Market Summary 8 July 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

રેંજ બાઉન્ડ ટ્રેડ વચ્ચે બેન્ચમાર્ક્સ સવા મહિનાની ટોચે
નિફ્ટીએ 16200ની સપાટી આસાનીથી કૂદાવી
ચીન અને યૂકે સિવાય વિશ્વમાં સાર્વત્રિક તેજીનો માહોલ
વોલેટિલિટી ઈન્ડેક્સ 4.2 ટકા ગગડી 18.39ના મહિનાના તળિયે
એનર્જી, પીએસઈ, બેંકિંગ અને ફાર્માનો સપોર્ટ
મેટલ, રિઅલ્ટીમાં વેચવાલી જોવાઈ
બ્રોડ માર્કેટમાં અંડરટોન મજબૂત

ભારતીય શેરબજારમાં તેજીના નવા ટ્રિગરના અભાવ વચ્ચે પણ સુધારો જળવાયો હતો અને સપ્તાહના આખરી સત્રમાં બેન્ચમાર્ક્સ તેમની પાંચ સપ્તાહની ટોચ પર બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 303 પોઈન્ટ્સ સુધરી 54482ની સપાટીએ જ્યારે નિફ્ટી 88 પોઈન્ટ્સ મજબૂતી સાથે 16221ની સપાટીએ બંધ રહ્યાં હતાં. નિફ્ટીના 50 ઘટક સભ્યોમાંથી 35 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 15 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ અન્ડરટોન મજબૂત જોવા મળ્યો હતો. જેની પાછળ બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જળવાય રહી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4.22 ટકા ઘટાડે 18.39ની સપાટીએ બંધ રહ્યો હતો.
વૈશ્વિક બજારો માટે પણ પુરું થયેલું સપ્તાહ પોઝીટીવ બની રહ્યું હતું. લગભગ એપ્રિલ બાદ આ પ્રકારનું તેજીનું સપ્તાહ જોવા મળ્યું હતું. શુક્રવારે ચીન અને યુકે સિવાય મહત્વના તમામ બજારો સુધારો દર્શાવી રહ્યાં હતાં. જેમાં કોરિયા અને તાઈવાનના બજારો સુધારો દર્શાવવામાં ટોચ પર હતા. સપ્તાહ દરમિયાન બંને દક્ષિણ-પૂર્વીય બજારોએ 4-5 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાવ્યો હતો. જાપાનનું બજાર પણ નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યું હતું. જોકે પૂર્વ વડાપ્રધાન પર ગોળીબાર અને ત્યારબાદ તેમના અવસાનના અહેવાલ પાછળ બજાર સાધારણ સુધારે બંધ જોવા મળ્યું હતું. યુરોપ ખાતે જર્મની અને ફ્રાન્સના બજારો પોઝીટીવ જોવા મળી રહ્યાં હતાં. જ્યારે યુકેનું બજાર 0.54 ટકા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું હતું. ગુરુવારે યુએસ ખાતે નાસ્ડેકે 2.28 ટકા ઉછાળા સાથે 11621ની તાજેતરની ટોચ પર બંધ આપ્યું હતું. ભારતીય બજારમાં શુક્રવારે ટીસીએસના પરિણામ સાથે પ્રથમ ક્વાર્ટરની રિઝલ્ટ સિઝન શરૂ થવાની હતી. જેને લઈને ટ્રેડર્સ આશાવાદી જોવા મળી રહ્યાં હતાં.
સપ્તાહના આખરી સત્રમાં મુખ્ય સપોર્ટ બેંકિંગ, એનર્જી, પીએસઈ અને ફાર્મા તરફથી સાંપડ્યો હતો. જોકે એકપણ સેક્ટરલ ઈન્ડેક્સ એક ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યો નહોતો. આમ ટ્રેડિંગ સત્ર સામાન્ય બની રહ્યું હતું પરંતુ તે એકવાર પણ નેગેટિવ ઝોનમાં સરી પડ્યું નહોતું. નિફ્ટી 16158થી 16276ની રેંજમાં અથડાયેલો જોવા મળ્યો હતો. નિફ્ટી ફ્યુચર્સ 16220.60ના સ્તરે બંધ રહ્યો હતો. આમ ઈન્ટ્રા-ડે બેસીસ પર નિફ્ટી કેશ સામે ડિસ્કાઉન્ટમાં જવા છતાં કામકાજની આખરમાં તે 13 પોઈન્ટ્સના પ્રિમિયમે બંધ રહ્યો હતો. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 0.99 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. મુખ્ય સુધારો દર્શાવનારા એનર્જી કાઉન્ટર્સમાં પાવર ગ્રીડ કોર્પોરેશન 3 ટકા, ટાટા પાવર 2.6 ટકા, એનટીપીસી 2.3 ટકા અને અદાણી ગ્રીન એનર્જી 0.6 ટકા સુધારો દર્શાવી રહ્યો હતો. નિફ્ટી પીએસઈ પણ આ બધા પીએસયૂ કાઉન્ટર્સમાં સુધારા પાછળ 0.78 ટકા સુધારો સૂચવતો હતો. નિફ્ટી બેંકમાં 0.6 ટકા મજબૂતી જોવા મળી હતી. જેમાં આઈસીઆઈસીઆઈ બેંક 1.9 ટકા સાથે સૌથી વધુ સુધારો દર્શાવતી હતી. જ્યારે એક્સિસ બેંક 1.7 ટકા, બેંક ઓફ બરોડા 0.6 ટકા અને ફેડરલ બેંક 0.52 ટકા સુધારો સૂચવતી હતી. નિફ્ટી એફએમસીજી અડધો ટકો સુધારો દર્શાવતો હતો. તેને સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં વરુણ બેવરેજીસ 2.6 ટકા, નેસ્લે 1.2 ટકા અને એચયૂએલ 1 ટકાનો સમાવેશ થતો હતો. આઈટીસી પણ સાધારણ પોઝીટીવ ટ્રેડ સાથે ફ્લેટ જોવા મળ્યો હતો. ફાર્મા ઈન્ડેક્સ 0.48 ટકા પોઝીટીવ બંધ રહ્યો હતો. જેમાં ડો. રેડ્ડીઝ લેબો, સન ફાર્મા, આલ્કેમ લેબો અને બાયોકોનું યોગદાન મુખ્ય હતું. ટોરેન્ટ ફાર્મા અને ઝાયડસ લાઈફ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી મેટલ ઈન્ડેક્સમાં 0.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ટોચના સ્ટીલ કાઉન્ટર્સમાં નરમાઈ પાછળ મેટલ ઘટાડો દર્શાવતું હતું. જેમાં જિંદાલ સ્ટીલ 2 ટકા, સેઈલ 1.72 ટકા, વેદાંત 1.62 ટકા, ટાટા સ્ટીલ 1.6 ટકા અને જેએસડબલ્યુ સ્ટીલ 1.5 ટકા ઘટાડો સૂચવી રહ્યાં હતાં. હિંદુસ્તાન ઝીંક એકમાત્ર 2.55 ટકા સુધારો દર્શાવી રહ્યો હતો. એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં એસઆરએફ 4.95 ટકા, ઈન્ડિયા સિમેન્ટ્સ 4.93 ટકા, લાર્સન 4.74 ટકા, એમએન્ડએમ ફાઈનાન્સિયલ 4.4 ટકા, ડેલ્ટા કોર્પ 3.13 ટકા અને પાવરગ્રીડ કોર્પોરેશ 3 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. આનાથી ઊલટું એનબીસીસી 3 ટકાનો ઘટાડો સૂચવતો હતો. આ સિવાય બંધન બેંક 2.75 ટકા, અશોક લેલેન્ડ 2.7 ટકા, મેક્સ ફાઈનાન્સિયલ 2.5 ટકા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 2.5 ટકા અને રેઈન ઈન્ડસ્ટ્રીઝ 2.3 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં બીએસઈ ખાતે 3440 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1897 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1378 નેગેટિવ બંધ જોવા મળી રહ્યાં હતાં. 10 કાઉન્ટર્સ અપર સર્કિટમાં જ્યારે 2 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. 82 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 24 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું.


TCSનો નફો 5 ટકા ઉછળી રૂ. 9478 કરોડ પર રહ્યો
કંપનીની આવક જૂન ક્વાર્ટરમાં 17 ટકા ઉછળી રૂ. 52758 કરોડ રહી
કંપનીના કર્મચારીઓની સંખ્યા 6 લાખના આંકડાને પાર કરી ગઈ
દેશમાં ટોચની આઈટી સર્વિસ કંપની તાતા કન્સલ્ટન્સીએ જૂન ક્વાર્ટર માટે રૂ. 9478 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે પાંચ ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક જોકે 16.7 ટકા ઉછળી રૂ. 52758 કરોડ પર જોવા મળી હતી. કોન્સ્ટન્ટ કરન્સી(સીસી) રેવન્યૂ ગ્રોથને આધારે તેણે વાર્ષિક 15.5 ટકા વૃદ્ધિ દર નોંધાવ્યો હતો. કંપનીના ઓપરેટિંગ માર્જિન 23.1 ટકા પર રહ્યાં હતાં. જે વાર્ષિક ધોરણે 2.4 ટકાનો ઘટાડો દર્શાવે છે. કંપનીએ શેર દીઠ રૂ. 8નું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. જે 3 ઓગસ્ટ સુધીમાં શેરધારકોના ખાતામાં ડિપોઝીટ કરાવવામાં આવશે. આ માટે 16 જુલાઈની રેકર્ડ ડેટ રહેશે.
જૂન ક્વાર્ટરમાં કંપનીનો એટ્રિશન રેટ ઉછળીને 19.7 ટકાના સ્તરે પહોંચ્યો હતો. માર્ચ ક્વાર્ટરમાં તે 17.4 ટકા પર હતો. ક્વાર્ટર દરમિયાન કંપનીએ 14136 કર્મચારીઓની નિમણૂંક કરી હતી. જે અગાઉના ક્વાર્ટરમાં 35209ની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. જોકે નવા ઉમેરા સાથે તેના કુલ કર્મચારીઓની સંખ્યા 6 લાખના સ્તરને પાર કરી ગઈ હતી. કંપનીની કુલ ઓર્ડર બુક સાઈઝ ઘટીને 8.2 અબજ ડોલર પર જોવા મળતી હતી. જે અગાઉના ક્વાર્ટર દરમિયાન 11.3 અબજ ડોલરના સ્તરે હતી. કંપનીના જણાવ્યા મુજબ જૂન ક્વાર્ટરમાં તેણે 10 કરોડ ડોલરથી વધુના બેન્ડમાં નવ નવા ક્લાયન્ટ્સ મેળવ્યાં હતાં. જ્યારે 5 કરોડ ડોલરથી વધુના બેન્ચમાં 19 નવા ક્લાયન્ટ્સ મેળવ્યાં હતાં.

લેન્ડિંગ રેટ્સ વધારવામાં બેંક્સ ઉતાવળી, રિટેલ ડિપોઝીટર્સે ઊંચા રેટ માટે રાહ જોવી પડશે
MLCRમાં 25-65 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ સામે રિટેલ ડિપોઝીટ્સમાં સાધારણ વધારો
હાલમાં બેંક્સ પાસે પર્યાપ્ત લિક્વિડિટીની સ્થિતિ જોતાં ડિપોઝીટ રેટ્સમાં વૃદ્ધિ તબક્કાવાર રહેશે
હોલસેલ ટર્મ ડિપોઝીટ્સમાં પણ 100-170 બેસીસ પોઈન્ટનો વધારો નોંધાયો
દેશમાં બેંકિંગ કંપનીઓએ રેપો રેટ પાછળ તેમન લેન્ડિંગ રેટ્સમાં ઝડપથી વધારો કર્યો છે. જ્યારે રિટેલ સેવિંગ્ઝ બેંક એકાઉન્ટ હોલ્ડર્સ માટે ડિપોઝીટ રેટ્સમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો નથી. માર્કેટ વર્તુળોના મતે આરબીઆઈ તરફથી લિક્વિડીટીને શોષવાના પ્રયાસો બાદ પણ બજારમાં પ્રવાહિતાની સ્થિતિ સારી હોવાથી બેંકર્સ રિટેલ ડિપોઝીટ્સને લઈને બહુ ચિંતિત નથી. આમ નાના બચતકારોએ તેમના નાણા પર ઊંચું મળતર મેળવવા માટે હજુ વધુ રાહ જોવાની રહેશે.
એક અગ્રણી બ્રોકરેજ કંપનીએ હાથ ધરેલા અભ્યાસ મુજબ સેન્ટ્રલ બેંકે બે મહિનામાં રેપો રેટમાં 90 બેસીસ પોઈન્ટ્સન વૃદ્ધિ દર્શાવી હતી. રેપો રેટમાં વૃદ્ધિ પાછળ બેંકર્સ તેમના લેન્ડિંગ રેટ્સ(ઈબીએલઆર અને એમસીએલઆર પણ)માં 25-65 બેસીસ પોઈન્ટ્સની રેંજમાં વધારો કર્યો છે. જેમાં પ્રાઈવેટ સેક્ટર બેંક્સ વધુ આક્રમક જોવા મળી છે. જ્યારબાદ એસબીઆઈએ પણ તેનો લેન્ડિંગ રેટ વધાર્યો છે. બેંકોએ તેમના રિટેલ ડિપોઝીટ રેટ્સમાં પણ વૃદ્ધિ કરી છે. જોકે તે સાધારણ જોવા મળે છે અને લેન્ડિંગ રેટ્સની સમકક્ષ નથી જોવા મળી રહી એમ રિપોર્ટ જણાવે છે. બીજી બાજુ હોલસેલ ટર્મ ડિપોઝીટ્સમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. જેમકે એક વર્ષ માટેની મુદત માટેની બલ્ક ડિપોઝીટ પરના દર 100-170 બેસીસ પોઈન્ટ્સનો તીવ્ર વધારો દર્શાવી રહ્યાં છે. કેટલીક પ્રાઈવેટ સેક્ટર બેંકોએ તેમના સેવિંગ્ઝ રેટમાં વધારો કર્યો છે. જેમાં કોટક બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, બંધન બેંક અને ફેડરલ બેંકનો સમાવેશ થાય છે. નવાઈની વાત એ છે કે યસ બેંકે તાજેતરમાં ફ્લોટિંગ રેટ આધારિત ફિક્સ્ડ ડિપોઝીટ લોંચ કરી છે. તેણે આ ડિપોઝીટને પ્રવર્તમાન રેપો રેટ સાથે જોડી છે. દેશમાં આ પ્રથમ પ્રકારની પ્રોડક્ટ છે.
ટોચની રેટિંગ એજન્સી સાથે જોડાયેલા અધિકારીના જણાવ્યા મુજબ સામાન્યરીતે બિઝનેસ આવી રીતે જ કામ કરતો હોય છે. એસેટ્સના રિપ્રાઈસિંગની સરખામણીમાં લાયેબિલિટીઝનું રિપ્રાઈસિંગ પાછળથી જ થતું હોય છે. હાલમાં બેંક્સ પાસે લિક્વિડિટીની સ્થિતિ સારી છે અને તેથી જ તેમની પાસે ડિપોઝીટ્સ રેટ્સમાં નોંધપાત્ર વૃદ્ધિ કરવાનું કારણ નથી. ડિપોઝીટ રેટ્સને લેન્ડિંગ રેટ્સ સાથે મેળ ખાતા હજુ બીજા છ મહિનાનો સમય લાગી શકે છે એમ તેઓ ઉમેરે છે. એજન્સીએ તૈયાર કરેલા ડેટા મુજબ શેડ્યૂલ્ડ કમર્સિયલ બેંક્સ માટે મે મહિના સુધીમાં ફ્રેશ લોન્સ માટે વેઈટેડ એવરેજ લેન્ડિંગ રેટ્સ વાર્ષિક ધોરણે 0.64 ટકા વૃદ્ધિ સાથે 7.86 ટકા પર જોવા મળ્યાં છે. આનાથી વિરુધ્ધ, વેઈટેડ એવરેજ સ્થાનિક ટર્મ ડિપોઝીટ રેટ્સ મે સુધીમાં વાર્ષિક ધોરણે 1.05 ટકા વધી 5.07 ટકા જોવા મળ્યાં હતાં. હાલમાં બેંક્સ પાસે પર્યાપ્ત લિક્વિડિટી છે અને તેમને ડિપોઝીટર્સને આકર્ષવાની કોઈ જરૂર નથી. આમ ડિપોઝીટ રેટ્સમાં વૃદ્ધિ તબક્કાવારરીતે જોવા મળશે. તેઓ રિટેલ ડિપોઝીટર્સને ટૂંકાગાળાની ડિપોઝીટ્સ માટે નાણા પાર્ક કરવા જણાવે છે. દેશમાં લોન ગ્રોથ વાર્ષિક ધોરણે 12 ટકા જોવા મળી રહ્યો છે. જ્યારે ડિપોઝીટ ગ્રોથ 9 ટકા પર જોવા મળી રહ્યો છે. જે બેંક્સ માટે આગામી સમયગાળામાં ચિંતાનું કારણ બની શકે એમ તેઓ ઉમેરે છે.

સોયાબિનના વાવેતરમાં વેગ આવતાં 70 લાખ હેકટરમાં વાવણી સંપન્ન
MSPથી 50 ટકા બજારભાવમાં 50 ટકા પ્રિમીયમ જોતાં વાવેતર ગયા વર્ષના 1.2 કરોડ હેકટરને પાર કરે તેવી શક્યતાં
દેશમાં સોયાબિન પકવતાં રાજ્યોમાં વાવણીએ વેગ પકડ્યો છે. છેલ્લાં બે સપ્તાહ દરમિયાન વ્યાપક વરસાદને કારણે મહત્વના ખરિફ તેલિબિયાંનું વાવેતર 70 લાખ હેકટર વિસ્તારમાં થઈ ચૂક્યું હોવાનું સોયાબિન પ્રોસેસર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા(સોપા)નું કહેવું છે. જેમાં મુખ્યત્વે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. દેશમાં સોયાબિનના વાવેતરનો 90-95 ટકા જેટલો વિસ્તાર આ ત્રણ રાજ્યો ધરાવે છે. સોપાના મતે ચાલુ સિઝનમાં સોયાબિનનું વાવેતર ગયા વર્ષના 120 લાખ હેકટરથી આગળ વધી જવાની અપેક્ષા છે.
સંસ્થાએ પ્રગટ કરેલા આંકડા મુજબ 6 જુલાઈ સુધીમાં મધ્ય પ્રદેશમાં 30.50 લાખ હેકટરમાં સોયાબિનનું વાવેતર થઈ ચૂક્યું હતું. સામાન્યરીતે મધ્યપ્રદેશમાં 55-60 લાખ હેકટરમાં પાકની વાવણી થાય છે. મહારાષ્ટ્રમાં સોયાબિનનું વાવેતર 26 લાખ હેકટર પર જોવા મળતું હતું. જ્યારે રાજસ્થાનમાં 7 લાખ હેકટર વિસ્તારમાં વાવણી નોંધાઈ હતી. આ ઉપરાંત તેલંગાણામાં 2.6 લાખ હેકટર, કર્ણાટકમાં 2.37 લાખ હેકટર અને ગુજરાતમાં 1 લાખ હેકટરથી વધુ વિસ્તારમાં સોયાબિન વાવેતર જોવા મળતું હતું. સોપાના જણાવ્યા મુજબ વાવણી કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અને દેશમાં ગયા વર્ષ જેટલું જ અથવા તો તેનાથી વધુ સોયાબિન વાવેતર જોવા મળે તેવી શક્યતાં છે. ખેડૂતો પાસે તેલિબિયાંના બિયારણ તથા ફર્ટિલાઈઝર્સનો પૂરતો જથ્થો પ્રાપ્ય છે અને તેથી વાવેતરમાં કોઈ અવરોધની સંભાવના નથી. મધ્યપ્રદેશમાં 13 જિલ્લાઓમાં સરેરાશથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે 18 જિલ્લાઓમાં સામાન્ય વરસાદ જોવા મળી રહ્યો છે. જોકે 20 જિલ્લાઓમાં તે ખાધ દર્શાવે છે. જ્યારે મહારાષ્ટ્રમાં પણ 8 જિલ્લાઓમાં અધિક વરસાદ નોંધાયો છે. જ્યારે 23 જિલ્લાઓમાં સામાન્ય અને 8 જિલ્લાઓમાં વરસાદની ખાધ જોવા મળી રહી છે. રાજસ્થાનમાં સ્થિતિ સારી છે. ત્યાં 9 જિલ્લાઓમાં ખૂબ જ અધિક વરસાદ વરસ્યો છે. જ્યારે 12માં અધિક વરસાદ જ્યારે 8માં સામાન્ય વરસાદ અને 4 જિલ્લામાં ખાધ જોવા મળી રહી છે. સરકારે આગામી માર્કેટિંગ સિઝન માટે સોયાબિનના લઘુત્તમ ટેકાના ભાવ રૂ. 4300 પ્રતિ ટન પર નિર્ધારિત કર્યાં છે. જ્યારે માર્કેટમાં બિનના ભાવ રૂ. 6200-6500 પ્રતિ ટન પર ચાલી રહ્યાં છે. જે એમએસપી કરતાં 50 ટકા પ્રિમિયમ સૂચવે છે.

ટાટા પાવર પાંચ વર્ષોમાં રિન્યૂએબલ એનર્જિમાં રૂ. 75 હજાર કરોડ ખર્ચશે
દેશમાં ટોચની પાવર ઉત્પાદક કંપનીઓમાંની એક ટાટા પાવર આગામી પાંચ વર્ષોમાં રિન્યૂએબલ એનર્જિ પાછળ રૂ. 75 હજાર કરોડનું ખર્ચ કરશે એમ કંપનીના ચેરમેન એન ચંદ્રશેખરે કંપનીની 103મી એન્યૂલ જનરલ મિટિંગમાં જણાવ્યું હતું. કંપની તેની હાલની 13.5 ગીગાવોટની ક્લિન એનર્જી પોર્ટફોલિયોની ક્ષમતાને વધારી 2026-27 સુધીમાં 30 ગીગાવોટ કરશે એમ તેમણે ઉમેર્યું હતું. આ માટે એપ્રિલમાં કંપનીએ બ્લેકરોક રિઅલ એસેટ્સના નેતૃત્વમાં ટાટા પાવર્સની રિન્યૂએબલ એનર્જી સબસિડિયરી, ટાટા પાવર રિન્યૂએબલ એનર્જિમાં રોકાણ માટે કરાર કર્યાં હતાં. જેમાં બ્લેકરોક રિઅલ એસેટ્સે ટાટા પાવર રિન્યૂએબલ્સમાં 10.53 ટકા હિસ્સો ખરીદવા માટે રૂ. 4 હજાર કરોડનું રોકાણ કરવાની પ્રતિબધ્ધતા દર્શાવી હતી.
બાસમતી નિકાસ વેલ્યૂ પ્રતિ ટન 1000 ડોલરને પાર કરી ગઈ
નીચા ઉત્પાદન અને ખરીદારો તરફથી મજબૂત માગ જળવાવાને કારણે નિકાસ બજારમાં એપ્રિલ-મે દરમિયાન બાસમતી ચોખાનો પ્રતિ ટન ભાવ 1000 ડોલર પાર કરી ગયો હતો. જે છ વર્ષની ટોચનું લેવલ હતું. એપ્રિલ-મે દરમિયાન પ્રતિ ટન મળતર 20 ટકા ઉછળી 1019 ડોલર પર જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે 846 ડોલર પર હતું. ભાવમાં મજબૂતી પાછળ ચાલુ નાણાકિય વર્ષના પ્રથમ બે મહિના દરમિયાન મૂલ્ય સંદર્ભમાં બાસમતી ચોખાની નિકાસ 13 ટકા વૃદ્ધિ સાથે 69.8 કરોડ ડોલરને પાર કરી ગઈ હતી. જોકે કુલ નિકાસ શીપમેન્ટ્સમાં ઘટાડો નોંધાયો હતો. બાસમતીના ભાવમાં મજબૂતી સપ્ટેમ્બર મહિના સુધી જળવાયેલી રહેવાની શક્યતાં છે. ત્યાં સુધીમાં નવા પાકનું કદ કેટલું હશે તેનો સંકેત મળી જશે એમ નિષ્ણાતો માને છે.
માત્ર 40 ટકા સ્ટ્રીટ વેન્ડર્સે વર્કિંગ કેપિટલ લોન પુનઃ ચૂકતે કરી
કોવિડના પ્રથમ રાઉન્ડ વખતે પીએમ-એસવીએ-નિધી સ્કીમ હેઠળ સ્ટ્રીટ વેન્ડર્સને આપવામાં આવેલી વર્કિંગ કેપિટલ લોનમાંથી માત્ર 40 ટકા તરફથી જ લોનની પુનઃચૂકવણી કરવામાં આવી હોવાનું સરકારી આંકડા સૂચવે છે. સ્કીમ હેઠળ ત્રણ તબક્કામાં લોન ઓફર કરવામાં આવી હતી. વેન્ડર્સે લોનને 12 મહિનામાં પરત કરવાની રહેતી હતી. હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મિનિસ્ટ્રીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં પ્રથમ તબક્કામાં કુલ 30,20,566 લોન્સનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાંથી માત્ર 11,62,775 એટલેકે 38.49 ટકાએ જ નાણા પરત ચૂકવ્યાં છે. લોન હેઠળ પ્રથમ તબક્કામાં રૂ. 10000, બીજા તબક્કામાં રૂ. 20000 અને ત્રીજા તબક્કામાં રૂ. 50000ની ઓફર કરવામાં આવી હતી.


કોર્પોરેટ હેડલાઈન્સ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાઃ યુટિલિટી વ્હીકલ ઉત્પાદકે નવી 4-વ્હીલ પેસેન્જર ઈલેક્ટ્રિક વ્હીકલ કંપનીમાં બ્રિટિશ ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટ તરફથી રૂ. 1925 કરોડના રોકાણની જાહેરાત કરી છે. એમએન્ડએમ અને બીઆઈઆઈ વચ્ચે થયેલા એગ્રીમેન્ટ મુજબ નવી બનાવેલી ઈવી સબસિડિયરીમાં બંને કંપનીઓ રૂ. 70070 કરોડના વેલ્યૂએશન પર રૂ. 1925 કરોડનું ઈન્ફ્યૂઝન મેળવશે.
હિંદુસ્તાન ઝીંકઃ કેન્દ્ર સરકારે ઝીંક ઉત્પાદક કંપનીમાં તેની પાસેના 29.5 ટકા હિસ્સાના વેચાણ માટેની પ્રક્રિયામાં સહાયરૂપ બનવા માટે મર્ચન્ટ બેંકર્સ અને બ્રોકર્સ પાસેથી બીડ્સ મંગાવ્યા છે.
મેટલ સ્ટોક્સઃ વૈશ્વિક બજારોમાં બેઝ મેટલ્સના ભાવમાં ગુરુવારે નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. છેલ્લાં સપ્તાહોથી સતત તૂટતાં રહેલા બેઝ મેટલ્સના ભાવ 5 ટકાથી વધુની વૃદ્ધિ દર્શાવતાં હતાં. જેને કારણે ફિનીશ્ડ ઉત્પાદકોના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.
પ્રિકોલઃ ઓટો એન્સિલરી ઉત્પાદક કંપનીએ ફ્રાન્સની બીએમએસ પાવરસેફ એસએએસ સાથે બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ પૂરી પાડવા માટે લાયસન્સિંગ એગ્રીમેન્ટમાં પ્રવેશ કર્યો છે.
કેપીટીએલઃ કલ્પતરુ પાવર ટ્રાન્સમિશને લિંન્જેમોન્ટેજ આઈ ગ્રાસ્ટ્રોપમાં બાકીના 15 ટકા ઈક્વિટી હિસ્સાની ખરીદીનું કામ પણ પૂર્ણ કર્યું છે.
એમએચઆરઆઈએલઃ મહિન્દ્રા જૂથ કંપની આગામી બેથી ત્રણ વર્ષોમાં એક હજાર નવા રૂમ્સનો ઉમેરો કરશે. આ માટે તે નવા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપશે. તેમજ વર્તમાન સુવિધાઓનું વિસ્તરણ કરશે. ઉપરાંત તે યોગ્ય કંપનીઓની ખરીદી પણ કરશે. તેમજ લીઝ પર નવી સુવિધાઓ લેશે.
કોફોર્જઃ આઈટી સર્વિસિંગ કંપની કોફોર્જ અને ન્યૂજેને ઓર્ગેનાઈઝેશન્સ ખાતે ડિજિટલાઈઝેશનને વેગ આપવા માટે ગ્લોબલ સ્ટ્રેટેજિક એલાયન્સની સ્થાપના કરી છે.
શ્રીરામ સિટી યુનિયનઃ કંપનીએ જણાવ્યું છે કે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કંપની સાથેના તેના મર્જર માટે શેરધારકો અને ક્રેડિટર્સ તરફથી મંજૂરી આપવામાં આવી છે. કુલ ફાઈનલ વોટ્સમાંથી 99.7 ટકા ઈક્વિટી શેરધારકો, 100 ટકા સિક્યોર્ડ ક્રેડિટર્સ અને 99.9 ટકા અનસિક્યોર્ડ ક્રેડિટર્સે ડીલનું સમર્થન કર્યું હતું. હવે એનસીએલટી, સીસીઆઈ અને ઈરડાની મંજૂરી મેળવવી બાકી છે.
એરલાઈન્સ કંપનીઓઃ નાણા મંત્રાલયે સ્થાનિક એરલાઈન્સ કંપનીઓને તેમની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે એટીએફ પર લાગુ પડતી 11 ટકા બેસિક એક્સાઈઝ ડ્યુટીમાંથી મુક્તિ આપી છે. એક નોટીફિકેશનમાં જણાવાયું છે કે સ્થાનિક ઉડ્ડયન કંપનીઓને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર એક્સાઈઝ ડ્યુટીમાંથી મુક્તિને જાળવી રાખવામાં આવે છે.
તાતા મોટર્સઃ તાત જૂથની ઓટો કંપનીની બ્રાન્ડ જગુઆર લેન્ડ રોવરે એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં 78825 યુનિટ્સનું રિટેલ સેલ્સ દર્શાવ્યું હતું. જે વાર્ષિક ધોરણે 37 ટકા ઘટાડો દર્શાવે છે.
અદાણી પોર્ટ્સઃ અદાણી જૂથની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ ડી મુકુકુમારનની ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર તરીકેની નિમણૂંકને મંજૂરી આપી છે.
વેદાંતઃ મેટલ બિઝનેસમાં સક્રિય કંપ એથેના છત્તીસગઢ પાવરની ખરીદી કરશે. જે છત્તીસગઢમાં ઝાંઝગીર ચંપા ડિસ્ટ્રીક્ટ સ્થિત 1200 મેગાવોટની પાવર ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.
આલ્કેમ લેબોરેટરીઃ ફાર્મા કંપનીએ તેના ઈન્દોર પ્લાન્ટ માટે યુએસએફડીએ પાસેથી એક ઓબ્ઝર્વેશન સાથે ફોર્મ 483 મેળવ્યું છે.
ઈન્ડિયાબુલ્સ હાઉસિંગઃ હાઉસિંગ ફાઈનાન્સ ક્ષેત્રે ટોચની કંપની 30 જૂનના રોજ રૂ. 73 હજાર કરોડનું એસેટ અન્ડર મેનેજમેન્ટ ધરાવતી હતી. જે તેણે આપેલા ગાઈડન્સ મુજબ હતું.
ઓબેરોય રિઅલ્ટીઃ મુંબઈ સ્થિત પ્રિમીયમ રિઅલ્ટરે જૂન ક્વાર્ટરમાં રૂ. 750 કરોડની બુકિંગ વેલ્યૂ નોંધી છે. જે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 930 કરોડની સરખામણીમાં ઘટાડો સૂચવે છે.
ડો. રેડ્ડીઝ લેબોઃ ફાર્મા કંપનીના શ્રીકાકુલમ યુનિટનું યુએસએફડીએ તરફથી 30 જૂથથી 7 જુલાઈના સમયગાળામાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જ્યારબાદ રેગ્યુલેટરે 2 ઓબ્ઝર્વેસન્સ ઈસ્યુ કર્યાં હતાં.
સુવેન ફાર્માઃ સ્મોલ-સાઈઝ ફાર્મા કંપનીએ યુએસએફડીએ પાસેથી ગ્લાયકોપીર્રોલેટ માટેની મંજૂરી મેળવી છે.
લ્યુપિનઃ ટોચની ફાર્મા કંપનીએ યુએસએફડીએ પાસેથી પાલીપેરિડોન માટે મંજૂરી મેળવી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage