Market Summary 7 Feb 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

તેજીવાળાઓએ હાથ હેઠાં મૂકતાં બજાર ઊંધા માથે પટકાયું
નિફ્ટી 17200ના મહત્વનો સપોર્ટ નજીક બંધ
વોલેટિલિટી ઈન્ડેક્સ 8 ટકા ઉછળી 20.43 પર
બેંકિંગ, એફએમસીજીમાં ઊંચી વેચવાલી
લાર્જ-કેપ્સ કરતાં મીડ અને સ્મોલ-કેપ્સનો સારો દેખાવ
એશિયન બજારોમાં સુધારા વચ્ચે ભારતનું અન્ડરપર્ફોર્મન્સ

સપ્તાહની શરૂઆતમાં જ મંદીવાળાઓએ આક્રમણ કરતાં શેરબજારમાં શરૂઆત સારી નહોતી રહી. માર્કેટ બજેટ અગાઉના બંધ સ્તરની નીચે ઉતરી ગયું હતું. સેન્સેક્સ 1024 પોઈન્ટ્સના ઘટાડે 57621ની સપાટીએ જ્યારે નિફ્ટી 303 પોઈન્ટ્સ ઘટી 17214ના સ્તરે બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 8.1 ટકા ઉછળી 20.43ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાઁથી માત્ર 8 સુધારા સાથે બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 42 કાઉન્ટર્સે નેગેટિવ બંધ આપ્યું હતું.
વૈશ્વિક સ્તરે ખાસ કરીને એશિયન બજારોમાં મજબૂતી વચ્ચે ભારતીય બજારએ એકલો અટૂલો દેખાવ દર્શાવ્યો હતો. એશિયામાં જાપાનને બાદ કરતાં ચીન, તાઈવાન, હોંગ કોંગ અને સિંગાપુર બજારો 2 ટકા સુધીનો સુધારો નોંધાવી રહ્યાં હતાં. બપોરે યુરોપ ખાતે પણ જર્મની અને યૂકે બજારો પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જોકે ભારતીય બજાર પર તેની કોઈ ખાસ અસર જોવા નહોતી મળી અને તે દિવસ દરમિયાન ઘસાતું રહ્યું હતું. નિફ્ટી નીચામાં 17119.40નું તળિયું બનાવી લગભગ 100 પોઈન્ટ્ના બાઉન્સ સાથે બંધ રહ્યો હતો. એનાલિસ્ટ્સના મતે જો 17200નું સ્તર તૂટશે તો બેન્ચમાર્ક માટે 16836નો એક સપોર્ટ છે. જેની નીચે 16410નો સપોર્ટ છે. જોકે સોમવારે મંદીવાળાઓનું આક્રમણ જોતાં એનાલિસ્ટ્સ વધુ ઘટાડાની શક્યતાં જોઈ રહ્યાં છે. સાથે કેટલાંક એનાલિસ્ટ્સ લોંગ પોઝીશન છોડી શોર્ટ્સ માટેની ભલામણ પણ કરી રહ્યાં હતાં.
માર્કેટમાં ઘટાડો વૈશ્વિક કારણોસર હતો. જેમાં યુએસ સહિત ભારતીય બજારમાં પણ બોન્ડ યિલ્ડ્સમાં ઝડપ ઉછાળો તથા ક્રૂડના ભાવ મુખ્ય પરિબળો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ 7 વર્ષોની ટોચ પર ટ્રેડ થઈ રહ્યું છે. યુએસ દ્વારા યૂક્રેનમાં રશિયાના સંભવિત હુમલાને લઈને સતત ચેતવણી આપવામાં આવી રહી છે. જેની પાછળ ક્રૂડ અવિરત સુધારો દર્શાવી રહ્યું છે. સોમવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 93.99ની 2014 પછીની ટોચ પર ટ્રેડ થઈ 93 ડોલર આસપાસ ચાલી રહ્યો હતો. જેને કારણે ફુગાવો વધવાની સંભાવના છે. જેણે ભારતીય બજારમાં સેન્ટિમેન્ટ પર અસર કરી હતી. જેની સૌથી ખરાબ અસર બેંકિંગ અને એફએમસીજી સેક્ટર પર જોવા મળી હતી. બેંક નિફ્ટી 2.05 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવતો હતો. જેમાં એચડીએફસી બેંક 3 ટકાથી વધુ ગગડ્યો હતો. જોકે સારા પરિણામો પાછળ પીએસયૂ બેંક નિફ્ટી 0.92 ટકા સુધારો દર્શાવી રહી હતી. બેંક ઓફ બરોડા 6 ટકા સુધારા સાથે વાર્ષિક ટોચ પર બંધ રહ્યો હતો બેંક ઓફ ઈન્ડિયા અને એસબીઆઈએ પણ પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. જાહેર સાહસોમાં પણ મજબૂતી જોવા મળી હતી. જેમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, ઓએનજીસી, એનટીપીસી અગ્રણી હતાં. એનર્જી ઈન્ડેક્સમાં અદાણી ગ્રીન એનર્જી પાછળ સુધારો નોંધાયો હતો. અદાણી ગ્રીનનો શેર રૂ. 2051.20ની ટોચ બનાવી 3.81 ટકા સુધારા સાથે રૂ. 2024.65ની સપાટી પર બંધ રહ્યો હતો. તેણે રૂ. 3.17 લાખ કરોડનું માર્કેટ-કેપ નોંધાવ્યું હતું.
લાર્જ-કેપ્સની સરખામણીમાં મીડ-કેપ અને સ્મોલ-કેપ્સનો દેખાવ સારો રહ્યો હતો. બીએસઈ ખાતે 3650 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1371 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 2149 નેગેટિવ બંધ સૂચવતાં હતાં. 249 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 18 કાઉન્ટર્સે તળિયું દર્શાવ્યું હતું. વેચવાલીના દિવસે પણ 413 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 283 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં જોવા મળ્યાં હતાં.

ભારતીય બજારમાં માર્કેટ-કેપ-ટુ-GDP રેશિયો 2007 પછીની ટોચે
જાન્યુઆરીમાં પૂરા થતાં 12 મહિના દરમિયાન વૈશ્વિક માર્કેટ-કેપમાં 8 ટકા વૃદ્ધિ સામે ભારતીય બજારના એમ-કેપ 38 ટકા વૃદ્ધિ
ભારતીય બજારનું એમ-કેપ વૈશ્વિક બજારના કુલ એમ-કેપનું 3 ટકા છે, જે જાન્યુઆરી 2011 પછી સૌથી ઊંચો રેશિયો છે

છેલ્લાં ત્રણેક મહિનાથી બજારમાં જોવા મળી રહેલા કરેક્શન છતાં ભારતીય બજાર કેટલાંર માપદંડોને ધ્યાનમાં રાખતાં મોઁઘુ જોવા મળી રહ્યું છે. જેમકે ભારતીય બજારનો માર્કેટ-કેપ-ટુ-જીડીપી રેશિયો છેલ્લાં ઘણા વર્ષોની ટોચ પર જોવા મળી રહ્યો છે. 2021-22ના ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટને આધારે તે 116 ટકા પર જોવા મળે છે. જે તેની લાંબાગાળાની 79 ટકાની સરેરાશ કરતાં ઘણો ઊંચો છે. કેલેન્ડર 2007 પછી તે સૌથી ઊંચા સ્તરે જોવા મળી રહ્યો છે.
એક અગ્રણી બ્રોકરેજ હાઉસની નોંધમાં જણાવ્યા મુજબ ભારતીય બજાર 2021-22ની અપેક્ષિત અર્નિંગ્સના 23.9 ગણા પીઈ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી 12 મહિના માટે 15.6 ટકાના ફોરવર્ડ રિટર્ન ઓન ઈક્વિટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જે તેની લાંબાગાળાની એવરેજ કરતાં ઊંચો રેશિયો છે. છેલ્લા 12 મહિના દરમિયાન એમએસસીઆઈ ઈન્ડિયાએ 29 ટકાનું રિટર્ન દર્શાવી એમએસસીઆઈ ઈમર્જિંગ માર્કેટ્સથી નોંધપાત્ર ચઢિયાતો દેખાવ કર્યો છે. એમએસસીઆઈ ઈમર્જિંગ માર્કેટ્સે છેલ્લાં 12 મહિનામાં 9 ટકાનો ઘટાડો દર્શાવ્યો છે. જો છેલ્લાં એક દાયકાની વાત કરીએ તો એમએસસીઆઈ ઈન્ડિયાએ એમએસસીઆઈ ઈમર્જિંગ માર્કેટ્સની સરખામણીમાં 181 ટકા ઊંચું રિટર્ન દર્શાવ્યું છે. હાલમાં એમએસસીઆઈ ઈમર્જિંગ માર્કેટ્સની સરખામણીમાં એમએસસીઆઈ ઈન્ડિયા 95 ટકા પ્રિમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. જે તેની 59 ટકાની ઐતિહાસિક એવરેજ કરતાં ઘણું ઊંચું પ્રિમીયમ દર્શાવે છે.
વૈશ્વિક બજારના કુલ એમ-કેપમાં ભારતનો હિસ્સો 3 ટકાનો છે. જે જાન્યુઆરી 2011 પછીનો સૌથી ઊંચો છે. જાન્યુઆરી 2022માં પૂરા થતાં 12 મહિના દરમિયાન વૈશ્વિક માર્કેટ-કેપમાં 8 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. જ્યારે ભારતીય બજારનું માર્કેટ-કેપ 38 ટકા વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. નિફ્ટીના અડધાથી વધુ ઘટક શેર્સ તેમની ઐતિહાસિક સરેરાશથી ઊપર ટ્રેડ થઈ રહ્યાં છે. ઐતિહાસિક સરેરાશથી નોંધપાત્ર ઊપર ટ્રેડિંગ દર્શાવી રહેલી કંપનીઓમાં એચસીએલ ટેક્નોલોજિસ(69 ટકા), વિપ્રો(53 ટકા), ઈન્ફોસિસ(53 ટકા), ટીસીએસ(52 ટકા) અને ટાઈટન(52 ટકા)નો સમાવેશ થાય છે. આનાથી ઊલટું ઐતિહાસિક સરેરાશથી ઊંચી ડિસ્કાઉન્ટ સાથે ટ્રેડ દર્શાવતી કંપનીઓમાં ઓનજીસી(-62 ટકા), ટાટા સ્ટીલ(-54 ટકા), કોલ ઈન્ડિયા(-51 ટકા), આઈટીસી(-38 ટકા) અને જેએસડબલ્યુ સ્ટીલ(-38 ટકા)નો સમાવેશ થાય છે. લગભગ 66 ટકા સેક્ટર્સ તેમની ઐતિહાસિક સરેરાશથી પ્રિમીયમમાં ટ્રેડ થઈ રહ્યાં છે. જેમાં સ્પેશ્યાલિટી કેમિકલ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર્સ તો તેમના 10 વર્ષોના સરેરાશ પીઈની રેશિયોની સરખામણીમાં અનુક્રમે 152.5 ટકા અને 136.6 ટકા પ્રિમિયમે ટ્રેડ થઈ રહ્યાં છે. ટેક્નોલોજી સેક્ટર તેના 18.1ના સરેરાશ પીઈની સરખામણીમાં 52 ટકા પ્રિમિયમે 27.5ના પીઈ પર ટ્રેડ થઈ રહ્યો છે.

જાન્યુઆરીમાં પેસેન્જર વ્હીકલ વેચાણમાં 10 ટકા ઘટાડો નોંધાયો
પેસેન્જર વેહીકલ્સ વેચાણમાં જાન્યુઆરીમાં 10 ટકાનો ઘટાડો નોઁધાયો હતો. કંપનીઓને સેમીકંડક્ટરની તંગીને કારણે ઉત્પાદન લોસ ભોગવવાનો થયો હતો એમ ઓટોમોબાઈલ ડિલર્સ બોડી ફાડાએ જણાવ્યું છે. જાન્યુઆરી 2021માં 2,87,424 યુનિટ્સની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં 2,58,329 યુનિટ્સનું વેચાણ જોવા મળ્યું હતું. જે 10.12 ટકા ઘટાડો સૂચવે છે. ફાડા પ્રમુખના જણાવ્યા મુજબ સારી માગ છતાં હેલ્ધી ઈન્વેન્ટરીના અભાવે દેખાવ ખરાબ રહ્યો હતો. ટુ-વ્હીલર્સ વેચાણ પર નજર નાખીએ તો જાન્યુઆરી 2022માં 10,17,785 યુનિટ્સનું વેચાણ જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળેલા 11,75,832 યુનિટ્સની સરખામણીમાં 13.44 ટકા ઓછું હતું. ટ્રેડટર્સનું વેચાણ 10 ટકા ઘટી 55421 યુનિટ્સ રહ્યું હતું. એકમાત્ર કમર્સિયલ વેહીકલ્સના વેચાણમાં 20.52 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને જાન્યુઆરી 2021માં 56227 યુનિટ્સ સામે તે વધીને 67763 યુનિટ્સ પર રહ્યું હતું.
LICએ બોર્ડમાં છ ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સની નિમણૂંક કરી
આઈપીઓ માટે તૈયાર થઈ રહેલી જાહેર ક્ષેત્રની જીવન વીમા કંપની એલઆઈસીએ તેના બોર્ડમાં 6 ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સની નિમણૂંક કરી છે. જે સાથે કુલ ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સની સંખ્યા 9 પર પહોંચી છે. હાલમાં તમામ વેકેન્સિ ભરાઈ ચૂકી છે. એલઆઈસીએ આઈપીઓ અગાઉ કોર્પોરેટ ગવર્નન્સ સંબંધી રેગ્યુલેટરી જરૂરિયાતોના પાલન માટે આ નિમણૂંકો કરવી પડી છે. કંપનીએ ભૂતપૂર્વ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેક્રેટરી અંજુલી છીબ દુગ્ગલ, સેબીના ભૂતપૂર્વ સભ્ય જી મહાલિંગમ, એસબીઆઈ લાઈફના ભૂતપૂર્વ એમડી સંજીવ નૌટિયાલને ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ બનાવ્યાં હોવાનું વર્તુળો જણાવે છે.
સુઝલોને PFC અને REC પાસેથી રૂ. 4200 કરોડનું બેઈલઆઉટની કરેલી માગણી
રિન્યૂએબલ એનર્જિ કંપની સુઝલોને સરકારી સાહસો પાવર ફાઈનાન્સ કોર્પોરેશન અને આરઈસી પાસેથી બેઈલઆઉટની માગણી કરી છે. બેંકિંગ વર્તુળોના જણાવ્યા મુજબ સુઝલોને આ બંને કંપનીઓ પાસેથી વનટાઈમ સેટલમેન્ટની માગણી કરી છે. કંપનીના મતે કોવિડના કારણે સપ્લાય ચેઈન પર અસર થઈ છે. સાથે કંપનીએ ખોટ માટે ઊંચા જીએસટીને પણ કારણભૂત ગણાવ્યું છે. સુઝલોને તેના લેન્ડર્સને મોકલેલા પ્રસ્તાવ મુજબ આરઈસી મંજૂર કરવામાં આવેલા વન-ટાઈમ સેટલમેન્ટનો 50 ટકા હિસ્સો ધરાવતી હશે. જ્યારે બાકીનો 50 ટકા પીએફસી પાસે રહેશે. યોજના મુજબ પ્રમોટરના પ્લેજ્ડ શેર્સ સહિત કોન્સોર્ટિયમ લેન્ડર્સ પાસેના તમામ શેર્સ નવા લેન્ડર્સને ટ્રાન્સફર કરવાના રહેશે. કંપનીમાં પ્રમોટર 16 ટકા હિસ્સો ધરાવે છે.

NBFCsને ક્રેડિટ કાર્ડ ક્ષેત્રે પ્રવેશની છૂટ મળે તેવી શક્યતાં
બેંક રેગ્યુલેટર આરબીઆઈ અને એનબીએફસી કંપનીઓ વચ્ચે ચાલી રહેલી મંત્રણા
અત્યાર સુધી શેડો બેંક્સ ગણાતી કંપનીઓને માત્ર કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ લોંચ કરવાની છૂટ

દેશમાં ક્રેડિટ કાર્ડ બિઝનેસમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યાં છે. બેંક રેગ્યુલેટર અને કેટલીક શેડો બેંક્સ ગણાતી એનબીએફસી હાલમાં તેમને સ્ટેન્ડ અલોન બેસીસ પર ક્રેડિટ કાર્ડ ઈસ્યુ કરવાની છૂટ મળી શકે છે કે તેમ તેની શક્યતાં ચકાસવા માટે મંત્રણા ચલાવી રહી છે. જો આરબીઆઈ સહમત થશે તો દેશમાં પ્રથમવાર એનબીએફસીને પોતાના નામે ક્રેડિટ કાર્ડ ઈસ્યુ કરવાની તક મળશે. અત્યાર સુધી એનબીએફસી કંપનીઓ બેંક્સ સાથે મળીને કો-બ્રાન્ડેડ કાર્ડ્સ રજૂ કરી શકતી હતી.
મધ્યસ્થ બેંકે 7 જુલાઈ 2004ના રોજ જાહેર કરેલા સર્ક્યુલર બાદ આમ બની રહ્યું છે. તે વખતે આરબીઆઈએ જણાવ્યું હતું કે ક્રેડિટ કાર્ડ્સ ક્ષેત્રે પ્રવેશવા ઈચ્છતી ડિપોઝીટ નહિ લેતી કંપનીઓ સહિતની કંપનીઓ પાસે બિઝનેસ ક્ષેત્રે પ્રવેશવાની મંજૂરી ઉપરાંત સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન તથા રૂ. 100 કરોડનું લઘુત્તમ નેટ-ઓઉન્ડ ફંડ હોવું જરૂરી છે. જેમાં આરબીઆઈ સમયાંતરે પોતાની રીતે ફેરફાર કરતી રહે છે. આ સર્ક્યુલરમાં એનબીએફસી પર ક્રેડિટ કાર્ડ્સ ઈસ્યુ કરવા પર કોઈ પ્રતિબંધ મૂકવામાં નહોતો આવ્યો. ત્યારથી કન્ઝ્યૂમર ક્રેડિટ લેન્ડસ્કેપમાં ફેરફાર આવ્યો છે અને હવે તેને લઈને ફરી સમીક્ષા કરવાની જરૂરિયાત ઊભી થઈ છે એમ વર્તુળો જણાવે છે.
હવે ફરી આ ક્ષેત્રે રસ ઊભો થવાનું કારણ આરબીઆઈના ડિજિટલ લેન્ડિંગ થ્રૂ ઓનલાઈન પ્લેટફોર્મ્સ એન્ડ મોબાઈલ એપ્સ પરનો રિપોર્ટ છે. જેને લઈને ગયા નવેમ્બરમાં જાહેર જનતાની ટિપ્પણીઓ મંગાવવામાં આવી હતી. આ રિપોર્ટમાં એ બાબતનું ધ્યાન ખેંચવામાં આવ્યું હતું કે દેશમાં ક્રેડિટ કાર્ડ નહિ ધરાવતાં 12 કરોડ ઔપચારિક ક્ષેત્રના કર્મચારીઓને આકર્ષવા માટે સ્ટાર્ટ-અપ્સ અને વેન્ચર કેપિટલ કંપનીઓએ ડિજિટલ લેન્ડિંગ માર્કેટનો સહારો લીધો છે. આ ટ્રેન્ડની સાથે તાલ મિલાવતાં 2020માં ફિનટેક ફંડિંગના 44 ટકા હિસ્સો ડિજિટલ લેન્ડિંગ સ્ટાર્ટઅપ્સમાં ગયો હતો. વધુ ફંડિંગ અને સ્થાપિત અને નવા પ્લેયર્સ વચ્ચે વધતાં જોડાણોને કારણે આ ક્ષેત્રે આઉટલૂક ખૂબ પોઝીટીવ જોવા મળે છે. રિપોર્ટ ઉમેરે છે કે ફાઈનાન્સિયલ ઈન્ક્લુઝનની સ્થિતિમાં સુધારા માટે ડિજીટલ ક્રેડિટ કાર્ડ્સ અને લાઈન્સ ઓફ ક્રેડિટને લાયસન્સ વિના કામકાજ કરવાની છૂટ આપવી જોઈએ.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage