Market Summary 8 June 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

ટ્રેડર્સ ડિફેન્સિવ સેક્ટર્સ તરફ વળ્યાં છતાં માર્કેટ હજુ ‘રિસ્ક-ઓન’ મૂડમાં
મંગળવારે નિફ્ટી આઈટી, નિફ્ટી એફએમસીજીએ નવી ટોચ દર્શાવી જ્યારે નિફ્ટી ફાર્મા ટોચથી 40 પોઈન્ટ્સ છેટે પહોંચ્યો
યુએસ બજારમાં મજબૂતી પાછળ નિફ્ટી 16000ની સપાટી દર્શાવે તેવી પ્રબળ શક્યતા
છેલ્લા ત્રણ સપ્તાહમાં 7 ટકાથી વધુના સુધારા બાદ ભારતીય બજારમાં મંગળવારે કોન્સોલિડેશન જોવા મળ્યું હતું. જોકે નિફ્ટી આઈટી અને નિફ્ટી એફએમસીજી જેવા સેક્ટરલ ઈન્ડાઈસિસે તેમની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જે સૂચવે છે કે નિફ્ટી તેની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે ત્યારે ટ્રેડર્સ ડિફેન્સિવ ક્ષેત્રો તરફ વળ્યાં છે. જોકે આમ છતાં એનાલિસ્ટ્સ માને છે કે ભારતીય બજારમાં ક્યાંય રિસ્ક-ઓફ મૂડ જોવા મળી રહ્યો નથી અને તે રિસ્ક-ઓન મોડમાં છે અને આગામી સત્રોમાં બજાર 15850 અને 16000ના સ્તરો દર્શાવે તેવી પૂરી શક્યતાં છે.
મંગળવારે નિફ્ટી 15779ની નવી ટોચ બનાવીને 100 પોઈન્ટ્સ જેટલો ગગડી 15680 પર ટ્રડે થયો હતો. જોકે ત્યારબાદ 12 પોઈન્ટ્સના સાધારણ ઘટાડે બંધ આવ્યો હતો. બજારને મુખ્ય સપોર્ટ આઈટી સેક્ટર તરફથી મળ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.2 ટકાના સુધારે 27624ની ટોચ પર બંધ રહ્યો હતો. તેણે ઈન્ટ્રા-ડે 27732ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. ઈન્ફોસિસ, ટીસીએસ અને વિપ્રો જેવા અગ્રણી કાઉન્ટર્સે સુધારો દર્શાવ્યો હતો. જેની અસરે આઈટી ઈન્ડેક્સ નવી ટોચ દર્શાવી શક્યો હતો. બીજી બાજુ છેલ્લા ઘણા સમયથી સાઈડલાઈન રહેલો નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ પણ 0.85 ટકા સુધરી 35672 પર બંધ રહ્યો હતો. તેણે 35716ની ઈન્ટ્રા-ડે ટોચ દર્શાવી હતી. હિંદુસ્તાન યુનીલિવર, બ્રિટાનિયા, ડાબર જેવા કાઉન્ટર્સ પાછળ એફએમસીજી ઈન્ડેક્સ તેની નવી ટોચ પર ટ્રેડ થયો હતો. પસંદગીના ફાર્મા કાઉન્ટર્સમાં ખરીદી પાછળ નિફ્ટી ફાર્મા એક ટકા ઉછળી 14208ની દિવસની ટોચ પર ટ્રેડ થયો હતો. જે સ્તર ફાર્મા ઈન્ડેક્સની 14252ની સર્વોચ્ચ સપાટીથી 40 પોઈન્ટ્સ છેટું હતું. આમ ટ્રેડર્સ રોટેશનના ભાગરૂપે ડિફેન્સિવ ક્ષેત્રો તરફ વળ્યાં હોવાનું સ્પષ્ટ જોવા મળતું હતું. માર્કેટમાં પર્ફોર્મર એવા મેટલ, બેંકિંગ સહિતના ક્ષેત્રો નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. બેંક નિફ્ટી એક ટકાથી વધુ ઘટાડા સાથે બંધ જોવા મળતો હતો. જે ટ્રેડર્સના વલણમાં બદલાવનો સંકેત કહી શકાય. જોકે આમ છતાં માર્કેટને નજીકથી ઓબ્ઝર્વ કરતાં એનાલિસ્ટ્સના મતે બજારમાં ક્યાંય સેલ સિગ્નલ જોવા મળ્યું નથી. નિફ્ટીએ 14850નું સ્તર પાર કર્યું ત્યારથી લઈને અત્યાર સુધી બજારમાં બાય સિગ્નલ યથાવત હોવાનું તેઓ જણાવે છે. માર્કેટમાં વર્તમાન સ્તરે ફરી એકવાર રોટેશન જોવા મળી રહ્યું છે અને તે દરમિયાન છેલ્લા ઘણા સમયથી કોન્સોલિડેશનમાં જોવા મળી રહેલાં આઈટી કાઉન્ટર્સ તથા એફએમસીજીમાં ખરીદી નીકળી છે. તેઓ નવી ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં હોવાથી બજારને આગળ પર સપોર્ટ કરવામાં અગ્રણી હશે. એનાલિસ્ટના મતે મધર માર્કેટ એવા યુએસ ખાતે બજારમાં મજબૂતી ટકેલી છે. તે સપ્તાહાંતે રજૂ થનારા ઈન્ફ્લેશન ડેટાની રાહ જોઈ રહ્યું છે. જે બજારની આગળની દિશા નક્કી કરશે. હાલમાં ડાઉ જોન્સ તેની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે.
મંગળવારે ભારતીય બજારમાં લાર્જ-કેપ્સમાં ભલે કોન્સોલિડેશન જોવા મળ્યું હતું પરંતુ મીડ અને સ્મોલ-કેપ્સ ઈન્ડેક્સે તેમનો સુધારો જાળવ્યો હતો અને તેઓ બંને નવી ટોચ પર બંધ રહેવામાં સફળ રહ્યાં હતાં. જેને પણ બજારમાં રિસ્ક-ઓન મૂડ બરકરાર હોવાના સંકેત તરીકે ગણવામાં આવે છે. બીએસઈ ખાતે 3344 કાઉન્ટર્સના ટ્રેડિંગમાંથી 1800થી વધુ કાઉન્ટર્સ સુધારા સાથે બંધ આવ્યાં હતાં. આમ માર્કેટ બ્રેડ્થ સતત પોઝીટીવ જળવાય હતી. પોઝીટીવ બંધ દર્શાવનારા કાઉન્ટર્સમાંથી 30 ટકાથી વધારે તો સર્કિટ ફિલ્ટરમાં બંધ રહ્યાં હતાં. જે માર્કેટમાં ટ્રેડર્સની ખરીદી ચાલુ હોવાનું સૂચવે છે.
પરિણામોઃ
ફેરકેમ ઓર્ગેનિક્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 18.83 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 11.23 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 89.3 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 159.32 કરોડ જોવા મળી હતી.
યુનિયન બેંકઃ પીએસયૂ બેંકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1330 કરોડનો સ્ટેન્ડ અલોન પ્રોફિટ દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 2503 કરોડની ખોટ નોંધાવી હતી. 2020-21 માટે બેંકે રૂ. 2906 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે રૂ. 6613 કરોડની ખોટ હતી. બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ વાર્ષિક ધોરણે 4.37 ટકાનો સુધારો દર્શાવતી હતી. બેંકનો કાસા રેશિયો 34.15 ટકા પરથી સુધરી 36.33 ટકા થયો હતો.
એનઆઈએસીએલઃ કંપનીએ 2020-21માં રૂ. 241 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 127 કરોડ હતો. કંપનીની નેટ પ્રિમિયમ આવક ગયા વર્ષે રૂ. 6289 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 7291 કરોડ જોવા મળી હતી.
જિંદાલ સ્ટીલઃ કંપનીએ એપ્રિલ-મે 2021 દરમિયાન ઉત્પાદનમાં 31 ટકા વૃદ્ધિ નોંધાવી હતી અને તે 13.71 લાખ ટન પર રહ્યું હતું.
ઈન્ડિયન હોટેલ્સઃ ટાટા જૂથની તથા દક્ષિણ એશિયાની સૌથી મોટી હોસ્પિટાલિટી કંપનીએ બેંગલૂરુ એરપોર્ટ સિટિ લિ. સાથે 775 રુમની હોટેલ માટે એગ્રીમેન્ટ કર્યો છે. આ હોટેલ કેમ્પેગોવડા ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે બાંધવામાં આવશે. આ હોટેલમાં 450 રૂમ વિવાન્તા તથા 325 રૂમ જિંજર હોટેલના રહેશે.
પેન્નાર ઈન્ડઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 33 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 90 લાખ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 451 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 556 કરોડ જોવા મળી હતી.
ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈઃ કંપની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા સાથે સિક્યોર્ડ રિટેલ લોન્સ માટે કો-લેન્ડિંગ પાર્ટનરશીપમાં પ્રવેશી છે.
સૂર્યા રોશનીઃ કંપનીએ ઈન્દ્રધનુષ ગેસ ગ્રીડ પાસેથી ગેસ ગ્રીડ પાઈપલાઈન પ્રોજેક્ટ માટે કોટેડ લાઈન પાઈપ્સ માટેનો રૂ. 170.52 કરોડનો ઓર્ડર મેળવ્યો છે.
શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈઃ કંપનીએ રૂ. 2000 કરોડ સુધીનો ક્વિપ ઈસ્યુ કરવા માટે મંજૂરી આપી છે. કંપનીએ રૂ. 1433 પ્રતિ શેરના ભાવે ફ્લોર પ્રાઈસ નક્કી કર્યો છે.

વિપ્રો રૂ. 3 લાખ કરોડનું એમ-કેપ ધરાવતી ત્રીજી આઈટી કંપની
મંગળવારે વિપ્રોના શેરમાં વધુ સુધારા પાછળ કંપની રૂ. 3 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કરી ગઈ હતી. કંપનીનો શેર રૂ. 548ના અગાઉના બંધ ભાવ સામે રૂ. 555.50ની ટોચ પર ટ્રેડ થયો હતો અને રૂ. 550.60ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 3.02 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. ટીસીએસ અને ઈન્ફોસિસ બાદ વિપ્રો રૂ. 3 લાખ કરોડથી વધુનું માર્કેટ-કેપ ધરાવતી ત્રીજી આઈટી કંપની બની છે. જ્યારે નિફ્ટીની ટોચની 10 કંપનીઓમાં પ્રવેશી છે. ટીસીએસ રૂ. 11 લાખ કરોડથી વધુ જ્યારે ઈન્ફોસિસ રૂ. 5 લાખ કરોડથી વધુ માર્કેટ-કેપ ધરાવે છે. વિપ્રોનો શેર રૂ. 206.40ના વાર્ષિક તળિયાના ભાવેથી 150 ટકાથી વધુનું રિટર્ન દર્શાવી રહ્યો છે.
આઈઆરસીટીસીનો શેર નવી ઊંચાઈએ ટ્રેડ થયો
ઓનલાઈન રેલ્વે ટિકિટીંગ અને કેટરિંગ સર્વિસ પૂરી પાડતી રેલ્વેની પેટાકંપની આઈઆરસીટીસીનો શેર સતત બીજા દિવસે નવી સપાટીએ જોવા મળ્યો હતો. કંપનીનો શેર રૂ. 2099ના અગાઉના બંધ સામે 4 ટકાથી વધુના સુધારે રૂ. 2184ની સપાટી પર ટ્રેડ થયા બાદ રૂ. 2145ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 34000 કરોડના સ્તરને પાર કરી ગયું હતું. કંપનીનો શેર છેલ્લા એક મહિનામાં રૂ. 400થી વધુનો સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે રૂ. 1250ના વાર્ષિક તળિયા સામે તે 80 ટકાથી વધુની વૃદ્ધિ સૂચવે છે. કોવિડ લોકડાઉનને કારણે કંપનીની કામગીરી પર નોંધપાત્ર અસર પડી હતી. તેણે કેટલીક ટ્રેનો પણ દોડાવાની બંધ કરી હતી.
હેસ્ટર બાયોસાયન્સના નફામાં 77 ટકા વૃદ્ધિ નોંધાઈ
અમદાવાદ સ્થિત એનિમલ હેલ્થકેર કંપની હેસ્ટર બાયોસાયન્સિસે માર્ચ ક્વાર્ટરમાં 77 ટકા વૃદ્ધિ સાથે રૂ. 8.86 કરોડનો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 5 કરોડનો નફો દર્શાવ્યો હતો. ચોથા ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 63.16 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું. જે ગયા વર્ષે રૂ. 41.43 કરોડ હતું. કંપનીની ઈપીએસ રૂ. 10.41 રહી હતી. જ્યારે તેણે 100 ટકા લેખે શેરદીઠ રૂ. 10ના ડિવિડન્ડની ભલામણ કરી છે.
એક્સિસ એએમસીએ ‘એક્સિસ ક્વોન્ટ ફંડ’ લોંચ કર્યું
અગ્રણી એસેટ મેનેજમેન્ટ કંપની એક્સિસ મ્યુચ્યુલ ફંડે ઓપન એન્ડેડ ઈક્વિટી સ્કીમ એક્સિસ ક્વોન્ટ ફંડ રજૂ કર્યું છે. જે મુખ્યત્વે ઈક્વિટી અને ઈક્વિટી સંબંધિત સાધનોમાં સિસ્ટમેટિક ક્વોન્ટેટેટિવ પ્રોસેસ આધારિત રોકાણનો અભિગમ અપનાવશે. ફંડ માટેનો બેન્ચમાર્ક એસએન્ડપી બીએસઈ 200 ટીઆરઆઈ રહેશે. એનએફઓ 11 જૂને ખૂલશે અને 25 જૂને બંધ થશે. લઘુત્તમ રોકાણ રૂ. 5 હજારનું રહેશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage