માર્કેટ સમરી
નિફ્ટી 14900 પાર કરવામાં નિષ્ફળ
બેન્ચમાર્ક નિફ્ટી દિવસ દરમિયાન પોઝીટીવ ટ્રેડ દર્શાવતો રહ્યો હતો. જોકે તે 14900ના સ્તર પર બંધ આપવામાં નિષ્ફળ રહ્યો હતો. દિવસ દરમિયાન તે 14984ની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે ત્યાંથી તે ધીમી-ધીમે ઘસાતો રહ્યો હતો અને આખરે 55 પોઈન્ટ્સના સુધારે 14874 પર બંધ આવ્યો હતો.
મીડ-કેપ આઈટી કંપનીઓના શેર્સની આગેકૂચ યથાવત
લાર્જ-કેપ આઈટી કંપનીઓની સરખામણીમાં મીડ-કેપ આઈટી કંપનીઓના શેર્સમાં સતત ખરીદી જોવા મળી રહી છે. જેની પાછળ તેઓ સતત નવી ટોચ દર્શાવી રહ્યાં છે. ગુરુવારે માઈન્ડટ્રીનો શેર 2 ટકા ઉછળી રૂ. 2233ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો હતો. સાથે કંપનીએ રૂ. 36 હજાર કરોડનું માર્કેટ-કેપ પાર કર્યું હતું. આ ઉપરાંત એમ્ફેસિસનો શેર પણ 2 ટકા ઉછળી રૂ. 1824ની ટોચ પર ટ્રેડ થયો હતો અને કંપનીએ રૂ. 33 હજાર કરોડનું એમ-કેપ નોંધાવ્યું હતું. એક અન્ય કંપની પર્સિસ્ટન્ટ સિસ્ટમનો શેર 3 ટકા ઉછળી રૂ. 2023 પર ટ્રેડ થયો હતો. જેની પાછળ કંપનીએ રૂ. 15 હજાર કરોડના માર્કેટ-કેપને પાર કર્યું હતું. એલએન્ડટી ટેક્નોલોજીનો શેર પણ રૂ. 2926ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કોફોર્જ અને સાયન્ટના શેર્સે પણ નવી ટોચ દર્શાવી હતી. લાર્જ-કેપ આઈટીમાં એકમાત્ર ઈન્ફોસિસે રૂ. 1451ની તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી.
અલ્ટ્રાટેક સિમેન્ટે રૂ. 7000ની સપાટી કૂદાવી
સિમેન્ટ શેર્સમાં આગેકૂચ જારી છે. દેશની અગ્રણી સિમેન્ટ ઉત્પાદક અલ્ટ્રાટેકનો શેર પ્રથમવાર રૂ. 7000ની સપાટી પર ટ્રેડ થયો હતો. રૂ. 6760ના અગાઉના બંધ સામે તે રૂ. 7053ની ટોચ પર ટ્રેડ થયા બાદ 3 ટકા સુધારા સાથે રૂ. 6971 પર બંધ રહ્યો હતો. કંપની પ્રથમવાર રૂ. 2 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કરી ગઈ હતી. અંબુજા સિમેન્ટનો શેર પણ 4 ટકા ઉછળી રૂ. 327ની ટોચ પર ટ્રેડ થયો હતો. જ્યારે એસીસીનો શેર પ્રથમવાર રૂ. 2000ની સપાટી કૂદાવી રૂ. 2010 પર ટ્રેડ થયો હતો. આ ઉપરાંત શ્રી સિમેન્ટનો શેર 4 ટકાથી વધુના ઉછાળે રૂ. 32048ની ટોચ પર ટ્રેડ થયો હતો.
મેટલ શેર્સમાં તોફાની તેજી, એક દિવસમાં 14 ટકા સુધીનો ઉછાળો
કેલેન્ડરની શરૂઆતથી અત્યાર સુધીમાં મેટલ શેર્સે 133 ટકા સુધીનું રિટર્ન દર્શાવ્યું
જાન્યુઆરીથી અત્યાર સુધીમાં નિફ્ટીમાં 6 ટકા અને બેંક નિફ્ટીમાં 5 ટકા વળતર સામે મેટલ ઈન્ડેક્સનું 38 ટકા જેટલું ઊંચું વળતર
કેલેન્ડર 2021 અત્યાર સુધી મેટલ શેર્સનું પુરવાર થયું છે. બેન્ચમાર્ક નિફ્ટીથી લઈને અન્ય સેક્ટરલ સૂચકાંકો કોઈ મોટું વળતર દર્શાવી શક્યાં નથી ત્યારે મેટલ ઈન્ડેક્સે ત્રણ મહિનામાં 38 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. વ્યક્તિગત શેર્સની વાત કરીએ તો ગુરુવાર સુધી તેમણે 133 ટકા જેટલું તીવ્ર રિટર્ન દર્શાવ્યું હતું. જે તેમનું તીવ્ર આઉટપર્ફોર્મન્સ સૂચવે છે. ગુરુવારે પણ બજારમાં માત્ર મેટલ શેર્સ છવાયેલાં રહ્યાં હતાં અને તેમણે 14 ટકા સુધીનો તીવ્ર ઉછાળો દર્શાવવા સાથે લાઈફ-ટાઈમ હાઈ દર્શાવી હતી. જ્યારે નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 6 ટકા જેટલો ઉછળ્યો હતો.
ગુરુવારે બજારમાં સ્ટીલ શેર્સમાં એક પ્રકારનું તોફાન જોવા મળ્યું હતું. લાર્જ-કેપ્સથી લઈને બીજી અને ત્રીજી હરોળના સ્ટીલ શેર્સમાં ભારે લેવાલી જોવા મળી હતી. ડેરિવેટિવ્સમાં સમાવિષ્ટ સ્ટીલ શેર્સમાં તીવ્ર શોર્ટ કવરિંગ પાછળ 14 ટકા જેટલો એક દિવસીય ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં જેએસડબલ્યુ સ્ટીલનો શેર અગાઉના બંધ રૂ. 562 સામે રૂ. 77ના તીવ્ર ઉછાળે રૂ. 639ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. તે રૂ. 1.5 લાખ કરોડનું માર્કેટ-કેપ દર્શાવનાર પ્રથમ સ્ટીલ કંપની બની હતી. સ્ટીલ શેર્સમાં તેજી પરાકાષ્ઠાએ જોવા મળતી હતી. જે આગામી દિવસોમાં ખરીદી કરવામાં જોખમ હોવાનો સંકેત પણ આપી રહી હતી. ત્રણ વર્ષ અગાઉ ઋણના ખપ્પરમાં ડૂબેલી જિંદાલ સ્ટીલ એન્ડ પાવરનો શેર પણ 10 ટકા છળી રૂ. 427ની ટોચ પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર રૂ. 60ના તળિયાથી લગભગ એક વર્ષમાં સાત ગણુ રિટર્ન સૂચવી રહ્યો છે. જ્યારે અંતિમ ત્રણ મહિનાની વાત કરીએ તો તે 57 ટકાનો સુધારો દર્શાવે છે. જેએસડબલ્યુ સ્ટીલનો શેર પણ કેલેન્ડરની શરૂઆતથી ગુરુવાર સુધીમાં 59 ટકા સાથે સૌથી સારો દેખાવ કરનાર સ્ટીલ શેર બની રહ્યો છે. ખાનગી ક્ષેત્રની એક અન્ય સ્ટીલ ઉત્પાદક કંપની ટાટા સ્ટીલનો શેર ગુરુવારે 9 ટકાના ઉછાળા સાથે રૂ. 958ની તેની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થવા સાથે પ્રથમવાર રૂ. એક લાખ કરોડના માર્કેટ-કેપને પાર કરી ગયો હતો. 2021ની શરૂઆતથી અત્યાર સુધીમાં તે 43 ટકાનું સુંદર રિટર્ન દર્શાવી રહ્યો છે.
વૈશ્વિક બજારમાં સ્ટીલના પુરવઠાની અછત પાછળ સ્થાનિક કંપનીઓએ એક દિવસ અગાઉ જ પ્રતિ ટને રૂ. 5000ની ભાવ વૃદ્ધિ કરી હતી. તેમજ માર્ચ મહિનામાં તમામ અગ્રણી કંપનીઓએ અત્યાર સુધીનું વિક્રમી માસિક ઉત્પાદન નોંધાવ્યું હતું. જેની પણ સ્ટીલ શેર્સના ભાવ પર પોઝીટીવ અસર પડી હતી. માર્કેટ નિરીક્ષકોના જણાવ્યા મુજબ આઈએમએફે નવા નાણા વર્ષ માટે ચીનના જીડીપી વૃદ્ધિ દરના અંદાજને વધાર્યો છે. જેને કારણે પણ કોમોડિટીઝના ભાવમાં મજબૂતી જોવા મળી હતી. હાલમાં સ્ટીલ વૈશ્વિક બજારમાંથી મોટાપાયે સ્ટીલ આયાત કરી રહ્યું છે. ભારતીય સ્ટીલ કંપનીઓ વિશ્વમાં સૌથી સસ્તી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ હોવાથી તેમને વર્તમાન તેજીનો સૌથી વધુ લાભ મળી રહ્યો છે. જોકે એનાલિસ્ટ્સ માને છે કે ગુરુવારે સ્ટીલ શેર્સમાં તીવ્ર તેજી સૂચવે છે કે હાલ પૂરતાં પોઝટીવ કારણો ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યાં છે અને તેથી ખરીદી માટે ભાવમાં 10-20 ટકા કરેક્શનની રાહ જોવી જરૂરી છે. ઉતાવળમાં ખરીદી કરવા જતાં ભરાય પડવાનું બની શકે છે.
જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સેક્ટરલ દેખાવની વાત કરીએ તો પણ 38 ટકાથી વધુ સુધારા સાથે મેટલ ઈન્ડેક્સ ટોચ પર છે. જ્યારે નિફ્ટી માત્ર 6 ટકા તથા બેંક નિફ્ટી 5 ટકાનો સુધારો દર્શાવે છે. અન્ય સૂચકાંકોમાં નિફ્ટી એફએમસીજી 2 ટકા, નિફ્ટી ઓટો 8 ટકા, નિફ્ટી આઈટી 12 ટકા અને નિફ્ટી પીએસઈ 12 ટકાનો સુધારો દર્શાવે છે. એકમાત્ર નિફ્ટી કોમોડિટીઝ 25 ટકા સાથે મેટલ ઈન્ડેક્સ નજીકનો દેખાવ સૂચવે છે.
કેલેન્ડર 2021માં મેટલ શેર્સનો દેખાવ
કંપની વૃદ્ધિ
હિંદ કોપર 133.03
જીપીઆઈએલ 71.17
જેએસડબલ્યુ સ્ટીલ 59.34
જિંદાલ સ્ટીલ 56.67
પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝ 54.64
ટાટા મેટાલિક 52.52
હિંદાલ્કો 52.38
વેદાંત 47.03
એપીએલ એપોલો 43.94
નાલ્કો 43.85
ટાટા સ્ટીલ 43.25
માર્ચમાં FPIએ રિઅલ્ટી, ઈન્શ્યોરન્સ અને ઓઈલ-ગેસમાં કરેલી ખરીદી
વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સે આઈટી, ફાર્મા અને મેટલ્સમાં આઉટફ્લો નોંધાવ્યો
નાણા વર્ષ 2020-21ના આખરી મહિના માર્ચમાં વિદેશી સંસ્થાકિય રોકાણકારો(એફપીઆઈ)એ રિઅલ એસ્ટેટ, ઈન્શ્યોરન્સ અને ઓઈલ એન્ડ ગેસ ક્ષેત્રોમાં ખરીદી દર્શાવી હતી. જ્યારે બીજી બાજુ આઈટી, ફાર્મા અને મેટલ્સમાં તેમણે આઉટફ્લો દર્શાવ્યો હતો એમ બ્રોકિંગ કંપનીએ એક અભ્યાસમાં જણાવ્યું છે.
વિદેશી રોકાણકારોએ જાન્યુઆરી અને ફેબ્રુઆરી બાદ માર્ચમાં પણ તેમની ચોખ્ખી ખરીદી જાળવી રાખી હતી. જોકે કોવિડના કેસિસમાં વૃદ્ધિને પગલે તેમની ખરીદી થોડી ધીમી પડી હતી અને માર્ચમાં તેમનું ચોખ્ખું રોકાણ 1.43 અબજ ડોલર પર રહ્યું હતું. જે જાન્યુઆરીમાં 3 અબજ ડોલરથી વધુ હતું. જ્યારે ફેબ્રુઆરીમાં તે 2 અબજ ડોલર પર હતું. આમ કેલેન્ડરના પ્રથમ ત્રણ મહિનામાં તેમનું રોકાણ ઉત્તરોત્તર ઘટતુ જોવા મળ્યું હતું. જોકે સૌથી નોંધપાત્ર બાબત એ હતી કે માર્ચ મહિનામાં એફપીઆઈએ તેમના કુલ રોકાણનો નોંધપાત્ર હિસ્સો રિઅલ એસ્ટેટ ક્ષેત્રે રોક્યો હતો. મહિના દરમિયાન તેમણે 49.7 કરોડ ડોલર એટલેકે લગભગ કુલ રોકાણનો 35 ટકા હિસ્સો રિઅલ્ટીમાં પાર્ક કર્યો હતો. જો એપ્રિલ 2020થી માર્ચ 2021 સુધીના સમગ્ર નાણાકિય વર્ષની વાત કરીએ તો તેમણે રિઅલ્ટી ક્ષેત્રે કુલ 44.2 કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું. જો માર્ચ મહિનાના ફ્લોને આમાંથી બાદ કરીએ તો રિઅલ્ટી ક્ષેત્રે તેમનું રોકાણ 5.5 કરોડ ડોલર જેટલું નેગેટિવ જોવા મળે છે. આમ માત્ર માર્ચ મહિનાના કારણે જ તેઓ રિઅલ્ટી ક્ષેત્રે પોઝીટીવ જણાય રહ્યાં છે. માર્ચ દરમિયાન સમગ્રતયા બજારમાં ઊંચી વધ-ઘટ વચ્ચે નિફ્ટી નેગેટિવ જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ પણ 4.5 ટકા ઘટાડો દર્શાવતો હતો. ઓબેરોય રિઅલ્ટી અને પ્રેસ્ટીજ જેવી કંપનીઓના શેર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. રિઅલ્ટી બાદ વિદેશી રોકાણકારોએ ઈન્શ્યોરન્સ ક્ષેત્રે 49.6 કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું. જેમાં મોટાભાગનું રોકાણ એસબીઆઈ લાઈફ અને બીએનપી પારિબા કાર્ડિફમાં જોવા મળ્યું હતું. ઓઈલ એન્ડ ગેસ ક્ષેત્રે પણ 46 કરોડ ડોલરનો ઈનફ્લો નોંધાયો હતો. હાલમાં તેઓ આ ક્ષેત્રે 11.2 ટકા વેઈટ ધરાવે છે. રિઅલ્ટી ક્ષેત્રે રોકાણ માટેના મુખ્ય કારણોમાં નીચા હોમ લોટ પાછળ હોમ સેલ્સના વેચાણ આંકડામાં સુધારાને ગણવામાં આવે છે. જ્યારે કેટલાક રાજ્યોએ આપેલી સ્ટેમ્પ ડ્યુટીની રાહતને કારણે લક્ઝરી હોમ્સના વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિને પણ એક મહત્વનું કારણ માનવામાં આવે છે.