મીડ-ડે માર્કેટ
ભારતીય બજાર પ્રોફિટ બુકિંગ મોડમાં જણાય રહ્યું છે. નિફ્ટી 12902ના સ્તરે ટ્રેડ થયા બાદ બપોરે 42 પોઈન્ટસના ઘટાડે 12832 પર ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સ 130 પોઈન્ટસની નરમાઈ દર્શાવી રહ્યો છે.
ઓટો અને બેંકિંગ શેર્સનો સપોર્ટ
માર્કેટને ઓટોમોબાઈલ અને બેંકિંગ શેર્સનો સપોર્ટ મળી રહ્યો છે. સેન્સેક્સ પ્રતિનિધિઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 9 ટકાના સુધારે રૂ. 694 પર ટ્રેડ થઈ રહ્યો છે. લાર્સન, એસબીઆઈ, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફિનસર્વ અને બજાજ ફાઈનાન્સ જેવા કાઉન્ટર્સ પણ નોંધપાત્ર સપોર્ટ પૂરો પાડી રહ્યાં છે.
આઈટી, ટેલિકોમ અને એફએમસીજીમાં વેચવાલી
ટેલિકોમ, આઈટી અને એફએમસીજી શેર્સ નરમાઈ દર્શાવી રહ્યાં છે. ભારતી એરટેલ, ટાઈટન, ટીસીએસ, ઈન્ફોસિસ, હિંદુસ્તાન યુનિલીવર અને એચસીએએલ ટેક્નોલોજીમાં 3 ટકા જેટલી નરમાઈ જોવા મળી રહી છે.
માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ
લાર્જ-કેપ્સમાં મૂડ નરમ હોવા છતાં મીડ-કેપ્સમાં મજબૂતી જોવા મળે છે. બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ છે. 1340 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવે છે. જ્યારે 1226 કાઉન્ટર્સમાં નરમાઈ જોવા મળી રહી છે.
ભારે લેવાલી દર્શાવતાં મીડ-કેપ કાઉન્ટર્સ
અદાણી ગેસનો શેર 16 ટકા ઉછાળા સાથે રૂ. 339 પર ટ્રેડ થઈ રહ્યો છે. સતત બીજા દિવસે કાઉન્ટરમાં મજબૂતી જોવા મળી છે. આ જ રીતે આઈઆઈએફએલમાં પણ 11 ટકાનો ઉછાળો નોંધાયો છે. કાઉન્ટર મંગળવારે 20 ટકાની ઉપલી સર્કિટમાં બંધ રહ્યું હતું. આ સિવાય વેબકો ઈન્ડિયા, એચએફસીએલ, હાથવે, હોનૌત, સ્પાઈસ જેટ, ટાટા મોટર્સ, વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ, અદાણી ટ્રાન્સમિશન, વોખાર્ડ ફાર્મા, મધરસન સુમી જેવા કાઉન્ટર્સમાં 6 ટકા સુધીનો સુધારો જોવા મળી રહ્યો છે.
ગોલ્ડ-સિલ્વરમાં નરમાઈ
એમસીએક્સ ખાતે ગોલ્ડ-સિલ્વર નરમાઈ દર્શાવી રહ્યાં છે. ગોલ્ડ ડિસેમ્બર વાયદો 0.64 ટકા અથવા રૂ. 325ના ઘટાડે રૂ. 50441 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર 0.7 ટકા અથવા રૂ. 437ના ઘટાડે રૂ. 61811ના સ્તરે ટ્રેડ થઈ રહી છે. ક્રૂડ, કોપર, નેચરલ ગેસ અને ઝીંકમાં મજબૂતી જોવા મળે છે.