બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
સેન્ટ્રલ બેંકે રેટ સ્થિર જાળવતાં બજારને સપોર્ટ સાંપડ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 7 ટકા ગગડી 17.68 ટકાના સ્તરે
મેટલ ઈન્ડેક્સ 2 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટીએ
બ્રોડ માર્કેટમાં ભારે ખરીદી જોવા મળી
વૈશ્વિક બજારોમાં ફ્લેટ-ટુ-પોઝીટીવ સેન્ટિમેન્ટ
આઈટીસી પાંચ વર્ષોની ટોચ પર ટ્રેડ થયો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ચાલુ નાણા વર્ષ માટેની પ્રથમ નાણાનીતિ સમીક્ષામાં રેપો રેટને સ્થિર જાળવી રાખતાં શેરબજારને રાહત મળી હતી. સતત ત્રણ દિવસથી ઘટાડો દર્શાવતું બજાર પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યું હતું. બેન્ચમાર્ક સેન્સેક્સ 412.23 પોઈન્ટ્સ સુધારે 59447.18ના સ્તરે જ્યારે નિફ્ટી 144.80 પોઈન્ટ્સના સુધારે 17784.35ની સપાટી પર બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 7 ટકા ગગડી 17.68ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 40 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 10 નેગેટિવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં નોંધપાત્ર રસ જોવા મળ્યો હતો. જેની પાછળ બીએસઈ ખાતે બે શેર્સમાં સુધારા સામે એક શેરમાં ઘટાડો નોંધાયો હતો.
શુક્રવારે મધ્યસ્થ બેંકે રેપો રેટ સ્થિર જાળવવા સાથે વૈશ્વિક બજારમાં પણ સેન્ટિમેન્ટ પોઝીટીવ જળવાતાં સ્થાનિક બજારને સપોર્ટ સાંપડ્યો હતો અને તીવ્ર સુધારા સાથે શરૂ થયેલું સપ્તાહ પોઝીટીવ નોંધ સાથે બંધ જોવા મળ્યું હતું. સાપ્તાહિક ધોરણે તે સાધારણ સુધારા સાથે બંધ રહ્યું હતું. માર્કેટને મેટલ અને એફએમસીજી ક્ષેત્રો તરફથી નોઁધપાત્ર સપોર્ટ સાંપડ્યો હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 2 ટકાથી વધુ મજબૂતી સાથે 6783.80ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયા બાદ 6755.55ની સપાટીએ બંધ રહ્યો હતો. સ્ટીલ શેર્સમાં 4 ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો. કંપનીઓએ હોટ રોલ્ડ કોઈલ્સના ભાવમાં વધારો કરતાં શેર્સમાં લેવાલી જોવા મળી હતી. જેએસડબલ્યુ સ્ટીલ, એપીએલ એપોલો, જિંદાલ સ્ટીલ, એનએમડીસી અને કોલ ઈન્ડિયાના ભાવમાં સારો સુધારો નોંધાયો હતો. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ પણ 2 ટકા સુધર્યો હતો. જેની પાછળ આઈટીસી મુખ્ય પરિબળ હતો. આઈટીસીનો શેર 4.34 ટકા ઉછળી પાંચ વર્ષોની ટોચ પર ટ્રેડ થયો હતો. તેણે રૂ. 268.85ની ઈન્ટ્રા-ડે ટોચ દર્શાવી રૂ. 267.80ના સ્તરે બંધ આપ્યું હતું. લાંબા સમયગાળા બાદ આઈટીસી બ્રોડ માર્કેટની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યો છે. નિફ્ટી શેર્સમાં ગ્રાસિમે 5.3 ટકા સાથે સૌથી સારો દેખાવ નોંધાવ્યો હતો. આ સિવાય એસબીઆઈ લાઈફ પણ 5 ટકા ઉછળ્યો હતો. જ્યારે સિપ્લા, મારુતિ, એનટીપીસી અને ટેક મહિન્દ્રા એક-3 ટકાનો ઘટાડો સૂચવી રહ્યાં હતાં.
રિઝર્વ બેંકે એકોમોડેટીવ વલણ જાળવી રાખતાં મીડ અને સ્મોલ-કેપ્સ કંપનીઓમાં ભારે ખરીદી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3509 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2293 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1092માં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 124 કાઉન્ટર્સ ફ્લેટ બંધ દર્શાવતાં હતાં. 163 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 12 કાઉન્ટર્સે 52-સપ્તાહના તળિયે ટ્રેડ થયાં હતાં. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1 ટકા સુધારો દર્શાવતો હતો. જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.4 ટકા વૃદ્ધિ સાથે બંધ જોવા મળ્યો હતો. નિફ્ટી ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં ચોલા ઈન્વેસ્ટમેન્ટનો શેર 8 ટકા ઉછળ્યો હતો. જ્યારે સિન્જિન ઈન્ટરનેશન 6.3 ટકા, ગોદરેજ કન્ઝ્યૂમર 4 ટકા, અંબુજા સિમેન્ટ 4 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. જૂથમાં આરબીએલનો શેર 7 ટકા સાથે સૌથી વધુ ગગડ્યો હતો. એસ્કોર્ટ્સમાં પણ પ્રોડક્શનમાં તીવ્ર ઘટાડાને કારણે 6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. અદાણી ગ્રીન એનર્જીએ અબુધાબીના ફંડ પાસેથી રોકાણ મેળવતાં કંપનીનો શેર 7 ટકા ઉછળ્યો હતો. શેર રૂ. 2368.90ની લાઈફ હાઈ પર ટ્રેડ થયા બાદ રૂ. 2321.85ના સ્તરે બંધ રહ્યો હતો. જે સ્તરે તેનું માર્કેટ-કેપ રૂ. 3.63 લાખ કરોડ જોવા મળતું હતું.
RBIએ રેપો રેટ સ્થિર રાખી એકોમોડેટિવ વલણ જાળવી રાખ્યું
મધ્યસ્થ બેંકે ઈન્ફ્લેશન અને ગ્રોથના અંદાજોમાં સુધારા કર્યાં
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટીએ શુક્રવારે સર્વસંમતિપૂર્વક રેપો રેટને 4 ટકાના દરે સ્થિર જાળવવા સાથે એકોમોડેટીવ વલણ જાળવ્યું હતું. જોકે સાથે તેમણે ફુગાવો ટાર્ગેટની અંદર રહે તે માટે એકોમોડેશનને ધીરે-ધીરે પરત ખેંચવા પર ભાર મૂક્યો હતો.
વૈશ્વિક સ્તરે જીઓ-પોલિટિકલ સ્થિતિને જોતાં બાહ્ય માહોલમાં ઊંચી વોલેટિલિટી વચ્ચે મધ્યસ્થ બેંકરે સ્થાનિક ગ્રોથમાં ઘટાડાતરફી જોખમ જ્યારે ફુગાવામાં વધવાતરફી જોખમની સંભાવના વ્યક્ત કરી હતી. તેણે નવા નાણા વર્ષ 2022-23 માટેના ઈન્ફ્લેશનના અંદાજમાં વૃદ્ધિ કરી હતી જ્યારે આર્થિક વૃદ્ધિના અંદાજમાં તીવ્ર ઘટાડો કર્યો હતો. તેણે સમગ્ર વર્ષ માટે 5.7 ટકા ફુગાવાનો અંદાજ બાંધ્યો હતો. જેમાં પ્રથમ ક્વાર્ટરમાં 6.3 ટકા, બીજા ક્વાર્ટરમાં 5.8 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 5.4 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 5.1 ટકા ફુગાવો જોવા મળે તેવી ધારણા છે. જીડીપી વૃદ્ધિ દરની વાત કરીએ તો આરબીઆઈએ તેને ઘટાડી 7.2 ટકા કર્યો હતો. જેમાં પ્રથમ ક્વાર્ટરમાં 16.2 ટકા વૃદ્ધિ દર, બીજા ક્વાર્ટરમાં 6.2 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 4.1 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 4 ટકા વૃદ્ધિ દરની શક્યતાં દર્શાવી છે. આરબીઆઈએ ફુગાવા તેમજ જીડીપી વૃદ્ધિ દરના અંદાજો ક્રૂડમાં 100 ડોલરની ભાવ સપાટીને બેઝ બનાવીને નિર્ધારિત કર્યાં છે. આરબીઆઈએ ફુગાવાના ટાર્ગેટમાં વૃદ્ધિ કરતાં બોન્ડ યિલ્ડ્સમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. 10-વર્ષ માટેના બોન્ડ યિલ્ડ 7.002ની સપાટી પર પહોંચ્યાં હતાં. ગુરુવારના 6.996 ટકાની સરખામણીમાં તે 1.27 ટકાની વૃદ્ધિ સૂચવતાં હતાં. અગાઉ ફેબ્રુઆરીની મોનેટરી પોલિસી સમીક્ષામાં મધ્યસ્થ બેંકરે 2022-23 માટે 7.8 ટકા વૃદ્ધિ દરનો ટાર્ગેટ રાખ્યો હતો.
હાઈલાઈટ્સ
• 2022-23માં ફુગાવો 5.7 ટકા રહેવાનો અંદાજ
• જીડીપી વૃદ્ધિ દર ઘટીને 7.2 ટકા રહેવાની ધારણા
• બેંકે કોવિડ બાદ ઠાલવેલી લિક્વિડિટીમાંથી રૂ. 5 લાખ કરોડ પરત ખેંચ્યાં
અદાણી જૂથ કંપનીઓને અબુધાબીની IHCનું 2 અબજ ડોલરનું ફંડીગ
અદાણી ગ્રીનમાં રૂ. 3850 કરોડ, અદાણી ટોટલમાં રૂ. 3850 કરોડ જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝિસમાં રૂ. 7700 કરોડનું રોકાણ કરશે
અબુધાબી સ્થિત ઈન્ટરનેશન હોલ્ડિંગ કંપની(આઈએચસી) સૌથી ધનવાન એશિયન ગૌતમ અદાણીની ત્રણ કંપનીઓમાં 2 અબજ ડોલરનું રોકાણ કરશે. આ રોકાણનો ઉપયોગ કંપનીઓની વિસ્તરણ યોજનાઓ માટે કરવામાં આવશે. જૂથની ત્રણ કંપનીઓ અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઈઝિસ આ ફંડ મેળવશે. આઈએચસીને પ્રેફરન્શિયલ બેસીસ પર શેર્સ એલોટ કરવામાં આવશે. કંપનીના શેરધારકો તેમજ રેગ્યુલેટરની મંજૂરી બાદ આ રોકાણ શક્ય બનશે. જેમાં આઈએચસી અદાણી ગ્રીન એનર્જીમાં રૂ. 3850 કરોડ જ્યારે અદાણી ટોટલ ગેસમાં પણ રૂ. 3850 કરોડનું રોકાણ કરશે. જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસમાં તે રૂ. 7700 કરોડનું રોકાણ કરશે. જરૂરી મંજૂરીઓ બાદ ટ્રાન્ઝેક્શન્સ એક મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. અદાણી આ મૂડીનો ઉપયોગ બિઝનેસના વિસ્તરણ માટે, બેલેન્સ શીટ્સને મજબૂત બનાવવા માટે તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે.
એજીઈએલ, એટીએલ અને એઈએલ તેમના સંબંધિત ક્ષેત્રોમાં માર્કેટ લીડરનું સ્થાન ધરાવે છે. તેઓ અદાણી જૂથના ગ્રીન એનર્જી પોર્ટફોલિયોના અગ્રણી આધારસ્થંભ છે. આઈએચસીના સીઈઓ અને એમડીએ જણાવ્યું હતું કે તેમની કંપની ભારતમાં લોંગ-ટર્મ ઈન્વેસ્ટમેન્ટ્સ માટે પ્રતિબધ્ધ છે. ગ્રીન એનર્જી ક્ષેત્રે રોકાણ મારફતે ઊંચા રિટર્ન મેળવવાની આવી તક અગાઉ જોવા નથી મળી એમ તેમણે ઉમેર્યું હતું. આઈએચસીની સ્થાપના 1998માં કરવામાં આવી હતી.
એક્સ્ટોન બાયોસાયન્સિઝે કોવિડ વેક્સિન માટે બીજી અને ત્રીજી ક્લિનિકલ ટ્રાયલ્સ શરૂ કર્યાં
અમદાવાદ સ્થિત એક્સ્ટોન બાયોસાયન્સિઝ કોર્પોરેશને તેની સસ્તી અને શેલ્ફ સ્ટેબલ પ્રોટીન સબયુનિટ કોવિડ-19 વેક્સિન એકેએસ-452ના બીજા અને ત્રીજા ક્લિનિકલ સ્ટડીની શરુઆત કરી હતી. જેના ભાગરૂપે સ્વૈચ્છિક રીતે રિસર્ચમાં જોડાનારાઓને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યાં હતાં. દેશની સેન્ટ્રલ ડ્રગ્ઝ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગોનાઈઝેશને અમદાવાદ સ્થિત વીડા ક્લિનિકલ રિસર્ચે શરૂ કરેલા ડબલ-બ્લાઈન્ડ, પ્લેસેબો-કંટ્રોલ્ડ ટ્રાયલને મંજૂરી આપી છે. જેનો ડેટા એપ્લિકેશન ફોર ઈમર્જન્સી યુઝ ઓથોરાઈઝેશન(ઈયૂએ)માં રજૂ કરવામાં આવશે. એકથી વધુ સેન્ટર ખાતે 18થી વધુ વય ધરાવતાં 1500 વોલ્યુન્ટીર્સનું એનરોલમેન્ટ કરવામાં આવશે. જેમને 28 દિવસના સમયાંતરે 2 ડોઝ આપવામાં આવશે.
બેંકોએ 2021-22માં 8.6 ટકા ક્રેડિટ ગ્રોથ નોંધાવ્યો
રિટેલ અને ફાર્મિંગ સેગમેન્ટ્સના સપોર્ટથી દેશની બેંકિંગ કંપનીએ નાણા વર્ષ 2021-22માં 8.6 ટકાનો ક્રેડિટ ગ્રોથ રેટ હાંસલ કર્યો હતો. જે અગાઉના વર્ષ 2020-21માં 5.6 ટકાની સરખામણીમાં નોંધપાત્ર ઊંચો હોવાનું આરબીઆઈ ડેટા સૂચવે છે. ગયા નાણાકિય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ક્રેડિટ ગ્રોથ 5.5 ટકાથી 6.7 ટકા વચ્ચે જોવા મળ્યો હતો. જોકે ત્યારબાદ તેમાં વૃદ્ધિ જોવા મળી હતી. આરબીઆઈ ડેટા મુજબ બેંકોએ ગયા વર્ષ દરમિયાન રૂ. 9.41 લાખ કરોડની લોન્સ આપી હતી. જેમાંથી 25 માર્ચે પૂરા થતાં પખવાડિયા દરમિયાન રૂ. 1.78 લાખ કરોડની લોન્સ વિતરણ કરવામાં આવી હતી. જોકે ડિપોઝીટ્સમાં વૃદ્ધિ દર ઘટ્યો હતો. 2020-21માં 11.4 ટકાની સરખામણીમાં 2021-22માં 8.94 ટકાના દરે ડિપોઝીટ્સમાં વૃદ્ધિ નોંધાઈ હતી.
ઈરડાઈ વીમા ક્ષેત્રે પ્રવેશ નિયમો સરળ બનાવશે
ઈન્શ્યોરન્સ બિઝનેસની સ્થાપના માટે લઘુત્તમ રૂ. 100 કરોડની મૂડી જરૂરિયાતને દૂર કરવા માટે ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર ઈચ્છે છે. જેથી ઉદ્યોગ ક્ષેત્રે બહુવિધ ખેલાડીઓઓને પ્રવેશમાં સરળતા રહે. ખાસ કરીને સ્ટેન્ડઅલોન માઈક્ર ઈન્શ્યોરર્સને ધ્યાનમાં રાખી તે આમ વિચારે છે. ઈરડાઈ ચેરમેન જણાવ્યું હતું કે ઈન્શ્યોરન્સ ક્ષેત્રે પ્રવેશ ઈચ્છતાં ખેલાડી માટે એન્ટ્રી ફી શું હોવી જોઈએ તે બાબત રેગ્યુલેટર પર છોડી દેવી જોઈએ. તેનો આધાર બિઝનેસની સાઈઝ અને કામગીરી પર હોવો જોઈએ. વર્તમાન નિયમો મુજબ ઈન્શ્યોરર્સ પાસે લઘુત્તમ રૂ. 100 કરોડની પેઈડ-અપ કેપિટલની જરૂરિયાત રહે છે.
PE અને VC ફંડ્સ પાસેથી IT વિભાગની અધિક રૂ. 500 કરોડની ટેક્સ માગ
ઓછામાં ઓછી 12 વૈશ્વિક કંપનીઓને આઈટી એસેસમેન્ટ ઓર્ડર્સ મોકલવામાં આવ્યાં
પ્રાઈવેટ ઈક્વિટીમાં ડિલ કરતાં ફંડ સહિત મોટા વૈશ્વિક ફંડ્સે મોરેશ્યસ, સિંગાપુર અને સાયપ્રસ સાથેની ટેક્સ ટ્રીટિનો દૂરુપયોગ કર્યો હોવાનું ઈન્કમ ટેક્સ વિભાગે જણાવ્યું છે. જેને ધ્યાનમાં રાખી આવા ફંડ હાઉસિસ પાસેથી અધિક રૂ. 500 કરોડની ટેક્સ માગ કરી હોવાનું જાણવા મળે છે. ગયા સપ્તાહે ઓછામાં ઓછા 12 ફંડ હાઉસિસને ટેક્સ સત્તાવાળાઓએ એસેટમેન્ટ ઓર્ડર્સ મોકલ્યાં હતાં તેમજ પેનલ્ટીની પ્રક્રિયા શરૂ કરી હતી.
આ કામગીરી તેમને ગયા વર્ષે મોકલવામાં આવેલી રિએસેસમેન્ટ નોટિસિસને અનુસરે છે. ગયા વર્ષે આ કંપનીઓને 2013-14, 2014-15 અને 2015-16માં આવકની ગણતરીમાં ગેરરિતીઓઓ અંગે ખૂલાસો માગવામાં આવ્ય હતો. કંપનીઓને આઈટી એક્સની સેક્શન 144સી હેઠળ એસેસમેન્ટ ઓર્ડર્સ ઈસ્યુ કરવામાં આવ્યાં હતાં. જે ગણતરીમાં નહિ લેવામાં આવેલી ઈન્કમ પરના ડ્રાફ્ટ ઓર્ડર્સ સાથે નિસ્બત ધરાવતાં હતાં.
MF ક્ષેત્રે IDFC મ્યુચ્યુલ ફંડ બાદ વધુ કોન્સોલિડેશનની શક્યતાં
2021થી અત્યાર સુધીમાં પાંચ એએમસી કંપનીઓનું થયેલું હસ્તાંતરણ
આઈડીએફસી મ્યુચ્યુલ ફંડને બંધન ફાઈનાન્સિય હોલ્ડિંગ્સ, જીઆઈસી અને ક્રિસકેપિટલના કોન્સોર્ટિયમે રૂ. 4500 કરોડમાં ખરીદ્યાં બાદ રૂ. 38 લાખ કરોડના સ્થાનિક મ્યુચ્યુલ ફંડ ક્ષેત્રે વધુ મર્જર એન્ડ એક્વિઝિશન્સની શક્યતાંઓ જોવાઈ રહી છે. ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે ઉદ્યોગ ક્ષેત્રે ઊંચા વૃદ્ધિ દરની શક્યતાં જોતાં ઘણા વર્તમાન પ્લેયર્સને તેમના સાહસની ખરીદીની ઓફર્સ મળી શકે છે.
ફંડ્સ રેટિંગ કંપનીના અધિકારી જણાવે છે કે એમએફ ઉદ્યોગ ક્ષેત્રે એમએન્ડએનો ક્રમ ચાલુ રહેશે. જો વર્તમાન એસેટ મેનેજમેન્ટ કંપનીઓ આર્થિક રીતે શક્ય હોય તે રીતે બિઝનેસ ના કરી શકે તો તેઓ તેમના ફંડ હાઉસિસના વેચાણનો માર્ગ અપનાવશે. હાલમાં કેટલીક મધ્યમ અને નાના કદની એએમસી કંપનીઓ હશે જે નફો નહિ રળી હોય હોય અને એક્ઝિટ ઈચ્છતી હશે. નાણાકિય વર્ષ 2015-16થી ઈને 2021-22 સુધીમાં મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગની કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ વાર્ષિક સરેરાશ 20 ટકાના દરે વૃદ્ધિ પામ્યું છે. 2025-26 સુધીમાં તેમના એયૂએમમાં સરેરાશ 17 ટકા દરે વૃદ્ધિનો અંદાજ છે અને તે રૂ. 75 લાખ કરોડ પર જોવા મળી શકે છે. ઊંચા ગ્રોથનું મુખ્ય કારણ પેનિટ્રેશનમાં વૃદ્ધિ હશે. તે ભારતના એયૂએમ-ટુ-જીડીપી રેશિયોને 17 ટકાના દરે દર્શાવે છે.
તાજેતરમાં જોવા મળેલું એમએન્ડએ ડીલ છેલ્લાં કેટલાંક વર્ષોમાં જોવા મળતાં સ્થિર ટ્રેન્ડનો જ ભાગ છે. જોકે ઘણા નવા પ્રવેશકો છતાં ગ્રોથ માત્ર કેટલાક પસંદગીના ખેલાડીઓ પૂરતો જ કેન્દ્રિત જોવા મળી રહ્યો છે. હાલમાં એમએફ ઉદ્યોગની 80 ટકા એસેટ્સ ટોચના 10 પ્લેયર્સ ધરાવે છે. દેશમાં કુલ 43 ફંડ હાઉસિસ અસ્તિત્વમાં છે. કેટલાંક મધ્યમ અને નાના કદના ફંડ ગૃહો સતત ખોટ દર્શાવી રહ્યાં છે અથવા ખૂબ નીચો પ્રોફિટ રળી રહ્યાં છે. નવા પ્રવેશકોને જોતાં વર્તમાન ખેલાડીઓએ તીવ્ર સ્પર્ધાનો સામનો કરવાનું બની શકે છે એમ ઉદ્યોગ વર્તુળઓ જણાવે છે. આઈડીએફસી એમએફ ટોચની 10 એએમસીમાં તેનું સ્થાન જાળવી રાખે તેવી અપેક્ષા છે. હલેથી તેને બંધન બેંકની ફિઝિકલ હાજરીનો પણ લાભ મળશે એમ વર્તુળો જણાવે છે.
MF સેક્ટરમાં મર્જર્સ એન્ડ એક્વિઝિશન્સ
• નવી એમએફે એસ્સેલ એમએફની કરેલી ખરીદી
• સુંદરમ એએમસીએ પ્રિન્સિપલ એએમસીની કરેલી ખરીદી
• ગ્રો ગ્રૂપે ઈન્ડિયાબુલ્સ એએમસીની કરેલી ખરીદી
• એચએસબીસી એએમસીએ એલએન્ડટી એમએફની રૂ. 3200માં કરેલી ખરીદી
• બંધનના નેતૃત્વના કોન્સોર્ટિયમે આઈડીએફસી એમએફની રૂ. 4500 કરોડમાં કરેલી ખરીદી.
કોર્પોરેટ્સ હેડલાઈન્સ
એચડીએફસીઃ અગ્રણી મોર્ગેજ પ્લેયરે પ્રાઈવેટ બેંક બંધન બેંકમાં બલ્ક ડીલ મારફતે 3 ટકા હિસ્સાનું વેચાણ કર્યું હતું. એચડીએફસી પાસે બંધન બેંકના 10 ટકા આસપાસ શેર્સ હતાં. કેટલાંક સમય અગાઉ તેણે 1.5 ટકા હિસ્સાનું વેચાણ કર્યું હતું. તાજેતરના વેચાણ બાદ તેની પાસે હવે બેંકનો હિસ્સો 5 ટકાથી નીચે જોવા મળે છે.
ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટઃ એનબીએફસીએ 2021-22ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 12718 કરોડ આસપાસનું ડિસ્બર્સમેન્ટ્સ કર્યું છે. જે વાર્ષિક ધોરણે 58 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીના શેરમાં 8 ટકાનો તીવ્ર ઉછાળો નોઁધાયો હતો.
ઈન્ફોસિસઃ અગ્રણી આઈટી કંપની અને રોલ્સ-રોય્સે એરોસ્પેસ બેંગલૂરૂ ખાતે સંયુક્ત એન્જિનીયરીંગ એન્ડ ડિજિટલ ઈન્નોવેશન સેન્ટરના લોંચ સાથે સ્ટ્રેટેજિક જોડાણને લંબાવ્યું છે.
સોભા ડેવલપર્સઃ રિઅલ્ટી ડેવલપર કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં કુલ 13.4 લાખ ચોરસ ફિટ સુપર બિલ્ટ-અપ એરિયાનું વેચાણ હાંસલ કર્યું હતું. સાથે ત્રિમાસિક ધોરણે રૂ. 1109.6 કરોડનું સૌથી ઊંચું મળતર નોંધાવ્યું હતું.
રેઈલ વિકાસ નિગમઃ કંપનીએ 296 કોમ્યુનિકેશન બેઝ્ડ ટ્રેન કંટ્રોલ સિસ્ટમના ઉત્પાદન અને ખરીદી માટે આઈસીએફ કોન્ટ્રેક્ટ સાઈન કર્યો છે.
સોનાટા સોફ્ટવેરઃ આઈટી કંપનીએ 8 એપ્રિલ 2022થી અમલમાં આવે તે રીતે કંપનીના સીઈઓ તરીકે સમીર ધીરની નિમણૂંક કરી છે.
પંજાબ એન્ડ સિંધ બેંકઃ પીએસયૂ બેંકે ઈન્ડિયા એસએમઈ એસેટ રિકન્સ્ટ્રકેશન કંપનીમાંના તેના 8 ટકા હિસ્સા વેચાણ માટે એગ્રીમેન્ટ કર્યો છે.
જેએસડબલ્યુ ઈસ્પાતઃ સ્ટીલ કંપનીએ 2021-22ના ચોથા ક્વાર્ટરમાં 1.7 લાખ ટન ક્રૂડ સ્ટીલ ઉત્પાદન નોંધાવ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 1.5 લાખ ટનની સરખામણીમાં 11 ટકા વૃદ્ધિ સૂચવે છે.
આઈબી રિઅલ્ટીઃ કંપનીએ રૂ. 106.38 પ્રતિ શેરના ફ્લોર પ્રાઈસ સાથે ક્વિપ ઈસ્યુ લોંચ કર્યો છે.
આરબીએલ બેંકઃ ઈન્ટિગ્રેટેડ કોર સ્ટ્રેટેજિસ એશિયા પ્રા.લિએ પ્રાઈવેટ બેંકના 34,30,700 ઈક્વિટી શેર્સનું વેચાણ કર્યું છે.
એસ્ટર ડીએમઃ હોસ્પિટલ કંપનીમાં ઈન્ડિયમ ફાઈવ(મોરેશ્યસ) હોલ્ડિંગ્સે એનએસઈ પર 33,79,797 ઈક્વિટી શેર્સનું વેચાણ કર્યું છે.
Market Summary 8 April 2022
April 08, 2022
