Market Summary 7 July 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

બુલ્સે પકડ મજબૂત બનાવતાં નિફ્ટીએ 16K કૂદાવ્યું
માર્કેટમાં બ્રેકઆઉટ બાદ શોર્ટ કવરિંગ જોવાયું
મેટલ, બેંકિંગ, પીએસઈ અને રિઅલ્ટીમાં નોંધપાત્ર સુધારો
વોલેટિલિટી ઈન્ડેક્સ 5.3 ટકા ઘટી 19.20ની સપાટીએ
ધીમે-ધીમે ‘રિસ્ક-ઓન’ મોડમાં પાછા ફરી રહેલા પંટર્સ
બ્રોડ માર્કેટમાં પણ બે શેર્સથી વધુમાં તેજી સામે એકમાં નરમાઈ
તાઈવાન, કોરિયા, જાપાન, સિંગાપુર બજારોમાં પણ તેજીનું માહોલ
LICનો શેર બે દિવસ બાદ ફરી રૂ. 700ની નીચે ગગડ્યો
તેજીવાળાઓ ફરીથી ‘રિસ્ક-ઓન’ મોડમાં પાછા ફરી રહેલા જોવા મળે છે. જેની પાછળ સતત બીજા દિવસે ભારતીય બજારમાં તેજીની આગેકૂચ જળવાય હતી. બુધવારે બ્રેકઆઉટ દર્શાવ્યાં બાદ બજારમાં શોર્ટ કવરિંગ પાછળ નિફ્ટી લગભગ મહિના બાદ 16 હજારની સપાટી પાર કરી ગયો હતો. બીએસઈ સેન્સેક્સ 427.5 પોઈન્ટ્સ ઉછળી 54178.5ની સપાટીએ જ્યારે નિફ્ટી 143 પોઈન્ટ્સ સુધરી 16133ની સપાટી પર બંધ જોવા મળ્યાં હતાં. નિફ્ટીના 50 ઘટક સભ્યોમાંથી 39 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 11માં જ ઘટાડો નોંધાયો હતો. આમ સતત બીજા દિવસે બ્લ્યૂ-ચિપ્સમાં માર્કેટ-બ્રેડ્ઝ પોઝીટીવ જોવા મળી હતી. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી પાછળ બીએસઈ ખાતે બે શેર્સમાં તેજી સામે એક શેરમાં ઘટાડા વચ્ચે માર્કેટ-બ્રેડ્થ નોંધપાત્ર પોઝીટીવ જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 5.2 ટકા ઘટી 19.20ની સપાટીએ બંધ રહ્યો હતો.
ગુરુવારે વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક મજબૂતીના સપોર્ટ પાછળ ભારતીય બજાર પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવતું હતું. નિફ્ટી 15990ના અગાઉના બંધ સામે વધુ 16114ના સ્તરે ખૂલ્યો હતો. જે દિવસ દરમિયાન રેંજ બાઉન્ડ ટ્રેડ વચ્ચે પોઝીટીવ જળવાયો હતો. તેમજ 16 હજારની સપાટી પર ટકી રહ્યો હતો. તેણે ઈન્ટ્રા-ડે ધોરણે 16151ની ટોચ દર્શાવી હતી અને લગભગ તેની નજીક જ બંધ આપ્યું હતું. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ વાયદો બુધવારે મોડી રાતે 100 ડોલર નીચે ગગડ્યો હતો. જોકે આ સ્તર નીચે તે લાંબુ ટક્યો નહોતો અને ગુરુવારે 98.50 ડોલરના બોટમ સાથે ફરી 101 ડોલર આસપાસ ટ્રેડ દર્શાવી રહ્યો હતો. છેલ્લાં બે સત્રોમાં ક્રૂડ સહિતની કોમોડિટીઝમાં તીવ્ર ભાવ ઘટાડાને જોતાં ઈક્વિટી માર્કેટ્સને રાહત મળી હતી. જેની પાછળ સેન્ટીમેન્ટ પોઝીટીવ બની રહ્યું હતું. ગુરુવારે નિફ્ટીએ 15900નું સ્તર પાર કરતાં ભારતીય બજારમાં શોર્ટ કવરિંગની શક્યતા હતી જ. જે સાચી પડી હતી. નિફ્ટી ફ્યુચર્સ 16161ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ તેણે કેશ નિફ્ટી સામે લગભગ 30 પોઈન્ટ્સનું પ્રિમીયમ દર્શાવ્યું હતું. છેલ્લાં ઘણા સત્રોથી તે ડિસ્કાઉન્ટમાં ટ્રેડ દર્શાવી રહ્યો હતો. ગુરુવારે માર્કેટને મુખ્ય સપોર્ટ મેટલ, બેંકિંગ અને જાહેર સાહસો તરફથી સાંપડ્યો હતો. પીએસયૂ બેંકિંગ શેર્સમાં નોંધપાત્ર શોર્ટ કવરિંગ પાછળ પીએસયૂ બેંક નિફ્ટી ઈન્ડેક્સ 3.42 ટકા જેટલો ઉછળ્યો હતો. જ્યારે નિફ્ટી મેટલ 3.8 ટકા સાથે સૌથી વધુ સુધર્યો હતો. જેમાં એલ્યુમિનિયમ તથા સ્ટીલ શેર્સનો સમાવેશ થતો હતો. વેદાંત 6.18 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ સિવાય હિંદાલ્કો 6 ટકા, નાલ્કો 5.25 ટકા, જિંદાલ સ્ટીલ 5 ટકા, ટાટા સ્ટીલ 5 ટકા, સેઈલ 4.7 ટકા, મોઈલ 4 ટકા અને હિંદુસ્તાન ઝીંક 3.9 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી બેંક 1.75 ટકા સુધર્યો હતો. જેમાં પીએસયૂ બેંકિંગ શેર્સનું યોગદાન મુખ્ય હતું. જેમાં બીઓબી 5.6 ટકા, પીએનબી 3.5 ટકા, ઈન્ડસઈન્ડ બેંક 3 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક 2.21 ટકા, કોટક બેંક 2 ટકા, એચડીએફસી બેંક 1.8 ટકા અને ફેડરલ બેંક 1.52 ટકાનો સમાવેશ થતો હતો. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 1.7 ટકા સુધારો દર્શાવી રહ્યો હતો. જેના મુખ્ય કાઉન્ટર્સમાં મેટલ અને ઓઈલ પીએસયૂનો સમાવેશ થતો હતો. નિફ્ટી ઓટોએ પણ એક ટકાથી વધુ સુધારો નોંધાવ્યો હતો. જેમાં ટાટા મોટર્સ 3.5 ટકા સાથે ટોચ પર હતો. જ્યારે એમઆરએફ 3 ટકા, એમએન્ડએમ 2.6 ટકા, બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ 2.43 ટકા, એક્સાઈડ ઈન્ડ 2.1 ટકા અને ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ 1.74 ટકાનો સમાવેશ થતો હતો. ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ્સનો શેર રૂ. 2058ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો હતો. એનએસઈ ખાતે ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં એનબીસીસી 9.45 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત કેનેરા બેંક 8.2 ટકા, ટાઈટન કંપની 5.7 ટકા, દાલમિયા ભારત 5.2 ટકા અને સિન્જિન 4.9 ટકાનો સમાવેશ થતો હતો. જ્યારે ઘટાડો દર્શાવવામાં ગોદરેજ કન્ઝ્યૂમર 2.81 ટકા, મેટ્રોપોલીસ 2.43 ટકા, ડો. લાલ પેથલેબ્સ 1.77 ટકા, રામ્સો સિમેન્ટ્સ 1.4 ટકા અને ઈન્ટીલેક્ટ ડિઝાઈન 1.34 ટકાનો સમાવેશ થાય છે. બ્રોડ માર્કેટમાં ખરીદી પરત ફરી હતી. જેને કારણે બીએસઈ ખાતે કુલ 3438 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2198 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1099 કાઉન્ટર્સ નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. 82 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 29 કાઉન્ટર્સ તેમના 52-સપ્તાહના તળિયા પર ટ્રેડ થઈ રહ્યાં હતાં.


હવે ઘઉંના લોટ અને સંબંધિત પ્રોડક્ટ્સ પર પણ પ્રતિબંધ
કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ બાદ હવે ઘઉંના લોટ તથા અન્ય સંબંધિત પ્રોડક્ટ્સની નિકાસ પર પ્રતિબંધો લાગુ પાડ્યાં છે. તેણે તમામ નિકાસકારો માટે હવેથી ઘઉં સંબંધી પ્રોડક્ટ્સની નિકાસ માટે ઈન્ટર-મિનિસ્ટરિયલ કમિટિ પાસેથી આગોતરી મંજૂરી લેવાને ફરજિયાત બનાવ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ(ડીજીએફટી)એ 6 જુલાઈએ રજૂ કરેલા નોટિફિકેશન પ્રમાણે 12 જુલાઈથી નવી વ્યવસ્થા અમલી બનશે. જ્યારે 6 જુલાઈથી 12 જુલાઈ વચ્ચેના સમયગાળામાં 6 જુલાઈ પહેલા લોડિંગ શરૂ થયું હશે તેવા કિસ્સામાં અથવા તો નોટિફિકેશન અમલી બન્યા અગાઉ કસ્ટમ્સને કન્સાઈમેન્ટ્સની સોંપણી કરવામાં આવી હશે તેમને જ નિકાસની છૂટ આપવામાં આવશે. જોકે ઘઉંની માફક લોટ પર તથા અન્ય પેદાશો પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં નથી આવ્યો. ડીજીએફટી નોટિફિકેશન મુજબ મેંદા, સેમોલીના વગેરે જેવી આઈટમ્સનો પણ નિકાસ અંકુશોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલાંક અહેવાલો મુજબ ભારતમાંથી એપ્રિલમાં 96 હજાર ટન ઘઉંની નિકાસ થઈ હતી. જે ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં 26 હજાર ટન વધુ હતી.
માર્ચથી જૂન ક્વાર્ટરમાં EV વેચાણમાં 635 ટકા ઉછાળો
ચાલુ નાણાકિય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ઈલેક્ટ્રીક વ્હીકલ્સમાં 635 ટકાનો તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. ત્રણ મહિનાના સમયગાળામાં કુલ 2,10,942 ઈવીનું રજિસ્ટ્રેશન થયું હોવાનું વાહન પોર્ટલ દર્શાવે છે. આમાંથી જૂન મહિના દરમિયાન 72472 ઈવીનું વેચાણ નોંધાયું હતું. જે વાર્ષિક ધોરણે 547 ટકા વૃદ્ધિ સૂચવે છે. નીતિ આયોગ-ટીફેક રિપોર્ટ મુજબ ભારત ઝડપથી ઈલેક્ટ્રિકીલ મોબિલિટીમાં શિફ્ટ થઈ રહ્યું છે. ખાસ કરીને ટુ-વ્હીલર્સ સેગમેન્ટમાં તે ધારણા કરતાં ઝડપથી થઈ રહ્યું છે. ગ્રાહકોમાં ઈવીને લઈને પોઝીટીવ માઈન્ડસેટ જોવા મળી રહ્યો છે. દેશમાં જૂનમાં કુલ ઈવી રજિસ્ટ્રેશનમાં 90.40 ટકા હિસ્સો ટુ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સનો હતો.
સ્ટાર્ટ-અપ્સે 2022ના પ્રથમ ક્વાર્ટરમાં 6.9 અબજ ડોલર ઊભા કર્યાં
ભારતીય સ્ટાર્ટ-અપ્સે કેલેન્ડર 2022ના પ્રથમ ક્વાર્ટરમાં 6.9 અબજ ડોલર ઊભા કર્યાં છે. તેમણે કુલ 409 ફંડીંગ રાઉન્ડ્સમાં આ રકમ ઊભી કરી છે. જોકે પ્રથમ ક્વાર્ટરમાં કુલ ફંડીંગની રકમ વાર્ષિક ધોરણે 33 ટકા જેટલો ઘટાડો દર્શાવે છે. ગયા વર્ષે સમાનગાળામાં તેમણે 10.3 અબજ ડોલરની રકમ મેળવી હતી એમ એક સ્ટડી રિપોર્ટ જણાવે છે. તેના મતે માર્કેટ પ્લેયર્સ સ્ટાર્ટ-અપ્સ ફંડીંગમાં શિયાળો બેઠો હોવાનું અથવા તો રોકાણકારોનો વિશ્વાસ ઘટ્યો હોવાના સર્વાનુમત ધરાવે છે. માર્કેટમાં મંદી અને આર્થિક કામગીરીમાં ઊંચી વધ-ઘટની તથા ઈન્ટરેસ્ટ રેટ વૃદ્ધિ પાછળ રોકાણકારોનો વિશ્વાસ ઘટ્યો હોય તેમ તેઓ માને છે.

દેશમાં 2021-22માં મોબાઈલની આયાતમાં 33 ટકા ઘટાડો નોંધાયો
ભારતમાં સ્થાનિક મોબાઈલ ઉત્પાદનમાં વાર્ષિક 26 ટકા વૃદ્ધિ જોવા મળી
ફેઝ્ડ મેન્યૂફેક્ચરિંગ પ્રોગ્રામ અને પ્રોડક્શન-લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમને કારણે મોબાઈલ ઉત્પાદનને વેગ

ફેઝ્ડ મેન્યૂફેક્ચરિંગ પ્રોગ્રામ અને પ્રોડક્શન-લિંક્ડ ઈન્સેન્ટીવ સ્કીમને કારણે નાણાકિય વર્ષ 2021-22માં દેશમાં મોબાઈલ આયાતમાં 33 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે બીજી બાજુ સ્થાનિક મોબાઈલ ઉત્પાદનમાં 26 ટકા વૃદ્ધિ જોવા મળી હતી એમ રિપોર્ટ જણાવે છે.
રેટિંગ એજન્સી ક્રિસિલે તૈયાર કરેલા રિપોર્ટ મુજબ મોબાઈલ ફોન્સના સ્થાનિક ઉત્પાદનમાં નાણા વર્ષ 2015-16થી 2020-21 વચ્ચે 33 ટકાના દરે વૃદ્ધિ જોવા મળી હતી. જે વૃદ્ધિ દર 2021-22માં ઘટીને 24-26 ટકા વચ્ચે રહ્યો હતો. ગયા નાણા વર્ષ દરમિયાન નીચા વૃદ્ધિ દરનું કારણ ચીપ શોર્ટેજ હોવાનું રિપોર્ટ નોંધે છે. 2021-22માં ત્રણ વૈશ્વિક મેન્યૂફેક્ચરર્સે પીએલઆઈ પ્રોડક્શન ટાર્ગેટ્સને પૂરો કર્યો હતો. રેટિંગ એજન્સીના જણાવ્યા મુજબ દેશમાં મોબાઈલ આયાતમાં ઘટાડાનું મુખ્ય કારણ સરકાર તરફથી અમલી બનાવવામાં આવેલા ફેઝ્ડ મેન્યૂફેક્ચરિંગ પ્રોગ્રામ તથા પ્રોડક્શન-લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ છે. ક્રિસિલના મતે 2021-22 અને 2023-24 વચ્ચે મોબાઈલ ઉત્પાદન વૃદ્ધિ દર 22-26 ટકાના દરે જળવાય રહેશે. મૂલ્ય સંદર્ભમાં તે રૂ. 4.-4.5 લાખ કરોડ પર જોવા મળશે. ગ્રોથની આગેવાની પીએલઆઈ સ્કીમ લેશે. જે મોટાભાગના પ્લેયર્સ માટે બીજા વર્ષમાં જોવા મળી રહી છે એમ રિપોર્ટ નોંધે છે.
મોબાઈલની આયાતમાં 33 ટકા ઘટાડાને કારણે ચીન પરની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. 2020-21માં 64 ટકાની સરખામણીમાં 2021-22માં ચીન પરનું અવલંબન 60 ટકા પર જળવાયું હતું. મધ્યમ સમયગાળામાં તેમાં વધુ ઘટાડાની અપેક્ષા છે. જોકે બીજી બાજુ મોબાઈલ એસેમ્બલીંગ તથા ઉત્પાદન માટે જરૂરી ઈલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ્સની આયાતમાં વાર્ષિક ધોરણે 27 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. સ્થાનિક મોબાઈલ ઉત્પાદનમાં તીવ્ર વૃદ્ધિ છતાં 2021-22માં 60 ટકા મોબાઈલ અથવા તો કોમ્પોનેન્ટ્સ ચીનથી આયાત થયા હતા. રિપોર્ટમાં નોંધ્યા મુજબ વૈશ્વિક સપ્લાયમાં ભારતનો હિસ્સો 1 ટકા જેટલો નગણ્ય છે. જેની સરખામણીમાં ચીન 70 ટકા સાથે ટોચ પર છે. જ્યારે 16 ટકા સાથે વિયેટનામ બીજા ક્રમે છે. 2021માં ભારતની નિકાસે જાપાનની 1 ટકા જ્યારે જર્મનીની 3 ટકા અને યુએઈની 9 ટકા માગ પૂરી કરી હતી. વિશ્વમાં ટોચના પાંચ મોબાઈલ દેશો 2021માં વૈશ્વિક હેન્ડસેટ આયાતનો 50 ટકા હિસ્સો ધરાવતાં હતાં. આ દેશોમાં યુએસ, હોંગ કોંગ, જાપાન, જર્મની અને યુએઈનો સમાવેશ થાય છે. તેમની મોટાભાગની માગ ચીન અને વિયેટનામે પૂરી કરી હતી. વિશ્વમાં યુએસ 20 ટકા શીપમેન્ટ્સ સાથે મોબાઈલ ફોન્સનો સૌથી મોટો આયાતકાર છે. જ્યારબાદ 15 ટકા સાથે હોંગ કોંગ અને 6 ટકા સાથે જાપાન ત્રીજા ક્રમે આવે છે. ચીન યુએસની 79 ટકા માગ એકલેહાથે પૂરી કરે છે. જ્યારે વિયેટનામ 16 ટકા સપ્લાય પૂરો પાડે છે. ગયા વર્ષે બે સ્કીમ્સના સપોર્ટને કારણે ભારતમાંથી મોબાઈલ નિકાસ વાર્ષિક ધોરણે 56 ટકા ઉછળી હતી. 2022-23 અને 2023-24માં નિકાસ રૂ.1.-1.2 લાખ કરોડ પર પહોંચે તેવી શક્યતાં છે.


શેરબજારમાં રિટેલ ઈન્વેસ્ટર્સ પાર્ટિસિપેશન પાંચ વર્ષના તળિયે
મે મહિનામાં વ્યક્તિગત રોકાણકારોના હિસ્સામાં વાર્ષિક ધોરણે 7.7 ટકાનો તીવ્ર ઘટાડો
2022-23માં NSEના કામકાજમાં રિટેલ હિસ્સો 2017-18 પછીના સૌથી નીચા 37 ટકાના સ્તરે

શેરબજારમાં ઊંચી વોલેટિલિટી વચ્ચે નરમાઈને કારણે રિટેલ રોકાણકારો દૂર થઈ રહ્યાં છે. છેલ્લાં કેટલાંક મહિનાઓમાં માર્કેટમાં રિટેલ હિસ્સામાં સતત ઘટાડાને કારણે ચાલુ નાણાકિય વર્ષે વ્યક્તિગત રોકાણકારોનું પાર્ટિસિપેશન છેલ્લાં પાંચ વર્ષોના તળિયા પર જોવા મળી રહ્યું છે. એનએસઈ ખાતે મે મહિના દરમિયાન રિટેલ પાર્ટિસિપેશન વાર્ષિક ધોરણે 7.7 ટકાનો ઘટાડો દર્શાવતું હતું. જ્યારે માસિક ધોરણે તે 4.4 ટકા જેટલું ઘટ્યું હતું.
ચાલુ નાણાકિય વર્ષમાં સતત ત્રીજા વર્ષ દરમિયાન શેરબજારમાં રિટેલ ભાગીદારીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોવિડ બાદ માર્કેટમાં જોવા મળેલી તેજીને કારણે નાણા વર્ષ 2020-21માં રિટેલ પાર્ટિસિપેશન ઉછળીને 45 ટકાની સર્વોચ્ચ ટોચ પર જોવા મળ્યું હતું. જે 2021-22માં 40.7 ટકા પર જોવા મળ્યું હતું. જ્યારે ચાલુ નાણાકિય વર્ષ 2022-23માં વધુ ઘટી અત્યાર સુધીમાં 37 ટકા પર જળવાયું છે. આમ બે વર્ષ અગાઉની ટોચના સ્તરેથી તે લગભગ 8 ટકા જેટલો ઘટાડો દર્શાવી રહ્યું છે. જાન્યુઆરી 2022 પછીના મહિનાઓમાં તેમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. એકમાત્ર એપ્રિલ 2022માં તેણે વૃદ્ધિ દર્શાવી હતી. માર્કેટ નિરીક્ષકોના મતે આ ડેટા સૂચવે છે કે માર્કેટમાં રિટેલ રોકાણકારોનો રસ ઘટી રહ્યો છે અને આગામી કેટલાંક મહિનાઓમાં પણ તે ઘટાડાતરફી જળવાય શકે છે. મે મહિનામાં એનએસઈ પ્લેટફોર્મ ખાતે રિટેલ ક્લાયન્ટ્સ મારફતે સીધું રોકાણ અડધાથી પણ વધુ ઘટાડો દર્શાવતું હતું. જેમકે એપ્રિલ મહિનામાં રિટેલ તરફથી કુલ રોકાણ રૂ. 21900 કરોડ જોવા મળ્યું હતું. જે મે મહિનામાં રૂ. 10000 કરોડના સ્તરે નોંધાયું હતું. જૂન મહિનામાં ઈનફ્લોમાં આમાં પણ ઘટાડો નોંધાયો હોવાની શક્યતાં છે. નાણાકિય વર્ષ 2021-22માં રિટેલ રોકાણકારો તરફથી બજારમાં સીધું રોકાણ ખૂબ મજબૂત જોવા મળ્યું હતું. 2021-22માં રિટેલ તરફથી નેટ ઈનફ્લો રૂ. 164900 કરોડ પર જોવા મળ્યો હતો. રિટેલ પાર્ટિસિપેશનમાં ઘટાડાનું એક કારણ વિદેશી સંસ્થાકિય રોકાણકારો દ્વારા ઊંચી વેચવાલી હોય શકે છે. જ્યારે એક અન્ય કારણ સેબી તરફથી મે મહિનમાં અમલી બનાવવામાં આવેલા કડક માર્જિન નિયમો હોય શકે છે.
બેન્ચમાર્ક્સ તેમની સર્વોચ્ચ ટોચ પરથી 15 ટકા જેટલા ગગડ્યાં બાદ એનએસઈ ખાતે ડેરિવેટિવ્સ ટ્રેડિંગમાં પણ ઘટાડો નોંધાયો છે. ઈક્વિટી ડેરિવેટિવ્સમાં દૈનિક સરેરાશ વોલ્યુમ મે મહિનામાં માસિક ધોરણે 4.1 ટકા ઘટાડો દર્શાવતો હતો. મે મહિનામાં સરેરાશ દૈનિક ડેરિવેટિવ્સ વોલ્યુમ રૂ. 1,64,600 કરોડ પર નોંધાયું હતું. જે એપ્રિલમાં રૂ. 1,71,700 કરોડ પર જોવા મળ્યું હતું. જ્યારે એનએસઈ ખાતે મે મહિનામાં ઈક્વિટી ટર્નઓવર માસિક ધોરણે 6.3 ટકા જેટલું ગગડ્યું હતું. જ્યારે વાર્ષિક ધોરણે 22.7 ટકા ઘટાડો દર્શાવતું હતું. મે મહિનામાં એનએસઈ ખાતે કેશ સેગમેન્ટમાં કુલ ટર્નઓવર રૂ. 12.1 લાખ કરોડ રહ્યું હતું. જે એપ્રિલ મહિનામાં રૂ. 12.9 લાખ કરોડ પર હતું.

કેશ સેગમેન્ટમાં રિટેલ ઈન્વેસ્ટર્સનો હિસ્સો
નાણા વર્ષ હિસ્સો(ટકામાં)
2022-23* 37
2021-22 41
2020-21 45
2019-20 39
2018-19 40
2017-18 36
2016-17 33


કોર્પોરેટ હેડલાઈન્સ

જેએસડબલ્યુ સ્ટીલઃ ટોચની સ્ટીલ કંપનીએ જૂન ક્વાર્ટરમાં ક્રૂડ સ્ટીલ વૃદ્ધિ દરમાં 16 ટકા વૃદ્ધિ દર્શાવી છે. ગયા વર્ષે સમાનગાળામાં 50.7 લાખ ટન સામે ચાલુ વર્ષે તેણે 58.8 લાખ ટન ક્રૂડ સ્ટીલ ઉત્પાદન કર્યું હતું. ત્રિમાસિક ધોરણે કંપનીનું ક્રૂડ ઉત્પાદન 2 ટકા ઘટાડો દર્શાવતું હતું. માર્ચ ક્વાર્ટરમાં તે 59.8 કરોડ ટન પર હતું.
આર્સેલરમિત્તલ નિપ્પોનઃ અગાઉ એસ્સાર સ્ટીલ તરીકે ઓળખાતી કંપની પર સેબીના ઓર્ડરને સિક્યૂરિટીઝ એપલેટ ટ્રિબ્યુનલે ફગાવ્યો છએ. સેબીએ ઓગસ્ટ 2017માં દેવામાં ડૂબેલી એસ્સાર સ્ટીલ સામે નાદારીની પ્રક્રિયા શરૂ કરી હતી. જોકે કોર્પોરેટ ઈન્સોલ્વન્સી રેસોલ્યુશન પ્રોસેસ બાદ એસ્સાર સ્ટીલને આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ ટેકઓવર કરી હતી.
ટીસીએસઃ અગ્રણી આઈટી સર્વિસિઝ કંપની ટીસીએસ 8 જુલાઈએ જૂન ક્વાર્ટર માટેના પરિણામોની જાહેરાત કરશે. એનાલિસ્ટ્સના મતે કંપની ત્રિમાસિક ધોરણે તેમની ટોપલાઈન અને બોટમલાઈનમાં એક અંકી વૃદ્ધિ દર્શાવશે. જોકે વેતન અને અન્ય ખર્ચાઓમાં વૃદ્ધિ પાછળ કંપની ત્રિમાસિક ધોરણે નફામાં ઘટાડો દર્શાવે તેવી શક્યતાં પણ છે. એક બ્રોકરેજના મતે કંપનીની રેવન્યૂમાં વાર્ષિક ધોરણે 17.1 ટકા વૃદ્ધિ જોવા મળી શકે છે.
ટાઈટનઃ તાતા જૂથ કંપનીએ ચાલુ નાણા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જ્વેલરી બિઝનેસમાં વાર્ષિક ધોરણે 207 ટકા વૃદ્ધિ નોંધાવી છે. કંપનીને ગયા વર્ષે નીચા બેઝને કારણે ઊંચો વૃદ્ધિ દર હાંસલ કરવામાં સહાયતા મળી છે. કંપનીએ છેલ્લાં ત્રણ વર્ષોમાં પ્રથમ ક્વાર્ટરમાં સરેરાશ 23 ટકા વૃદ્ધિ દર નોંધાવ્યો છે. જે માર્ચ ક્વાર્ટરમાં 15 ટકા પર હતો.
ઈક્વિટાસ એસફબીઃ ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંકે નાણા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 21699 કરોડના એડવાન્સિસ આપ્યાં છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 17837 કરોડની સરખામણીમાં 22 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
સિટી યુનિયન બેંકઃ પ્રાઈવેટ સેક્ટર બેંક ક્વોલિફાઈડ ઈન્વેસ્ટર્સને પ્લેસમેન્ટ મારફતે રૂ. 500 કરોડ ઊભા કરવા માટેનું વિચારી રહી છે.
સોભા ડેવલપર્સઃ બેંગલૂરૂ સ્થિત રિઅલ્ટી કંપનીએ જૂન ક્વાર્ટરમાં 13.6 લાખ ચો.ફૂટ સાથે સૌથી વધુ વેચાણ વોલ્યુમ હાંસલ કર્યું છે. જે ત્રિમાસિક ધોરણે લગભગ ફ્લેટ જોવા મળે છે. જોકે વાર્ષિક ધોરણે 52 ટકાની ઊંચી વૃદ્ધિ દર્શાવે છે.
પીટીસી ઈન્ડિયાઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યાં છે. જેમાં તેણે રૂ. 2831 કરોડની રેવન્યૂ દર્શાવી છે. જે ગયા વર્ષે રૂ. 3593 કરોડની સરખામણીમાં 21.2 ટકા વૃદ્ધિ દર દર્શાવે છે. જ્યારે નેટ પ્રોફિટ 2.5 ગણો વધી રૂ. 63 કરોડની સામે રૂ. 156 કરોડ જોવા મળ્યો હતો.
ફિનિક્સ મિલ્સઃ કંપનીએ ચાલુ નાણા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કન્ઝમ્પ્શનમાં ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં 121 ટકા વૃદ્ધિ દર્શાવી છે. તેણે કુલ રૂ. 2159 કરોડનું વેચાણ નોંધાવ્યું છે.
દિપ ઈન્ડસ્ટ્રીઝઃ ઓઈલ ઈન્ફ્રા કંપનીએ ઓએનજીસી પાસેથી રૂ. 150 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે.
ઈથોસઃ કંપનીએ વૈશ્વિક સ્તરે જાણીતી વોચ અને જ્વેલરી બ્રાન્ડ જેકોબ એન્ડ કંપની સાથે એક્સક્લૂઝીવ ડિસ્ટ્રીબ્યુશન એગ્રીમેન્ટ સાઈન કર્યાં છે.
ભારતી એરટેલઃ દેશમાં બીજા ક્રમની એરટેલ કંપની અગાઉના 30 કરોડ ડોલરના મૂલ્યના બોન્ડ બાયબેક પ્લાન સામે હવે 45 કરોડ ડોલરના મૂલ્યના બોન્ડ બાયબેક કરશે.
ટીટાગઢ વેગનઃ એચડીએફસી મ્યુચ્યુલ ફંડે ટીટાગઢ વેગન્સમાં તેના ઈક્વિટી હિસ્સાને ઘટાડી 7.02 ટકા કર્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage