Market Summary 8 Jan 2021

Market Summary 8 Jan 2021

નિફ્ટી 14300ને આસાનીથી પાર કરી ગઈ

નિફ્ટી માટે તેજી દૈનિક બાબત બની ગઈ છે. સપ્તાહના અંતિમ દિવસે બેન્ચમાર્ક 1.48 ટકા અથવા 210 પોઈન્ટ્સ ઉછળી 14347ના સર્વોચ્ચ સ્તર પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પણ 689 પોઈન્ટસ ઉછળી 48783ની ટોચ પર બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારોના સપોર્ટ પાછળ સ્થાનિક બજારે વ્યાપક તેજી દર્શાવી હતી.

 

2021ના પ્રથમ સપ્તાહમાં વૈશ્વિક બેન્ચમાર્ક્સનું 10 ટકા સુધીનું રિટર્ન

 

કોરિયન સૂચકાંક કોસ્પી નવા કેલેન્ડરના પ્રથમ પાંચ સત્રોમાં 9.7 ટકા ઉછળ્યો

 

રશિયા, તાઈવાન, બ્રાઝિલ, ચીન, ભારત અને જાપાનના બજારોએ 2.5 ટકાથી વધુનો સુધારો દર્શાવ્યો

 

 

જેની શરૂઆત સારી એનો અંત સારો એમ માનીને ચાલીએ તો 2021 રોકાણકારો માટે લાભદાયી પુરવાર થવાની પૂરી શક્યતા છે. નવા કેલેન્ડર 2021ના પ્રથમ સપ્તાહમાં  અગ્રણી વૈશ્વિક બેન્ચમાર્ક્સના દેખાવ પર નજર કરીએ તો તેમણે 10 ટકા જેટલું તીવ્ર રિટર્ન દર્શાવ્યું છે. અગ્રણી તમામ બજારોએ પોઝીટીવ દેખાવ દર્શાવવા સાથે તેમની સર્વોચ્ચ સપાટી પણ નોંધાવી છે. જે બજાર માટે સારો સંકેત છે. શુક્રવારે સપ્તાહના આખરી દિવસે એશિયન બજારોમાં મોટી તેજી જોવા મળી હતી. જેમાં 4 ટકા વૃદ્ધિ સાથે કોપ્સી ટોચ પર હતો. યુરોપના બજારો પણ અડધાથી એક ટકાનો સુધારો દર્શાવતાં હતાં. જ્યારે યુએસ ખાતે ડાઉ ફ્યુચર્સ 91 પોઈન્ટ્સનો સુધારો દર્શાવી રહ્યો હતો.

 

શુક્રવારે ભારતીય બજારે સર્વોચ્ચ સપાટી દર્શાવી તેની સાથે કોરિયા, જર્મની, તાઈવાનના બજારોએ પણ નવી ટોચ દર્શાવી હતી. યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ અને નાસ્ડેક પણ બુઘવારે રાતે નવી ટોચ પર બંધ આવ્યાં હતાં. જેમાં ડાઉ જોન્સે 31000નું જ્યારે નાસ્ડેકે 13000ના સ્તરને પ્રથવાર પાર કર્યાં હતાં. જાપાનનો નિક્કાઈ ઈન્ડેક્સ શુક્રવારે 29139ની 30 વર્ષની ટોચ પર ટ્રેડ થયો હતો. તેણે 1086માં 40000ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યારબાદ તે 7000ની સપાટી સુધી ગગડ્યો હતો. જર્મનીનો ડેક્સ પણ 14134ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. આમ કેલેન્ડરના પ્રથમ સપ્તાહમાં ડેવલપ્ડ તથા ઈમર્જિંગ બંને બજારો સમાન દિશામાં જળવાયાં હતાં.

 

જોકે સૌથી વધુ આક્રમક્તા કોરિયન બજારે દર્શાવી હતી. સોમવારથી શુક્રવારના પાંચ ટ્રેડિંગ સત્રોમાં તે 9.7 ટકા જેટલો ઉછળ્યો હતો. શુક્રવારે તે 3161ની તેની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. માર્ચ 2020માં કોવિડ ગભરાટમાં તે 1439ના પાંચ વર્ષના તળિયા પર ટ્રેડ થયો હતો. આશ્ચર્યની વાત એ છે કે વિદેશી રોકાણકારોએ વાર્ષિક ધોરણે ચોખ્ખી વેચવાલી દર્શાવી હોવા છતાં કોરિયન બજારે 121 ટકાનું ઊંચું વળતર રળી આપ્યું છે. જે ભારતીય બજારની સરખામણીમાં પણ ઊંચું રિટર્ન સૂચવે છે. નિફ્ટી 7500ની સપાટીથી સુધરતો રહી શુક્રવારે 14347ની ટોચ પર બંધ રહ્યો હતો. જે 91 ટકા રિટર્ન દર્શાવે છે. કોસ્પી બાદ કેલેન્ડરના પ્રથમ સપ્તાહમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવવામાં ફૂટ્સીનો ક્રમ આવે છે. 2020માં અન્ડરપર્ફોર્મર રહ્યાં બાદ બ્રેક્સિટ ડિલ પાછળ તેણે પાંચ દિવસમાં 6.26 ટકાનો સુધારો દર્શાવ્યો છે. જ્યારે રશિયન બેન્ચમાર્ક પણ 5.12 ટકા સાથે ત્રીજા ક્રમે આવે છે. 2-5 ટકાનું રિટર્ન દર્શાવતાં બેન્ચમાર્ક્સમાં તાઈવાન, બ્રાઝિલ, શાંઘાઈ કંપોઝીટ, નિફ્ટી, નિક્કાઈ અને ફ્રાન્સનો કેક આવે છે. બેન્ચમાર્ક સેન્સેક્સ 2.16 ટકાનું રિટર્ન દર્શાવે છે.

 

 

 

કેલેન્ડરના પ્રથમ સપ્તાહમાં વૈશ્વિક બેન્ચમાર્ક્સનો દેખાવ

 

ઈન્ડેક્સ         વૃદ્ધિ(%)

 

કોસ્પી          9.7

ફૂટ્સી           6.26

રશિયન આરટીએસ     5.12

તાઈવાન               4.96

બ્રાઝિલ                 2.83

શાંઘાઈ કંપોઝીટ        2.79

નિફ્ટી 50              2.61

નિક્કાઈ                 2.53

કેક                     2.5

ડેક્સ                    2.48

હેંગ સેંગ                2.38

સેન્સેક્સ                2.16

 

 

મારુતિનો શેર રૂ. 8000ને કૂદાવી અઢી વર્ષની ટોચ પર

 

દેશમાં અગ્રણી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીનો શેર લગભગ 6 ટકા ઉછળીને રૂ. 8000ના સ્તરને પાર કરી અઢી વર્ષની ટોચ પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 7567ના બંધ ભાવ સામે પોઝીટીવ ખૂલી દિવસ દરમિયાન સતત સુધરતો રહ્યો હતો અને એક તબક્કે રૂ. 500થી વધુના સુધારે રૂ. 8055ના સ્તરે ટ્રેડ થયો હતો. અગાઉ જુલાઈ 2018માં કંપનીનો શેર આ સ્તરે ટ્રેડ થયો હતો. જોકે માર્ચમાં તે રૂ. 4002ના ઘણા વર્ષોના તળિયા પર પટકાયો હતો. જ્યાંથી હવે 100 ટકાથી વધુનું રિટર્ન દર્શાવી રહ્યો છે. શુક્રવારે તેણે રૂ. 2.42 લાખ કરોડના માર્કેટ-કેપનું સ્તર પાર કર્યું હતું.

 

ટેક મહિન્દ્રાએ રૂ. એક લાખ કરોડનું માર્કેટ-કેપ નોંધાવ્યું

 

મહિન્દ્રા જૂથની આઈટી કંપની ટેક મહિન્દ્રાએ શુક્રવારે લિસ્ટીંગ ઈતિહાસમાં પ્રથવાર રૂ. એક લાખ કરોડનું માર્કેટ-કેપ નોઁધાવ્યું હતું. અગાઉની સત્યમ કોમ્પ્યુટર એવી ટેક મહિન્દ્રાનો શેર 6 ટકા જેટલો ઉછળી રૂ. 1060ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો અને રૂ. 1051ના સ્તર આસપાસ બંધ રહ્યો હતો. બંધ ભાવે કંપનીનું માર્કટ-કેપ રૂ. 1.01 લાખ કરોડ થતું હતું. જે આઈટી ક્ષેત્રે પાંચમો ક્રમ ધરાવે છે. ટીસીએસ, ઈન્ફોસિસ, એચસીએલ ટેક્નોલોજી અને વિપ્રો ટોચની ચાર આઈટી કંપનીઓ છે અને તે તમામ રૂ. 2 લાખ કરોડથી વધુનું માર્કટ-કેપ ધરાવે છે.

 

અલ્ટ્રાટેક સિમેન્ટનો શેર 3 ટકાથી વધુ ઉછળી નવી ટોચ પર

આદિત્ય બિરલા જૂથની અલ્ટ્રાટેક સિમેન્ટનો શેર શુક્રવારે તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 5399ના બંધ સામે 3.5 ટકાથી વધુના સુધારે રૂ. 5611ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો હતો. જ્યારે બંધ પણ મજબૂત રહ્યો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.61 લાખ કરોડને પાર કરી ગયું હતું. કંપનીનો શેર માર્ચ મહિનાના રૂ. 2913ના તળિયાથી સુધરતો રહ્યો છે.

હેવેલ્સનો શેર રૂ. 1000ને પાર કરી ગયો

ઈલેક્ટ્રીકલ ઈક્વિપમેન્ટ્સ અને કન્ઝ્યૂમર ડ્યૂરેબલ ઉત્પાદક હેવેલ્સનો શેર શુક્રવારે પ્રથમવાર રૂ. 1000ની સપાટીને પાર કરી ગયો હતો. કંપનીનો શેર અગાઉના બંધની સરખામણીમાં 4 ટકા અથવા રૂ. 39ના સુધારે રૂ. 1011 પર ટ્રેડ થયો હતો અને લગભગ ત્યાં જ બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 63 હજાર કરોડની સપાટી પાર કરી ગયું હતું.

 

યુએસ પ્રમુખ તરીકે બાઈડન માટે સત્તા હસ્તાંતરણ સરળ બનતાં સોનું-ચાંદી તૂટ્યાં

 

ડોલર ઈન્ડેક્સ મજબૂત બનતાં કિંમતી ધાતુઓના ભાવમાં 2 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો

 

 

ગુરુવારે યુએસ પ્રમુખ તરીકે કોંગ્રેસે ડેમોક્રેટ વિજેતા ઉમેદવાર જો બાઈડનને ઔપચારિક માન્યતા આપ્યા બાદ સોનું-ચાંદી નરમ પડ્યાં હતાં. ડોલર ઈન્ડેક્સ અને ઈક્વિટીઝમાં મજબૂતી જોવા મળી હતી. સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓએ મહત્વના લેવલ્સ ગુમાવ્યાં હતાં. વૈશ્વિક બજારમાં શુક્રવાર સવારથી જ વેચવાલી જોવા મળતી હતી.

એમસીએક્સ ખાતે ગોલ્ડ ફેબ્રુઆરી વાયદો 1.54 ટકાથી વધુનો ઘટાડો દર્શાવતો હતો અને રૂ. 50000ના મહત્વના સાયકોલોજિકલ સપોર્ટને સ્પર્શી થોડો બાઉન્સ થઈ રૂ. 50200 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બે દિવસમાં જ તેણે રૂ. 1500થી વધુનો ઘટાડો દર્શાવ્યો હતો. શુક્રવારે વાયદો રૂ. 700થી વધુ તૂટ્યો હતો. સોના કરતાં પણ ચાંદીમાં વધુ વેચવાલી જોવા મળી હતી અને દિવસ દરમિયાન તે રૂ. 67400 સુધી નીચે ઉતરી ગયા બાદ 2.2 ટકાના ઘટાડે રૂ. 68427ના સ્તરે ટ્રેડ થઈ રહી હતી. જે અગાઉના તેના બંધની સરખામણીમાં રૂ. 1550નો ઘટાડો સૂચવતી હતી. એનાલિસ્ટ્સના મતે યુએસ ખાતે સત્તાનું હસ્તાંતરણ સરળતાથી નિશ્ચિત બનતાં બજારે રાહત લીધી હતી. જેની પાછળ  છ મુખ્ય કરન્સી બાસ્કેટ સામેનો ડોલર ઈન્ડેક્સ મજબૂત બન્યો હતો અને ઈક્વિટી માર્કેટ્સમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. જ્યારે સેફહેવન એસેટ એવી કિંમતી ધાતુઓમાં વેચવાલી જોવા મળી હતી. છેલ્લા ચાર સપ્તાહ દરમિયાન સોનું-ચાંદી તેમના મહત્વના સપોર્ટને પાર કર્યા બાદ વેચવાલી પાછળ નીચે આવી જતાં જોવા મળ્યાં છે. જેમાં ચાંદી રૂ. 70000ના સ્તરને પાર કરી ફરી રૂ. 68-69000ની રેંજમાં આવી જાય છે. જ્યારે સોનું રૂ. 51000ની સપાટી કૂદાવી રૂ. 50 હજાર અથવા તેની નીચે પણ ઉતરી જતું જોવા મળ્યું છે. શુક્રવારે ડોલર ઈન્ડેક્સ 0.13 ટકા મજબૂતી સાથે 89.91ની સપાટી પર ટ્રેડ થતો હતો. તેને માટે 90ની સપાટી પાર કરવું અઘરું છે. જો તે આ સપાટી કૂદાવશે તો સોનુ-ચાંદીમાં વધુ ઘટાડાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.

 

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage