મીડ-ડે માર્કેટ
ભારતીય શેરબજારમાં તેજીની હેટ્રિક
સતત ત્રીજા દિવસે ભારતીય સ્ટોક માર્કેટ તેજી દર્શાવી રહ્યું છે. વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે સ્થાનિક બજાર 0.9 ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. બેન્ચમાર્ક નિફ્ટી 123 પોઈન્ટ્સના સુધારે 14776 પર ટ્રેડ થઈ રહ્યો છે. તેણે 14700ના મહત્વના અવરોધ સ્તરને પાર કર્યું છે. આમ બજારમાં વધુ મજબૂતીની શક્યતા ઊભી થઈ છે.
ઓટો ઈન્ડેક્સમાં મજબૂત તેજી
ભારતીય બજારમાં ઓટોમોબાઈલ ઈન્ડેક્સ 2.6 ટકા સાથે સૌથી વધુ સુધાર દર્શાવી રહ્યો છે. મારુતિના પરિણામો નબળા રહ્યાં હોવા છતાં ઓટો શેર્સમાં લેવાલી જોવા મળી છે. અલબત્ત, ટુ-વ્હીલર્સ કંપનીઓના શેર્સમાં વધુ મજબૂતી જોવા મળી રહી છે. જેમા ટીવીએસ મોટર્સ 15 ટકાની વૃદ્ધિ સાથે વાર્ષિક ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. આ ઉપરાંત આઈશર મોટર્સ 4.33 ટકા, મધરસન સુમી 4 ટકા, બજાજ ઓટો 4 ટકા, હિરો મોટોકોર્પ 3.42 ટકા, એમએન્ડએમ 2.4 ટકા, બોશ 2 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.
બેંકિંગમાં પણ અન્ડરટોન મજબૂત
એક પછી એક બેંકિંગ કંપનીઓ સારા પરિણામો પાછળ બેંકિંગ ક્ષેત્ર માટે સેન્ટિમેન્ટ મજબૂત જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી એક ટકાથી વધુ સુધારે 33078 પર ટ્રેડ થઈ રહ્યો છે. જેમાં ઈન્ડસઈન્ડ બેંક 3.2 ટકા સાથે સૌથી સારો દેખાવ દર્શાવે છે. કોટક મહિન્દ્રા બેંક 2 ટકા, એસબીઆઈ 2 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક એક ટકો, પીએનબી 1 ટકો, આઈડીએફસી 1 ટકા સુધારો દર્શાવી રહ્યો છે.
ઈન્ડિયા વિક્સમાં સાધારણ નરમાઈ
સતત ત્રીજા દિવસે તેજી પાછળ વોલેટિલિટી ઈન્ડેક્સ સાધારણ નરમાઈ દર્શાવી રહ્યો છે. તે 2 ટકા ઘટાડે 22.62 પર ટ્રેડ થઈ રહ્યો છે. જોકે બજારમાં તેજીની સરખામણીમાં તેણે ત્રણ દિવસમાં સાધારણ ઘટાડો દર્શાવ્યો છે. જે બજારની ભાવિ ચાલને લઈને થોડી ચિંતા પ્રેરે છે.
સ્મોલ-મીડ કેપ્સમાં પણ લેવાલી યથાવત
મંગળવારની માફક જ બુધવારે બ્રોડ બેઝ તેજી જોવા મળી રહી છે. જેમાં નિફ્ટી મીડ-કેપ 0.81 ટકા સાથે જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ 0.88 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે. મીડ-કેપ કાઉન્ટર્સમાં ટીવીએસ મોટર્સ સુધારા પર ટોચ પર છે. ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 4 ટકા, સન ટીવી નેટવર્ક 3.5 ટકા, સિટી યુનિયન બેંક 3 ટકા, માઈન્ડટ્રી 2.5 ટકા, એલઆઈસી હાઉસિંગ ફિન 2.5 ટકાનો સુધારો દર્શાવે છે.
ક્રૂડ મજબૂત, ગોલ્ડ નરમ
વૈશ્વિક બજારમાં મજબૂતી પાછળ ક્રૂડના ભાવમાં તેજી જોવા મળી રહી છે. એમસીએક્સ ખાતે મે વાયદો 0.9 ટકા મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જોકે કિંમતી ધાતુઓમાં નરમાઈ જોવા મળી રહી છે. ચાંદી રૂ. 1047 અથવા 1.5 ટકાના ઘટાડે રૂ. 67931 પર ટ્રેડ દર્શાવી રહી છે. જ્યારે સોનુ રૂ. 309ના ઘટાડે રૂ. 46994 પર ટ્રેડ થઈ રહ્યું છે. આમ તેણે રૂ. 47000ની સપાટી તોડી છે.
Mid Day Market 28 April 2021
April 28, 2021