Market Summary 7 July 2021

માર્કેટ સમરી

ચોથા દિવસે બજારમાં ધીમો ઘસારો

ભારતીય બજાર પણ વૈશ્વિક બજારોની સાથે સુસ્તીમાં જોડાઈ ગયું છે. 15 મેથી 15 જૂન સુધી સારો દેખાવ દર્શાવ્યાં બાદ છેલ્લાં બે સપ્તાહથી તે નિરસ બની રહ્યું છે. એમાં પણ ચાલુ સપ્તાહે ટ્રેડર્સ અકળામણ અનુભવી રહ્યાં છે. મીડ-કેપ્સમાં હજુ પણ ટ્રેડિંગની સારી તકો સાંપડી રહી છે પરંતુ મોટા-મોટી જોઈએ તો બજાર ટ્રેડર્સ માટે બોરિંગ બની રહ્યું છે. જેની અસર બજારના કામકાજ પર પણ જોવા મળી રહી છે. ગુરુવારે નિફ્ટી 15756ની ટોચ પર ટ્રેડ થયાં બાદ સતત ઘસાતો રહ્યો હતો. તે કામકાજ બંધ થવાના સમયે 15667ની બોટમ બનાવી 15680 પર બંધ રહ્યો હતો. ચાલુ સપ્તાહે તે 150 પોઈન્ટ્સથી વધુ ઘટાડો દર્શાવી રહ્યો છે.

15600નો સપોર્ટ મહત્વનો

નિફ્ટી માટે 15600નો સપોર્ટ મહત્વનો છે. કેમકે આ સ્તરની નજીક 34-ડીએમએનું લેવલ છે. જો તે આ સ્તર નીચે બંધ દર્શાવશે તો તેને ટ્રેન્ડ રિવર્સલ તરીકે જોવામાં આવી શકે છે. આ સ્થિતિમાં લોંગ પોઝીશન્સમાં લિક્વેડેશન જોવા મળી શકે. જે બજારને 15450ના અગાઉના સપોર્ટ સુધી લઈ જઈ શકે. જોકે હજુ સુધી ક્યાંય કોઈ ટ્રેન્ડ રિવર્સલના સંકેતો મળ્યાં હોવાનું બજાર એનાલિસ્ટ્સ માની રહ્યાં નથી.

 

બ્રોકર્સ માટે ડેડલાઈન લંબાવતી સેબી

માર્કેટ રેગ્યુલેટર સેબીએ ગુરુવારે માર્કેટ મધ્યસ્થી એવા સ્ટોક બ્રોકર્સ માટે રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સિસ માટેની ડેડલાઈનને 30 જૂનથી લંબાવી 31 જુલાઈ કરી હતી. આ નવી ટાઈમલાઈન ગ્રાહકોના કોલ રેકોર્ડ્સની જાળવણી, ક્લાઈન્ટ્સને ફંડીંગના રિપોર્ટિંગ તથા ટ્રેડિંગ ટર્મિનલ્સને ડેઝિગ્નેટેડ અલ્ટરનેટ લોકેશન્સ પરથી ઓપરેટ કરવાની મંજૂરી જેવી બાબતોનો સમાવેશ થાય છે. સેબીએ ડેડલાઈન લંબાવવા માટે કોવિડ મહામારીને કારણે અમલી બનેલા લોકડાઉનને કારણભૂત ગણાવ્યું હતું.

 

બજાજ ઓટો સ્પેનમાં ડિઝાઈન સેન્ટર સ્થાપશે

અગ્રણી ટુ-વ્હીલર્સ ઉત્પાદક બજાજ ઓટો સ્પેનમાં બાર્સિલોના ખાતે એન્જિનીયરીંગ ડિઝાઈન સેન્ટર(ઈડીસી)ની સ્થાપના કરશે. આ ઉપરાંત તે બ્રાઝિલમાં એસેમ્બલી પ્લાન્ટ પણ બનાવશે. કંપની તેની આંતરરાષ્ટ્રીય હાજરી મજબૂત બનાવવાના ભાગરૂપે આમ કરવા જઈ રહી છે. કંપની સ્પેન ખાતે ઈડીસી પ્લાન્ટ સ્થાપી યુરોપની એન્જિનીયરીંગ ટેલેન્ટનો ઉપયોગ કરવા ઈચ્છે છે. જ્યારે બ્રાઝિલ લેટીન અમેરિકાનું સૌથી મોટું ટુ-વ્હીલર માર્કેટ છે. જ્યાં તે જાપાનીઝ હરિફો સામે પોતાની હાજરી મજબૂત બનાવવા ઈચ્છે છે. અગાઉ કંપનીએ થાઈલેન્ડમાં બેંગકોક ખાતે ભારત બહાર પ્રથમ ઈડીસી પ્લાન્ટની સ્થાપના કરી હતી. જે હાલમાં કાર્યરત છે. સ્પેનમાં તે આ પ્રકારનો બીજો પ્લાન્ટ સ્થાપશે.

 

ડોલર સામે રૂપિયો 23 પૈસા તૂટ્યો

ભારતીય રૂપિયામાં નરમાઈ ચાલુ રહી છે. ગુરુવારે તે સતત ત્રીજા દિવસે ગ્રીનબેક સામે ઘટીને બંધ આવ્યો હતો. છેલ્લા બે સત્રોથી પ્રમાણમાં સાધારણ ઘટાડો દર્શાવતો રૂપિયો ગુરુવારે 23 પૈસા ગગડી 74.55ના દોઢ મહિનાના તળિયા પર જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી રૂપિયામાં નરમાઈ પાછળનું મુખ્ય કારણ છે. ડોલર ઈન્ડેક્સ 0.04 ટકા સુધરી 92.46ની તાજેતરની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગયા સપ્તાહે તેણે 74.30ની સપાટી તોડતાં તેમાં વધુ ઘટાડાની અપેક્ષા રાખવામાં આવી રહી હતી. રૂપિયો 74.37ની સપાટીએ નરમાઈ સાથે ખૂલી વધુ ગગડી ઈન્ટ્રા-ડે રૂ. 74.63ની બોટમ પર જોવા મળ્યો હતો.

 

સોનુ-ચાંદી બીજા દિવસે મજબૂત

વૈશ્વિક બજારમાં નીચા મથાળે સપોર્ટ પાછળ બુલિયનમાં મજબૂતી જોવા મળી રહી છે. ગુરુવારે એમસીએક્સ ખાતે ચાંદીમાં એક ટકાથી વધુનો સુધારો જોવા મળ્યો હતો અને જુલાઈ વાયદો રૂ. 650થી વધુના સુધારા સાથે રૂ. 68774 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સોનુ પણ અડધા ટકા મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યું હતું. એમસીએક્સ ઓગસ્ટ ગોલ્ડ વાયદો રૂ. 238ના સુધારે રૂ. 47077 પર ટ્રેડ થતો હતો. વૈશ્વિક બજારમાં સોનું 3 ડોલરના સુધારે 1774 ડોલર પર જ્યારે ચાંદી 26.35 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ પર ટ્રેડ થઈ હતી. રૂપિયામાં નરમાઈ પાછળ પણ ભારતીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવ વધુ મજબૂત જોવા મળતાં હતાં.

 

કેલેન્ડરના પ્રથમ છ મહિનામાં રિટર્ન આપવામાં વિકસિત દેશોએ બાજી મારી

ઈમર્જિંગ માર્કેટ્સ એવા ભારતના બેન્ચમાર્ક નિફ્ટીએ 12 ટકાથી વધુ રિટર્ન સાથે ત્રીજો ક્રમ દર્શાવ્યો

ચીનનો બેન્ચમાર્ક માત્ર 3.4 ટકા રિટર્ન આપી શક્યો જ્યારે કોમોડિટીઝમાં તેજી છતાં બ્રાઝિલે 7 ટકા રિટર્ન નોંધાવ્યું

 

કેલેન્ડર 2021ના મઘ્યાહને રોકાણકારોને વળતર આપવામાં વિકસિત બજારો અગ્રણી રહ્યાં છે. ઘણા વર્ષો બાદ વિકાસશીલ અથવા ઈમર્જિંગ બજારો કરતાં તેમનો દેખાવ ચડિયાતો જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તરે ટોચની 500 કંપનીઓનું પ્રતિનિધિત્વ ધરાવતો એસએન્ડપી-500 ઈન્ડેક્સ 14.26 ટકા સાથે સૌથી સારુ વળતર દર્શાવી રહ્યો છે. જ્યારે ત્યારબાદ જર્મનીનો ડેક્સ અને ટેક્નોલોજી ઈન્ડેક્સ નાસ્ડેક, બંને 13 ટકાનું રિટર્ન દર્શાવી રહ્યાં છે. ભારતીયો માટે સારી બાબત એ છે કે સ્થાનિક બેન્ચમાર્ક નિફ્ટી-50એ પણ રોકાણકારોને 12 ટકાથી વધુનું રિટર્ન પૂરું પાડ્યું છે.

જાન્યુઆરીથી જૂન મહિનાની આખર સુધીમાં વિકાસશીલ બજારો કરતાં વિકસિત બજારોમાં જોવા મળેલું ઊંચું રિટર્ન સૂચવે છે કે વિકસિત અર્થતંત્રો સ્થાનિક લિક્વિડીટી સપોર્ટને કારણે કોવિડ મહામારીનો સામનો વધુ સારી રીતે કરી શક્યાં છે અને તેઓ ઝડપી આર્થિક રિકવરી દર્શાવી રહ્યાં છે. જ્યારે ઊભરતાં અર્થતંત્રો હજુ પણ મહામારી સામે ઝઝૂમી રહ્યાં છે. આશ્ચર્યની વાત એ છે કે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ તેની ટોચથી થોડો છેટે ચાલી રહ્યો છે ત્યારે એસએન્ડપી 500 તેની ટોચ પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. ચાલુ સપ્તાહે યુએસના ત્રણ બેન્ચમાર્ક્સમાંથી ડાઉ જોન્સ સિવાય એસએન્ડપી 500 અને નાસ્ડેક નવી ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. 2021ની શરૂમાં 3756ના સ્તરે ટ્રેડ થઈ રહેલો એસએન્ડપી 500 જૂન મહિનાના અંતે 4300ના સ્તર નજીક જોવા મળતો હતો. આમ તેણે 14 ટકાથી વધુનું રિટર્ન દર્શાવ્યું હતું. યુરોપના સૌથી મોટા અર્થતંત્ર જર્મનીના શેરબજારે પણ સારો દેખાવ નોંધાવ્યો છે. ત્યાંનો બેન્ચમાર્ક ડેક્સ 13.20 ટકાના રિટર્ન સાથે વિકસિત બજારોમાં અગ્રણી રિટર્ન દર્શાવી રહ્યો છે. તે પણ તેની સર્વોચ્ચ ટોચ નજીક ટ્રેડ થઈ રહ્યો છે. ટેક્નોલોજી કંપનીઓનું પ્રભુત્વ ધરાવતો યુએસ સ્થિત નાસ્ડેક પણ 13 ટકા રિટર્ન સાથે સારો દેખાવ સૂચવી રહ્યો છે. તે ડિસેમ્બર 2020ની આખરમાં 12888ના બંધ ભાવ સામે 14500ની સપાટી પાર કરી ગયો છે. એ વાત ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ કેલેન્ડર્સથી તે વૈશ્વિક બેન્ચમાર્ક્સમાં સૌથી શ્રેષ્ઠ દેખાવ દર્શાવી રહ્યો છે. જોકે નાસ્ડેકથી સારો દેખાવ નિફ્ટી-50એ કર્યો છે. ભારતીય બેન્ચમાર્ક 13982ના 2020ના બંધ ભાવ સામે 15900ની સપાટી દર્શાવી ચૂક્યો છે. અલબત્ત, છેલ્લા કેટલાંક સત્રોથી તે 15900ના સ્તરે ટ્રિપલ ટોપ બનાવી પાછો પડ્યો છે તેમ છતાં છ મહિનામાં 12 ટકાથી વધુ સારા રિટર્ન સાથે ટોચના બેન્ચમાર્ક્સમાં ત્રીજા ક્રમે આવતો હતો. જ્યારે હરિફ એવા ચીનનો શાંઘાઈ કંપોઝીટ ઈન્ડેક્સ છ મહિનામાં માત્ર 3.4 ટકા રિટર્ન સૂચવી રહ્યો છે. બ્રિક્સ ગ્રૂપમાં સમાવિષ્ટ બ્રાઝિલનો બોવેસ્પા પણ 7 ટકા રિટર્ન દર્શાવે છે. નવાઈની બાબત એ છે કે કોમોડિટી આધારિત અર્થતંત્ર ધરાવવા છતાં બ્રાઝિલનું બજાર ચડિયાતો દેખાવ નથી દર્શાવી શક્યું. કોમોડિટીઝના ભાવમાં છેલ્લા છ મહિનામાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. જેનો લાભ ત્યાંના કોમોડિટી ઉત્પાદકોને મળે તે સ્વાભાવિક છે. જાપાનનો નિક્કાઈ પણ અન્ય વિકસિત દેશોની સમકક્ષ રિટર્ન આપી શક્યો નથી. યૂકે અને ફ્રાન્સના બજારો 9 ટકાથી વધુ રિટર્ન દર્શાવી રહ્યાં છે ત્યારે જાપાનનો નિક્કાઈ માત્ર 4.9 ટકાનો સુધાર દર્શાવી શક્યો છે.

 

2021ના પ્રથમ છ મહિનામાં અગ્રણી બેન્ચમાર્ક્સનો દેખાવ

બેન્ચમાર્ક્સ      વૃદ્ધિ(%)

S&P 500              14.26%

ડેક્સ(જર્મની)           13.20%

નાસ્ડેક                 12.73%

નિફ્ટી-50              12.44%

MSCI વર્લ્ડ             12.43%

ડાઉ જોન્સ              12.44%

સેન્સેક્સ                 9.91%

ફૂટ્સી(યૂકે)              9.01%

બોવેસ્પા(બ્રાઝિલ)       6.98%

હેંગ સેંગ(હોંગ કોંગ)     5.86%

નિક્કાઈ(જાપાન)        4.91%

શાંઘાઈ કંપોઝીટ(ચીન)  3.40%

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage