બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
તેજીવાળાઓએ ફરી બાજી સંભાળતાં માર્કેટ પોઝીટીવ બંધ આપવામાં સફળ
આઈટી, બેંકિંગ અને પીએસઈ સેક્ટર્સમાં મજબૂતી
સિમેન્ટ શેર્સમાં લાવ-લાવ વચ્ચે ઈન્ડિયા સિમેન્ટમાં 15 ટકાનો ઉછાળો
બીએસઈ ખાતે 2104 કાઉન્ટર્સમાં સુધારા સામે 1305માં નરમાઈ
વૈશ્વિક સ્તરે એશિયામાં મક્કમ ટોન વચ્ચે યુરોપ નરમ
શેરબજારમાં સુધારાની ચાલને એક દિવસ માટે બ્રેક લાગ્યા બાદ સપ્તાહના આખરી દિવસે ફરી તેજીવાળાઓએ બાજી સંભાળી લીધી હતી અને વૈશ્વિક સ્તરે મિશ્ર માહોલ વચ્ચે સ્થાનિક બજાર પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. બેન્ચમાર્ક સેન્સેક્સ 143 પોઈન્ટ્સ સુધારા સાથે 59744.65ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 66.80ના સુધારે 17812.70ના સ્તરે બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સમાં 2.11 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 17.60 પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50માંથી 32 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. જ્યારે 18 કાઉન્ટર્સ નેગેટિવ બંધ રહ્યાં હતાં.
શુક્રવારે નિફ્ટી પોઝીટીવ ઓપનીંગ બાદ શરૂઆતી સમયગાળામાં વધુ સુધારા સાથે 17905ની દિવસની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે જ્યાંથી તેમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળ્યો હતો અને પ્રથમ હાફ પૂરો થયા બાદ તે ગગડીને 17704.55ના તળિયા પર જોવા મળ્યો હતો. જે અગાઉના 17745.90ના બંધ સામે 40 પોઈન્ટ્સ નીચે ઉતરી ગયો હતો. જોકે બીજા હાફમાં ધીમી ખરીદી પાછળ તે સુધરતો રહ્યો હતો અને ગ્રીન ઝોનમાં બંધ રહ્યો હતો. લાર્જ-કેપ્સમાં બેંકિંગ, આઈટી, એફએમસીજી અને પીએસઈ સેક્ટર્સ તરફથી સુધારો જોવા મળ્યો હતો. જેમાં નિફ્ટી પીએસઈ 0.9 ટકા, એનર્જિ 0.9 ટકા, મેટલ 0.51 ટકા, એફએમસીજી 0.64 ટકા અને બેંકિંગ 0.66 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ ઓટોમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટીમાં ટોચના સુધારો દર્શાવનારા કાઉન્ટર્સમાં ગ્રાસિમ 4.5 ટકા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત ઓએનજીસી પણ 4 ટકા આસપાસનો સુધારો દર્શાવતો હતો. જ્યારે હિંદાલ્કો અને એચડીએફસી લાઈફ પણ 2 ટકાથી વધુ સુધારો સૂચવતાં હતાં. બીજી બાજુ એમએન્ડએમ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ અને લાર્સનમાં એક ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. સિમેન્ટ ક્ષેત્રે ખરીદી પાછળ લાંબા સમયથી અન્ડરપર્ફોર્મર એવો ઈન્ડિયા સિમેન્ટ 15 ટકાથી વધુ ઉછાળા સાથે રૂ. 239 પર બંધ રહ્યો હતો. કાઉન્ટરે નોંધપાત્ર કોન્સોલિડેશન બાદ મહત્વનું બ્રેકઆઉટ દર્શાવ્યું હતું. દક્ષિણમાં નોંધપાત્ર બિઝનેસ ધરાવતી કંપનીમાં રાધાકૃષ્ણ દામાણી 22 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. તેમણે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પણ કંપનીમાં વધુ હિસ્સો ખરીદ્યો હતો. સિમેન્ટ ક્ષેત્રે કંપની સૌથી નીચા વેલ્યૂએશન્સ પર ટ્રેડ થઈ રહી છે. જોકે કંપની ઊંચું ડેટ ધરાવે છે. કંપનીના મેનેજમેન્ટ ચાલુ નાણા વર્ષે નોંધપાત્ર ડેટ રિપેમેન્ટનો વાયદો કર્યો હતો.
સપ્તાહના આખરી દિવસે બ્રોડ માર્કેટમાં પણ સારી ખરીદી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3493 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2104 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ આપવામાં સફળ થયાં હતાં. જ્યારે 1305 કાઉન્ટર્સે નેગેટિવ બંધ દર્શાવ્યું હતું. 690 જેટલા કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં અને 149 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સમાં જોવા મળ્યાં હતાં. 502 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 10 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.5 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.37 ટકા સુધારો દર્શાવતો હતો. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ઊંચો સુધારો દર્શાવનારા કાઉન્ટર્સમાં ઈન્ડિયા સિમેન્ટ ઉપરાંત નાલ્કો 5.5 ટકા, જ્યુબિલિઅન્ટ ફૂડ 5 ટકા, પેજ ઈન્ડસ્ટ્રીઝ 4.8 ટકા અને એયૂ સ્મોલ ફાઈ. બેંક 4.6 ટકાની વૃદ્ધિ દર્શાવતાં હતાં.
એનાલિસ્ટ્સના મતે નવા સપ્તાહે સુધારાતરફી ટ્રેન્ડ જળવાય રહેવાની શક્યતાં છે. જે દરમિયાન નિફ્ટી 18000-18100ની રેંજમાં ટ્રેડ દર્શાવી શકે છે. જ્યારબાદ તે મધ્યમગાળા માટે કોન્સોલિડેશનમાં જોવા મળી તેવી સંભાવના છે. આગામી દિવસોમાં બજેટ જેવી ઘટનાઓને જોતાં ટ્રેડર્સે પોઝીશન હળવી જાળવવાની ભલામણ તેઓ કરે છે.
કોટન ફ્યુચર્સના ટ્રેડિંગ પર પ્રતિબંધ માટેની માગ
ત્રણ મહિનામાં કોટનના ભાવમાં 32 ટકા વૃદ્ધિને જોતાં ટ્રેડની ડિમાન્ડ
દેશમાં કોટનના ભાવમાં તીવ્ર તેજીને જોતાં કોટન વપરાશકાર ઉદ્યોગોએ કોટન ફ્યુચર્સના ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. કેટલાંક ઉદ્યોગકારોએ વડાપ્રધાનને પત્ર લખીને આ અંગે રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે. ખાંડીએ રૂ. 75000ની ભાવ સપાટીએ ભારતીય કોટન વૈશ્વિક સ્તરે મોંઘુ જોવા મળે છે. ભાવમાં તીવ્ર વૃદ્ધિને કારણે સ્પીનીંગ મિલ્સના માર્જિન ગયા વર્ષના વિક્રમી સ્તર સામે 40- 50 ટકા જેટલો ઘટાડો દર્શાવે છે. જોકે વર્તમાન ભાવે પણ તેઓને પ્રોફિટ મળી રહ્યો છે.
ટ્રેડ વર્તુળો માને છે કે કોટનના ભાવમાં જોવા મળેલી વર્તમાન તેજી ફંડામેન્ટલ્સ કરતાં સટ્ટા પ્રેરિત વધુ છે. કેમકે દેશમાં 3.4 કરોડ ગાંસડનો પાક થવાની પૂરી શક્યતાં છે. ઉપરાંત ગયા વર્ષનો કેરીઓવર સ્ટોક પણ 50-60 લાખ ગાંસડીનો હતો અને તેથી આટલી મોટી તેજી સંભવ નથી. વૈશ્વિક બજારની સરખામણીમાં સ્થાનિક બજારના ભાવ વધુ પડતાં વધી ગયા છે અને તેને કારણે હાલમાં દેશમાંથી કોટન નિકાસની શક્યતાં પણ નહિવત છે. કેલેન્ડર 2020થી 2021ના પ્રથમ સાત મહિના સુધી ભારતીય કોટન વૈશ્વિક બજારની સરખામણીમાં ગાંસડીએ રૂ. 2-3 હજાર ડિસ્કાઉન્ટમાં પ્રાપ્ય હતું અને તેથી ગઈ સિઝનમાં 75 લાખ ગાંસડીથી વધુની નિકાસ થઈ હતી. જ્યારબાદ પણ દેશમાં 60 લાખ ગાંસડીનો કેરીઓવર હતો. આમ માગ સામે પુરતો સપ્લાય જોતાં આટલી તેજી શક્ય નથી. જો ફ્યુચર્સ ટ્રેડિંગ બંધ કરવામાં આવશે તો સ્પોટ ભાવ અંકુશમાં રહેશે તેમ ટ્રેડ વર્તુળોનું માનવું છે. સરકારે તાજેતરમાં ચણા, રાયડા સહિતના ખાદ્ય પદાર્થોના વાયદાઓ પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો.
ત્રીજા વેવને કારણે ફરી લોન રિસ્ટ્રક્ચરિંગની શક્યતાઃ ઈકરા
રેટિંગ એજન્સી ઈકરાએ જણાવ્યું છે કે કોવિડના ત્રીજા વેવના ખતરાને જોતાં બેંક્સની એસેટ ક્વોલિટી પર ફરી એકવાર પ્રતિકૂળ અસર પડી શકે છે. જેની પાછળ લોન રિસ્ટ્રક્ચરિંગની માગ ઊભી થઈ શકે છે. ખાસ કરીને જે લોન એકાઉન્ટને અગાઉ રિસ્ટ્રક્ચર્ડ કરવામાં આવ્યું છે. તેમાં વધુ રિસ્ટ્રક્ચરિંગ કરવું પડી શકે છે. એજન્સીના જણાવ્યા મુજબ ઝડપી વધી રહેલા કોવિડ કેસિસને જોતાં થર્ડ વેવની પ્રબળ શક્યતાં જોવાઈ રહી છે. અગાઉ બેંક્સે મોટાભાગની લોન્સનું 12 મહિનાના મોરેટોરિયમ સાથે રિસ્ટ્રક્ચરિંગ કર્યું હતું. જે 2021-22ના ચોથા ક્વાર્ટરમાં અથવા 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં પૂરું થવાનું છે. જોકે ત્રીજા વેવને કારણે અગાઉ અસરપામેલા બોરોઅર્સ પર ફરીથી અસર પડે તેનો ખતરો છે. જેને કારણે બેંકની એસેટ ક્વોલિટી અને પ્રોફિટેબિલિટી પર અસર થઈ શકે છે.
LICના IPO અગાઉ સેબીએ શરૂ કરેલી નવી નિમણૂંકો
કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના આઈપીઓ અગાઉ વ્યાપક પ્રમાણમાં નવી નિમણૂંકો શરૂ કરી છે. લગભગ તમામ ક્ષેત્રોમાં તે અનુભવી પ્રોફેશ્નલ્સને નીમી રહી છે. સેબીએ તેની વેબસાઈટ પર જણાવ્યું છે કે તે 120 સિનિયમ એક્ઝીક્યુટીવ્સની નિમણૂંક કરશે. જેમાં લીગલ, ઈન્ફર્મેશન ટેક્નોલોજી, રિસર્ચ, જનરલ અને ઓફિશ્યલ લેન્ગવેજ ડિપાર્ટમેન્ટ્સનો સમાવેશ થાય છે. હાલમાં સેબી કુલ 850 કર્મચારીઓ ધરાવે છે. મૂડી બજારમાં વિક્રમી આઈપીઓને કારણે સેબીએ તેના કર્મચારીઓ ગણને વધારવાની ફરજ પડી છે.
વિદેશી રોકાણકારોનું IT સેક્ટર હોલ્ડિંગ ડિસેમ્બરમાં વિક્રમી સપાટીએ
છેલ્લાં છ મહિનામાં એફઆઈઆઈ પોર્ટફોલિયોમાં આઈટી સેક્ટરનું વેઈટેજ 1.6 ટકા વધી 15.4 ટકા પર
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ આઈટી શેર્સ પર લાંબા સમયગાળા બાદ ફરી એકવાર ફીદા જણાય છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં તેમના પોર્ટફોલિયોમાં આઈટી સેક્ટરનું વેઈટેજ 15.4 ટકાની વિક્રમી ટોચ પર જોવા મળ્યું હતું એમ એનએસડીએલનો ડેટા દર્શાવે છે. છેલ્લાં છ મહિનામાં આઈટી સેક્ટરના વેઈટેજમાં 160 બેસીસ પોઈન્ટ્સની મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. જે અન્ય તમામ ક્ષેત્રોમાં સૌથી ઊંચી વૃદ્ધિ સૂચવે છે. અન્ય કેટલાંક ક્ષેત્રોમાં એનર્જીમાં તેમનું વેઈટેજ 1.12 ટકા અને યુટિલિટિઝમાં 0.78 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે બીજી બાજુ એફપીઆઈ પોર્ટફોલિયોમાં બેંકિંગ એન્ડ ફાઈનાન્સ ક્ષેત્રનું વેઈટેજ 35 ટકા પરથી ઘટી 30 ટકા જોવા મળ્યું હતું.
આઈટી કંપનીઓએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સતત પાંચમા ક્વાર્ટર દરમિયાન મજબૂત પરિણામો રજૂ કર્યાં હતાં. ટોચની પાંચ કંપનીઓએ મળીને બીજા ક્વાર્ટરમાં બે લાખ કર્મચારીઓની નિમણૂંક કરી હતી. જે કંપનીઓ માટે ઊંચી રેવન્યૂ વિઝિબિલિટી દર્શાવે છે. આ પરિબળોએ રોકાણકારોને આકર્ષ્યાં છે. બેન્ચમાર્કની સરખામણીમાં આઈટી કંપનીઓમાં એફપીઆઈનો અન્ડરવેઈટ રેશિયો 2015માં 700-750 બેસીસ પોઈન્ટ્સની સરખામણીમાં ઘટીને 350 બેસીસ પોઈન્ટ્સ થયો છે. ડિસેમ્બર 2021 ક્વાર્ટરને અંતે એફપીઆઈના પોર્ટફોલિયોનું કુલ કદ 653 અબજ ડોલર(રૂ. 48 લાખ કરોડ) જેટલું હતું. જે દેશના શેરબજારના કુલ માર્કેટ-કેપિટલાઈઝેશનના 20 ટકા જેટલું હતું.
છેલ્લા છ મહિનાઓમાં નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં 30 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. જ્યારે તેની સરખામણીમાં બેન્ચમાર્ક નિફ્ટીમાં 10 ટકાનો સુધારો જોવા મળ્યો છે. જો સમગ્ર 2021ની વાત કરીએ તો આઈટી સેક્ટરે નિફ્ટીની તેજીમાં 21 ટકાનું યોગદાન આપ્યું છે. આઈટી કાઉન્ટર્સમાં ઈન્ફોસિસે 18 ટકા સાથે સૌથી ઊંચું યોગદાન આપ્યું હતું. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ હાલમાં એક વર્ષ માટેના ફોરવર્ડ અર્નિંગ્સ પર 30ના પીઈ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે તેની લોંગ-ટર્મ એવરેજ પર 70 ટકા પ્રિમીયમે ટ્રેડ દર્શાવી રહ્યો છે.
FPIsએ નવ મહિનામાં બેંકિંગમાંથી રૂ. 50 હજાર કરોડ પરત ખેંચ્યાં
વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ ચાલુ નાણા વર્ષના એપ્રિલથી ડિસેમ્બરના પ્રથમ નવ મહિના દરમિયાન બેંકિંગ અને ફાઈનાસિયલ સર્વિસિસ ક્ષેત્રમાંથી તેમના રોકાણને સતત પરત ખેંચવાનું ચાલુ રાખ્યું છે અને સમગ્ર વર્ષ દરમિયાન તેમણે રૂ. 50 હજાર કરોડની વેચવાલી દર્શાવી છે. જેમાં ઈક્વિટી ઉપરાંત ડેટ પ્રોડક્ટ્સનો પણ સમાવેશ થાય છે.
ડિપોઝીટર્સ પાસેથી પ્રાપ્ય તાજા આંકડાઓ મુજબ ડિસેમ્બર મહિનામાં એફપીઆઈએ બેંકિંગ અને ફાઈનાન્સિયલ્સમાંથી રૂ. 12113 કરોડની વેચવાલી દર્શાવી હતી. જે નવેમ્બરમાં રૂ. 15773 કરોડના વેચાણ પછી બીજા ક્રમે જોવા મળતી હતી. અગાઉ જુલાઈમાં પણ તેમણે રૂ. 10767 કરોડ સાથે પાંચ આંકડામાં વેચવાલી નોંધાવી હતી. પ્રથમ નવ મહિનાઓમાં માત્ર મે, જૂન અને સપ્ટેમ્બરમાં તેમણે બેંકિંગ શેર્સમાં લેવાલી દર્શાવી હતી. જેમાં મે મહિનામાં રૂ. 4808 કરોડ અને જૂનમાં રૂ. 2471 કરોડની ખરીદી કરી હતી. જ્યારે સપ્ટેમ્બરમાં રૂ. 1428 કરોડનું રોકાણ દર્શાવ્યું હતું. એફપીઆઈની કુલ રૂ. 50 હજાર કરોડની વેચવાલીમાંથી રૂ. 41249 કરોડનું વેચાણ ઈક્વિટી માર્કેટમાં જોવા મળ્યું હતું. જ્યારે ડેટ માર્કેટમાં તેમણે રૂ. 9000 કરોડથી સહેજ નીચી વેચવાલી નોંધાવી હતી. જોકે ડેટ માર્કેટમાં શરૂઆતી મહિનાઓમાં ઊંચું વેચાણ જોવા મળ્યું હતું. જેમાં મે અને જૂન મુખ્ય હતાં. આ બંને મહિનાઓમાં તેમણે અનુક્રમે રૂ. 2844 કરોડ તથા રૂ. 2821 કરોડનું વેચાણ દર્શાવ્યું હતું. જ્યારે ઓક્ટોબરમાં રૂ. 1801 કરોડ સાથે ત્રીજા ક્રમે વેચાણ જોવા મળ્યું હતું.
LIC ઉપરાંત 20 IPOs માર્ચ સુધીમાં રૂ. દોઢ લાખ કરોડ ઊભા કરે તેવી શક્યતાં
હાલમાં 38 કંપનીઓ આઈપીઓ માટે સેબીની મંજૂરી ધરાવે છે જ્યારે અન્ય 36 કંપનીઓ મંજૂરીની પ્રક્રિયામાં છે
એમ્ક્યોર ફાર્મા, ગો એરલાઈન્સ, અદાણી વિલ્મેર, મોબીક્વિક સહિતની કંપનીઓ નાણા ઊભા કરવા તૈયાર
પ્રાઈમરી માર્કેટમાંથી નાણા ઊભા કરવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસેથી 38 કંપનીઓને મંજૂરી મળી ચૂકી છે. આમાંની ઘણી કંપનીઓ ગયા વર્ષે જ માર્કેટમાં પ્રવેશવા ઈચ્છતી હતી. જોકે આ કંપનીઓમાંથી લગભગ 20 કંપનીઓ માર્ચ મહિના સુધીમાં બજારમાં પ્રવેશે અને લગભગ રૂ. 45 હજાર કરોડની રકમ ઊભી કરે તેવી શક્યતાં છે. આ ઉપરાંત સરકારનો અતિમહત્વાકાંક્ષી લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનનો આઈપીઓ તો ખરો જ. તે રૂ. 70 હજારથી રૂ. એક લાખ કરોડની રકમ એકત્ર કરે તેવી શક્યતાં છે. આમ જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં લગભગ રૂ. 1.45 લાખ કરોડ સુધીની રકમ ઊભી કરવામાં આવી શકે છે.
માર્કેટ વર્તુળોના જણાવ્યા મુજબ અનેક કંપનીઓએ ગયા કેલેન્ડરમાં જ સેબીની મંજૂરી મેળવી લીધી હતી. જોકે તેઓ બજારમાં પ્રવેશી નહોતી. તેમના માટે ચાલુ ક્વાર્ટરમાં બજારમાં પ્રવેશવું મહત્વનું છે. માર્કેટમાં પૂરતી લિક્વિડિટી જોતાં તેઓ આઈપીઓ લાવવામાં વિલંબ ના કરે તેવી શક્યતા છે. ફેડની રેટ વૃદ્ધિ બાદ વૈશ્વિક લિક્વિડીટી પર અસર પડી શકે છે. તેમજ સ્થાનિક સ્તરે પણ આરબીઆઈ લિક્વિડીટીને શોષવાનું વલણ જાળવશે તો એક સાથે આટલા બધા આઈપીઓને એકોમોડેટ કરવા કઠિન બની શકે છે. જેની સેકન્ડરી માર્કેટ પર પણ વિપરીત અસર પડી શકે છે. આમ કંપનીઓ માટે ચાલુ ક્વાર્ટરમાં બજારમાં પ્રવેશવા મન બનાવી શકે છે. સરકાર માટે તો એલઆઈસીનો આઈપીઓ માર્ચ મહિના સુધીમાં લાવવો અનિવાર્ય છે. કેમકે તેણે ફિસ્કલ ડેફિસિટને અંકુશમાં રાખવા આમ કરવું પડશે. સાથે તેણે બજેટમાં મૂકેલા રૂ. 1.75 લાખ કરોડના ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને 50 ટકા હાંસલ કરવો હોય તો પણ તેના માટે એલઆઈસી આઈપીઓ મહત્વનો છે. કેમકે બીપીસીએલનું પ્રાઈવેટાઈઝેશન ચાલુ નાણા વર્ષમાં થવાનું નથી. જ્યારે અત્યાર સુધીમાં સરકાર એર ઈન્ડિયાના વેચાણ મારફતે માંડ રૂ. 2000 કરોડ ઊભા કરી શકી છે.
તેમના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 38 કંપનીઓ સેબીની મંજૂરી મેળવી ચૂકી છે. જ્યારે અન્ય 36 કંપનીઓ આઈપીઓ માટે મંજૂરી મેળવવાની પ્રક્રિયામાં છે. આમાંથી 20 કંપનીઓ એવી છે જેઓ માર્ચ ક્વાર્ટરમાં બજારમાં પ્રવેશશે એમ ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ જણાવે છે. જેમાં એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ, ઈએસડીએસ સોફ્ટવેલ સોલ્યુશન્સ, એજીએસ ટ્રાન્સેક્ટ ટેક્નોલોજિસ, અદાણી વિલ્મેર, ઈસાફ સ્મોલ ફાઈનાન્સ બેંક, ગો એરલાઈન્સ, આરોહણ ફાઈનાન્સિયલ સર્વિસિસ, પારાદિપ ફોસ્ફેટ્સ, વન મોબિક્વિક સિસ્ટમ્સ અને સ્કેનરે ટેક્નોલોજિસનો સમાવેશ થાય છે. આ 20 કંપનીઓ તેમના ડીઆરએચપી મુજબ કુલ રૂ. 45 હજાર કરોડ આસપાસની રકમ ઊભી કરી શકે છે. આ ઉપરાંત એલઆઈસી તેના મેગા આઈપીઓ સાથે પ્રવેશશે. આમ કેલેન્ડર 2022ના પ્રથમ ક્વાર્ટરમાં આઈપીઓ મારફતે વિક્રમી રકમ ઊભી થવા સાથે સમગ્ર વર્ષમાં આઈપીઓ મારફતે મળનારી રકમ 2021ના રૂ. 1.20 લાખ કરોડના વિક્રમને પાછળ રાખી દે તેવું માનવામાં આવે છે. 2022માં આઈપીઓ સાથે પ્રવેશવાની શક્યતાં ધરાવતાં કેટલાંક નામોમાં વિડા ક્લિનિકલ રિસર્ચ, કેવેન્ટેર એગ્રો, સ્ટરલાઈટ પાવર ટ્રાન્સમિશન્સ, વીએલસીસી હેલ્થકેર, ઈક્ઝિગો લા ટ્રાવેલર્સ ટેક્નોલોજી, પૂરાણિક બિલ્ડર્સ, પ્રૂડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી, ફ્યુઝન માઈક્રો ફાઈનાન્સ, સ્નેપડીલ, ડિલીવરી, એપીઆઈ હોલ્ડિંગ્સ વગેરે નામોનો સમાવેશ થાય છે.
Market Summary 7 Jan 2022
January 07, 2022