Market Summary 6 Jan 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

રેટ વૃદ્ધિ માટે ફેડની અધીરાઈ પાછળ બજારોમાં વેચવાલી
યુએસ ફેડની મિનિટ્સમાં ટેપરિંગ બંધ કરવા ઉપરાંત બેંક બોંડ સેલીંગ કરે તેવી શક્યતાં
વૈશ્વિક સ્તરે નાસ્ડેક અને જાપાન જેવા બજારોમાં 3 ટકાનો તીવ્ર ઘટાડો
લાર્જ-કેપ્સમાં નરમાઈ વચ્ચે મીડ-સ્મોલ કેપ્સમાં ખરીદી જોવા મળી
વોલેટિલિટી ઈન્ડેક્સમાં વૃદ્ધિને જોતાં આગામી સત્રો બે બાજુની વધ-ઘટ દર્શાવી શકે

યુએસ ફેડરલ રિઝર્વ કોઈપણ ભોગે રિટેલ ઈન્ફ્લેશનને અંકુશમાં લેવા માટે આકરાં પગલાં ભરવા તૈયાર થઈ ચૂકી છે. ગયા ડિસેમ્બર મહિનામાં મળેલી બેંકની બેઠકની મિનિટ્સમાં આ બાબતનો ખ્યાલ આવતાં બજારોએ તત્કાળ પ્રતિક્રિયામાં ભારે વેચવાલીનો અનુભવ કર્યો હતો. જેમાં બીએસઈ સેન્સેક્સ 621.31 પોઈન્ટ્સ ગગડી 59601.84ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 179.35 પોઈન્ટ્સના ઘટાડે 17745.90 પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ 4.29 ટકા ઉછળી 17.97ની સપાટીએ બંધ રહ્યો હતો. લાર્જ-કેપ્સમાં વેચવાલી પાછળ નિફ્ટીના 50માંથી 34 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 16 કાઉન્ટર્સ પોઝીટીવ ઝોનમાં ટક્યાં હતાં.
બુધવારે રાતે યુએસ મધ્યસ્થ બેંકે તેની ડિસેમ્બર મિટિંગની મિટિંગ્સ રજૂ કરી હતી. જેમાં જણાયું હતું કે ફેડ અપેક્ષા કરતાં ઝડપી ટેપરિંગ સાથે રેટમાં વૃદ્ધિ પણ ધારણા કરતાં વહેલી દર્શાવી શકે છે. સાથે જ ફેડના કહેવા મુજબ તે બોન્ડ બાઈંગને તો બંધ કરશે જ પરંતુ તે બોન્ડ સેલીંગ પણ કરી શકે છે. આમ વૈશ્વિક બજારમાંથી લિક્વિડીટી ઝડપથી ઓછી કરવા માટે તે તત્પર બની છે. જેને કારણે નાસ્ડેકમાં ફેબ્રુઆરી 2021 પછીનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 3 ટકાથી વધુ ગગડ્યો હતો. એશિયન બજારોમાં જાપાનનો નિક્કાઈ પણ 2.9 ટકા તૂટ્યો હતો. જ્યારે આ સિવાય કોરિયન બજાર એક ટકાથી વધુ ઘટાડો દર્શાવતું હતું. સિંગાપુર અને હોંગ કોંગ બજારોએ જોકે પોઝીટીવ બંધ આપ્યું હતું. ભારતીય બજારે તેના ચાર દિવસના સુધારાને ક્રમને તોડી એક ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે બજારમાં દસેક ટત્રોમાં 6 ટકાનો સુધારો નોંધાયો હતો અને તેથી એક કરેક્શન અપેક્ષિત હતું. જે માટે ફેડ બેઠકની મિનિટ્સ નિમિત્ત બની હતી. જોકે માર્કેટમાં મોટા કડાકાની શક્યતાં નથી. તે ટૂંકાગાળા માટે બે બાજુની વધ-ઘટ જાળવી રાખવા સાથે બજેટ અગાઉ સુધારાતરફી બની રહેશે. નિફ્ટીમાં 17260ના સ્તરને મહત્વનો સપોર્ટ માનવામાં આવે છે. જે તૂટશે તો જ બજારમાં ફરી વચગાળાનો ટ્રેન્ડ નેગેટિવ બની શકે છે. ત્યાં સુધી ઘટાડે ખરીદીને કામ કરવામાં લાભ મળશે એમ એનાલિસ્ટ્સનું કહેવું છે.
ગુરુવારે એક નોંધપાત્ર બાબત એ હતી કે લાર્જ-કેપ્સમાં નરમાઈ પાછળ બેન્ચમાર્ક્સ ઘટાડો સૂચવતાં હતાં. જ્યારે બીજી બાજુ બ્રોડ માર્કેટમાં ખરીદી જળવાઈ હતી. નિફ્ટી મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સ, બંને સાધારણ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. બીએસઈ ખાતે 3472 ટ્રેડેડ કાઉન્ટર્સમાઁથી 1981 કાઉન્ટર્સ સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 1401 કાઉન્ટર્સે નેગેટિવ બંધ આપ્યું હતું. જો સર્કિટ ફિલ્ટર્સમાં બંધ રહેનારા કાઉન્ટર્સ પર નજર નાખીએ તો 677 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 165 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. આ જ રીતે 421 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 11 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ઓટો અને પીએસયૂ બેંક ઈન્ડેક્સ સિવાય અન્ય તમામ નેગેટિવ જોવા મળી રહ્યાં હતાં. જેમાં આઈટી ઈન્ડેક્સમાં સતત બીજા દિવસે ઊંચો ઘટાડો નોંધાયો હતો અને તે 1.53 ટકા તૂટીને બંધ આવ્યો હતો. ફાર્મા, મેટલ અને રિઅલ્ટીમાં પણ નરમાઈ જોવા મળી હતી. લાર્જ-કેપ્સમાં સુધારા દર્શાવનારા કેટલાંક કાઉન્ટર્સમાં યૂપીએલ, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ઓટો, ભારતી એરટેલ, આઈશર મોટર્સ અને મારુતિ સુઝુકી મુખ્ય હતાં. જ્યારે ઘટવામાં જીએસડબલ્યુ સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રા, શ્રી સિમેન્ટ્સ અને રિલાયન્સ અગ્રણી હતાં.

RBI 2022માં 100 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરે તેવી અપેક્ષાઃ નોમુરા
ત્રીજી લહેર પાછળ સપ્લાય ચેઈન અવરોધોને કારણે ફુગાવો ઊંચકાઈ શકે છે, જેને અંકુશમા રાખવા રેટ વૃદ્ધિ કરવી પડશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એપ્રિલ મહિનાથી રેટમાં વૃદ્ધિ કરે તેવી શક્યતાં જાપાની ઈન્વેસ્ટમેન્ટ બેંકર નોમુરા હોલ્ડિંગ્ઝે દર્શાવી છે. તેના કહેવા મુજબ નવેસરથી જોવા મળી રહેલા કોવિડ રાઉન્ડને કારણે ફરી સપ્લાય ચેઈનમાં વિક્ષેપને કારણે મોંઘવારીમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. જેને નિયંત્રણમાં લેવા માટે આરબીઆઈએ રેટમાં વૃદ્ધિ કરવાનું બની શકે છે.
નોમુરાના ભારત અને એશિયા માટેના અર્થશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ આરબીઆઈ માટે જટિલ સ્થિતિ ઊભી થઈ રહી છે. તેના માટે સ્થિતિને સામાન્ય બનાવવામાં વધુ વિલંબ કરવો પોસાય તેમ નથી કેમકે વૈશ્વિક સ્તરે મોનેટરી પોલિસીમાં ઝડપી ફેરફાર જોવા મળી રહ્યો છે. તેમના મતે સમગ્ર 2022માં આરબીઆઈ 100 બેસીસ પોઈન્ટ્સની રેટ વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતાં છે. ચાલુ નાણાકિય વર્ષની શરૂઆતથી અત્યાર સુધી ફુગાવો ટાર્ગેટ ઝોનમાં રહ્યો હોવાના કારણે આરબીઆઈ બોરોઈંગ કોસ્ટને નીચો જાળવી રાખવામાં સફળ રહી હતી. આમ કરીને તે આર્થિક રિકવરીને મજબૂત બનાવવા પ્રયત્ન કરી રહી હતી. જોકે ઓમિક્રોનના ખતરાને કારણે ફરી ફુગાવામાં વૃદ્ધિ જોવા મળી શકે છે. નોમુરા સમગ્ર વર્ષ માટે ઈન્ફ્લેશન 5.6 ટકા રહેવાની આગાહી કરે છે. તેના મતે મહામારીને અંકુશમાં લેવા સંભવિત નિયંત્રણો પાછળ શક્ય સપ્લાય અડચણોને કારણે ફુગાવો ઊંચકાતો જોવા મળી શકે છે. બીજી બાજુ યુએસ ફેડે આગામી વર્ષે ત્રણ રેટ વૃદ્ધિની જાહેરાત કરી દીધી છે.
મહામારીના પ્રથમ અને બીજા રાઉન્ડ્સમાં ભારતે સપ્લાય ચેઈનમાં અવરોધો અનુભવ્યાં છે અને તેથી ફુગાવો ઉંચકાતો જોવા મળ્યો છે. આમ આરબીઆઈએ આ વખતે પોલિસી નોર્મલાઈઝેશન તરફ પરત વળવું પડશે અને બજારમાં વધારાની લિક્વિડીટીને પરત ખેંચવાના પ્રયાસો હાથ ધરવા પડશે એમ નોમુરા જણાવે છે.

વિદેશી કરન્સી બોન્ડ્સ ઈસ્યુમાં રિલાયન્સે 4 અબજ ડોલર ઊભા કર્યાં
દેશમાંથી કોઈપણ કોર્પોરેટ દ્વારા કરવામાં આવેલા સૌથી મોટા વિદેશી કરન્સી બોન્ડ્સ ઈસ્યુમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 4 અબજ ડોલર ઊભાં કર્યાં છે. કંપનીનો બોન્ડ્સ ઈસ્યુ ત્રણ ગણો છલકાયો હતો અને ટોચની ઓર્ડર બુક પર તે 11.5 અબજ ડોલરનું કદ ધરાવતો હતો. કંપનીએ તેના વર્તમાન બોરોઇંગ્સને ચૂકતે કરવા માટે ફોરેન કરન્સી બોન્ડ્સ બહાર પાડ્યાં હતાં. કંપનીએ ત્રણ વિવિધ કૂપન રેટ્સના સિનિયર અનસિક્યોર્ડ નોટ્સ મારફતે એક સાથે ચાર અબજ યુએસ ડોલર ઊભા કર્યાં છે. જે ભારતીય કંપની દ્વારા ઊભી કરવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે. તેણે 10,30 અને 40 વર્ષોની મુદતની નોટ્સ ઈશ્યુ કરી છે. નોટ્સનું મૂલ્ય સંબંધિત US ટ્રેઝરીના બેન્ચમાર્ક કરતાં અનુક્રમે 120, 160 અને 170 બેસિસ પોઈન્ટ્સ વધુ રાખવામાં આવ્યું હતું. એસએન્ડપીએ તેને બીબીબીપ્લસ અને મૂડીઝે બીએએ2 રેટિંગ્સ આપ્યું હતું.
ઈન્ડિયન ગેસ એક્સચેન્જે વિક્રમી 18,39,950 MMBtu વોલ્યુમ નોંધાવ્યું
એનર્જી એક્સચેન્જિસ પર કામકાજમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી રહી છે. ઈન્ડિયન ગેસ એક્સચેન્જે ડિસેમ્બર 2021માં કુલ 18,39,950 MMBtu ગેસ વોલ્યુમ નોંધાવ્યું હતું. જેમાં ત્રણ ફ્યુચર મહિનાઓ માટેના ડિલિવરી વોલ્યુમ્સનો પણ સમાવેશ થાય છે. એક્સચેન્જ ત્રણ મહિના માટેના ફ્યુચર્સમાં માસિક, પખવાડિક, સાપ્તાહિક, દૈનિક અને એક દિવસ-અગાઉના કોન્ટ્રેક્ટ્સમાં વિક્રમી 50 ટ્રેડર્સ દર્શાવ્યાં હતાં. તેણે 1 ડિસેમ્બર 2021ના રોજ 5,54,150 MMBtuનું વિક્રમી ટ્રેડિંગ વોલ્યુમ નોંધાવ્યું હતું. જ્યારે મહિના દરમિયાન એક્સચેન્જે 12,36,350 MMBtu ગેસ વોલ્યુમની ડિલિવરી કરી હતી. મહિના દરમિયાન એક્સચેન્જ ખાતે રૂ. 1902(25 ડોલર) પ્રતિ MMBtuની સરેરાશ પ્રાઈસ ડિસ્કવરી જોવા મળી હતી. જ્યારે સરેરાશ સ્પોટ ગેસ પ્રાઈસ 35 ડોલર પ્રતિ MMBtu જળવાય હતી. મહિના દરમિયાન તમામ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક્સ જેવાકે ટીટીએફ, જેકેએમ, ડબલ્યુઆઈએમ વગેરે 35 ડોલરથી ઉપર ક્લોઝ રહ્યાં હતાં. એક્સચેન્જ સ્થાનિક સપ્લાય અને માગને આધારે ભારતીય વપરાશકારો તથા વેચાણકારો માટે સાચી પ્રાઈસ ડિસ્કવરીનો પ્રયાસ કરી રહ્યું છે. તે સ્પોટ એલએનજી બેન્ચમાર્કથી ડિસ્કાઉન્ટમાં જોવા મળે છે.
2021માં EVના વેચાણમાં બમણાથી વધુની વૃદ્ધિ
ઈલેક્ટ્રિક વેહીકલ્સનું કુલ વેચાણ 3 લાખનો આંકડા પાર કરી ગયું
2020માં 1,19,654 યુનિટ્સની સરખામણીમાં 2021માં 3,11,339 યુનિટ્સનું વેચાણ નોંધાયું
ડિસેમ્બરમાં ઈવીનું વેચાણ માસિક ધોરણે 21 ટકા ઉછળી 50,880 યુનિટ્સ પર રહ્યું

દેશમાં ઈલેક્ટ્રિક વેહીકલ્સનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે. પૂરા થયેલાં કેલેન્ડર 2021માં દેશમાં ઈલેક્ટ્રીક વેહીકલ્સનું વેચાણ વાર્ષિક ધોરણે બમણાથી વધુ વૃદ્ધિ દર્શાવતું હતું. વર્ષ દરમિયાન તે 3 લાખના આંકને પાર કરીને વાર્ષિક ધોરણે વિક્રમી સપાટી પર જોવા મળ્યું હતું.
ડિસેમ્બર મહિનામાં ઈવીના વેચાણમાં માસિક ધોરણે 21 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી અને તે 50,889 યુનિટ્સ પર રહ્યું હતું. વાર્ષિક ધોરણે તેણે 240 ટકાનો તીવ્ર ઉછાળો નોઁધાવ્યો હતો. આ માટેનું એક મુખ્ય કારણ ઘણા ઈલેક્ટ્રીક વેહીકલ્સનું બજારમાં પ્રવેશવું પણ હતું. કેન્દ્રિય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ મંત્રાલયના અધિકારીના જણાવ્યા અનુસાર પ્રથમવાર ડિસેમ્બરમાં માસિક ધોરણે 50 હજારથી વધુ ઈવીનું વેચાણ જોવા મળ્યું હતું. જો સમગ્ર 2021ની વાત કરીએ તો ઈવીનું વેચાણ 3,11,339 યુનિટ્સ પર રહ્યું હતું. જે 2020માં 1,19,654 યુનિટ્સ પર હતું. જો કોવિડ અગાઉના વર્ષ 2019ની વાત કરીએ તો તેમાં ઈવીનું વેચાણ 1,61,312 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. આમ 2020માં ઘટાડા બાદ 2021માં તે કોવિડ અગાઉના સ્તરને પાર કરવા સાથે તેનાથી લગભગ ડબણ વેચાણ દર્શાવી રહ્યું છે.
ઈવી સેગમેન્ટમાં ઊંચા વેચાણ પાછળ ટુ-વ્હીલર્સની ભૂમિકા મહત્વની છે. ડિસેમ્બર 2021માં હાઈ-સ્પીડ ઈલેક્ટ્રીક ટુ-વ્હીલરનું વેચાણ 24,725 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જે નવેમ્બર 2021ની સરખામણીમાં 10 ટકા વૃદ્ધિ સૂચવતું હતું. જ્યારે વાર્ષિક ધોરણે 444 ટકાની જબરદસ્ત વૃદ્ધિ દર્શાવતું હતું. સમગ્ર 2021માં હાઈ-સ્પીડ ઈલેક્ટ્રીક ટુ-વ્હીલરનું વેચાણ 1.37 લાખ પર જોવા મળ્યું હતું. ઈવીના વેચાણમાં વૃદ્ધિનું કારણ આઈસીઈ ટુ-વ્હીલર્સના ઊંચા ખર્ચ તથા ઊંચા ફ્યુઅલ પ્રાઈસ પણ હતું. ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર્સ ખૂબ જ સમયસર સ્પર્ધાત્મક વિકલ્પ તરીકે ઊભર્યાં હતાં એમ આઈએચએસ માર્કિટના અધિકારી જણાવે છે.
જોકે ઉદ્યોગ વર્તુળોના મતે ઈવી ટુ-વ્હીલર્સના વેચાણમાં ઊંચી વૃદ્ધિ પાછળ સરકારી સબસિડી એક મહત્વનું પરિબળ છે. તે કોમ્પોનેન્ટ દૂર થાય તે અગાઉ ઈવીના વેચાણમાં ઓર્ગેનિક વૃદ્ધિ જોવા મળે તે જરૂરી છે. હાલમાં સરકાર અને રાજ્ય સરકારોની પ્રમોશ્નલ યોજનાને કારણે આઈસીઈ વેહીકલ્સ સામે ઈ2ડબલ્યુ વાહનો પેરિટિ હાંસલ કરી શકે છે. ડિસેમ્બર 2021માં થયેલા રજિસ્ટ્રેશન્સમાં ટોચના 10 ઈવી ઉત્પાદકો 94 ટકા હિસ્સો ધરાવે છે. જેમાં હીરો ઈલેક્ટ્રિક, ઓકિનાવા ઓટોટેક, એમ્પેર, એથર, પ્યોર ઈવી, ટીવીએસ મોટર, રિવોલ્ટ, બજાજ ઓટો વગેરેનો સમાવેશ થાય છે. જો ઈલેક્ટ્રિક કાર્સની વાત કરીએ તો ડિસેમ્બરમાં કુલ 2522 યુનિટ્સનું વેચાણ નોઁધાયું હતું. જે માસિક ધોરણે 64 ટકા જ્યારે વાર્ષિક ધોરણે 410 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. ઈવી કાર્સના કુલ વેચાણમાં ટાટા મોટર્સનો હિસ્સો 93 ટકા જેટલો હતો. ઈવી થ્રી-વ્હીલર્સનું વેચાણ પણ ડિસેમ્બરમાં 23,373 યુનિટ્સ સાથે માસિક ધોરણે 30 ટકાની ઊંચી વૃદ્ધિ દર્શાવતું હતું.

ડિસેમ્બરમાં વેહીકલ્સના વેચાણમાં વાર્ષિક 16 ટકાનો ઘટાડોઃ ફાડા
કોવિડ અગાઉના ડિસેમ્બર 2019ની સરખામણીમાં પણ વાહનોના વેચાણમાં 6.3 ટકાનો ઘટાડો
સતત ચોથા મહિને દેશમાં વાહનોના વેચાણમાં ઘટાડો નોઁધાયો
તમામ કેટેગરીના વેહીકલ્સના રજિસ્ટ્રેશનમાં ડિસેમ્બર દરમિયાન વાર્ષિક ધોરણે ઘટાડો નોંધાયો હતો. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન્સ(ફાડા)ના મતે ડિસેમ્બર મહિના દરમિયાન વાહનોના રજિસ્ટ્રેશનમાં 16.05 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 15,58,756 યુનિટ્સ પર રહ્યું હતું.
વિવિધ કેટેગરી મુજબ રજિસ્ટ્રેશનની સ્થિતિ જોઈએ તો ટુ-વ્હીલર્સ સેગમેન્ટમાં વાહનોની નોંધણીમાં 19.86 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેને કારણે વાહનોનો કુલ રજિસ્ટ્રેશનની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો હતો એમ દેશમાં ઓટો રિટેલ ઉદ્યોગની ટોચની સંસ્થા જણાવે છે. જો કોવિડ અગાઉના ડિસેમ્બર 2019 સાથે સરખામણી કરીએ તો પણ રિટેલ વેચાણમાં 6.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. વિવિધ રાજ્ય સરકારોએ કોવિડને લઈને ઉઠાવેલાં નિયંત્રણોને જોતાં ડિલર્સ બોડી આગામી સમયગાળામાં વેચાણને લઈને ચિંતા વ્યક્ત કરી રહી છે. ઓમિક્રોનને કારણે ફરી એકવાર હેલ્થ-કેર પાછળ ખર્ચમાં વૃદ્ધિને કારણે ગ્રાહકો તેમના વાહન ખરીદીના નિર્ણયને મોકૂફ રાખે તેવી શક્યતાં તે વ્યક્ત કરે છે.
વાહનોના રજિસ્ટ્રેશનમાં ઘટાડાનું મુખ્ય કારણ સેમીકંડક્ટરની અછતને ગણાવતાં ફાડા ઉમેરે છે કે તેને કારણે કાર ઉત્પાદકો ઓફર્સ અને ડિસ્કાઉન્ટ્સ આપી શકવામાં નિષ્ફળ રહ્યાં હતાં. સામાન્યરીતે ડિસેમ્બર મહિનામાં ઉત્પાદકો તેમની ઈન્વેન્ટરની ઓછી કરવા માટે વિવિધ ઓફર્સ અને ઈન્વેન્ટરી લઈને આવતાં હોય છે. આ વખતે ઈન્વેન્ટરી ખાલી કરવાની સમસ્યા નહિ હોવાથી કોઈ ઓફર્સ જોવા મળી નહોતી. ફાડાના મતે ચીપની તંગીની સમસ્યા તત્કાળ દૂર થવાની શક્યતાં નથી. અમે ગ્રાહકો સાથે સતત સંપર્કમાં છીએ અને તેઓ વેહીકલ્સની ખરીદીને હાલમાં ટાળી રહ્યાં છે એમ જણાય છે.
વાર્ષિક ધોરણે ટુ-વ્હીલર્સનું વેચાણ 20 ટકા ઘટીને 11,48,732 યુનિટ્સ રહ્યું હતું. જે ડિસેમ્બર 2020માં 14,33,334 યુનિટ્સ પર હતું. પર્સનલ વેહીકલ્સના વેચાણમાં 10.91 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે 2,44,639 યુનિટ્સ પર રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 2,74,605 યુનિટ્સ પર હતું. જોકે મિડિયન અને હેવી કમર્સિયલ વેહીકલ્સે સારો દેખાવ દર્શાવ્યો હતો અને તેમણે લાઈટ કમર્સિયલ વેહિકલ્સ સામે આઉટપર્ફોર્મન્સ નોંધાવ્યું હતું. સરકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં વૃદ્ધિ, ઊંચા ભાડાના દરો, જાન્યુઆરીમાં વાહનોના ભાવમાં વૃદ્ધિની જાહેરાત જેવા કારણોસર એચસીવીનું વેચાણ સારુ જોવા મળ્યું હતું.

વિવિધ કેટેગરી મુજબ વાહનોનું વેચાણ
કેટેગરી વેચાણ વાર્ષિક વધારો/ઘટાડો(ટકામાં)
ટુ-વ્હીલર્સ 11,48,732 -19.86
પર્સનલ વેહીકલ્સ 2,44,639 -10.91
ટ્રેકટર્સ 62,250 -10.32
કમર્સિયલ વેહીકલ્સ 58,847 13.72
થ્રી-વ્હીલર્સ 44,288 59.5
અન્યો 2,635 -30.75
કુલ 15,61,391 -16.05

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage