Market Summary 9 August 2022

Investment Opportunities For Retirement Planning 1.0

બ્લોગ કન્ટેન્ટ
માર્ક-ટુ-માર્કેટ લોસથી ચિંતિત બેંક્સ ફરી RBIના દ્વાર ખટખટાવે તેવી શક્યતાં
બોન્ડ યિલ્ડ્સ વધતાં જૂન ક્વાર્ટરમાં બેંકિંગ કંપનીઓએ ઊંચો એમ-ટુ-એમ લોસ નોંધાવ્યો
ઈકરાના અંદાજ મુજબ બેંકોનો એમ-ટુ-એમ લોસ રૂ. 10-13 હજાર કરોડ રહ્યો
અગાઉ બેંક તરફથી પ્રોવિઝન્સ માટે કરાયેલી વિનંતીને સેન્ટ્રલ બેંકે ફગાવી હતી
આરબીઆઈએ પોલિસી કડક બનાવતાં બેંક્સનો લોસ વધી શકે છે

જૂન ક્વાર્ટરમાં મોટું માર્ક-ટુ-માર્કેટ નુકસાન ભોગવી રહેલી બેંકો આ નુકસાનને આગામી કેટલાંક ક્વાર્ટર્સમાં પ્રોવિઝન્સ તરીકે દર્શાવવાની છૂટ આપવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને ફરીવાર રજૂઆત કરે તેવી શક્યતાં છે. અગાઉ ઊંચા ટ્રેઝરી લોસની ધારણા પાછળ જૂન મહિનામાં બેંક્સ તરફથી કરવામાં આવેલી આ પ્રકારની રજૂઆતને આરબીઆઈએ અમાન્ય રાખી હતી એમ ઘટનાથી માહિતગાર બેંકિંગ વર્તુળો જણાવે છે.
જો આરબીઆઈ આ વખતે પણ તૈયાર ના થાય તો બેંક્સ આ પ્રકારના એમ-ટુ-એમ લોસ માટેના પ્રોવિઝન્સને અંદાજિત ઓપરેટિંગ પ્રોફિટ બાદ પ્રોવિઝન્સ એન્ડ કન્ટિજન્સિસ હેઠળ આવરી લેવાની છૂટ માટે માગણી કરી શકે છે. આમ કરવાથી આ પ્રકારના નોશનલ લોસને કારણે ઓપરેટિંગ પ્રોફિટ્સને કોઈ નુકસાન નહિ થાય તેની ખાતરી મળી રહેશે. આમ કરવાથી ઓપરેટિંગ પર્ફોર્મન્સનો વધુ સારો અંદાજ પણ આવશે એમ બેંક્સ માને છે. આમ કરવાથી ઓપરેટિંગ પ્રોફિટ્સમાં ઊંચી વધ-ઘટને ટાળી શકાશે એમ એક વર્તુળ જણાવે છે. દેશમાં સૌથી મોટા લેન્ડર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગયા શનિવારે તેના જૂન ક્વાર્ટરના પરિણામોમાં વાર્ષિક 6.7 ટકા ઘટાડે રૂ. 6068 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો હતો. બેંકે તેની ઈન્વેસ્ટમેન્ટ બુકમાં રૂ. 6549 કરોડનો એમટુએમ લોસ દર્શાવતાં સ્ટેન્ડઅલોન પ્રોફિટમાં ઘટાડો જોવા મળ્યો હતો. એમટુએમ લોસને કારણે જૂન ક્વાર્ટરમાં બેંકનો ઓપરેટિંગ પ્રોફિટ ગયા વર્ષના રૂ. 18975 કરોડની સપાટી પરથી ગગડી રૂ. 12753 કરોડ પર રહ્યો હતો.
અગાઉ આરબીઆઈએ બેંક્સને તેમના એમટુએમ લોસને કેટલાંક ક્વાર્ટર્સમાં દર્શાવવાની છૂટ આપી હતી. જેમકે ડિસેમ્બર 2017થી શરૂ થાય તે રીતે સેન્ટ્રલ બેંકે ચાર ક્વાર્ટરમાં બેંક્સને તેમના એમટુએમ લોસને વહેંચવા માટેની અનૂકૂળતા કરી આપી હતી. એક બેંકર જણાવે છે કે અમે ફરી એકવાર આરબીઆઈનો સંપર્ક કરીશું. કેટલીક બેંક્સે તાજેતરમાં ઈન્ડિયન બેંક્સ એસોસિએશન મારફતે યોજાયેલી લેન્ડર્સની મિટિંગમાં આ મુદ્દો ઉઠાવ્યો હોવાનું તેઓ ઉમેરે છે. પંજાબ નેશનલ બેંકે તેના જૂન ક્વાર્ટર પરિણામોમાં રૂ. 1409 કરોડનો એમટુએમ લોસ દર્શાવ્યો હતો. રેટિંગ એજન્સી ઈકરાના અંદાજ મુજબ જૂન ક્વાર્ટરમાં બેંકિંગ કંપનીઓએ રૂ. 10-13 હજાર કરોડનો એમટુએમ લોસ નોંધાવ્યો છે.
સેન્ટ્રલ બેંકે 4 મેથી અત્યાર સુધીમાં રેપો રેટમાં ત્રણવાર વૃદ્ધિ કરી છે. તેણે બેન્ચમાર્ક રેટને 1.4 ટકા વધારી 5.4 ટકા કર્યો છે. જેની પાછળ બેન્ચમાર્ક 10-વર્ષ માટેના પેપર પરના યિલ્ડ ઉછળી 7.35 ટકા પર પહોંચ્યાં છે. નાણા વર્ષની શરૂમાં તે 6.9 ટકા પર જોવા મળતાં હતાં. મોનેટરી ટાઈટનીંગની પ્રતિક્રિયારૂપે તેણે જૂનની મધ્યમાં 7.62 ટકાની ટોચ દર્શાવી હતી. એક સર્વસંમત માન્યતા મુજબ આરબીઆઈ હજુ પણ રેપો રેટમાં એક ટકા સુધીની વૃદ્ધિ દર્શાવી શકે છે. જે બેંક્સ માટે વધુ એમટુએમ લોસનું કારણ બનશે. જો રેપો વૃદ્ધિ પછી પણ યિલ્ડ્સ નહિ વધે તો બેંક્સને લાભ થશે. કેમકે તેઓ કેટલોક એમટુએમ લોસ પરત મેળવી શકશે. એસબીઆઈ ચેરમેને જૂન ક્વાર્ટર પરિણામોની રજૂઆત વખતે જણાવ્યું હતું કે જો સરકારી જામીનગીરીઓના યિલ્ડ 7.3 ટકા રહે તો અમે એમટુએમ પ્રોવિઝન્સમાંથી રૂ. 1900 કરોડ પરત મેળવી શકીશું.



સરકાર 14 ઓગસ્ટથી સોજી અને મેદાની નિકાસ પર અંકુશ લાદશે
છેલ્લાં બે મહિનામાં આ પ્રોડક્ટ્સની નિકાસમાં ઉછાળાને કારણે લેવાયેલું પગલું

કેન્દ્ર સરકારે દેશમાંથી મેદા અને સોજીની નિકાસ પર અંકુશની જાહેરાત કરી હતી. એકવાર ઈન્ટર-મિનિસ્ટરિઅલ પેનલ મંજૂરી આપે ત્યારબાદ જ દેશમાં આ પ્રોડક્ટ્સની નિકાસ થઈ શકશે. ઘઉંના લોટ પર આ પ્રકારે લાગુ પાડવામાં નિયંત્રણોના એક મહિના બાદ સરકારે ઘઉંમાંથી બનતી બે અન્ય પ્રોડક્ટ્સ માટે પણ આમ કર્યું છે. એપ્રિલમાં ઘઉંની પ્રોડક્ટની નિકાસ 95094 ટન રહી હતી. જે રૂ. 314 કરોડનું મૂલ્ય ધરાવતી હતી. જ્યારે મે મહિનામાં નિકાસ 1.02 લાખ ટન સાથે રૂ. 287 કરોડ પર જોવા મળી હતી.
આટા, મેદા અને સોજી માટે કોઈ ભિન્ન કેટેગરી અસ્તિત્વમાં નથી. આ ત્રણેય ઘઉં અથવા મેસલીન ફ્લોર તરીકે એચએસ કોડ 1101 હેઠળ આવે છે. ટ્રેડ વર્તુળોના જણાવ્યા મુજબ રિટેલ પેકિંગમાં આટાની નિકાસ વાર્ષિક ધોરણે 75 હજાર ટનથી વધુ નથી. કેમકે તેનો વપરાશ મોટેભાગે વિદેશમાં વસતાં ભારતીયો દ્વારા જ કરવામાં આવતો હોય છે. ડિજીએફટીએ બહાર પાડેલા એક નોટિફિકેશન મુજબ આટા, મેદા અને સેમોલીના(રવા અથવા સોજી), હોલમિલ આટા અને રિસલ્ટન્ટ આટા-આ તમામની નિકાસ ઘઉં નિકાસની મંજૂરી માટે ઘડવામાં આવેલી ઈન્ટર-મિનિસ્ટરિયલ કમિટિની ભલામણને આધિન રહેશે.

હોમ લોન માર્કેટ પાંચ વર્ષોમાં બમણા કદનું બનશેઃ રિપોર્ટ
એસબીઆઈના સ્ટડી મુજબ હાલમાં રૂ. 24 લાખ કરોડનું બજાર રૂ. 48 લાખ કરોડનું બનશે
કુલ બેંક ક્રેડિટમાં હાઉસિંગ લોનનો હિસ્સો માર્ચ 2020માં 13.1 ટકા પરથી વધી જૂન 2022માં 14.4 ટકા થયો

ભારતનું હોમ લોન માર્કેટ આગામી પાંચ વર્ષોમાં બમણી વૃદ્ધિ સાથે રૂ. 24 લાખ કરોડને પાર કરી જાય તેવી અપેક્ષા છે. દેશમાં મોર્ગેજ-ટુ-જીડીપી રેશિયો વર્તમાન 11 ટકા વૃદ્ધિ દર સાથે આ સીમાચિહ્ન હાંસલ કરી શકે છે એમ એસબીઆઈનો ઈકોનોમિક રિસર્ચ રિપોર્ટ દર્શાવે છે.
રિપોર્ટ નોંધે છે કે આ ઘટના આગામી પાંચ વર્ષોમાં 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાની ભારતની મહત્વાકાંક્ષાનું પ્રતિબિંબ પાડે છે. બેંક લોન્સમાં હાઉસિંગ લોન્સનો હિસ્સો જૂન 2022માં 14.4 ટકા પર રહ્યો હતો. જે માર્ચ 2020માં 13.1 ટકા પર હતો. હાઉસિંગ લોન્સ એ પર્સનલ લોન્સ અથવા તો રિટેલ લોન્સમાં 50 ટકા હિસ્સો ધરાવે છે. એસબીઆઈના ઈકોનોમિક ડિપાર્ટમેન્ટે નોંધ્યું છે કે નાણા વર્ષ 2021-22માં હોમ લોન પોર્ટફોલિયોએ 10 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. દેશમાં ટિયર-1 અને ટિયર-2 શહેરો કરતાં ટિયર-3 અને ટિયર-4 શહેરો વધુ ઝડપે વિકાસ દર્શાવી રહ્યાં છે. 2018-19થી લઈ 2021-22 દરમિયાન હોમ લોન પોર્ટફોલિયોનો સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર 11 ટકા જોવા મળ્યો હતો. જેમાં ટિયર-3 અને ટિયર-4 જિલ્લાઓએ 12-13 ટકાના દરે ઊંચો વૃદ્ધિ ગ્રોથ દર્શાવ્યો હતો.
રિપોર્ટ સૂચવે છે કે છેલ્લાં એક વર્ષમાં મોટા શહેરોની સરખામણીમાં નાના શહેરોમાં હાઉસિંગના ભાવમાં નોઁધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. જે રેસિડેન્શિયલ હાઉસિંગની શિફ્ટ થઈ રહેલી માગ દર્શાવે છે. મકાનોના ભાવમાં ઊંચી વૃદ્ધિ દર્શાવનાર શહેરોમાં વિશાખાપટ્ટનમ, ગૌહાતી, રાયપુર, સુરત, વડોદરા, જયપુર, લખનૌ, દહેરાદૂન અને કોઈમ્બુતુરનો સમાવેસશ થાય છે. એસબીઆઈના ચીફ ઈકોનોમિક એડવાઈઝરના મતે વર્ક ફ્રોમ હોમના વધતાં વલણ અને ફ્રિલાન્સ જોબ્સને કારણે નાના શહેરો અને નગરોમાં મકાનોની માગમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી છે. તાજા લોન વિતરણના આંકડા ટિયર-3 અને તેનાથી નાના શહેરોમાં વાર્ષિક ધોરણે ઊંચો વૃદ્ધિ દર સૂચવે છે. ટોપ-20 ટિયર-3 જિલ્લાઓમાં મહત્તમ આંકડો પંજાબ અને કર્ણાટકના છે. ટિયર-4 ડિસ્ટ્રીક્ટ્સમાં ઉત્તર પ્રદેશ 6 જિલ્લાઓ સાથે ટોચના સ્થાને આવે છે. આ ઉપરાંત રિપોર્ટના એક અન્ય તારણમાં મહિલા હોમ લોન બોરોઅર્સનું પ્રમાણ પણ વધી રહ્યું છે. 2021-22માં નવા હોન લોન વિતરણમાં મહિલા બોરોઅર્સનો ઊંચો હિસ્સો ધરાવતાં ટોચના 20 જિલ્લાઓમાં 6 જિલ્લા છત્તીસગઢના, જ્યારે ગુજરાત અને હરિયાણાના 3-3 જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓની કુલ વસ્તીમાં 49 ટકા હિસ્સો મહિલાઓનો છે.



સપ્તાહમાં 5.61 લાખ હેકટરના ઉમેરા સાથે 81 ટકા ખરિફ વાવેતર પૂર્ણ
ચાલુ ખરિફમાં પ્રથમવાર વાવેતર ગઈ સિઝન કરતાં 13 હજાર હેકટર ઊંચું જોવા મળ્યું
ગઈ સિઝનના 75.73 લાખ હેકટર સામે સોમવાર સુધીમાં 75.86 લાખ હેકટરમાં ચોમાસુ પાકની વાવણી
ડાંગરનું વાવેતરમાં વેગ, સપ્તાહમાં 1.75 લાખ હેકટર ઉમેરા સાથે 7.92 લાખ હેકટરે
એરંડાનું વાવેતર સપ્તાહમાં 1.59 લાખ હેકટર ઉછળી 3.06 લાખ હેકટરે પહોંચ્યું
કપાસના વાવેતરમાં 24 હજાર હેકટર જ્યારે મગફળીમાં 22 હજાર હેકટરની વૃદ્ધિ
કઠોળ પાકોમાં અડદના વાવેતરમાં 64 હજાર હેકટરનો તીવ્ર ઘટાડો

ખરિફ વાવેતર સિઝન તેના આખરી તબક્કામાં પ્રવેશી છે ત્યારે ગુજરાતમાં વાવેતર ઝડપી પ્રગતિ દર્શાવી રહ્યું છે. ખાસ કરીને સિઝનમાં પાછળથી વવાતાં ડાંગર અને એરંડા જેવા પાકોની વાવણીમાં છેલ્લાં બે સપ્તાહમાં વેગ જોવા મળ્યો છે. જેની પાછળ કુલ વાવેતર પ્રથમવાર ગઈ સિઝનને પાછળ રાખી 75.86 લાખ હેકટર પર પહોંચ્યું છે. ગઈ સિઝનમાં સમાનગાળામાં તે 75.73 લાખ હેકટરમાં જોવા મળતું હતું. ગયા સપ્તાહે ચોમાસુ પાકોના વાવેતરમાં 5.61 લાખ હેકટરનો ઉમેરો થયો હતો.
સોમવાર સુધીમાં રાજ્યમાં વાવેતરના આંકડા જોઈએ તો છેલ્લા ત્રણ વર્ષોની 86.32 લાખ હેકટરની સરેરાશ સામે 81.38 ટકામાં વાવણી સંપન્ન થઈ ચૂકી છે. રાજ્યમાં અનાજ, કપાસ અને એરંડા જેવા પાકોના વાવેતરમાં ગઈ સિઝનની સરખામણીમાં વૃદ્ધિ જોવા મળે છે. જ્યારે તેલિબિયાં, કઠોળ, શાકભાજી અને ઘાસચારાના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. સૌથી મોટા ખરિફ પાક કપાસનું વાવેતર 24 હજાર હેકટરના વધુ ઉમેરા સાથે 25.28 લાખ હેકટર પર પહોંચ્યું છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 22.41 લાખ હેકટર કરતાં 2.87 લાખ હેકટરની વૃદ્ધિ દર્શાવે છે. પાછળથી વવાતાં ટૂંકાતારના વી-797 કપાસનું વાવેતર ચાલુ છે. જેને કારણે આગામી પખવાડિયામાં કપાસ વાવેતર વિસ્તારમાં હજુ કેટલોક ઉમેરો નોંધાશે. મગફળીનું વાવેતર ગયા સપ્તાહે 22 હજાર હેકટર ઉમેરા સાથે 16.94 લાખ હેકટર પર પહોંચ્યું હતું. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 19 લાખ હેકટરની સરખામણીમાં 2.06 લાખ હેકટરનો ઘટાડો સૂચવે છે. આમ કપાસના લાભ સામે મગફળીમાં નુકસાન જોવા મળે છે. મગફળી ઉપરાંત તલના વાવેતરમાં પણ ઘટાડો જોવા મળે છે. ગઈ સિઝનમાં 87 હજાર હેકટર સામે ચાલુ સિઝનમાં તે 64 હજાર હેકટરમાં જ નોંધાયું છે. સોયાબિનનું વાવેતર ગઈ સિઝનમાં 2.23 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં 2.17 લાખ હેકટરમાં જોવા મળી રહ્યું છે. તેલિબિયાંનું કુલ વાવેતર 24.32 લાખ હેકટર સામે 22.81 લાખ હેકટરમાં જ સંભવ બન્યું છે.
જોકે ધાન્ય પાકોમાં ચિત્ર સારું છે. પાણીની ઊંચી જરૂરિયાત ધરાવતાં ડાંગરનું વાવેતર તેમજ બાજરીનું વાવેતર નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. ડાંગરનું વાવેતર એક સપ્તાહમાં 1.75 લાખ વૃદ્ધિ સાથે 6.67 લાખ હેકટર પરથી 7.92 લાખ હેકટર પર પહોંચ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 7.43 લાખ હેકટરની સામે 49 હજાર હેકટરની વૃદ્ધિ દર્શાવે છે. ચાલુ સિઝનમાં સારા વરસાદને કારણે ડાંગરનું વાવેતર 8.35 લાખ હેકટરના ત્રણ વર્ષોના સરેરાશ વિસ્તારથી આગળ નીકળી જવાની શક્યતાં છે. બાજરીનું વાવેતર પણ ગઈ સિઝનમાં 1.57 લાખ હેકટર સામે 23 હજાર હેકટર વધુ 1.80 લાખ હેકટરમાં નોંધાઈ ચૂક્યું છે. બીજી બાજુ મકાઈનું વાવેતર 7 હજાર હેકટર ઘટાડે 2.84 લાખ હેકટરમાં જોવા મળે છે. કઠોળ પાકોમાં ચિત્ર જોકે વિપરીત છે. કુલ વાવેતર 99 હજાર હેકટરના ઘટાડે 3.75 લાખ હેકટરમાં જ નોંધાયું છે. મુખ્ય કઠોળ પાકો તુવેર, મગ અને અડદ, ત્રણેયમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં તુવેરનું વાવેતર 17 હજાર હેકટરના ઘટાડે 2.03 લાખ હેકટરમાં જ્યારે મગનું વાવેતર 20 હજાર હેકટરના ઘટાડે 70 હજાર હેકટરમાં નોંધાયું છે. અડદનું વાવેતર 64 હજાર હેકટર ઘટી માત્ર 88 હજાર હેકટર(ગઈ સિઝનમાં 1.52 લાખ હેકટર)માં જોવા મળે છે.
સામાન્યરીતે ઓગસ્ટમાં વાવવામાં આવતાં અખાદ્ય તેલિબિયાં એરંડાના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. સોમવાર સુધીમાં એરંડાનું વાવેતર 3.06 લાખ હેકટર(ગઈ સિઝનમાં 2.17 લાખ હેકટર)માં પહોંચી ગયું હતું. ગયા એક સપ્તાહમાં કોમોડિટીનું વાવેતર 1.59 લાખ હેકટરની તીવ્ર વૃદ્ધિ નોંધાવી હતી. રાજ્યમાં સરેરાસ 6.76 લાખ હેકટરમાં એરંડા વવાય છે. આમ આગામી બે સપ્તાહમાં વાવેતરમાં ઓર વૃદ્ધિ જોવા મળશે. જોકે ખરિફ શાકભાજી અને ઘાસચારાનું વાવેતર અનુક્રમે 2.05 લાખ હેકટર(2.22 લાખ હેકટર) અને 8.32 લાખ હેકટર(8.91 લાખ હેકટર) સાથે ગઈ સિઝનની સરખામણીમાં ઘટાડો દર્શાવે છે.
ખરિફ વાવેતરનું ચિત્ર(લાખ હેકટરમાં)
પાક 2021 2022
કપાસ 22.41 25.28
મગફળી 19.00 16.94
ઘાસચારો 8.91 8.32
ડાંગર 7.43 7.92
એરંડા 2.17 3.06
મકાઈ 2.91 2.84
સોયાબિન 2.23 2.17
શાકભાજી 2.22 2.05
તુવેર 2.20 2.03
બાજરી 1.57 1.80
કુલ 75.73 75.86




જુલાઈમાં લાઈફ ઈન્શ્યોરર્સના NBPમાં 91 ટકાનો ઉછાળો નોંધાયો
LICનું એનબીપી ગયા મહિને 142 ટકા ઉછળી રૂ. 29116.68 કરોડ પર રહ્યું
પ્રાઈવેટ ઈન્શ્યોરર્સનું એનબીપી 18.5 ટકા વધી રૂ. 9962.22 કરોડ
NBP સંદર્ભમાં એલઆઈસીના માર્કેટ હિસ્સામાં માર્ચથી અત્યાર સુધીમાં 5 ટકાની વૃદ્ધિ

દેશની લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓના ન્યૂ બિઝનેસ પ્રિમિયમ્સ(એનબીપી)માં જુલાઈ દરમિયાન વાર્ષિક 91 ટકાની તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. જાહેર ક્ષેત્રની વીમા કંપની એલઆઈસીએ નોંધાવેલા મજબૂત પ્રિમીયમ ગ્રોથ પાછળ સમગ્ર ઉદ્યોગ ક્ષેત્ર એનબીપીમાં ઊંચો વૃદ્ધિ દર હાંસલ કરી શક્યો હતો.
ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી(ઈરડાઈ)એ રજૂ કરેલા આંકડા મુજબ જુલાઈ મહિનામાં લાઈફ ઈન્શ્યોરર્સે રૂ. 39078.90 કરોડનું એનબીપી નોંધાવ્યું હતું. એલઆઈસીનું એનબીપી ગયા મહિને 142 ટકા ઉછળી રૂ. 29116.68 કરોડ પર રહ્યું હતું. જ્યારે પ્રાઈવેટ ઈન્શ્યોરર્સનું એનબીપી 18.5 ટકા વૃદ્ધિ સાથે રૂ. 9962.22 કરોડ પર નોંધાયું હતું. જૂન મહિનામાં લાઈફ ઈન્શ્યોરન્સ ઉદ્યોગે માત્ર 4.15 ટકાની વૃદ્ધિ દર્શાવી હતી. જેનું મુખ્ય કારણ એલઆઈસીના પ્રિમીયમ્સમાં જોવા મળેલો ઘટાડો હતો. એનબીપીએ ચોક્કસ વર્ષ માટે નવી પોલિસીના વેચાણમાંથી મેળવેલી રકમ છે. તે પ્રથમ વર્ષ માટેના પ્રિમીયમની કુલ રકમ તથા વર્ષ દરમિયાન મેળવવામાં આવેલા સિંગલ પ્રિમીયમની રકમ છે. જુલાઈમાં એલઆઈસીના પ્રિમિયમ ગ્રોથમાં મજબૂત વૃદ્ધિનું કારણ ગ્રૂપ સિંગલ પ્રિમીયમ અને નોન-સિંગલ પ્રિમીયમમાં ઉછાળો હતું. પ્રાઈવેટ ઈન્શ્યોરર્સે પણ સિંગલ પ્રિમીયમ અને ગ્રૂપ રિન્યૂઅલ પ્રિમીયમમાં સારી વૃદ્ધિ નોંધાવી હતી.
માર્કેટ હિસ્સાની રીતે દેશમાં ટોચની પ્રાઈવેટ લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓમાં એસબીઆઈ લાઈફના એનબીપીમાં જુલાઈમાં 29 ટકા, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ લાઈફના એનબીપીમાં 16.20 ટકા, મેક્સ લાઈફના પ્રિમીયમમાં 1.67 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. બીજી બાજુ એચડીએફસી લાઈફે જુલાઈમાં એનબીપીમાં 6 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. નાણા વર્ષ 2022-23માં અત્યાર સુધીમાં લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓએ વાર્ષિક ધોરણે પ્રિમીયમ્સમાં 54 ટકા વૃદ્ધિ દર્શાવી છે. તેમણે કુલ રૂ. 1.12 લાખ કરોડનું પ્રિમીયમ્સ મેળવ્યું છે. જેમાં એલઆઈસીનું પ્રિમીયમ વાર્ષિક 62 ટકા જ્યારે પ્રાઈવેટ ઈન્શ્યોરર્સનું પ્રિમીયમ 39 ટકા વૃદ્ધિ સૂચવે છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરની વાત કરીએ તો લાઈફ ઈન્શ્યોરર્સે ગયા વર્ષે નીચા બેઝને કારણે તેમના એનબીપીમાં વાર્ષિક ધોરણે 40 ટકા વૃદ્ધિ દર્શાવી છે. જૂનથી જુલાઈના સમયગાળામાં એલઆઈસીએ તેના માર્કેટ હિસ્સામાં એનબીપીના સંદર્ભમાં 3.15 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં એલઆઈસીએ માર્કેટ હિસ્સામાં 5 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. એક સર્વસંમત માન્યતા મુજબ ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન લાઈફ ઈન્શ્યોરર્સ તેમના એનબીપી ગ્રોથમાં તંદુરસ્ત પ્રિમીયમ દર્શાવવાનું જાળવશે. ટર્મ, એન્યૂઈટી અને ગેરંટેડ પ્રોડક્ટ્સની માગ ઊંચી રહેવાની અપેક્ષા સાથે ઈક્વિટી માર્કેટમાં વોલેટિલિટી જોતાં યુનિટ-લિંક્ડ પ્રોડક્ટ્સ પર પ્રતિકૂળ અસર પડવાની શક્યતા જોવાઈ રહી છે.


જુલાઈમાં દેશમાં ફ્યુઅલની માગમાં 6.1 ટકા વૃદ્ધિ
ભારતની જુલાઈ ફ્યુઅલ ડિમાન્ડ વાર્ષિક ધોરણે 6.1 ટકા વૃદ્ધિ સાથે 1.762 કરોડ ટન પર રહી હતી. જે માસિક ધોરણે જૂનની સરખામણીમાં 5.7 ટકા ઘટાડો દર્શાવતી હતી. જૂનમાં ફ્યુઅલ માગ 1.868 કરોડ ટન પર જોવા મળી હતી. પેટ્રોલની માગ વાર્ષિક ધોરણે 6.8 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. જ્યારે કુકીંગ ગેસ અથવા લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ(એલપીજી)ની માગ 1.7 ટકા વધારા સાથે 24.1 લાખ ટન પર રહી હતી. નેપ્થાની માગ 6.2 ટકા ગગડી 11.4 લાખ ટન પર જોવા મળી હતી. રોડ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતાં બિટુમેનનું વેચાણ 1.4 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. જ્યારે ફ્યુઅલ ઓઈલનો ઉપયોગ 19.8 ટકાની ઊંચી વૃદ્ધિ દર્શાવતો હતો.

કોર્પોરેટ હેડલાઈન્સ

જીએમઆર ઈન્ફ્રાઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 212.7 કરોડનો નફો દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 124 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 875.6 કરોડ સામે 22 ટકા વધી રૂ. 1069 કરોડ પર રહી હતી.
મયૂર યુનિક્વોટર્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 27.1 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 14 કરોડની સરખામણીમાં 93.5 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 118 કરોડ સામે રૂ. 200.4 કરોડ પર રહી હતી.
પટેલ એન્જીનીયરીંગઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 33 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 3.5 કરોડની સરખામણીમાં 9 ગણી વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 575 કરોડ સામે રૂ. 881 કરોડ પર રહી હતી.
વેદાંત ફેશન્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 100 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 44 કરોડની સરખામણીમાં 130 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 152.2 કરોડ સામે રૂ. 317 કરોડ પર રહી હતી.
લિંકન ફાર્માસ્યુટિકલ્સઃ ફાર્મા કંપનીએ જૂન ક્વાર્ટરમાં વાર્ષિક 35.2 ટકા વૃદ્ધિ સાથે રૂ. 15.01 કરોડનો નફો દર્શાવ્યો છે. કંપનીની આવક ત્રિમાસિક ધોરણે 24.4 ટકા વધી રૂ. 129.97 કરોડ રહી હતી. જ્યારે એબિટા ત્રિમાસિક ધોરણે 21.14 ટકા વધી રૂ. 23.41 ટકા રહ્યો હતો. કંપનીની ઈપીએસ રૂ. 7.49 પર રહી હતી. કંપનીએ રૂ. 66 કરોડની નિકાસ દર્શાવી હતી.
જીએનએફસીઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 571.4 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 241.8 કરોડની સરખામણીમાં 137 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1394 કરોડ સામે રૂ. 2696 કરોડ પર રહી હતી.
ઈરકોનઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 144.6 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 89 કરોડની સરખામણીમાં 63 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1142 કરોડ સામે રૂ. 2002 કરોડ પર રહી હતી
કેમકોનઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 25.5 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 13.4 કરોડની સરખામણીમાં 90 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 57.2 કરોડ સામે રૂ. 89.4 કરોડ પર રહી હતી

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage