Market Summary 9 August 2021

માર્કેટ સમરી

માર્કેટમાં કોન્સોલિડેશન

વૈશ્વિક બજારોમાં નરમ અન્ડરટોન વચ્ચે ભારતીય બજાર પણ બે બાજુ સાંકડી વધ-ઘટ વચ્ચે ટ્રેડ થતું રહ્યું હતું. નિફ્ટી જોકે તેના ટોચ નજીક બંધ આપવાં સફળ રહ્યો હતો. માર્કેટને મુખ્યત્વે બેંકિંગનો સપોર્ટ સાંપડ્યો હતો. એ સિવાય મોટાભાગના ક્ષેત્રો નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. જેમાં મેટલ, રિઅલ્ટી, એનર્જી, ઈન્ફ્રા મુખ્ય હતાં. બેંક નિફ્ટીમાં સુધારો પ્રાઈવેટ બેંકિંગને આભારી હતો. જ્યારે પીએસયૂ બેંક્સમાં ઘટાડો નોંધાયો હતો. એસબીઆઈમાં સતત ત્રણ સત્રોથી વેચવાલી જોવા મળી રહી છે.

જુલાઈમાં લાઈફ ઈન્શ્યોરર્સના બિઝનેસમાં 11 ટકા ઘટાડો

 

લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓએ જુલાઈ મહિનામાં ન્યૂ બિઝનેસ પ્રિમીયમ્સ(એનબીપી)માં વાર્ષિક ધોરણે 11 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. દેશમાં 24 જીવન વીમા કંપનીઓએ ન્યુ બિઝનેસ પ્રિમીયમ તરીકે રૂ. 20434.72 કરોડ મેળવ્યાં હતાં. જે ગયા વર્ષની સરખાણીમાં 11 ટકા ઘટાડો દર્શાવે છે. મહામારી અગાઉના જુલાઈ 2019ના સમયગાળાની સરખામણીમાં તે 5 ટકાનો ઘટાડો સૂચવે છે. દેશમાં સૌથી મોટા જીવન વીમા કંપની એલઆઈસીના નવા બિઝનેસ પ્રિમિયમ્સમાં 21 ટકા ઘટાડો નોંધાયો છે અને તે રૂ. 12030.93 કરોડ પર રહ્યું છે. જૂન મહિનામાં એલઆઈસીએ રૂ. 21796.25 કરોડનું એનબીપી નોંધાવ્યું હતું. જે વાર્ષિક ધોરણે 4 ટકા ઘટાડો દર્શાવતું હતું. માસિક ધોરણે એલઆઈસીની એનબીપીમાં 44 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. જોકે ખાનગી જીવન વીમા કંપનીઓ જુલાઈ દરમિયાન નવા બિઝનેસ પ્રિમીયમ્સમાં 7.53 ટકા વૃદ્ધિ દર્શાવવામાં સફળ રહી હતી.

રોલેક્સ રિંગ્સનું 39 ટકા પ્રિમીયમે લિસ્ટીંગ

 

રાજકોટ સ્થિત રોલેક્સ રિંગ્સનો શેર સોમવારે ઓફરભાવ સામે 39 ટકા પ્રિમીયમે લિસ્ટ થયો હતો. રૂ. 900ના ઓફરભાવ સામે તે રૂ. 1250ના સ્તરે લિસ્ટ થયો હતો અને કામકાજના અંતે 29.67 ટકા સુધારે રૂ. 1167 પર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન તેણે રૂ. 1263ની ટોચ દર્શાવી હતી. કંપનીનો શેર ગ્રે-માર્કેટ પ્રિમીયમની સરખામણીમાં નીચા સ્તરે લિસ્ટ થયો હતો.

ડોલર સામે રૂપિયો 11 પૈસા ઘટ્યો

યુએસ ડોલર સામે સ્થાનિક ચલણમાં સોમવારે નરમાઈ જોવા મળી હતી. તેણે સતત પાંચ દિવસથી જોવા મળતો સુધારોનો ક્રમ તોડ્યો હતો. રૂપિયો ગ્રીનબેક સામે 74.21ના સ્તરે ખૂલી ગગડ્યો હતો અને 74.29ના દિવસના તળિયા પર જોવા મળ્યો હતો. કામકાજના અંતે તે અગાઉના 74.15ના બંધ સામે 11 પૈસા નરમાઈ સાથે 74.26 પર બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં ડોલેક્સ ઈન્ડેક્સમાં મજબૂતી જોવા મળી હતી.

 

જુલાઈમાં ઈક્વિટી મ્યુચ્યુલ ફંડ્સમાં રૂ. 20743 કરોડનો ઈનફ્લો નોંધાયો

જૂનમાં રૂ. 5988 કરોડ સામે જુલાઈમાં ઈનફ્લોમાં જોવા મળેલો 200 ટકા ઉછાળો

સ્થાનિક ડેટ ફંડ્સમાં પણ જુલાઈમાં રૂ. 64 હજાર કરોડનો ઊંચો ફ્લો જોવા મળ્યો

 

સ્થાનિક એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ સતત બીજા મહિને પોઝીટીવ ઈનફ્લો નોંધાવ્યો છે. જુલાઈ મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુલ ફંડ્સમાં રૂ. 20742 કરોડનો ઊંચો ઈનફ્લો જોવા મળ્યો હતો. જે જૂન મહિનામાં રૂ. 5988 કરોડ પર હતો. આમ જુલાઈમાં 14755 કરોડનો ઊંચો ઈનફ્લો જોવા મળ્યો હતો. મે મહિનામાં રૂ. 38602 કરોડનો નેટ આઉટફ્લો જોવા મળ્યો હતો.

બીજી બાજુ ડેટ ફંડ્સમાં પણ રૂ. 64000 કરોડનો ઊંચો ઈનફ્લો નોંધાયો હતો. જે જુલાઈ મહિના દરમિયાન રૂ. 9 હજાર કરોડ આસપાસ હતો. આમ જૂલાઈમાં ઈક્વિટીઝ અને ડેટ, બંને સ્કીમ્સમાં જંગી નાણા ઠલવાયાં હતાં અને સ્થાનિક મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગે વિક્રમી રૂ. 1.14 લાખ કરોડનો ઈનફ્લો નોંધાવ્યો હતો.

એસોસિએશન ઓફ મ્યુચ્યુલ ફંડ્સ ઈન ઈન્ડિયા(એમ્ફી)ના ડેટા મુજબ ડેટ ફંડ્સમાં ઊંચા ઈનફ્લોનું કારણ લિક્વિડ ફંડ છે. નોંધપાત્ર સમયગાળા બાદ લિક્વિડી ફંડમાં રૂ. 31740 કરોડ જેટલી ઊંચી રકમ પ્રવેશી હતી. જ્યારે મની માર્કેટ ફંડમાં પણ રૂ. 20,910 કરોડનો ઈનફ્લો જોવા મળ્યો હતો. જ્યારે ઓપન-એન્ડેડ ડેટ ફંડ્સમાં રૂ. 73,694 કરોડનો ઈનફ્લો નોંધાયો હતો. બીજી બાજુ ક્લોઝ-એન્ડેડ સ્કિમ્સે રૂ. 9824 કરોડનો આઉટફ્લો નોંધાવ્યો હતો. ઓપન એન્ડેડ ઈક્વિટી સ્કીમ્સની વાત કરીએ તો ફ્લેક્સિ કેપ ફંડ્સમાં રૂ. 11508 કરોડનો સૌથી મોટો ઈનફ્લો જોવા મળ્યો હતો. જ્યારબાદ સેક્ટરલ અને થીમેટિક ફંડ્સમાં રૂ. 5729 કરોડનો ઈનફ્લો નોંધાયો હતો. માત્ર વેલ્યૂ ફંડ્સ અને ઈએલએસએસ સિવાય તમામ પ્રકારની ઈક્વિટી ઓરિએન્ટેડ સ્કિમ્સમાં જુલાઈ દરમિયાન ઈનફ્લો જોવા મળ્યો હતો. હાઈબ્રીડ ફંડ્સમાં પણ જુલાઈમાં રૂ. 19481 કરોડનો નેટ ઈનફ્લો નોંધાયો હતો.

એમ્ફીના ચીફ એક્ઝિક્યૂટીવ એન એસ વેંકટેશે જણાવ્યું હતું કે આરબીઆઈના એકોમોડેટીવ વલણ, તંદુરસ્ત અર્નિંગ્સ ગ્રોથ, વેક્સિનેશનમાં વૃદ્ધિ અને વૈશ્વિક અને સ્થાનિક લિક્વિડીટી ઈક્વિટી માર્કેટ્સને ઐતિહાસિક ટોચ પર લઈ જઈ રહ્યાં છે. જેની પાછળ રિટેલ ઈન્વેસ્ટર્સ પણ તેજીમાં જોડાયાં છે. તેઓ મ્યુચ્યુલ ફંડ્સ મારફતે આમ કરી રહ્યાં છે. જેનો ખ્યાલ માસિક ધોરણે સિપ મારફતે આવતી રકમમાં ઉત્તરોત્તર વૃદ્ધિ છે. જુલાઈ મહિનામાં સિપ મારફતે રૂ. 9609 કરોડની રકમ બજારમાં પ્રવેશી હતી. જ્યારે કુલ રિટેલ એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ. 16.25 લાખ કરોડ પર પહોંચ્યું હતું. જ્યારે જુલાઈમાં નેટ રિટેલ ઈનફ્લો રૂ. 40302 કરોડ પર જોવા મળ્યો હતો. રિટેલ સિપ એકાઉન્ટ્સની સંખ્યા દેશમાં 4.17 કરોડના વિક્રમી સ્તરે પહોંચી છે. ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડડ ફંડ્સ(ઈટીએફ્સ)માં જુલાઈ દરમિયાન રૂ. 61.49 કરોડનો આઉટફ્લો નોંધાયો હતો. જુલાઈ મહિના દરમિયાન નેટ એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ. 35.31 લાખ કરોડના સ્તરે જોવા મળ્યું હતું.

 

ચીનમાં ડેલ્ટાના વધતાં કેસો અને ડોલરમાં મજબૂતી પાછળ સોનું અને ક્રૂડમાં ભારે વેચવાલી

 

સોમવારે 4 ટકા ઘટાડા સાથે બ્રેન્ટ ક્રૂડ વાયદો એક મહિનામાં 13 ટકા તૂટ્યો, ડબલ્યુટીઆઈ ક્રૂડમાં 15 ટકાનો ઘટાડો

કોમેક્સ ગોલ્ડ સોમવારે 70 ડોલર ગગડી 1700 ડોલરની નીચે જઈ પરત ફર્યું

 

ચીન ખાતે ડેલ્ટા વાઈરસને કારણે સંક્રમણમાં વૃદ્ધિને કારણે નવેસરથી નિયંત્રણો લાગુ પાડવામાં આવતાં વૈશ્વિક કોમોડિટી માર્કેટમાં ભારે વેચવાલી જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સોમવારે એક તબક્કે 70 ડોલરથી વધુ ગગડી 1677.90 ડોલરના સ્તરે ટ્રેડ થયું હતું. જ્યાંથી પરત ફરી 1740 ડોલર પર ટ્રેડ દર્શાવતું હતું. જ્યારે બ્રેન્ડ ક્રૂડ વાયદો 70.70 ડોલરના અગાઉના બંધ સામે 4 ટકા ઘટાડે 67.81 ડોલર પર ટ્રેડ થતો હતો.

સોમવારે એશિયન ટ્રેડ દરમિયાન તમામ કોમોડિટીઝ રેડ ઝોનમાં ટ્રેડ થતી હતી. ચીન ખાતે દોઢ વર્ષ બાદ કોવિડના કેસિસમાં તીવ્ર ઉછાળા પાછળ સરકારે હવાઈ મુસાફરી સહિતના નિયંત્રણો લાગુ પાડતાં ક્રૂડના ભાવમાં સૌથી ઊંચો ઘટાડો નોંધાયો હતો અને તેણે એક દિવસમાં ચાર ટકાનો ઘટાડો દર્શાવ્યો હતો. જ્યારે મહિના અગાઉની ટોચ પરથી તે 15 ટકાથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. ડબલ્યુટીઆઈ ક્રૂડ વાયદો 6 જુલાઈએ 76.98 ડોલરની ટોચ પરથી ગગડીને સોમવારે 65.30 ડોલર પર જોવા મળ્યો હતો. જ્યારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 77.84 ડોલરની દોઢ વર્ષની ટોચ પરથી સોમવારે 67.75 ડોલર પર 13 ટકા નીચે ટ્રેડ થયો હતો. જોકે આશ્ચર્યની વાત એ છે કે સ્થાનિક બજારમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવમાં સમપ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો નથી. ક્રૂડના ભાવમાં ઘટાડો ભારતીય અર્થંતંત્ર માટે મોટી રાહત આપનારો છે. કેમકે દેશ તેની તેની ઓઈલ જરૂરિયાતનો 80 ટકા હિસ્સો આયાત મારફતે મેળવે છે.

ગોલ્ડના ભાવમાં ઘટાડાનું મુખ્ય કારણ ડોલરમાં તથા યુએસ બોન્ડ્સ યિલ્ડ્સમાં મજબૂતી હતું. યુએસ ખાતે જુલાઈ એમ્પ્લોયમેન્ટ ડેટા સારો આવતાં ફેડ બોન્ડ બાઈંગ બંધ કરે તથા અપેક્ષા કરતાં વહેલાં રેટ વૃદ્ધિ દર્શાવે તેવું બજાર માની રહ્યું છે. એનાલિસ્ટ્સ માને છે કે જો યુએસ ખાતે ઈન્ફ્લેશન વધશે તો ગોલ્ડમાં ખરીદી વધવી જોઈએ. આ સ્થિતિમાં સોનામાં હાલનો ઘટાડો અલ્પજીવી નીવડી શકે છે. કેમકે ગોલ્ડને ઈન્ફ્લેશન સામે હેજ માનવામાં આવે છે. એમસીએક્સ ખાતે સોનું રૂ. 500ના ઘટાડે રૂ. 46000ની સપાટી આસપાર ટ્રેડ થતું હતું. જ્યારે ચાંદી રૂ. 1400ના ઘટાડે રૂ. 63631 પર ટ્રેડ દર્શાવતી હતી.

 

ઓપેકે ઉત્પાદન વધાર્યું, જોકે વપરાશ ઘટે તેવી ધારણા

ઓપેકે છેલ્લી મિટિંગમાં ઓગસ્ટ મહિનાથી પ્રતિ માસ 4 લાખ બેરલના ઈન્ક્રિમેન્ટલ દરે દૈનિક પુરવઠો વધારવાનો નિર્ણય લીધો હતો. એટલેકે ઓગસ્ટમાં 4 લાખ લિટર દૈનિક ઉત્પાદન વૃદ્ધિ બાદ સપ્ટેમ્બરમાં 8 લાખ લિટર, ઓક્ટોબરમાં 12 લાખ લિટર, નવેમ્બરમાં 16 લાખ લિટર અને ડિસેમ્બરમાં 20 લાખ લિટર ક્રૂડ ઉત્પાદન વૃદ્ધિ કરવામાં આવશે. ઓપેકનું માનવું હતું કે વેક્સિનેશન બાદ વૈશ્વિક સ્તરે આર્થિક રિકવરી પાછળ ક્રૂડની માગ વધશે. જોકે આનાથી ઊલટું ડેલ્ટા વાઈરસને કારણે અનેક દેશોમાં નિયંત્રણો વધ્યાં છે અને વપરાશ પર તેની વિપરીત અસર પડવાની સંભાવના છે.

ફેડની હિલચાલ પર નજર

નવા સપ્તાહે ફેડના ચાર મહત્વના અધિકારીઓ શું ટિપ્પણી કરે છે તે અગત્યનું બની રહેશે. જેમાં એટલાન્ટા ફેડ પ્રેસિડન્ટ રાફેલ બોસ્ટીક તથા રિચમોન્ડ ફેડ હે થોમસ બાર્કિન સોમવારે જાહેરમાં બોલવાના છે. આ ઉપરાંત શિકાગો ફેડ પ્રેસિડેન્ટ ચાર્લ્સ ઈવાન્સ મંગળવારે તથા કેન્સાસ સિટી ફેડ પ્રેસિડેન્ટ એસ્થર જ્યોર્જ બુધવારે નિવેદન આપશે. આ ચારમાં બોલ્ટીક અને બાર્કિન ટેપરિંગની તરફેણ કરી રહ્યાં છે અને તેથી જ તેમના વક્તવ્ય પર બજાર ચાંપતી નજર રાખી રહ્યું છે. ઓગસ્ટ આખરમાં યોજાનારી જેકસન હોલ ઈવેન્ટમાં પણ ફેડ ચેરમેન શું બોલે છે તેના પર બજારની નજર રહેશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage