માર્કેટ સમરી
નિફ્ટી ખૂલતામાં જ 13435ની સર્વોચ્ચ સપાટી દર્શાવી આખરે 37 પોઈન્ટ્સના સુધારે 13393 પર બંધ રહ્યો હતો. એટલેકે નિફ્ટીને 13400નો અવરોધ નડ્યો હતો. સ્થાનિક બજારને વૈશ્વિક બજારોનો સાથ પણ નહોતો મળ્યો. એશિયન બજારોમાં 1.3 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. યુરોપ બજારો પણ 0.4 ટકા સુધીની નરમાઈ દર્શાવતાં હતાં.
બજારને આઈટી, પીએસયૂ બેંક્સ અને રિઅલ્ટીનો સપોર્ટ
માર્કેટમાં મોટાભાગના સેક્ટરલ ઈન્ડાઈસીસ નરમાઈ સૂચવતાં હતાં. જોકે બજારને મુખ્ય સપોર્ટ આઈટીનો રહ્યો હતો. નિફ્ટી આઈટી 0.75 ટકા સુધારા બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી પીએસયૂ બેંક્સ 7 ટકાથી વધુ ઉછળ્યો હતો. જોકે નિફ્ટીમાં તેનો હિસ્સો લગભગ નહિવત છે. નિફ્ટી રિઅલ્ટી 0.83 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો.
ફાર્મા, પ્રાઈવેટ બેંક્સ, કન્ઝમ્પ્શનમાં નરમાઈ
નિફ્ટી ફાર્મા 1.18 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. જ્યારે પ્રાઈવેટ બેંક સૂચકાંક પણ 0.22 ટકા નરમ રહ્યો હતો. નિફ્ટી કન્ઝ્મ્પ્શનમાં 0.10 ટકાની સાધારણ નરમાઈ જોવા મળી હતી.
પીએસયૂ બેંકનો દિવસ હતો મંગળવાર
- PSU બેંક શેર્સમાં ઈન્વેસ્ટર્સનો વધતો ઈન્ટરેસ્ટ, ટૂંકાગાળામાં 36 ટકા સુધીનું રિટર્ન
- મંગળવારે બીજી હરોળની ટોચની પાંચ જાહેર ક્ષેત્રની બેંક્સના શેર્સે 8-18 ટકા સુધીનો ઉછાળો દર્શાવ્યો
- કેનેરા બેંકનો શેર છે રૂ. 74ના તળિયાની સામે મંગળવારે લગભગ બમણો એટલેકે રૂ. 141ની સપાટીએ પહોંચ્યો
પીએસયૂ બેંક શેર્સમાં લાંબો સમય ચાલેલી પાનખર દૂર થઈ છે અને વસંત બેઠી છે. મંગળવારે બજારમાં 18 ટકા સુધીનું રિટર્ન આપવા સાથે પીએસયૂ બેંક શેર્સે અંતિમ દસેક ટ્રેડિંગ સત્રોમાં 36 ટકા જેટલું તગડું રિટર્ન રળી આપ્યું છે. તેમણે બાકીના બજારની સરખામણીમાં તીવ્ર આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. આવા બેંક શેર્સમાં બીજી હરોળમાં આવતી તમામ અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક જેવીકે કેનેરા બેંક, ઈન્ડિયન બેંક, પીએનબી, બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા અને યુનિયન બેંક જેવા નામોનો સમાવેશ થાય છે. લગભગ પાંચેક વર્ષના સમયગાળા બાદ આ બેંક શેર્સ રોકાણકારોને પોતાની તરફ આકર્ષી શક્યાં છે.
મંગળવારે બજારમાં તીવ્ર સુધારો દર્શાવવામાં પીએસયૂ બેંક શેર્સ અગ્રણી હતાં. ચોથા ક્રમની બીએસયૂ બેંક કેનેરા બેંકનો શેર ઈન્ટ્રા-ડે 19 ટકા જેટલો ઉછળ્યો હતો. તેણે અંતિમ બે વર્ષની રૂ. 141ની ટોચ દર્શાવી હતી. માર્ચ મહિનામાં રૂ. 74ના તળિયાથી તે લગભગ બમણા ભાવે પહોંચ્યો છે. બેંક શેરે કેલેન્ડર 2011માં રૂ. 875ની તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યાંથી ઘસાતાં રહીને તેણે રૂ. 73નું લાઈફ લો બનાવ્યું હતું. કેલેન્ડર 2014માં વ્યાપકપણે બહાર આવેલી એનપીએની સમસ્યા પાછળ બેંક શેર્સ સતત તૂટતાં રહ્યાં હતાં અને તેઓ 0.2ના અતિ નીચા પ્રાઈટ-ટુ-બુક(પીબી રેશિયો) પર ટ્રેડ થતાં જોવા મળ્યાં હતાં. જોકે ચાલુ વર્ષે બેંકિંગ શેર્સને ટ્રેઝરીમાં જંગી લાભ જોવા મળી રહ્યો છે અને તે પરિબળ આગામી પરિણામોમાં પ્રતિબિંબિત થશે એમ માનીને હાલમાં ટ્રેડર્સ સસ્તાં પીએસયૂ બેંક શેર્સ તરફ વળ્યાં છે. કેનેરા બેંકના કિસ્સામાં ઝડપી ઉછાળાનું કારણ બેંકે ક્વોલિફાઈડ ઈન્વેસ્ટર્સ માટે રજૂ કરેલા રૂ. 2000 કરોડના ઈક્વિટી ઈસ્યુને સાંપડેલો જબરદસ્ત પ્રતિસાદ છે. કેનેરા બેંકની પાછળ મંગળવારે અન્ય પીએસયૂ બેંક શેર્સ પણ ઉછળ્યાં હતાં. જેમાં ઈન્ડિયન બેંક( 16 ટકા), પીએનબી(15 ટકા), બેંક ઓફ ઈન્ડિયા(9 ટકા), બેંક ઓફ બરોડા(9 ટકા) અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયા(8 ટકા)નો સમાવેશ થાય છે.
ઓટો શેર્સમાં લેવાલી પાછળ બે વર્ષની ટોચ જોવા મળી
અગ્રણી ઓટોમોબાઈલ કાઉન્ટર્સમાં ખરીદી જળવાય છે. દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીનો શેર મંગળવારે રૂ. 8000ની સપાટી કૂદાવી જવા બે વર્ષની ટોચ પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર સપ્ટેમ્બર 2018 બાદ રૂ. 8007ના સ્તરે ટ્રેડ થયો હતો. માર્ચ મહિનામાં તે રૂ. 4002ના તળિયા પર જોવા મળ્યો હતો. જ્યાંથી હાલમાં તે 100 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યો છે. અગ્રણી ટ્રેકટર ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર પણ રૂ. 764ની બે વર્ષની ટોચ પર ટ્રેડ થયો હતો. જ્યારે ટુ-વ્હીલર્સ અગ્રણી બજાજ ઓટોનો શેર પણ રૂ. 3384ની ઘણા વર્ષોની ટોચ પર જોવા મળ્યો હતો. અન્ય ટુ-વ્હીલર ઉત્પાદક ટીવીએસ મોટર્સનો શેર પણ રૂ. 519ની બે વર્ષની ટોચ પર ટ્રેડ થયો હતો. નાની ઓટોમોબાઈલ કંપની ફોર્સ મોટરનો શેર પણ રૂ. 1560ની ટોચ બનાવી પ્રોફિટ બુકિંગ પાછળ ઘટીને બંધ આવ્યો હતો.
સોનું રૂ. 50 હજાર પર ટ્રેડ થઈ પાછું ફર્યું
એમસીએક્સ ખાતે ગોલ્ડ ફેબ્રુઆરી વાયદો મંગળવારે ખૂલતામાં રૂ. 50065ની છેલ્લા ત્રણ સપ્તાહની ટોચ પર ટ્રેડ થયા બાદ વેચવાલી પાછળ ગગડ્યું હતું અને રૂ. 49739 પર ટ્રેડ થઈ રહ્યું હતું. ગોલ્ડ ગયા સપ્તાહના તેના રૂ. 47500ના તળિયાથી બાઉન્સ થયું હતું. સિલ્વર માર્ચ વાયદો પણ રૂ. 65666ની સપાટી પર ટ્રેડ થયા બાદ એક ટકાથી વધુના ઘટાડે રૂ. 64734 પર ટ્રેડ થઈ રહ્યો હતો. કોપરમાં એક ટકાથી વધુ જ્યારે ક્રૂડમાં 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળતો હતો.
ચંબલ ફર્ટિલાઈઝર્સનો શેર સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો
સારી ખરિફ બાદ શિયાળુ વાવેતર પણ સારુ રહેવા પાછળ ફર્ટિલાઈઝર શેર્સમાં મજબૂતી જોવા મળી રહી છે. દેશમાં જાણીતી ફર્ટિલાઈઝર કંપની ચંબલ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સનો શેર મંગળવારે રૂ. 213.90ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર માર્ચ મહિનાના રૂ. 95ના તળિયેથી સુધરતો રહ્યો છે. બજારમાં લગભગ બે દાયકાથી લિસ્ટીંગ ધરાવતી કંપનીનું માર્કેટ-કેપ મંગળવારે રૂ. 8600 કરોડ પર જોવા મળ્યું હતું.