માર્કેટ સમરી
ઈમર્જન્સી વેક્સિન ઉપયોગ માટે છૂટની શક્યતા પાછળ સેન્સેક્સે 46 હજારને પાર કર્યું
નિફ્ટી પણ 13500ને કૂદાવી ગયો, સાત સત્રોમાં 5 ટકા ઉછળ્યો
નાણાપ્રધાને નાણાકિય ખાધની ચિંતા વિના સ્ટીમ્યુલસ જાળવી રાખવી આપેલી બાંહેધરીએ પણ તેજીવાળાઓનું મનોબળ વધાર્યું
વૈશ્વિક બજારોમાં ડાઉ જોન્સ પણ 30 હજાર પર મક્કમ
- દેશમાં કોવિડ વેક્સિનના ઈમર્જન્સી વપરાશની છૂટ મળે તેવી પ્રબળ શક્યતા અને વિદેશી રોકાણકારો તરફથી જળવાયેલા ઈનફ્લોના ઓવરડોઝ પાછળ શેરબજાર નવા શિખરો સર કરી રહ્યું છે. બુધવારે સેન્સેક્સ 495 પોઈન્ટ્સ ઉછળી 46000ની સપાટીને પાર કરી ગયો હતો. જ્યારે બેન્ચમાર્ક નિફ્ટી 136 પોઈન્ટ્સ ઉછળી 13500ની સપાટી કૂદાવી ગયો હતો. બંને બેન્ચમાર્કેસે ઈન્ટ્રા-ડે ધોરણે અનુક્રમે 46164 અને 13549ના સર્વોચ્ચ સ્તર દર્શાવ્યાં હતાં. નિફ્ટી મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકો પણ તેમની બે વર્ષની ટોચ પર બંધ રહ્યાં હતાં.
- યુએસ અને એશિયન બજારોમાં મજબૂતી પાછળ બુધવારે ભારતીય બજાર પણ ગેપ-અપ ખૂલીને ધીમે-ધીમે વધુ સુધારો દર્શાવતું રહ્યું હતું અને લગભગ દિવસની ટોચ નજીક જ બંધ રહ્યું હતું. કોવિડના ઈલાજ માટે ત્રણ કંપનીઓએ વેક્સિનનના તત્કાળ ઉપયોગ માટે માગેલી મંજૂરી અંગે ડ્રગ રેગ્યુલેટર બુધવારે વિચારણા કરશે તેવા અહેવાલ પાછળ તેજીવાળાઓની પકડ મજબૂત જોવા મળી હતી. ઉપરાંત નાણાપ્રધાન નિર્મળા સીતારામને વર્તમાન સમયમાં અર્થતંત્ર માટે સ્ટીમ્યુલસ વધુ જરૂરી છે અને તેથી સરકાર નાણાકિય ખાધની ચિંતા કર્યા વિના ટાર્ગેટેડ સ્ટીમ્યુલસ જાળવી રાખશે એ પ્રકારે કરેલા નિવેદને પણ બજારનું મોમેન્ટમ ટકાવવામાં સહાય કરી હતી. બુધવારે માર્કેટમાં વ્યાપક લેવાલી જોવા મળી રહી હતી અને રિટેલ ટ્રેડર્સ માટે સુખદ સત્ર જોવા મળ્યું હતું એમ વર્તુળો જણાવતા હતાં. બુધવારના સુધારા બાદ બેન્ચમાર્ક નિફ્ટી અંતિમ સાત ટ્રેડિંગ સત્રોમાં 4.5 ટકા જેટલો સુધરી ચૂક્યો છે. તેના માટે હવે 14000ની સપાટી પાર કરવી મહત્વની બની રહેશે એમ માનવામાં આવે છે. વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ મંગળવારે રૂ. 2910 કરોડની ચોખ્ખી ખરીદી દર્શાવી હતી. જે તેમનું સતત 24મું પોઝીટીવ સત્ર હતું. જોકે સ્થાનિક સંસ્થાઓએ રૂ. 2600 કરોડથી વધુનું વેચાણ નોંધાવ્યું હતું.
- લાર્જ-કેપ્સમાં ખાનગી બેંકિંગ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવા કાઉન્ટર્સે બેન્ચમાર્ક્સને સપોર્ટ કર્યો હતો. જ્યારે મીડ અને સ્મોલ-કેપ્સમાં જાતેજાતમાં ખરીદી જોવા મળી હતી. બીએસઈ ખાતે 1768 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ આવ્યાં હતાં. જ્યારે 1202 કાઉન્ટર્સ નેગેટિવ ટ્રેડ દર્શાવતાં હતાં. માર્કેટ નિરીક્ષકોના મતે દિવાળી બાદ બજારમાં જળવાયેલા સતત સુધારા બાદ રિટેલ ટ્રેડર્સ બજારમાં પરત ફર્યાં છે અને કામકાજમાં જંગી વૃદ્ધિ જોવા મળી રહી છે. હાલમાં દૈનિક ધોરણે એનએસઈ અને બીએસઈ કેશ સેગમેન્ટમાં કુલ રૂ. 71000 કરોડથી વધુનું વિક્રમી કામકાજ જોવા મળી રહ્યું છે. લગભગ એક વર્ષ અગાઉ તે માત્ર રૂ. 38-40 હજાર કરોડ પર જોવા મળતું હતું.
- અંતિમ ત્રણ સિરિઝથી માર્કેટમાં દ્વિઅંકી વૃદ્ધિને જોતાં એનાલિસ્ટ્સ પણ આશ્ચર્ય અનુભવી રહ્યાં છે અને નવી ખરીદી માટે સાવધાની રાખવાની ભલામણ કરે છે. જોકે માર્કેટ તેની ચાલ પર મુસ્તાક જણાય છે. વિદેશી રોકાણકારોનો ફંડ ફ્લોને કારણે બજાર પર કોઈપણ પ્રકારના નેગેટિવ અહેવાલની અસર પડી રહી નથી. ટેકનિકલ એનાલિસ્ટ્સ હજુ પણ બજાર ઓવરબોટ હોવાના કોઈ સંકેતો નહિ મળી રહ્યાં હોવાનું જણાવે છે. તેમના મતે બજાર કરેક્શનમાં જતાં પહેલા સંકેતો અચૂક આપશે. ત્યાં સુધી બજાર સાથે ચાલવામાં મજા છે. ફંડામેન્ટલ એનાલિસ્ટ્સ ઘણા સમયથી વેલ્યૂએશન્સ ઊંચા હોવાનું કહી રહ્યાં છે. તેમ છતાં બજાર મદમસ્ત ગતિએ નવી ટોચ દર્શાવતું રહ્યું છે.
- પેઈન્ટ્સ કંપનીઓના શેર્સની નિરંતર આગેકૂચ જારી
સુશોભન સાથે જોડાયેલા પેઈન્ટ્સ કંપનીઓના શેર્સમાં સતત સુધારો જળવાયો છે. અગ્રણી પેઈન્ટ કંપની એશિયન પેઈન્ટ્સનો શેર બુધવારે 4 ટકાના સુધારે રૂ. 2530ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર અગાઉના બંધની સરખામણીમાં રૂ. 90નો સુધારો દર્શાવતો હતો. જે ભાવે તેનું માર્કેટ-કેપ રૂ. 2.42 લાખ કરોડ પર જોવા મળતું હતું. અન્ય પેઈન્ટ કંપની બર્જર પેઈન્ટનો શેર પણ 2 ટકાથી વધુ મજબૂતી સાથે રૂ. 688ની ટોચ પર ટ્રેડ થયો હતો અને રૂ. 66 હજાર કરોડનું માર્કેટ-કેપ દર્શાવતો હતો. બંને કંપનીઓના શેર્સ માર્ચ મહિનાના તળિયાથી ધીમે-ધીમે ઉર્ધ્વ દિશામાં ગતિ કરતાં રહ્યાં છે.
- માસ્ટેકનો શેર 14 ટકા ઉછળી નવી ટોચ પર પહોંચ્યો
છેલ્લા કેટલાક સત્રોથી લાર્જ-કેપ આઈટી કાઉન્ટર્સ કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યાં છે ત્યારે નાની આઈટી કંપનીઓમાં વ્યક્તિગત ધોરણે ખરીદી જોવા મળી રહી છે. બુધવારે માસ્ટેકનો શેર 14 ટકા ઉછળીને નવી ટોચ પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર રૂ. 1016ના અગાઉના બંધ સામે 14 ટકા ઉછળી રૂ. 1178 પર જોવા મળ્યો હતો. કંપનીનો શેર રૂ. 170ના વાર્ષિક તળિયાથી નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યો છે.