મીડ-ડે માર્કેટ
નિફ્ટી 14750ના સપોર્ટ નજીક
વૈશ્વિક બજારમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે ભારતીય બજાર અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહ્યું છે. નિફ્ટીએ 14753ની તેની અગાઉની ટોચની નજીક 14765નો સપોર્ટ લીધો છે અને 14800 પર ટ્રેડ થઈ રહ્યો છે. ભારત સિવાય ચીન અને કોરિયાના બજારમાં એક ટકા આસપાસનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આમ ભારતીય બજાર અને ચીનનું બજાર એકસાથે નરમાઈ દર્શાવતું હોય તેવું ભાગ્યે જ જોવા મળ્યું છે. જો 14750નું સ્તર તૂટશે તો નિફ્ટી વધુ ઘટાડો દર્શાવી શકે એમ છે. સાથે જો તે 14900 પર પરત ફરશે તો ફેબ્રુઆરી એક્સપાયરીના બાકીના દિવસોમાં તે બાઉન્સ પણ દર્શાવી શકે એમ છે.
વીક્સમાં 9 ટકાનો ઉછાળો
વોલેટિલિટીનો માપદંડ એવો ઈન્ડિયા વીક્સ 9.17 ટકા ઉછળી 24.29ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સત્રોમાં તેણે દર્શાવેલો આ સૌથી મોટો ઉછાળો છે. ગયા સપ્તાહે અંતિમ ત્રણ ટ્રેડિંગ સત્રોમાં તે સતત ઘટતો જોવા મળ્યો હતો. જોકે હાલમાં વૃદ્ધિ સૂચવે છે કે આગામી દિવસોમાં બજારમાં અસાધારણ વોલેટિલિટી જોવા મળી શકે છે.
ડિફેન્સિવ્સ પણ મંદીમાં જોડાયા
સામાન્યરીતે બજારમાં ગભરાટ હોય ત્યારે ટ્રેડર્સ ડિફેન્સિવ ક્ષેત્ર તરફ નજર દોડાવતાં હોય છે. જોકે સોમવારે આઈટી, એફએમસીજી અને ફાર્મા પણ મંદીમાં જોડાયા છે. જેમાં નિફ્ટી આઈટી તો 2 ટકાથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યો છે. જ્યારે નિફ્ટી એફએમસીજી 1 ટકાનો ઘટાડો નોંધાવે છે. નિફ્ટી ફાર્મા પણ એક ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી એનર્જિ 0.9 ટકા અને નિફ્ટી બેંક 0.87 ટકા ડાઉન જોવા મળી રહ્યાં છે.
માર્કેટને મેટલનો સપોર્ટ
મેટલ એકમાત્ર ક્ષેત્ર બજારને સપોર્ટ કરી રહ્યું છે. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 3.6 ટકા મજબૂતી દર્શાવી રહ્યો છે. જેમાં વેદાંત 8 ટકા, હિંદાલ્કો 6 ટકા, જેએસડબલ્યુ 4 ટકા, ટાટા સ્ટીલ 3.5 ટકા, સેલ 3.5 ટકા જેવા લાર્જ-કેપ્સ મજબૂત જણાય રહ્યાં છે. એ સિવાય હિંદુસ્તાન કોપર 16 ટકા, રત્નમણિ મેટલ્સ 13 ટકા, નાલ્કો 4 ટકા, મોઈલ 3.5 ટકા અને હિંદ ઝીંક 3 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.
મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ નરમાઈ
નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.9 ટકા જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ 0.7 ટકા સાથે નિફ્ટી કરતાં આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યાં છે. બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ ખૂબ નેગેટિવ છે. 3000 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1800થી વધુ નેગેટિવ ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે 1065 કાઉન્ટર્સ સુધારો દર્શાવી રહ્યાં છે.
કોપરમાં ફાટ-ફાટ તેજી
એમસીએક્સ ખાતે કોપર સવારે ખૂલતાંમાં 5 ટકા મજબૂતી સાથે રૂ. 717ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયું હતું. કોપર છેલ્લા બે સપ્તાહથી તીવ્ર તેજી દર્શાવી રહ્યું છે. ઝીંક, નીકલ અને એલ્યુમિનિયમ પણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. ચાંદી સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહી છે. જ્યારે ગોલ્ડ 0.44 ટકા મજબૂતી સાથે રૂ. 46400 પર ટ્રેડ થઈ રહ્યું છે.