બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
બજારમાં અન્ડરટોન મજબૂત
વૈશ્વિક બજારોમાં નરમાઈ છતાં ભારતીય બજાર થોડું પણ નમતું જોખવા માટે તૈયાર નથી. સતત ત્રીજા દિવસે ઈન્ટ્રા-ડે વધ-ઘટ બાદ બજાર સાધારણ સુધારા સાથે ફ્લેટ બંધ રહ્યું હતું. નિફ્ટી 16 પોઈન્ટ્સ સુધરી 17369ના સ્તરે બંધ રહ્યો હતો. માર્કેટમાં બ્રેડ્થ મજબૂત હતી. એફએમસીજી સેક્ટર તરફથી સારો સપોર્ટ સાંપડ્યો હતો. બેંકિંગ સાધારણ નરમાઈ દર્શાવી રહ્યું હતું. ઓટો, આઈટી અને મેટલ્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે ફાર્મા નરમ બંધ દર્શાવતું હતું.
રિલાયન્સ ઈન્ફ્રા રૂ. 4600 કરોડનો આર્બિટ્રેશન કેસ જીતી ગઈ
અનિલ અંબાણી જૂથની રિલાયન્સ ઈન્ફ્રાક્ટ્રક્ચરે ગુરુવારે દિલ્હી મેટ્રો સામેના આર્બિટ્રેશન કેસમાં જીત મેળવી હતી. જે હેઠળ કંપનીને રૂ. 4660 કરોડની વ્યાજ સહિતની રકમ મળવાપાત્ર રહેશે. આ અહેવાલ બાદ કંપનીનો શેર બીએસઈ ખાતે 5 ટકાની અપર સર્કિટમાં રૂ. 72.40ના સ્તરે બંધ રહ્યો હતો. જૂથ કંપની આરપાવરનો શેર પણ 5 ટકા અપર સર્કિટ સાથે બંધ જોવા મળ્યો હતો. સુપ્રીમ કોર્ટના બે જજની પેનલે અનિલ અંબાણીની કંપનીની તરફેણમાં આવેલો ચાર વર્ષ જૂનો 2017નો આર્બિટ્રેશન એવોર્ડ માન્ય રાખ્યો હતો. કંપનીએ કોર્ટને જણાવ્યું હતું કે લેન્ડર્સને નાણા ચૂકવવા માટે તેના માટે આર્બિટ્રેશનના નાણા મહત્વના છે. કેસની સુનાવણી વખતે કંપનીના વકિલોએ જણાવ્યું હતું કે કંપની આ નાણાનો ઉપયોગ ધિરાણદારોને ચૂકવણી માટે કરશે. રિલાયન્સ ઈન્ફ્રાએ દેશની પ્રથમ પ્રાઈવેટ સિટી રેઈલ પ્રોજેક્ટના 2038 સુધી રનીંગ માટે 2008માં દિલ્હી મેટ્રો સાથે કરાર કર્યોહતો. જોકે 2012માં ફી અને ઓપરેશન્સને લઈને વિવાદ બાદ અનિલ અંબાણીની કંપનીએ દિલ્હી એરપોર્ટના મેટ્રો પ્રોજેક્ટનું ઓપરેટિંગ બંધ કર્યું હતું અને દિલ્હી મેટ્રો સામે આર્બિટ્રેશન કેસ દાખલ કર્યો હતો. જેમાં તેણે ટર્મિનેશન ફીની માગણી પણ કરી હતી.
કોટક બેંકે હોમ લોન રેટ ઘટાડી 6.5 ટકા કર્યો
ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંકે 10 સપ્ટેમ્બરથી અમલમાં આવે તે રીતે તેના હોમ લોન રેટને 15 બેસીસ પોઈન્ટ્સ ઘટાડી 6.5 ટકા કર્યો છે. જ્યારબાદ બેંક દેશમાં સસ્તાં હોમ લોન રેટ્સ ઓફર કરતી બેંક્સમાંની એક બની છે. લગભગ 16 જેટલી બેંક્સ અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ રૂ. 75 લાખ સુધીની હોમ લોન્સ સાત ટકાથી નીચા દરે ઓફર કરી રહી છે. જેમાં ખાનગી ક્ષેત્રે કોટક મહિન્દ્રા અને સરકારી ક્ષેત્રે પંજાબ એન્ડ સિંધ બેંક સૌથી નીચા દરોએ હોમ લોન ઓફર કરે છે. કેટલીક અગ્રણી બેંક્સ 6.95 ટકાના દરે રિટેલ હાઉસિંગ લોન્સ ઓફર કરી રહી છે.
બાઈજુસ આઈપીઓ અગાઉ 60 કરોડ ડોલર સુધીની રકમ ઊભી કરશે
દેશમાં સૌથી ઊંચું મૂલ્ય ધરાવતાં સ્ટાર્ટ-અપ બાઈજુસ આગામી વર્ષે સંભવિત આઈપીઓ અગાઉ 40-60 કરોડ ડોલરનું ફંડ ઊભું કરવા માટે મંત્રણા ચલાવી રહ્યાં હોવાનું જાણવા મળે છે. જાણકારોના મતે બેંગલોર મુખ્યાલય ધરાવતી કંપની આઈપીઓ અગાઉનું ફંડિંગ 21 અબજ ડોલરના વેલ્યુએશન પર મેળવે તેવી શક્યતા છે. કંપની ડેટ અને ઈક્વિટી, બંને મારફતે ફંડ્સ ઊભું કરશે એમ પણ વર્તુળો જણાવે છે. કંપની આગામી વર્ષે બીજા ક્વાર્ટરમાં આઈપીઓ માટે ફાઈલીંગ માટે વિચારી રહી છે. સ્ટાર્ટ-અપ અને તેના બેંકર્સ 40-50 અબજ ડોલરના વેલ્યૂએશન માટે ચર્ચા-વિચારણા કરી રહ્યાં છે. જોકે તેનો આધાર કંપનીના પરિણામો તથા રોકાણકારો તરફથી માગ પર રહેલો છે.
રૂપિયામાં ઊંચી વધ-ઘટ બાદ 11 પૈસાનો સુધારો
ગુરુવારે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે 11 પૈસા સુધારા સાથે બંધ રહ્યો હતો. જોકે દિવસ દરમિયાન તેણે બે બાજુની વધ-ઘટ દર્શાવી હતી. રૂપિયો 73.60ના અગાઉના બંધ સામે 73.79ના સ્તરે ગેપ-ડાઉન ઓપનીંગ બાદ વધુ ગગડી 73.87ના સ્તર પર જોવા મળ્યો હતો. જ્યાંથી તીવ્ર સુધારા સાથે 73.49ના સ્તર પર ટ્રેડ થયો હતો અને 73.50ની સપાટી પર બંધ જોવા મળ્યો હતો. ઓગસ્ટ આખરમાં 74.10ના સ્તરને કૂદાવ્યાં બાદ રૂપિયામાં ઝડપી સુધારો જોવા મળ્યો હતો. જોકે છેલ્લા ત્રણેક દિવસોથી તે નરમાઈ દર્શાવતો હતો. એનાલિસ્ટ્સના મતે રૂપિયાને 74.10નો મહત્વનો સપોર્ટ છે. જો તે 73નું સ્તર કૂદાવશે તો 72.50 તરફ ગતિ દર્શાવી શકે છે.
વૈશ્વિક શેરબજારોમાં નરમાઈ વચ્ચે સ્થાનિક બજાર ત્રીજા દિવસે પણ મક્કમ
માર્કેટ નિરીક્ષકોના મતે ભારતીય બજાર કોન્સોલિડેશન બાદ ફરી સુધારાતરફી બની રહેશે
રિટેલ ઉપરાંત સંસ્થાઓ તરફથી પણ લિક્વિડીટીને કારણે બજારમાં ઊંચા સ્તરે પણ વેચવાલીનો અભાવ
ભારતીય શેરબજાર અજોડ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રોમાં વૈશ્વિક બજારોમાં સમગ્રતયા નરમાઈ વચ્ચે ભારતીય બજારે કોઈ મચક આપી નથી અને તે ઈન્ટ્રા-ડે વધ-ઘટ દર્શાવી ફ્લેટ બંધ જોવા મળ્યું છે. ગુરુવારે એશિયન બજારોમાં 2 ટકાથી વધુના ઘટાડાને પણ ભારતીય બજારે તદ્દન અવગણ્યો હતો અને પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું.
આનાથી પણ મહત્વની બાબત ત્રણ દિવસનું લાંબું વિકેન્ડ હોવા છતાં ટ્રેડર્સે તેમની લોંગ પોઝીશન ઊભી રાખી હતી. મોટાભાગના બજાર વર્ગ માની રહ્યો હતો કે શુક્રવારે ગણેશ ચતુર્થીની રજા સાથે કુલ ત્રણ દિવસની રજાને જોતાં ટ્રેડર્સ કેટલીક લોંગ પોઝીશન હળવી કરશે અને તેથી બપોર બાદ બજાર પર દબાણ જોવા મળશે. જોકે તેનાથી ઊલટું બપોર બાદ માર્કેટ રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં આવ્યું હતું અને આખરે સાધારણ પોઝીટીવ બંધ રહ્યું હતું. માર્કેટમાં મંદીવાળાઓ ફાવી નહિ રહ્યાં હોવાનું સૌથી મોટું કારણ બજારના દરેક વર્ગો તરફથી જોવા મળતી લિક્વિડીટી છે. બીજી બાજુ એકપણ વર્ગ ઊંચા ભાવે પણ પોઝીશન છોડવા તૈયાર નથી. જેને કારણે બજાર ટેકનિકલી ઓવરબોટ હોવા છતાં તે કોઈ દબાણ અનુભવી રહ્યું નથી. માર્કેટ નિરીક્ષકોના મતે એકપણ ટ્રેન્ડ સ્ટ્રેન્થ ઈન્ડિકેટર્સ હજુ નરમાઈ નથી દર્શાવી રહ્યાં. જે સૂચવે છે કે માર્કેટ એક કોન્સોલિડેશન બાદ ફરી સુધારાતરફી ચાલ જાળવી રાખશે. ટેકનિકલ એનાલિસ્ટ્સ 17425ના સ્તરે નિફ્ટીને અવરોધ હોવાનું જણાવે છે. આ સ્તર તાજેતરની ટોપ્સને જોડતી રેખા પણ આવે છે. જોકે આગામી સપ્તાહે આ સ્તર પાર થઈ જાય તેવું તેઓ માને છે. ગુરુવારે બજારમાં મજબૂતી જોતાં મોટાભાગના બ્રોકરેજિસે તેમના ગ્રાહકોને ઓવરનાઈટ પોઝીશનમાં નિફ્ટી ફ્યુચર્સ ખરીદવાના કોલ્સ આપ્યાં હતાં. જેના ટાર્ગેટ્સ 17600 કે તેનાથી ઉપરના રાખ્યાં હતાં. એટલેકે આગામી સપ્તાહે માર્કેટ 17400 અને 17500ના સ્તરો કૂદાવે તેવું બજાર માની રહ્યું છે.
છેલ્લાં ત્રણ સત્રોથી વૈશ્વિક બજારોમાં નરમાઈ બાદ તેઓ શુક્રવારે બાઉન્સ દર્શાવે તેવી શક્યતા છે. ગુરુવારે યુરોપિય બજારો તો તેમના દિવસના તળિયાથી સુધરી ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. ડાઉ ફ્યુચર્સ 6 પોઈન્ટ્સનો સાધારણ ઘટાડો સૂચવતો હતો. આમ યુએસ માર્કેટ પણ ફ્લેટ અથવા સુધારાતરફી રહી શકે છે. એશિયન બજારોમાં હોંગ કોંગ 2.3 ટકાથી વધુ ગગડ્યું હતું. જ્યારે કોરિયન બજાર 1.5 ટકાનો ઘટાડો દર્શાવતું હતું. ચાલુ સપ્તાહે કોરિયા અને તાઈવાન બજારો લગભગ નરમ જોવા મળ્યાં છે અને તેથી તેઓ બાઉન્સ દર્શાવે તેવી શક્યતા ઊંચી છે. બીજી બાજુ ગુરુવારે મહત્વના એશિયન બજારોમાં ચીનનું એકમાત્ર બજાર 0.49 ટકા સુધારા સાથે બંધ રહ્યું હતું અને તે વાર્ષિક ટોચથી માત્ર 30 પોઈન્ટસ છેટે બંધ જોવા મળ્યું હતું. ચાલુ સપ્તાહે ચીન બજારે નોંધપાત્ર સુધારો દર્શાવ્યો છે. સામાન્યરીતે ચીનના બજાર અને વૈશ્વિક બજારો વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળતો હોય છે. જોકે આ વખતે આમ નથી બન્યું. એનાલિસ્ટ્સના મતે ચીનું બજાર નવી રેંજમાં જાય છે તો એવું બને કે વૈશ્વિક બજારો કોન્સોલિડેશનમાં જોવા મળે. જોકે છેલ્લા ચાર વર્ષોમાં ચીનનું બજાર નવી ટોચ બનાવી વી શેરમાં પટકાયું છે અને તેથી ત્યાં સેક્યુલર બુલ રનને લઈને શંકા જોવા મળે છે. બીજી બાજુ ભારતીય બજાર સ્ટ્રક્ચરલી મજબૂતી દર્શાવી રહ્યું છે. લિક્વિડીટીનો સપોર્ટ અને બીજા ક્વાર્ટર માટે મજબૂત પરિણામોની અપેક્ષાને જોતાં તે આગેકૂચ જાળવી રાખે તેવી ઊંચી શક્યતા છે.
Market Summary 9 Sep 2021
September 09, 2021