Market Summary 7 May 2021

માર્કેટ સમરી

બજાર સતત બીજા સપ્તાહે પોઝીટીવ બંધ આપવામાં સફળ

ગયા સપ્તાહે 1.8 ટકાના સુધારે બંધ રહેલા બેન્ચમાર્ક સતત બીજા સપ્તાહે પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યાં છે. જે સૂચવે છે કે અન્ડરટોન બુલીશ છે. અલબત્ત, વૈશ્વિક બજારોમાં કોઈપણ અણધારી મૂવમેન્ટ સ્થાનિક બજાર પર પ્રતિકૂળ અસર કરી શકે છે. ટેકનિકલી નિફ્ટીને 15040નો અવરોધ છે. જે પાર થશે તો 15400 અને 15700ના સ્તરો જોવામાં આવી રહ્યાં છે.

મેટલમાં ઉન્માદનો માહોલ, નિફ્ટી મેટલ વધુ 5 ટકા વધ્યો

સ્ટીલ-એલ્યુમિનિયમ શેર્સમાં ધૂમ ખરીદી
ટાટા સ્ટીલ રૂ. 1200ની નજીક પહોંચ્યો, હિંદાલ્કોએ પ્રથમવાર રૂ. 400ની સપાટી કૂદાવી
મેટલ્સના ભાવમાં સુધારા સાથે ઉત્પાદક કંપનીઓના ભાવમાં સુધારાનું વલણ ચાલુ છે. દલાલ સ્ટ્રીટ પર મેટલ શેર્સના ઈતિહાસમાં પ્રથમવાર આટલી ઝંઝાવાતી તેજી જોવા મળી રહી છે. તેમા પણ સ્ટીલ શેર્સે અસાધારણ દેખાવ દર્શાવ્યો છે. શુક્રવારે વધુ 9 ટકા ઉછાળા સાથે મોટાભાગની સ્ટીલ કંપનીઓના શેર્સ તેમની નવી ટોચ પર પહોંચ્યાં હતાં. એલ્યુમિનિયમ કંપનીઓના શેર્સ પણ નવી ઊંચાઈ આંબી ગયા હતાં. જેની પાછળ નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 5 ટકાથી વધુ ઉછળી 5387ની ટોચ પર જોવા મળ્યો હતો.
ચાલુ સપ્તાહે સ્ટીલ કંપનીઓએ તેમની પ્રોડક્ટ્સમાં ભાવ વૃદ્ધિ કરવા સાથે માર્ચ ક્વાર્ટર માટે અપેક્ષાથી ચઢિયાતા પરિણામો રજૂ કર્યાં હતાં અને તેની પાછળ સ્ટીલ કંપનીઓમાં તીવ્ર શોર્ટ કવરિંગ પાછળ લેવાલીનો એક વધુ રાઉન્ડ જોવા મળ્યો હતો. અંતિમ બે ટ્રેડિંગ સત્રોમાં શોર્ટ સેલર્સ ખૂબ જ ખરાબ રીતે ફસાયેલા જોવા મળતાં હતાં. તેઓ નીચા ભાવની અપેક્ષા રાખીને બેઠાં હતાં અને ભાવ ઉપરની તરફ ગતિ કરતાં રહ્યાં હતાં. જેમાં ટાટા સ્ટીલનો ભાવ બે દિવસમાં 13 ટકા જેટલો ઉછળ્યો હતો. શુક્રવારે તે રૂ. 1192ની તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રૂ. 1182 પર બંધ રહ્યો હતો. એક વર્ષ અગાઉ કંપનીનો શેર રૂ. 260ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લા બે મહિનામાં શેરના ભાવમાં તીવ્ર ઉછાળા બાદ ટાટા સ્ટીલ ટાટા જૂથની લિસ્ટેડ કંપનીઓમાં ટીસીએસ બાદ બીજા ક્રમે માર્કેટ-કેપ ધરાવતી કંપની બની છે. જે ચાલુ કેલેન્ડરની શરૂઆતમાં પાંચમા ક્રમે હતી. આમ સ્ટીલ કંપનીઓ માટે ઊજળું ભાવિ જોવા મળી રહ્યું છે. દેશમાં પ્રિમીયમ સ્ટીલ પ્રોડક્ટ્સ બનાવતી જેએસડબલ્યુ સ્ટીલ માટે પણ આ બાબત સાચી છે. બે મહિના અગાઉ રૂ. એક લાખ કરોડના માર્કેટ-કેપને પાર કરનાર કંપનીનું માર્કેટ-કેપ શુક્રવારે બંધ ભાવે રૂ. 1.83 લાખ જોવા મળતું હતું. કંપનીના શેરે રૂ. 767ની સર્વોચ્ચ ટોચ દર્શાવી 4 ટકાના સુધારે રૂ. 757ના સ્તરે બંધ આપ્યું હતું. સ્ટીલ કંપનીઓને કાચી સામગ્રી પૂરી પાડતાં એનએમડીસીનો શેર 8 ટકાથી વધુ ઉછળી રૂ. 185ના સર્વોચ્ચ સ્તરે બંધ રહ્યો હતો. એલ્યુમિનિયમ કંપનીઓમાં પીએસયૂ ઉત્પાદક નાલ્કોનો શેર 11 ટકા ઉછળી 76ના સ્તરે ટ્રેડ થયો હતો. જ્યારે હિંદુસ્તાન કોપરનો શેર 10 ટકાની ઉપલી સર્કિટમાં રૂ. 172ના સ્તરે બંધ રહ્યો હતો. વેદાંતાનો શેર પણ દિવસ દરમિયાન 8 ટકા ઉછળ્યો હતો. તેણે રૂ. એક લાખ કરોડનું માર્કેટ-કેપ હાંસલ કર્યું હતું.
ફાર્મા કંપનીઓમાં સિલેક્ટિવ બાઈંગ પાછળ નવા ભાવ
ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં પસંદગીના શેર્સમાં સપ્તાહના અંતિમ દિવસે ખરીદી જળવાય હતી. જેની પાછળ ઘણી જાણીતી કંપનીઓએ તેમની સર્વોચ્ચ સપાટી અથવા તો છેલ્લા કેટલાંક વર્ષોના ટોચના ભાવ દર્શાવ્યાં હતાં. જેમાં ગ્લેનમાર્ક ફાર્માનો શેર 4 ટકા ઉછળી રૂ. 592 પર બંધ રહ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 570ના બંધ સામે રૂ. 602ની ટોચ પર ટ્રેડ થયો હતો. એરિસ લાઈફ સાયન્સિઝનો શેર 6.5 ટકા સુધારા સાથે રૂ. 641 પર બંધ રહ્યો હતો. કંપનીનો શેર રૂ. 602ના બંધ સામે ઊછળી રૂ. 692ની ટોચ પર પહોંચ્યો હતો. જોકે ત્યાંથી પરત ફર્યો હતો. કેડિલા હેલ્થકેરનો શેર પણ રૂ. 602ના અગાઉના બંધ સામે રૂ. 612ની ટોચ દર્શાવી સાધારણ પોઝીટીવ બંધ દર્શાવતો હતો. જ્યારે અજંતા ફાર્મા રૂ. 2000ની સપાટીને વટાવી ગયો હતો. રૂ. 1999ના અગાઉના બંધ સામે તેણે રૂ. 2048ની ટોચ દર્શાવી હતી. છેલ્લા બે દિવસ દરમિયાન સારો સુધારો દર્શાવનાર લ્યુપિનનો શેર રૂ. 1197ના બંધ સામે રૂ. 1240ની ટોચ બનાવી ફ્લેટ બંધ રહ્યો હતો.
જીએમડીસીના શેરમાં 13 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાયો
ગુજરાત સરકારના લિગ્નાઈટ સાહસ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન(જીએમડીસી)ના શેરમાં શુક્રવારે ઓચિંતી લેવાલી જોવા મળી હતી અને શેરના ભાવમાં 13 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. રૂ. 60.40ના અગાઉના બંધ ભાવ સામે જીએમડીસીનો શેર રૂ. 9ના ઉછાળે રૂ. 69.20ની છેલ્લા ઘણા સમયની ટોચ પર ટ્રેડ થયો હતો અને કામકાજના અંતે 12 ટકા વૃદ્ધિ સાથે રૂ. 67.60 પર બંધ રહ્યો હતો. કંપનીએ રૂ. 2000 કરોડના માર્કેટ-કેપને પાર કર્યું હતું. કંપનીનો શેર છેલ્લા લાંબા સમયથી અન્ડપર્ફોર્મર રહ્યો છે. વાર્ષિક રૂ. 34ના તળિયા સામે હાલમાં તે બમણા ભાવે ટ્રેડ દર્શાવી રહ્યો છે.
એક્સિસ એમએફે ગ્લોબલ ઈનોવેશન ફંડ ઓફ ફંડ લોંચ કર્યું
અગ્રણી એસેટ મેનેજમેન્ટ કંપની એક્સિસ મ્યુચ્યુલ ફંડે તેના નવા ફંડ એક્સિસ ગ્લોબલ ઈનોવેશન ફંડ ઓફ ફંડ રજૂ કર્યું છે. જે રોકાણકારોને શ્રોડર ઈન્ટરનેશનલ સિલેક્શન ફંડ ગ્લોબલ ડિસર્પ્શન(એસઆઈએસએફ)માં રોકાણની તક આપે છે. એસઆઈએસએફ એ ઈ-કોમર્સ, એન્વાર્યન્ટમેન્ટ અને હેલ્થકેર જેવા સબ-થીમ્સ પર ફોકસ કરે છે. આ એક વૈશ્વિક ફંડ છે. જેનો હેતુ વિક્ષેપના સમયમાં વળતર આપવાનો છે. એનઓફઓ 10 મેના રોજ ખૂલશે અને 21 મેના રોજ બંધ થશે.
ડોલર સામે રૂપિયો વધુ 25 પૈસા ઉછળ્યો
કરન્સી માર્કેટમાં યુએસ ડોલર સામે રૂપિયામાં મજબૂતી યથાવત છે. શુક્રવારે ભારતીય રૂપિયો ગ્રીનબેક સામે વુધ 25 પૈસા સુધરી 73.51ના સ્તરે બંધ આવ્યો હતો. આમ તેણે 73.70ના મહત્વના અવરોધને પાર કર્યો હતો. જે સૂચવે છે કે ચલણના ભાવમાં બે બાજુની વધ-ઘટ જોવા મળી શકે છે. રૂપિયો 15 દિવસ અગાઉ ગગડીને 75.55ના ઈન્ટ્રા-ડે તળિયા પર જોવા મળ્યો હતો. જ્યાંથી તેણે નોંધપાત્ર સુધારો દર્શાવ્યો છે. એફઆઈઆએ ગુરુવારે ભારતીય બજારમાં રૂ. 1220ની ચોખ્ખી ખરીદી દર્શાવી હતી. જેણે પણ બજારના સેન્ટિમેન્ટ પર અસર કરી હતી. એપ્રિલમાં ભારતીય ઈક્વિટીઝમાં ચોખ્ખા વેચાણ બાદ હજુ સુધી મે મહિનામાં પણ વિદેશી રોકાણકારોની ચોખ્ખી વેચવાલી જોવા મળી રહી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage