મીડ-ડે માર્કેટ
નિફ્ટી ઈન્ટ્રા-ડે 300 પોઈન્ટ્સ ઉછળ્યાં બાદ બપોરે 162 પોઈન્ટ્સ મજબૂત
એશિયન બજારમાં મજબૂતી પાછળ ગેપ-અપ ઓપનીંગ દર્શાવી એક તબક્કે અગાઉના બંધ સામે લગભગ 300 પોઈન્ટ્સનો ઉછાળો દર્શાવનાર બેન્ચમાર્ક નિફ્ટી બપોરે 162 પોઈન્ટ્સના સુધારે 14694ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. તેણે ખૂલતામાં 14639નું તળિયું દર્શાવ્યું હતું. હજુ તે સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. માર્કેટમાં વોલેટિલિટી ઊંચી રહેશે તે નિશ્ચિત છે અને તેથી ટ્રેડર્સ પણ સાવચેતી સાથે નવી પોઝીશન લઈ રહ્યાં છે.
ઈન્ડિયા વીક્સમાં 5 ટકાનો ઘટાડો
બજારમાં તેજીવાળાની પકડ મજબૂત હોવાથી ઉઘડતાં સપ્તાહે વોલેટિલિટી ઈન્ડેક્સમાં 5 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે તે 5.37 ટકા નરમાઈ સાથે 26.63 પર ટ્રેડ થઈ રહ્યો છે. શુક્રવારે તેણે 20 ટકાથી વધુનો ઉછાળો નોંધાવ્યો હતો. બજારમાં અંતિમ એક સપ્તાહથી વાયોલન્ટ મૂવમેન્ટ જોવા મળી રહી છે. બજારનો ટ્રેન્ડ એકાંતરે દિવસે બદલાઈ રહ્યો છે.
ઓટો, મિડિયા, પીએસઈમાં 2 ટકાથી વધુની મજબૂતી
સોમવારે બજારને સપોર્ટ કરી રહેલા મુખ્ય ક્ષેત્રોમાં ઓટો, એનર્જી અને જાહેર સાહસોનો સમાવેશ થાય છે. નિફ્ટી ઓટો 2.25 ટકા મજબૂતી દર્શાવી રહ્યો છે. જ્યારે નિફ્ટી મિડિયા 3 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે નિફ્ટી પીએસઈ 2.34 ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. આ સિવાય નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિસઝ, નિફ્ટી કોમોડિટિઝ, નિફ્ટી એનર્જિ, નિફ્ટી મેટલ અને નિફ્ટી આઈટી 1 ટકાથી 2 ટકા વચ્ચેનો સુધારો દર્શાવી રહ્યાં છે.
નિફ્ટીના આઉટપર્ફોર્મર્સ
નિફ્ટમાં સમાવિષ્ટ કાઉન્ટર્સમાં ઓએનજીસી 5 ટકા સાથે નવા વાર્ષિક ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. એ સિવાય એમએન્ડએમ, યૂપીએલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ટાઈટન કંપની, ગ્રાસિમ, હીરોમોટોકો, કોટક મહિન્દ્રા, ક મહિન્દ્રા, શ્રી સિમેન્ટ્સનો સમાવેશ થાય છે. આ તમામ કાઉન્ટર્સ 2.5 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યાં છે.
નિફ્ટીના અન્ડરપર્ફોર્મર્સ
નિફ્ટીમાં માત્ર પાંચ કાઉન્ટર્સ જ નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં ભારતી એરટેલ 5 ટકા સાથે સૌથી વધુ ઘટાડો સૂચવે છે. કંપનીનો શેર રૂ. 529ના છેલ્લા દોઢ મહિનાના તળિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. એ સિવાય એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ દોઢ ટકા ડાઉન છે અને તે પણ તાજેતરના તળિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. રૂ. 850 નીચે તે વધુ નરમાઈ દર્શાવી શકે છે. બજાજ ફાઈનાન્સ, બજાજ ઓટો અને રિલાયન્સ ઈન્ડ. નરમાઈ દર્શાવતાં અન્ય કાઉન્ટર્સ છે.
મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ મજબૂતી
નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.27 ટકાનો જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ 1.5 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે. મીડ-કેપ આઉટપર્ફોર્મર્સમાં ફોર્ટિસ હેલ્થકેર 7 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે આદિત્ય બિરલા ફેશન 6 ટકાનો ઉછાળો દર્શાવે છે. એપોલો ટાયર્સ 6 ટકા, ગુજરાત ગેસ 5 ટકા, હુડકો 5 ટકા, એબી કેપિટલ 4 ટકા અને ટાટા પાવર 4 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે. નિફ્ટી સ્મોલ-કેપ આઉટપર્ફોર્મર્સમાં રાષ્ટ્રીય કેમિકલ્સ 19 ટકા, એમએમટીસી 16 ટકા, એનબીસીસી 12 ટકા, જસ્ટ ડાયલ 11 ટકા, ઈન્ફિબીમ એવન્યૂ 11 ટકા, જીએનએફસી 10 ટકા, બીઈએમએલ 8 ટકા અને મોઈલ 6 ટકાનો ઉછાળો દર્શાવી રહ્યાં છે.