નિફ્ટીએ ફરી 14700 અને સેન્સેક્સે 50 હજાર કૂદાવ્યું
બેન્ચમાર્ક નિફ્ટી સતત બીજા દિવસે બે ટકાથી વધુ મજબૂતી સાથે એક તબક્કે 14732ના સ્તરે ટ્રેડ થયો હતો. જે 14753ની તેની ટોચથી માત્ર 21 પોઈન્ટસનું છેટું દર્શાવે છે. બેન્ચમાર્ક અંતિમ બે દિવસમાં 7.5 ટકાનો તીવ્ર ઉછાળો દર્શાવી રહ્યો છે. સેન્સેક્સ પણ 1200 પોઈન્ટસ ઉછળી 50154ની સપાટી પર જોવા મળ્યો હતો. આમ બંને બેન્ચમાર્ક દસ દિવસની અંદર જ તેમની ટોચ નજીક પહોંચી ગયા હતા.
બેંકિંગ અને ફાઈનાન્સિયલ્સે લીધેલી આગેવાની
બજેટ બાદ બીજા દિવસે બજારમાં તેજીનું સુકાન બેંકિંગ અને ફાઈનાન્સિયલ સેક્ટર્સે લીધું છે. એચડીએફસી બેંક અને એચડીએફસી, બંનેમાં 5 ટકાથી વધુનો ઉછાળો જોવા મળે છે. જ્યારે સિમેન્ટ કાઉન્ટર્સ પણ તેમની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. જેમાં અલ્ટ્રાટેક સિમેન્ટ બીજા દિવસે 7 ટકાથી વધુના ઉછાળે રૂ. 6200 નજીક ટ્રેડ થઈ રહ્યો છે. અંબુજા સિમેન્ટ પણ 7 ટકાની વૃદ્ધિ સૂચવે છે. સેન્સેક્સ શેર્સમાં એસબીઆઈ, લાર્સન, એમએન્ડએમ અને સન ફાર્મામાં 3-5 ટકાનો સુધારો જોવા મળી રહ્યો છે. જ્યારે માત્ર ચાર જ કાઉન્ટર્સ ઘટાડો દર્શાવી રહ્યાં છે. જેમાં બજાજ ફિનસર્વ, રિલાયન્સ ઈન્ડ., હિંદુસ્તાન યુનિલીવર અને ઈન્ડસઈન્ડ બેંકનો સમાવેશ થાય છે.
માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ
બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી રહી છે. જેમાં કુલ 2967 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1637 અગાઉના બંધ કરતાં સુધારો સૂચવે છે. જ્યારે 1148 કાઉન્ટર્સ ઘટીને ટ્રેડ દર્શાવી રહ્યાં છે. 212 કાઉન્ટર્સ 52-સપ્તાહની ટોચ દર્શાવી રહ્યાં છે. જ્યારે 278 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ જોવા મળી રહ્યાં છે.
એ જૂથના આઉટપર્ફોર્મર્સ
કેટલાક એ જૂથના આઉટપર્ફોર્મન્સ દર્શાવતાં મીડ-કેપ્સમાં ટાટામોટર ડીવીઆર, આઈઆઈએફએલ, એસીઈ, એમએસટીસી, પીએનસી ઈન્ફ્રા, સેન્ચ્યૂરી ટેક્સટાઈલ, શ્રી સિમેન્ટ, ઝી લિ. અને હેવેલ્સ વગેરેનો સમાવેશ થાય છે.
ચાંદીમાં રૂ. 3000નો ઘટાડો
વૈશ્વિક બજારમાં ચાંદી 28 ડોલર નીચે ઉતરી જતાં તેમાં વધ્યા ભાવથી રૂ. 3000નો ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે એમસીએક્સ સિલ્વર વાયદો રૂ. 70 હજારની સપાટીનું સાયકોલોજિકલ સપોર્ટ જાળવીને બેઠો છે.
|