Market Summary 7 March 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

 

 

‘ફ્રી ફોલ’ પાછળ નિફ્ટીએ 16 હજારની સપાટી ગુમાવી

નિફ્ટીના છ કાઉન્ટર્સમાં 6 ટકાથી વધુનું ધોવાણ

વોલેટિલિટી ઈન્ડેક્સ 5 ટકા ઉછળી 29.33ની સપાટીએ

ક્રૂડમાં મજબૂતી પાછળ ઓએનજીસીમાં 13 ટકાનો ઉછાળો

બેઝ મેટલ્સમાં મજબૂતી પાછળ મેટલ શેર્સમાં લેવાલી

રિઅલ્ટી ઈન્ડેક્સમાં 5 ટકાથી વધુ કડાકો

એશિયન બજારોમા 4 ટકા સુધીનો ઘટાડો

 

રશિયા-યૂક્રેન વોર વચ્ચે સતત ત્રીજા સપ્તાહે કામકાજની શરૂઆત ખરાબ જોવા મળી હતી. યુરોપ તરફથી રશિયન એનર્જી પ્રોડક્ટ્સની ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી શક્યતાં પાછળ ક્રૂડના ભાવ ઉછળ્યાં હતાં જેની અસરે ઈક્વિટી માર્કેટ્સ વધુ ગગડ્યાં હતાં. બેન્ચમાર્ક સેન્સેક્સ 1491 પોઈન્ટ્સના ઘટાડે 52843ના સ્તરે જ્યારે નિફ્ટી 382 પોઈન્ટ્સ ગગડી 15863ના સ્તરે બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4.9 ટકા ઉછળી 29.33ની સપાટી પર જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 40માં નરમાઈ જોવા મળી હતી. જ્યારે 10માં સુધારો નોંધાયો હતો. જેમાં ઓએનજીસી 13 ટકાથી વધુ ઉછાળો દર્શાવતો હતો. ક્રૂડના ભાવમાં તીવ્ર તેજી પાછળ કંપનીનો શેર ભાગ્યો હતો.

વિતેલા સપ્તાહે બેન્ચમાર્ક્સમાં 2.5 ટકાના ઘટાડા બાદ નવા સપ્તાહે થોડી રાહત મળે તેવી અપેક્ષા હતી. જોકે આનાથી વિપરીત એશિયન બજારોએ ઊંચું ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું. જેનું મુખ્ય કારણ ક્રૂડના ભાવમાં 10 ટકાનો ઉછાળો હતો. યુએસ તરફથી યુરોપિયન દેશોને રશિયાની ઓઈલ પ્રોડક્ટ્સની ખરીદી પર પ્રતિબંધ માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાના અહેવાલે બ્રેન્ટ ક્રૂડ સવારના ભાગમાં 10 ટકા ઉછળી 130 ડોલરની 2008 પછીની 14 વર્ષોની ટોચ પર ટ્રેડ થયું હતું. જેની પાછળ શેરબજારોમાં સેન્ટીમેન્ટ વધુ ખરડાયું હતું. જેને કારણે ભારતીય બેન્ચમાર્ક્સ 2 ટકાથી વધુ ગેપ-ડાઉન ઓપનીંગ બાદ પરત ફરી શક્યાં નહોતાં. નિફ્ટીએ 15711ની ઈન્ટ્રા-ડે લો બનાવીને થોડા બાઉન્સ સાથે બંધ દર્શાવ્યું હતું. જોકે છેલ્લાં બે સપ્તાહમાં તે 6 ટકા જેટલો ગગડી ચૂક્યો છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે બેન્ચમાર્કને હવે 15100 સિવાય કોઈ સપોર્ટ નથી અને તે ત્યાં સુધી ગગડી શકે છે. 15100નું સ્તર 20 મહિનાની મૂવીંગ એવરેજ છે. આ સ્તરેથી બેન્ચમાર્ક પરત ફરી શકે છે. એનાલિસ્ટ્સના મતે રોકાણકારોએ ગોલ્ડમાં લોંગ પોઝીશન બનાવી ઈક્વિટીઝમાં શોર્ટ ઊભું કર્યું છે. જ્યાં સુધી રશિયા-યૂક્રેન વચ્ચે લડાઈ બંધ થવાને લઈને કોઈ પોઝીટીવ અહેવાલ જોવા નહિ મળે ત્યાં સુધી ઈક્વિટી માર્કેટમાં નોંધપાત્ર બાઉન્સની અપેક્ષા રાખવી અયોગ્ય છે. જોકે લોંગ-ટર્મ રોકાણકારો વર્તમાન ભાવે બજારમાં એક્યૂમ્યૂલેશન શરૂ કરી શકે છે. જેમાં તેઓએ લાર્જ-કેપ્સને મહત્વ આપવાનું રહેશે.

સોમવારે માર્કેટમાં બ્રોડ બેઝ વેચવાલી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3594 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2684 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 783એ પોઝીટીવ બંધ આપ્યું હતું. સેક્ટરલ ઈન્ડાઈસીસની વાત કરીએ તો નિફ્ટી રિઅલ્ટી 5.5 ટકા જેટલો તૂટ્યો હતો. જ્યારે બેંક નિફ્ટી પણ 4.5 ટકા જેટલો ગગડ્યો હતો. પીએસયૂ બેંક નિફ્ટી પણ 5 ટકા નજીકનો ઘટાડો દર્શાવતો હતો. નિફ્ટી ઓટોમાં 4 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. એકમાત્ર નિફ્ટી મેટલ 2 ટકાથી વધુની મજબૂતી સાથે બંધ જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી પીએસઈ પણ 1.45 ટકા સુધારો દર્શાવી રહ્યો હતો. આઈટી ઈન્ડેક્સમાં 0.12 ટકાનો સાધારણ ઘટાડો નોઁધાયો હતો. એનએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ 2.37 ટકા અને સ્મોલ-કેપ ઈન્ડેક્સ 2.04 ટકા તૂટીને બંધ જોવા મળ્યાં હતાં. નિફ્ટી ઘટકોમાં ઓએનજીસી ઉપરાંત હિંદાલ્કોએ 6 ટકાથી વધુનો ઉછાળો દર્શાવ્યો હતો. કોલ ઈન્ડિયામાં પણ 4.25 ટકાનો મજબૂત સુધારો નોંધાયો હતો. નિફ્ટીમાં ઊંચો ઘટાડો દર્શાવનારા કાઉન્ટર્સમાં ઈન્ડસઈન્ડ બેંક, મારુતિ સુઝુકી, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેંક, બ્રિટાનિયા, બજાજ ફિનસર્વ, ટાટા મોટર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક વગેરેનો સમાવેશ થતો હતો.

 

 

NSE કેસમાં ભૂતપૂર્વ સીઈઓ ચિત્રા રામક્રિષ્ણનને CBIના સાત દિવસના રિમાન્ડ

સીબીઆઈના મતે ચિત્રા તપાસમાં સહકાર નથી આપી રહ્યાં અને જવાબો ટાળે છે

 

સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટે એનએસઈ કો-લોકેશન કેસ બાબતે સોમવારે નેશનલ સ્ટોક એક્સચેન્જના ભૂતપૂર્વ સીઈઓ ચિત્રા રામક્રિષ્ણનને સાત દિવસના સીબીઆઈ કસ્ટડીમાં મોકલ્યાં હતાં. કોર્ટે તેણીની આગોતરા જામીનની અરજી રદ કર્યાં બાદ સીબીઆઈએ 6 માર્ચ રવિવારે દિલ્હી ખાતેથી રામક્રિષ્ણનની ધરપકડ કરી હતી. સીબીઆઈએ સ્પેશ્યલ કોર્ટ સમક્ષ 14 દિવસની કસ્ટડીની માગણી કરી હતી.

કોર્ટમાં સુનાવણી દરમિયાન સીબીઆઈએ જણાવ્યું હતું કે ચિત્રા સવાલના જવાબો આપવાનો ઈન્કાર કરી રહી છે અને તપાસમાં સહકાર આપી રહી નથી. તે જવાબ ટાળી રહી છે. સીબીઆઈના જણાવ્યા મુજબ ચિત્રા આનંદ સુબ્રમણ્યમને ઓળખવાનો ઈન્કાર કરે છે. જ્યારે બંને વચ્ચે 2500થી વધુ મેઈલ્સની આપ-લે થઈ હતી. જેની તપાસ જરૂરી છે. અગાઉ પણ સીબીઆઈએ ચિત્રા પર તપાસ અધિકારીઓને સહકાર નહિ આપી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. સીબીઆઈએ રામક્રિષ્ણનની એનએસઈ કો-લોકેશન કેસમાં તાજેતરમાં પૂછપરછ કરી હતી. જ્યારે તે અગાઉ ઈન્કમ ટેક્સ વિભાગે તેણીના મુંબઈ અને ચેન્નાઈ સ્થિત રહેણાંક પર દરોડા પાડ્યા હતાં. રામક્રિષ્ણન સામે માર્કેટ રેગ્યુલેટર સેબી પણ તપાસ કરી રહ્યું છે. દરમિયાનમાં એનએસઈના ભૂતપૂર્વ ગ્રૂપ ઓપરેટિંગ ઓફિસર અને રામક્રિષ્ણનના સલાહકાર આનંદ સબ્રમણ્યણને પણ 25 ફેબ્રુઆરે ધરપકડ બાદ સીબીઆઈ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ફોરેન્સિક તપાસમાં સુબ્રમણ્યમની જ ‘યોગી’ તરીકે ઓળખાવામાં આવ્યો હતો. જેની સાથે રામક્રિષ્ણને વિશ્વસનીય માહિતી વેચી હતી. જોકે સેબીએ તેના આખરી તપાસમાં આ દાવાને ફગાવ્યો હતો. રામક્રિષ્ણને સુબ્રમણ્યમને તેણીના સલાહકાર તરીકે નીમ્યો હતો. જેને પાછળથી રૂ. 4.21 કરોડ પ્રતિ વર્ષના પેકેજ સાથે ગ્રૂપ સીઓઓ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું.

 

 

બે સપ્તાહમાં ગોલ્ડમાં રૂ. 6000નો ઉછાળો નોંધાયો

યુક્રેન પર હુમલા સમયે રૂ. 46 હજાર પરથી ઉછળી ભાવ રૂ. 55 હજાર પર પહોંચ્યાં

એમસીએક્સ ખાતે ક્રૂડમાં રૂ. 3000થી વધુનો ઉછાળો

 

લગભગ સવા દોઢ વર્ષો સુધી કરેક્શન અને કોન્સોલિડેશનમાં ટ્રેડ દર્શાવ્યાં બાદ સોનામાં છેલ્લાં બે સપ્તાહ દરમિયાન ભારે લેવાલી જોવા મળી છે. રશિયા-યૂક્રેન યુધ્ધ પાછળ ભારતીય બજારમાં સોનાના ભાવમાં 10 ગ્રામે રૂ. 6000ની તેજી જોવા મળી છે. પખવાડિયા અગાઉ રૂ. 49000ની સપાટી પર જોવા મળતું સોનું સોમવારે રૂ. 55 હજારની સપાટી પર બોલાયું હતું. ક્રૂડના ભાવમાં પણ તીવ્ર ઉછાળો નોંધાયો હતો.

માર્કેટ નિરીક્ષકોના મતે સોનામાં તેજી આગળ વધવાની પૂરી શક્યતાં છે. કેમકે હાલમાં રોકાણકારો અન્ય એસેટ ક્લાસને છોડી ગોલ્ડ તરફ વળ્યાં છે. વિશ્વમાં સૌથી મોટા ગોલ્ડ-આધારિત એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડીંગ શુક્રવારે 0.4 ટકા વધી 1054.3 ટન પર જોવા મળ્યું હતું. જે માર્ચ 2021 પછીનું સૌથી મોટુ હોલ્ડિંગ છે. નજીકના ભવિષ્યમાં યૂક્રેનમાં યુધ્ધ ઝડપથી પૂરું થવાના સંકેતો નથી અને તેથી ગોલ્ડ અથવા ક્રૂડમાં તત્કાળ કરેક્શની શક્યતાં નથી જણાતી. જ્યાં સુધી લડાઈ અટકે નહિ ત્યાં ગોલ્ડ અને ક્રૂડ જેવી કોમોડિટીઝમાં પ્રિમીયમ જળવાયેલું રહી શકે છે. હાલમાં રોકાણકારો ગોલ્ડમાં લોંગ છે અને ઈક્વિટીઝમાં શોર્ટ છે. જ્યારે ક્રૂડમાં પણ તેઓ લોંગ પોઝીશન ધરાવે છે. એકવાર ગોલ્ડ 2000 ડોલરની સપાટી બ્રેક કરે તો 2050-2070 ડોલરની ટ્રેડિંગ રેંજ જોવા મળી શકે છે. જ્યાં ગોલ્ડને એક અવરોધ નડી શકે છે. ગોલ્ડે કેલેન્ડર 2021માં અન્ય કોમોડિટીઝની સરખામણીમાં ખૂબ જ અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. ક્રૂડમાં પણ ભાવ ઝડપથી કરેક્ટ થવાની શક્યતાં નથી. ક્રૂડમાં રશિયન ઓઈલ પર પ્રતિબંધ ના મૂકવામાં આવે પરંતુ ઈરાનના ઓઈલને બજારમાં પ્રવેશવામાં વિલંબ થાય તો પણ ક્રૂડના ભાવ 150 ડોલર સુધી ઉછળી શકે છે. ઓપેકે હવે નવી ઉત્પાદન વૃદ્ધિની ના પાડી છે. જો યુરોપિયન દેશો રશિયન ઓઈલ ખરીદવાનું બંધ કરે તો ક્રૂડ 180-200 ડોલર સુધી ઉછળી શકે છે. રશિયા વિશ્વનો 10 ટકા ક્રૂડ સપ્લાય ધરાવે છે. જેને કારણે વૈશ્વિક સપ્લાયમાં દિવસના 50 લાખ બેરલની તંગી જોવા મળી શકે છે.

 

 

નિફ્ટી ટોચ પરથી 15 ટકા ગગડ્યો જ્યારે તેના ઘટકોમાં 33 ટકા સુધીનું ધોવાણ

બેન્ચમાર્ક 18 ઓક્ટોબરે 18604ની ટોચના સ્તરેથી સોમવારે 15863ના સ્તરે બંધ રહ્યો

નિફ્ટી ઘટકોમાં ઈન્ડસઈન્ડ બેંકના શેરનું 33 ટકા સાથે સૌથી વધુ ધોવાણ જ્યારે ONGCનો શેર 20 ટકા ઉછળ્યો

 

રશિયા-યૂક્રેન વચ્ચે 11 દિવસથી જોવા મળી રહી રહેલા યુધ્ધ પાછળ શેરબજારોમાં વેચવાલી અટકી રહી નથી. સોમવારે ભારતીય બેન્ચમાર્ક નિફ્ટીએ વધુ 2 ટકાથી અધિક ઘટાડો દર્શાવી સાત મહિનાના તળિયે બંધ આપ્યું હતું. બેન્ચમાર્ક 16000ની સપાટી તોડી નીચે ઉતરી ગયો હતો અને સેન્ટિમેન્ટમાં સુધારાના અભાવે સાયકોલોજિકલી મહત્વના સ્તર નીચે જ બંધ રહ્યો હતો.

બેન્ચમાર્ક ઓક્ટોબર 2021માં તેણે દર્શાવેલી સર્વોચ્ચ સપાટી પરથી 14.73 ટકા જેટલો ગગડી ચૂક્યો છે. જે માર્ચ 2020 પછીનું બેન્ચમાર્કમાં સૌથી મોટું કરેક્શન છે. નિફ્ટીએ 18 ઓક્ટોબર 2021ના રોજ 18604ની ટોચ દર્શાવી હતી. જ્યારબાદ તે કરેક્શનના મોડમાં જોવા મળ્યો છે. છેલ્લાં છ મહિના દરમિયાન તેણે ઊંચી વોલેટિલિટી સાથે બે બાજુની વધ-ઘટ જાળવી રાખવા સાથે સરવાળે નવા નીચા સ્તરો દર્શાવ્યાં છે. સોમવારે તેણે 15863ના સ્તરે બંધ દર્શાવ્યું હતું. જે ટોચના સ્તરેથી 2741 પોઈન્ટ્સ અથવા 14.73 ટકાનો ઘટાડો સૂચવતો હતો. જોકે તેની સરખામણીમાં નિફ્ટીના 50 ઘટક શેર્સમાં 32.64 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી શેર્સમાં ઘટાડો દર્શાવવામાં ફાઈનાન્સિયલ્સ, ઓટો, એફએમસીજી અને ઓએમસી ક્ષેત્રની કંપનીઓ અગ્રણી છે. જ્યારે બીજી બાજુ અપસ્ટ્રીમ ઓઈલ કંપનીઓના શેર્સ સૌથી સારો સુધારો દર્શાવી રહ્યાં છે. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 45 કાઉન્ટર્સે 18 ઓક્ટોબરના તેમના બંધ ભાવ સામે ઘસારો દર્શાવ્યો છે. જ્યારે માત્ર પાંચ કાઉન્ટર્સ સુધારો સૂચવી રહ્યાં છે. બેન્ચમાર્કના 10 કાઉન્ટર્સે 25 ટકાથી વધુનું મૂડી ધોવાણ નોંધાવ્યું છે. જ્યારે 28 કાઉન્ટર્સે 10થી લઈને 25 ટકા સુધીનો ઘટાડો દર્શાવ્યો છે. બાકીના 10 કાઉન્ટર્સ 10 ટકા સુધીનો ઘટાડો સૂચવે છે.

નિફ્ટી કાઉન્ટર્સમાં સૌથી વધુ ઘસારો ખાનગી ક્ષેત્રની ઈન્ડસઈન્ડ બેંકના શેર્સમાં જોવા મળી રહ્યો છે. બેંકનો શેર તેની રૂ. 1229.65ના 21 ઓક્ટોબરની બંધ સપાટી પરથી 32.64 ટકા ગગડી સોમવારે રૂ. 828.25ના સ્તરે બંધ રહ્યો હતો. જે તેના રૂ. 811ના વાર્ષિક તળિયાની નજીકનું સ્તર છે. તેણે ઈન્ટ્રા-ડે સ્તરે રૂ. 825નું તળિયું દર્શાવ્યું હતું અને તેની નજીક જ બંધ આપ્યું હતું. ઊંચો ઘટાડો દર્શાવનારા અન્ય નિફ્ટી કાઉન્ટર્સમાં એચડીએફસી લાઈફ(-29 ટકા), એમએન્ડએમ(-27.60 ટકા), હિંદુસ્તાન યુનિલીવર(-26.87 ટકા), બીપીસીએલ(-25.92 ટકા), અલ્ટ્રા-ટેક સિમેન્ટ(-25.56 ટકા), એચડીએફસી(-25 ટકા) જેવા બ્લ્યૂચિપ્સનો સમાવેશ થાય છે. 2021માં સૌથી વધુ રિટર્ન આપનાર નિફ્ટી કાઉન્ટર ટાટા મોટર્સનો શેર પણ છેલ્લા છ મહિનામાં 25 ટકાનું ધોવાણ સૂચવી રહ્યો છે.

બીજી બાજુ નિફ્ટી કાઉન્ટર્સમાં પાંચ કાઉન્ટર્સે છેલ્લાં છ મહિનામાં પોઝીટીવ રિટર્ન દર્શાવ્યું છે. જેમાં ઓએનજીસીનો શેર 20.16 ટકાનું રિટર્ન સૂચવે છે. જાહેર ક્ષેત્રની ઓઈલ એક્સપ્લોરર કંપનીનો શેર 18 ઓક્ટોબરે રૂ. 155.62ના તેના બંધ ભાવથી સુધરતો રહી સોમવારે રૂ. 187ના સ્તરે બંધ રહ્યો હતો. તાજેતરમાં ક્રૂડના ભાવમાં જોવા મળેલી વૃદ્ધિ પાછળ કંપનીના શેરમાં ઝડપી સુધારો જોવા મળ્યો છે અને તે ત્રણ વર્ષોથી વધુની ટોચ પર ટ્રેડ થયો છે. આ સિવાય હિંદાલ્કો(12.49 ટકા), કોલ ઈન્ડિયા(11.37 ટકા), સિપ્લા(2.64 ટકા) અને પાવર ગ્રીડ કોર્પો(1.76 ટકા)નો સુધારો દર્શાવે છે. ટેક મહિન્દ્રા, સન ફાર્મા, ઈન્ફોસિસ, યૂપીએલ, ભારતી અને ટીસીએસ જેવા કાઉન્ટર્સ 0-5 ટકાની રેંજમાં સાધારણ ઘટાડો સૂચવે છે.

 

નિફ્ટી કાઉન્ટર્સનો દેખાવ

સ્ક્રિપ્સ 18 ઓક્ટોબર 2021ની ટોચ બજારભાવ(રૂ.) ફેરફાર(ટકામાં)

નિફ્ટી 18604 15863 -14.73

ઈન્ડસઈન્ડ બેંક 1229.65 828.25 -32.64

HDFC લાઈફ 706.05 503.55 -28.68

M&M 958.00 693.60 -27.60

હિંદ યુનિલીવર 2658.17 1944.00 -26.87

BPCL 457.49 338.90 -25.92

અલ્ટ્રાટેક સિમેન્ટ 7644.00 5689.90 -25.56

HDFC 2848.00 2133.50 -25.09

બજાજ ફિનસર્વ 19100.00 14382.00 -24.70

ડિવિઝ લેબ 5425.10 4087.95 -24.65

ટાટા મોટર્સ 525.00 395.75 -24.62

 

 

TCS 2030 સુધીમાં 50 અબજ ડોલરના ટાર્ગેટ સાથે પુનર્ગઠન કરશે

અગ્રણી આઈટી સર્વિસિસ કંપની ટીસીએસ તેના સંસ્થાકિય માળખાના પુનર્ગઠન માટે વિચારી રહી છે. જેમાં સ્પેશ્યાલાઈઝ્ડ ગ્રૂપ સ્ટાર્ટઅપ્સ તથા મોટી વૈશ્વિક કંપનીઓના ટાર્ગેટ કરશે. કંપની 2030 સુધીમાં તેની આવકને બમણી બનાવીને 50 અબજ ડોલર કરવાના ઈરાદા સાથે આમ કરવા વિચારી રહી હોવાનું જાણકાર વર્તુળો જણાવે છે. ટીસીએસ ચાર ઈન્ટરનલ ટીમ્સ ઊભી કરશે. જેમાં ટ્રાન્સફોર્મેશન ગ્રૂપ, ઈન્ક્યૂબેશન ગ્રૂપ, એન્ટરપ્રાઈઝ ગ્રોથ અને નવા બિઝનેસ મોડેલ્સને ટાર્ગેટ કરતાં એક ચોથા ગ્રૂપનો સમાવેશ થતો હતો. કંપની ચાલુ સપ્તાહે તેની બોર્ડ મિટિંગમાં આ પ્રસ્તાવિક નવુ સ્ટ્રક્ચર રજૂ કરે તેવી અપેક્ષા છે. પુનર્ગઠનનો હેતુ દેશની બીજુ સૌથી ઊંચું માર્કેટ-કેપ ધરાવતી કંપનીને ક્લાયન્ટ્સની બદલાતી જરૂરિયાતો સાથે અનુસુપ બનાવવાનો છે.

LIC પાસેથી રૂ. 10 હજાર કરોડ ઊભા કરવા HDFCની વાતચીત

દેશમાં સૌથી મોટી મોર્ગેજ લેન્ડર એચડીએફસી જીવન વીમા કંપની એલઆઈસી પાસેથી લોકલ બોન્ડ સેલ મારફતે રૂ. 10 હજાર કરોડ ઊભા કરવાની વિચારણા ચલાવી રહી હોવાનું વર્તુળો જણાવે છે. નવા મકાનો માટેની ક્રેડિટ માગ પુનર્જિવિત થઈ હોવાના કારણે કંપની નાણા ઊભા વિચારી રહી છે. 10-વર્ષ માટેના બોન્ડ્સ 7.25-7.35 ટકા કૂપન રેટ ઓફર કરતા હોવાની શક્યતાં છે અને તે એક્સચેન્જ પ્લેટફોર્મ પર મંગળવારે બિડિંગ માટે જોવા મળી શકે છે. એલઆઈસીએ આ પ્રસ્તાવિત ઈન્વેસ્ટમેન્ટ માટે આંતરિક મંજૂરી મેળવી લીઘી હોવાનું વર્તુળો જણાવે છે.

યૂક્રેન ઘર્ષણ વચ્ચે ભારતમાંથી ઘઉંની નિકાસ 1 કરોડ ટન પાર કરી શકે

જો રશિયા-યૂક્રેન વચ્ચેની લડાઈ લાંબુ ચાલશે તો ભારતમાંથી ઘઉંની નિકાસને વેગ મળી શકે છે. જે સ્થિતિમાં નાણાકિય વર્ષ 2022-23માં ઘઉંની નિકાસ 1 કરોડ ટનને પાર કરી જાય તેવી શક્યતાં છે. જે ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન વિક્રમી 70 લાખ ટન પર જોવા મળી છે. વૈશ્વિક ટ્રેડિંગ કંપનીઓ તથા સ્થાનિક નિરીક્ષકોના મતે રશિયા-યૂક્રેન કટોકટીને પગલે વૈશ્વિક ખરીદારો ભારત તરફ વળ્યાં છે તેટલું જ નહિ પરંતુ ભારતીય ઘઉંના ભાવ 320 ડોલર પ્રતિ ટન(એફઓબી) પરથી ઉછળી 10 જ દિવસોમાં 360 ડોલર પ્રતિ ટન પર પહોંચ્યાં છે. ફેબ્રુઆરી આખર સુધીમાં દેશમાંથી 66 લાખ ટન ઘઉંની નિકાસ થઈ ચૂકી હતી અને માર્ચ મહિનો પૂરો થતાં સુધીમાં તે 70 લાખ ટનને પાર કરી જશે એમ કેન્દ્રિય ખાદ્યાન્ન સચિવે જણાવ્યું હતું.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage