Market Summary 7 July 2021

સેન્સેક્સે 53000ની સપાટી વટાવી નવું સીમાચિહ્ન હાંસલ કર્યું
નિફ્ટી પણ 15880ની સર્વોચ્ચ સપાટી પર બંધ આપવામાં સફળ રહ્યો
બેન્ચમાર્ક 15915ના સ્તરને પાર કરશે તો 16000નું સ્તર નજીકમાં જોવા મળે તેવી શક્યતા
અમદાવાદ
ભારતીય શેરબજારના બંને મુખ્ય બેન્ચમાર્ક્સે બુધવારે સર્વોચ્ચ સપાટી પર બંધ દર્શાવી ઈતિહાસ રચ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 194 પોઈન્ટ્સના સુધારે 53055ની ઓલ-ટાઈમ હાઈ સપાટી પર બંધ રહ્યો હતો. જોકે તે અગાઉના 53129ના ઈન્ટ્રા-ડે હાઈના સ્તરને પાર કરી શક્યો નહોતો. એનએસઈનો નિફ્ટી 61.40 પોઈન્ટ્સ મજબૂતી સાથે 15880ની નવી ટોચ પર બંધ રહેવામાં સફળ રહ્યો હતો. દિવસ દરમિયાન બે બાજુની વધ-ઘટ બાદ આખરે બેન્ચમાર્ક્સ તેમની ટોચ નજીક બંધ રહ્યાં હતાં. બીએસઈનું માર્કેટ-કેપ રૂ. 232.21 લાખ કરોડની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યું હતું.
માર્કેટને મુખ્ય સપોર્ટ મેટલ્સ અને બેંકિંગ તરફથી સાંપડ્યો હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 2.2 ટકા જ્યારે બેંક નિફ્ટી 0.54 ટકાના સુધારે બંધ રહ્યાં હતાં. માત્ર નિફ્ટી ઓટો અને નિફ્ટી મિડિયા સિવાય અન્ય તમામ સૂચકાંકોએ પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. વૈશ્વિક બજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય બજાર નવા સ્તર હાંસલ કરવામાં સફળ રહ્યું હતું. જેનું મુખ્ય કારણ વિદેશી ફંડ્સની સતત જળવાયેલી વેચવાલી વચ્ચે વસ્થાનિક ફંડ્સ તરફથી જોવા મળતો પોઝીટીવ ફ્લો હોવાનું વર્તુળો જણાવે છે. મેટલ સેગમેન્ટમાં ટાટા સ્ટીલ 4.3 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. જ્યારે બેંકિંગ ક્ષેત્રે એચડીએફસી બેંકમાં 1.4 ટકાનો સુધારો નોંધાયો હતો. એનબીએફસી બજાજ ફિનસર્વનો શેર 2.3 ટકા સુધરી નવી ટોચ પર પહોંચ્યો હતો. લાર્જ-કેપ્સ સાથે મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ ખરીદી જળવાય હતી અને બંને સેગમેન્ટ્સના બેન્ચમાર્ક્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જોવા મળતી હતી. કુલ 3346 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1787 શેર્સ સુધરીને બંધ આવ્યાં હતાં. જ્યારે 1411 શેર્સ નેગેટીવ બંધ દર્શાવતાં હતાં. 420 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ જોવા મળ્યાં હતાં તથા 415 કાઉન્ટર્સ 52-સપ્તાહની ટોચ પર પહોંચ્યાં હતાં.
વૈશ્વિક બજારમાં બોન્ડ યિલ્ડ્સમાં નરમાઈએ બજારોને સપોર્ટ કર્યો હતો. યુએસ ખાતે 10-વર્ષના ફેડરલ પેપર યિલ્ડ 6.175 ટકા સામે 6.172 ટકા પર જોવા મળતાં હતાં. બીજી બાજુ વૈશ્વિક બજારમાં ક્રૂડમાં નરમાઈ જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડ વાયદો મંગળવારે 77.83 ડોલરની ટોચ બનાવ્યાં બાદ 74 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. આમ ક્રૂડમાં 3 ડોલરથી વધુની નરમાઈએ ભારતીય ટ્રેડર્સના સેન્ટિમેન્ટ પર અસર કરી હતી. જોકે રૂપિયામાં નરમાઈ ચાલુ રહી હતી. રૂપિયો ગ્રીનબેક સામે અગાઉના 74.55ના બંધ સામે 74.62ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. રોકાણકારોની નજર બુધવારે રાતે યુએસ ખાતે રજૂ થનારી ફેડ એફઓએમસીની બેઠક પર છે. યુએસની મધ્યસ્થ બેંક ન્ટેટિટિવ ઈઝીંગને લઈને શું ચર્ચા કરે છે તે બજારો માટે મહત્વનું બની રહેશે. અગાઉની બેઠકમાં ફેડ ચેરમેને જણાવ્યું હતું કે તેઓ ધીમે-ધીમે બોન્ડ બાઈંગને બંધ કરી શકે છે. અગાઉ 2013માં આ પ્રકારની ઘટનાને પગલે ઈક્વિટી બજારો પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી. જોકે ચાલુ વર્ષે ઈક્વિટીઝમાં વિક્રમી ફંડ ફ્લો આવ્યો છે અને તે બજારોને સપોર્ટ કરતો રહેશે.

યસ બેંકની રૂ. 712 કરોડની નાદારી બદલ નિતેશ એસ્ટેટ સામે ફરિયાદ
ખાનગી ક્ષેત્રની યસ બેંકે બેંગલૂરુ સ્થિત નિતેશ એસ્ટેટ તથા તેની પેટા કંપનીઓ સામે રૂ. 712 કરોડની જંગી રકમ ચૂકવવામાંથી નાદાર થવા બાદ ક્રિમિનલ કેસ દાખલ કર્યો છે. બેંકે જણાવ્યું છે કે કંપનીએ ફેબ્રુઆરી 2016થી તેના 12 જેટલા પ્રોજેક્ટ્સ માટે લોન લીધી હતી. જોકે લોન એગ્રીમેન્ટ મુજબ તે નાણા પુનઃચૂકવણી કરવામાં નિષ્ફળ રહી છે. યસ બેંકની ફરિયાદને આધારે પોલીસે નિતેશ એસ્ટેટ સહિત તેની પેટાકંપનીઓ સામે ફરિયાદ દાખલ કરી છે.
અદાણી મુંબઈ એરપોર્ટના ડેટ રિફાઈનાન્સ માટે રૂ. 7500 કરોડની લોન લેશે
અગ્રણી ઉદ્યોગપતી ગૌતમ અદાણી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના વર્તમાન ઋણના રિફાઈનાન્સિંગ માટે રૂ. 7500 કરોડ(લગભગ એક અબજ ડોલર)ની લોન મેળવવા પ્રયાસ કરી રહ્યાં હોવાનું જાણવા મળે છે. વૈશ્વિક બેંક્સ બાર્ક્લેઝ અને જેપી મોર્ગન ચેસ એન્ડ કો. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સને ફંડ્સ પૂરું પાડવા માટે મંત્રણા ચલાવી રહી હોવાનું પણ વર્તુળો જણાવે છે. ડોઈશે બેંક પણ કંપનીને લોન આપવા વિચારી રહી છે. હાલમાં મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ. રૂ. 8000નું ઋણ ધરાવે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં જીવીકે એરપોર્ટ ડેવલપર્સ પાસેથી મુંબઈ એરપોર્ટ ખરીદ્યાં બાદ લોન રિફાઈનાન્સિંગની વાત આવી છે. અદાણી એરપોર્ટે બે આફ્રિકન કંપનીઝ ખરીદીને મુંબઈ એરપોર્ટમાં 23.5 ટકા હિસ્સો ખરીદવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરી છે.
ભારતીય બેંક્સની બેડ લોન 2022-23 પછી ટોચ બનાવશે
ભારતીય બેંક્સ માટે હજુ કેટલોક સમય કપરો જોવા મળી શકે છે. રેટિંગ એજન્સી ફિચના જણાવ્યા મુજબ નાણાકિય વર્ષ 2022-23 બાદ જ ભારતીય બેંક્સની બેડ લોન્સ તેમની ટોચ બનાવશે. કોવિડ મહામારીને કારણે રેગ્યુલેટરી રાહત પગલાંઓને કારણે એસેટ ક્વોલિટીનો ઈસ્યુ હાલમાં તો બાજુમાં રહી ગયો છે એમ ફિચ રેટિંગ્સ જણાવે છે. 2020-21માં ભારતીય બેંક્સનો બેડ લોન્સ રેશિયો 7.5 ટકા પર અપેક્ષાથી સારો જોવા મળ્યો હતો. જેનું કારણ નવી બેડલોન્સના ઉમેરામાં ઘટાડો હતો. સાથે રાઈટ ઓફ્સ ઊંચા રહ્યાં હતાં. પીએસયૂ બેંક્સ કરતાં ખાનગી બેંકિંગ ક્ષેત્રના સારા દેખાવને કારણે સમગ્રતયા સ્ટ્રેસ્ડ એસેટ્સની ઓળખ પ્રક્રિયા પાછી ઠેલાઈ છે.
ટાઈટનઃ જ્વેલરી કંપનીના જણાવ્યા મુજબ 2021-22ના પ્રથમ ક્વાર્ટરમાં આવક વાર્ષિક ધોરણે 117 ટકા વધી. હાલમાં કંપનીના 90 ટકાથી વધુ જ્વેલરી સ્ટોર્સ ઓપન છે. જોકે જૂન ક્વાર્ટરના બિઝનેસ પાછળ શેરમાં 3 ટકા નરમાઈ જોવા મળી હતી.
શોભા ડેવલપર્સઃ કંપનીના વેચાણ વોલ્યુમમાં જૂન ક્વાર્ટરમાં 38 ટકા વૃદ્ધિ જોવા મળી છે. વાર્ષિક ધોરણે તે 6.5 લાખ સ્કવેર ફીટની સામે 8.95 લાખ સ્કવેર ફીટ જોવા મળ્યું હતું. કંપનીના શેરમાં 9 ટકા ઉછાળો નોંધાયો હતો.
તાન્લા સોલ્યુશન્સઃ કંપનીની પેટાકંપની કેરિક્સ મોબાઈલે વોટ્સએપ બિઝનેસ સોલ્યુશન પ્લેટફોર્મના ઉપયોગ વડે પેનાસોનિક ઈન્ડિયા માટે કન્વર્ઝેશ્નલ સોલ્યુશન પૂરું પાડ્યું હોવાનું જણાવ્યું છે.
રિલાયન્સ ઈન્ડઃ કંપની જીઓફોન નેક્સ્ટ માટે ફ્લેક્સ અને કાર્બન જેવા હેન્ડસેટ ઉત્પાદકો સાથે મંત્રણા કરી રહી છે.
એનએસઈઃ અગ્રણી સ્ટોક એક્સચેન્જ પ્લેટફોર્મ ખાતે લિસ્ટેડ ઈટીએફ્સની સંખ્યા 100ના સીમાચિહ્નનને પાર કરી ગઈ છે. દેશમાં 2002ની સાલમાં નિપ્પોન ઈન્ડિયાએ પ્રથમ ઈટીએફ્સનું લિસ્ટીંગ કરાવ્યું હતું. જેને 100 ઈટીએફ્સનો આંક પાર કરતાં 19 વર્ષ થયાં છે. હાલમાં ઈટીએફ્સ હેઠળ દેશમાં કુલ રૂ. 3.16 લાખનું એયૂએમ છે.
સિટ્રોનઃ નવી એસયૂવી સિટ્રોન C5 એરક્રોસની સંપૂર્ણપણે ઓનલાઇન ખરીદી શરૂ થઈ છે. ગુજરાતમાં નવી સિટ્રોન C5 એરક્રોસની ઓનલાઇન ખરીદી સુરત, રાજકોટ, વડોદરા અને મહેસાણામાં કંપનીની વેબસાઇટની મુલાકાત લઈને થઈ શકશે.

પ્રોપટાઈગરઃ અમદાવાદ ખાતે કન્સ્ટ્રક્શન હેઠળની પ્રોપર્ટીઝના ભાવમાં જૂન ક્વાર્ટરમાં 5 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. એક અફોર્ડેબલ માર્કેટ હોવાથી દેશમાં અન્ય શહેરોની સરખામણીમાં નીચો બેઝ ભાવમાં વૃદ્ધિ માટેનું એક મહત્વનું પરિબળ છે.
eBay- ઓનલાઈન એક્સપોર્ટ માર્કેટપ્લેસ eBay મારફતે અમદાવાદ સહિત રાજ્યના ઘણા શોપર્સ વૈશ્વિક બન્યાં છે. જેમાં ટેક્સટાઈલથી લઈ ઘણી પ્રોડક્ટ્સનું વેચાણ થાય છે. 2020ના છેલ્લા ક્વાર્ટરમાં તેમણે 35 હજાર ડોલરની કુલ નિકાસ વેલ્યૂ હાંસલ કરી હતી.
જીજી એન્જિનિયરીંગઃ કંપનીએ મેઈડ ઈન ઈન્ડિયા ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશનનું ઉત્પાદન શરૂ કર્યું છે. જે 3 કેવીથી 22 કેવી સુધીનું રિચાર્જ કરી શકે છે. તે ટુ વ્હીલર્સ, રીક્ષા તથા 4-વ્હીલર્સ ચાર્જ કરી શકે છે.
ફ્લિપકાર્ટઃ ઈ-કોમર્સ કંપનીએ તેની સપ્લાય ચેઈનમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિક પેકેજિંગનો વપરાશ સંપૂર્ણપણે નાબૂદ કર્યો છે. તેણે તમામ 70 ફેસિલિટી સેન્ટર્સને ઈકો-ફ્રેન્ડલી બનાવ્યાં છે અને ઈપીઆરના નિયમોનો ચુસ્ત અમલ કર્યો છે.
માસ્ટેકઃ હીરલ ચંદ્રાણાની માસ્ટેક ગ્રૂપના ગ્લોબલ ચીફ એક્ઝીક્યૂટીવ ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
રાણે હોલ્ડિંગ્સઃ કંપનીએ પેટાકંપની રાણે ટીફોરયુમાં વધુ 7.71 ટકા હિસ્સો એટલેકે 1,28,524 ઈક્વિટી શેર્સની ખરીદી કરી છે.
આરબીએલ બેંકઃ ખાનગી ક્ષેત્રની આરબીએલ બેંકની ડિપોઝીટ્સ જૂન ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 21 ટકા ઉછળી રૂ. 74480 કરોડ રહી હતી. જ્યારે ગ્રોસ એડવાન્સિસ 2 ટકા વૃદ્ધિ સાથે રૂ. 58,755 કરોડ રહ્યાં હતાં.
કોટક મહિન્દ્રા બેંકઃ ખાનગી ક્ષેત્રની બેંકે જણાવ્યું છે કે તેની પેટા કંપની કોટક સિક્યૂરિટીઝ ક્રેડેન્ટ ઈન્ફોએજમાં રૂ. 10 કરોડમાં 9.96 ટકા હિસ્સો ખરીદશે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાઃ ઓટો કંપની રિન્યૂ સનલાઈટ એનર્જિમાં રૂ. 16.07 કરોડમાં 31.2 ટકા હિસ્સો ખરીદશે.
એનએમડીસીઃ સરકારના એનએમડીસીમાં મંગળવારે સાત ટકા હિસ્સા વેચાણની સારી શરૂઆત થઈ હતી. સંસ્થાકિય રોકાણકારોએ રૂ. 3700 કરોડના મૂલ્યના કુલ બીડ્સ મૂક્યાં હતાં.
ટાટા પાવરઃ કંપનીએ તેના ચેરમેન તરીકે નટરાજન ચંદ્રશેખરનની ડિરેક્ટર તરીકે પુનઃ નિમણૂંક માટે શેરધારકોની મંજૂરી મેળવી લીધી છે.
બજાજ ઓટોઃ કંપનીએ ડોમીનાર 250 બાઈકની કિંમતમાં રૂ. 16800નો ઘટાડો કર્યો છે. હવે તે દિલ્હી ખાતે એક્સ-શોરુમ રૂ. 1,54,176નો ભાવ ધરાવે છે.
માગમાં રિવાઈવલ પાછળ પેપર કંપનીઓના શેર્સમાં ઉપલી સર્કિટ્સ
બુધવારે ચાર લિસ્ટેડ કાગળ કંપનીઓના શેર્સ 20 ટકા ઉછળી બંધ રહ્યાં

અમદાવાદ
કોવિડની બીજી લહેર હળવી બનતાં શાળાઓ, કોલેજિસ અને કચેરીઓ શરૂ થવાની શક્યતા પાછળ માગમાં રિકવરીની શક્યતાએ પેપર(કાગળ) ઉત્પાદક કંપનીઓના શેર્સમાં બુધવારે ધૂમ ખરીદી જોવા મળી હતી અને અગ્રણી કંપનીઓ શેર્સ 20 ટકાની ઉપલી સર્કિટ્સમાં બંધ રહેલા જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પોઝીટીવ અન્ડરટોનનો સપોર્ટ પણ તેમને મળ્યો હતો.
મહામારીના પ્રથમ રાઉન્ડમાંથી પેપર કંપનીઓ બહાર આવે તે અગાઉ બીજા રાઉન્ડે તેમના બિઝનેસ પર તીવ્ર પ્રતિકૂળ અસર ઊભી કરી હતી. જોકે 2021-22ના હવેના સમયગાળામાં માગમાં રિકવરીની શક્યતા છે અને કોમોડિટીની માગ વાર્ષિક ધોરણે 11-15 ટકા જેટલી વૃદ્ધિ દર્શાવે તેવો અંદાજ છે. જેની અસરે શેરબજાર પર લિસ્ટેડ લગભગ અઢી ડઝન પેપર ઉત્પાદક કંપનીઓના શેર્સમાં ભારે લેવાલી નીકળી હતી. ચાર પેપર કંપનીઓના શેર્સ તો 20 ટકાની ઉપલી સર્કિટમાં બંધ રહ્યાં હતાં. જ્યારે અન્ય છ કંપનીઓના શેર્સે 5-11 ટકા સુધીનો એક દિવસીય સુધારો દર્શાવી રહ્યાં હતાં. શૈક્ષણિક સંસ્થાઓ સતત દોઢ વર્ષથી બંધ રહેવાના કારણે કાગળ કંપનીઓ પર ખૂબ જ માઠી અસર પડી છે. જોકે કોવિડની અસર ઘટતાં સ્થિતિ સામાન્ય બની શકે છે તેવી આશામાં જ કાગળ શેર્સ પર રોકાણકારોની નજર પડી હોય તેવું જણાય છે. બુધવારે જિનીયર પેપર, પદમજી પેપર, રામા ન્યૂઝ પ્રિન્ટ અને માલુ પેપરના શેર્સ 20 ટકાની ઉપલી સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જ્યારે ઓરિએન્ટ પેપર( 13 ટકા), સ્ટાર પેપર(11 ટકા), રૂચિરા પેપર(10 ટકા) અને સેષશાયી પેપર(8 ટકા) સુધારા સાથે બંધ રહ્યાં હતાં. ક્રિસીલના અભ્યાસ મુજબ 204-25 સુધીમાં પ્રિન્ટિંગ અને રાઈટિંગ પેપરની માગ સરેરાશ 1-3 ટકાના દરે વૃદ્ધિ પામતી રહી 55 લાખ ટનના સ્તરે પહોંચશે. વિદ્યાર્થીઓના સ્કૂલમાં દાખલ થવાના દરમાં તીવ્ર વૃદ્ધિની શક્યતા છે અને તે માગને સપોર્ટ કરશે.
બુધવારે પેપર કંપનીઓના શેર્સમાં દેખાવ
કંપની ભાવમાં વૃદ્ધિ(%)
જીનીયસ પેપર 20.00
પદમજી પેપર 19.90
રામા ન્યૂઝ પ્રિન્ટ 19.90
માલુ પેપર 19.88
ઓરિએન્ટ પેપર 13.00
સ્ટાર પેપર 10.90
રૂચિરા પેપર 10.38
સેશશાયી પેપર 7.18
એનરેઈલ 6.58
જેકે પેપર 5.36
સુંદરમ પેપર 5.00

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage