માર્કેટ સમરી
નિફ્ટી મહત્વના અવરોધને પાર કરવામાં નિષ્ફળ
ભારતીય બજાર પોઝીટીવ બંધ રહેવામાં સફળ રહ્યું હતું. જોકે તે મહત્વનો અવરોધને પાર કરવામાં નિષ્ફળ રહ્યું હતું. નિફ્ટીએ દિવસ દરમિયાન 14880ની ટોચ દર્શાવી હતી. જે બેન્ચમાર્કને માટે નજીકનો અવરોધ છે. જ્યાંથી તે પરત ફરી 14819ના સ્તરે બંધ રહ્યો હતો. એનાલિસ્ટ્સના મતે જો નિફ્ટી 14880-14900ના સ્તરને પાર કરશે તો 15300ની ટોચ સુધી જવાનો માર્ગ ખૂલ્લો થશે.
હેગ અને ગ્રેફાઈટ ઈન્ડિયાના શેર્સમાં તીવ્ર ઉછાળો
ગ્રેફાઈટ ઈલેક્ટ્રોડ્સ ઉત્પાદક કંપનીઓ હેગ અને ગ્રેફાઈટ ઈન્ડિયાના શેર્સમાં બુધવારે ભારે લેવાલી પાછળ તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. હેગ લિ.નો શેર દિવસ દરમિયાન 20 ટકાની ઉપલી સર્કિટમાં બંધ રહ્યાં બાદ 18 ટકા ઉછળી રૂ. 2153.40ના ભાવે બંધ રહ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 1825ના બંધ સામે રૂ. 329નો સુધારો દર્શાવતો હતો. માર્ચ 2020માં રૂ. 499ના તળિયા સામે તે 5 ગણાથી વધુ સુધારો દર્શાવી રહ્યો છે. અન્ય હરિફ કંપની ગ્રેફાઈટ ઈન્ડિયાનો શેર પણ 11 ટકાથી વધુ ઉછળી રૂ. 690ના સ્તરે બં રહ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 587ના બંધ સામે રૂ. 103નો સુધારો દર્શાવી રહ્યો હતો.
કેમિકલ્સ શેર્સમાં લેવાલીએ જોવા મળતી નવી ટોચ
શેરબજારમાં કેમિકલ્સ શેર્સમાં સતત લેવાલી જોવા મળી રહી છે. જેમાં ડાઈ અને ઈન્ટરમિડિયેટ ઉપરાંત એપીઆઈ ઉત્પાદક કંપનીઓનો સમાવેશ પણ થાય છે. બુધવારે વિનતી ઓર્ગેનિકક્સનો શેર 10 ટકા અથવા રૂ. 137 ઉછળી રૂ. 1568.75ની સપાટી પર બંધ રહ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 1432ના બંધ સેમ રૂ. 1624ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 16 હજાર કરોડને પાર કરી ગયું હતું. એપીઆઈ ઉત્પાદન લૌરસ લેબ્સનો શેર પણ 6 ટકા ઉછળી નવી ટોચ પર પહોંચ્યો હતો. રૂ. 397ના અગાઉના બંધ સામે તે રૂ. 426.50ની ટોચ પર ટ્રેડ થયા બાદ રૂ. 420ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 22500ની સપાટી પાર કરી ગયું હતું. અમદાવાદ સ્થિત મેઘમણિ ઓર્ગેનિકનો શેર પણ તેની સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. કંપનીનો શેર રૂ. 127.75ના અગાઉના બંધ સામે રૂ. 138.40ની ટોચ દર્શાવી રૂ. 133.55 પર 5 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો.
નબળા લિસ્ટીંગ બાદ બાર્બેક્યૂ નેશન અપર સર્કિટમાં બંધ
રેસ્ટોરન્ટ કંપની બાર્બેક્યૂ નેશન હોસ્પિટાલિટીનો શેર રૂ. 500ના ઓફરભાવ સામે બીએસઈ ખાતે રૂ. 492ના ભાવે સાધારણ ડિસ્કાઉન્ટમાં લિસ્ટ થયા બાદ રૂ. 590.40ની 20 ટકાની અપર સર્કિટમાં બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 2216 કરોડ જોવા મળતું હતું. કંપની રાકેશ ઝૂનઝૂનવાલાનું રોકાણ ધરાવે છે. કંપને આઈપીઓ મારફતે લગભગ રૂ. 453 કરોડ ઊભા કર્યાં હતાં.
RBIની બોન્ડ બાઈંગની જાહેરાત બાદ રૂપિયામાં દોઢ વર્ષનો સૌથી મોટો કડાકો
યુએસ ડોલર સામે રૂપિયો એક દિવસમાં 1.54 ટકા અથવા 113 પૈસા ગગડી 74.56ના છ મહિનાના તળિયા પર જોવા મળ્યો
સેન્ટ્રલ બેંક ગવર્નરે સેકન્ડરી માર્કેટમાંથી રૂ. એક લાખ કરોડના બોન્ડ બાઈંગની જાહેરાત કરતાં રૂપિયામાં સેન્ટિમેન્ટ ખરડાયું
અગાઉ ઓગસ્ટ 2019માં રૂપિયાએ એક દિવસમાં 1.63 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવ્યો હતો
દેશમાં પ્રથમવાર વિકસિત દેશોની મઘ્યસ્થ બેંક્સની માફક ક્વોન્ટેટિટીવ ઈઝીંગ(ક્યૂઈ) પ્રોગ્રામની જાહેરાત કરતાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ)ના ગવર્નરે નાણા વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટરમાં રૂ. એક લાખ કરોડના સરકારી બોન્ડ્સની ખરીદી કરવામાં આવશે એમ જણાવ્યું હતું. જેની પાછળ યુએસ ડોલર સામે ભારતીય ચલણમાં 1.54 ટકાનો તીવ્ર કડાકો બોલાઈ ગયો હતો. મંગળવારના 73.43ના બંધ ભાવ સામે રૂપિયો ગ્રીનબેક સામે 113 પૈસા ગગડી 74.56ના સ્તરે બંધ રહ્યો હતો. જે 17 નવેમ્બર 2020 પછીનું તેનું સૌથી નીચું સ્તર છે. ગયા વર્ષે 17 નવેમ્બરે તે 74.88ના સ્તરે ટ્રેડ થતો હતો. જ્યાંથી વિદેશી સંસ્થાકિય રોકાણકારોના તીવ્ર ઈનફ્લો પાછળ ઝડપથી સુધર્યો હતો.
ફોરેક્સ માર્કેટ નિરીક્ષકોના મતે નવા નાણા વર્ષની પ્રથમ નીતિગત સમીક્ષામાં આરબીઆઈ ગવર્નરે સેકન્ડરી માર્કેટમાંથી બોન્ડ્સ ખરીદી કરવાની જાહેરાત કરી બજારને એક આંચકો આવ્યો હતો. યુએસ ખાતે સબપ્રાઈમ ક્રાઈસીસ વખતે ફેડ ચેરમેન બેન બર્નાકેએ આ પ્રકારના ક્વોન્ટેટિટીવ ઈઝીંગની શરૂઆત કરી હતી અને અત્યાર સુધીમાં ફેડ રિઝર્વ 7 ટ્રિલિયન ડોલરથી વધુના બોન્ડ્સની ખરીદી કરી ચૂકી છે. ભારત જેવા ફુગાવાની સમસ્યા અનુભવી રહેલા અર્થતંત્ર માટે આ પ્રકારની જાહેરાત ઈન્ફ્લેશનમાં વૃદ્ધિ લાવી શકે છે. આરબીઆઈ ગવર્નરની જાહેરાત બાદ ભારત સરકારના 10-વર્ષની મુદતના બોન્ડ યિલ્ડ્સ એક તબક્કે 6.06 ટકા થઈ પાછળથી 6.19 ટકા પર જોવા મળ્યાં હતાં.
અર્થશાસ્ત્રઓના મતે સેકન્ડરી માર્કેટમાંથી બોન્ડ ખરીદીનો પ્રોગ્રામ જાહેર કરી આરબીઆઈ બોન્ડ યિલ્ડ્સને નીચા જાળવી સરકારી બોરાઈંગ ખર્ચને નીચો જાળવવા ઈચ્છે છે. નાણાપ્રધાને તેમની બજેટ જાહેરાતમાં જંગી બોરોઈંગ કરવામાં આવશે એમ જણાવ્યું હતું. આરબીઆઈ ગવર્નરની જાહેરાત પાછળ શેરબજારમાં તેજી જોવા મળી હતી. કેમકે સેન્ટ્રલ બેંક તરફથી ત્રિમાસિક ધોરણે રૂ. એક લાખ કરોડની જંગી લિક્વિડીટી બજારમાં ઠાલવવામાં આવશે. બેંક 15 એપ્રિલે તેના પ્રથમ બોન્ડ બાઈંગમાં રૂ. 25 હજારની ખરીદી કરશે એમ આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બેંકનો હેતુ વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે સરકારી જામીનગીરી માર્કેટમાં સ્થિરતા લાવવાનો છે. જોકે બેંકના કુત્રિમ રીતે યિલ્ડ કર્વને ફ્લેટ જાળવવાનો પ્રયાસ વિપરીત પરિણામો સર્જી શકે છે એમ પણ અર્થશાસ્ત્રીઓનો એક વર્ગ માને છે.
કરન્સી એનાલિસ્ટ્સના મતે રૂપિયાએ મહત્વના સપોર્ટ તોડ્યાં છે અને તેથી તે 75ના સ્તર સુધી નીચે જઈ શકે છે. જે એક મહત્વનું સાઈકોલોજિકલ સ્તર છે. જો તે આ સ્તરની નીચે જશે તો તેમાં વધુ વેચવાલી જોવા મળી શકે છે. એપ્રિલ 2020માં રૂપિયાએ પ્રથમવાર 77ની સપાટી દર્શાવી હતી. જ્યાંથી તે સુધરતો રહીને માર્ચ 2021ની આખરમાં 72.26ના સ્તર સુધી જોવા મળ્યો હતો. જોકે આ સ્તરે તીવ્ર અવરોધ નડ્યો હતો અને રુપિયો ત્યાં જઈ ઘણીવાર પાછો પડ્યો હતો. અંતિમ આંઠ ટ્રેડિંગ સત્રોમાં જ રૂપિયો 1.98 ટકા જેટલો તૂટી ચૂક્યો છે. મહત્વની બાબત એ છે કે માર્ચ 2020માં એફઆઈઆઈ તરફથી તીવ્ર આઉટફ્લો વખતે પણ રૂપિયો એક દિવસમાં આટલો તીવ્ર નહોતો તૂટ્યો. જ્યારે અંતિમ પખવાડિયામાં બે વાર તે એક દિવસમાં એક ટકાથી વધુનું ધોવાણ દર્શાવી ચૂક્યો છે. જે સૂચવે છે કે ટૂંકાગાળામાં ફુગાવામાં વૃદ્ધિ જોવા મળી શકે છે. એનાલિસ્ટ્સના મતે ક્રૂડના ભાવમાં છેલ્લા મહિનામાં જોવા મળેલી આંશિક રાહત ડોલર સામે રૂપિયાના ભાવમાં ઘટાડાને કારણે ધોવાઈ ગઈ છે અને રિટેલ વર્ગ માટે ફ્યુઅલના ભાવમાં તત્કાળ રાહતની કોઈ શક્યતા જોવા મળી રહી નથી.
રૂપિયામાં ઘટાડા પાછળ બુલિયન રોકાણકારોને રાહત
એમસીએક્સ ખાતે લગભગ બે મહિના બાદ સોનુ રૂ. 46000ની સપાટી પાર કરી ગયું
ચાંદી પણ રૂ. 66000ના સ્તરને પાર કરવામાં સફળ રહી
વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં સતત ઘટાડા પાછળ અકળામણ અનુભવી રહેલાં બુલિયન ટ્રેડર્સને યુએસ ડોલર સામે રૂપિયામાં નરમાઈને કારણે મોટી રાહત મળી છે. બુધવારે રૂપિયો ડોલર સામે 1.5 ટકાથી વધુનો ઘટાડો દર્શાવતાં એમસીએક્સ ખાતે સોનુ રૂ. 46000ની સપાટીને પાર કરી ગયું હતું. લગભગ બે મહિના બાદ તે આ સપાટી પર ટ્રેડ થયું હતું. ચાંદી પણ રૂ. 66000ના સ્તરને પાર કરી ગઈ હતી. જોકે ક્રૂડ સહિત બેઝ મેટલ્સના ભાવ પર રૂપિયામાં નરમાઈની પ્રતિકૂળ અસર જોવા મળી હતી.
માર્કેટ એનાલિસ્ટ્સના મતે ફરી એકવાર સ્થાનિક ચલણ બુલિયન ટ્રેડર્સની વહારે આવ્યું છે અને જેઓ છ મહિના અગાઉ ઊંચા ભાવે કિંમતી ધાતુઓમાં ખરીદી કરી બેઠાં છે તેમનું નુકસાન હળવું થયું છે. જોકે એક બાજુ રૂપિયામાં નરમાઈ પાછળ સ્થાનિક સોનું-ચાંદી મજબૂતી દર્શાવતાં હતાં ત્યાં વૈશ્વિક બજારમાં બંને કિંમતી ધાતુઓમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તેથી સ્થાનિક બજારમાં રૂપિયામાં ઘસારા પાછળ જોવા મળેલો સુધારો કેટલેક અંશે ભૂસાયો હતો. વૈશ્વિક કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો 9 ડોલરના ઘટાડે 1734 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાંદી 1.13 ટકા ઘટાડે 24.94 ડોલર પર ટ્રેડ થતી હતી. જેને કારણે એક તબક્કે સ્થાનિક બજારમાં રૂ. 46311ની ટોચ દર્શાવનાર એમસીએક્સ જૂન ગોલ્ડ વાયદો બપોર બાદ રૂ. 46150ના સ્તરે ટ્રેડ થતો હતો. જ્યારે સિલ્વર મે વાયદો પણ રૂ. 66444ની દિવસની હાઈ પરથી ગગડી રૂ. 65951 પર ટ્રેડ થતો જોવા મળતો હતો. જોકે ટેકનિકલી બંને ધાતુઓ મજબૂતી દર્શાવી રહી છે અને જો વૈશ્વિક બજારમાં સોનું-ચાંદી સુધારાતરફી બનશે તો સ્થાનિક સ્તરે તેઓ નવેસરથી તેજી દર્શાવી શકે છે. અગાઉ કેલેન્ડર 2012-2020 સુધી જ્યારે વૈશ્વિક બજારમાં ડોલર મૂલ્યમાં સોનું-ચાંદીના ભાવ ઘસાઈ રહ્યાં હતાં ત્યારે માત્ર ડોલર સામે રૂપિયામાં અવમૂલ્યનને કારણે સ્થાનિક બુલિયન ટ્રેડર્સ પોઝીટીવ રિટર્ન દર્શાવી રહ્યાં હતાં. ગયા એપ્રિલ 2020માં ડોલર સામે 77નું લાઈફ-ટાઈમ તળિયું બનાવી રૂપિયો સતત સુધરતો રહ્યો હતો અને માર્ચમાં 72.26 પર જોવા મળ્યો હતો. જેને કારણે વૈશ્વિક બજાર કરતાં સ્થાનિક બજારમાં સોનું-ચાંદીના ભાવ ઊંચો ઘટાડો દર્શાવતાં હતાં. હવે રૂપિયામાં ફરી ઘટાડાનો ટ્રેન્ડ શરૂ થયો છે. જે બુલિયનના ભાવને ઊંચા સ્તરે જાળવી રાખવામાં સપોર્ટ કરી શકે છે.