Market Summary 7 September 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


ટ્રિગરના અભાવે રેંજ બાઉન્ડ ટ્રેડ જાળવી રાખતું શેરબજાર
જોકે વૈશ્વિક હરિફોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ યથાવત
વોલેટિલિટી ઈન્ડેક્સ એક ટકો ગગડી 19.36 ટકાની સપાટીએ
ઓટો, એનર્જી અને બેંકિંગમાં ઊંચા મથાળે ડિસ્ટ્રીબ્યુશન
ફાર્મા, એફએમસીજી અને આઈટીમાં ડિફેન્સિવ પ્લે
બ્રોડ માર્કેટમાં મજબૂત ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ
અદાણી એન્ટરપ્રાઈઝ નવી ટોચ પર બંધ
કોલ ઈન્ડિયા ચાર વર્ષોની ટોચ પર

વૈશ્વિક બજારોમાં સતત જળવાયેલી નરમાઈ વચ્ચે ભારતીય શેરબજાર પણ રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવી રહ્યું છે. ચાલુ સપ્તાહે સતત ત્રીજા ટ્રેડિંગ સત્રમાં બેન્ચમાર્ક્સ બે બાજુની વધ-ઘટ બાદ સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. જેમાં બીએસઈ સેન્સેક્સ 168 પોઈન્ટ્સ ગગડી 59029ની સપાટીએ જ્યારે નિફ્ટી 31 પોઈન્ટ્સ ઘટાડે 17624ની સપાટીએ બંધ રહ્યાં હતાં. ઘણા લાર્જ-કેપ્સમાં નરમાઈ છતાં નિફ્ટી શેર્સમાં માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી રહી હતી. નિફ્ટી-50ના 50માંથી 27 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 23 કાઉન્ટર્સ નરમાઈ સૂચવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં ભારે લેવાલી જોવા મળી હતી. જેની પાછળ બીએસઈ ખાતે મજબૂત માર્કેટ-બ્રેડ્થ જળવાય હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીક્સમાં 1 ટકા નરમાઈ નોંધાઈ હતી.
બુધવારે ભારતીય બજારે નોંધપાત્ર ગેપ-ડાઉન કામકાજ દર્શાવી દિવસ દરમિયાન બાઉન્સ નોંધાવ્યું હતું અને એક તબક્કે ફ્લેટ ટ્રેડ પણ દર્શાવ્યો હતો. જોકે ત્યાંથી તે ફરી ઘટાડાતરફી બન્યું હતું અને નરમાઈ સાથે જ બંધ જોવા મળ્યું હતું. બેન્ચમાર્કે 17651ની ટોચ દર્શાવી હતી. ટેકનિકલ એનાલિસ્ટ્સ માર્કેટ 17600ની ઉપર છે ત્યાં સુધી મજબૂતી જોઈ રહ્યાં છે. તેમના મતે માર્કેટમાં હજુ ટ્રેન્ડ રિવર્સલના કોઈ સંકેત મળ્યા નથી. આમ શોર્ટ કરવામાં ઉતાવળ કરવી જોઈએ નહિ. જોકે બીજી બાજુ 17780નું સ્તર પાર થાય નહિ ત્યાં સુધી માર્કેટ 17400-17800ની રેંજમાં અથડાયા કરે તેવી શક્યતા ઊંચી છે. કેમકે હાલમાં બજારને કોઈ એક દિશામાં લઈ જવા માટે ટ્રિગરનો અભાવ જોવા મળી રહ્યો છે. આગામી મહિને બીજા ક્વાર્ટરના પરિણામો બજારને દિશા આપવામાં મહત્વનું પરિબળ બનશે. કોર્પોરેટ કંપનીઓ નબળા પરિણામો દર્શાવે તેવી અપેક્ષા સ્ટ્રીટ રાખી રહી છે. જોકે બીજી બાજુ ઈન્ફ્લેશન અને તેની પાછળ ઈન્ટરેસ્ટ વૃદ્ધિને લઈને મોટાભાગની ચિંતા બજારો ડિસ્કાઉન્ટ કરી ચૂક્યાં છે અને તેથી વધુ ઘટાડા માટે હાલમાં કોઈ મોટી જગા નથી. તેમના મતે ભારતીય શેરબજારો વૈશ્વિક હરિફોની સરખામણીમાં ડિકપલીંગ દર્શાવી રહ્યાં છે. જોકે ડિકપલીંગની થિયરીનો બજારનો કેટલોક વર્ગ અસ્વીકાર કરી રહ્યો છે. તેના મતે ડિકપલીંગ જેવી કોઈ સંભાવના નથી. કેમકે ભારતીય અર્થતંત્ર પણ વૈશ્વિક અર્થતંત્ર સાથે ગાઢ રીતે જોડાયેલું છે. આ સ્થિતિમાં વૈશ્વિક મંદીની અસર સ્થાનિક સ્તરે જોવા મળશે. જેની પાછળ ગ્રોથ રેટમાં અપેક્ષા સામે ઘટાડો જોવા મળી શકે છે. સર્વિસ સેક્ટર તો છેલ્લાં બે ક્વાર્ટરથી વૈશ્વિક મંદીની અસર અનુભવી રહ્યો છે. આ સ્થિતિમાં મેન્યૂફેક્ચરિંગ અને એગ્રીકલ્ચર સેક્ટર્સ પર જવાબદારી વધી છે.
બુધવારે માર્કેટને સપોર્ટ કરવામાં ડિફેન્સિવ સેક્ટરનો સમાવેશ થતો હતો. જેમાં ફાર્મા અને એફએમસીજી મુખ્ય હતાં. આઈટી શેર્સ પણ તેમના દિવસના તળિયાથી બાઉન્સ થયા હતા અને સુધારા સાથે બંધ રહ્યાં હતાં. નિફ્ટી ફાર્માએ લાંબા સમયગાળા બાદ બ્રોડ માર્કેટને આઉટપર્ફોર્મ કર્યું હતું. ઈન્ડેક્સ 0.8 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. ફાર્મા કાઉન્ટર્સમાં બાયોકોન 3.4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. જે સિવાય લ્યુપિન 2 ટકા, આલ્કેમ લેબ 2 ટકા, ઓરો ફાર્મા 1.4 ટકા, ઝાયડસ લાઈફ 1.3 ટકા અને ટોરેન્ટ ફાર્મા 1.3 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એફએમસીજી 0.2 ટકાના સાધારણ સુધારે બંધ રહ્યો હતો. કેમકે આઈટીસી અને હિંદુસ્તાન લીવરમાં નરમાઈ જાવો મળી હતી. જોકે ગોદરેજ કન્ઝ્યૂમરમાં 4 ટકાનો મજબૂત સુધારો જોવા મળ્યો હતો. આ સિવાય બ્રિટાનિયા 1.6 ટકા, કોલગેટ 1.5 ટકા, પીએન્ડજી 1.3 ટકા અને ઈમામી એક ટકાની મજબૂતી જોવા મળી રહી હતી. નિફ્ટી આઈટી 0.32 ટકા સુધારે બંધ રહ્યો હતો. જેમાં એમ્ફેસિસ 1 ટકો, એલએન્ડટી ઈન્ફોટેક 1.1 ટકો, કોફોર્જ 1 ટકો અને માઈન્ડટ્રી લગભગ એક ટકાનો સુધારો સૂચવતાં હતાં. આઈટી અગ્રણી ટીસીએસ તળીયાથી બાઉન્સ થઈ 0.75 ટકા સુધારે બંધ રહ્યો હતો. જોકે નિફ્ટી ઓટોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બેન્ચમાર્ક 1.1 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. જેમાં ટાટા મોટર્સ 2.6 ટકા ઘટાડે સૌથી ખરાબ દેખાવ દર્શાવતો હતો. આ ઉપરાંત બજાજ ઓટો 2.1 ટકા, અશોક લેલેન્ડ 1.85 ટકા, એક્સાઈડ ઈન્ટસ્ટ્રીઝ 1.6 ટકા, ભારત ફોર્જ 1.5 ટકા, એમએન્ડએમ 1.3 ટકા, ટીવીએસ મોટર 1.3 ટકા, મારુતિ 1.2 ટકા અને બોશ 1 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એનર્જી 0.6 ટકા ડાઉન જોવા મળ્યો હતો. જેમાં અદાણી ગ્રીન એનર્જી 1.2 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. એનટીપીસી પણ 0.7 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 0.6 ટકા ડાઉન જોવા મળી રહ્યો હતો. બીજી બાજુ ઓઈલ માર્કેટિંગ કંપનીઓના શેર્સ 2 ટકા સુધીનો સુધારો સૂચવી રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં કોન્કોર 8 ટકા ઉછળ્યો હતો. જ્યારે શ્રી સિમેન્ટ્સ 7 ટકા, વોડાફોન આઈડિયા 7 ટકા, ફર્સ્ટસોર્સ સોલ્યુશન 7 ટકા, ડો. લાલ પેથલેબ્સ 6 ટકા, ઝી એન્ટરટેઈનમેન્ટ 5 ટકા, એસ્ટ્રાલ 4 ટકા અને ડિક્સોન ટેક્નોલોજી 4 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. જ્યારે બીજી બાજુ સિટી યુનિયન બેંક 2.6 ટકા, ટાટા મોટર્સ 2.6 ટકા, ઈન્ટરગ્લોબ એવિએશ 2 ટકા, ફેડરલ બેંક 2 ટકા, અશોક લેલેન્ડ 2 ટકા અને ઈન્ડસઈન્ડ બેંક પણ 1.7 ટકા ઘટાડો સૂચવતી હતી. બ્રોડ માર્કેટમાં મજબૂતી પાછળ બીએસઈ ખાતે બ્રેડ્થ ઘણી સારી રહી હતી. પ્લેટફોર્મ પર કુલ 3579 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2064 પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1393 ઘટાડો સૂચવી રહ્યાં હતાં. 181 કાઉન્ટર્સ તેમની વાર્ષિક ટોચ દર્શાવી રહ્યા હતાં. જ્યારે 19 કાઉન્ટર્સે તેમની 52-સપ્તાહની બોટમ બનાવી હતી. 122 કાઉન્ટર્સ તેમના અગાઉના બંધ ભાવે સ્થિર જોવા મળ્યાં હતાં.




સિમેન્ટ કંપનીઓના શેર્સમાં 10 ટકા સુધીનો ઉછાળો નોંધાયો
વિવિધ કંપનીઓએ સિમેન્ટના ભાવમાં પ્રતિ બેગ રૂ. 15-20ની વૃદ્ધિ દર્શાવી
સાંઘી ઈન્ડસ્ટ્રીઝનો શેર સૌથી વધુ 10 ટકા ઉછળ્યો

સિમેન્ટના ભાવમાં વૃદ્ધિ પાછળ સિમેન્ટ ઉત્પાદક કંપનીઓના શેર્સમાં ભારે લેવાલી જોવા મળી હતી. મંદીના બજારમાં બુધવારે સિમેન્ટ શેર્સ 10 ટકા જેટલા ઉછળ્યાં હતાં. સિમેન્ટ કંપનીઓએ કોમોડિટીના ભાવમાં પ્રતિ બેગ રૂ. 15-20ની વૃદ્ધિ કર્યાની જાહેરાત કરતાં બજાર ખૂલ્યાં બાદ એક પછી એક કંપનીઓના શેર્સમાં ખરીદી નીકળી હતી.
કોવિડના ગાળામાં નોંધપાત્ર ભાવ વૃદ્ધિ પાછળ સિમેન્ટ શેર્સમાં ઊંચી તેજી જોવા મળી હતી. જોકે રો-મટિરિયલ્સના ભાવમાં તીવ્ર વૃદ્ધિ પાછળ સિમેન્ટ કંપનીઓના માર્જિન ઘસાયા હતા. તેમજ વપરાશ પણ ઘટ્યો હતો. જેને કારણે ચાલુ કેલન્ડરમાં સિમેન્ટ શેર્સ તેમની 2021ની ટોચની સરખામણીમાં નોંધપાત્ર નીચે ટ્રેડ થઈ રહ્યાં હતાં અને તેમાં ખરીદીનો અભાવ જોવા મળી રહ્યો હતો. જોકે બુધવારે સિમેન્ટના ભાવમાં વૃદ્ધિના અહેવાલે રોકાણકારોએ સિમેન્ટ શેર્સ ખરીદવા દોટ મૂકી હતી. નોંધપાત્ર સમયગાળા બાદ સિમેન્ટના ભાવમાં વૃદ્ધિ જોવા મળી હતી. જે સમગ્ર ઉદ્યોગ માટે પોઝીટીવ બાબત છે. એક કોમોડિટી હોવાના કારણે સિમેન્ટ ઉદ્યોગ સાઈક્લિકલ છે અને તેથી તેમાં ભાવમાં વધ-ઘટ સાથે નફાકારક્તા સીધી જોડાયેલી હોય છે. છેલ્લાં છ મહિનામાં એનર્જી ખર્ચમાં ઊંચી વૃદ્ધિ પાછળ સિમેન્ટ શેર્સ તેમના માર્જિન પર દબાણ જોઈ રહ્યાં છે. જેમાં તાજેતરના ભાવ વધારાને કારણે થોડે અંશે રાહત મળશે એમ વર્તુળો જણાવે છે. બુધવારે ઊંચી ખરીદી દર્શાવનાર સિમેન્ટ શેર્સમાં લાર્જ-કેપ્સ સાથે મીડ-કેપ અને સ્મોલ-કેપ સિમેન્ટ શેર્સનો પણ સમાવેશ થાય છે. સાંઘી ઈન્ડસ્ટ્રીઝનો શેર 10 ટકા ઉછળા સાથે સૌથી સારો સુધારો દર્શાવી રહ્યો હતો. આ સિવાય શ્રી સિમેન્ટનો શેર 8 ટકાથી વધુ ઉછળ્યો હતો. જ્યારે કાકટિયા સિમેન્ટ(8 ટકા), જેકે લક્ષ્મી(7.4 ટકા), એપીસીએલ(6 ટકા), આંધ્ર સિમેન્ટ(5 ટકા), રામ્કો ઈન્ડ(5 ટકા) અને અલ્ટ્રાટેક(4 ટકા)નો સમાવેશ થાય છે. જોકે આ સુધારા બાદ પણ મોટાભાગના સિમેન્ટ શેર્સ તેમણે 2021માં દર્શાવેલી સર્વોચ્ચ ટોચની સરખામણીમાં 25 ટકા સુધીના ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થઈ રહ્યાં છે. કોમોડિટી એનાલિસ્ટ્સના મતે સિમેન્ટ ઉદ્યોગ પરનું ફુગાવાનું દબાણ ધીમે-ધીમે ઘટતું જોવા મળી રહ્યું છે અને તેથી આગામી સમયગાળામાં કંપનીઓ વધુ સારા પરિણામો દર્શાવી શકે છે. જેની પાછળ શેર્સમાં પણ સુધારો જળવાય શકે છે.
બુધવારે સિમેન્ટ શેર્સનો દેખાવ
સ્ક્રિપ્સ 7 સપ્ટેમ્બરનો બંધ(રૂ.) 8 સપ્ટેમ્બરનો બંધ(રૂ.) વૃદ્ધિ(ટકામાં)
સાંઘી ઈન્ડસ્ટ્રીઝ 60.70 66.75 9.97
શ્રી સિમેન્ટ 21654.35 23480.00 8.43
કાકટિયા સિમેન્ટ 212.00 228.35 7.71
જેકે લક્ષ્મી 468.60 503.30 7.41
એપીસીએલ 234.35 248.20 5.91
આંધ્ર સિમેન્ટ 7.05 7.40 4.96
રામ્કો ઈન્ડ. 208.85 219.00 4.86
અલ્ટ્રાટેક 6495.50 6785.00 4.46
જેકે સિમેન્ટ 2709.90 2830.50 4.45
નૂવોકો 351.00 365.80 4.22
હેડલબર્ગ 184.75 191.80 3.82



ચાલુ કેલેન્ડરમાં નવા યુનિકોર્ન્સ બનવામાં ભારત ચીનથી આગળ
જાન્યુઆરીથી જૂન સુધીમાં ભારતમાં નવા 14 યુનિકોર્ન્સ બન્યાં જ્યારે ચીનમાં 11 યુનિકોર્ન્સનો ઉમેરો
યુએસ ખાતે નવા 138 યુનિકોર્ન્સ સાથે સૌથી ઊંચી વૃદ્ધિ નોંધાઈ
વિશ્વમાં કુલ યુનિકોર્ન્સના 5 ટકા ભારતમાં

ભારતીય સ્ટાર્ટ-અપ સેક્ટર છેલ્લાં કેટલાંક મહિનાઓથી કપરાં સમયમાંથી પસાર થઈ રહ્યું છે તેમ છતાં કેલેન્ડર 2022ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં નવા યુનિકોર્ન્સ બનવામાં ભારતે ચીનને પાછળ રાખી દીધું છે. જાન્યુઆરીથી જૂન દરમિયાન ભારતમાં 14 સ્ટાર્ડ-અપ્સનું વેલ્યૂએશન એક અબજ ડોલરના પાર કરી ગયું છે. આમ નવા 14 યુનિકોર્ન્સનો ઉમેરો થયો છે. સમાનગાળામાં ચીન ખાતે 11 યુનિકોર્ન્સ ઉમેરાયાં છે. આમ ભારતીય સ્ટાર્ટ-અપ્સના વેલ્યૂએશન્સ ચીની સરખામણીમાં ઝડપથી વધી રહેલા જણાય છે. યુએસ ખાતે પ્રથમ છ માસ દરમિયાન 134 યુનિકોર્ન્સની વૃદ્ધિ જોવા મળી હતી અને તેણે ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું.
વૈશ્વિક સ્તરે કુલ યુનિકોર્ન્સની બાબતમાં ભારત ત્રીજા ક્રમે આવે છે. તે કુલ 68 યુનિકોર્ન્સ ધરાવે છે. જેમાં ઓનલાઈન એજ્યૂકેટર બાઈજુસ 22 અબજ ડોલર સાથે સૌથી મોટો યુનિકોર્ન છે. જ્યારબાદના ક્રમે ફૂડ ડિલિવરી સ્ટાર્ટ-અપ સ્વિગી 11 અબજ ડોલર સાથે જોવા મળે છે. ટ્રાવેલ-સ્ટે ફાઈન્ડર ડ્રીમ11 8 અબજ ડોલરના વેલ્યૂએશન સાથે ત્રીજા ક્રમે આવે છે. જો ભારતીય દ્વારા ભારત બહાર શરૂ કરવામાં આવેલા યુનિકોર્ન્સને ગણનામાં લઈએ તો કુલ સંખ્યા 124 પર પહોંચે છે. સ્થાનિક સ્તરે 68 યુનિકોર્ન્સ સાથે ભારત વિશ્વના 5 ટકા યુનિકોર્ન્સ ધરાવે છે. જ્યારે યુએસ વિશ્વમાં કુલ યુનિકોર્ન્સના 48 ટકા હિસ્સો અને ચીન 24 ટકા હિસ્સો ધરાવે છે. 4 ટકા હિસ્સા સાતે યુકે ચોથા ક્રમે જ્યારે જર્મની 3 ટકા હિસ્સા સાથે પાંચમા ક્રમે આવે છે. 2022ના પ્રથમ છ મહિના દરમિયાન જર્મની નવા 10 યુનિકોર્ન્સના ઉમેરા સાથે ચોથા ક્રમે જોવા મળ્યું હતું. જ્યારે યૂકે 7 યુનિકોર્ન્સના ઉમેરા સાથે પાંચમા ક્રમે રહ્યું હતું. જો વિશ્વમાં કયું શહેર કેટલા યુનિકોર્ન્સ ધરાવે છે, તેના પર નજર નાખીએ તો સેનફ્રાન્સિસ્કોએ 176 યુનિકોર્ન્સ સાથે વિશ્વમાં યુનિકોર્ન કેપિટલ તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે. ન્યૂ યોર્કે 35 યુનિકોર્ન્સના ઉમેરાની સહાયથી કુલ 125 યુનિકોર્ન્સ સાથે બૈજિંગને પાછળ રાખી બીજા ક્રમે આવી ગયું છે. જ્યારે 90 યુનિકોર્ન્સ સાથે બૈજિંગ ત્રીજા ક્રમે છે. જ્યારે શાંધાઈ 69 યુનિકોર્ન્સ સાથે ચોથા ક્રમે જોવા મળે છે. 39 યુનિકોર્ન્સ સાથે લંડન પાંચમા ક્રમે છે. જ્યારે બેંગલૂરૂ અને શેનઝેન, બંને 33 યુનિકોર્ન્સ સાથે પાંચમા ક્રમ પર આવે છે.
દેશના ત્રણ યુનિકોર્ન્સ બાઈજુસ, સ્વિગી અને ડ્રીમ11નો વૈશ્વિક સ્તરે ટોચના 100 યુનિકોર્ન્સમાં સમાવેશ થાય છે. જોકે 147 યુનિકોર્ન્સના વેલ્યૂએશન્સમાં જાન્યુઆરીથી જૂન દરમિયાન ઘટાડો નોંધાયો હતો. ગયા વર્ષે 1 અબજ ડોલરનું વેલ્યૂએશન પાર કર ગયેલા 81 યુનિકોર્ન્સે તેમના મૂલ્યમાં ઘટાડો નોંધાવ્યો હતો. જેમાં 36 યુએસ ખાતેથી હતાં. તેમજ 35 ચીનના હતા. જો ભારતની વાત કરીએ તો ચાલુ વર્ષે વધુ 51 કંપનીઓ યુનિકોર્ન્સ બને શક્યતાં છે. જ્યારે આગામી બેથી ચાર વર્ષોમાં કુલ 122 કંપનીઓ યુનિકોર્ન્સ બની શકે છે.

કેલેન્ડર 2022માં નવા યુનિકોર્ન્સનો ઉમેરો
દેશ નવા યુનિકોર્ન્સ
યુએસ 138
ભારત 14
ચીન 11
જર્મની 10
યૂકે 07


અદાણી 70 અબજ ડોલરના ખર્ચે 3 ગીગા ફેકટરી બનાવશે
અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે તેઓ ભારતમાં 70 અબજ ડોલરના ખર્ચે ત્રણ ગીગા ફેકટરીની સ્થાપના કરશે. 2030 સુધીમાં તેઓ ક્લિન એનર્જી ક્ષેત્રે જંગી રોકાણ કરશે. આ ત્રણ ફેકટરીઝ સોલાર મોડ્યૂલ્સ, વિન્ડ ટર્બાઈન્સ અને હાઈડ્રોજન ઈલેક્ટ્રોલાઈઝર્સનું ઉત્પાદન કરશે. અદાણી જૂથ વિશ્વમાં ટોચની રિન્યૂએબલ એનર્જી ઉત્પાદક બનવાનો લક્ષ્ય ધરાવે છે અને તે માટે ગ્રીન એનર્જી વેલ્યૂ ચેઈનમાં તમામ ક્ષેત્રે રોકાણ કરી રહી છે. ગૌતમ અદાણીએ યુએસઆઈબીસી ગ્લોબલ લીડરશીપ એવોર્ડ સ્વીકાર કરતી વખતે આમ જણાવ્યું હતું. હાલમાં જૂથ 20 ગીગા વોટ રીન્યૂએબલ એનર્જી ઉત્પાદન ધરાવે છે. જેમાં તે વધુ 45 ગીગાવોટનો ઉમેરો કરશે. અદાણીની જાહેરાત બાદ અદાણી ગ્રીન એનર્જીનો શેર નરમાઈ સાથે બંધ રહ્યો હતો.
ફર્ટિલાઈઝર PSUsના પ્રાઈવેટાઈઝેશનની વિચારણા
કેન્દ્ર સરકાર ફર્ટિલાઈઝર ક્ષેત્રના જાહેર સાહસોના પ્રાઈવેટાઈઝએશન માટે વિચારે તેવી શક્યતાં છે. ફર્ટિલાઈઝર ક્ષેત્રે પ્રથમ નોન-સ્ટ્રેટેજીક સેક્ટર હોય શકે છે જ્યાં સરકાર તેની નવી પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝિસ પોલિસી, 2021નો અમલ કરી શકે છે. સરકાર રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ, નેશનલ ફર્ટિલાઈઝર્સ, ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ ટ્રાવનકોર, ફર્ટિલાઝર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને અન્ય ફર્ટિલાઈઝર પીએસયૂનું પ્રાઈવેટાઈઝેશન વિચારી શકે છે. ફર્ટિલાઈઝર પીએસયૂના ખાનગીકરણ માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે અને સરકારે રસ ધરાવતા પક્ષો પાસેથી સારો પ્રતિભાવ મેળવ્યો છે. નીતિ આયોગના વડાની આગેવાનીમાં રહેલી કમિટિ ઓફ ગ્રૂપ ઓફ ઓફિસર્સે ખાનગીકરણ માટે પીએસયૂની ઓળખ કરી લીધી છે અને સેક્ટરલ નોટ પણ તૈયાર કરવામાં આવી ચૂકી છે એમ વર્તુળો જણાવે છે.




કોર્પોરેટ હેડલાઈન્સ

ITC: સિગારેટ, એફએમસીજી અને હોટેલ સેક્ટરમાં સક્રિય કંપનીએ તેના હોટેલ બિઝનેસ માટે ‘એસેટ રાઈટ’ સ્ટ્રેટેજી અપનાવવાનું નક્કી કર્યું હોવાનું ચેરમેન સંજીવ પુરીએ જણાવ્યું હતું. કંપની વિદેશી બજારમા હોસ્પિટાલિટી બિઝનેસ શરૂ કરવાની તક શોધી રહી છે. કંપની આઈટીસી અને વેલકમ બ્રાન્ડ નામ હેઠળ હોટેલ્સ ચલાવે છે.
એક્સિસ બેંકઃ પ્રાઈવેટ બેંક સિટિબેંક સાથેનું તેનું ડીલ પૂરું થાય ત્યારબાદ મોટા ફંડ એકત્રીકરણ માટે વિચારી રહી છે. બેંકના વર્તુળોના મતે આ ફંડ રેઈઝીંગ ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશન્લન પ્લેસમેન્ટ મારફતે કરવામાં આવશે. જેને કારણે સિટિબેંકની ખરીદીને કારણે બેંકની કોર કેપિટલ પર કોઈ અસર જોવા મળશે નહિ.
ઈન્ડિગોઃ સ્થાનિક ઉડ્ડયન કંપનીના સીઈઓ તરીકે પેટ્રોસ એલ્બર્સે 6 સપ્ટેમ્બરથી કામગીરી સંભાળી લીધી હતી. અગાઉ તેમણએ કેએલએમ રોયલ ડચ એરલાઈન્સ સાથે ત્રણ દાયકા સુધી કામગીરી નિભાવી હતી.
સિન્જિન ઈન્ટરઃ ક્લિનિકલ ટ્રાયલ કંપનીની પેરન્ટ કંપની બાયોકોને સિન્જિન ઈન્ટરનેશનલના 2.18 કરોડ શેર્સનું રૂ. 560.04 પ્રતિ શેરના ભાવે વેચાણ કર્યું છે. જે કંપનીનો 5.4 ટકા હિસ્સો થવા જાય છે. આ મારફતે કંપનીએ રૂ. 1220 કરોડથી સહેજ વધુ રકમ મેળવી છે.
વિપ્રોઃ અગ્રણી આઈટી સર્વિસ કંપનીએ પાલો અલ્ટો નેટવર્ક્સ સાથે મેનેજ્ડ સિક્યૂરિટી એન્ડ નેટવર્ક ટ્રાન્સફોર્મેશન ડિલિવર કરવા માટે જોડાણને વધુ વ્યાપક બનાવ્યું છે.
ઝૂઆરી ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ એન્વિએન ઈન્ટરનેશનલ અને ઝૂઆરી એન્વિએન બાયોએનર્જી સાથે બાયોફ્યુઅલ ડિસ્ટીલરીના બાંધકામ અને સંચાલન માટે એમઓયૂ કર્યાં છે.
ડ્રિમફોક્સ સર્વિસઃ ચાલુ સપ્તાહે શેરબજારમાં લિસ્ટ થયેલી કંપનીમાં મિરાઈ એસેટ ઈન્ડિયા સ્મોલ કેપ ફંડે રૂ. 471.51 પ્રતિ શેરના ભાવે 3.03 લાખ શેર્સની ખરીદી કરી છે. કંપનીના શેરનું પ્રિમીયમ પર લિસ્ટીંગ થયું હતું.
બાઈજુસઃ દેશમાં સૌથી મોટા સ્ટાર્ટ-અપ યુનિકોર્ન તેના શેરધારકો સાથે બેઠક બાદ આગામી સપ્તાહે 2020-21 માટેના નાણાકિય પરિણામો જાહેર કરે તેવી અપેક્ષા છે. કંપનીએ કેન્દ્રીય કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીને જુલાઈમાં જણાવ્યું હતું કે તે 6 સપ્ટેમ્બરે પરિણામ જાહેર કરશે.
કેનેરા બેંકઃ જાહેર ક્ષેત્રની બેંકે તેના બેન્ચમાર્ક એમસીએલઆર રેટમાં 15 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી છે. આમ કરનારી તે પાંચમી પીએસયૂ બેંક છે.
કેપીટીએલઃ પાવર ટ્રાન્સમિશન કંપની તથા તેની ઈન્ટરનેશનલ સબસિડિયરીઝે રૂ. 1345 કરોડના નવા ઓર્ડર્સ મેળવ્યાં છે. કંપનીએ ભારત તેમજ વિદેશી બજારમાં ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ માટે આ ઓર્ડર્સ મળ્યાં છે.
શ્રીપુષ્કરઃ કંપનીને મહારાષ્ટ્રમાં રત્નાગિરી જિલ્લામાં લોતે પરશુરામ સ્થિત યુનિટ માટે એક્સ્પ્લોઝિવ ડિપાર્ટમેન્ટ તરફથી મંજૂરી આપવામાં આવી છે.
આઈડીબીઆઈ બેંકઃ સરકાર આઈડીબીઆઈના ડિસઈન્વેસ્ટમેન્ટ માટે નવા પ્લાન સાથે સંભવિત ખરીદારની સંખ્યા વધે તે માટે પ્રયાસ કરશે.
પીટીસી ઈન્ડિયાઃ કંપનીએ એક ખુલાસામાં જણાવ્યું છે કે નેપાળ ખાતે પ્લાન્ટ સ્થાપવા સંબંધી કોઈપણ વિચારણા કોઈપણ કંપની સાથે હાથ ધરવામાં આવી નથી અને આ પ્રકારના અહેવાલ ખોટા છે.
આઈઓસીઃ જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીએ પ્રાઈવેટ પ્લેસમેન્ટ બેસીસ પર રૂ. 2500 કરોડના ડિબેન્ચર્સ ઈસ્યુ કર્યાં છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage