મંદીને બ્રેક લાગતાં ટ્રેડર્સને સાંપડેલી રાહત
ચાર સત્રોમાં 1000 પોઈન્ટ્સના કડાકા બાદ નિફ્ટીમાં 150 પોઈન્ટ્સનું બાઉન્સ
સેન્સેક્સ દિવસના તળિયેથી 1163 પોઈન્ટ્સ સુધરી બંધ આવ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સમાં 2.6 ટકા ગગડી 28.68 પર બંધ
આઈટી, ફાર્મા, રિઅલ્ટીમાં નોંધપાત્ર ખરીદી
મેટલ, પીએસઈ કાઉન્ટર્સમાં તેજીને વિરામ
એશિયન બજારોમાં વેચવાલી જળવાય
સતત ચાર સત્રોથી અવિરત ગગડતાં રહેલાં શેરબજારોને મંગળવારે રાહત સાંપડી હતી. બે બાજુની વધ-ઘટ દર્શાવ્યાં બાદ બેન્ચમાર્ક્સ પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. જેણે ટ્રેડર્સને મોટી માનસિક રાહત પૂરી પાડી હતી. બીએસઈ સેન્સેક્સ 581 પોઈન્ટ્સ સુધારે 52424ની સપાટી પર જ્યારે નિફ્ટી 150 પોઈન્ટ્સ મજબૂતી સાથે 16013ના સ્તરે બંધ રહ્યાં હતાં. સેન્સેક્સ અને નિફ્ટી તેમના દિવસના તળિયેથી અનુક્રમે 1163 પોઈન્ટ્સ તથા 358 પોઈન્ટ્સના સુધારો દર્શાવતાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સમાં 2.6 ટકાનો સાધારણ ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે નોંધપાત્ર સમયગાળા બાદ નિફ્ટીમાં માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ રહી હતી અને કુલ 50 ઘટક શેર્સમાંથી 38 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 12 કાઉન્ટર્સ ઘટાડો સૂચવતાં હતાં.
સોમવારે યુએસ બજારોમાં તીવ્ર ઘટાડા પાછળ મંગળવારે પણ એશિયન બજારોમાં કામકાજની શરૂઆત નબળી જોવા મળી હતી અને તેઓ નેગેટિવ ઓપનીંગ બાદ વધુ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જોકે ભારતીય બજાર દિવસ દરમિયાન બે બાજુની વધ-ઘટ દર્શાવતું જોવા મળ્યું હતું અને ઈન્ટ્રા-ડે સાત મહિનાનું તળિયું બનાવી પરત ફર્યું હતું. એશિયન બજારોમાં ચીનનો બેન્ચમાર્ક 2.35 ટકા ઘટાડા સાથે છેલ્લાં ઘણા મહિનાના તળિયા પર ટ્રેડ થયો હતો. જ્યારે તાઈવાન 2 ટકા, જાપાન 1.71 ટકા અને હોંગ કોંગ-સિંગાપુર 1-1 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. આમ ભારતીય બજારે તેમની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ નોંધાવ્યું હતું. યુરોપ ખાતે ફ્રાન્સ અને જર્મની પોઝીટીવ ટ્રેડ દર્શાવતાં હતાં. જ્યારે યૂકે નરમ ટ્રેડ થતું હતું.
ભારતીય બજારને મુખ્ય સપોર્ટ આઈટી અને ફાર્મા તરફથી સાંપડ્યો હતો. ડોલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયા પર ટ્રેડ થઈ રહ્યો હોવાના કારણે નિકાસલક્ષી સર્વિસ ક્ષેત્રને નોંધપાત્ર લાભ થવાની શક્યતાં છે. જેને કારણે લાર્જ-કેપ્સ આઈટી કાઉન્ટર્સમાં સારી ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ છેલ્લાં કેટલાંક સત્રોથી ઝડપી સુધારો દર્શાવનારા મેટલ કાઉન્ટર્સમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. નિફ્ટી કાઉન્ટર્સમાં હિંદાલ્કો 5 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવી રહ્યો હતો. જ્યારે ઓએનજીસીમાં 4.20 ટકાની નરમાઈ જોવા મળી હતી. બ્રોડ માર્કેટમાં ઘણા સત્રો બાદ સ્માર્ટ બાઈંગ જોવા મળ્યું હતું. જેને કારણે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે 3427 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2178 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યરે 1159 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 75 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ જ્યારે 76 કાઉન્ટર્સે વાર્ષિક તળિયુ નોંધાવ્યું હતું. એનએસઈ ખાતે મીડ-કેપ ઈન્ડેક્સ 1.24 ટકા અને સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.57 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. સેક્ટરલ સૂચકાંકોમાં નિફ્ટી આઈટી 2.7 ટકા, નિફ્ટી ફાર્મા 2.4 ટકા અને એફએમસીજમાં 1 ટકા સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી રિઅલ્ટી પણ 3 ટકાથી વધુનો સુધારો દર્શાવતો હતો. જ્યારે નિફ્ટી મેટલ 1.5 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં આઈજીએલ 10 ટકા સાથે સૌથી ઊંચો સુધારો દર્શાવતો હતો. આ સિવાય એસબીઆઈ કાર્ડ્સ, મહાનગર ગેસ, પીવીઆર, સિટિ યુનિયન બેંક, અતુલ, ગોદરેજ કન્ઝ્યૂમર, આરબીએલ બેંક જેવા કાઉન્ટર્સમાં 5 ટકાથી વધુ મજબૂતી જોવા મળી હતી. જ્યારે જેકે સિમેન્ટમાં બીજા સત્રમાં 6 ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. જે ઉપરાંત નાલ્કો, ગેઈલ, વ્હર્લપુલ, બલરામપુર ચીની, એચપીસીએલ, સેઈલમાં 2 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.
ટોચથી 21 ટકા ઘટાડા બાદ સ્મોલ-કેપ ઈન્ડેક્સ મંદીમાં સરી પડ્યો
એનાલિસ્ટ્સના મતે આગામી એક ક્વાર્ટર સુધી ત્રીજી હરોળના કાઉન્ટર્સથી દૂર રહેવું
યુધ્ધના ગભરાટમાં શેરબજારમાં અવિરત વેચવાલી વચ્ચે સ્મોલ-કેપ સેગમેન્ટ હાલમાં મંદીના ઝોનમાં પ્રવેશ્યું હોવાનું માર્કેટ નિરીક્ષકો જણાવે છે. તેમના મતે સોમવારે સ્મોલ-કેપ ઈન્ડેક્સે ટેકનિકલી મહત્વનો સપોર્ટ ગુમાવ્યો હતો અને તે મંદીમાં સરી પડ્યો હતો. જેને જોતાં હાલમાં આ સેગમેન્ટથી દૂર રહેવાની ભલામણ તેઓ કરે છે.
એનએસઈ સ્મોલ-કેપ 100 ઈન્ડેક્સ તેણે ઓક્ટોબર 2021માં દર્શાવેલી 12047.45ની સર્વોચ્ચ ટોચથી 20.7 ટકા ઘટાડા સાથે ટ્રેડ થયો હતો. સોમવારે તે 2 ટકાથી વધુ ગગડ્યો હતો. મંગળવારે તેણે 1.51 ટકાનું બાઉન્સ દર્શાવ્યું હતું પરંતુ ટેકનિકલી તે નબળો હોવાનું જ એનાલિસ્ટ્સ માને છે. જ્યારે પણ કોઈ ઈન્ડેક્સ તેના ટોચના સ્તરેથી 20 ટકાથી વધુનો ઘટાડો દર્શાવે ત્યારે તે મંદીમાં સરી પડ્યો હોવાનું કહેવાય છે. સતત એક વર્ષ સુધી લાર્જ-કેપ્સ બેન્ચમાર્ક નિફ્ટીની સરખામણીમાં ચઢિયાતો દેખાવ દર્શાવ્યાં બાદ સ્મોલ-કેપ્સમાં અન્ડરપર્ફોર્મન્સ જોવા મળ્યું છે. તેણે માર્ચ 2020ના તળિયાની સરખામણીમાં બે ગણાથી વધુ રિટર્ન દર્શાવ્યું હતું અને અગાઉ જાન્યુઆરી 2018માં દર્શાવેલી 9600ની ટોચને નોંધપાત્ર માર્જિન સાથે પાછળ પણ રાખી દીધી હતી. જોકે છેલ્લાં પાંચ સપ્તાહોથી તે સતત ઘસાઈ રહ્યો છે. લાર્જ-કેપ્સમાં વેચવાલી પાછળ મીડ અને સ્મોલ-કેપ્સ પણ તૂટી રહ્યાં છે. સ્મોલ-કેપ સેગમેન્ટમાં પીએસયૂ બેંક્સ, મિડિયા સહિતની કંપનીઓ નબળો દેખાવ દર્શાવી રહી છે. રિઅલ્ટી શેર્સ પણ નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. એનએસઈ રિઅલ્ટી ઈન્ડેક્સ તેની ટોચ પરથી 30 ટકા જેટલો ગગડી ચૂક્યો છે. જ્યારે પ્રાઈવેટ બેંક ઈન્ડેક્સ 23.4 ટકાનો ઘટાડો દર્શાવે છે. તથા ઓટો, પીએસયૂ બેંક અને મિડિયા ઈન્ડેક્સ 20-23 ટકાની રેંજમાં ઘટી ચૂક્યાં છે.
એનાલિસ્ટ્સના મતે રશિયા-યૂક્રેન યુધ્ધ પાછળ રોકાણકારોમાં રિસ્ક એપેટાઈટ દૂર થયો છે. તેઓ કેશ સાચવવાના મૂડમાં છે અને તેથી જ બજારમાં નવી ખરીદીથી દૂર જોવા મળે છે. ખાસ કરીને મીડ અને સ્મોલ-કેપ્સમાં અગાઉ 2018 અને 2019માં તીવ્ર મૂડી ધોવાણ બાદ તેઓ ઘટાડે ખરીદીમાં ડરી રહ્યાં છે. જ્યાં સુધી યુધ્ધ અને કોમોડિટીઝના ભાવને લઈને ચિત્ર સ્પષ્ટ નહિ થાય ત્યાં સુધી તેઓ કોઈ નવી ખરીદી ટાળે એમ માનવામાં આવે છે.
ગોલ્ડ-સિલ્વરમાં આગેકૂચ જારી, બેઝ મેટલ્સમાં મોટી ઉથલ-પાથલ
કોમેક્સ ગોલ્ડ 2028 ડોલરની દોઢ વર્ષની ટોચ પર પહોંચ્યું, ચાંદીએ 26 ડોલરની સપાટી કૂદાવી
એમસીએક્સ ગોલ્ડ રૂ. 54250ની 18 મહિનાની ટોચ પર જ્યારે ચાંદી રૂ. 71500ની નવ મહિનાની ટોચે
લંડન નીકલે 87 હજાર ડોલરની સર્વોચ્ચ સપાટી દર્શાવી
રોકાણકારો તરફથી ગોલ્ડ-સિલ્વરમાં અવિરત ખરીદી જોવા મળી રહી છે. જેની પાછળ કિંમતી ધાતુ નવા ભાવો દર્શાવી રહી છે. વૈશ્વિક બજારમાં કોમેક્સ ગોલ્ડ વાયદો મંગળવારે 2028 ડોલરની દોઢ વર્ષની ટોચ પર જોવા મળ્યો હતો. જ્યારે સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 54250ની 18 મહિનાની ટોચ પર ટ્રેડ થયો હતો. ચાંદીના ભાવ રૂ. 71500ની જુલાઈ 2021 પછીની ટોચ પર જોવા મળ્યાં હતાં. વૈશ્વિક બજારમાં તેણે 26 ડોલરની સપાટી પાર કરી હતી.
ચાલુ સપ્તાહની શરૂઆતે 2000 ડોલરની સપાટી પાર કર્યાં બાદ સોમવારે સોનુ સાંકડી રેંજમાં અથડાતું રહ્યું હતું. જોકે મંગળવારે સવારે એશિયન સમય મુજબ તેમાં ખરીદી જોવા મળી હતી અને તેણે 2028 ડોલરની ટોચ દર્શાવી હતી. માર્કેટ નિરીક્ષકોના મતે હાલમાં રોકાણકારો સંપૂર્ણપણે જોખમ નહિ લેવાના મૂડમાં છે અને તેથી તેઓ સેફ એસેટ્સ તરફ વળ્યાં છે. રશિયા-યૂક્રેન વચ્ચે યુધ્ધ ચાલુ છે ત્યારે ફેડ તરફથી રેટ વૃદ્ધિમાં આક્રમણ વલણ નહિ અપનાવે તેવી ટિપ્પણી પાછળ સોનાની માગ વધી છે. બીજી બાજુ યુધ્ધને કારણે વિવિધ ઈન્ડસ્ટ્રીઅલ કોમોડિટીઝના ભાવમાં તીવ્ર વૃદ્ધિને કારણે ફુગાવામાં વૃદ્ધિ નજીકના દોરમાં અટકશે નહિ. જે ગોલ્ડની સેફહેવનરૂપી માગ જાળવી રાખશે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે ગોલ્ડ 2028ની સપાટી પાર કરશે તો 2100 અને 2180 ડોલર સુધીનો ઉછાળો દર્શાવી શકે છે. એમસીએક્સ ખાતે ગોલ્ડના ભાવ રૂ. 54000ની સપાટી પાર કરીને બંધ રહેશે તો 55500 અને 56000ના સ્તરો જોવા મળશે. જ્યારબાદ તે રૂ. 60 હજાર સુધીનો સુધારો દર્શાવી શકે છે. જુલાઈ 2020માં ગોલ્ડે રૂ. 56191ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી.
ચાંદી પણ ગોલ્ડની સાથે ખભા મિલાવીને ચાલી રહી છે. બેઝ મેટલ્સમાં તીવ્ર ઉછાળાની અસરે ચાંદીએ છેલ્લાં કેટલાંક સત્રોમાં ગોલ્ડની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. એનાલિસ્ટ્સ આગામી દિવસોમાં ચાંદીમાં વધુ ઉછાળાની શક્યતાં જોઈ રહ્યાં છે. તેમના મતે જો વૈશ્વિક બજારમાં ચાંદી 30 ડોલર સુધીનો સુધારો દર્શાવી શકે છે. જ્યારે એમસીએક્સ ખાતે તે રૂ. 72000ની સપાટી પાર કરવામાં સફળ રહેશે તો રૂ. 75000 અને રૂ. 80 હજારના સ્તરો દર્શાવી શકે છે. મંગળવારે તે રૂ. 71500ની સપાટી આસપાસ ટ્રેડ થઈ રહી હતી. અગાઉ જુલાઈ 2021માં આ સ્તર પર જોવા મળતી હતી. જ્યાંથી ગગડી રૂ. 60 હજારની નીચે પણ ઉતરી ગઈ હતી. માર્કેટ નિરીક્ષકોના મતે ચાંદીમાં મહત્વનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. ગોલ્ડ ઉપરાંત બેઝ મેટલ્સ સાથે પણ તે કો-રિલેશનશીપ ધરાવે છે. તાજેતરમાં નીકલ, એલ્યુમિનિયમ અને કોપર જેવી ધાતુઓમાં તીવ્ર ઉછાળો જોતાં ચાંદી પણ વહેલા-મોડા વર્તમાન સ્તરેથી ઊંચો સુધારો દર્શાવી શકે છે.
હાજર બજારમાં ડિસ્પેરિટી
સોના-ચાંદીના હાજર ભાવોમાં ડિસ્પેરિટી ઊભી થઈ છે. મંગળવારે આયાત પડતરની સરખામણીમાં સોનુ અને ચાંદી ડિસ્કાઉન્ટમાં મળી રહ્યાં હતાં. માણેકચોક સ્થિત બુલિયન બજારમાં બિલ સાથે સોનુ રૂ. 55000 પર ટ્રેડ થતું હતું. જ્યારે ચાંદી રૂ. 70 હજારમાં ટ્રેડ થતી હતી. વર્તુળોના મતે બજારમાં ઊંચા સપ્લાય વચ્ચે માર્ચ મહિનાને કારણે નાણાભીડ હોવાથી ડિસ્પેરિટી ઊભી થઈ છે.
નીકલમાં બે દિવસમાં 200 ટકાનો ઉછાળો
નીકલના ભાવમાં છેલ્લાં બે ટ્રેડિંગ સત્રો અતિ તોફાની બની રહ્યાં હતાં. લંડન મેટલ એક્સચેન્જ ખાતે નીકલના ભાવ ગયા સપ્તાહે 29 હજાર ડોલરની સપાટી સામે સોમવાર અને મંગળવારે ઉછળીને 87 હજાર ડોલર પર બોલાયા હતા. જ્યાંથી તે ઊંધા માથે પટકાયા હતા. એમસીએક્સ ખાતે ગયા શુક્રવારે રૂ. 2229 પર બંધ રહેલો નીકલ વાયદો મંગળવારે રૂ. 5617ની ટોચ પર ટ્રેડ થયો હતો. જે 152 ટકા ઉછાળો દર્શાવતો હતો.
ક્રૂડમાં અન્ડરટોન મક્કમ
ક્રૂડના ભાવ મંગળવારે નવી ટોચ નહોતા દર્શાવી શક્યા પરંતુ તાજેતરની ટોચ નજીક ટ્રેડ થતાં જોવા મળ્યાં હતાં. સોમવારે 139 ડોલરની 14 વર્ષની ટોચ દર્શાવી 120 ડોલર સુધી ગગડેલો બ્રેન્ટ વાયદો મંગળવારે 127 ડોલર પર ટ્રેડ થતો હતો. વિશ્વમાં બીજા મોટા ક્રૂડ ઉત્પાદક રશિયાએ જણાવ્યું હતું કે જો પશ્ચિમી દેશો રશિયન ઓઈલ પર પ્રતિબંધ મૂકશે તો ક્રૂડના ભાવ 300 ડોલ પર ટ્રેડ થશે.
રૂપિયો 3 પૈસાના સાધારણ સુધારે તળિયા નજીક બંધ રહ્યો
યુએસ ડોલર સામે ભારતીય ચલણમાં મંગળવારે 3 પૈસાનો સાધારણ સુધારો નોંધાયો હતો. અગાઉના 76.93ના બંધ સામે રૂપિય 77.02ની નવી નીચી સપાટી પર ખૂલી વધુ ગગડી 77.05ના ઓલ-ટાઈમ લો પર ટ્રેડ થઈ સુધરીને 76.71ના સ્તરે ટ્રેડ થયો હતો. જોકે ત્યાં ટકી શક્યો નહોતો અને ગગડીને 76.90ના સ્તરે ઓલ-ટાઈમ લો નજીક જ બંધ દર્શાવ્યું હતું.