MarKet Summary 09/01/2023

માર્કેટમાં બુલ્સ પરત ફરતાં સાર્વત્રિક તેજીનો માહોલ
નિફ્ટીએ 18K, સેન્સેક્સે 60K ફરીથી હાંસલ કર્યું
એશિયન બજારોમાં લગભગ 3 ટકા સુધીનો સુધારો
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.5 ટકા ગગડી 14.65ની સપાટીએ
આઈટી, ઓટો, બેંકિંગમાં મજબૂતી
બ્રોડ માર્કેટમાં ખરીદી પરત ફરી
જિંદાલ સ્ટીલ, આરઈસી નવી ટોચે
વોડાફોન, અતુલે વાર્ષિક તળિયું બનાવ્યું

સપ્તાહાંતે યુએસ બજારોમાં તેજી પાછળ કેલેન્ડરના બીજા સપ્તાહની શરૂઆત સાર્વત્રિક સારી જોવા મળી હતી. અગ્રણી એશિયન બેન્ચમાર્ક્સ 3 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. ભારતીય બેન્ચમાર્ક્સ પણ એક ટકાથી વધુ લાભ સાથે બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 846.94 પોઈન્ટ્સ ઉછળી 60,747.31ની સપાટીએ જ્યારે નિફ્ટી-50 241.75 પોઈન્ટ્સના સુધારે 18,101.20ની સપાટીએ બંધ રહ્યાં હતાં. આમ બે સત્રો બાદ નિફ્ટી ફરી 18 હજારનું સ્તર પરત મેળવવામાં સફળ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સે 60 હજારનું સ્તર પરત મેળવ્યું હતું. લાર્જ-કેપ્સમાં વ્યાપક લેવાલીને કારણે બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 44 પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે 6 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ ખરીદી પાછળ બ્રેડ્થ સારી જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3799 ટ્રેડેડ કાઉટર્સમાંથી 2044 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1585 નેગેટિવ જોવા મળ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.5 ટકા ઘટાડે 14.65ની સપાટી પર બંધ રહ્યો હતો.
સોમવારે નવા સપ્તાહે બેન્ચમાર્કે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યાં બાદ સુધારો જાળવી રાખ્યો હતો. નિફ્ટી 17859.45ના બંધ ભાવ સામે 17952.55ની સપાટી પર ખૂલી ઉપરમાં 18141.40ની ટોચ પર ટ્રેડ થયો હતો. બેન્ચમાર્કસ બપોર સુધીમાં તેની ટોચ બનાવ્યાં બાદ કોન્સોલિડેટ થયો હતો. નિફ્ટી કેશ સામે ફ્યુચર્સ 61 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18161ની સપાટીએ બંધ રહ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી માટે 18200નું સ્તર એક અવરોધ છે. જે પાર થશે તો વધુ સુધારો સંભવ છે. નીચામાં 17900નો સપોર્ટ છે. બેન્ચમાર્કને સપોર્ટ કરવામાં આઈટી અને ઓટો સેક્ટર્સ મુખ્ય હતાં. ઊંચો સુધારો દર્શાવનારા નિફ્ટી કાઉન્ટર્સમાં એમએન્ડએમ, ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજી, ઈન્ડસઈન્ડ બેંક, ટેક મહિન્દ્રા અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે. બીજી બાજુ નરમ બંધ દર્શાવનાર કાઉન્ટર્સમાં ટાઈટન કંપની, બજાજ ફિનસર્વ, બજાજ ઓટો, એચડીએફસી લાઈફ અને ગ્રાસિમ મુખ્ય હતાં. સેક્ટરલ સૂચકાંકોમાં નિફ્ટી આઈટી 2.83 ટકા ઉછળા સાથે સુધરવામાં ટોચ પર હતો. ટીસીએસ 3.4 ટકા જ્યારે એચસીએલ ટેક્નોલોજી 3.4 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત કોફોર્જ, ટેક મહિન્દ્રા, વિપ્રો, ઈન્ફોસિસ, એલટીઆઈમાઈન્ડટ્રી, એલએન્ડટી ટેક્નોલોજી પણ એક ટકાથી વધુ મજબૂતી દર્શાવતાં હતાં. મેટલ ઈન્ડેક્સ 1.43 ટકા સુધારા સાથે બીજા ક્રમે જોવા મળતો હતો. જેમાં નાલ્કો, સેઈલ, જેએસડબલ્યુ સ્ટીલ, વેદાંતા, જિંદાલ સ્ટીલ, હિંદુસ્તાન ઝીંક અને હિંદાલ્કો સુધરવામાં અગ્રણી હતાં. નિફ્ટી ઓટો 1.23 ટકા સાથે સુધરવામાં અગ્રણી હતો. ઓટો કાઉન્ટર્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઉપરાંત અશોક લેલેન્ડ, તાતા મોટર્સ, ભારત ફોર્જ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ અને બોશ નોંધપાત્ર મજબૂતી દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસયૂ બેંક એક ટકાથી વધુ સુધારો સૂચવતો હતો. જેમાં જેકે બેંક, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, પીએનબી, એસબીઆઈ અને બેંક ઓફ મહારાષ્ટ્ર નોઁધપાત્ર સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી બેંક પણ 0.93 ટકા મજબૂતી દર્શાવતો હતો. જેમાં ઈન્ડસઈન્ડ બેંક 3.11 ટકા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત બંધન બેંક, એક્સિસ બેંક, કોટક બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક અને ફેડરલ બેંક પણ સુધારો સૂચવતાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં એલએન્ડટી ફાઈનાન્સ 5.24 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ઈન્ટિલેક્ટ ડિઝાઈન, પર્સિસ્ટન્ટ, બિરલાસોફ્ટ, હિંદ કોપર, ઝાયડસ લાઈફ, એસબીઆઈ લાઈફ, ફર્સ્ટસોર્સ, વિપ્રોમાં મજબૂતી જોવા મળતી હતી. બીજી બાજુ વોડાફોન આઈડિયાનો શેર 4.5 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત ટ્રેન્ટ, સિટી યુનિયન બેંક, હિંદપેટ્રો, આદિત્ય બિરલા ફેશન, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, ઓએનજીસી, બજાજ ફિનસર્વ, ડિક્સોન ટેક્નોલોજીમાં પણ નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં અબોટ ઈન્ડિયા, જિંદાલ સ્ટીલ, આરઈસી, પાવર ફાઈનાન્સનો સમાવેશ થતો હતો. જ્યારે વોડાફોન આઈડિયા અને અતુલના શેર્સે તેમના વાર્ષિક તળિયાં દર્શાવ્યાં હતાં.

TCSના નેટ પ્રોફિટમાં 11 ટકા વૃદ્ધિ, શેર દીઠ રૂ. 75નું ડિવિડન્ડ
કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 58229 કરોડની આવક અને રૂ. 10883 કરોડનો નફો નોંધાવ્યો

અગ્રણી આઈટી સર્વિસિઝ કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસિસે ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 10,883 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 9806 કરોડના નફા સામે 10.98 ટકા વૃદ્ધિ સૂચવતાં હતાં. કંપનીની આવકમાં 19 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી અને તે રૂ. 58,229 કરોડ પર જોવા મળી હતી. ત્રિમાસિક ધોરણે કંપનીની આવકમાં 5.2 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જો ત્રિમાસિક ધોરણે નફાની વાત કરીએ તો તેમાં 3.99 ટકા વૃદ્ધિ જોવાઈ હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરની આખરમાં કંપનીએ રૂ. 10,465 કરોડનો પ્રોફિટ રળ્યો હતો.
ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ સાથે કંપનીના બોર્ડે પ્રતિ શેર રૂ. 75ના ડિવિડન્ડની જાહેરાત પણ કરી હતી. જેમાં રૂ. 8 પ્રતિ શેરના વચગાળાના ડિવિડન્ડનો જ્યારે રૂ. 67 પ્રતિ શેરના સ્પેશ્યલ ડિવિડન્ડનો સમાવેશ થાય છે. ડિવિડન્ડની ચૂકવણી 3 ફેબ્રુઆરી, 2023ના રોજ કરવામાં આવશે. કંપનીએ બીએસઈને ફાઈલીંગમાં જણાવ્યું હતું કે ડિસેમ્બર ક્વાર્ટરમાં કર્મચારીઓની સંખ્યામાં 2,197 લોકોનો ચોખ્ખો ઘટાડો નોંધાયો હતો. કુલ કર્મચારીઓની સંખ્યા 6,13,974 પર જળવાય હતી. ત્રીજા ક્વાર્ટરમાં એટ્રિશન રેટ 21.3 ટકાના ઊંચા દરે જળવાયું હતું. ગયા વર્ષે સમાનગાળામાં એટ્રિશન રેટ 15.3 ટકા પર હતું. જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તે 21.5 ટકા પર જોવા મળ્યું હતું. આમ એટ્રિશનની ચિંતા ઊભી છે. કંપનીએ જણાવ્યા મુજબ બિઝનેસમાં વૃદ્ધિની આગેવાની નોર્થ અમેરિકા અને યુકેએ લીધી હતી. કંપનીના સીઈઓ અને એમડીએ જણાવ્યું હતું કે સામાન્યરીતે સિઝનલી નરમ એવા ક્વાર્ટરમાં મજબૂત ગ્રોથ દર્શાવતાં અમે આનંદ અનુભવી રહ્યાં છીએ. ગ્રોથમાં વૃદ્ધિના મુખ્ય કારણોમાં ક્લાઉડ સર્વિસિસ મુખ્ય છે. કંપનીએ વેન્ડર કોન્સોલિડેશન મારફતે તેના માર્કેટ હિસ્સામાં વૃદ્ધિ નોંધાવી છે. કંપનીએ વર્તમાન કેટલીક અનિશ્ચિતતાઓ વચ્ચે લોંગ-ટર્મ ગ્રોથ આઉટલૂક મજબૂત હોવાનું જણાવ્યું હતું.

રવિ વાવેતર વિસ્તાર 3 ટકા વૃદ્ધિ સાથે 6.66 કરોડ હેકટરે પહોંચ્યો
ઘઉંનું વાવેતર એક ટકો વધી 3.32 કરોડ હેકટરે નોંધાયું
જાડાં ધાન્યોનું વાવેતર ગઈ સિઝનના 46.80 લાખ હેકટર સામે 48.97 લાખ હેક્ટરે

દેશમાં રવિ સિઝનનું વાવેતર લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે. ગયા સપ્તાહની આખર સુધીમાં તે 665.58 લાખ હેકટર સાથે ગઈ સિઝનના 647.02 લાખ હેકટરની સરખામણીમાં 2.86 ટકા વૃદ્ધિ દર્શાવે છે. મુખ્ય શિયાળુ પાક ઘઉંનું વાવેતર 332.16 લાખ હેકટરમાં જોવા મળે છે. જે ગઈ સિઝનની સામે એક ટકાની સાધારણ વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં ઘઉંનું વાવેતર 329.88 લાખ હેકટરમાં જોવા મળતું હતું.
ઘઉંના વાવેતરમાં મોટાભાગના રાજ્યોમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. જેમાં રાજસ્થાન(2.52 લાખ હેકટર), ઉત્તર પ્રદેશ(1.69 લાખ હેકટર), મહારાષ્ટ્ર(1.20 લાખ હેકટર), ગુજરાત(70 હજાર હેકટર), છત્તીસગઢ(63 હજાર હેકટર), બિહાર(44 હજાર હેકટર), પશ્ચિમ બંગાળ(10 હજાર હેકટર)નો સમાવેશ થાય છે. ઘઉં ઉપરાંત રવિ ચોખાના વાવેતરમાં પણ વૃદ્ધિ નોંધાઈ છે. ગઈ સિઝનમાં 16.45 લાખ હેકટરની સરખામણીમાં ચાલ વર્ષે સમાનગાળામાં ચોખાના વાવેતરમાં 21.29 લાખ હેકટરની વૃદ્ધિ જોવા મળી રહી છે. કઠોળના વાવેતરમાં સાધારણ વૃદ્ધિ નોંધાઈ છે. ગઈ સિઝનમાં 156.23 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં કઠોળ પાકોનું વાવેતર 157.67 લાખ હેકટરમાં થઈ ચૂક્યું છે. જેમાં ચણાનું વાવેતર 107.82 લાખ હેકટરમાં જોવા મળે છે. જે ગઈ સિઝનની સરખામણીમાં સાધારણ ઘટાડો સૂચવે છે. જાડાં ધાન્યોનું વાવેતર 4 ટકાથી વધુ વૃદ્ધિ દર્શાવે છે. મકાઈ, જુવાર જેવા પાકોનું વાવેતર 48.97 લાખ હેકટરમાં નોંધાયું છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 46.80 લાખ હેકટર પર હતું. તેલિબિયાં પાકોની વાત કરીએ તો કુલ વાવેતર 105.49 લાખ હેકટરે પહોંચ્યું છે. જે ગઈ રવિ સિઝનમાં 97.66 લાખ હેકટરે જોવા મળતું હતું. રાયડાનું વાવેતર વિક્રમી સ્તરે જોવા મળી રહ્યું છે. ગયા વર્ષે 88.42 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં તે 95.34 લાખ હેકટરે પહોંચ્યું છે. આમ મોટાભાગના રવિ પાકોનું વાવેતર ગઈ સિઝનની સરખામણીમાં ઊંચું નોંધાયું છે. જેને કારણે કુલ રવિ વાવેતર પણ ગઈ સિઝન કરતાં 8.5 લાખ હેકટરની વધુ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે.

રિલાયન્સ કેપિટલના લેન્ડર્સ નવેસરથી ઓક્શન હાથ ધરશે
લેન્ડર્સે રૂ. 9500 કરોડની લઘુત્તમ બીડ વેલ્યૂ નિર્ધારિત કરી, જેમાં રૂ. 8 હજાર કરોડ લઘુત્તમ અપફ્રન્ટ કેશ રહેશે
નવી હરાજીમાં બીડર્સે પ્રથમ રાઉન્ડમાં રૂ. 500 કરોડની વૃદ્ધિ કરવાની રહેશે
બીજા રાઉન્ડમાં ઓફરમાં રૂ. 250 કરોડની વૃદ્ધિ કરવાની રહેશે
લેન્ડર્સને રૂ. 12500-13000 કરોડની લિક્વિડેશન વેલ્યૂથી ઊંચા બીડની અપેક્ષા

એડીએજી જૂથની નાદાર કંપની રિલાયન્સ કેપિટલના લેન્ડર્સે આગામી સપ્તાહે નવેસરથી ઓક્શન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જે માટે તેમણે રૂ. 9500 કરોડની લઘુત્તમ બેઝ પ્રાઈસ નક્કી કરી હોવાનું જાણકાર વર્તુળો જણાવે છે. આ નિર્ણય શુક્રવારે રાતે યોજાયેલી કમિટિ ઓફ ક્રેડિટર્સ(સીઓસી)ની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ મિટિંગ હિંદુજા ગ્રૂપ તથા ટોરેન્ટ જૂથ તરફથી મળેલી ઓફર્સની સમીક્ષા માટે મળી હતી. લેન્ડર્સે નેટ પ્રેઝન્ટ વેલ્યૂ(NPV)ને આધારે લઘુત્તમ બીડિંગ વેલ્યૂ નક્કી કરી હતી. જેમાં રૂ. 8000 કરોડના લઘુત્તમ અપફ્રન્ટ કેશ પેમેન્ટનો સમાવેશ પણ થાય છે એમ વર્તુળ ઉમેરે છે.
લગભગ એક સપ્તાહ અગાઉ હિંદુજા જૂથે આર-કેપ માટેની ઓક્શન પૂરી થયા બાદ સુધારેલી ઊંચી ઓફર મૂકતાં આમ કરવાનું બન્યું હતું. પાછળથી ટોરેન્ટે પણ તેની ઓફરમાં અપફ્રન્ટ કેશ પેમેન્ટમાં સુધારો કર્યો હતો. વર્તુળોના જણાવ્યા મુજબ નવી ઓક્શનમાં ભાગ લેનાર બીડર્સે પ્રથમ રાઉન્ડમાં તેમના બીડમાં લઘુત્તમ રૂ. 500 કરોડ અને બીજા રાઉન્ડમાં રૂ. 250 કરોડની વૃદ્ધિ કરવાની રહેશે. ગયા ઓક્શન બાદ હિંદુજા ગ્રૂપ અને ટોરેન્ટ ઈન્વેસ્ટમેન્ટ્સ એકબીજાની ઓફરથી ઊંચી ઓફર મૂકી રહ્યાં છે. જે સૂચવે છે કે લિક્વિડેશન વેલ્યૂ કરતાં ઊંચી ઓફર મળવાની શક્યતાં રહેલી છે એમ વર્તુળ ઉમેરે છે. અત્યાર સુધીમાં રિલાયન્સ કેપિટલ માટેની તમામ ઓફર્સ રૂ. 12500-13000 કરોડની લિક્વિડેશન વેલ્યૂની સરખામણીમાં ઘણી નીચી જોવા મળી છે. ગયા ઓક્શનમાં લઘુત્તમ બીડિંગ પ્રાઈસ રૂ. 6500 કરોડની નક્કી કરવામાં આવી હતી. જોકે ઓક્શન પૂરા થયાના બીજા દિવસે હિંદુજા ગ્રૂપ કંપનીએ તેની ઓફર સુધારી રૂ. 9000 કરોડ કરી હતી. જેમાં રૂ. 8750 કરોડના અપફ્રન્ટ પેમેન્ટનો સમાવેશ થતો હતો. તે વખતે ટોરેન્ટે રૂ. 3750 કરોડનું અપફ્રન્ટ પેમેન્ટ ઓફર કર્યું હતું. જ્યારે બાકીનું પેમેન્ટ કેટલાંક વર્ષોમાં કરવાનું રહેતું હતું.
ટોરેન્ટે ઓક્શન એડમિનિસ્ટ્રેટર સમક્ષ હિંદુજા જૂથની સુધારેલી ઓફર ઓક્શન નિયમોનો ભંગ કરતું હોવાનું જણાવી વિરોધ રજૂ કર્યો હતો. તેણે નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ સમક્ષ પણ હિંદુજાની સુધારેલી ઓફર નિયમ વિરુધ્ધ હોવાનું જણાવ્યું હતું. જેના અનુસંધાને એનસીએલટીએ એડમિનિસ્ટ્રેટરને નિયમો સાથે અનુરુપ હોય તેવી ઓફરને જ ગ્રાહ્ય રાખવા માટે જણાવ્યું હતું.

બજેટમાં પ્રાઈવેટ જેટ્સથી જ્વેલરી પરની કસ્ટમ વધે તેવી શક્યતાં
બિનઆવશ્યક આયાત પર અંકુશ માટે સરકાર 35 આઈટમ્સ પરની આયાત ડ્યુટી વધારશે

દેશમાં બિનજરૂરી ચીજ-વસ્તુઓની આયાત ઘટે તથા સ્થાનિક મેન્યૂફેક્ચરિંગને પ્રોત્સાહન માટે કેન્દ્ર સરકારે 35 જેટલી આઈટમ્સની યાદી તૈયાર કરી છે, જેના પરની કસ્ટમ ડ્યુટીમાં આગામી બજેટમાં વૃદ્ધિની શક્યતાં છે એમ જાણવા મળે છે. આ આઈટમ્સમાં પ્રાઈવેટ જેટ્સ, હેલિકોપ્ટર્સ, હાઈ-એન્ડ ઈલેક્ટ્રોનિક આઈટમ્સ, પ્લાસ્ટીક ગુડ્ઝ, જ્વેલરી, હાઈ-ગ્લોસ પેપર અને વાઈટામિન્સનો સમાવેશ થાય છે. વિવિધ મંત્રાલયો પાસેથી મેળવવામાં આવેલા ઈનપુટ્સને આધારે એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને હાલમાં તેને લઈને ચકાસણી ચાલી રહી છે એમ અધિકારી જણાવે છે.
સરકારે આ બિનઆવશ્યક ચીજ-વસ્તુઓની આયાત પર અંકુશ માટે ક્વોલિટી કંટ્રોલ સંબંધી આદેશ પણ જારી કર્યો છે. સરકારી વર્તુળોના જણાવ્યા મુજબ જે માલ-સામાનનું ઉત્પાદન દેશમાં હાલમાં થઈ જ રહ્યું છે તેવી જ વસ્તુઓને યાદીમાં સમાવવામાં આવી છે. જેના પર સરકાર આયાત ડ્યુટી વધારવાનું વિચારી રહી છે. ડિસેમ્બરમાં કોમર્સ અને ઈન્ડસ્ટ્રી મંત્રાલયે વિવિધ મંત્રાલયોને બિન-જરૂરી આયાતી વસ્તુઓની યાદી તૈયાર કરવા માટે જણાવ્યું હતું, જેના પર ટેરિફમાં વૃદ્ધિ કરી શકાય. કેન્દ્ર સરકાર વર્તમાન ચાલુ ખાતાની ખાધને લઈને સાચવેતી દાખવી રહી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરની આખરમાં તે 4.4 ટકાના સ્તરે નવ ક્વાર્ટરની ટોચ પર જોવા મળી હતી. ગયા સપ્તાહે એક રિપોર્ટમાં ડેલોઈટે જણાવ્યું હતું કે ચાલુ ખાતાની ખાધ વધુ વણસી શકે છે. ઊંચા આયાત બિલના જોખમ ઉપરાંત નાણા વર્ષ 2023-24માં નિકાસ પર પણ દબાણ જોવા મળી શકે છે. સ્થાનિક માગ નિકાસ વૃદ્ધિ કરતાં ઊંચી રહેવાના કારમે મર્કેન્ડાઈઝ ટ્રેડ ડેફિસિટ માસિક ધોરણે 25 અબજ ડોલર આસપાસ જળવાયેલી રહેશે, જે ચાલુ ખાતાની ખાધને જીડીપીના 3.2-3.4 ટકા પર જાળવશે એમ ઈકરાના ચીફ ઈકોનોમિસ્ટ જણાવે છે. બિનઆવશ્યક ચીજ-વસ્તુઓ પરની આયાત જકાત વધારીને કેન્દ્ર સરકાર ‘મેક ઈન ઈન્ડિયા’ પ્રોગ્રામને મજબૂત બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે. ગયા બજેટમાં પણ સરકારે કેટલીક આઈટમ્સ પર આયાત જકાતમાં વૃદ્ધિ કરી હતી. જેમાં ઈમિટેશન જ્વેલરી, છત્રીઓ અને ઈયરફોન્સનો સમાવેશ થતો હતો.

વૈશ્વિક ગોલ્ડ વધુ સુધરી આંઠ-મહિનાની ટોચે
કોમેક્સ ગોલ્ડમાં નવા સપ્તાહે મજબૂતી જળવાય હતી અને ગોલ્ડ ફ્યુચર્સ 1885ની આંઠ મહિનાની ટોચ પર પહોંચ્યું હતું. ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ પાછળ ગોલ્ડમાં સુધારો આગળ વધ્યો હતો. ભારતીય કોમેક્સ ખાતે ગોલ્ડ સોમવારે ગેપ-અપ ઓપનીંગ સાથે કામકાજ શરૂ કરી રૂ. 56000ની સપાટી પર ટક્યું હતું. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે રૂ. 56175ની ટોચ દર્શાવી હતી. જે તેની સર્વોચ્ચ-સપાટીથી રૂ. 35 નીચે જોવા મળતું હતું. ગયા સપ્તાહે સોનું રૂ. 56190 સુધી ટ્રેડ થયું હતું. વૈશ્વિક બજારમાં મજબૂતી અથવા ડોલર સામે રૂપિયામાં નરમાઈ પાછળ ભારતીય બજારમાં ગોલ્ડ ટૂંક સમયમાં નવી ટોચ દર્શાવે તેવી પૂરી શક્યતાં છે. ગોલ્ડ પાછળ સિલ્વરમાં પણ રૂ. 300થી વધુનો સુધારો જોવા મળી રહ્યો હતો.
2023ના પ્રથમ સપ્તાહમાં FPIની રૂ. 5900 કરોડની વેચવાલી
વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી નવા વર્ષની શરૂઆત નેગેટિવ જોવા મળી રહી છે. 2023ના પ્રથમ સપ્તાહ દરમિયાન એફપીઆઈએ ભારતીય ઈક્વિટી માર્કેટમાં કુલ રૂ. 5900 કરોડની વેચવાલી દર્શાવી હતી. સ્થાનિક બજારમાં ઊંચા વેલ્યૂએશન ઉપરાંત વૈશ્વિક સ્તરે જોવા મળી રહેલી ચિંતાઓ પાછળ વિદેશી રોકાણકારો રિસ્ક-ઓફ મૂડમાં જોવા મળી રહ્યાં હોવાનું વર્તુળો માને છે. વર્ષના પ્રથમ સપ્તાહમાં પાંચ સત્રોમાં તેમણે પ્રતિ સત્ર સરેરાશ રૂ. 1200 કરોડનું વેચાણ નોઁધાવ્યું હતું. જો ગયા વર્ષના આખરી સપ્તાહની ગણતરી કરીએ તો કુલ 11 સત્રોમાં એફપીઆઈએ રૂ. 14300 કરોડનું કુલ વેચાણ દર્શાવ્યું હતું.

કોર્પોરેટ હેડલાઈન્સ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝઃ કંપની લગભગ તમામ પ્રોડક્ટ કેટેગરીમાં પ્રવેશીને ઈન્ટિગ્રેટેડ ફાસ્ટ-મુવીંગ કન્ઝ્યૂમર ગુડ્ઝ(એફએમસીજી) બનાવવાનો હેતુ ધરાવે છે. નવરચિત રિલાયન્સ કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સના જણાવ્યા મુજબ તે ડોમેસ્ટીક, હાઉસહોલ્ડ અને કન્ઝ્યૂમર ગુડ્ઝ જેવાકે ફાર્માસ્યુટીકલ્સ, ફૂડ પ્રોડક્ટ્સ અને બેવરેજિસની સમગ્ર રેંજમાં પ્રવેશવાનો ઈરાદો ધરાવે છે.
જેએસપીએલઃ જિંદાલ સ્ટીલ એન્ડ પાવર તેણે તાજેતરમાં ખરીદેલી મોનેત પાવરને સક્રિય બનાવવા માટે રૂ. 1500 કરોડનું રોકાણ કરશે. આ રોકાણ આગામી 12થી 18 મહિનામાં કરવામાં આવશે. કંપનીએ દેવામાં ડૂબેલી મોનેત પાવરની રૂ. 410 કરોડમાં ખરીદી કરી હતી. કંપની 1050 મેગાવોટનો કોલ-બેઝ્ડ પાવર પ્લાન્ટ બાંધી રહી હતી.
આઈએલએન્ડએફએસઃ નાદાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિઝિંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસિઝે બીજા પેઆઉટના ભાગરૂપે કેનેરા બેંકની આગેવાની હેઠળના લેન્ડર્સ કોન્સોર્ટિયમને રૂ. 1300 કરોડની ચૂકવણી કરી છે. સિક્યોર્ડ ક્રેડિટર્સે તેમની રૂ. 1500 કરોડની કુલ રકમ સામે 87 ટકા રિકવરી મેળવી હતી. આ ફંડ કેનેરા બેંક ઉપરાંત યુનિયન બેંક, સેન્ટ્રલ બેંક, પંજાબ એન્ડ સિંધ બેક ને આઈઆઈએફસીને મળશે.
આઈડીબીઆઈ બેંકઃ કેન્દ્રિય ડિસઈન્વેસ્ટમેન્ટ વિભાગે આઈડીબીઆઈ બેંકમાં પ્રસ્તાવિત 61 ટકા શેર વેચાણ માટે બીડર્સ માટે માર્ચ મહિનાની ડેડલાઈન નિર્ધારિત કરી છે. અત્યાર સુધીમાં વિભાગે લગભગ ઓછામાં ઓછા પાંચ એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ્સ મેળવ્યાં છે. આઈડીબીઆઈમાં એલઆઈસી ઉપરાંત સરકાર તેના હિસ્સાનું વેચાણ કરશે.
ટાઈટન લિમિટેડઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 12 ટકા વૃદ્ધિ દર્શાવી છે. જોકે આ જાહેરાત પાછળ કંપનીના શેરમાં વેચવાલી જોવા મળી હતી અને સોમવારે તે 2 ટકાથી વધુ ગગડ્યો હતો.
નેશનલ ફર્ટિલાઈઝર્સઃ સરકારી ફર્ટિલાઝઈર્સ ઉત્પાદકે એપ્રિલથી ડિસેમ્બરના પ્રથમ નવ મહિના દરમિયાન 49.7 લાખ ટનનું વિક્રમી વેચાણ નોઁધાવ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 39.25 લાખ ટન પર જોવા મળ્યું હતું.
જેકે સિમેન્ટઃ કંપનીની સબસિડિયરી જેકે પેઈન્ટ્સ એન્ડ કોટિંગ્સે એક્રો પેઈન્ટ્સમાં રૂ. 153 કરોડના ખર્ચે 60 ટકા હિસ્સાની ખરીદી કરી છે.
અશોક બિલ્ડકોનઃ ઈન્ફ્રા કંપની રૂ. 2161 કરોડના મૂલ્યના પ્રોજેક્ટ્સ માટે નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી સૌથી નીચા બીડર તરીકે ઊભરી છે.
તાતા સ્ટીલ લોંગઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં ક્રૂડ સ્ટીલ પ્રોડક્શનમાં ત્રિમાસિક ધોરણે 41 ટકા વૃદ્ધિ દર્શાવી છે. જોકે ડીઆરઆઈનું પ્રોડક્શ ક્વાર્ટરલી બેસિસ પર 10 ટકા ઘટાડો સૂચવે છે.
એબીએફઆરએલઃ આદિત્ય બિરલા ફેશને નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઈસ્યુ મારફતે રૂ. 500 કરોડ ઊભા કર્યાં છે.
બાયોકોનઃ યુએસએફડીએ તરફથી ફાર્મા કંપનીને ઈન્સ્યુલિન-આર પ્રોડક્ટ માટે વધારાના ડેટા તથા CAPA પ્લાનના સંતોષકારક અમલીકરણ માટે જણાવ્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage