બ્લૂ-ચિપ્સમાં તેજી પાછળ MF ઈન્વેસ્ટર્સ લાર્જ-કેપ ફંડ્સ તરફ વળ્યાં
લાર્જ-કેપ કેટેગરીનું એયૂએમ જુલાઈના રૂ. 1.97 લાખ કરોડ પરથી વધી ઓગસ્ટમાં રૂ. 2.10 લાખ કરોડ જોવા મળ્યું
શેરબજાર રોકાણકારોએ ઓગસ્ટમાં પણ ઈક્વિટી મ્યુચ્યુલ ફંડ સ્કિમ્સમાં નાણાનો પ્રવાહ ચાલુ રાખ્યો હતો. જોકે તેમનું ફોકસ બદલાયું હતું. તેઓ મીડ અને સ્મોલ-કેપ્સ તરફથી લાર્જ-કેપ્સ તરફ વળ્યાં હતાં એમ એમ્ફીનો ડેટા જણાવે છે. ઓગસ્ટમાં લાર્જ-કેપ કેટેગરીનું એયૂએમ રૂ. 2.10 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જે જુલાઈમાં રૂ. 1.97 લાખ કરોડની સરખામણીમાં રૂ. 13527 કરોડની વૃદ્ધિ સૂચવે છે. બીજી બાજુ સ્મોલ-કેપ ફંડ્સના એયૂએમમાં સાધારણ ઘટાડો નોઁધાયો હતો.
માર્કેટ પાર્ટિસિપન્ટ્સના મતે હાલમાં તેઓ સ્મોલ-કેપ્સ અને મીડ-કેપ્સમાંથી ફંડ્સને લાર્જ-કેપ્સમાં શિફ્ટ કરી રહ્યાં છે. જે માટેના બે મુખ્ય કારણોમાં એક તો તેમના ઊંચા વેલ્યૂએશન્સ છે. જ્યારે બીજું કારણ બજાર ટોચ પર છે ત્યારે કરેક્શનના કિસ્સામાં લાર્જ-કેપ્સમાં નાણાની ઊંચી સુરક્ષિતતા છે. આ કારણે જ સ્મોલ-કેપ ફંડ્સનું એયુએમ જુલાઈની સરખામણીમાં રૂ. 381 કરોડના સાધારણ ઘટાડા સાથે રૂ. 91402 કરોડ પર જોવા મળ્યું હતું. છેલ્લા એક મહિનામાં બીએસઈ સેન્સેક્સ લગભગ 10 ટકા સુધર્યો છે. જ્યારે તેની સરખામણીમાં મીડ-કેપ ઈન્ડેક્સ 4.51 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.86 ટકા જેટલો સુધર્યો છે. કેટલાંક બ્લ્યૂ-ચિપ્સના શેર્સમાં નોંધપાત્ર સુધારાને કારણે કેટલાક લાર્જ-કેપ્સ ફંડ્સનો દેખાવ સુધર્યો હતો. તાજેતરના સપ્તાહોમાં લાર્જ-કેપ ફંડ્સે સરેરાશ 6.5 ટકાનું રિટર્ન દર્શાવ્યું હતું. જે સ્મોલ-કેપ ફંડ્સના -0.18 ટકા અને મીડ-કેપ ફંડ્સના 2.3 ટકાની સરખામણીમાં ઘણુ સારુ જોવા મળ્યું છે. બજારમાં સતત સુધારાને કારણે રિડમ્પ્શનનું દબાણ નહિવત જોવા મળ્યું હતું. જ્યારે નવા વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. છેલ્લા પાંચ મહિનાઓમાં ઈક્વિટી ફંડ્સે રૂ. 51207 કરોડનો ચોખ્ખો ઈનફ્લો નોંધાવ્યો છે. માત્ર જુલાઈમાં જ તેમણે રૂ. 22584 કરોડ મેળવ્યાં છે. સ્મોલ-કેપ ફંડ્સને બાદ કરતાં અન્ય તમામ કેટેગરીઝ જેવીકે લાર્જ-કેપ્સ ફંડ્સ, મીડ-કેપ ફંડ્સ, ફ્લેક્સિ-કેપ ફંડ્સે માસિક ધોરણે તેમના એસેટ અન્ડર મેનેજમેન્ટમાં સ્થિર વૃદ્ધિ દર જાળવી રાખ્યો છે. ઓગસ્ટમાં મીડ-કેપ ફંડ્સમાં રૂ. 3835 કરોડનો ફંડ ફ્લો જોવા મળ્યો હતો. જ્યારે ફ્લેક્સિ-કેપમાં રૂ. 9876 કરોડનો ફંડ ફ્લો જળવાયો હતો.
Market Summary 6 Sep 2021
September 06, 2021