બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
રિલાયન્સની આગેવાનીમાં શેરબજારો નવી ઊંચાઈ પર બંધ રહેવામાં સફળ
હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 3.84 ટકા સુધરી રૂ. 2671 પર બંધ રહ્યો
નિફ્ટી જોકે ઈન્ટ્રા-ડે ધોરણે અગાઉના 17947ની ટોચને પાર કરવામાં નિષ્ફળ
શુક્રવારે ભારતીય શેરબજાર બેન્ચમાર્ક્સે નવી ટોચ પર બંધ દર્શાવ્યું હતું. જેમાં સેન્સેક્સ 381 પોઈન્ટ્સ ઉછળી 60059ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 105 પોઈન્ટ્સ ઉછળી 17895ના સ્તરે બંધ રહ્યો હતો. બંને બેન્ચમાર્ક્સ તેમની 24 સપ્ટેમ્બરની ઈન્ટ્રા-ડે ટોચને પાર કરવામાં જોકે નિષ્ફળ રહ્યાં હતાં. નિફ્ટીએ 17947.65ની 15 દિવસ અગાઉની ટોચ સામે શુક્રવારે 17941.85ની ઈન્ટ્રા-ડે ટોચ દર્શાવી હતી.
ભારતીય બજારને વૈશ્વિક બજારોમાં મજબૂતી સાથે આરબીઆઈની રેટમાં વૃદ્ધિ નહિ કરવાના નિર્ણયને કારણે સપોર્ટ સાંપડ્યો હતો. જોકે આરબીઆઈ પોલિસી પાછળ ટોચ દર્શાવ્યાં બાદ બાકીનો સમય તે રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવતું રહ્યું હતું. મોટાભાગના કાઉન્ટર્સ દિવસની શરૂઆતમાં તેમની ટોચ બનાવીને ઘટાડાતરફી રહ્યાં હતાં. એકમાત્ર હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો સપોર્ટને કારણે બજાર તેજી જાળવી શક્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર ઈન્ટ્રા-ડે ધોરણે રૂ. 2684ના સ્તરે ટ્રેડ થયો હતો. જ્યારે કામકાજના અંતે રૂ. 2671 પર બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 16.93 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. આમ ડોલર સંદર્ભમાં તે 226 અબજ ડોલરની કંપની બની હતી. નિફ્ટી શેર્સમાં રિલાયન્સનો શેર સૌથી વધુ સુધારો દર્શાવતો હતો. આઈટી ક્ષેત્ર તરફથી બજારને સારો સપોર્ટ સાંપડ્યો હતો અને તમામ અગ્રણી શેર્સ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. જેમાં વિપ્રો, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને ટીસીએસ અગ્રણી હતાં. દિવસની શરૂમાં છેલ્લાં ચાર વર્ષોની ટોચ પર જોવા મળેલો ટાટા મોટર્સનો શેર ટોચ પરથી સારો એવો ઘસાઈને બંધ રહ્યો હતો. રૂ. 397.55ની ઈન્ટ્રા-ડે ટોચ સામે તે રૂ. 382.95 પર બંધ રહ્યો હતો. માર્કેટમાં બ્રેડ્થ સાધારણ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3453 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથ 1794 પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1534માં ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ 0.15 ટકાના સાધારણ સુધારા સાથે જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.92 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. બંને સૂચકાંકોએ તેમની વિક્રમી સપાટી દર્શાવી હતી.
વૈશ્વિક સ્તરે ગુરુવારે રાતે યુએસ બજારોમાં અણધાર્યા સુધારાને કારણે એશિયન બજારો મજબૂત ખૂલ્યાં હતાં. જેણે ભારતીય બજારને બીજા દિવસે મજબૂત ઓપનીંગ પૂરું પાડ્યું હતું. જોકે એશિયન બજારો સુધારો જાળવી શક્યાં નહોતાં અને તાઈવાન અને કોરિયા નરમાઈ સાથે બંધ જોવા મળ્યા હતાં. એનાલિસ્ટ્સના મતે આગામી સપ્તાહ બજારો માટે મહત્વનું બની રહેશે. હાલમાં બજાર તમામ પોઝીટીવ પરિબળોને ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. જ્યારે તેના માટે નવા પોઝીટીવ ટ્રિગર્સ જરૂરી બનશે. સ્થાનિક સ્તરે બીજા ક્વાર્ટરના પરિણામો બજાર માટે મહત્વના બની રહેશે. જેની પાછળ બજારમાં સ્ટોક સ્પેસિફિક વધ-ઘટ ઊંચી રહેશે.
ચાલુ સપ્તાહે વિદેશી રોકાણકારોનું વલણ નેગેટિવ રહ્યું છે અને તેઓએ નેટ વેચવાલી દર્શાવી છે. બીજી બાજુ સ્થાનિક ફંડ્સ લેવાલ રહ્યાં છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીમાં 17947નો અવરોધ છે. જે પાર થતાં તે 18200નું સ્તર દર્શાવી શકે છે. અલબત્ત, માર્કેટ ઓવરબોટ છે અને તેથી લાર્જ-કેપ કાઉન્ટર્સમાં જ એક્સપોઝર જાળવવાનું સૂચન તેઓ કરે છે. બજારમાં કરેક્શન વખતે મીડ-કેપ્સમાં ઝડપી ઘટાડો જોવા મળી શકે છે.
RBIએ સતત આંઠમીવાર રેપો રેટને 4 ટકા પર સ્થિર જાળવી રાખ્યાં
જ્યાં સુધી આર્થિક ગતિવિધિ કોવિડ અગાઉના સ્તરે નહિ પહોંચે ત્યાં સુધી સેન્ટ્રલ બેંક એકોમોડેટીવ વલણ જાળવશે
અર્થશાસ્ત્રીઓના મતે સીપીઆઈમાં ઘટાડાની અપેક્ષા પાછળ સેન્ટ્રલ બેંકનો સિસ્ટમમાં ઊંચી લિક્વિડીટી જાળવી રાખવાનો નિર્ણય
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે તેની ત્રિમાસિક મોનેટરી પોલિસી સમીક્ષામાં રેપો રેટને 4 ટકાના સ્તરે સ્થિર જાળવી રાખ્યાં હતાં. સેન્ટ્રલ બેંકરે જણાવ્યું હતું કે આર્થિક ક્ષેત્રે રિકવરી માટે તથા કોવિડની અસરોને ખાળવા માટે જરૂરી જણાશે ત્યાં સુધી તે એકોમોડેટીવ વલણ જાળવી રાખશે. બેંક રેગ્યુલેટરે અગાઉ 22 મે 2020ના રોજ રેપો રેટમાં છેલ્લો ઘટાડો કર્યો હતો. જ્યારથી તે ઐતિહાસિક તળિયા પર જોવા મળી રહ્યાં છે. આરબીઆઈએ રિવર્સ રેપો રેટને 3.35 ટકાના સ્તરે તથા બેંક રેટને પણ 4.25 ટકા પર સ્થિર જાળવ્યાં હતાં.
બેંકની મોનેટરી પોલિસી કમિટી(એમપીસી) રેપો રેટને સ્થિર જાળવી રાખશે તેવી અપેક્ષા બજારનો મોટો વર્ગ રાખી રહ્યો હતો. જેને સાચી ઠેરવતાં એમપીસીના તમામ છ સભ્યોએ રેટને સ્થિર જાળવી રાખવાની તરફેણમાં મત વ્યક્ત કર્યો હતો. જોકે તેના એકોમોડેટીવ વલણના સંદર્ભમાં એક સભ્યે અસહમતિ દર્શાવી હતી. તાજેતરમાં ફ્યુઅલના ભાવમાં વૃદ્ધિને જોતાં અર્થશાસ્ત્રીઓ માની રહ્યાં છે કે આરબીઆઈ લાંબો સમય સુધી તેનું એકોમોડેટીવ વલણ જાળવી શકશે નહિ અને વહેલામાં વહેલા ડિસેમ્બર 2021માં અથવા તો કેલેન્ડર 2022ના પ્રથમ ક્વાર્ટરમાં રેટ વૃદ્ધિ કરશે.
આરબીઆઈ ગવર્નરે બેઠક પછી તેમની ટિપ્પણીમાં જણાવ્યું હતું કે ગઈ એમપીસી બેઠક કરતાં હાલમાં ભારતીય અર્થતંત્રની સ્થિતિ ઘણી સારી છે. હાઈ-ફ્રિકવન્સી ઈન્ડિકેટર્સ સૂચવી રહ્યાં છે કે આર્થિક ગતિવિધિ વેગ મેળવી રહી છે. જે સાથે સીપીઆઈ પણ ધારણાથી નીચે રહ્યો છે અને તેથી જ રેટમાં વૃદ્ધિની ઉતાવળ કરવાની જરૂરિયાત નથી. અગ્રણી અર્થશાસ્ત્રીઓએ પણ એમપીસીના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. તેમનું કહેવું હતું કે આગામી સમય દરમિયાન સીપીઆઈમાં વધુ ઘટાડાની અપેક્ષા છે અને તેને જોતાં આરબીઆઈ માટે લિક્વિડીટી મેનેજમેન્ટ મહત્વનું બની ગયું છે. સેન્ટ્રલ બેંકે રિવર્સ રેપો રેટમાં વૃદ્ધિ નહિ કરીને સિસ્ટમને આંચકો આપવાનું ટાળ્યું છે. આરબીઆઈનો અભિગમ યોગ્ય પગલા મારફતે સ્થિતિને તબક્કાવાર સામાન્ય બનાવવા તરફી રહ્યો છે. એનાલિસ્ટ્સનું એવું પણ કહેવું છે કે આરબીઆઈ સિસ્ટમમાં વધુ પડતી લિક્વિડીટી જાળવવાના તેના વચનને વળગી રહી છે. આ લિક્વિડીટીને કારણે ક્રેડિટ ઓફટેકમાં વૃદ્ધિ જોવા મળશે. બેંકની એકોમોડેટીવ પોલિસીને મજબૂત કોર્પોરેટ અર્નિંગ્સ, ઊંચા વેક્સિનેશન અને સ્થિર આર્થિક વૃદ્ધિ દરનું સમર્થન સાંપડશે એમ તેઓ માની રહ્યાં છે.
આરબીઆઈ ગવર્નરે વેરિએબલ રિવર્સ રેપો રેટ ઓક્શન્સને લઈને જણાવ્યું હતું કે દર 14 દિવસે વીઆરઆરઆર ઓક્શન્સ હાથ ધરશે. જેમાં 8 ઓક્ટોબરે રૂ. 4 લાખ કરોડના ઓક્શન બાદ દર 14 દિવસે રૂ. 50 હજારની વૃદ્ધિ સાથે ઓક્શન્સ યોજાશે. બેંકરે સ્મોલ ફાઈનાન્સ બેંક્સ માટેના રૂ. 10 હજાર કરોડના ત્રણ વર્ષીય સ્પેશ્યલ લોંગ-ટર્મ રેપો ઓપરેશન(એસએલટીઆરઓ)ને પણ 31 ડિસેમ્બર, 2021 સુધી લાંબાવ્યું હતું. આ ઉપરાંત ઈમિડિયેડ પેમેન્ટ સર્વિસિઝ(આઈએમપીએસ) માટેની વર્તમાન મર્યાદાને રૂ. 2 લાખ કરોડ પરથી વધારી રૂ. 5 લાખ કરોડ કરી હતી. આઈએમપીએસ હેઠળ 24 કલાક ફંડ ટ્રાન્સફર કરી શકાય છે.
તહેવારોની સિઝનમાં રેટને સ્થિર જાળવી રાખીને તથા સિસ્ટમમાં ઊંચા દરે લિક્વિડીટી જાળવી રાખવાના નિર્ણયને યોગ્ય ગણાવતાં એનાલિસ્ટ્સ માને છે કે બેંકના પગલાને કારણે હાઉસિંગ સહિતના ક્ષેત્રો ઊંચી માગ દર્શાવી શકે છે.
આરબીઆઈ બેઠકની હાઈલાઈટ્સ
• રેપો રેટને 4 ટકાના દરે સ્થિર જાળવી રખાયાં
• રિવર્સ રેપો રેટને 3.35 ટકા પર સ્થિર જાળવવામાં આવ્યાં.
• સ્મોલ ફાઈનાન્સ બેંક્સ માટેના રૂ. 10000 કરોડના સ્પેશ્યલ ત્રણ વર્ષ માટેના એલટીઆરનો 31 ડિસેમ્બર સુધી લંબાવાયું.
• IMPS હેઠળ ટ્રાન્ઝેક્શન્સ લિમિટને રૂ. 2 લાખ પરથી રૂ. 5 લાખ કરવામાં આવી.
• વેરિએબલ રિવર્સ રેપોના ઓક્શન્સને દર બે સપ્તાહે રૂ. 4 લાખ કરોડ પરથી વધારી રૂ. 6 લાખ કરોડ કરવામાં આવ્યાં.
• એનબીએફસી માટે ઈન્ટરનલ ઓમ્બુડ્સમેન સ્કીમની જાહેરાત.
• સપ્ટેમ્બરમાં બેંકિંગ સિસ્ટમમાં સરપ્લસ લિક્વિડીટી વધીને દૈનિક સરેરાશ રૂ. 9.5 લાખ કરોડ જોવા મળી.
નઝારા ટેક્નોલોજિસમાં RZના હિસ્સાનું મૂલ્ય રૂ. 1000 કરોડને પાર
જાણીતા રોકાણકાર રાકેશ ઝૂનઝૂનવાલાનું ગેમીંગ કંપની નઝારા ટેક્નોલોજિસમાં હોલ્ડિંગ રૂ. 1000 કરોડની સપાટી કૂદાવી ગયું છે. બીએસઈ ખાતે કંપનીનો શેર શુક્રવારે ઈન્ટ્રા-ડે 19 ટકા ઉછળી રૂ. 3224.30ની ટોચ પર પહોંચ્યો હતો. ત્યારે ઝૂનઝૂનવાલાના હિસ્સાનું મૂલ્ય રૂ. 1060 કરોડ પર જોવા મળતું હતું. જ્યારે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 9800 કરોડ પર જોવા મળતું હતું. જૂન ક્વાર્ટરને અંતે ઝૂનઝૂનવાલા કંપનીમાં 10.82 ટકા હિસ્સો ધરાવતાં હતાં. કંપનીના બોર્ડે બુધવારે પ્રેફરન્શિયલ ઈસ્યુ મારફતે રૂ. 315.30 કરોડ ઊભા કરવાની વાતને મંજૂરી આપી હતી. જેમાં કંપની રૂ. 4ની ફેસ વેલ્યૂનો શેર રૂ. 2206ના ભાવે ઈસ્યુ કરશે.
ટાટા મોટર્સ ઈવી બિઝનેસ માટે 1 અબજ ડોલર ઊભા કરશે
ટાટા મોટર્સ તેના ઈલેક્ટ્રીક વ્હીકલ યુનિટના હિસ્સાનું વેચાણ કરી એક અબજ ડોલર ઊભા કરવા માટેના આખરી તબક્કામાં પહોંચી હોવાનું જાણવા મળે છે. કંપનીએ યુએસ, મધ્ય-પૂર્વ અને દક્ષિણપૂર્વ એશિયામાંથી ઘણા પ્રાઈવેટ ઈક્વિટી ફંડ્સને આકર્ષ્યાં હોવાનું જાણવા મળે છે. એક અહેવાલ મુજબ આ હિસ્સા વેચાણ બાદ ટાટા મોટર્સ ઈવી બિઝનેસની વેલ્યૂ 8 અબજ ડોલર પર પહોંચશે. કંપની સરકારના ઈવી મોબિલિટી પરના ભારણને ધ્યાનમાં રાખી ખૂબ ઝડપે ઈવી બિઝનેસ ઊભો કરી રહી છે. હાલમાં તે પેસેન્જર વ્હીકલ માર્કેટમાં સૌથી મોટી ઈવી ઉત્પાદક છે. હાલમાં કંપનીના કુલ પેસેન્જર વ્હીકલ્સ વેચાણમાં ઈવીનો હિસ્સો 2 ટકા જેટલો છે.
એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન રિઅલ્ટીમાં PE ફ્લો 1.8 અબજ ડોલર
દેશના રિઅલ એસ્ટેટ ક્ષેત્રે પ્રાઈવેટ ઈક્વિટી ઈનફ્લોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. એપ્રિલથી સપ્ટેમ્બરના ચાલુ નાણાકિય વર્ષ 2021-22ના પ્રથમ છ મહિના દરમિયાન રિઅલ્ટી ક્ષેત્રે ઈનફ્લોમાં 27 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને તે 1.79 અબજ ડોલર પર રહ્યો હતો. ગયા વર્ષે સમાનગાળામાં તે 1.41 અબજ ડોલર પર રહ્યો હતો. ચાલુ વર્ષે ઓફિસ સેગમેન્ટમાં પીઈ ઈનફ્લોમાં 33 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને તે 59.1 કરોડ પર રહ્યો હતો. જ્યારે ઈન્ડસ્ટ્રીઅલ અને લોજિસ્ટીક્સ ક્ષેત્રે ઈનફ્લોમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ હતી અને તે 53.7 કરોડ ડોલર પર રહ્યો હતો. જે કુલ ઈનફ્લોના 30 ટકા જેટલો થવા જાય છે. રેસિડેન્શિયલ ક્ષેત્રે પીઈ ફંડ્સ તરફથી 39.4 કરોડ ડોલરનો ઈનફ્લો જોવા મળ્યો હતો. જે કુલ ઈનફ્લોના 22 ટકા જેટલો હતો. જ્યારે ડેટા સેન્ટર્સ, લેંડ અને મિક્સ્ડ-યુઝ ડેવલપમેન્ટ્સમાં 15 ટકા જેટલો ઈનફ્લો જોવા મળ્યો હતો. જોકે ચાલુ સમયગાળા માટે સરેરાશ પીઈ ટિકિટ સાઈઝ 32 ટકા ઘટીને 7.8 કરોડ ડોલર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 11.4 કરોડ ડોલર પર હતી. ટોચના 10 સોદાઓ દેશમાં કુલ પીઈ ઈન્વેસ્ટમેન્ટ્સનો 81 ટકા હિસ્સો ધરાવતાં હતાં.
લાઈફ ઈન્શ્યોરર્સે સપ્ટેમ્બરમાં ન્યૂ બિઝનેસ પ્રિમીયમમાં 22 ટકા વૃદ્ધિ નોઁધાવી
એલઆઈસી અને ખાનગી પ્લેયર્સ સહિત સપ્ટેમ્બરમાં કુલ રૂ. 31007 કરોડનું એનબીપી જોવા મળ્યું
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 79256 કરોડ સાથે કુલ એનબીપીમાં 5.12 ટકા વૃદ્ધિ નોંધાઈ
કોવિડનો બીજો રાઉન્ડ હળવો પડતાં તથા ઈન્શ્યોરન્સ પ્રિમીયમમાં વૃદ્ધિ જોવા મળે તે અગાઉ લાઈફ કવર ખરીદવા માટેના ધસારા પાછળ સપ્ટેમ્બરમાં લાઈફ ઈન્શ્યોરર્સે તેમના ન્યૂ બિઝનેસ પ્રિમીયમ(એનબીપી)માં 22 ટકા વૃદ્ધિ દર્શાવી છે. ખાનગી ક્ષેત્રની વીમા કંપનીઓ તથા લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશને મળીને સપ્ટેમ્બરમાં કુલ રૂ. 31001 કરોડનું નવુ બિઝનેસ પ્રિમીયમ મેળવ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં લગભગ રૂ. 25 હજાર કરોડ આસપાસ હતું. ચોક્કસ સમયે નવી પોલિસીસમાંથી મેળવવામાં આવેલા પ્રિમીયમને એનબીપી કહેવામાં આવે છે.
સપ્ટેમ્બરમાં જોવા મળેલા નવા બિઝનેસ પ્રિમીયમમાં ખાનગી વીમા કંપનીઓએ 42 ટકાની ઊંચી વૃદ્ધિ દર્શાવી હતી. જ્યારે પીએસયૂ ઈન્શ્યોરન્સ જાયન્ટ એલઆઈસીએ વાર્ષિક ધોરણે 12 ટકા પ્રિમીયમ વૃદ્ધિ નોંધાવી હતી. હાલમાં દેશમાં કુલ 24 લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓ આવેલી છે. જેમાંથી 23 ખાનગી ક્ષેત્રની છે. ખાનગી ક્ષેત્રે તમામ કંપનીઓએ મળીને સપ્ટેમ્બર દરમિયાન રૂ. 12480.96 કરોડનું એનબીપી મેળવ્યું હતું. જે 42.42 ટકા વૃદ્ધિ સૂચવતું હતું. જ્યારે એલઆઈસીએ રૂ. 18520.21 કરોડનું પ્રિમીયમ મેળવ્યું હતું. જે 11.55 ટકા વૃદ્ધિ સૂચવે છે. ખાનગી ક્ષેત્રે અગ્રણી વીમા કંપનીઓમાં એસબીઆઈ લાઈફે એનબીપીમાં 30.5 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. જ્યારે એચડીએફસી લાઈફે 37.5 ટકા અને આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ લાઈફે 20.8 ટકા વૃદ્ધિ નોંધાવી હતી.
તાજેતરમાં લાઈફ ઈન્શ્યોરન્સ ઈન્ડસ્ટ્રી વાર્ષિક ધોરણે ઊંચો વૃદ્ધિ દર દર્શાવી રહી છે. કોવિડની અસરો ઘટવા સાથે ઈન્ડસ્ટ્રીનો દેખાવ સુધરી રહ્યો છે. અર્થતંત્રમાં રિકવરી અને લોકોમાં વધી રહેલી જીવન વીમા અંગેની જાગૃતિ આ માટેના મહત્વના કારણો છે. ચાલુ વર્ષે ઊંચા ગ્રોથનું આંશિક કારણ ગયા વર્ષનો નીચો બેઝ પણ છે. ગયા વર્ષે લોકડાઉનને કારણે નવા બિઝનેસની વૃદ્ધિ નીચી રહી હતી. ઉપરાંત બજારમાં મોર્ટાલિટી પ્રિમીયમમાં વૃદ્ધિ જોવા મળે તેવી અફવાઓ પણ ચાલી રહી છે અને તેથી ગ્રાહકો લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવાના નિર્ણયને ઝડપી બનાવી રહ્યાં છે. જો જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાનના ચાલુ નાણા વર્ષના બીજા ક્વાર્ટરની વાત કરીએ તો ઉદ્યોગે એનબીપીમાં 5.12 ટકાની વૃદ્ધિ દર્શાવી છે. જેમાં ખાનગી કંપનીઓએ 24.43 ટકાની વૃદ્ધિ દર્શાવી છે. જ્યારે એલઆઈસીએ 3.84 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. બીજા ક્વાર્ટરમાં કુલ એનબીપીની વાત કરીએ તો એલઆઈસીએ રૂ. 49,511.91 કરોડનું એનબીપી મેળવ્યું છે. જ્યારે ખાનગી કંપનીઓએ રૂ. 29,744.72 કરોડનું પ્રિમીયમ મેળવ્યું છે. આમ બીજા ક્વાર્ટરમાં કુલ રૂ. 79256.63 કરોડનું એનબીપી નોંધાયું છે. ત્રિમાસિક ધોરણે તે 37.3 ટકાનો ઊંચો વૃદ્ધિ દર દર્શાવે છે. જૂન ક્વાર્ટરની સરખામણીમાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ખાનગી ઈન્શ્યોરર્સે 73.60 ટકા જ્યારે એલઆઈસીએ 39.07 ટકાનો વૃદ્ધિ દર દર્શાવ્યો છે.
Market Summary 8 October 2021
October 08, 2021