Market Summary 9 March 2022

માર્કેટ  સમરી

 

શોર્ટ કવરિંગ પાછળ માર્કેટમાં સુધારો ટક્યો

માર્કેટ બ્રેડ્થ 10 મહિનાની ટોચ પર જોવા મળી

એશિયન હરિફોની સરખામણીમાં સ્થાનિક બજારનું આઉટપર્ફોર્મન્સ

ચીનનો શાંઘાઈ કંપોઝીટ વર્ષના તળિયે પટકાયો

વોલેટિલિટી ઈન્ડેક્સ 4 ટકા ગગડી 27.46ની સપાટીએ

ઓટો, રિઅલ્ટી, ફાર્મા, એનર્જી, એફએમસીજી તરફથી સપોર્ટ

 

યૂક્રેન પ્રમુખે હવે નાટોમાં જોડાવાની ઈચ્છા નહિ રહી હોવાનું જાહેર કરતાં શેરબજારોને લગભગ એક પખવાડિયા પછી કળ વળી હતી. જેની પાછળ ઘણા ખરા બજારોમાં નોંધપાત્ર બાઉન્સ જોવા મળ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 1223 પોઈન્ટ્સ અથવા 2.3 ટકા ઉછળી 54647ના સ્તરે જ્યારે નિફ્ટી 332 પોઈન્ટ્સ ઉછળી 54894ની સપાટી પર બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 4 ટકા ગગડી 27.46 પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 38 પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે 12 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે બ્રોડ માર્કેટમાં 10 મહિના પછીની સૌથી ઊંચી માર્કેટ-બ્રેડ્થ જોવા મળી હતી. આ અગાઉ 5 જૂન 2021ના રોજ આટલી સારી માર્કેટ-બ્રેડ્થ નોંધાઈ હતી.

મંગળવારે સાંજે યુએસ પ્રમખે રશિયાન ઓઈલ-ગેસની આયાત પર પ્રતિબંધ મૂક્યાં બાદ કોમોડિટીઝના ભાવમાં એક વધુ ઉછાળો નોંધાયો હતો. જેને કારણે શેરબજારો નેગેટિવ ખૂલવાની શક્યતાં વધી હતી. એશિયન બજારોમાં મિશ્ર કામકાજ વચ્ચે ભારતીય શેરબજારમાં પોઝીટીવ શરૂઆત જોવા મળી હતી. જોકે માર્કેટ એક તબક્કે નેગેટિવ જોવા મળ્યું હતું. જ્યારબાદ દિવસ દરમિયાન તેણે સતત સુધારો જાળવ્યો હતો. નિફ્ટી 15990ના ઈન્ટ્રા-ડે લો પરથી 16418ની ટોચ સુધી સુધરતો જોવા મળ્યો હતો. ક્રૂડ સહિતની કોમોડિટીઝના ભાવ બપોર બાદ ગગડ્યાં હતાં અને તેને કારણે પણ બજારોને રાહત મળી હતી. જોકે આમ છતાં એશિયન બજારોમાં ચીન, કોરિયા અને જાપાનના બજારો 1.1 ટકા સુધી ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. ચીનનો શાંઘાઈ કંપોઝીટ ઈન્ડેક્સ વાર્ષિક તળિયા પર બંધ જોવા મળ્યો હતો. આમ તે ફરી મંદીમાં સરી પડ્યો છે. સિંગાપુર અને તાઈવાન જેવા બજારો 1.5 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે યૂરોપ બજારોમાં જર્મની 5 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતું હતું. ડાઉ ફ્યુચર્સ 520 પોઈન્ટ્સની મજબૂતી દર્શાવતો હતો. એનાલિસ્ટ્સના મતે નિફ્ટી માટે 16500-16600ની રેંજમાં અવરોધ છે. આમ આગામી બે સત્રોમાં તે ઈન્ટ્રા-ડે ઊંચી વધ-ઘટ દર્શાવી શકે છે. જો 16600 પાર થશે તો મોટા શોર્ટ કવરિંગ પાછળ 17 હજારનું સ્તર ઝડપથી જોવા મળી શકે છે.

સ્થાનિક બજારમાં મેટલ અને પીએસઈ સેક્ટર્સ સિવાય અન્ય તમામે સુધારો નોંધાવ્યો હતો. જેમાં ઓટો ક્ષેત્ર અગ્રણી હતું. બેંક નિફ્ટી પણ 2 ટકા મજબૂતી દર્શાવતો હતો. જ્યારે રિઅલ્ટી, ફાર્મા, એફએમસીજી, આઈટી, જેવા સેક્ટર્સ 1-3 ટકાની રેંજમાં પોઝીટીવ જોવા મળ્યાં હતાં. ઓટો ક્ષેત્રે અશોક લેલેન્ડ 8 ટકા ઉછળ્યો હતો. જ્યારે એમએન્ડએમ(5 ટકા), ટીવીએસ મોટર(4 ટકા) અને ટાટા મોટર્સ(4 ટકા)નો સુધારો દર્શાવતાં હતાં. બેંકિંગ ક્ષેત્રે એયૂ સ્મોલ ફાઈનાન્સ(4.3 ટકા), ઈન્ડસઈન્ડ બેંક(4.1 ટકા), આઈડીએફસી ફર્સ્ટ બેંક(3.6 ટકા) અને એચડીએફસી બેંક(3.26 ટકા)નો સુધારો દર્શાવતાં હતાં. પીએસયૂ બેંક્સમાં એસબીઆઈ 2.6 ટકા સુધારો દર્શાવતી હતી. બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસઈ ખાતે 3435 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2657 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 684 નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. 70 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 20 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. એનએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ 2.16 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 2.38 ટકાની મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટીના ટોચના ચાર પર્ફોર્મર્સમાં એશિયન પેઈન્ટ્સ 6 ટકા ઉછાળા સાથે ટોચ પર હતો. હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે નોંધપાત્ર સમયગાળા બાદ 5 ટકાનો ઉછાળો દર્શાવ્યો હતો. બજાજ ફાઈનાન્સ પણ 5 ટકા સુધર્યો હતો. બીજી બાજુ શ્રી સિમેન્ટ, ઓએનજીસી, એનટીપીસી, ટાટા સ્ટીલ અને પાવર ગ્રીડ કોર્પોરેશન 3 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.

 

 

સોના સહિત ક્રૂડ અને બેઝ મેટલ્સમાં ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ

બુધવારે એમસીએક્સ ખાતે ટોચના ભાવથી નોંધપાત્ર ઘટાડો

ક્રૂડમાં 3 ટકાથી વધુનો ઘટાડો, સોનુ એક ટકો ગગડ્યું, એકમાત્ર ચાંદીમાં મજબૂતી

 

છેલ્લાં બે સપ્તાહથી નિરંતર તેજી દર્શાવ્યાં બાદ કોમોડિટીઝના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે સાંજે યુએસ તરફથી રશિયન ઓઈલ-ગેસ પર પ્રતિબંધના અહેવાલ પાછળ ઉછાળાનો આખરી રાઉન્ડ દર્શાવ્યા બાદ ક્રૂડ, ગોલ્ડ અને બેઝ મેટલ્સ સહિતની કોમોડિટીઝના ભાવમાં મોટુ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. જેની પાછળ ભાવ ટોચથી નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. તેમજ આગામી સત્રોમાં તે વધુ ઘટાડો દર્શાવે તેવી શક્યતાં છે.

વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ મંગળવારે રાતે બાદ ધીમો ઘસારો સૂચવી રહ્યાં છે. બુધવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો ઈન્ટ્રા-ડે 132 ડોલરની ટોચ પરથી ગગડી 124 ડોલર નીચે ટ્રેડ થયો હતો. 127.98 ડોલરના અગાઉના બંધ સામે તે 3 ટકાથી વધુ ઘટાડો સૂચવતો હતો. એમસીએક્સ ખાતે પણ ક્રૂડ વાયદો રૂ. 9761ની દિવસની ટોચ પરથી ગગડી રૂ. 9130 પર ટ્રેડ થયો હતો. મંગળવારે તે લગભગ રૂ. 10 હજારની સપાટીએ પહોંચી ગયો હતો. ગોલ્ડની વાત કરીએ તો વૈશ્વિક કોમેક્સ ખાતે ગોલ્ડ 2068 ડોલરની ટોચ દર્શાવી 2011 ડોલરનું બોટમ બનાવી સાંજે 2028 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું હતું. એમસીએક્સ ખાતે તે રૂ. 55190ની ઈન્ટ્રા-ડે ટોચ પરથી ગગડી રૂ. 53342ના સ્તરે ટ્રેડ થયું હતું. જે એક ટકાથી વધુનો ઘટાડો દર્શાવતું હતું. જોકે ચાંદી રૂ. 73 હજારની આંઠ મહિનાની ટોચ પર ટ્રેડ થયા બાદ 0.4 ટકા સુધારા સાથે રૂ. 71700ના સ્તરે પોઝીટીવ જોવા મળતી હતી. બેઝ મેટલ્સમાં ઝીંક 4 ટકા, નીકલ 3 ટકા અને કોપર 2 ટકા ઘટાડો સૂચવતાં હતાં. જ્યારે નેચરલ ગેસમાં 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. એનાલિસ્ટ્સના મતે ક્રૂડના ભાવ 120 ડોલર નીચે જશે તો 107 ડોલર સુધી ગગડી શકે છે. જોકે ગોલ્ડ-સિલ્વરમાં વધ-ઘટે સુધારો જોવા મળી શકે છે.

 

ઝાયડસની સેન્ટિનલ થેરાપ્યુટિક્સ અને બ્રિજબાયો ફાર્મા વચ્ચે એગ્રીમેન્ટ

અમદાવાદ સ્થિત ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડની સંપૂર્ણ માલીકીની પેટા કંપની અને યુએસ સ્થિત બાયોફાર્માસ્યુટિકલ કંપની સેન્ટિનલ થેરાપ્યુટિક્સ ઇન્ક કે જે અસાધ્ય બિમારીઓ ધરાવતા દર્દીઓ માટે ઇનોવેટિવ થેરાપી પ્રદાન કરવા ઉપર કેન્દ્રિત છે તથા જિનેટિક બિમારીઓ અને કેન્સર્સ ઉપર કેન્દ્રિત કમર્શિયલ-સ્ટેજ બાયોફાર્માસ્યુટિકલ કંપની બ્રિજબાયો ફાર્મા ઇન્કએ ઇન્જેક્શન માટે બ્રિજબાયોના ન્યુલીબ્રાયના વેચાણ માટે એસેટ પર્ચેઝ એગ્રીમેન્ટની જાહેરાત કરી છે.

RBIના ડોલર-રૂપી સેલ સ્વેપને જબરદસ્ત પ્રતિસાદ

બેંક રેગ્યુલેટર આરબીઆઈએ હાથ ધરેલા ડોલર-રૂપી સેલ-સ્વેપને ઊંચો પ્રતિસાદ સાંપડ્યો હતો. મધ્યસ્થ બેંકે નિર્ધારિત કરેલી 5 અબજ ડોલરની રકમ સામે ઓક્શનમાં કુલ 13.56 અબજ ડોલરના એટલેકે ત્રણ ગણા બીડ મળ્યાં હતાં. જેમાંથી બેંકે 5.135 અબજ ડોલર બીડનો સ્વીકાર કર્યો હતો. ડોલર-રૂપી સ્વેપને જબરદસ્ત પ્રતિસાદ પાછળ ડોલર સામે રૂપિયામાં છ સત્રોથી જોવા મળી રહેલો ઘટાડો અટક્યો હોવાનું વર્તુળો જણાવતાં હતાં. આરબીઆઈ માટે આ કવાયત હાથ ધરવાનો મુખ્ય હેતુ બજારમાંથી લિક્વિડીટીને ઓછી કરવાનો તેમજ સરકાર માટે ઊંચું ડિવિડન્ડ્સ ડિલીવર કરવાનો પણ હતો. જોકે રૂપિયામાં ઊંચી વધ-ઘટના સમયે ઓક્શન હાથ ધરવામાં આવ્યું હતું. રૂપિયામાં હજુ પણ કરેક્શનની શક્યતા જોવાઈ રહી છે.

ડોલર સામે રૂપિયામાં 44 પૈસાનો ઉછાળો

યુએસ ડોલર સામે બુધવારે રૂપિયામાં 44 પૈસાનો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. મંગળવારે 77ના ઐતિહાસિક તળિયા પર બંધ રહેલો રૂપિયો 76.90ના સ્તરે પોઝીટીવ ઓપનીંગ બાદ સુધરતો જોવા મળ્યો હતો. ઈન્ટ્રા-ડે તેણે 76.55ની ટોચ દર્શાવી હતી અને આખરે તેની નજીક 76.56ના સ્તરે બંધ આપ્યું હતું. યુક્રેન-રશિયા વચ્ચે તંગદિલી હળવી થવાના સંકેતો પાછળ ક્રૂડના ભાવ ટોચના સ્તરેથી ઘટતાં સેન્ટિમેન્ટ સુધર્યું હતું. જોકે રૂપિયો ટેકનિકલી નબળાઈ સૂચવે છે એમ એનાલિસ્ટસનું કહેવું છે. તેમના મતે રૂપિયો 76.40-76.90ની રેંજમાં કોન્સોલિડેટ થતો જોવા મળી શકે છે. આ રેંજ તોડશે તો નીચામાં તે 77.60નું સ્તર દર્શાવી શકે છે.

 

વોલેટિલિટી વચ્ચે ફેબ્રુઆરીમાં MF સ્કીમ્સમાં રૂ. 20 હજાર કરોડનો ઈનફ્લો નોંધાયો

જાન્યુઆરીમાં રૂ. 14888 કરોડના ઈનફ્લો સામે ઊંચો ફ્લો જોવા મળ્યો

સિપ રોકાણકારો તરફથી રૂ. 11 હજાર કરોડનો ફ્લો જળવાયો

 

રશિયા-યૂક્રેન તંગદિલી પાછળ બે વર્ષોમાં સૌથી ઊંચી વોલેટિલિટી દર્શાવનાર ફેબ્રુઆરી 2022માં રોકાણકારો તરફથી ઈક્વિટી મ્યુચ્યલ ફંડ સ્કીમ્સમાં રૂ. 19705 કરોડનો ચોખ્ખો ઈનફ્લો જોવા મળ્યો હતો. માર્ચ 2021 બાદ ફેબ્રુઆરીમાં સતત 12માં મહિને નેટ ઈનફ્લો નોંધાયો હતો. ઊંચી વોલેટિલિટી વચ્ચે બજારમાં હજુ સુધી કોઈ ગભરાટ નહિ જોવા મળ્યો હોવાથી રિટેલ ઈન્વેસ્ટર્સે બજારમાં નવુ નાણા રોકાણ ચાલુ રાખ્યું હતું એમ માર્કેટ વર્તુળો જણાવતાં હતાં.

જાન્યુઆરી 2022માં ઈક્વિટી મ્યુચ્યુલ ફંડ સ્કિમ્સમાં રૂ. 14888નો ઈનફ્લો જોવા મળ્યો હતો. આમ ફેબ્રુઆરીમાં માર્કેટમાં ઊંચી વધ-ઘટ વચ્ચે ફ્લો વધ્યો હતો. ડિસેમ્બર 2021માં ઈક્વિટી એમએફ્સમાં રૂ. 25077 કરોડનો ઈનફ્લો નોંધાયો હતો એમ એમ્ફીનો ડેટા સૂચવે છે. માર્ચ 2021માં માર્કેટના સેન્ટિમેન્ટમાં આવેલા સુધારા બાદ સતત પોઝીટીવ ઈનફ્લો જોવા મળ્યો છે. ફેબ્રુઆરી 2022 સુધીના 12 મહિનાઓમાં કુલ રૂ. 1.45 લાખ કરોડનો ઈનફ્લો નોંધાયો હોવાનું એમ્ફી ડેટા સૂચવે છે. આ અગાઉના આઁઠ મહિનાઓમાં ઈક્વિટી ફંડ્સમાંથી ચોખ્ખો આઉટફ્લો જોવા મળ્યો હતો. જેમાં જુલાઈ 2020થી ફેબ્રુઆરી 2021 સુધીમાં રોકાણકારોએ રૂ. 46791 કરોડ પરત ખેંચ્યાં હતાં. ફંડ મેનેજર્સના મતે વર્તમાન ઈન્ટરેસ્ટ રેટ વૃદ્ધિના તથા જીઓપોલિટીકલ કટોકટીના સમયગાળામાં ચોખ્ખો ઈનફ્લો એ ખૂબ જ પ્રોસ્તાહક બાબત છે. જોકે યૂક્રેન સાથે યુધ્ધ લંબાઈ જતાં માર્ચ મહિના દરમિયાન ઈક્વિટી ફંડ ફ્લોમાં ઘટાડાની શક્યતાં તેઓ જોઈ રહ્યાં છે. જોકે એલઆઈસી આઈપીઓને આગામી નાણાકિય વર્ષ પર મોકૂફ રાખવામાં આવતાં માર્ચમાં રિડમ્પ્શન્સ મર્યાદિત રહેશે એમ તેઓ જણાવે છે.

અગ્રણી ફંડ એનાલિસ્ટના જણાવ્યા મુજબ વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી નોંધપાત્ર આઉટફ્લો છતાં સ્થાનિક રોકાણકારોએ માર્કેટ કરેક્શનનો ઉપયોગ ભારતીય શેરબજારમાં નવા નાણાના રોકાણ માટે કર્યો છે. રોકાણકારોમાં રોકાણની પ્રક્રિયા અંગે વધેલી જાગૃતિ આમ થવા પાછળનું મહત્વનું કારણ છે એમ તેઓ ઉમેરે છે. અગાઉ આ પ્રકારની કટોકટીના સમયે રિટેલ ઈન્વેસ્ટર્સ તરફથી રિડમ્પ્શનનું દબાણ જોવા મળતું હતું. જોકે આ વખતે જે રોકાણકારો ઊંચા ભાવે પ્રોફિટ બુકિંગ બાદ હાથ પર કેશ જાળવીને બેઠા હતાં, તેઓ તરફથી નીચા મથાળે ખરીદી થઈ રહી હોવાનું વર્તુળો જણાવે છે. ભારતીય બજારે છેલ્લા બે ક્વાર્ટરથી કોઈ રિટર્ન દર્શાવ્યું નથી. ઓક્ટોબર 2021માં ટોચ દર્શાવ્યા બાદ બજાર બે બાજુ વધ-ઘટ વચ્ચે ઘસાતું રહ્યું છે. આ સ્થિતિમાં પણ રિટેલ રોકાણકારોનો રસ જળવાય રહ્યો છે તે સૂચવે છે કે સ્થાનિક ઈક્વિટીઝ માટે એપેટાઈટ વધી રહ્યો છે.

ફેબ્રુઆરી મહિનાના અંતે સમગ્ર મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગે રૂ. 31533 કરોડનો નેટ ઈનફ્લો નોંધાવ્યો હતો. જે અગાઉના મહિને રૂ. 35252 કરોડ પર હતો. જેમાં સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રૂ. 11 હજાર કરોડના ફ્લોનો સમાવેશ થાય છે. ફેબ્રુઆરીની આખરમાં કુલ એયૂએમ રૂ. 37.56 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જે જાન્યુઆરીની આખરમાં રૂ. 38.01 લાખ કરોડ પર હતું. ઈક્વિટી સેગમેન્ટમાં ફ્લેક્સિ-કેપ ફંડ કેટેગરીમાં રૂ. 3873 કરોડનો સૌથી ઊંચો ફંડ ફ્લો જોવા મળ્યો હતો. જ્યારે થિમેટીક ફંડ્સમાં રૂ. 3441 કરોડનો ફ્લો નોંધાયો હતો.

સેબીએ LICના મેગા આઈપીઓ માટે આપેલી મંજૂરી

જોકે વીમા જાયન્ટ ચાલુ માર્ચમાં આઈપીઓ લઈને બજારમાં પ્રવેશશે કે નહિ તે અનિશ્ચિત

 

રશિયા-યૂક્રેન લડાઈ વચ્ચે સેકન્ડરી માર્કેટમાં જોવા મળેલા ઊંચા કરેક્શનને કારણે લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ચાલુ માર્ચ મહિનામાં મેગા આઈપીઓ સાથે બજારમાં પ્રવેશશે કે કેમ તેને લઈને અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે ત્યારે માર્કેટ રેગ્યુલેટરે કંપનીએ રજૂ કરેલા ડીઆરએચપીને મંજૂરી આપી દીધી છે. એલઆઈસી રૂ. 65 હજાર કરોડ અથવા તો 8 અબજ ડોલર આસપાસનો આઈપીઓ લાવવા માટે બજારમાં પ્રવેશવા મહિનાઓથી તૈયારી કરી રહી હતી. સરકારે નાણા વર્ષ 2021-22માં નક્કી કરેલા રૂ. 2 લાખ કરોડના ટાર્ગેટમાં મોટો હિસ્સો એલઆઈસીના શેર્સ વેચાણમાંથી ઊભો થવાનો હતો.

સેબીએ આપેલી આઈપીઓની મંજૂરીની યોગ્યતા 12 મહિનાઓ સુધી રહેતી હોય છે. જે દરમિયાનમાં કંપનીએ આઈપીઓ સાથે પ્રવેશવાનું રહેશે. આમ શેરબજારની વર્તમાન સ્થિતિને જોતાં સરકાર ચાલુ નાણાકિય વર્ષના આખરી મહિનામાં આઈપીઓ નહિ લાવવાનો નિર્ણય લે તો પણ તેની પાસે નવા વર્ષે બીજા 11 મહિનાની અવધિ રહેશે. જે દરમિયાન તે બજારમાં પ્રવેશી શકે છે. જોકે બેંકર વર્તુળોના મતે માર્કેટની સ્થિતિ સુધરશે તો સરકાર એપ્રિલ 2022માં પણ આઈપીઓ સાથે પ્રવેશી શકે છે. કેમકે હાલમાં પાછળથી ઘણી બધી તૈયારી નવેસરથી કરવાની બની શકે છે. અગાઉ 11 માર્ચે એલઆઈસી આઈપીઓ સાથે પ્રવેશે તેવી વાત હતી. જોકે હજુ સુધી સરકારે એલઆઈસીના આઈપીઓને લઈને કોઈ સત્તાવાર ટિપ્પણી નથી કરી.

ભારતીય બેન્ચમાર્ક્સ ચાલુ કેલેન્ડરમાં 9 ટકા જેટલો ઘટાડો દર્શાવી ચૂક્યો છે. જ્યારે ફેબ્રુઆરીમાં તેમણે સતત નરમાઈ સૂચવી હતી. વિદેશી સંસ્થાઓ પણ સતત વેચવાલી દર્શાવી રહી છે. ઉપરાંત વર્ષનો આખરી મહિનો હોવાથી નાણાભીડ જેવી સમસ્યા પણ સામાન્ય છે. આ સ્થિતિમાં બેંકર્સ સરકારને આઈપીઓ પાછો ઠેલવાની સલાહ આપી રહ્યાં છે.

 

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage