Market Summary 8 July 2021

માર્કેટ સમરી

વૈશ્વિક સેન્ટિમેન્ટ પાછળ બજારમાં વેચવાલીનું દબાણ

ગુરુવારે ભારતીય બજારે વૈશ્વિક બજારોની સમાંતર ચાલ દર્શાવી હતી. નિફ્ટી 15886ની ટોચ બનાવી સતત ઘસાતો રહ્યો હતો અને 15683ના તળિયા પર ટ્રેડ થયો હતો. તે લગભગ એક ટકા નરમાઈ સાથે બંધ જોવા મળ્યો હતો. હવે તેના માટે 34-ડીએમએનું 15670નું લેવલ ખૂબ મહત્વનું બન્યું છે. જે તેના બંધભાવથી માત્ર 60 પોઈન્ટ્સ છેટે છે. જો આ સ્તર તૂટશે તો બજારમાં વધુ વેચવાલી સંભવ છે. માર્કેટ નજીકમાં 16000ની સપાટી પાર કરવાની શક્યતા ઓછી જણાય રહી છે.

યુએસ ખાતે બોન્ડ યિલ્ડ્સને લઈ ચિંતા વધી

માર્ચ-એપ્રિલમાં યુએસ ખાતે બોન્ડ યિલ્ડ્સમાં સતત વૃદ્ધિને લઈને ઈક્વિટી બજારો ચિંતામાં હતાં. ગુરુવારે યુએસ ખાતે 10 વર્ષ માટેના બોન્ડ યિલ્ડ્સ ફેબ્રુઆરી પછીના તળિયાના સ્તરે પટકાયાં હતાં. કેટલાંક સમય અગાઉ તે 1.75ના સ્તર પર જોવા મળી રહ્યાં હતાં. જોકે ફુગાવાની ચિંતા પાછળ ફેડ બોન્ડ બાઈંગ પ્રોગ્રામને ઝડપથી બંધ કરે તેવી શક્યતાં પાછળ શોર્ટ-ટર્મ માટેના એટલેકે 2 વર્ષની મુદત ધરાવતાં બોન્ડ યિલ્ડ્સમાં સ્થિરતા અથવા મજબૂતી જોવા મળી રહી હતી. જ્યારે લોંગ-ટર્મ બોન્ડ યિલ્ડ્સમાં નરમાઈ જોવા મળી રહી હતી.

 

ઈન્શ્યોરન્સ ક્ષેત્રે જૂનમાં 40 ટકા FPI ફ્લો મેળવ્યો

જૂન મહિનામાં વિદેશી રોકાણકારો તરફથી ફંડ આકર્ષવામાં ઈન્શ્યોરન્સ ક્ષેત્રનો દેખાવ ખૂબ જ સારો રહ્યો હતો. વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં કરેલા રોકાણનો 40 ટકાથી વધુ હિસ્સો ઈન્શ્યોરન્સ ક્ષેત્રે ગયો હતો. વિદેશી રોકાણકારોએ ગયા મહિને દેશમાં કુલ 2.35 અબજ ડોલરન ઈનફ્લોમાંથી લગભગ 97 કરોડ ડોલર ઈન્શ્યોરન્સ ક્ષેત્રે પ્રવેશ્યાં હતાં. આશ્ચર્યની બાબત એ છે કે બજારમાં વેઈટેજની વાત કરીએ તો બેંકિંગ અને ફાઈનાન્સિયલ ક્ષેત્રે ઊંચું વેઈટેજ ધરાવે છે. જ્યારે ઈન્શ્યોરન્સ માત્ર 2.5 ટકાનું વેઈટેજ ધરાવે છે. તેમ છતાં તેમણે કુલ ઈનફ્લોનો મોટો હિસ્સો મેળવ્યો હતો.

ઝોમેટો બજારમાંથી રૂ. 9375 કરોડ ઊભાં કરશે

ફડ ડિલિવરી કંપની ઝોમેટો આઈપીઓ મારફતે મૂડીબજારમાંથી રૂ. 9375 કરોડ ઊભાં કરશે. કંપની રૂ. 72-76ની પ્રાઈસ બેન્ડમાં કંપનીનો શેર ઓફર કરશે. આઈપીઓ 14 જુલાઈએ ખૂલશે અને 16 જુલાઈના રોજ બંધ થશે. ફેબ્રુઆરી 2020માં એસબીઆઈ ક્રેડિટ કાર્ડ્સના રૂ. 10300 કરોડના આઈપીઓ બાદ ઝોમેટોનો આઈપીઓ બીજો સૌથી મોટો આઈપીઓ બની રહેશે. 12 વર્ષ અગાઉ શરૂ થયેલી કંપનીએ અગાઉ આઈપીઓ મારફતે રૂ. 7500 કરોડ એકત્ર કરવાનું નક્કી કર્યું હતું. જોકે પાછળથી તેણે આઈપીઓનું કદ વધાર્યું હતું. કેલેન્ડર 2021માં અત્યાર સુધીમાં 22 કંપનીઓ પ્રાઈમરી માર્કેટમાં પ્રવેશી ચૂકી છે અને તેમણે લગભગ રૂ. 40 હજાર કરોડ નજીકની રકમ એકત્ર કરી છે.

રૂપિયો ડોલર સામે વધુ 10 પૈસા ગગડ્યો

વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં મજબૂતીની અસરે રૂપિયામાં ઘસારો ચાલુ છે. ગુરુવારે ભારતીય ચલણ યુએસ ડોલર સામે વધુ 10 પૈસા ગગડી 74.71ના સ્તરે બંધ રહયું હતું. તે અગાઉના 74.61ના બંધ સામે 74.81ના સ્તરે ગેપ-ડાઉન ઓપનીંગ બાદ વધુ ગગડી 74.84ના છેલ્લા ત્રણ મહિનાના તળિયા પર ટ્રેડ થયો હતો. જ્યાંથી સુધરી 74.65 થઈ આખરે 74.61 પર બંધ રહ્યો હતો. યુએસ ખાતે લોંગ ટર્મ ટ્રેઝરી યિલ્ડ્સ ઘટી રહ્યાં છે. જ્યારે નજીકના સમયગાળા માટે યિલ્ડ્સ વધી રહ્યાં છે. જે સૂચવે છે કે ફેડ અપેક્ષા કરતાં પહેલાં બોન્ડ બાઈંગ બંધ કરી શકે છે. જેની પાછળ ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી જોવા મળી રહી છે.

 

રિડમ્પ્શનના દબાણે જૂનમાં ઈક્વિટી ઈનફ્લો મે કરતાં અડધો થઈ ગયો

મે મહિનામાં રૂ. 9235.48 કરોડના ઈનફ્લો સામે જૂન મહિનામાં ફંડ્સમાં ઈન્ફ્લો 50 ટકા ઘટી રૂ. 4608.75 કરોડ નોંધાયો

જોકે જૂન 2020માં ઈક્વિટી સ્કીમ્સમાં માત્ર રૂ. 225.25 કરોડનો ઈનફ્લો નોંધાયો હતો, જેની સામે નોંધપાત્ર સુધારો

 

મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગે જૂન મહિનામાં ફરી ઊંચા રિડમ્પ્શનનો સામનો કરવાનો થયો હતો. જેને કારણે ઈક્વિટી સ્કીમ્સમાં આવી રહેલો ઈનફ્લો મે મહિનામાં ચૌદ મહિનાની ટોચ પરથી ઘટીને અડધો જોવા મળ્યો હતો. મે મહિનામાં વિવિધ ઈક્વિટી સ્કીમ્સમાં કુલ રૂ. 9235.48 કરોડનો ઈક્વિટી ઈનફ્લો નોંધાયો હતો. જે જૂન મહિનામાં લગભગ 50 ટકા નીચે રૂ. 4608.75 કરોડ પર જોવા મળ્યો હતો. જોકે માર્ચ 2021 બાદ સતત ચોથા મહિને ઈક્વિટી સ્કીમ્સમાં પોઝીટીવ ઈનફ્લોનો ક્રમ જળવાયો હતો.

એનાલિસ્ટ્સના મતે જૂન મહિનામાં શેરબજાર વિક્રમી ટોચ પર હોવાના કારણે રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ કરતાં રિડમ્પ્શનનું દબાણ જોવા મળ્યું હતું. એસોસિએશન ઓફ મ્યુચ્યુલ ફંડ્સ ઈન ઈન્ડિયા(એમ્ફી)એ રજૂ કરેલાં ડેટા મુજબ જૂન મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુલ ફંડ સ્કીમ્સમાં રૂ. 4608.75 કરોડનો નેટ ઈનફ્લો જોવા મળ્યો હતો. જે મે મહિનામાં રૂ. 9235.48 કરોડની સરખામણીમાં 50.09 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવતો હતો. જોકે ગયા વર્ષે જૂન મહિનામાં નોંધાયેલા રૂ. 225.25 કરોડના ઈનફ્લો સામે તે નોંધપાત્ર ઊંચો હતો. જૂનમાં ઈક્વિટી સ્કીમ્સમાં કુલ રૂ. 18974.82 કરોડનું રિડમ્પ્શન નોંધાયું હતું. જે મે મહિનામાં રૂ. 14169.63 કરોડ પર હતું. જ્યારે જૂન 2020માં તે રૂ. 13520.03 કરોડ પર જોવા મળતું હતું. માર્ચ 2021થી લઈને જૂન મહિનાના ચાર મહિના દરમિયાન દેશમાં ઈક્વિટી સ્કીમ્સમાં પોઝીટીવ ઈનફ્લો નોંધાયો હતો. માર્ચ અગાઉ સતત આંઠ મહિના દરમિયાન ઈક્વિટી સ્કીમ્સમાં ચોખ્ખો આઉટફ્લો જોવા મળ્યો હતો. ફેબ્રુઆરીમાં બજેટ બાદ રોકાણકારોના સેન્ટિમેન્ટમાં પરિવર્તન આવ્યું હતું અને તેઓ બજાર તરફ પરત વળ્યાં હતાં. બજારમાં વિશ્વાસ પરત ફરતાં ઈક્વિટી સ્કીમ્સમાં પોઝીટીવ ફંડ ફ્લો શરૂ થયો હતો.

મે મહિનામાં ઈક્વિટી સ્કીમ્સમાં ફંડ ફ્લો 14 મહિનાની ટોચ પર હતો. એપ્રિલમાં તે રૂ. 3427 કરોડ પર જ્યારે માર્ચમાં રૂ. 9115 કરોડ પર હતો. આમ બજારમાં ચઢાવ-ઉતાર સાથે છેલ્લા ચાર મહિનામાં ફંડ ફ્લોમાં પણ મોટી વધ-ઘટ જોવા મળી છે. જૂન મહિના દરમિયાન ઈક્વિટી-લિન્ક્ડ ઓપન એન્ડેડ સ્કીમ્સમાં ઈનફ્લો રૂ. 5988.17 કરોડ રહ્યો હતો. ઈએલએસએસ અને વેલ્યૂ ફંડ્સ સિવાયની સ્કીમમાં રૂ. 792 કરોડ અને રૂ. 115 કરોડનો આઉટફ્લો નોંધાયો હતો. ઈક્વિટી સ્કીમ્સની અંદર જોઈએ તો મલ્ટી-કેપ ફંડ્સમાં રૂ. 1729 કરોડનો ઈનફ્લો જ્યારે થિમેટીક ફંડ્સમાં રૂ. 1207 કરોડનો ઈનફ્લો અને ફ્લેક્સિ કેપ ફંડ્સમાં રૂ. 1087 કરોડનો ઈનફ્લો નોંધાયો હતો. ઈક્વિટીઝ ઉપરાંત રોકાણકારોએ હાઈબ્રીડ ફંડ્સમાં રૂ. 12361 કરોડનું રોકાણ દર્શાવ્યું હતું. જેમાં રૂ. 9060 કરોડ આર્બીટ્રેડ ફંડ્સમાં પ્રવેશ્યાં હતાં. ગોલ્ડ ઈટીએફ્સમાં પણ રૂ. 360 કરોડનો ઈનફ્લો નોંધાયો હતો. જે મે મહિના દરમિયાન રૂ. 288 કરોડ હતો. ડેટ મ્યુચ્યુલ ફંડ્સની વાત કરીએ તો રોકાણકારોએ કુલ રૂ. 3566 કરોડ ઠાલવ્યાં હતાં. મે મહિનામાં તેમણે રૂ. 44512 કરોડની જંગી રકમ બજારમાંથી પરત ખેંચી હતી. ડેટ સહિતની સ્કિમ્સમાં ગણતાં બજારમાં જૂનમાં કુલ રૂ. 15320 કરોડનો ઈનફ્લો નોંધાયો હતો. જૂન મહિનામાં ફંડ ઉદ્યોગનું કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ(એયૂએમ) રૂ. 33.67 કરોડ પર રહ્યું હતું. જે મેની આખરમાં રૂ. 33 લાખ કરોડ પર હતું.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage