Market Summary 9 Nov 2020

માર્કેટ સમરી

  • નિફ્ટી 12461ની ઓલ-ટાઈમ ટોચ પર બંધ રહેવામાં સફળ
  • ભારતીય બેન્ચમાર્ક નિફ્ટી સોમવારે તેનું સર્વોચ્ચ બંધ આપવામાં સફળ રહ્યો હતો.
  • માત્ર 200 ટ્રેડિંગ સત્રોમાં નવી ટોચ સાથે નિફ્ટીની સૌથી ઝડપી રિકવરી
  • માર્ચ આખરમાં દર્શાવેલા 7510ના સ્તરેથી બેન્ચમાર્ક 4951 પોઈન્ટ્સ અથવા 65 ટકાથી વધુ ઉછળ્યો
  • 20 જાન્યુઆરીની ટોચથી 9 નવેમ્બર સુધીમાં બજારે 9841 પોઈન્ટ્સની જંગી વધ-ઘટ નોંધાવી
  • બેન્ચમાર્કે અગાઉ એક ટોચથી 30 ટકાથી વધુના ઘટાડા બાદ આટલી ઝડપી રિકવરી અગાઉ ક્યારેય નથી દર્શાવી
  • 2020ના પ્રથમ ત્રણ મહિનામાં નેગેટિવ ટ્રેન્ડ બાદ બાકીના તમામ મહિનાઓમાં બજારે પોઝીટીવ ટ્રેન્ડ દર્શાવ્યો

 

શેરમાર્કેટ ઈન્વેસ્ટર્સ માટે સોમવારે દિવાળીનું આગમન એક સપ્તાહ પહેલું જોવા મળ્યું હતું. નિફ્ટીએ તેની 20 જાન્યુઆરીએ વર્ષની શરૂમાં દર્શાવેલી ઈન્ટ્રા-ડે ટોચ 12430ને પાર કરવા સાથે તેના પર બંધ આપવામાં પણ સફળતા મેળવી હતી. આશ્ચર્યની વાત એ છે કે નિફ્ટીએ 20 જાન્યુઆરીએ દર્શાવેલી ટોચથી 39 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવ્યાં બાદ તેને પુનઃ હાંસલ કરવામાં માત્ર 200 ટ્રેડિંગ સત્રો લીધાં છે. જે બેન્ચમાર્કના ઈતિહાસમાં સૌથી ઓછો રિકવરી ટાઈમ છે. સોમવારે નિફ્ટી 198 પોઈન્ટ્સ ઉછળી 12461ના સ્તરે બંધ રહ્યો હતો. જે તેનું સર્વોચ્ચ બંધ લેવલ છે. યુએસ પ્રમુખ તરીકે બાઈડેન નિશ્ચિત બનતાં ડોલરમાં નરમાઈ પાછળ અન્ય એસેટ ક્લાસિસમાં તેજીની આગેકૂચ જારી રહી છે.

નિફ્ટી 20 જાન્યુઆરીના 12430ના સ્તરેથી 39 ટકા અથવા 4870 પોઈન્ટ્સ તૂટીને 23 માર્ચે 7510ના સ્તરે જોવા મળ્યો હતો. જ્યાંથી તે 65 ટકા અથવા 4951 પોઈન્ટ્સ સુધરીને 12461 પર બંધ આવ્યો છે. આ 200 ટ્રેડિંગ સત્રોમાં તેણે બંધ ભાવ ધોરણે 9841 પોઈન્ટ્સની મોટી વધ-ઘટ દર્શાવી છે. જે નિફ્ટીએ અંતિમ 25 વર્ષમાં દર્શાવલી સૌથી ઝડપી રિકવરી છે. એનાલિસ્ટ્સના મતે ભારતીય બેન્ચમાર્કે કેલેન્ડરના પ્રથમ ત્રણ મહિના દરમિયાન નેગેટિવ ટ્રેન્ડ દર્શાવ્યો હતો. જોકે ત્યારબાદ સપ્ટેમ્બરમાં સાધારણ ઘટાડાને બાદ કરતાં તમામ મહિનાઓમાં પોઝીટીવ ટ્રેન્ડ જાળવ્યો છે અને ઉત્તરોત્તર નવી ટોચ દર્શાવી છે. ઓક્ટોબરમાં 6 ટકા પોઝીટીવ રિટર્ન બાદ નવેમ્બરમાં અત્યાર સુધીમાં બજાર વધુ 5 ટકા જેટલું ઉછળ્યું છે. નવી ટોચ પર બંધ રહ્યાં બાદ નિફ્ટીમાં હવે 12700નો ટાર્ગેટ જોવાઈ રહ્યો છે. આ સ્તર નિફ્ટીએ અગાઉ ઓગસ્ટ 2018 અને મે 2019માં દર્શાવેલી ટોચને જોડતી રાઈઝીંગ ટ્રેન્ડલાઈન પર આવેલું છે અને તે બેન્ચમાર્ક માટે અવરોધ બની શકે છે. અલબત્ત, સોમવારના બંધથી તે લગભગ 240 પોઈન્ટ્સ દૂર છે. આમ આગામી એક-બે ટ્રેડિંગ સત્રોમાં નિફ્ટી વધુ સુધારો નોંધાવી શકે છે.

માર્કેટમાં બેન્ચમાર્કથી પણ વધુ મોમેન્ટમ બેંક નિફ્ટીમાં જોવા મળી રહ્યું છે. લાંબા સમયથી અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યા બાદ બેંક ઈન્ડેક્સ અંતિમ બે મહિનાથી ચઢિયાતો દેખાવ દર્શાવી રહ્યો છે. સોમવારે તે 2.74 ટકા અથવા 735 પોઈન્ટ્સ સુધરી 27534ના સ્તરે બંધ રહ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે હવે તેનું ટાર્ગેટ 27800-28000નું છે. જે પાર થતાં 29000 સુધીના સ્તર જોવા મળી શકે છે. બેંક નિફ્ટીએ 32000ની ટોચ દર્શાવી હતી. જ્યાંથી તે તૂટીને 16000 પર પટકાયો હતો. માર્કેટની તેજીની આગેવાની હાલમાં બેંક શેર્સે લીધી છે. તેઓ બેન્ચમાર્કમાં સૌથી વધુ વેઈટેજ ધરાવે છે. સોમવારે બેંક બાદ આઈટીએ બજારને સૌથી વધુ સપોર્ટ પૂરો પાડ્યો હતો. નિફ્ટી આઈટી 1.53 ટકા અથવા 328 પોઈન્ટ્સ ઉછળીને 21820ના સ્તરે બંધ રહ્યો હતો.

કોટક, એચડીએફસી બેંકના શેર્સ તેમની સર્વોચ્ચ સપાટીએ

અગ્રણી ખાનગી ક્ષેત્રની બેંકિંગ કંપનીઓના શેર્સ સોમવારે તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયા હતાં. જેમાં કોટક બેંકનો શેર રૂ. 1751ની ઐતિહાસિક ટોચ પર જોવા મળ્યો હતો. જે સ્તરે કંપનીનું રૂ. 3.45 લાખ કરોડનું માર્કેટ-કેપ દર્શાવી રહી હતી. જે બેંકિંગ ક્ષેત્રે એચડીએફસી બેંક બાદ બીજા ક્રમનું માર્કેટ-કેપ છે. એચડીએફસી બેંકનો શેર પણ 3 ટકા ઉછળી રૂ. 1346ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેચ થયો હતો અને રૂ. 7.40 લાખ કરોડના માર્કેટ-કેપ પર જોવા મળ્યો હતો. બંને બેંકિંગ શેર્સ તેમના માર્ચ મહિનાના તળિયાથી 90 ટકા સુધીનું રિટર્ન દર્શાવી રહ્યાં છે. સોમવારે બજારને સપોર્ટ પૂરો પાડવામાં ખાનગી બેંકિંગ શેર્સ અગ્રણી હતાં. જેમાં આઈસીઆઈસીઆઈ અને ઈન્ડસઈન્ડ બેંક અગ્રણી હતાં. બંને બેકિંગ શેર્સ 4 ટકાથી વધુની વૃદ્ધિ દર્શાવી રહ્યાં હતાં.

સારા પરિણામો પાછળ ડિવિઝ લેબનો શેર 7 ટકા ઉછળ્યો

ફાર્મા ક્ષેત્રની અગ્રણી કંપની ડિવિઝ લેબોરેટરીનો શેર સોમવારે 7 ટકાથી વધુના ઉછાળે રૂ. 3462ની તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. ગયા સપ્તાહે જાહેર કરેલા બીજા ક્વાર્ટરના પરિણામોમાં કંપનીએ ચોખ્ખા નફામાં 45 ટકાથી વધુની વૃદ્ધિ દર્શાવી હતી. જે માર્કેટની અપેક્ષા કરતાં ખૂબ સારો દેખાવ હતો. એપીઆઈ ક્ષેત્રે કંપની પોતાની ક્ષમતા વધારી રહી છે. આમ કંપનીના પરિણામ ભવિષ્યમાં પણ સારા જોવા મળી શકે છે એવી આશાએ શેરમાં ખરીદી નીકળી હતી. કંપનીએ રૂ. 90 હજાર કરોડનું માર્કેટ-કેપ નોંધાવ્યું હતું. જે સન ફાર્મા બાદ બીજા ક્રમે આવે છે.

બુલિયન સહિત ક્રૂડ-બેઝ મેટલ્સમાં મજબૂતી જોવા મળી

યુએસ પ્રમુખ તરીકે જો બાઈડેન નક્કી થતાં સોમવારે પણ સોનું-ચાંદી મજબૂતી દર્શાવતાં હતાં. એમસીએક્સ ખાતે સોનું અડધો ટકા સુધરી રૂ. 52430 પર ટ્રેડ થતું હતું. જ્યારે સિલ્વર નવેમ્બર કોન્ટ્રેક્ટ 1.43 ટકા વૃદ્ધિ સાથે રૂ. 66270ની અંતિમ બે સપ્તાહની ટોચ પર ટ્રેડ થતો હતો. કોવિડના બીજા રાઉન્ડ વચ્ચે સેન્ટિમેન્ટમાં સુધારા પાછળ ક્રૂડ પણ 2 ટકાથી વધુનો સુધારો દર્શાવતું હતું અને નવેમ્બર ક્રૂડ વાયદો રૂ. 2824 પર ટ્રેડ થતો હતો. નિકલ 2.8 ટકા સાથે સૌથી વધુ સુધારો દર્શાવી રહ્યો હતું. ઉપરાંત લેડ, કોપર અને એલ્યુમિનિયમમાં પણ મજબૂતી જોવા મળી હતી.

 

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage