મળ્યાં
શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત તીવ્ર ઘટાડા સાથે થઈ હતી. બેન્ચમાર્ક સેન્સેક્સ 949 પોઈન્ટ્સના ઘટાડે 56747ના સ્તરે બંધ રહ્યો હતો. છેલ્લાં બે ટ્રેડિંગ સત્રોમાં તે 1714 પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવી ચૂક્યો છે. બેન્ચમાર્ક નિફ્ટી 285 પોઈન્ટ્સ ગગડી 16912ના સ્તરે બંધ રહ્યો હતો. તેણે સતત બીજા સપ્તાહે 17 હજારની નીચે બંધ દર્શાવ્યું હતું. સોમવારે તીવ્ર ઘટાડા વચ્ચે રોકાણકારોની વેલ્થમાં માત્ર રૂ. 90 હજાર કરોડનું ધોવાણ જોવા મળ્યું હતું. છેલ્લાં બે ટ્રેડિંગ સત્રોમાં મળીને ઈન્વેસ્ટર્સે રૂ. 5.8 લાખ કરોડ ગુમાવ્યાં છે. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીક્સ 9 ટકા ઉછળી 20.07 પર જોવા મળ્યો હતો.
વૈશ્વિક બજારોમાં સ્થિરતા વચ્ચે ભારતીય બજારે તાજેતરમાં વધુ એક અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. એશિયન બજારોમાં હોંગ કોંગ સ્થાનિક કારણોસર નરમાઈ દર્શાવતું હતું. જ્યારે અન્ય બજારો સાધારણ વધ-ઘટ સાથે ટ્રેડ થઈ રહ્યાં હતાં. બપોરે યુરોપિય બજારો પણ ગ્રીન ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જોકે ભારતીય બજાર દિવસ દરમિયાન બાઉન્સ દર્શાવી શક્યું નહોતું અને સતત ઘસાતું રહ્યું હતું.
સોમવારે નિફ્ટી કાઉન્ટર્સમાં એકમાત્ર યુપીએલને બાદ કરતાં અન્ય તમામ 49 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે સેન્સેક્સમાં સમાવિષ્ટ ત્રીસે-ત્રીસ કાઉન્ટર નેગેટિવ બંધ રહ્યાં હતાં. બેન્ચમાર્ક્સમાં 1.65 ટકાના ઘટાડા સામે કેટલાંક સેક્ટરલ સૂચકાંકો 2 ટકાથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જેમાં નિફ્ટી ઓઈલએન્ડગેસ અને નિફ્ટી આઈટી મુખ્ય હતાં. જ્યારે એફએમસીજી, એનર્જી, ફાર્મા, રિઅલ્ટી, બેંકિંગ, ઈન્ફ્રા સહિતના સેક્ટરલ ઈન્ડાઈસીસે 1-2 ટકા સુધીનો ઘટાડો નોંધાવ્યો હતો. નિફ્ટી કાઉન્ટર્સમાં કોલ ઈન્ડિયાએ 7 ટકાથી વધુ ઘટાડા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવ્યો હતો. જ્યારબાદ ઈન્ડસઈન્ડ બેંક(3.73 ટકા), ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ(3.45 ટકા), બજાજ ફિનસર્વ(3.40 ટકા), એચસીએલ ટેક(3 ટકા) અને ભારતી એરટેલ(2.9 ટકા)નો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
માર્કેટમાં બ્રોડ બેઝ વેચવાલી વચ્ચે બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ નરમ જોવા મળી હતી. જોકે તેમ છતાં અપર સર્કિટ્સ દર્શાવનાર કાઉન્ટર્સનું પ્રમાણ નોંધપાત્ર ઊંચું જોવા મળ્યું હતું. બીએસઈ ખાતે 489 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જેની સામે 229 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સમાં જોવા મળ્યા હતાં. બીએસઈ ખાતે 215 કાઉન્ટર્સે તેમની 52-સપ્તાહની ટોચ દર્શાવી હતી. જ્યારે 43 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું. નિફ્ટી સ્મોલ-કેપ પ્રમાણમાં 1.09 ટકાનો નીચો ઘટાડો દર્શાવી રહ્યો હતો. જે સૂચવે છે કે લાર્જ-કેપ્સમાં વેચવાલી વચ્ચે સ્મોલ-કેપ્સમાં એક્યૂમ્યૂલેશન ચાલી રહ્યું છે. એનાલિસ્ટ્સના મતે નિફ્ટીએ 17800નું સ્તર જાળવી રાખ્યું છે. જો મંગળવારે નિફ્ટી બાઉન્સ દર્શાવશે તો ડબલ બોટમ પેટર્ન કન્ફર્મ થશે. તાજેતરની વેચવાલીને તેઓ પ્રોફિટ બુકિંગ તરીકે ગણાવી રહ્યાં છે અને તે એક હેલ્ધી કરેક્શન હોવાનું માની રહ્યાં છે. માર્કેટમાં આઈપીઓની વણઝારને જોતાં પણ બજારમાં વધુ ઘટાડાની શક્યતાં નહિ હોવાનું તેમનું કહેવું છે.
ઓમિક્રોનને કારણે લોકડાઉનની શક્યતાં નથી
માર્કેટ એનાલિસ્ટ્સના મતે હાલનો ઘટાડો અલ્પજિવી નીવડી શકે છે. કેમકે સરકાર તરફથી ઓમિક્રોનને કારણે ક્યાંય કોઈ લોકડાઉન આપવામાં આવે તેવી શક્યતાં નથી. વૈશ્વિક બજારોમાં ઓમિક્રોન ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યો છે અને ભારતીય બજારે પણ સોમવારે તેને મહ્દઅંશે ડિસ્કાઉન્ટ કરી દીધું છે. આરબીઆઈ બે દિવસ બાદ તેના પોલિસી રિવ્યૂમાં વ્યાજ દર સ્થિર જાળવી રાખવાને લઈને પણ સર્વસંમતિ છે આમ માર્કેટમાં વધ-ઘટ વચ્ચે સુધારાતરફી ટોન જોવા મળે તેવી શક્યતાં છે.
આઈટી શેર્સમાં લાંબા સમયગાળા બાદ તીવ્ર વેચવાલી જોવા મળી
એલએન્ડટી ઈન્ફોટેક, કોફોર્જ 4 ટકાથી વધુ જ્યારે એચસીએલ ટેક, ટીસીએસ અને ટેક મહિન્દ્રામાં 3 ટકા સુધીનો ઘટાડો
સોમવારે શેરબજારમાં તીવ્ર વેચવાલી જોવા મળી હતી. જેની આગેવાની આઈટી શેર્સે લીધી હતી. આઈટી કાઉન્ટર્સમાં લાંબા સમયગાળા બાદ સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી અને શેર્સના ભાવ 5 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
નિફ્ટી આઈટી ઈન્ડેક્સ સોમવારે 2.7 ટકા તૂટ્યો હતો. જ્યારે આઈટી ઈન્ડેક્સમાં સમાવિષ્ટ કાઉન્ટર્સમાં એલએન્ડટી ઈન્ફોટેક 4.28 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવતો હતો. કંપનીનો શેર રૂ. 292ના ઘટાડે રૂ. 6556ના સ્તરે બંધ રહ્યો હતો. તે રૂ. 7534ની મહિના અગાઉ બનેલી સર્વોચ્ચ ટોચ પરથી લગભગ રૂ. 1000નું કરેક્શન સૂચવી રહ્યો છે. જોકે આમ છતાં તેનું માર્કેટ-કેપ રૂ. 1.14 લાખ કરોડના સ્તરે ટકેલું છે અને રૂ. એક લાખથી વધુ એમ-કેપ ધરાવતી છઠ્ઠી આઈટી કંપની છે. ઊંચો ઘટાડો દર્શાવનારી અન્ય કંપનીઓમાં કોફોર્જ લી.(4.20 ટકા), એચસીએલ ટેક્નોલોજી(2.98 ટકા), ટેક મહિન્દ્રા(2.61 ટકા), વિપ્રો(2.55 ટકા), ઈન્ફોસિસ(2.40 ટકા)નો સમાવેશ થતો હતો. સોમવારે આઈટી કંપનીઓએ લગભગ રૂ. 30 હજાર કરોડનું માર્કેટ-કેપ ગુમાવ્યું હતું.
એનાલિસ્ટ્સના મતે વૈશ્વિક સ્તરે ઓમિક્રોનના ગભરાટની સૌથી ખરાબ અસર એક્સપોર્ટ ઓરિએન્ટેડ આઈટી કંપનીઓ પર પડી છે. હવાઈ ઉડ્ડયન પર પ્રતિબંધોને કારણે ઉદ્યોગ પર વિપરીત અસર થઈ શકે છે એમ માનવામાં આવે છે. એપ્રિલ 2020થી અત્યાર સુધીમાં આઈટી કંપનીઓએ બ્રોડ માર્કેટની સરખામણીમાં આકર્ષક દેખાવ દર્શાવ્યો હતો. છેલ્લાં એક વર્ષમાં ત્રણ આઈટી કંપનીઓ મીડ-કેપ્સમાંથી લાર્જ-કેપ્સ બની હતી. બેન્ચમાર્ક નિફ્ટીમાં અગાઉ બેંકિંગ બાદ માર્કેટ-કેપમાં આઈટી કંપનીઓ બીજા ક્રમે હતી. જોકે આઈટી કંપનીઓના માર્કેટ-કેપમાં અવિરત વૃદ્ધિ બાદ તે નિફ્ટીમાં સૌથી વધુ માર્કેટ-કેપ ધરાવતું સેગમેન્ટ બન્યું હતું.
સોમવારે આઈટી કંપનીઓનો દેખાવ
સ્ક્રિપ્સ ઘટાડો(ટકામાં)
એલએન્ડટી ઈન્ફોટેક 4.28
કોફોર્જ 4.20
એચસીએલ ટેક્નોલોજી 2.98
ટીસીએસ 2.86
ટેક મહિન્દ્રા 2.61
વિપ્રો 2.54
ઈન્ફોસિસ 2.32
એમ્ફેસિસ 2.07
માઈન્ડટ્રી 1.91
ચીની ડેવલપર એવરગ્રાન્ડે રિપેમેન્ટ્સમાં ગેરંટીની શક્યતા નકારતાં શેર ગગડ્યો
ચાઈનીઝ રિઅલ્ટી જૂથ એવરગ્રાન્ડે રિપેમેન્ટ્સ માટે પોતે પર્યાપ્ત ફંડ ધરાવતી હોવાની ગેરંટીનો ઈન્કાર કરતાં શેરમાં 12 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીનો શેર 11 વર્ષના તળિયા પર પટકાયો હતો. સાથે ચીની સત્તાવાળાઓએ કંપનીના ચેરમેનને સમન્સ પાઠવ્યાં હતાં. કંપનીએ 6 નવેમ્બરે ચૂકવવાના થતાં 8.25 કરોડ ડોલરના કૂપન પેમેન્ટ માટે 30 દિવસના ગ્રેસ પિરિયડનો 6 ડિસેમ્બરે છેલ્લો દિવસ હતો. એક સમયે ચીનમાં સૌથી વધુ વેચાણ ધરાવતો ડેવલપર 300 અબજ ડોલરની જવાબદારી ધરાવે છે. તેનું ઉઠમણું દેશના પ્રોપર્ટી ક્ષેત્ર તથા સમગ્ર અર્થતંત્રને હલાવી શકે છે. શુક્રવારે સાંજે એક ફાઈલીંગમાં વિશ્વમાં સૌથી ઊંચું દેવું ધરાવતાં ડેવલપરે જણાવ્યું હતું કે ક્રેડિટર્સ પાસેથી 26 કરોડ ડોલર ચૂકવવા માટેની માગણી કરવામાં આવી છે. હોંગ કોંગ ખાતે એવરગ્રાન્ડનો શેર 12 ટકા ગગડી મે 2010 પછીની 1.98 ડોલરની સૌથી નીચી સપાટી પર જોવા મળ્યો હતો.
બ્રેન્ટ ક્રૂડ વાયદામાં 2 ટકાથી વધુનો સુધારો
ઓમિક્રોનને લઈને ચિંતા હળવી થતાં વૈશ્વિક ક્રૂડના ભાવમાં ઉઘડતાં સપ્તાહે 2 ટકાથી વધુનો સુધારો જોવા મળતો હતો. બ્રેન્ટ ક્રૂડ વાયદો 2.5 ટકાના સુધારે 71.92 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થયો હતો. આમ તે ફરી 70 ડોલર પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. તેણે ગયા સપ્તાહે 70 ડોલરનું સ્તર ગુમાવ્યું હતું. ઓક્ટોબર મહિનામાં 87 ડોલરની ચાર વર્ષની ટોચ પરથી તે લગભગ 17 ડોલર અથવા 20 ટકાથી વધુ કરેક્શન બાદ કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યો છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે તેને 75 ડોલરનું અવરોધ સ્તર છે. જે પાર થશે તો ફરીથી 85-87 ડોલરની સપાટી દર્શાવી શકે છે.
રાકેશ ઝૂનઝૂનવાલા સમર્થિત શ્રીરામ પ્રોપર્ટીઝ બજારમાંથી રૂ. 600 કરોડ ઊભા કરશે
અગ્રણી ઈન્વેસ્ટર્સ રાકેશ ઝૂનઝૂનવાલા સમર્થિત રિઅલ્ટી કંપની શ્રીરામ પ્રોપર્ટીઝ આઈપીઓ મારફતે રૂ. 600 કરોડ ઊભા કરશે. કંપનીમાં ઝૂનઝૂનવાલાના પત્ની રેખા ઝૂનઝૂનવાલા લગભગ 15 ટકા હિસ્સા સાથે ત્રીજા સૌથી મોટા રોકાણકાર છે. કંપની રૂ. 113-118ની પ્રાઈસ બેન્ડમાં શેર ઓફર કરવા સાથે 8 ડિસેમ્બરે બજારમાં પ્રવેશશે. તે ચેન્નાઈ સ્થિત શ્રીરામ જૂથનો ભાગ છે. હાલમાં જૂથની બે કંપનીઓ શેરબજાર પર લિસ્ટેડ છે. જેમાં એક શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ અને બીજી શ્રીરામ સિટિ યુનિયન ફાઈનાન્સ છે.
RBI વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવશેઃ અર્થશાસ્ત્રીઓ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 8 ડિસેમ્બરે મળનારી તેની કેલેન્ડર 2021ની છેલ્લા મોનેટરી પોલિસી સમીક્ષામાં વેઈટ એન્ડ વોચની નીતિ જાળવી રાખે તેવી શક્યતા મોટાભાગના અર્થશાસ્ત્રીઓ વ્યક્ત કરી રહ્યાં છે. તેમના મતે મઘ્યસ્થ બેંક રેપો રેટને 4 ટકાના દરે જાળવી રાખશે. સાથે એકોમોડેટીવ વલણ પણ જાળવી રાખશે.
જોકે રિવર્સ રેપો રેટ વૃદ્ધિની શક્યતાને લઈને તેમની વચ્ચે મતાંતર પ્રવર્તી રહ્યો છે. હાલમાં તે 3.35 ટકા પર ચાલી રહ્યો છે. જોકે ઓક્શન્સમાં વેઈટેજ એવરેજ રિવર્સ રેપો રેટ 4 ટકા પર જોવા મળ્યો છે. આરબીઆઈ દ્વારા સિસ્ટમમાંથી એક્સ્ટ્રા ઓર્ડિનરી લિક્વિડિટીને ટાઈટ કરવામાં આવતાં આમ બન્યું છે. અર્થશાસ્ત્રીઓનો નોઁધપાત્ર વર્ગ માને છે કે સેન્ટ્રલ બેંકર રિવર્સ રેપો રેટમાં વૃદ્ધિ કરશે. જોકે તેનાથી મોટો વર્ગ માની છે કે ઓમીક્રોનનો ડર જોતાં આરબીઆઈ હાલમાં રિવર્સ રેપો રેટમાં વૃદ્ધિને મોકૂફ રાખી શકે છે. તેમનું માનવું છે કે આરબીઆઈ ઔપચારિક પોલીસી સમીક્ષા વખતે રિવર્સ રેપો રેટમાં વૃદ્ધિની નહિ કરે અને તે આકસ્મિકપણે હાથ ધરવામાં આવશે. આનું એક કારણ એ પણ છે કે રિવર્સ રેપો રેટ એ મોનેટરી પોલિસી કમિટી(એમપીસી)ના છ સભ્યોના દાયરામાં આવતી બાબત નથી. તેના નિર્ધારણનો સંપૂર્ણ અધિકાર આરબીઆઈ ધરાવે છે. તેમના મતે મોનેટરી પોલિસીમાં નોર્મલાઈઝેશન એ આરબીઆઈએ 8 ઓક્ટોબરના રોજ શરૂ કરેલી ચાર તબક્કાની પ્રોસેસના ભાગરૂપ છે. તેણે માર્કેટમાં વધારાની લિક્વિડીટી દાખલ કરવાનું બંધ કર્યું છે અને તબક્કાવારપણે વેરિએબલ રેટ રિવર્સ રેપો(વીઆરઆરઆર) મારફતે તેણે બેંકિંગ સિસ્ટમમાં વધારાની રૂ. 6 લાખ કરોડની લિક્વિડીટી પરત ખેંચી છે. જોકે આમ છતાં 2 ડિસેમ્બરે બેંકિંગ સિસ્ટમમાં રૂ. 8.58 લાખ કરોડની લિક્વિડીટી જોવા મળતી હતી.
શુક્રવારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના એમડી ક્રિસ્ટેલિનાએ જણાવ્યું હતું કે ઓમીક્રોનને કારણે વૈશ્વિક અર્થતંત્રના વૃદ્ધિ દરમાં ડાઉનગ્રેડની શક્યતાં છે. તાજેતરમાં ફુગાવાને અંકુશમાં રાખવાના પગલે ઘણી મધ્યસ્થ બેંક્સે રેટ્સમાં વૃદ્ધિ કરી છે. આરબીઆઈએ જોકે હજુ સુધી તેમ કરવાનો ઈન્કાર કર્યો છે. તેનું માનવું છે કે ઉતાવળમાં લીધેલું આ પ્રકારનું પગલું શરુઆતી દોરમાં જોવા મળતી રિકવરીને ખોરવી શકે છે.
Market Summary 6 Dec 2021
December 06, 2021