Market Summary 9 September 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


ઊંચા મથાળે દબાણ વચ્ચે બજાર પોઝીટીવ બંધ આપવામાં સફળ
આઈટીએ સપોર્ટ આપતાં બેન્ચમાર્ક્સ પોઝીટીવ ટેરિટરીમાં ટકી રહ્યાં
બેંકિંગ શેર્સમાં થાક ખાઈ રહેલી તેજી
ફાઈનાન્સિયલ સર્વિસિસ શેર્સમાં વ્યાપક વેચવાલી
એનર્જી, રિઅલ્ટી અને મિડિયામાં નરમાઈ
સિમેન્ટ શેર્સમાં ઊંચા મથાળે વેચવાલી
વોલેટિલિટી ઈન્ડેક્સ 3.3 ટકા ગગડી 17.71ની સપાટીએ
રિલાયન્સ પાવરમાં 10 ટકાની નીચલી સર્કિટ
વૈશ્વિક બજારોમાં જોવા મળેલો નોંધપાત્ર બાઉન્સ

ગુરુવારે બ્રેકઆઉટ દર્શાવ્યાં બાદ સપ્તાહના આખરી સત્રમાં ભારતીય બજારે ગેપ-અપ શરૂઆત દર્શાવી હતી. વૈશ્વિક બજારોમાં પણ તાજેતરના તળિયાથી નોંધપાત્ર બાઉન્સને કારણે બજારને સપોર્ટ સાંપડ્યો હતો. જોકે મજબૂતી સાથે ખૂલ્યાં બાદ બજારમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગનું દબાણ જોવા મળ્યું હતું અને તેથી બજાર બે સપ્તાહ અગાઉની ટોચને પાર કરી શક્યું નહોતું. જોકે તે ગ્રીન બંધ આપવામાં સફળ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 105 પોઈન્ટ્સ સુધરી 59793ની સપાટીએ અને નિફ્ટી 35 પોઈન્ટ્સના સુધારે 17833ની સપાટી પર બંધ રહ્યાં હતાં. જોકે લાર્જ-કેપ્સમાં બ્રેડ્થ ન્યૂટ્લ જોવા મળી હતી. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 26 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 24 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ પ્રોફિટ બુકિંગ પાછળ બ્રેડ્થ નેગેટિવ બની હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ 3.3 ટકા ગગડી 17.71ની છેલ્લાં બે સપ્તાહથી વધુના તળિયા પર જોવા મળ્યો હતો.
ભારતીય બજાર માટે સપ્તાહ પોઝીટીવ બની રહ્યું હતું. જોકે આખરી સત્રની મુવમેન્ટ સૂચવે છે કે વર્તામન સ્તરે બજારમાં સાવચેતી જાળવવાની વિશેષ જરૂર છે. કેમકે હાલમાં વેલ્યૂએશન્સની રીતે સ્થાનિક બજાર ફરીથી મોંઘું જણાય રહ્યું છે. શુક્રવારે આઈટી કાઉન્ટર્સને બાદ કરતાં મોટાભાગના લાર્જ-કેપ્સ તેમની દિવસની ટોચ પરથી સતત ઘસાતાં રહ્યાં હતાં અને તળિયા નજીક જ બંધ જોવા મળ્યાં હતાં. જેમાં એફએમસીજી અને મેટલ કાઉન્ટર્સ મુખ્ય હતાં. જો આઈટી કાઉન્ટર્સ બપોર બાદ બજારના સપોર્ટમાં ના આવ્યા હોત તો બજાર ઘટાડા સાથે બંધ જોવા મળ્યું હોત અને ગુરુવારે તેણે દર્શાવેલા 17780ના બ્રેકઆઉટ નીચે ઉતરી ગયું હોત. ટેકનિકલ એનાલિસ્ટ્સ હજુ પણ બજારને લઈને તેજીમાં છે. જોકે નિફ્ટીને 17992નો મહત્વનો અવરોધ છે. જે પાર થાય તો જ તે વધુ સુધારો દર્શાવી શકે છે. જ્યારે 17800ની નીચે માર્કેટ ઘટાડા તરફી બની રહે તેવું બની શકે છે. 17400ને સ્ટોપલોસ તરીકે જાળવી લોંગ પોઝીશન ઊભી રાખી શકાય એમ તેઓ જણાવે છે. માર્કેટને છેલ્લાં કેટલાંક સત્રોથી મજબૂત સપોર્ટ પૂરો પાડી રહેલું બેકિંગ શુક્રવારે પોઝીટીવ રહેવા છતાં ખાસ સુધારો દર્શાવી શક્યું નહોતું. જોકે બેંક નિફ્ટીએ સતત બીજા દિવસે 40 હજારની સપાટી પર બંધ નોંધાવ્યું હતું. જેમાં ઈન્ડસઈન્ડ બેંક 2.6 ટકા સાથે સૌથી સારો સુધારો સૂચવતો હતો. જ્યારે પીએનબી 1.7 ટકા, એસબીઆઈ 1.6 ટકા અને ફેડરલ બેંક 1.3 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ આઈડીએફસી ફર્સ્ટ બેંક, બેંક ઓફ બરોડા અને કોટક બેંક ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. માર્કેટને મુખ્ય સપોર્ટ આઈટી તરફથી સાંપડ્યો હતો. સવારના ભાગમાં શાંત પડી રહેલા આઈટી કાઉન્ટર્સમાં બપોર બાદ સાર્વત્રિક ખરીદી જોવા મળી હતી અને જોતજોતામાં તેઓ 2-4 ટકા સુધીનો ઉછાળો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સે 2.2 ટકા સાથે તાજેતરનો સૌથી ઊંચો સુધારો નોંધાવ્યો હતો. લાર્જ-કેપ્સ સાથે મીડ-કેપ્સમાં પણ ભારે ખરીદી જોવા મળી હતી. જેમાં એલએન્ડટી ટેક્નોલોજી 4 ટકા, ટેક મહિન્દ્રા 3.4 ટકા, એલએન્ડટી ઈન્ફોટેક 3.3 ટકા, માઈન્ડટ્રી 3 ટકા, ઈન્ફોસિસ 2.4 ટકા, એમ્ફેસિસ 2.3 ટકા અને એચસીએલ ટેક. 1.9 ટકા સુધારો દર્શાવતાં હતાં. આઈટી ઈન્ડેક્સ બહારના નાના કાઉન્ટર્સે પણ 2-5 ટકા સુધીનો ઉછાળો નોંધાવ્યો હતો. નિફ્ટી ઓટોમાં બે બાજુની વધ-ઘટ વચ્ચે મજબૂતી જોવા મળી હતી. ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટનો શેર વધુ 5 ટકા ઉછાળે સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. સવારના ભાગમાં નરમાઈ દર્શાવી રહેલા ઓટો શેર્સ પણ પાછળથી પોઝીટીવ બન્યાં હતાં અને તેમણે બજારને સપોર્ટ પૂરો પાડ્યો હતો. જેમાં ભારત ફોર્જ, મારુતિ સુઝુકી, આઈશર મોટર, એશોક લેલેન્ડ, ટીવીએસ મોટર, ટાટા મોટર્સ મુખ્ય હતાં. તેઓ દિવસની ટોચ નજીક બંધ રહ્યાં હતાં. છેલ્લાં લાંબા સમયથી સતત સુધારો દર્શાવી રહેલાં યુટિલિટી વેહીકલ ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 1.5 ટકાનો ઘટાડો નોંઘાયો હતો. જ્યારે ટાયર કંપની એમઆરએફનો શેર પણ 1.4 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી મેટલ પોઝીટીવ બંધ દર્શાવતો હતો. જોકે ટોચના સ્તરેથી તે નોંધપાત્ર નીચો બંધ જોવા મળ્યો હતો. મેટલ કાઉન્ટર્સમાં વેદાંત, રત્નમણિ મેટલ, એનએમડીસી, હિંદાલ્કો, સેઈલ, કોલ ઈન્ડિયા, નાલ્કો, જિંદાલ સ્ટીલ અને હિંદુસ્તાન ઝીંક પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે ટાટા સ્ટીલ, વેલસ્પન કોર્પસ મોઈલ વગેરેમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા મજબૂત ઓપનીંગ બાદ સતત ગગડતો રહ્યો હતો અને દિવસના તળિયા પર જ બંધ જોવા મળ્યો હતો. ડિવિઝ લેબોરેટરી, ટોરેન્ટ ફાર્મા, આલ્કેમ લેબ, બાયોકોન અને લ્યુપિન જેવા કાઉન્ટર્સ ગ્રીન જોવા મળ્યાં હતાં. જ્યારે સન ફાર્મા, ડો. રેડ્ડીઝ અને ઝાયડસ કેડિલા નેગેટિવ બંધ સૂચવતાં હતાં. નિફ્ટી પીએસઈ કાઉન્ટર્સમાં ખરીદી જળવાય હતી. જેમાં કોન્કોરમાં ભારે લેવાલ વચ્ચે શેર 3 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. આ ઉપરાંત ભેલ, ઓએનજીસી, એનએમડીસી, સેઈલ અને હિંદુસ્તાન એરોનોટિક્સ પણ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. બીજી બાજુ એનએચપીસી, એચપીસીએલ, આરઈસી, આઈઓસીમાં ઘટાડો નોંધાયો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ 6 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત એસ્ટ્રાલ લિ. 5 ટકા ઉછળ્યો હતો અને સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યો હતો. પર્સિસ્ટન્ટ ટેક્નોલોજી, ગુજરાત ગેસ, ડિક્સોન ટેક્નોલોજી, આરબીએલ બેંક, ફર્સ્ટસોર્સ સોલ્યુશન, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, અદાણી પોર્ટ્સ વગેરેમાં 2 ટકાથી વધુની મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ રેઈન ઈન્ડસ્ટ્રીઝ 8 ટકા ગગડ્યો હતો. પીવીઆરમાં 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. સિમેન્ટ શેર્સ પણ ટોચના સ્તરેથી ગગડ્યાં હતાં. જેમાં જેકે સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટનો સમાવેશ થતો હતો. શ્રીરામ ટ્રાન્સપોર્ટ, વ્હર્લપુલ, એસીસી, બલરામપુર ચીની, એસબીઆઈ કાર્ડસ અને ટ્રેન્ટ જેવા શેર્સમાં પણ વેચવાલી જોવા મળી હતી. બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસઈ ખાતે 3571 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1798 ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1668 પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. 207 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા તો સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યારે 15 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. એડીએજી જૂથના આરપાવરમાં 10 ટકાની સેલર સર્કિટ જોવા મળી હતી. કંપનીએ રૂ. 15.50ના ભાવે 60 કરોડ શેર્સ ઈસ્યુ કરવાનું નક્કી કરતાં શેર ઊંધા માથે પટકાયો હતો.
ખરિફ ચોખાનું ઉત્પાદન 1 કરોડ ટનથી વધુ ઘટાડો દર્શાવી શકે
નવી ખરિફ માર્કેટિંગમાં ચોખાનું ઉત્પાદન 1-1.2 કરોડ ટન ઘટાડો દર્શાવે તેવી શક્યતાં ખાદ્યાન્ન સચિવ સુધાંશુ પાંડેએ વ્યક્ત કરી હતી. દેશમાં ચાર રાજ્યોમાં દુકાળ તથા ખેડૂતો દ્વારા અન્ય રોકડિયા પાકો તરફના ઝૂકાવને કારણે આમ બની શકે છે એમ તેમણે ઉમેર્યું હતું. પૂરી થવા જઈ રહેલી સિઝન 2021-22માં ભારતે 11.1 કરોડ ટન ખરિફ ચોખાનું ઉત્પાદન નોંધાવ્યું હતું. જોકે ચાલુ સિઝનમાં ડાંગરનું વાવેતર ગઈ સિઝનની સરખામણીમાં 8 ટકા જેટલું નીચું જોવા મળી રહ્યું છે. દેશમાં ચોખાના નીચા ઉત્પાદનની સંભાવના પાછળ સરકારે ગુરુવારે રાતથી જ બ્રોકન રાઈટ અથવા ચોખાના ટુકડાની નિકાસ પર પ્રતિબંધ લાગુ પાડ્યો હતો. દેશમાં પોલ્ટ્રીમાં વપરાશમાં લેવામાં આવતાં ખાદ્યાન્નની તંગીને કારણે આ પગલું ભરવામાં આવ્યું હતું. 2021-22માં દેશમાંથી 38-39 લાખ ટન ચોખાના ટુકડાની નિકાસ થઈ હતી. જેમાંથી 16 લાખ ટન જેટલો જથ્થો ચીન ખાતે રવાના થયો હતો. ચાલુ વર્ષે એપ્રિલથી ઓગસ્ટમાં ચોખાના ટુકડાની નિકાસ 2019ના સમાનગાળાની સરખામણીમાં 4178 ટકા જેટલો તીવ્ર ઉછાળો દર્શાવતી હતી. 2017-18થી 2018-19 વચ્ચે પણ બ્રોકન રાઈસની નિકાસમાં 319 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.
બ્રોકિંગ ઉદ્યોગના નફામાં ત્રિમાસિક ધોરણે 25 ટકા ઘટાડો
સ્થાનિક બ્રોકિંગ ઉદ્યોગે જૂન ક્વાર્ટરમાં ત્રિમાસિક ધોરણે નફામાં 25 ટકા જ્યારે આવકમાં 10 ટકા ઘટાડો નોંધાવ્યો હોવાનું રેટિંગ એજન્સી ઈકરાનો અભ્યાસ સૂચવે છે. અભ્યાસના જણાવ્યા મુજબ જીઓપોલિટિકલ તણાવને કારણે મેક્રોઈકોનોમિક આઉટલૂક બદલાતાં રોકાણકારોના મૂડ પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી. જેને કારણે કામકાજ ઘટ્યાં હતાં. માર્ચ 2022 ક્વાર્ટરમાં 38 ટકા પર જોવા મળી રહેલો નેટ પ્રોફિટ જૂન ક્વાર્ટરમાં 34 ટકા પર રહ્યો હતો. સાથે ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં પણ ઘટાડો નોંધાયો હતો. 2020-21 અને 2021-22ના બમ્પર વર્ષો બાદ બ્રોકિંગ ઉદ્યોગની કામગીરી પર અસર જોવા મળી હતી.
દેશની સોફ્ટવેર નિકાસ 17 ટકા ઉછળી 157 અબજ ડોલરે
નાણા વર્ષ 2021-22માં દેશમાંથી સોફ્ટવેર નિકાસ 17.2 ટકા ઉછળી 156.7 અબજ ડોલર પર રહી હતી. આશ્ચર્યની વાત એ છે કે ભારતીય આઈટી સર્વિસ કંપનીઓએ યુએસ અને યુરોપ ખાતે નિમણૂંકો વધાર્યાં છતાં કુલ સર્વિસ નિકાસમાં ઓન-સાઈટ નિકાસનો હિસ્સો અગાઉના વર્ષના 12.9 ટકા સામે ગગડી 11.2 ટકા રહ્યો હતો. જો અંતિમ આંકડાની રીતે જોઈએ તો 2020-21માં ઓન-સાઈટ સર્વિસ એક્સપોર્ટ 17.3 અબજ ડોલર પરથી સાધારણ વધી 17.5 અબજ ડોલર પર રહી હતી. જ્યારે કુલ નિકાસમાં ઓફ-સાઈટ સર્વિસિસનો હિસ્સો 87.1 ટકા સામે વધી 88.8 ટકા પર જોવા મળ્યો હતો. અંતિમ આંકડાઓની રીતે તે 2020-21માં 116.4 અબજ ડોલર સામે 2021-22માં 139.2 અબજ ડોલર પર રહી હતી.કપાસનું વાવેતર 127 લાખ હેકટર નજીક પહોંચ્યું
ગઈ સિઝનમાં 118 લાખ હેકટરની સરખામણીમાં 8.7 લાખ હેકટરની વૃદ્ધિ

દેશમાં કપાસનું વાવેતર ગઈ સિઝનની સરખામણીમાં 8.7 લાખ હેકટર વૃદ્ધિ સાથે 126.7 લાખ હેકટરે પહોંચ્યું છે. ગયા વર્ષે સમાનગાળામાં 118 લાખ હેકટર વિસ્તારમાં કપાસની વાવણી થઈ હતી. ટકાવારીના સંદર્ભમાં કપાસના વાવેતરમાં 7.34 ટકા વૃદ્ધિ જોવા મળી છે. પંજાબ, હરિયાણા અને તેલંગાણાને બાદ કરતાં અન્ય તમામ રાજ્યોમાં વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.
કપાસનું સૌથી ઊંચું વાવેતર કરતાં રાજ્ય મહારાષ્ટ્રની વાત કરીએ તો કુલ 42.33 લાખ હેકટરમાં કોમોડિટીઝનું વાવેતર જોવા મળ્યું છે. જે ગઈ સિજનમાં 39.37 લાખ હેકટરની સરખામણીમાં 2.95 લાખ હેકટર અથવા તો 7.52 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. મહારાષ્ટ્ર બાદ બીજા ક્રમે આવતાં રાજ્ય ગુજરાતની વાત કરીએ તો વાવેતર વિસ્તારમાં 13 ટકાથી ઊંચી વૃદ્ધિ જોવા મળી રહી છે. રાજ્યમાં કપાસનું વાવેતર ગઈ સિઝનના 22.51 લાખ હેકટરની સામે 2.95 લાખ હેકટર વૃદ્ધિ સાથે 25.46 લાખ હેકટરમાં જોવા મળે છે. વાવેતર વિસ્તારની રીતે ત્રીજા એવા તેલંગાણામાં જોકે કપાસનું વાવેતર 2.34 ટકા ઘટાડો દર્શાવી રહ્યું છે. ગઈ સિઝનમાં 20.55 લાખ હેકટરની સરખામણીમાં ચાલુ વર્ષે 48 હજાર હેકટરના ઘટાડે વાવેતર 20.06 લાખ હેકટરમાં નોંધાયું છે. ચોથા ક્રમે આવતાં કર્ણાટકમાં કપાસનું વાવેતર 8.16 લાખ હેકટરની વિક્રમી સપાટીએ જોવા મળી રહ્યું છે. જે ગઈ સિઝનમાં નોંધાયેલા 6.36 લાખ હેકટરની સરખામણીમાં 28 ટકાથી ઊંચી વૃદ્ધિ સૂચવે છે. આંધ્ર પ્રદેશમાં પણ વાવેતર 25 ટકા ઉછળી ગઈ સિઝનના 4.85 લાખ હેકટર સામે 6.06 લાખ હેકટરમાં નોંધાયું છે. રાજસ્થાનમાં વાવેતર ગઈ સિઝનના 6.29 લાખ હેકટર સામે 8.6 ટકા વૃદ્ધિ સાથે 6.83 લાખ હેકટરમાં જોવા મળી રહ્યું છે. જોકે છઠ્ઠા ક્રમે હરિયાણામાં વાવેતર 5.4 ટકા ઘટી 6.50 લાખ હેકટરમાં શક્ય બન્યું છે. પંજાબમાં પણ 2.54 લાખ હેકટર સામે 2.4 ટકા ઘટાડે 2.48 લાખ હેકટરમાં વાવેતર જોવા મળે છે. મધ્યપ્રદેશમાં વાવેતર વિસ્તાર ગઈ સિઝનમાં 6 લાખ હેકટર સામે 5.99 લાખ હેકટર પર સ્થિર જોવા મળી રહ્યો છે. ઓરિસ્સામાં વાવેતર 10 ટકા વૃદ્ધિ સાથે 2.16 લાખ હેકટરમાં નોંધાયું છે.ઓગસ્ટમાં MF AUM રૂ. 39.33 કરોડની સર્વોચ્ચ સપાટીએ નોંધાયું
ગયા મહિને SIP ફ્લો પણ રૂ. 12700 કરોડની સર્વોચ્ચ ટોચ પરજોવા મળ્યો
કુલ એસઆઈપી એકાઉન્ટ્સની સંખ્યા 5.71 કરોડની ઓલ-ટાઈમ હાઈ પર
રિટેલ એયૂએમ વાર્ષિક 17 ટકા વૃદ્ધિ સાથે રૂ. 20.06 લાખ કરોડની સર્વોચ્ચ ટોચે

મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગે ઓગસ્ટમાં રૂ. 39.33 લાખ કરોડનું સર્વોચ્ચ એસેટ અન્ડર મેનેજમેન્ટ(એયૂએમ)નોંધાવ્યું હતું. જ્યારે મહિના દરમિયાન એવરેજ એયૂએમ રૂ. 39.53 કરોડ પર રહ્યું હતું. જે વાર્ષિક ધોરણે 10 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. ભારતીય બેન્ચમાર્ક્સ તેમની સર્વોચ્ચ સપાટીથી 4 ટકા જેટલા છેટે ટ્રેડ દર્શાવી રહ્યાં છે ત્યારે એસેટ મેનેજમેન્ટ કંપનીઓનું એયૂએમ નવી ટોચ સૂચવી રહ્યું છે. જે સૂચવે છે કે મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સ સેગમેન્ટ આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યાં છે.
એમ્ફીએ પૂરા પાડેલા ડેટા મુજબ ઓગસ્ટમાં કુલ મ્યુચ્યુલ ફંડ ફોલિયોસની સંખ્યા 13.64 કરોડની સર્વોચ્ચ સપાટી પર રહી હતી. જ્યારે રિટેલ ફોલિઓસની સંખ્યા 10.89 કરોડ પર જોવા મળી હતી. જે વાર્ષિક ધોરણે 26 ટકાની તીવ્ર વૃદ્ધિ દર્શાવે છે. માસિક ધોરણે ફોલિયોસની સંખ્યામાં 0.6 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ્સની વાત કરીએ તો કુલ એકાઉન્ટ્સની સંખ્યા 5,71,61,477 પર જોવા મળી હતી. જે પણ સર્વોચ્ચ સપાટીએ હતી. જ્યારે ઓગસ્ટ મહિનામાં સિપ દ્વારા ઈનફ્લો રૂ. 12693.45 કરોડની નવી ટોચ પર જોવા મળ્યો હતો. મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગના કુલ રૂ. 39.53 લાખના સરેરાશ એયૂએમમાં સિપ એયૂએમ રૂ. 6.39 કરોડ પર રહ્યું હતું. ઉદ્યોગ એનાલિસ્ટ્સ તેને ભારતીય બજાર માટે પોઝીટીવ બાબત ગણાવે છે. કેમકે કુલ ઉદ્યોગના કુલ એયૂએમમાં નાના રોકાણકારો તરફથી થતાં ડિસિપ્લન્ડ ઈન્વેસ્ટમેન્ટનો હિસ્સો કુલ એયૂએમનો 16 ટકા જેટલા નોંધપાત્ર સ્તરે જોવા મળી રહ્યો છે. દર મહિને સિપ ઈન્વેસ્ટમેન્ટમાં ઉત્તરોત્તર વૃદ્ધિને કારણે આ પ્રમાણ આગળ પર વધતું રહેશે. જે સ્થાનિક બજારને એક મજબૂત સપોર્ટ પૂરો પાડી શકે છે.
વિવિધ ફંડ કેટેગરી સંદર્ભમાં અભ્યાસ કરીએ તો ગોલ્ડ ઈટીએફ્સ સિવાય ઓગસ્ટમાં કુલ રૂ. 63,843.47 કરોડનો ઈનફ્લો જોવા મળ્યો હતો. જેમાં ગ્રોથ, ઈક્વિટી ઓરિએન્ટેડ સ્કિમ્સ, ઈન્કમ-ડેટ ઓરિએન્ટેડ સ્કિમ્સ, સોલ્યુશન-ઓરિએન્ટેડ સ્કિમ્સ, ઈન્ડેક્સ ફંડ્સ જેવી ઓપન-એન્ડેડ મ્યુચ્યુલ ફંડ્સ સ્કિમ્સનો સમાવેશ થતો હતો. હાઈબ્રીડ ફંડ કેટેગરીમાં આર્બિટ્રેડ ફંડને બાદ કરતાં અન્ય તમામ પાંચ સ્કિમ્સમાં ફ્લો પોઝીટીવ જોવા મળ્યો હતો. જેમાં એલોકેશન અથવા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ, બેલેન્સ્ડ હાઈબ્રીડ અને એગ્રેસિવ હાઈબ્રીડ ફંડનો સમાવેશ થાય છે. ટોચનો ફંડ ફ્લો દર્શાવનાર કેટેગરીઝમાં ફિક્સ્ડ ઈન્કમ અથવા ડેટ સ્કીમ્સ, લિક્વિડ ફંડ, અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડ અને મની માર્કેટ ફંડનો સમાવેશ થતો હતો.
ઓગસ્ટની આખરમાં રિટેલ સેગમેન્ટનું એયૂએમ રૂ. 20.06 લાખ કરોડ પર સર્વોચ્ચ ટોચ પર જોવા મળ્યું હતું. જે વાર્ષિક ધોરણે 17 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. કુલ રિટેલ ફોલિઓસની સંખ્યા પણ 10.89 કરોડ પર રહી હતી. જે વાર્ષિક 22 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ઓગસ્ટમાં ઈન્કમ અથવા તો ડેટ ઓરિએન્ટેડ સ્કિમ્સમાં રૂ. 49164.29 કરોડનો નેટ ઈનફ્લો નોંધાયો હતો. જ્યારે ગ્રોથ અને ઈક્વિટી ઓરિએન્ટેડ સ્કિમ્સમાં રૂ. 6119 કરોડનો ઈનફ્લો જોવા મળ્યો હતો. ઈન્ડેક્સ ફંડ્સમાં રૂ. 7778.23 કરોડનો ઈનફ્લો જ્યારે અન્ટ ઈટીએફ્સમાં રૂ. 7416.46 કરોડનો ઈનફ્લો નોંધાયો હતો.
કોર્પોરેટ હેડલાઈન્સ

અદાણી જૂથઃ અદાણી જૂથે એસીસી અને અંબુજા સિમેન્ટ્સમાં વધુ 26 ટકા હિસ્સો ખરીદવા માટે કરેલી ઓપન ઓફરને મધ્યમસરનો પ્રતિસાદ સાંપડ્યો છે. ઓપન ઓફર પૂરી થવાના એક દિવસ અગાઉ 8 સપ્ટેમ્બર સુધીમાં એસીસીમાં 4.9 કરોડ શેર્સ માટેની ઓપન ઓફર સામે 25.31 લાખ શેર્સ ટેન્ડર કરવામાં આવ્યાં હતાં. જે કંપનીની ઓપન ઓફર હેઠળ કુલ શેર્સ ખરીદીના 5.17 ટકા હિસ્સો સૂચવે છે. અંબુજા સિમેન્ટ્સ માટે 5.66 લાખ અથવા 0.11 ટકા હિસ્સો ટેન્ડર કરવામાં આવ્યો હતો.
M&M: યુટિલિટી ઉત્પાદક કંપનીએ તેની પ્રથમ ઈલેક્ટ્રિસ સ્પોર્ટ્સ યુટિલિટી વેહીકલ એક્સયૂવી 400ની રજૂઆત કરી છે. વર્લ્ડ ઈવી ડે નિમિત્તે આ લોંચ કરવામાં આવ્યું હતું. કંપની સી સેગમેન્ટમાં સ્પર્ધા કરશે. જેણે મહિનામાં 32 હજારનું વોલ્યુમ નોંધાવ્યું હતું.
ટાટા પ્લેઃ નેશનલ એન્ટી-પ્રોફિટઅરિંગ ઓથોરિટીએ ડીટીએચ ઓપરેટર ટાટા પ્લેને રૂ. 450 કરોડના પ્રોફિટઅરીંગ માટે દોષિત ઠેરવી છે. કંપનીએ જુલાઈ 2017થી જાન્યુઆરી 2019 વચ્ચે આમ કર્યું હતું. એક આદેશમાં એનએએ તરફથી કંપનીને આ રકમ કન્ઝ્યૂમર વેલફેર ફંડમાં જમા કરાવવાનું કહેવામાં આવ્યું છે.
તાતા પાવરઃ તાતા જૂથની વીજ કંપનીએ મહારાષ્ટ્રમાં વિરાજ પ્રોફાઈલ માટે 100 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કરશે એમ જણાવ્યું છે.
આલ્કમે લેબ્સઃ ફાર્મા કંપનીએ ટોલ્વાપ્ટાન માટે યુએસએફડીએ તરફથી મંજૂરી મેળવી લીધી છે. કંપનીનો શેર અહેવાલ પાછળ એક ટકા સુધારો દર્શાવતો હતો.
એચડીએફસીઃ ટોચની મોર્ગેજ ફાઈનાન્સ કંપનીએ બોન્ડ ઈસ્યુ મારફતે રૂ. 3000 કરોડ ઊભાં કર્યાં છે. આ રકમનો ઉપયોગ કંપની તેના ભાવિ ગ્રોથ માટે કરશે.
આરપાવરઃ વર્દે પાર્ટનર્સે એડીએજી જૂથની કંપનીમાં રૂ. 933 કરોડમાં 15 ટકા હિસ્સાની ખરીદી કરી છે. પ્રાઈવેટ સેક્ટરની વીજ ઉત્પાદક વર્દે પાર્ટનર્સને રૂ. 15.55 પ્રતિ શેરના ભાવે લગભગ 60 કરોડ શેર્સ ઈસ્યુ કરશે. જે શેરના બજારભાવની સરખામણીમાં 30 ટકાથી વધુ ડિસ્કાઉન્ટ સૂચવે છે. જેની પાછળ કંપનીનો શેર 10 ટકાની નીચલી સર્કિટમાં બંધ રહ્યો હતો.
નાથ બાયો-જીન્સઃ ઔથોમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટક્ચરે બાયો ટેક્નોલોજી કંપનીનો તેની પાસે રહેલા સમગ્ર 4.38 ટકા હિસ્સાનું વેચાણ કર્યું હતું.
એનટીપીસીઃ પીએસયૂ વીજ ઉત્પાદક કંપનીએ સશસ્ત્ર દળો સાથે રિન્યૂએબલ એનર્જીના સપ્લાય માટે એગ્રીમેન્ટમાં પ્રવેશ કર્યો છે.
સંવર્ધન મધરસનઃ ઓટો એન્સિલિઅરી કંપનીએ સંપૂર્ણ ફ્રેમ એસેમ્બલીના સપ્લાય માટે ડીઆઈસીવી સાથે લોંગ-ટર્મ એગ્રીમેન્ટ સાઈન કર્યો છે.
પીએનસી ઈન્ફ્રાટેકઃ ઈન્ફ્રા કંપનીએ રૂ. 1458 કરોડના મૂલ્યના હાઈબ્રીડ એન્યૂઈટી મોડેલ પ્રોજેક્ટ માટે એગ્રીમેન્ટ સાઈન કર્યો છે.
ઈક્વિટાસ હોલ્ડિંગ્સઃ એનબીએફસીના શેરધારકોએ ઈક્વિટાસ હોલ્ડિંગ્સ અને ઈક્વિટાસ એસએફબી વચ્ચેની એમાલ્ગમેશન સ્કીમને મંજૂરી આપી છે.
હટસન એગ્રોઃ એસબીઆઈ મ્યુચ્યુલ પંડે ડેરી બિઝનેસમાં સક્રિય કંપનીમાં અધિક 15.2 લાખ શેર્સ અથવા 0.7 ટકા હિસ્સાની ખરીદી કરી છે.
સેન્ચૂરી એન્કાઃ લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ બિરલા જૂથ કંપનીના 4.46 લાખ શેર્સ અથવા તો 2.04 ટકા હિસ્સાનું ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ મારફતે વેચાણ કર્યું હતું.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage