Market Summary 6 May 2021

માર્કેટ સમરી

નિફ્ટીએ તેજીવાળાઓના સપોર્ટથી 14700 પાર કર્યું

ભારતીય શેરબજારે પોઝીટીવ ટ્રેન્ડ જાળવ્યો છે. ગુરુવારે બેન્ચમાર્ક નિફ્ટી 14700 પર બંધ રહેવામાં સફળ રહ્યો હતો. જેને મેટલ અને ઓટોમોબાઈલ ક્ષેત્રનું યોગદાન મહત્વનું હતું. હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પણ બજારને સાધારણ સપોર્ટ પૂરો પાડ્યો હતો. જોકે ફાર્મા ક્ષેત્ર પ્રોફિટ બુકિંગ પાછળ નરમ રહ્યું હતું. આઈટી ક્ષેત્રે મીડ-કેપ કાઉન્ટર્સમાં સારી લેવાલી જોવા મળી હતી. બજારમાં બ્રોડ બેઝ સુધારો જોવાયો હતો અને મીડ તથા સ્મોલ-કેપ્સમાં પણ પસંદગીના કાઉન્ટર્સમાં મજબૂતી જોવા મળી હતી.

 

યુએસ ડોલર સામે રૂપિયો 15 પૈસા સુધરી મહિનાની ટોચે

રૂપિયામાં ગુરુવારે યુએસ ડોલર સામે 15 પૈસાનો સુધારો નોંધાયો હતો. બુધવારે પાંચ પૈસા નરમાઈ સાથે 73.91ના સ્તરે બંધ રહેલો રૂપિયો 73.76 પર બંધ રહ્યો હતો. અગાઉ તે 7 એપ્રિલના રોજ આ સ્તર પર જોવા મળ્યો હતો. આમ એપ્રિલની શરૂમાં 75.05નું તળિયું બનાવ્યા બાદ રૂપિયો લગભગ 130 પૈસાનો સુધારો દર્શાવી રહ્યો છે. 22 એપ્રિલે 75.55ના ઈન્ટ્રા-ડે લોથી રૂપિયો 2.08 ટકા જેટલો સુધરી ચૂક્યો છે. એનાલિસ્ટ્સના મતે હવે રૂપિયાને 73.70ની 200 દિવસની મુવીંગ એવરેજનો અવરોધ નડી શકે છે.

સોનુ રૂ. 47 બજાર અને ચાંદી રૂ. 70 જાર પર ટક્યાં

વૈશ્વિક બજારમાં સાધારણ મજબૂતી પાછળ સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓમાં સુધારો જોવા મળ્યો હતો. એમસીએક્સ ખાતે જુલાઈ સિલ્વર વાયદો રૂ. 596ના સુધારે રૂ. 70215ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. તેણે રૂ. 70496ની ટોચ પણ દર્શાવી હતી. ગુરુવારે મોટાભાગનો દિવસ ચાંદીએ રૂ. 70 હજારનું સ્તર જાળવ્યું હતું અને તેથી એનાલિસ્ટ્સ ધાતુને લઈને પોઝીટીવ વ્યૂ રાખી રહ્યાં છે. તેમના મતે જો ચાંદી રૂ. 70 હજાર પર ટકશે તો રૂ. 72000 અને રૂ. 74 હજાર સુધીના સ્તરો ટૂંકાગાળામાં જોવા મળશે. સોનુ પણ રૂ. 47 હજાર પર ટકશે તો રૂ. 48000ની સપાટી દર્શાવી શકે છે. ગુરુવારે એમસીએક્સ જૂન વાયદો રૂ. 128ના સુધારે રૂ. 47128 પર ટ્રેડ થતો હતો. તેણે રૂ. 47263ની ટોચ દર્શાવી હતી.. બેઝ મેટલ્સમાં એલ્યુમિનિયમ ફરી રૂ. 200 નજીક સરકતું જોવા મળ્યું હતું. મે સિરિઝે ગયા સપ્તાહે રૂ. 203ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. કોપર પણ રૂ. 766 પર પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યું હતું. જ્યારે ક્રૂડ ફ્લેટ ટ્રેડ દર્શાવતું હતું.

 

માર્કેટમાં સુધારો છતાં ઈન્ડિયા વીક્સ પોઝીટીવ જોવા મળ્યો

શેરબજારમાં નરમાઈ હોય ત્યારે વોલેટિલિટીના માપદંડ એવા ઈન્ડિયા વીક્સમાં સુધારો જોવા મળતો હોય છે. જ્યારે બજારમાં સુધારો જોવા મળતો હોય ત્યારે તે ઘટાડો દર્શાવતો હોય છે. જોકે તાજેતરમાં વીક્સ અસાધારણ મુવમેન્ટ દર્શાવી રહ્યો છે. તે બજારમાં સુધારા છતાં ઘટવાને બદલે સુધારાતરફી ચાલ દર્શાવતો હોય છે. ગુરુવારે બેન્ચમાર્ક નિફ્ટી 107 પોઈન્ટ્સ સુધરીને બંધ રહ્યો હતો ત્યારે ઈન્ડિયા વીક્સ પણ 0.32 ટકાના સુધારે 22.03 પર બંધ રહ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન સાધારણ નરમાઈ સાથે ટ્રેડ થયા બાદ અંતિમ મિનિટોમાં તેણે તીવ્ર ઉછાળો દર્શાવ્યો હતો અને 22.61ની ઈન્ટ્રા-ડે હાઈ પર પહોંચ્યો હતો.

 મીડ-કેપ આઈટી શેર્સ 17 ટકા સુધી ઉછળી નવી ટોચ પર

કોફોર્જ લિ.નો શેર 17 ટકા ઉછળી રૂ. 3400ની સપાટી નજીક પહોંચ્યો

એમ્ફેસિસ, માઈન્ડ ટ્રી, માસ્ટેક, સાસ્કેન ટેક જેવી કંપનીઓમાં જોવા મળેલી ભારે લેવાલી

માર્કેટમાં સેક્ટર સ્પેસિફિક ખરીદીનો ટ્રેન્ડ ચાલુ છે. બુધવારે ફાર્મા કંપનીઓમાં ભારે લેવાલી બાદ ગુરુવારે મીડ-કેપ આઈટી શેર્સમાં ઊંચી લેવાલી જોવા મળી હતી. જેમાં કેટલાક મીડ-કેપ શેર્સ ઈન્ટ્રા-ડે ધોરણે 19 ટકા જેટલા ઉછળ્યાં હતાં. જ્યારે 17 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટ એક બાજુ સાંકડી રેંજમાં ટ્રેડ થતું રહ્યું હતું ત્યારે આઈટી કાઉન્ટર્સમાં નવી ટોચ જોવા મળી હતી.

બીજી હરોળના આઈટી શેર્સમાં મજબૂતી પાછળ નિફ્ટી આઈટી ઈન્ડેક્સ પણ 1.9 ટકા ઉછળીને બંધ આવ્યો હતો. ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં છેલ્લા પખવાડિયામાં સતત સુધારા છતાં નિકાસલક્ષી એવી મધ્યમ કદની આઈટી કંપનીઓમાં ખરીદી નીકળી હતી. આ કંપનીઓ લગભગ રૂ. 2 હજારથી લઈને રૂ. 37 હજાર સુધીનું માર્કેટ-કેપ ધરાવે છે. તાજેતરમાં જ એક અગ્રણી પીઈ ફંડે એમ્ફેસિસમાં બહુમતી હિસ્સો ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે પાછળથી તેણે નિર્ણય મુલત્વી રાખ્યો હતો. આમ ખાસ સેગમેન્ટમાં મજબૂત સ્થાન ધરાવતી આઈટી કંપનીઓની ખરીદી માટે વિદેશી રોકાણકારો આતુર છે. જે તેમના શેર્સના ભાવમાં સુધારાનું મુખ્ય કારણ હોય શકે છે.

ગુરુવારે 17 ટકાથી વધુ ઉછાળા સાથે કોફોર્જનો શેર રૂ. 3449ની ટોચ પર ટ્રેડ થયો હતો. અગાઉના રૂ. 2892.75ના બંધ સામે શેરે ઈન્ટ્રા-ડે ધોરણે રૂ. 650નો સુધારો નોંધાવ્યો હતો. જ્યાંથી સાધારણ કરેક્ટ થઈ રૂ. 3396 પર બંધ રહ્યો હતો. અગાઉની નીટ એવી કોફોર્જનો શેર રૂ. 1152ના 52-સપ્તાહના તળિયાથી સુધરતો રહ્યો છે. કંપનીએ ગુરુવારે રૂ. 20 હજાર કરોડનું માર્કેટ-કેપ હાંસલ કર્યું હતું. એક અન્ય મીડ-કેપ આઈટી કંપની માસ્ટેકનો શેર ગુરુવારે ઈન્ટ્રા-ડે ધોરણે 18 ટકા ઉછળી કામકાજના અંતે 14 ટકા વૃદ્ધિ સાથે બંધ રહ્યો હતો. કંપનીનો શેર રૂ. 1620ના બંધ સામે રૂ. 1925ની ટોચ પર ટ્રેડ થઈ રૂ. 1840 પર બંધ રહ્યો હતો. માસ્ટેકનો શેર રૂ. 227ના વાર્ષિક તળિયા સામે 9 ગણુ રિટર્ન સૂચવી રહ્યો છે. અંતિમ ત્રણ મહિનામાં તેણે 50 ટકાનું તગડું રિટર્ન દર્શાવ્યું છે. એક અન્ય કંપની સાસ્કેન ટેક્નોલોજીનો શેર પણ 7 ટકાના સુધારે રૂ. 971 પર બંધ રહ્યો હતો. તેણે ઈન્ટ્રા-ડે રૂ. 992ની ટોચ દર્શાવી હતી. જ્યારે એમ્ફેસિસનો શેર 6 ટકા ઉછળી રૂ. 1846 પર બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીએ રૂ. 34 હજાર કરોડનું માર્કેટ-કેપ હાંસલ કર્યું હતું. માઈન્ડટ્રીનો શેર પણ 4 ટકા સુધરી રૂ. 2248ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું એમ-કેપ રૂ. 37 હજાર કરોડ વટાવી ગયું હતું.

ગુરુવારે મીડ-કેપ આઈટી કાઉન્ટર્સનો દેખાવ

કંપની          ભાવમાં વૃદ્ધિ(%)

કોફોર્જ          17.40

માસ્ટેક          14.00

સાસ્કેન         7.0

એમ્ફેસિસ       6.0

વિપ્રો           4.5

માઈન્ડ ટ્રી      4.0

નિરમા જૂથની નૂવોકો વિસ્ટાસે રૂ. 5000 કરોડના IPO માટે DRHP ફાઈલ કર્યું

નુવોકો વિસ્ટાસ જૂન અથવા જુલાઈમાં બજારમાં પ્રવેશે તેવી શક્યતા દર્શાવતાં જાણકારો

કંપની પૂર્વ તેમજ ઉત્તર ભારતના બજારોમાં મજબૂતી હાજરી ધરાવે છે

અમદાવાદ સ્થિત નિરમા જૂથ શેરબજારમાં ફરીથી પ્રવેશવા જઈ રહ્યું છે. લગભગ નવ વર્ષ અગાઉ મૂળે ડિટર્જન્ટ સાહસ નિરમાના ડિલિસ્ટીંગ બાદ જૂથ તેની સિમેન્ટ પાંખ નૂવોકો વિસ્ટાસ કોર્પોરેશન લિ.ના આઈપીઓ માટે મૂડી બજારમાં પ્રવેશવા તૈયારી કરી રહ્યું છે. આ માટે તેણે માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ ડીઆરએચપી પણ ફાઈલ કરી દીધું છે. સિમેન્ટ કંપની બજારમાંથી રૂ. 5 હજાર કરોડ એકત્ર કરે તેવી શક્યતા છે. આશ્ચર્યની બાબત એ છે કે નૂવોકોનું લિસ્ટીંગ સ્થાનિક શેરબજાર પર 14 વર્ષ બાદ કોઈ સિમેન્ટ કંપનીનું લિસ્ટીંગ હશે. અગાઉ નવેમ્બર 2007માં બર્નપુર સિમેન્ટ માર્કેટમાં આઈપીઓ સાથે પ્રવેશી હતી. ત્યારબાદ હજુ સુધી કોઈપણ સિમેન્ટ કંપની માર્કેટમાં પ્રવેશી નહોતી. નુવોકો વિસ્ટાસ જૂન અથવા જુલાઈમાં બજારમાં પ્રવેશે તેવી શક્યતા છે.

જે રીતે ડિટર્જન્ટ અને સોપ સેગમેન્ટમાં નિરમાએ હિંદુસ્તાન યુનિલીવર જેવી બહુરાષ્ટ્રીય કંપનીને જબરદસ્ત સ્પર્ધા આપી હતી, તે જ રીતે નૂવોકો વિસ્ટાસે અગ્રણી સ્થાનિક સિમેન્ટ ઉત્પાદકોને છેલ્લા પાંચ વર્ષોમાં તેની આક્રમક મર્જર એન્ડ એક્વિઝિશન સ્ટ્રેટેજી મારફતે આંચકો આપ્યો છે. કેલેન્ડર 2016માં તેણે લાફાર્જ હોલ્સિમની ભારતમાંની સિમેન્ટ પ્રોપર્ટી 1.4 અબજ ડોલરમાં ખરીદી હતી. આ એક્વિઝિશનમાં તેણે જેએસડબલ્યુ ગ્રૂપ તથા પિરામલ ગ્રૂપ જેવા પ્રતિસ્પર્ધકોને આક્રમક બિડીંગ દ્વારા પાછળ રાખ્યાં હતાં. ફેબ્રુઆરી 2020માં તેણે એક અન્ય ખરીદીમાં જંગી ઋણમાં ફસાયેલા ઈમામી ગ્રૂપ પાસેથી સિમન્ટ એસેટ્સ ખરીદી હતી. જે માટે નિરમાએ 77 કરોડ ડોલર ચૂકવ્યાં હતાં.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage