Market Summary 7 june 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
નિફ્ટીની આગેકૂચ જારી
ભારતીય બજાર તેની આગવી ચાલ દર્શાવી રહ્યું છે. એશિયન બજારોમાં નરમ સેન્ટીમેન્ટ વચ્ચે સતત બીજા સપ્તાહે તેણે સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. બેન્ચમાર્ક નિફ્ટી 15773ની ટોચ દર્શાવી 0.52 ટકા સુધારા સાથે 15752ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીને ઈન્ફ્રા અને પીએસઈ તથા સિમેન્ટ કાઉન્ટર્સ તરફથી સારો સપોર્ટ સાંપડ્યો હતો. જ્યારે એનબીએફસી અને ફાર્મામાં નરમાઈ જોવા મળી હતી.
ઈન્ડિયા વિક્સ વર્ષના તળિયે
વોલેટિલિટી ઈન્ડેક્સ એક વર્ષના તળિયા પર જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન તેણે 14.74નું તળિયું દર્શાવ્યું હતું અને કામકાજના અંતે 2.38 ટકા ઘટી 15.56 પર બંધ રહ્યો હતો. વાર્ષિક ધોરણે તે 35.31ની ટોચ દર્શાવી રહ્યો છે.
અગ્રણી સિમેન્ટ કંપનીઓના શેર્સ નવી ટોચ પર
દેશમાં ટોચની સિમેન્ટ ઉત્પાદક કંપનીઓના શેર્સમાં ખરીદી જોવા મળી હતી. જેની પાછળ મોટોભાગના કાઉન્ટર્સે તેમની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જેમાં એસીસીનો શેર રૂ. 2011ના અગાઉના બંધ સામે 2 ટકાથી વધુ સુધરીરૂ. 2058ની ટોચ બનાવી રૂ. 2046 પર બંધ રહ્યો હતો. જ્યારે ગ્રાસિમનો શેર રૂ. 1503ના બંધ સામે રૂ. 1560ની સર્વોચ્ચ સપાટી દર્શાવી રૂ. 1500ના સ્તરે ફ્લેટ બંધ રહ્યો હતો. કંપનીનો શેર ઈન્ટ્રા-ડે રૂ. 1 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કરી પરત ફર્યો હતો. અંબુજા સિમેન્ટનો શેર રૂ. 332ના બંધ સામે રૂ. 343ની ટોચ બનાવી 2 ટકાથી વધુના સુધારે રૂ. 343 પર બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 68 હજાર કરોડ પર જોવા મળ્યું હતું. જ્યારે અલ્ટ્રા-ટેક સિમેન્ટનો શેર રૂ. 6663ના બંધ સામે રૂ. 6904ની સપાટી પર ટ્રેડ થઈ 3 ટકા સુધારા સાથે રૂ. 6849 પર બંધ રહ્યો હતો અને ફરી રૂ. 2 લાખ કરોડના માર્કેટ-કેપ નજીક પહોંચ્યો હતો. શ્રી સિમેન્ટનો શેર પણ 3.5 ટકાના સૌથી સારા સુધારા સાથે બંધ રહ્યો હતો. કંપનીનો શેર રૂ. 28151ના બંધ સામે રૂ. 29326 પર જોવા મળ્યો હતો. આખરે તે રૂ. 29131 પર બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.05 લાખ કરોડનું જોવા મળ્યું હતું.
અદાણી પાવરમાં 20 ટકાની ઉપલી સર્કિટ
અદાણી જૂથની શેરબજાર પર સૌથી અન્ડરપર્ફોર્મર કંપની અદાણી પાવરના શેરમાં સોમવારે 20 ટકાની ઉપલી સર્કિટ જોવા મળી હતી. કંપનીનો શેર અગાઉના રૂ. 105.80ના બંધ સામે 20 ટકા ઉછળી રૂ. 126.95ના સ્તર પર બંધ રહ્યો હતો. જે તેનું લગભગ છેલ્લા દાયકાનું ટોચનું લેવલ હતું. અદાણી પાવરનો શેર ત્રણેક વર્ષ અગાઉ લગભગ રૂ. 15ના તળિયા પર ટ્રેડ થયો હતો. ગયા સપ્ટેમ્બરથી અદાણી જૂથની અન્ય કંપનીઓના શેર્સમાં તીવ્ર સુધારો જોવા મળ્યો હતો. જોકે અદાણી પાવર ચાલી શક્યો નહોતો. સોમવારે જ્યારે જૂથની અન્ય કંપનીઓમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું ત્યારે અદાણી પાવરમાં ઊંચા વોલ્યુમ સાથે ખરીદી જોવા મળી હતી. કંપનીએ જુલાઈ 2009માં રૂ. 100ના ભાવે શેર ઓફર કર્યાં હતાં.
રૂપિયામાં ડોલર સામે 19 પૈસાનો સુધારો નોઁધાયો
વૈશ્વિક બજારમાં ડોલરમાં નરમાઈને કારણે નવા સપ્તાહની શરૂઆત રૂપિયા માટે સારી રહી હતી. ભારતીય ચલણે સોમવારે ગ્રીનબેક સામે 10 પૈસા સુધારા સાથે 72.80નું બંધ દર્શાવ્યું હતું. રૂપિયાએ કામકાજની શરૂઆત મજબૂતી સાથે દર્શાવ્યા બાદ બંધ પણ પોઝીટીવ આપ્યું હતું. ગયા સપ્તાહાંતે શુક્રવારે યુએસ ખાતે રજૂ થયેલો આર્થિક ડેટા ડોલરને સપોર્ટ કરવામાં નિષ્ફળ ગયો હતો અને વૈશ્વિક બજારોમાં અગ્રણી ચલણો સામે ડોલર ગગડ્યો હતો. જેની અસરે રૂપિયો પણ સોમવારે મજબૂત બન્યો હતો. રૂપિયાને 73.30નો મજબૂત સપોર્ટ સાંપડી રહ્યો છે. જ્યારે ઉપરામાં તેને 72.77નો અવરોધ છે. જે પાર થતાં 72.25નો અવરોધ નડે છે. માર્ચમાં આ સ્તરેથી તે ગગડ્યો હતો. ટૂંકાગાળા માટે રૂપિયામાં સેન્ટિમેન્ટ મજબૂત જોવા મળી રહ્યું છે. જેના કારણોમાં વૈશ્વિક સ્તરે ડોલરમાં નરમાઈ સાથે સ્થાનિક બજારમાં જૂન મહિનામાં પોઝીટીવ બનેલો ઈનફ્લો છે. એપ્રિલ અને મે મહિનામાં એફઆઈઆઈની ચોખ્ખી વેચવાલી બાદ જૂનમાં અત્યાર સુધી તેઓએ ચોખ્ખું રોકાણ દર્શાવ્યું છે.
સોનુ-ચાંદી, બેઝ મેટલ્સમાં સાર્વત્રિક નરમાઈ
ઉઘડતાં સપ્તાહે કિંમતી ધાતુઓ સહિત બેઝ મેટલ્સમાં સાર્વત્રિક નરમાઈનું માહોલ જોવા મળ્યું હતું. એમસીએક્સ ગોલ્ડ ઓગસ્ટ વાયદો 0.2 ટકાના ઘટાડે રૂ. 48901ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં ગોલ્ડને 1900 ડોલર પર ટકવામાં મુશ્કેલી પડી રહી છે અને તેની પાછળ સ્થાનિક બજારમાં પણ તે રૂ. 49000ના સ્તરને પાર કરી શકતું નથી. એમસીએક્સ ખાતે ચાંદી પણ 0.5 ટકા ઘટાડા સાથે રૂ. 71151 પર ટ્રેડ થતી હતી. તે અગાઉના બંધ કરતાં રૂ. 388નો ઘટાડો દર્શાવતી હતી. બેઝ મેટલ્સમાં 1.4 ટકા સુધીનો ઘટાડો જોવા મળતો હતો. જેમાં નીકલ, એલ્યુમિનિયમ અને કોપર મુખ્ય હતાં. ક્રૂડ પણ સાધારણ ઘટાડા સાથે ટ્રેડ થતું હતું. જ્યારે એકમાત્ર કોટનમાં મજબૂતી જોવા મળતી હતી. એમસીએક્સ જૂન વાયદો 1.8 ટકા અથવા રૂ. 420ના સુધારે રૂ. 24350 પર ટ્રેડ દર્શાવતો હતો.
કોવિડ કાળમાં સ્મોલ-કેપ ઈન્વેસ્ટર્સ સૌથી વધુ કમાયાં
માર્ચ 2020ના 3203ના તળિયાથી સોમવારે સ્મોલ-કેપ ઈન્ડેક્સે 9623ની સર્વોચ્ચ ટોચ સાથે 200 ટકા રિટર્ન દર્શાવ્યું
સમાનગાળામાં નિફ્ટી-મીડ-કેપ ઈન્ડેક્સે 150 ટકા અને નિફ્ટીએ 110 ટકા રિટર્ન આપ્યું
સોમવારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સે તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. ઈન્ડેક્સ 1.56 ટકા સુધરી 9623ના સ્તરે બંધ રહ્યો હતો. તેણે જાન્યુઆરી 2018ની અગાઉની ટોચને પાર કરી હતી. મજાની વાત એ છે કે સ્મોલ-કેપ ઈન્ડેક્સને અગાઉની ટોચ પાર કરવામાં ભલે નિફ્ટી અને નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ કરતાં વધુ સમય લાગ્યો હોય પરંતુ માર્ચ 2020ના તળિયાના સ્તરેથી તે રિટર્ન આપવામાં અવ્વલ રહ્યો છે. તેણે બેન્ચમાર્ક નિફ્ટી તેમજ નિફ્ટી મીડ-કેપને ઊંચા માર્જિનથી રિટર્નમાં પાછળ રાખ્યાં છે.
કોવિડના પ્રથમ રાઉન્ડમાં માર્ચ 2020માં બજારો ઊંધા માથે પટકાયાં હતાં. જ્યારબાદ તેમણે સતત સુધારો દર્શાવ્યો હતો. જેમાં નિફ્ટીએ નવેમ્બર 2020માં જ તેના જાન્યુઆરી 2020ના ટોચના સ્તરને પાર કર્યું હતું. જ્યારે નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સે ફેબ્રુઆરી 2021માં તેની અગાઉની ટોચને પાર કરી હતી. બંને બેન્ચમાર્ક્સ ત્યારબાદ નવી ટોચ દર્શાવતાં રહ્યાં હતાં. જોકે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સે માર્ચ 2020માં દર્શાવેલા 3203ના તળિયાથી તેની અગાઉની ટોચને પાર કરવામાં સવા વર્ષનો લાંબો સમય લીધો હતો. સોમવારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 9632ની ઈન્ટ્રા-ડે ટોચ દર્શાવી 9623ના સ્તરે બંધ રહ્યો હતો. જે તળિયાથી ત્રણ ગણુ કદ દર્શાવતો હતો. આમ તેણે 200 ટકાનું ચોખ્ખું રિટર્ન દર્શાવ્યું હતું. એક અન્ય નોંધપાત્ર બાબત એ હતી કે સ્મોલ-કેપ ઈન્ડેક્સના ઘટકોએ આ ગાળા દરમિયાન 10 ગણાથી વધુનું રિટર્ન દર્શાવ્યું હતું. જેમાં લૌરસ લેબ્સ ટોચ પર હતો. કંપનીનો શેર રૂ. 50ના તળિયાથી રૂ. 574ની ટોચ પર ટ્રેડ થયો હતો. ઊંચું રિટર્ન દર્શાવનાર કેટલાક અન્ય કાઉન્ટર્સમાં હેગ, ટ્રાઈડન્ટ, ઈઆઈડી પેરી, જસ્ટ ડાયલ, મેટ્રોપોલીસ, બલરામપુર ચીની, ફર્સ્ટ સોર્સ, રેડિકો ખૈતાન વગેરેનો સમાવેશ થાય છે. આમાંથી ઘણા સ્મોલ-કેપ શેર્સ હાલમાં મીડ-કેપ્સ બની ચૂક્યાં છે અને તેમના માર્કેટ-કેપની બાબતમાં મીડ-કેપ્સથી પણ આગળ નીકળી ગયા છે.
બીજી બાજુ સમાનગાળામાં નિફ્ટી મીડ-કેપ્સ માર્ચ 2020ના તેના 10750ના તળિયા સામે 250 ટકાના સુધારે સોમવારે 26841ની ટોચ પર બંધ રહ્યો હતો. આમ તેણે 150 ટકાનું રિટર્ન દર્શાવ્યું છે. જે નિફ્ટી કરતાં વધુ છે પરંતુ સ્મોલ-કેપ ઈન્ડેક્સ કરતાં નીચું છે. બેન્ચમાર્ક નિફ્ટી તેના માર્ચ 2020ના 7511ના તળિયા સામે સોમવારે 15752ની ટોચ પર ટ્રેડ થયો હતો. જે 110 ટકાનું રિટર્ન સૂચવે છે. આમ સ્મોલ-કેપ ઈન્ડેક્સે નિફ્ટી કરતાં બમણુ રિટર્ન દર્શાવ્યું છે એમ કહી શકાય. માર્કેટ નિરીક્ષકોના મતે સ્મોલ-કેપ્સમાં માર્ચ 2020થી જૂન 2021 સુધીના સવા વર્ષ સુધી સૌથી લાંબો તેજીનો સમયગાળો જોવા મળ્યો છે. સામાન્યરીતે બીજી અને ત્રીજી હરોળના શેર્સમાં 12-16 સપ્તાહ સુધી તેજી જોવા મળ્યાં બાદ એક વિરામ જોવા મળતો હોય છે. જોકે આ છેલ્લા સવા વર્ષમાં મીડ અને સ્મોલ-કેપ સેક્ટર્સે સતત સુધારો દર્શાવ્યો છે અને તેઓ લાર્જ-કેપ્સની સરખામણીમાં સતત ચઢિયાતાં સાબિત થયાં છે

નિફ્ટી ઈન્ફ્રામાં મહત્વનું બ્રેકઆઉટ, ઈન્ડેક્સ સર્વોચ્ચ સપાટીએ
ઈન્ડેક્સ 10 વર્ષથી રિટર્ન આપવામાં નિષ્ફળ જોવા મળ્યો હતો
નિફ્ટીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સે સોમવારે તેની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. ઈન્ડેક્સ 2 ટકા ઉછળી 4517ની તેની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યો હતો અને 4505 પર બંધ રહ્યો હતો. ઈન્ડેક્સ પોર્ટ, પાવર અને સિમેન્ટ જેવા ઓલ્ડ ઈકોનોમી ક્ષેત્રોનુ પ્રતિનિધિત્વ ધરાવે છે. જે છેલ્લા કેટલાક સમયથી લાઈમલાઈટમાં જોવા મળી રહ્યાં છે.
એનાલિસ્ટ્સના મતે ઓક્ટોબર 2010માં અસ્તિત્વમાં આવેલો નિફ્ટી ઈન્ફ્રા ઈન્ડેક્સ છેલ્લા 10 વર્ષોમાં કોઈ રિટર્ન આપી શક્યો નહોતો. ઓક્ટોબર 2010માં 3860ની ટોચ દર્શાવનાર ઈન્ડેક્સ ત્યારબાદ ઘસાતો રહ્યો હતો. તેણે જાન્યુઆરી 2018માં 3750ની ડબલ ટોપ બનાવી હતી. જ્યાંથી તે પરત ફર્યો હતો. ફેબ્રુઆરી 2021માં ઈન્ડેક્સે જૂન ટોચને પાર કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેને ઘણી મહેનતે સફળતા મળી હતી. ઈન્ડેક્સમાં હજુ તેજીની શરુઆત થઈ છે અને આગામી ત્રણ-ચાર વર્ષો માટે તે ઊંચા ટાર્ગેટ્સ ધરાવે છે એમ પણ તેઓ ઉમેરે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સ એ મૂળે ઓલ્ડ ઈકોનોમી પ્લે છે. કેમકે તેમાં વિવિધ ઓલ્ડ ઈકોનોમી સેક્ટર્સના શેર્સનો સમાવેશ થાય છે. તેમાં પીએસઈ એટલેકે જાહેર સાહસો પણ સમાવિષ્ટ છે. સોમવારે તેના ચઢિયાતા દેખાવ પાછળ અદાણી પોર્ટ્સ(5.4 ટકા), ટાટા પાવર(4.8 ટકા), પાવર ગ્રીડ કોર્પો(4.5 ટકા), એનટીપીસી(4.1 ટકા), ગેઈલ(4 ટકા), શ્રીસિમેન્ટ(3.6 ટકા), અલ્ટ્રાટેક સિમેન્ટ(3.6 ટકા), અંબુજા સિમેન્ટ(2.11 ટકા)નો સમાવેશ થાય છે. આમાંના ઘણા કાઉન્ટર્સે તેમની સર્વોચ્ચ સપાટી અથવા છેલ્લા ઘણા વર્ષોની ટોચ દર્શાવી હતી. ઈન્ડેક્સમાં સમાવિષ્ટ એપોલો હોસ્પિટલ જેવા કાઉન્ટરમાં 2 ટકાનો ઘટાડો પણ જોવા મળ્યો હતો. કંપનીના શેરે છેલ્લા એક વર્ષમાં ખૂબ સારો દેખાવ કર્યો છે અને તેથી તેમાં પ્રોફિટ બુકિંગ સ્વાભાવિક છે. જોકે એ સિવાયના મોટાભાગના કાઉન્ટર્સ અન્ડરપર્ફોર્મર્સ રહ્યાં છે અને તેથી આગામી સમયગાળામાં તેઓ ચઢિયાતા દેખાવ માટે તૈયાર હોવાનું એનાલિસ્ટ્સ માને છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage