મીડ-ડે માર્કેટ
નિફ્ટી ઈન્ટ્રા-ડે લોથી પરત ફર્યો
ભારતીય બજાર અપેક્ષા મુજબ જ સાધારણ ગેપ-અપ ઓપનીંગ સાથે ખૂલ્યાં બાદ નરમાઈમાં સરી પડ્યું હતું. હોંગકોંગ જેવા એશિયન બજારોમાં પણ નરમાઈ પાછળ સેન્ટિમેન્ટ નરમ હતું. જોકે નિફ્ટી 14353નું તળિયું દર્શાવી 14425ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આમ તેણે ઈન્ટ્રા-ડે તળિયાથી બાઉન્સ દર્શાવ્યો છે. બેન્ચમાર્કને 14250નો મહત્વનો સપોર્ટ છે. જે તૂટતાં તે 14000 ને તેની નીચે પણ જઈ શકે છે.
બેંક નિફ્ટી રેડમાંથી ગ્રીન ઝોનમાં આવ્યો
માર્કેટને નીચા સ્તરે બેંકિંગ તરફથી સપોર્ટ સાંપડી રહ્યો છે. બેંક નિફ્ટી 31406નું તળિયું બનાવી 31783 પર ગ્રીન ટ્રેડ દર્શાવી રહ્યો છે. અલબત્ત, તે ટકે છે કે કેમ તે જોવાનું રહેશે. બેંકિંગ ક્ષેત્રે આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, એચડીએફસી બેંક અને એસબીઆઈમાં પોઝીટીવ ટ્રેડ જોવા મળે છે. તે સિવાય અન્ય બેંક શેર્સ નરમાઈ દર્શાવી રહ્યાં છે.
ઓટો, આઈટી, રિઅલ્ટી, એનર્જીમાં નરમાઈ
મહારાષ્ટ્ર ખાતે આવશ્યક ચીજ-વસ્તુઓ સિવાય અન્ય શોપ્સ બંધ રાખવાના નિર્ણયને કારણે ઓટોમોબાઈલ શેર્સમાં સૌથી વધુ વેચાણ જોવા મળી રહ્યું છે. નિફ્ટી ઓટો 2 ટકાથી વધુ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. ઓટો કાઉન્ટર્સમાં આઈશર મોટર્સ 4 ટકા, મારુતિ સુઝુકી 3.2 ટકા, ભારત ફોર્જ 3 ટકા, અશોક લેલેન્ડ 3 ટકા, એમઆરએફ 2.14 ટકા, બોશ 2 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે.
ઈન્ફોસિસમાં 4 ટકાની નરમાઈ
પરિણામો લગભગ અપેક્ષા મુજબ રજૂ કરવા છતાં તેમજ રૂ. 1750 સુધીના ભાવે બાયબેકની જાહેરાત પછી પણ ઈન્ફોસિસનો શેર 4 ટકા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીનો શેર અગાઉના રૂ. 1397ના બંધ ભાવ સામે રૂ. 1320નું તળિયું દર્શાવી રૂ. 1345 પર ટ્રેડ થઈ રહ્યો છે. જોકે બીજી બાજુ ટીસીએસ, વિપ્રો અને કોફોર્જ જેવા કાઉન્ટર્સમાં સુધારો જોવા મળી રહ્યો છે.
ફાર્મા કાઉન્ટર્સમાં મજબૂતી
ફાર્મા શેર્સમાં ખરીદી જોવા મળી રહી છે. જેની પાછળ નિફ્ટી ફાર્મા 1.5 ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છએ. કેટલાક જાણીતા ફાર્મા શેર્સમાં સિપ્લા 3 ટકા, ડિવિઝ લેબ 2.6 ટકા, કેડીલે હેલ્થકેર 2.3 ટકા, ડો. રેડ્ડીઝ લેબો 1.34 ટકા અને લ્યુપિન એક ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.
ઈન્ડિયા વીક્સમાં 5 ટકાનો ઉછાળો
માર્કેટમાં વેચવાલી પાછળ વોલેટિલિટી ઈન્ડેક્સમાં ઉછાળો જોવા મળ્યો છે. અગાઉના 20.46ના બંધ સામે તે 5 ટકાથી વધુ ઉછળી 21.54 પર ટ્રેડ થયો હતો. હાલમાં તે 4 ટકા સુધારે 21.26 પર ટ્રેડ થઈ રહ્યો છે.
સિલ્વરે રૂ. 68 હજારનું સ્તર પાર કર્યું
એમસીએક્સ ખાતે સિલ્વરમાં રૂ. 471નો સુધારો જોવા મળી રહ્યો છે અને તે રૂ. 68109 પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગોલ્ડ પણ રૂ. 273ના સુધારે રૂ. 46881 પર ટ્રેડ થઈ રહ્યું છે. બંને ધાતુઓમાં સુધારાનું મુખ્ય કારણ રૂપિયામાં નરમાઈ છે.
Mid Day Market 15 April 2021
April 15, 2021