Market Summary 8 Dec 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


ઓમિક્રોનનો ડર ઓસરતાં તેજીવાળાઓનો તરખાટ, સેન્સેક્સ 1016 પોઈન્ટ્સ ઉછળ્યો
આરબીઆઈએ મોનેટરી પોલિસીમાં સ્થિરતા જાળવી રાખતાં બજારને સપોર્ટ સાંપડ્યો
બેંકિંગ, ઓટોમોબાઈલ, રિઅલ્ટી સહિતના શેર્સમાં જોવા મળેલી ખરીદી
બીએસઈ ખાતે 2313 શેર્સમાં ખરીદી સામે માત્ર 980 શેર્સમાં નરમાઈ
સેન્સેક્સ શેર્સમાં બજાજ ફાઈનાન્સ, મારુતિ સુઝુકી અને એસબીઆઈમાં ટોચનો સુધારો નોંધાયો
સ્મોલ-કેપ્સમાં સિકવન્ટ સાઇન્ટિફિક, રુટ મોબાઈલ, ઈન્ડિયન બેંક, ડેલ્ટા ક્રોપમાં બાઈંગ જોવાયું

ભારતીય બજારમાં સતત બીજા દિવસે તેજીવાળાઓએ બજાર પર મજબૂત પકડ જાળવી રાખી હતી અને બેન્ચમાર્ક્સ પોણા બે ટકાના મજબૂત સુધારા સાથે બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 1016ના છેલ્લાં ઘણા સપ્તાહોના શ્રેષ્ઠ એક દિવસીય સુધારા સાથે 58649.68ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીએ 293.05 પોઈન્ટ્સના સુધારે 17469.75ની સપાટી પર ક્લોઝ આપ્યું હતું. બેન્ચમાર્ક 17484.60ની દિવસની ટોચ દર્શાવી તેની નજીક જ બંધ રહ્યો હતો. ગયા સપ્તાહે તે આ સ્તરેથી જ પરત ફર્યો હતો અને તેથી આ સ્તરને અવરોધ ગણવામાં આવે છે. જો આ સ્તર પાર થશે તો નિફ્ટી 17600-17800 સુધીનો સુધારો દર્શાવે તેવી શક્યતાં છે.
બુધવારે માર્કેટમાં નોઁધપાત્ર સુધારા વચ્ચે વોલેટિલિટી ઈન્ડેક્સ વધુ 7 પોઈન્ટ્સ ગગડી 17.26ના સ્તરે બંધ રહ્યો હતો. જે રોકાણકારોમાં અન્ડરટોન મજબૂત હોવાનું સૂચવે છે. વૈશ્વિક બજારોમાં ફ્લેટ ટ્રેડ વચ્ચે ભારતીય બજારે સતત બીજા દિવસે સુધારો નોંધપાત્ર સુધારો દર્શાવ્યો હતો. જેનું મુખ્ય કારણ ઓમીક્રોનને લઈને ઓસરેલા ડર ઉપરાંત રિઝર્વ બેંક તરફથી બુધવારે રેટમાં જાળવી રાખવામાં આવેલી સ્થિરતાં હતી. સેન્ટ્રલ બેંકની જાહેરાત બાદ બેંકિંગ સહિતના રેટ સેન્સિટીવ સેક્ટર્સમાં ભારે ખરીદી નીકળી હતી અને તેઓ નોંધપાત્ર સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જેમાં નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 2.31 ટકા તથા નિફ્ટી રિઅલ્ટી 1.72 ટકાનો ઊંચો સુધારો દર્શાવતાં હતાં. માર્કેટની તેજીમાં તમામ ક્ષેત્રોએ યોગદાન દર્શાવ્યું હતું. એકપણ ક્ષેત્રે નેગેટિવ બંધ નહોતું દર્શાવ્યું. બેંક નિફ્ટી 1.82 ટકા સાથે જ્યારે નિફ્ટી આઈટી 1.95 ટકા, નિફ્ટી ફાર્મા 1.51 ટકા અને નિફ્ટી એફએમસીજીએ 1.3 ટકાનો સુધારો નોંધાવ્યો હતો. એકમાત્ર નિફ્ટી એનર્જી એક ટકાથી ઓછા સુધારામાં 0.82 ટકા સુધારો સૂચવી રહ્યો હતો. નિફ્ટીમાં સુધારો દર્શાવનારા ટોચના કાઉન્ટર્સમાં બજાજ ફાઈનાન્સ(3.64 ટકા), મારુતિ સુઝુકી(3.46 ટકા) અને હિંદાલ્કો(3.38 ટકા)નો સમાવેશ થતો હતો. નિફ્ટીના પાંચ કાઉન્ટર્સ સાધારણ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જેમાં એચડીએફસી લાઈફ, કોટક બેંક, પાવર ગ્રીડ અને ડિવિઝ લેબનો સમાવેશ થતો હતો. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટ્સમાં બાયોકોન 6.27 ટકા સાથે ટોચનો દેખાવ દર્શાવતો હતો. આ ઉપરાંત ડેલ્ટા કોર્પ, એમસીએક્સ ઈન્ડિયા, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, માઈન્ડટ્રી, ઓરોબિંદો ફાર્મા અને બાલક્રિષ્ણા ઈન્ડ. પણ નોંધપાત્ર સુધારો દર્શાવતાં હતાં.
માર્કેટમાં બ્રોડ બેઝ લેવાલી હતી. જેને કારણે બીએસઈ માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ રહી હતી. એક્સચેન્જ ખાતે 3411 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2313 પોઝીટીવ બંધ રહ્યાં હતાં અને 980 કાઉન્ટર્સ નેગેટિવ બંધ રહ્યાં હતાં. 224 કાઉન્ટર્સ વાર્ષિક ટોચ પર હતા. 396 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 155 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. નિફ્ટી મીડ-કેપ 1.61 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ટકા 1.83 ટકાના સુધારે બંધ રહ્યો હતો.


RBIએ રેપો રેટ તથા GDP વૃદ્ધિના અંદાજને સ્થિર જાળવી રાખ્યાં

મધ્યસ્થ બેંકના મતે 2021-22માં જીડીપી વૃદ્ધિ દર 9.5 ટકા પર જળવાશે જ્યારે રિટેલ ઈન્ફ્લેશન 5.3 ટકા પર રહેશેરિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કેલેન્ડર 2021ની આખરી મોનેટરી પોલિસી સમીક્ષામાં રેટ્સને સ્થિર જાળવી રાખ્યાં હતાં. સાથે મધ્યસ્થ બેંકે 2021-22 નાણા વર્ષ માટેના તેના જીડીપી વૃદ્ધિ દરના અંદાજને પણ 9.5 ટકા પર જાળવ્યો હતો. ફુગાવાને લઈને તેણે 5.3 ટકાનો ટાર્ગેટ જાળવતાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષના ચોથા ક્વાર્ટરમાં તે ટોચ દર્શાવી દેશે.

બુધવારે મોનેટરી પોલીસી કમિટિ(એમપીસી)ની ત્રણ દિવસની બેઠક બાદ આરબીઆઈ ગવર્નર શશીકાંત દાસે તેની જાહેરાત કરી હતી. જેમાં તેમણે સતત નવમી બેઠકમાં રેટને સ્થિર જાળવ્યાં હતાં. આમ આગામી સમયગાળા માટે પણ રેપો રેટ 4 ટકાના સ્તરે જ્યારે રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત રહેશે. અગાઉ કોવિડ બાદ આરબીઆઈએ રેટ્સમાં તીવ્ર ઘટાડો કર્યો હતો અને તે ઐતિહાસિક તળિયા પર જોવા મળ્યાં હતાં. બેંકે રેટ સ્થિર જાળવવા સાથે એકોમોડેટિવ વલણ પણ જાળવી રાખ્યું હતું. વૈશ્વિક સ્તરે નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને જોવા મળી રહેલી ચિંતા વચ્ચે આરબીઆઈએ કોઈ ફેરફાર નહિ કરવાનું નક્કી કર્યું હતું.

સેન્ટ્રલ બેંકરે નાણા વર્ષ 2021-22 માટેના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ પણ અગાઉના 9.5 ટકાના સ્તરે જાળવી રાખ્યો હતો. જ્યારે રિટેલ ઈન્ફ્લેશન 5.3 ટકા પર રહેવાનો અંદાજ મૂક્યો હતો. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર તીવ્ર ઘટાડો દર્શાવ્યા બાદ બહાર આવી રહ્યું છે અને આપણે કોવિડ-19 સાથે કામ પાર પાડવા માટે સારી રીતે તૈયાર છીએ. દેશમાં મેક્રોઈકોનોમિક સ્થિતિને જોતાં એમપીસીએ સર્વાનુમતે પોલિસી રેપો રેટને સ્થિર જાળવી રાખવા માટેનો નિર્ણય લીધો હતો. સાથે છ સભ્યોની ટીમમાં 5-1ના રેશિયોમાં એકોમોડેટિવ પોલિસી જાળવી રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્ર વાર્ષિક ધોરણે 8.4 ટકાના દરે વૃદ્ધિ પામ્યું હતું. જે વિશ્વના અગ્રણી અર્થતંત્રોમાં સૌથી ઝડપી વૃદ્ધિ દર હતો.જોકે નવા વેરિયન્ટને કારણે આર્થિક રિકવરી સામે જોખમ ઊભું છે એમ અર્થશાસ્ત્રીઓ માની રહ્યાં છે.
સેન્ટ્રલ બેંકે રિટેલ ઈન્ફ્લેશન માટે સરેરાશ 5.3 ટકાનો ટાર્ગેટ રાખ્યો હતો. જેમાં ત્રીજા ક્વાર્ટરમાં 5.1 ટકા જ્યારે ચોથા ક્વાર્ટરમાં તે 5.7 ટકા રહેવાનો અંદાજ છે. જે તેના 2-6 ટકાની ટાર્ગેટ રેંજમાં જ છે. કેન્દ્ર સરકારે મહિના અગાઉ પેટ્રોલિયમ પેદાશો પરના કરવેરામાં આપેલી રાહતોને કારણે ફુગાવો વાજબી સ્તરે જળવાય રહેશે. જોકે કમોસમી વરસાદને પગલે ખાદ્યાન્ન પદાર્થોના ભાવમાં વૃદ્ધિ અને ટેલિકોમ સર્વિસ રેટ્સ વધવાને કારણે ફુગાવો ઊંચકાઈ શકે છે. 2022-23માં જોકે રિટેલ ફુગાવો ઘટીને 5 ટકા થવાની ધારણા બેંકે વ્યક્ત કરી હતી.

આરબીઆઈ નીતિની હાઈલાઈટ્સ
• રેપો રેટ 4 ટકાના દરે જ્યારે રિવર્સ રેપો 3.35 ટકા પર સ્થિર
• 2021-22 માટે જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ 9.5 ટકા
• સમગ્ર નાણા વર્ષ માટે રિટેલ ઈન્ફ્લેશનનો 5.3 ટકા પર રહેશે
• એમપીસીના છમાંથી પાંચ સભ્યોએ એકોમોડેટીવ વલણની તરફેણ કરી
• 2022-23માં રિટેલ ઈન્ફ્લેશન ઘટીને 5 ટકા થવાનો અંદાજ

ફિચે ચાલુ નાણા વર્ષ માટે GDP દર ઘટાડી 8.4 ટકા કર્યો
રેટિંગ એજન્સી ફિચે ચાલુ નાણાકિય વર્ષ 2021-22 માટેના તેના જીડીપી વૃદ્ધિ દરના અંદાજમાં વધુ એક સુધારો કર્યો છે. ઓક્ટોબરમાં તેણે અંદાજેલા 8.7 ટકાના જીડીપી વૃદ્ધિ દરને વધુ 0.3 ટકા ઘટાડી 8.4નો નવો અંદાજ રજૂ કર્યો છે. જોકે આગામી વર્ષ 2022-23 માટે તેણે જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ સુધારી 10.3 ટકા કર્યો છે. અગાઉ તેણે ઓક્ટોબરમાં 2022-23 માટે 10 ટકા વૃદ્ધિ દર અંદાજ્યો હતો. રેટિંગ એજન્સીએ તેના ગ્લોબલ ઈકોનોમિક આઉટલૂકમાં જણાવ્યું હતું કે અમે 2021-22 માટેના જીડીપી દરને 0.3 બેસીસ પોઈન્ટ્સ ઘટાડી 8.4 કરીએ છીએ. જીડીપી ગ્રોથ મોમેન્ટમ 2022-23માં 10.3ના સ્તરે પીક બનાવશે. જે કન્ઝ્યૂમર ચલિત રિકવરીને કારણે તેમજ સપ્લાય ચેઈનમાં અડચણો ઓછી થવાના કારણે હશે એમ ફિચે જણાવ્યું હતું.

નાયકાના શેરમાં સપ્તાહમાં 18 ટકાનો ઘટાડો નોઁધાયો

નવેમ્બર મહિનામાં શેરબજારમાં લિસ્ટ થયેલી એફએસએન ઈ-કોમર્સ વેન્ચર્સના શેરમાં બુધવારે માટે વધ-ઘટ જોવા મળી હતી. કંપનીનો શેર બુધવારે સવારે એક તબક્કે 5 ટકાથી વધુ ઘટાડો દર્શાવવા સાથે રૂ. 2026.55ના સ્તરે ટ્રેડ થયો હતો. જ્યાં તેનું માર્કેટ-કેપ રૂ. એક લાખ કરોડની નીચે ઉતરી રૂ. 97 હજાર કરોડ પર જોવા મળ્યું હતું. જોકે પાછળથી કાઉન્ટરમાં સુધારો નોંધાયો હતો અને તે રૂ. 2182.85ની સપાટીએ 1.34 ટકા સુધારે બંધ રહ્યો હતો અને રૂ. એક લાખ કરોડનું એમ-કેપ જાળવી રાખ્યું હતું. બજાર વર્તુળોના મતે કંપનીના આઈપીઓમાં રોકાણ કરનારા સંસ્થાકિય રોકાણકારો માટે 8 ડિસેમ્બરે લોક-ઈન પિરિયડ પૂરો થયો હતો અને તેથી સવારના ભાગમાં વેચવાલીના દબાણે શેર પાંચ ટકા ઘટાડો દર્શાવતો હતો. જોકે તે સતત પાંચમા દિવસે નરમાઈ દર્શાવી રહ્યો હતો. બુધવાર સવાર સુધીમાં એક સપ્તાહમાં શેરમાં 18 ટકાનું ધોવાણ જોવા મળ્યું હતું. કંપનીએ એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી રૂ. 1125 પ્રતિ શેરના ભાવે રૂ. 2396 કરોડ ઊભા કર્યાં હતાં. આમ એક મહિનાના ગાળામાં તેમને તગડું રિટર્ન કમાવાની તક મળી છે.


M&A સોદાઓને સાનૂકૂળ બનાવવા સેબીએ ડિલિસ્ટીંગ નિયમોમાં સુધારા કર્યાં
માર્કેટ રેગ્યુલેટરે ડિલિસ્ટીંગ સંબંધિત નિયમોને સરળ બનાવી મર્જર અને એક્વિઝિશન્સ આસાન બનાવવાનો પ્રયાસ કર્યો
માર્કેટ રેગ્યુલેટર સેબીએ લિસ્ટેડ કંપનીઓ માટે મર્જર અને એક્વિઝીશન્સને વધુ સરળ બનાવવા માટેના પ્રયાસોના ભાગરૂપે તેમના શેર્સને શેરબજાર પરથી ડિલિસ્ટ કરાવવાના નિયમોમાં સુધારા કર્યાં છે. નવા નિયમો હેઠળ પ્રમોટર્સ અથવા કંપનીના ખરીદારને કંપની ડિલિસ્ટ કરાવવાની શા માટે જરૂર છે તે અંગે આરંભિક પબ્લિક એનાઉન્સમેન્ટ મારફતે જાણ કરવાની રહેશે એમ નોટિફિકેશન જણાવે છે.
જો ખરીદકાર તેણે ખરીદેલી કંપનીનું ડિલિસ્ટીંગ ઈચ્છતો હોય તો તેણે ડિલિસ્ટીંગ માટે ફરજિયાતપણે બજારભાવથી પ્રિમીયમ પર ઓપન ઓફર કરવાની રહેશે એમ પણ નવા નિયમો સૂચવે છે. આડકતરી ખરીદીના કિસ્સામાં ઓપન ઓફર કરવામાં આવી હોય તો ઓપન ઓફરનો ભાવ તથા સાંકેતિક ભાવને ખરીદારે વિગતવાર જાહેર નિવેદન કરતી વખતે દર્શાવવાનો રહેશે એમ સેબીએ સોમવારે રજૂ કરેલા નોટિફિકેશનમાં જણાવાયું હતું. હાલના નિયમો મુજબ જો ઓપન ઓફર આપવામાં આવે તો ખરીદારે ટેકઓવર નિયમોનું પાલન કરતાં તેના હોલ્ડિંગને 75 ટકા અને ક્યારેક 90 ટકા ઉપર લઈ જવું પડી શકે છે. જોકે સિક્યૂરિટીઝ કોન્ટ્રેક્ટ નિયમોના પાલનની ખાતરી આપતાં ખરીદારે પ્રથમ તો ડિલિસ્ટીંગ નિયમો મુજબ તેના હોલ્ડિંગને 75 ટકા નીચે લઈ જવું પડે છે. આ એકબીજાથી વિરુધ્ધ દિશાના ટ્રાન્ઝેક્શન્સને કારણે લિસ્ટેડ કંપનીઓના ટેકઓવરમાં જટિલતા ઊભી થાય છે. ખાસ કરીને એવા કિસ્સામાં જ્યાં ખરીદાર તેના ટેકઓવર બાદ કંપની ડિલિસ્ટ થાય તેવી ઈચ્છા ધરાવે છે. સુધારેલા નિયમો લિસ્ટેડ કંપનીઓ માટે એમએન્ડએ ટ્રાન્ઝેક્શન્સને વધુ તાર્કિક અને સરળ બનાવવાનો અને રોકાણકારોના હિતને સંતુલિત કરવાનો ઈરાદો ધરાવે છે. નવા નિયમો મુજબ જો ઓપન ઓફરના પ્રતિભાવમાં ડિલિસ્ટિંગ માટેની લઘુત્તમ જરૂરિયાત મુજબ 90 ટકા હિસ્સો મેળવી લેવામાં આવે તો તમામ શેરધારકોને તેમના શેર્સના બદલામાં સાંકેતિક ભાવ ચૂકવવામાં આવશે. જે કિસ્સામાં 90 ટકા હિસ્સો મેળવી શકાય નહિ તેવા કિસ્સામાં રોકાણકારને ઓપન ઓફર હેઠળનો ભાવ ચૂકવવામાં આવશે. નવા નિયમો હેઠળ જો કંપની ડિલિસ્ટ ના થઈ શકે અને ઓપન ઓફરને કારણે ખરીદાર 75 ટકાથી વધુ હિસ્સો મેળવી લે તો ઓફર ઓફર પૂરી થયાના 12 મહિના બાદ ખરીદારને રિવર્સ બુક બિલ્ડિંગ મિકેનીઝમ મારફતે ડિલિસ્ટીંગ માટે વધુ પ્રયાસની છૂટ મળશે. જો ખરીદાર બાકીના શેર્સમાંથી 50 ટકા હિસ્સો ખરીવામાં સફળ રહેશે તો ડિલિસ્ટીંગ માટેનો તેનો પ્રયાસ સફળ રહેશે. જો લંબાવવામાં આવેલા 12 મહિનાઓ દરમિયાન ડિલિસ્ટીંગનો પ્રયાસ સફળ ના રહે તો ખરીદારે આ પિરિયડ પૂરા થયાના 12 મહિનામાં લઘુત્તમ શેરહોલ્ડિંગ નિયમોનું પાલન કરવાનું રહેશે એમ નવા નિયમો જણાવે છે.

ફ્લિપકાર્ટ IPO સાથે બજારમાં પ્રવેશે તે નક્કી જ છેઃ વોલમાર્ટ
વોલમાર્ટના સીએફઓના જણાવ્યા મુજબ ટાઈમીંગનો આધાર બજારની સ્થિતિ પર રહેશે
અગ્રણી ઈ-ટેલર્સ ફ્લિપકાર્ટ બજારમાં આરંભિક ભરણા સાથે પ્રવેશશે તે નક્કી છે. જોકે તેને લઈને હજુ ચોક્કસ સમયમર્યાદા નિર્ધારિત કરવામાં નથી આવી એમ ઈ-કોમર્સ કંપનીની માલિક એવી અમેરિકન રિટેલર વોલમાર્ટના ઈવીપી અને સીએફઓ બ્રેટ બિગ્સે જણાવ્યું હતું. આઈપીઓ માટે એકથી વધુ પરિબળો પર આધાર રહેલો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ફ્લિપકાર્ટનો બિઝનેસ અમારી ધારણા મુજબની જ કામગીરી દર્શાવી રહ્યો છે અને તેને માટે આઈપીઓ લાવવાની વાત નક્કી જ છે એમ મોર્ગન સ્ટેનલી ગ્લોબલ કન્ઝ્યૂમર એન્ડ રિટેલ કોન્ફરન્સ ખાતે બિગ્સે જણાવ્યું હતું. જોકે આ માટેનો ટાઈમીંગ મહત્વનો છે. જે માટે શું તમારો બિઝનેસ તમે ઈચ્છતાં હતાં તેમ ચાલી રહ્યો છે ખરો, શું બજારમાં પ્રવેશવાનો યોગ્ય સમય છે વગેરે જેવા પરિબળો મહત્વના બની રહેશે. વર્તુળોના જણાવ્યા મુજબ ફ્લિપકાર્ટ આગામી વર્ષે યુએસ ખાતે આઈપીઓ મારફતે 50 અબજ ડોલરનું વેલ્યૂએશનની અપેક્ષા રાખી રહી છે. ભારતમાં કન્ઝ્યૂમર ટેક સ્પેસ ક્ષેત્રે તે સૌથી મોટો આઈપીઓ બની રહેશે. આઈપીઓ માટેની ભૂમિકા તૈયાર કરવા માટે એક વચગાળાની પ્રક્રિયાના ભાગરૂપે ફ્લિપકાર્ટે ચાલુ વર્ષે જુલાઈમાં 3.6 અબજ ડોલર ઊભા કર્યાં હતાં. જેમાં સોફ્ટબેંક પણ રોકાણકાર તરીકે કંપનીમાં ફરી પ્રવેશી હતી. અગાઉ તેણે 37.6 અબજ ડોલરના વેલ્યૂએશન પર ફ્લિપકાર્ટમાંથી એક્ઝિટ લીધી હતી. ગયા વર્ષે જુલાઈમાં વોલમાર્ટ ફ્લિપકાર્ટમાં 1.2 અબજ ડોલરનો રોકાણ રાઉન્ડ યોજ્યો હતો. જે વખતે તેનું વેલ્યૂએશન 24.9 અબજ ડોલર આંકવામાં આવ્યું હતું. વિશ્વમાં સૌથી મોટી રિટેલ કંપની ભારતમાં એમેઝોન ઈન્ડિયા, રિલાયન્સની જીઓમાર્ટ અને ટાટા જૂથની રિટેલ કંપનીઓ સાથે ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ મારફતે સ્પર્ધામાં છે. વોલમાર્ટે 2018માં 16 અબજ ડોલરમાં ફ્લિપકાર્ટની ખરીદી કરી હતી. આગામી કેટલાંક વર્ષોમાં ભારતનું ઓનલાઈન માર્કેટ 1 લાખ ટ્રિલિયન ડોલરનું બનવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage