Market Summary 6 September 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


સાંકડી રેંજમાં વધ-ઘટ વચ્ચે માર્કેટમાં કોન્સોલિડેશન
વૈશ્વિક બજારોમાં સુધારાનું વલણ
નિફ્ટી 17600ની સપાટી જાળવવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 0.71 ટકા ગગડી 19.52ની સપાટીએ
બેંકિંગ,એફએમસીજી, ઓટો, આઈટીમાં નરમાઈ
મેટલ, એનર્જી, ફાર્મામાં મજબૂતી
ડ્રીમફોક્સ સર્વિસનો શેર 42 ટકા પ્રિમિયમે બંધ
NTPCએ પાંચ વર્ષોની ટોચ બનાવી

વૈશ્વિક બજારોમાં સુધારાતરફી વલણ વચ્ચે ભારતીય શેરબજાર કોન્સોલિડેશનમાં જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક્સ સાંકડી રેંજમાં બે બાજુ અથડાયા બાદ સાધારણ નરમાઈ સાથે બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 49 પોઈન્ટ્સ સુધરી 59197ની સપાટીએ જ્યારે નિફ્ટી 10.20 પોઈન્ટ્સ ઘટી 17655.60ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં વેચવાલી પાછળ નિફ્ટી શેર્સની માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બેન્ચમાર્કના 50 કાઉન્ટર્સમાંથી 29 નેગેટિવ જોવા મળી રહ્યાં હતાં. જ્યારે 21 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. જોકે બ્રોડ માર્કેટમાં સ્થિરતા જોવા મળી હતી અને બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ 0.7 ટકા ઘટાડે 19.52ની સપાટીએ બંધ રહ્યો હતો.
મંગળવારે સ્થાનિક બજારની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી. સોમવારે યુએસ માર્કેટમાં રજા વચ્ચે મોટાભાગના એશિયન બજારો પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. એકમાત્ર હોંગ કોંગ માર્કેટ નરમ જોવા મળતું હતું. ચીનનું બજાર એક ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યું હતું. નિફ્ટી અગાઉના 17666ના બંધ ભાવ સામે 17696ની સપાટીએ ખૂલ્યો હતો. જોકે બજારમાં શરૂઆતી દોરમાં વેચવાલીનો વેવ જોવા મળ્યો હતો અને બેન્ચમાર્ક 17600ની નીચે 17588ની સપાટી સુધી તૂટ્યો હતો. જ્યાંથી પરત ફર્યાં બાદ લગભગ પોઝીટીવ ટ્રેડ દર્શાવતો જોવા મળ્યો હતો અને કામકાજની આખરમાં સાધારણ ઘટાડે બંધ રહ્યો હતો. કેશ નિફ્ટીની સરખામણીમાં ફ્યુચર્સમાં 29 પોઈન્ટ્સનું પ્રિમીયમ જોવા મળતું હતું. જે માર્કેટમાં હજુ પણ અન્ડરટોન સુધારાતરફી હોવાનું સૂચવે છે. જોકે માર્કેટ નજીકના સમયગાળામાં કોન્સોલિડેશનમાં જોવા મળે અને 17300-17800ની બ્રોડ રેંજમાં ટ્રેડ દર્શાવે તેવી શક્યતા ટેકનિકલ એનાલિસ્ટ્સ જોઈ રહ્યાં છે. જે બાજુનો બ્રેકઆઉટ જોવા મળશે તે બાજુ નિફ્ટી વધુ 200-300 પોઈન્ટ્સની મૂવમેન્ટ આપી શકે છે. ફંડામેન્ટલ એનાલિસ્ટ્સ માર્કેટના વર્તમાન સુધારાને ટકાઉ નથી ગણાવતાં અને તેઓ વર્તમાન વેલ્યૂએશન્સ પર નવી ખરીદીથી દૂર રહેવા સૂચવે છે. તેમના મતે ભારતીય અર્થતંત્રની સ્થિતિ હરિફો કરતા પ્રમાણમાં સારી છે પરંતુ તેનો અર્થ એવો નથી કે તે વૈશ્વિક અસરની મંદીથી વંચિત રહી જશે. આગામી 10 વર્ષો માટે બજાર ચોક્કસ ઊંચું રિટર્ન દર્શાવી શકે છે પરંતુ શોર્ટ ટર્મમાં તે પોઝીટીવ રિટર્ન દર્શાવે તેવી શક્યતાં ઓછી છે. તેઓ બીજા ક્વાર્ટરના પરિણામો પ્રતિકૂળ જોવા મળે તેવી શક્યતાં જોઈ રહ્યાં છે. માર્કેટને મંગળવારે મુખ્ય સપોર્ટ મેટલ અને એનર્જી તરફથી સાંપડ્યો હતો. ફાર્મા શેર્સ પણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી મેટલ 1.32 ટકા ઉછળી 6000ની સપાટી પાર કરી ગયો હતો. સ્ટીલ શેર્સમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. જિંદાલ સ્ટીલ 2.6 ટકા ઉછળી સૌથી સારો સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત સેઈલ, ટાટા સ્ટીલ, વેદાંત, નાલ્કો અને હિંદાલ્કોમાં પણ મજબૂતી જોવા મળી રહી હતી. નિફ્ટી એનર્જી 1.3 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં ટાટા પાવર, એનટીપીસી, ગેઈલ, રિલાયન્સ અને અદાણી ગ્રીન એનર્જી મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. ટાટા પાવર 5 ટકા ઉછળ્યો હતો. જ્યારે એનટીપીસી તેની પાંચ વર્ષોથી વધુની ટોચ પર ટ્રેડ દર્શાવતો હતો. ગેઈલ પણ 2 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રી એક ટકાથી વધુ સુધારો સૂચવતો હતો. નિફ્ટી ફાર્મા 0.26 ટકા સુધારે બંધ જોવા મળ્યો હતો. જેમાં સિપ્લા 1.5 ટકા સાથે સુધારામાં ટોચ પર હતો. આ ઉપરાંત ડો. રેડ્ડીઝ લેબ્સ અને આલ્કેમ લેબ પણ પોઝીટીવ જોવા મળતાં હતાં. રિઅલ્ટી અને પીએસયૂ બેંક ઈન્ડેક્સ પણ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જોકે બીજી બાજુ બેંકિંગ, આઈટી, ઓટો અને એફએમસીજીમાં નરમાઈ જોવા મળી રહી હતી. એફએમસીજી ઈન્ડેક્સ 0.6 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. જેમાં બ્રિટાનિયા, નેસ્લે, કોલગેટ અને એચયૂએલ સહિતના કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.34 ટકા નરમાઈ સાથે બંધ જોવા મળ્યો હતો. જેમાં એમ્ફેસિસ, એલએન્ડટી ઈન્ફોટેક, એલએન્ડટી ટેક્નોલોજી, માઈન્ડટ્રી, ઈન્ફોસિસ ઘટાડો દર્શાવતાં હતાં. એકમાત્ર એચસીએલ ટેક્નોલોજી પોઝીટીવ જોવા મળી રહ્યો હતો. છેલ્લાં કેટલાંક સત્રોથી નોંધપાત્ર સુધારા બાદ નિફ્ટી બેંક 0.35 ટકા નરમાઈ સાથે બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે 40074ની ટોચ નોંધાવી હતી. જોકે 40 હજાર ઉપર બંધ આપી શક્યો નહોતો. ઘટાડો દર્શાવવામાં ફેડરલ બેંક, આઈડીએફસી બેંક, કોટક બેંક, એક્સિસ બેંક અને બંધન બેંક મુખ્ય હતાં. જ્યારે બીજી બાજુ પીએનબીમાં 4 ટકાથી વધુની મજબૂતી જોવા મળી હતી. જ્યારે આઈસીઆઈસીઆઈ બેંક પણ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યો હતો. નિફ્ટી ઓટો 0.2 ટકાના સાધારણ ઘટાડે નેગેટિવ જોવા મળતો હતો. જેમાં એમએન્ડએમમં 1 ટકાથી વધુ ઘટાડાનું યોગદાન મુખ્ય હતું. આ સિવાય બોશ, બજાજ ટો, મારુતિ અને ટાટા મોટર્સ પણ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. જોકે બીજી બાજુ ટીવીએસ મોટર, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટના શેર્સ તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. આ ઉપરાંત એમઆરએફ, એપોલો ટાયર્સ, બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રી જેવા ટાયર્સ ઉત્પાદકોના શેર્સમાં પણ મજબૂતી જોવા મળી રહી હતી. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં એપોલો ટાયર્સનો શેર 7 ટકા ઉછળ્યો હતો. જ્યારે શ્રીરામ ટ્રાન્સપોર્ટનો શેર 5 ટકાનો મજબૂત સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત સીજી કન્ઝ્યૂમર, અંબુજા સિમેન્ટ્સ, બલરામપુર ચીની, એપોલો હોસ્પિટલ, ભારતી એરટેલ, એમએન્ડએમ ફાઈ., જ્યુબિલિઅન્ટ ફૂડ, એબીબી ઈન્ડિયા, ગેઈલ અને ગોદરેજ કન્ઝ્યૂમરમાં 2 ટકાથી વધુ સુધારો જોવ મળી રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં બીએસઈ ખાતે કુલ 3588 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1789 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1665 ઘટાડો સૂચવતાં હતાં. 213 કાઉન્ટર્સ વાર્ષિક ટોચ પર ટ્રેડ થયા હતાં. જ્યારે 25 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. 134 કાઉન્ટર્સ તેમની અગાઉની બંધ સપાટી પર સ્થિર જોવા મળ્યાં હતાં.


RIL યુએસ સ્થિત સેન્સહોકમાં 79.4 ટકા હિસ્સો ખરીદશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે યુએસમાં કેલિફોર્નિયા સ્થિત સેન્સહોકમાં બહુમતી હિસ્સો હસ્તગત કરવા માટે કરાર કર્યાં છે. કંપની 3.2 કરોડ ડોલરમાં આ કંપનીમાં 79.4 ટકા હિસ્સો ખરીદશે. સેન્સહોક યુએસ, ઈએમઈએ, એપીએસી અને એસઈએ ક્ષેત્રોમાં સમગ્ર સોલર એસેટ લાઈફસાઈકલ વચ્ચે ગ્રાહકો સાથેનું સોલર ડિજિટાઈઝેશન પ્લેટફોર્મ છે. તે પ્રોસેસ ઓપ્ટિમાઈઝેશન, ઓટોમેશન અને એસેટ ઈન્ફર્મેશન મેનેજમેન્ટ માટે એસડીપી SaaS ઓફર કરે છે. 2018 માં સ્થપાયેલી સેન્સહોક સોલર એનર્જી પ્રોડક્શન ઉદ્યોગ માટે સોફ્ટવેર-આધારિત મેનેજમેન્ટ ટૂલ્સના પ્રારંભિક તબક્કાના કેલિફોર્નિયા સ્થિત ડેવલપર છે. સેન્સહોક 15 દેશોમાં 140થી વધુ ગ્રાહકોને તેમની 600થી વધુ સાઇટ્સ અને કુલ 100થી વધુ GWની એસેટ્સ માટે નવી ટેકનોલોજી અપનાવવામાં મદદ કરે છે.

UTI AMCનો હિસ્સો ખરીદવામાં ABSL પણ જોડાઈ
જાહેર ક્ષેત્રની એસેટ મેનેજમેન્ટ કંપની યુટીઆઈ એએમસીમાં 45 ટકા હિસ્સાની ખરીદી માટે આદિત્ય બિરલા સન લાઈફ એસેટ મેનેજમેન્ટ કંપનીએ પણ રસ દર્શાવ્યો છે. અગાઉ ટાટા એએમસી અને અન્ય કંપનીઓ યુટીઆઈમાં હિસ્સો ખરીદવાની સ્પર્ધામાં છે. ત્રણ પીએસયૂ બેંક્સ અને એલઆઈસી મળીને યુટીઆઈ એએમસીમાં 45 ટકા હિસ્સાનું વેચાણ કરવા જઈ રહી છે. હાલમાં આદિત્ય બિરલા સન લાઈફ એસેટ મેનેજમેન્ટ પાસે રૂ. 2200 કરોડની કેશ પડી છે. તેમજ કંપની લગભગ ડેટ ફ્રી કંપની છે. યુટીઆઈ એમએફના 45 ટકા હિસ્સાનું મૂલ્ય લગભગ રૂ. 4600 કરોડ આસપાસ થવા જાય છે. હાલમાં આદિત્ય બિરલા રૂ. 2.82 લાખ કરોડ સાથે છઠ્ઠા ક્રમે એસેટ અન્ડર મેનેજમેન્ટ ધરાવે છે. જ્યારે યુટીઆઈ એએમસી રૂ. 2.24 લાખ કરોડ સાથે નવમા ક્રમે આવે છે. જો યુટીઆઈનો હિસ્સો ખરીદવામાં એબીએસએલ સફળ રહેશે તો તે બીજા ક્રમની એસેટ મેનેજમેન્ટ કંપની બનશે.

ક્રૂડ વધ્યાં સ્તરેથી પાછું પડ્યું, સોનુ સ્થિર
વૈશ્વિક ક્રૂડના ભાવોમાં એકાંતરે દિવસે વધ-ઘટ જોવા મળી રહી છે. ઓપેક અને અન્ય ઉત્પાદકોએ સોમવારે તેમની બેઠકમાં ઉત્પાદન કાપનો નિર્ણય લીધા બાદ 97 ડોલર સુધી પહોંચી ગયેલો બ્રેન્ટ વાયદો મંગળવારે બપોર બાદ ગગડ્યો હતો અને 3 ટકા ઘટાડે 93 ડોલરની નીચે ઉતરી ગયો હતો. કોમોડીટી એનાલિસ્ટ્સના મતે વૈશ્વિક સ્તરે મંદીના તોળાઈ રહેલા ખતરા વચ્ચે ક્રૂડમાં ઉત્પાદન ઘટાડાથી પણ ભાવને ઘટતાં નહિ અટકાવી શકાય. જો બ્રેન્ટ વાયદો 90 ડોલરની સપાટી તોડશે તો 85 ડોલર સુધી ગગડી શકે છે. દરમિયાનમાં ગોલ્ડના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. કોમેક્સ સ્પોટ ગોલ્ડ 1612 ડોલર આસપાસ ટ્રેડ દર્શાવતું હતું. જ્યારે ડોલર ઈન્ડેક્સ પણ 110 ડોલર આસપાસ અથડાઈ રહ્યો છે.


નવી સિઝનમાં 375 લાખ ગાંસડી કોટન ઉત્પાદનનો અંદાજ
2021-22 સિઝનમાં 3.2 કરોડ ગાંસડી સામે 50-60 લાખ ગાંસડીની વૃદ્ધિ જોવા મળશે
અત્યાર સુધી મોટાભાગના કોટન બેલ્ટમાં પાકની સારી પ્રગતિ
ગુજરાતમાં એક કરોડ ગાંસડી પાકની શક્યતાં

નવી ખરિફ માર્કેટિંગ સિઝનમાં દેશમાં 375 લાખ ગાંસડી કોટન ઉત્પાદનનો અંદાજ વેપારી વર્તુળો મૂકી રહ્યાં છે. અત્યાર સુધીમાં મોટાભાગના કોટન બેલ્ટમાં પાકની સ્થિતિ સારી જોવા મળી રહી છે અને તેથી ઉત્પાદન ઊંચુ જોવામાં આવી રહ્યું છે. જોકે હજુ પણ આગામી બે મહિના પાક માટે મહત્વના બની રહેશે. જો પાછોતરો વરસાદ જોવા નહિ મળે તો એક પખવાડિયામાં નોંધપાત્ર નવી આવકો પણ શરૂ થઈ જશે એમ માનવામાં આવે છે.
ચાલુ સિઝનમાં મોટાભાગના કોટન બેલ્ટમાં પાકનું વાવેતર વહેલું જોવા મળ્યું હતું. તેમજ જુલાઈમાં વ્યાપક વરસાદને કારણે પાકને નોંધપાત્ર લાભ મળ્યો હતો. જોકે મહારાષ્ટ્રમાં કેટલાંક વિસ્તારોમાં પાકને ભારે વરસાદને કારણે નુકસાન જોવા મળ્યું હતું. જ્યારે બીજા ક્રમે વાવેતર ધરાવતા ગુજરાતમાં પાકની સ્થિતિ ખૂબ સારી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને તેલંગાણામાં પણ પાકની સ્થિતિ ખૂબ સારી છે અને તેથી યિલ્ડ છેલ્લાં ચાર વર્ષોમાં સૌથી સારા જોવા મળી શકે છે. છેલ્લાં બે વર્ષો દરમિયાન કોટનનો પાક તેના શરૂઆતી અંદાજની સરખામણીમાં નોંધપાત્ર નીચો જોવા મળ્યો હતો. જેમકે સપ્ટેમ્બર આખરમાં પૂરા થતાં 2021-22 દરમિયાન 3.7 કરોડ ગાંસડીના શરૂઆતી અંદાજ સામે વાસ્તવમાં 3.2 કરોડ ગાંસડીનો જ પાક રહ્યો હોવાનું વર્તુળો જણાવે છે. ઉપરાંત બે વર્ષોથી પાકની ગુણવત્તા પણ ખૂબ નબળી જોવા મળી હતી. જેને કારણે દેશના બજારોમાં ક્વોલિટી માલોની અછત પ્રવર્તતી હતી. ચાલુ સિઝનમાં ક્વોલિટી માલો નહિવત જોવા મળી રહ્યાં છે. બીજી બાજુ ભાવો પણ ખૂબ ઊંચા જતાં રહ્યાં હોવાથી માગમાં પણ તીવ્ર ઘટાડો નોંધાયો છે. ટ્રેડ વર્તુળોના મતે એકવાર ઊંચા પાકની શક્યતાં મજબૂત બનશે અને બીજી બાજુ માગ નીચી જળવાશે તો કોટનના ભાવ પર દબાણ જોવા મળી શકે છે. જોકે ખાંડીના ભાવ રૂ. 75-78 હજારની નીચે જવાની શક્યતાં નથી. હાલમાં નવેમ્બર-ડિસેમ્બર ડિલિવરી માલોના ભાવ લગભગ આ જ રેંજમાં જોવા મળી રહ્યાં છે. વૈશ્વિક સ્તરે પાક નીચો જોવા મળે તેવી શક્યતાં પાછળ સ્થાનિક ભાવો ખેડૂતો માટે ઊંચા વળતરદાયી બની રહેશે. ખેડૂતોને ચાલુ સિઝનમાં મણે ઉપરમાં રૂ. 2800-2900 સુધીના ભાવ ઉપજ્યાં હતાં. જોકે જેમણે માલ પકડી રાખ્યો હતો તેવા ખેડૂતો જ આ લાભ લઈ શક્યાં હતાં. ચાલુ સિઝનની શરૂમાં ખેડૂતો રૂ. 2 હજારનો ભાવ તો મેળવશે તે નક્કી મનાય છે.


એરંડાનું વાવેતર 6 લાખ હેકટર પાર કરી ગયું
રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર 83.23 લાખ હેકટરે પહોંચ્યો

અખાદ્ય તેલિબિયાં એરંડાના વાવેતરમાં ગયા સપ્તાહે 64 હજાર હેકટરના ઉમેરા સાથે કોમોડિટીનો કુલ વાવેતર વિસ્તાર 6.04 લાખ હેકટર પર પહોંચી ગયો છે. જે છેલ્લાં ત્રણ વર્ષોની 6.77 લાખ હેકટરની સરેરાશથી હજુ 73 હજાર હેકટર નીચો છે. આમ હજુ પણ એરંડાના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિની શક્યતાં છે. ગઈ સિઝનમાં અત્યાર સુધીમાં 4.26 લાખ હેકટરમાં જ એરંડાનું વાવેતર જોવા મળતું હતું. આમ ચાલુ સિઝનમાં વાવેતર વિસ્તાર નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. ગયા સપ્તાહે ઘાસચારા પાકોમાં પણ 38 હજાર હેકટરની વૃદ્ધિ નોંધાઈ હતી. જેની પાછળ કુલ ખરિફ વાવેતર વિસ્તાર 1.23 લાખ હેકટર વધી 83.23 લાખ હેકટર પર પહોંચ્યો હતો. જે છેલ્લાં ત્રણ વર્ષોની સરેરાશ 86.32 લાખ હેકટરની સરખામણીમાં ત્રણ લાખ હેકટર નીચો છે. રાજ્યમાં ચાલુ ચોમાસા દરમિયાન વ્યાપક વરસાદ જોતાં વાવેતર વિસ્તાર 85 લાખ હેકટરનો આંક પાર કરી જાય તેવી પૂરી શક્યતાં છે. આગામી સમયગાળામાં એરંડા, ઘાસચારા અને પરચૂરણ પાકોના વાવેતરમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. ગયા સપ્તાહે ડાંગરના વાવેતરમાં 4 હજાર હેકટરનો ઉમેરો જોવા મળ્યો હતો અને તે 8.64 લાખ હેકટરે પહોંચ્યું હતું. જ્યારે કઠોળનું વાવેતર 9 હજાર હેકટર ઉમેરા સાથે 4.07 લાખ હેકટરે પહોંચ્યું હતું. શાકભાજી પાકોનું વાવેતર 5 હજાર હેકટરની વૃદ્ધિ સૂચવતો હતો. જ્યારે કપાસમાં માત્ર એક હજાર હેકટરનો ઉમેરો જોવા મળ્યો હતો.



ઈક્વિટી જવર પાછળ ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા 10 કરોડ વટાવી ગઈ
કોવિડ બાદ દેશમાં નવા 6 કરોડ ડિમેટ એકાઉન્ટ્સનો ઉમેરો થયો
ચાલુ કેલેન્ડરના પ્રથમ આંઠ મહિનામાં જ નવા 2 કરોડ એકાઉન્ટ્સ ખૂલ્યાં

દેશમાં પ્રથમવાર ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા 10 કરોડના આંકને પાર કરી ગઈ છે. ઓગસ્ટમાં નવા 22 લાખ ડિમેટ ઓપનીંગ સાથે કુલ એકાઉન્ટ્સ સંખ્યા 10.05 કરોડ પર જોવા મળતી હતી એમ દેશમાં બંને ડિપોઝીટરી સર્વિસ પ્રોવાઈડર એનએસડીએલ અને સીડીએસએલનો ડેટા સૂચવે છે. ચાલુ કેલેન્ડરમાં શેરબજારમાં ઊંચી વધ-ઘટ વચ્ચે પણ કુલ 2 કરોડ ડિમેટ એકાઉન્ટ્સ ઓપન થયા છે. જે ડિમેટ ઓપનીંગમાં કેલેન્ડર 2021 બાદ બીજા ક્રમે જોવા મળે છે.
કોવિડ બાદ શેરબજારમાં ઝંઝાવાતી તેજીને કારણે મિલેનિઅલ્સમાં શેરબજારમા રોકાણ માટે એક પ્રકારનો ઉન્માદ જોવા મળ્યો હતો. જેને કારણે છેલ્લાં બે વર્ષોમાં ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા બમણી બની છે. માર્ચ 2020માં કોવિડની શરૂઆત થઈ તે અગાઉ દેશમાં કુલ ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા 4.09 કરોડ પર હતી. આમ સવા બે વર્ષના ગાળામાં નવા 6 કરોડ એકાઉન્ટ્સનો ઉમેરો થયો છે. જે દેશમાં ઝડપથી વૃદ્ધિ પામી રહેલા ઈક્વિટી કલ્ટનો સંકેત છે. 2021માં સેકન્ડરી માર્કેટની તેજી પાછળ પ્રાઈમરી માર્કેટમાં પણ વિક્રમી સંખ્યામાં આઈપીઓ જોવા મળ્યાં હતા અને તેને કારણે પણ મોટી સંખ્યામાં નવા રોકાણકારોએ શેરમાર્કેટ પ્રવેશ દર્શાવ્યો હતો. જોકે કેલેન્ડર 2022માં વૈશ્વિક બજારો પાછળ સ્થાનિક શેરબજારમાં ઊંચી વધ-ઘટને કારણે બજારમાં નવા રોકાણકારોના પ્રવેશની ગતિ અટકી હતી. જોકે તેમ છતાં છેલ્લાં બે મહિનાથી જોવા મળી રહેલી તેજી પાછળ ઓગસ્ટ મહિનામાં 22 લાખથી વધુ ડિમેટ એકાઉન્ટ્સ ઓપન થયા હતા. જે ચાર મહિનામાં સૌથી ઊંચો ડિમેટ એકાઉન્ટ્સ ઉમેરો હતો. અગાઉ એલઆઈસીના આઈપીઓ વખતે મે મહિનામાં 27 લાખ ડિમેટ એકાઉન્ટ્સ ઓપન થયા હતા. ચાલુ કેલન્ડરમાં જૂન અને જુલાઈમાં 18-18 લાખ ડિમેટ એકાઉન્ટ્સ સાથે સૌથી નીચું ઓપનીંગ જોવા મળ્યું હતું. જે 16 મહિનામાં સૌથી નીચી ડિમેટ વૃદ્ધિ હતી. જોકે તાજેતરમાં ફરીથી મીડ-કેપ અને સ્મોલ-કેપમાં મજબૂતી તથા પ્રાઈમરી માર્કેટના એક્ટિવ બનવાને કારણે રિટેલ પાર્ટિસિપેશન વધ્યું છે. જે આગામી સમયગાળામાં પણ જળવાય શકે તેવી શક્યતાં છે.
ડિમેટ એકાઉન્ટ્સમાં ઝડપી વૃદ્ધિનું કારણ નેટની ઉપલબ્ધિને કારણે સ્માર્ટફોનનો વધેલો વપરાશ પણ કારણભૂત છે. ખાસ કરી મિલેનિયલ્સમાં ઓનલાઈન ટ્રેડિંગનું ઊંચું વલણ જોવા મળી રહ્યું છે. ઈઝી કેવાયસી અને પેમેન્ટ સુવિધાને કારણે શેરબજારમાં તેમના તરફથી ઊંચી કામગીરી નોંધાઈ છે. ડિમેટ એકાઉન્ટ્સમાં વૃદ્ધિ સાથે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ પાસે કસ્ટડી હોલ્ડિંગ્સમાં પણ તીવ્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. એનએસડીએલની વાત કરીએ તો તેમની પાસે રૂ. 32 લાખ કરોડના મૂલ્યના શેર્સ પડ્યાં છે. જે એપ્રિલ 2020માં રૂ. 17.4 લાખ કરોડ પર હતાં. દેશમાં સૌથી મોટા ડીપોઝીટરી પાર્ટિસિપન્ટ્સ સીડીએસ પાસે ઓગસ્ટની આખરમાં કુલ 7.16 કરોડ ડિમેટ એકાઉન્ટ્સ હતાં. જ્યારે તેની કસ્ટડીમાં કુલ રૂ. 38.5 લાખ કરોડના મૂલ્યના શેર્સ જમા હતાં. બીજા ક્રમે એનએસડીએલ કુલ 2.89 કરોડ ડિમેટ એકાઉન્ટ્સ ધરાવે છે. એક બ્રોકરેજના વડા જણાવે છે કે ડિમેટ એકાઉન્ટ્સમાં વૃદ્ધિને માર્કેટની સ્થિતિ સાથે સીધો સંબંધ રહેલો છે. બજારમાં જ્યારે પણ તેજી જોવા મળતી હોય ત્યારે નવા રોકાણકારો આપોઆપ ખેંચાઈ આવે છે. જ્યારે બજારમાં ઘટાડા વખતે રોકાણકારો બજારથી અળગા થતાં જોવા મળે છે. પ્રાઈમરી માર્કેટમાં ક્વોલિટી લિસ્ટીંગ્સ વખતે પણ ડિમેટ એકાઉન્ટ્સ ઓપનીંગનું પ્રમાણ વધતું જોવા મળતું હોય છે. જોકે ગયા કેલેન્ડરમાં રૂ. 1.2 લાખ કરોડ સામે ચાલુ કેલેન્ડરમાં 50 ટકા રકમ પણ આઈપીઓ તરફથી એકત્ર કરવામાં નથી આવી. જેને કારણે ડિમેટ ઓપનીંગ્સ થોડું ધીમું જળવાયું છે.

કેલેન્ડરમાં માસિકવાર નવા ડિમેટનો ઉમેરો

મહિનો નવા ડિમેટ ઓપનીંગ(લાખમાં)
જાન્યુઆરી 34
ફેબ્રુઆરી 29
માર્ચ 28
એપ્રિલ 24
મે 27
જૂન 18
જુલાઈ 18
ઓગસ્ટ 22


કોર્પોરેટ હેડલાઈન્સ

એનટીપીસીઃ પીએસયૂ વીજ ઉત્પાદક કંપનીએ ચાલુ નાણાકિય વર્ષમાં તેની કેપ્ટિવ માઈન્સમાંથી વાર્ષિક 62 ટકા ઉત્પાદન વૃદ્ધિ દર્શાવી છે. તેણે 600 મેગાવોટની ઓપરેશ્નલ ક્ષમતા ધરાવતી જાબુઆ પાવર કંપનીની ખરીદી કરી છે.
સુગર કંપનીઓઃ દેશમાં સુગરના ભાવ ત્રણ મહિનાની ટોચ પર પહોંચતાં સુગર શેર્સમાં મજબૂતી જોવા મળી હતી. છેલ્લાં બે વર્ષોથી દેશમાંથી સુગરની જંગી નિકાસ પાછળ સ્થાનિક સ્ટોક્સ નીચો જોવા મળી રહ્યો છે.
નારાયણ હ્રદ્યાલયઃ હોસ્પિટલ કંપનીએ શિવા એન્ડ શિવા ઓર્થોપેડિક હોસ્પિટલ સાથે તેના ઓર્થોપેડિક અને ટ્રૌમા હોસ્પિટલ બિઝનેસની ખરીદી માટે કરાર કર્યો છે. કંપની રૂ. 200 કરોડમાં આ બિઝનેસ ખરીદશે.
ડિશ ટીવીઃ ઝી ગ્રૂપ કંપનીએ 2021-22 દરમિયાન તેના ડેટમાં અડધાથી વધુનો ઘટાડો કર્યો છે. 2020-21ની આખરમાં રૂ. 809.90 કરોડ પર જોવા મળી રહેલું કંપનીનું ડેટ માર્ચ 2022ની આખરમાં રૂ. 375.6 કરોડ પર રહ્યું હતું.
કેએસબી લિમિટેડઃ ટોચની પંપ અને વાલ્વ ઉત્પાદકે જાન્યુઆરીથી જૂન 2022ના અર્ધવાર્ષિક ગાળામાં 26.5 ટકા વૃદ્ધિ સાથે 8661 એમઆઈઓનું વેચાણ નોંધાવ્યું છે. કંપનીને ભેલ તરફશી ફ્યૂ ગેસ ડિસ્લફ્યુરાઈઝેશન માટે પંપ્સના ઊંચા ઓર્ડર્સ મળ્યાં છે.
રિલાયન્સ પાવરઃ એડીએજી જૂથની કંપની સ્થાનિક અને વિદેશી બજારમાંથી લોંગ ટર્મ નાણા સ્રોત મેળવવા માટે 8 સપ્ટેમ્બરે ચર્ચા-વિચારણા કરશે. કંપની વાર્ડે પાર્ટનર્સ પાસેથી રૂ. 1200 કરોડ ઊભા કરશે.
કોલ ઈન્ડિયાઃ પીએસયૂ કોલ ઉત્પાદક કંપનીએ કોલ મંત્રાલયના ડેટાના આધારે જણાવ્યું છે કે 25 માઈન્સમાં કોલનું ઉત્પાદન 100 ટકા ક્ષમતાને પાર કરી ગયું છે.
એબીએફઆરએલઃ આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ 2025-26 સુધીમાં રૂ. 21 હજાર કરોડની રેવન્યૂનો ટાર્ગેટ રાખ્યો હોવાનું કંપનીના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ જણાવ્યું છે. કંપનીની એજીએમના સંબોધનમાં તેમણે આમ જણાવ્યું હતું.
આરઈસીઃ જાહેર ક્ષેત્રની પાવર ફાઈનાન્સ કંપની બોન્ડ્સ ઈસ્યુ મારફતે રૂ. 75 હજાર કરોડ ઊભા કરવા માટે 16 સપ્ટેમ્બરે શેરધારકોની મંજૂરી મેળવશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage