Market Summary 9 Dec 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

માર્કેટમાં કોન્સોલિડેશન વચ્ચે નિફ્ટી 17500 પાર કરવામાં સફળ
ત્રણ ટ્રેડિંગ સત્રોમાં નિફ્ટી 500 પોઈન્ટ્સથી વધુ ઉછળ્યો
લાર્જ-કેપ્સમાં સ્થિરતા વચ્ચે માર્કેટમાં બ્રોડ બેઝ બાઈંગ જળવાયું
ITC, લાર્સન, રિલાયન્સ અને કન્ઝ્યૂમર સંબંધિત શેર્સ પાછળ બજારમાં મજબૂતી

બે દિવસ દરમિયાન તીવ્ર સુધારો દર્શાવ્યા બાદ ગુરુવારે માર્કેટમાં કોન્સોલિડેશન જોવા મળ્યુ હતું. જોકે તેણે આખરે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. જેમાં બેન્ચમાર્ક નિફ્ટી બે સપ્તાહ બાદ 17500ના સ્તર પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. તે 47.10 પોઈન્ટ્સના સુધારે 17516.85ના સ્તરે જ્યારે સેન્સેક્સ 157.45 પોઈન્ટ્સ સુધરી 58807.13ના સ્તરે બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ વધુ 4 ટકા ગગડી 16.60ના સ્તરે બંધ રહ્યો હતો. છેલ્લાં ત્રણ સત્રોમાં તે 20 ટકાથી વધુનો ઘટાડો દર્શાવી ચૂક્યો છે.
વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ વચ્ચે ભારતીય બજારે કામકાજની પોઝીટીવ શરૂઆત દર્શાવી હતી. જોકે તે તરત જ ગગડીને રેડ ઝોનમાં ટ્રેડ થવા લાગ્યું હતું. માર્કેટમાં તેજીવાળાઓ મક્કમ હોવાથી ઘટાડો અલ્પજીવી નીવડ્યો હતો અને માર્કેટ ફરી ગ્રીન ઝોનમાં પરત ફર્યું હતું અને કામકાજ પૂરું થવા સુધી પોઝીટીવ જળવાય રહ્યું હતું. લાર્જ-કેપ્સની સરખામણીમાં મીડ અને સ્મોલ-કેપ્સમાં સારી ખરીદી જોવા મળી હતી. જેને કારણે નિફ્ટી સ્મોલ-કેપ 1.24 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. બીએસઈ ખાતે પણ માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. પ્લેટફોર્મ ખાતે કુલ 3400 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2074 પોઝીટવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1201 કાઉન્ટર્સ ઘટીને બંધ આવ્યાં હતાં. 411 કાઊન્ટર્સ ઉપલી સર્કિટ્સમાં બંધ રહ્યા હતાં. જ્યારે 132 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સમાં બંધ જોવા મળતાં હતાં.
સેક્ટરલ દેખાવ પર નજર નાખીએ તો એફએમસીજી ઈન્ડેક્સમાં સૌથી સારો સુધારો નોંધાયો હતો. જેનું મુખ્ય કારણ આઈટીસીમાં 4.65 ટકાનો ઉછાળો હતો. આ ઉપરાંત ગોદરેજ કન્ઝ્યૂમર 2.76 ટકા, યુનાઈટેડ સ્પિરિટ્સ 1.5 ટકા અને બ્રિટાનિયા 1.35 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 1.44 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 1.6 ટકા સુધારા પાછળ નિફ્ટી એનર્જી પણ પોઝીટીવ જોવા મળ્યો હતો. જોકે બીજી બાજુ એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, ટાટા પાવર, ઓએનજીસી અને આઈઓસીમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી મિડિયા 3.57 ટકા ઉછળીને બંધ રહ્યો હતો. જે પાછળનું મુખ્ય કારણ નેટવર્ક 18માં 16 ટકાનો તીવ્ર ઉછાળો હતો. ટીવી18 બ્રોડકાસ્ટ પણ 7 ટકા ઉછળ્યો હતો.
વૈશ્વિક બજારોમાં એશિયન બજારોમાં જાપાનને બાદ કરતાં અન્ય બજારો પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જેમાં ચીન અને હોંગ કોંગના બજારો એક ટકા સાથે મજબૂત જણાતાં હતાં. ચીનનો શાંઘાઈ ઈન્ડેક્સ તેની વાર્ષિક ટોચથી 50 પોઈન્ટ્સ છેટે જોવા મળી રહ્યો છે. તે હાલમાં બે મહિનાની ટોચ પર છે. આગામી સત્રોમાં તે નવી વાર્ષિક ટોચ દર્શાવે તેવું જણાય છે. યુરોપિયન બજારો જોકે ડલ ટ્રેડિંગ દર્શાવતાં હતાં. ફ્રાન્સ, યુકે અને જર્મની, ત્રણેય બજારો નેગેટિવ ટ્રેડ સૂચવી રહ્યાં હતાં.

નવેમ્બરમાં SIP મારફતે માર્કેટમાં વિક્રમી રૂ. 11 હજાર કરોડ ઠલવાયાં
શેરબજારોમાં મ્યુચ્યુલ ફંડ્સમાં સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન(સિપ) હેઠળ થતું રોકાણ નવેમ્બરમાં રૂ. 11 હજાર કરોડની સપાટીને પ્રથમવાર પાર કરી ગયું હતું. અગાઉ સપ્ટેમ્બરમાં તેણે રૂ. 10 હજાર કરોડનો સીમાચિહ્ન પાર કર્યો હતો. જ્યારે નવેમ્બરમાં તેણે સિપ મારફતે રૂ. 11004.94 કરોડનું ભંડોળ મેળવ્યું હતું.
ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન નવેમ્બરમાં રૂ. 46165 કરોડ સાથે સ્થાનિક ફંડ્સે બીજા ક્રમે સૌથી વધુ માસિક ફ્લો નોંધાવ્યો હતો. જે એપ્રિલ પછીનો બીજો સૌથી મોટો ફ્લો હતો. દેશમાં મ્યુચ્યુલ ફંડનું કુલ સરેરાશ એસેટ અન્ડર મેન્જમેન્ટ પણ વિક્રમી રૂ. 38,45,377 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જ્યારે નેટ એયૂએમ રૂ. 37,33,701 કરોડ પર જળવાયું હતું. એમ્ફીએ રજૂ કરેલા ડેટા મુજબ તમામ પાંચ કેટેગરીઝમાં નેટ ઈનફ્લો જોવા મળ્યો હતો. જેમાં ઓપન-એન્ડેડ સ્કીમ્સ, ઈન્કમ-ડેટ ઓરિએન્ટેડ સ્કિમ્સ, ગ્રોથ/ઈક્વિટી ઓરિએન્ટેડ સ્કીમ્સ, હાઈબ્રીડ સ્કિમ્સ, સોલ્યુશન ઓરિએન્ટેડ સ્કિમ્સ અને અન્ય ઓપન-એન્ડેડ સ્કીમ્સ જેમાં ઈન્ડેક્સ સ્કીમ્સ, ઈટીએફ્સ, ફંડ ઓફ ફંડ્સ સ્કીમ્સનો સમાવેશ થતો હતો. ક્લોઝ-એન્ડેડ સ્કીમ્સ કેટેગરીઝમાં પણ ચાલુ નાણાકિય વર્ષે પ્રથમવાર રૂ. 6.97 કરોડનો નાનો પણ પોઝીટીવ ફ્લો જોવા મળ્યો હતો. ઈક્વિટી/ગ્રોથ ઓરિએન્ટેડ સ્કીમ્સનું એયૂએમ એપ્રિલ 2021થી નવેમ્બર 2021 સુધીમાં લગભગ 33 ટકા જેટલું વધ્યું હતું. એપ્રિલમાં રૂ. 9,80,944.22 કરોડ પરથી વધી નવેમ્બરમાં તે રૂ. 13,20,703.31 કરોડ થયું હતું. જ્યારે હાઈબ્રીડ ઓરિએન્ટેડ સ્કીમ્સનું એયૂએમ પણ સમાનગાળામાં રૂ. 3,57,538.13 કરોડ પરથી વધી રૂ. 4,87,822.14 કરોડ થયું હતું.
RZ સમર્થિત મેટ્રો બજારમાંથી રૂ. 1367 કરોડ મેળવશે
રાકેશ ઝૂનઝૂનવાલા સમર્થિત ફૂટવેર રિટેલર કંપની મેટ્રો બ્રાન્ડ્સ મૂડીબજારમાંથી રૂ. 1367 કરોડ ઊભા કરશે. કંપનીમાં રાકેશ ઝૂનઝૂનવાલા 14 ટકા જેટલો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. તેમણે 2007માં કંપનીમાં હિસ્સો ખરીદ્યો હતો. જોકે તેઓ આઈપીઓમાં એક પણ શેરનું વેચાણ કરી રહ્યાં નથી. કંપની રૂ. 485-500ની પ્રાઈસ બેન્ડમા શેર ઓફર કરશે. આઈપીઓ 10 ડિસેમ્બરે ખૂલશે. આઈપીઓમાં રૂ. 1072 કરોડનો હિસ્સો ઓફર-ફોર-સેલનો રહેશે. જ્યારે રૂ. 295 કરોડ ફ્રેશ ઈક્વિટીનો હશે.
સોનુ-ચાંદી નરમ
બુધવારે એક દિવસ માટે સુધારો દર્શાવનાર સોનુ-ચાંદી ગુરુવારે ફરી નરમાઈમાં સરી પડ્યું હતું વૈશ્વિક બજારમાં ગોલ્ડને 1880 ડોલર પર ટકવામાં તકલીફ પડી રહી છે. જેની પાછળ સ્થાનિક બજારમાં પણ તે રૂ. 48000ની સપાટી જાળવી શકતું નથી. રૂપિયામાં ડોલર સામે નરમાઈ વચ્ચે એમસીએક્સ ખાતે સોનુ ફેબ્રુઆરી વાયદો રૂ. 135ના ઘટાડે રૂ. 47920 પર ટ્રેડ થતો હતો. જ્યારે ચાંદી રૂ. 468ના ઘટાડે રૂ. 61155 પર ટ્રેડ થતી હતી.

છેલ્લાં બે વર્ષોમાં પ્રતિ સપ્તાહ એક IPO આવ્યો, જોકે 1990ના દાયકા સામે સંખ્યા ઓછી
1990નાદાયકાની આઈપીઓ બૂમમાં પ્રતિ દિવસ ત્રણ લેખે 4712 કંપનીઓ બજારમાં પ્રવેશી હતી
પ્રાઈમરી માર્કેટે ચાલુ કેલેન્ડરમાં નાણા ઊભા કરવાનો નવો વિક્રમ નોંધાવ્યો છે અને 2020થી અત્યાર સુધીમાં દર સપ્તાહે એક આઈપીઓ મૂડીબજારમાં પ્રવેશ્યો હોવા છતાં તે સંખ્યા 1990ના દાયકાની આઈપીઓ બૂમની સરખામણીમાં ખૂબ પાછળ જોવા મળે છે.
એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ 2020થી અત્યાર સુધીમાં સાપ્તાહિક ધોરણે એક આઈપીઓ છતાં કુલ સંખ્યા 90ના દાયકામાં આવેલા આઈપીઓ કરતાં ઓછી છે. 2020થી અત્યાર સુધીમાં કુલ 120 કંપનીઓ આઈપીઓ લઈને પ્રવેશી છે. એટલે કે બે વર્ષોમાં લગભગ સપ્તાહ દીઠ એક કંપની નાણા ઊઘરાવવા આવી છે. જેમાં પેટીએમથી લઈને નાયકા, ઝોમેટો અને સ્ટાર હેલ્થ જેવા મોટા આઈપીઓનો સમાવેશ થાય છે. આ સિવાય અનેક નાની કંપનીઓ પણ બજારમાં પ્રવેશી છે. આગામી મહિનાઓમાં લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન પણ તેના મેગા આઈપીઓ સાથે બજારમાં પ્રવેશવા જઈ રહી છે. જોકે આમ છતાં આ આંકડો 1990ના દાયકાની સરખામણીમાં ખૂબ નાનો છે. સંશોધન રિપોર્ટમાં જણાવ્યા મુજબ 1990ના દાયકામાં પ્રતિ દિવસ ત્રણ આઈપીઓ બજારમાં પ્રવેશી રહ્યાં હતાં. જ્યારે છેલ્લાં બે વર્ષોમાં સપ્તાહ દીઠ એક આઈપીઓએ પ્રવેશ કર્યો છે. અલબત્ત, 90ના દાયકામાં કંપનીઓએ આઈપીઓ મારફતે ઊભા કરેલા નાણાની સરખામણીમાં છેલ્લાં બે વર્ષોમાં કંપનીઓએ અનેકગણા નાણા રોકાણકારો પાસેથી ઉઘરાવ્યાં છે. જે અત્યાર સુધીનો વિક્રમ છે. કેલેન્ડર 2021માં આઈપીઓ મારફતે રૂ. એક લાખ કરોડથી વધુ રકમ ઊભી કરવામાં આવી ચૂકી છે.
1990ના દાયકામાં લગભગ 4712 કંપનીઓએ આઈપીઓ મારફતે રૂ. 42500 કરોડ ઊભા કર્યાં હતાં. જ્યારે છેલ્લાં બે વર્ષોમાં મળીને રૂ. 1.80 લાખ કરોડ ઊભા કરવામાં આવ્યાં છે. જેમાં કેલેન્ડર 2020માં રૂ. 75 હજાર કરોડ એકત્ર કરવામાં આવ્યાં હતાં. જયારે 2021માં રૂ. 1.06 લાખ કરોડ ઊભા કરવામાં આવ્યાં છે. વર્ષ પૂરું થતાં અગાઉ માર્કેટમાં અડધો ડઝન આઈપીઓ પ્રવેશવાના છે તેને જોતાં હજુ પણ આ રકમમાં કેટલોક ઉમેરો થવાની શક્યતાં છે.

ક્રિપ્ટોને કારણે RBIનો મની સપ્લાય પરનો અંકુશ દુર થશેઃ સુબ્બારાવ

મધ્યસ્થ બેંકના ભૂતપૂર્વ ગવર્નરના મતે ક્રિપ્ટોકરન્સિઝ દેશમાં કેપિટલ કંટ્રોલ્સને બાયપાસ કરી શકે છે


રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર દૂવૂરી સુબ્બારાવે જણાવ્યું છે કે દેશમાં ક્રિપ્ટોકરન્સીને છૂટ આપવામાં આવશે તો મધ્યસ્થ બેંક મની સપ્લાય અને ઈન્ફ્લેશન પરનો અંકુશ ગુમાવી શકે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને ન્યૂ યોર્ક યુનિવર્સિટી સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસ આયોજિત વેબિનારમાં બોલતાં રાવે જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી(સીબીડીસી) જારી કરવાનો ભારતનો કેસ મજબૂત નથી કેમકે દેશમાં કેપિટલ કંટ્રોલ્સ અસ્તિત્વમાં છે. ક્રિપ્ટો એ અલ્ગોરિધમ આધારિત છે અને તેને કારણે સેન્ટ્રલ બેંક મની સપ્લાય તથા ઈન્ફ્લેશન મેનેજમેન્ટ પરનો તેનો અંકુશ ગુમાવે તેવો ડર છે. સાથે એવી ચિંતા પણ છે કે ક્રિપ્ટોને કારણે મોનેટરી પોલિસી અવરોધાઈ શકે છે. ક્રિપ્ટોકરન્સિઝ, કેપિટલ કંટ્રોલ્સને અવગણી શકે છે. 2008થી 2013 દરમિયાન આરબીઆઈ ગવર્નર તરીકે કામગીરી બજાવનાર રાવે જણાવ્યું હતું કે સીબીડીસી માટે રોબસ્ટ ડેટા પ્રોટેક્શન લોઝની જરૂરિયાત રહે છે. તેમના જણાવ્યા મુજબ ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સનું ચલણ વધી રહ્યું છે અને રોકડ બહાર નીકળી રહી છે. જોકે મહામારીને કારણે કરન્સી સર્ક્યુલેશનમાં વધારો થયો છે અને લોકડાઉન્સને કારણે લોકો કેશ સાચવી રાખે છે. મધ્યસ્થ બેંકની લેન્ડર તરીકેના આખરી વિકલ્પની ભૂમિકા પર કોઈ આંચ આવવી જોઈએ નહિ એમ તેમણે જણાવ્યું હતું.


નવેમ્બરમાં વ્હીકલ રજિસ્ટ્રેશનમાં 2.7 ટકાનો ઘટાડો જોવાયો
તમામ ઓટોમોટીવ સેગમેન્ટ્સમાં વાર્ષિક ધોરણે રજિસ્ટ્રેશન ઘટીને 18,17,600 યુનિટ્સ જોવા મળ્યું
નવેમ્બર 2019ની સરખામણીમાં બુકિંગમાં 20 ટકા ઘટાડો હોવાનું જણાવતું ફાડા
વ્હીકલ રજિસ્ટ્રેશનમાં નવેમ્બરમાં પણ ઘટાડાનો ક્રમ જળવાયો છે. તમામ ઓટોમોબાઈલ સેગમેન્ટ્સમાં વાર્ષિક ધોરણે 2.7 ટકા ઘટાડા સાથે 18,17,600 યુનિટ્સનું રજીસ્ટ્રેશન જોવા મળ્યું હોવાનું ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન(ફાડા)એ જણાવ્યું છે. જો કોવિડ અગાઉના નવેમ્બર 2019 સાથે તેની સરખામણી કરીએ તો તે 20 ટકાનો ઘટાડો સૂચવે છે એમ ઓટો ડિલર્સ એસોસિએશન જણાવે છે.
દિવાળીના તહેવારો દરમિયાન પણ ઓટો સેલ્સમાં વૃદ્ધિ જોવા મળી નહોતી. કાર ઉત્પાદકોને સપ્લાય-સાઈડ પરેશાનીઓ કનડી રહી છે. જ્યારે ટુ-વ્હીલર્સને ડિમાન્ડ-સાઈડ તકલીફો સતાવી રહી છે. નવેમ્બરમાં ટુ-વ્હીલર્સના રજિસ્ટ્રેશનમાં વાર્ષિક ધોરણે 0.75 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આશ્ચર્યની બાબત એ છે કે નવેમ્બર 2019માં 14,44,762ના નીચા બેઝ પર પણ આ ઘટાડો જોવા મળ્યો છે. પેસેન્જર વ્હીકલનું વેચાણ નવેમ્બરમાં 19.44 ટકા ગગડી 2,40,234 યુનિટ્સ પર રહ્યું હતું. જો નવેમ્બર 2019 સાથે સરખામણી કરીએ તો ટુ-વ્હીલર્સ વેચાણમાં 20.29 ટકાનો અને પેસેન્જર વ્હીકલ્સમાં 14.02 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ડિલર્સને પેસેન્જર વ્હીકલ્સના ડિસ્પેચમાં નવેમ્બરમાં 14 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ગયા વર્ષે 2,46,000 યુનિટ્સ સામે ચાલુ વર્ષે નવેમ્બરમાં તે 2,86,000 યુનિટ્સ રહ્યું હતું.
ફાડાના જણાવ્યા મુજબ નવેમ્બરમાં પણ ઓટો રિટેલ વેચાણ નેગેટિવ ઝોનમાં જળવાયું હતું. જ્યાં સુધી ગ્રામીણ વિસ્તારોમાંથી મજબૂતી જોવા નહિ મળે ત્યાં સુધી સમગ્ર રિટેલ વેચાણ નરમ જળવાયેલું રહેશે. ટુ-વ્હીલર્સનું વેચાણ ગયા વર્ષના સ્તર નજીક જ જોવા મળ્યું છે. જોકે સમગ્રતયા વેચાણ નરમ જ જળવાયું છે. કેમકે લગ્નગાળાને કારણે એકાદ બે રાજ્યોને બાદ કરતાં અન્યત્ર માગમાં રિવાઈવલમાં કોઈ સહાયતા નથી મળી. વેચાણમાં વૃદ્ધિ નહિ જોવા મળવાના કારણોમાં દક્ષિણના રાજ્યોમાં ખરિફ પાકમાં બગાડ સાથે ઊંચી ખરીદ કિંમત તથા ફ્યુઅલના ઊંચા ભાવોને કારણભૂત ગણાવવામાં આવે છે. એક મોટી ચિંતાની બાબત એ છે કે ઈન્કવાયરીમાં પણ વૃદ્ધિના સંકેતો સાંપડી રહ્યાં નથી. ફાડાના મતે આગામી સમયગાળામાં વૈશ્વિક ચીપ શોર્ટેજની સ્થિતિમાં રાહત મળશે અને તેને કારણે વ્હીકલ્સ માટેના વેઈટિંગના સમયગાળામાં ઘટાડો જોવા મળશે. જેની પાછળ વેચાણમાં વૃદ્ધિ નોંધાઈ શકે છે. સંસ્થાએ ટુ-વ્હીલર્સ ઉત્પાદકોને વેચાણ માટે સ્ટીમ્યુલસ પૂરી પાડે તે માટે આકર્ષક સ્કીમ જાહેર કરવા માટે જણાવ્યું છે. સાથે તેમને સાતત્યપૂર્ણ રીતે 21-દિવસની ઈન્વેન્ટરી સાઈકલ પર કામ કરવા માટે જણાવ્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage