મીડ-ડે માર્કેટ
ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ
ભારતીય બજાર અપેક્ષા મુજબ જ નોંધપાત્ર ગેપ-અપ ઓપનીંગ બાદ પ્રોફિટ બુકિંગ પાછળ શરૂઆતી દોરમાં ઘટાડો દર્શાવતું રહ્યું છે. બેન્ચમાર્ક નિફ્ટી 15044ની ટોચ બનાવી 14858નું તળિયું દર્શાવી સાધારણ સુધારા સાથે 14877 પર ટ્રેડ કરી રહ્યો છે. બજારે 14700નો મહત્વનો અવરોધ પાર કરતાં તે પોઝીટીવ મોમેન્ટમ જાળવી શકે છે. એકવાર 15000 પર બંધ આપવામાં સફળતા મળશે તો નવી સિરિઝમાં નવી ટોચ પણ જોવા મળી શકે છે.
મેટલ, ફાર્માને બાદ કરતાં તમામ ક્ષેત્રોમાં નરમાઈ
એપ્રિલ એક્સપાયરીના દિવસે મેટલ ક્ષેત્ર મજબૂતી દર્શાવી રહ્યું છે. નિફ્ટી મેટલ 1.9 ટકા સુધારા સાથે નવી ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે મેટલ્સમાં હજુ પણ સુધારાની જગા બાકી છે. અલબત્ત, તે ઓવરબોટ છે અને તેથી ઊંચા મથાળે ફસાઈ ના જવાય તેની ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. અગ્રણી મેટલ કાઉન્ટર્સમાં જેએસડબલ્યુ સ્ટીલ 3.8 ટકા, ટાટા સ્ટીલ 3.75 ટકા, મોઈલ 2.6 ટકા, નાલ્કો 2.5 ટકા, સેઈલ 1.74 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.
બેંકિંગમાં ઊંચા સ્તરે ખરીદીનો અભાવ
છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રોમાં સતત સુધારાતરફી રહેલા બેંકિંગમાં ઊંચા સ્તરે ખરીદીનો અભાવ જોવા મળી રહ્યો છે અને તેની પાછળ બેંક નિફ્ટી 221 પોઈન્ટ્સ નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. બેંક નિફ્ટીમા સમાવિષ્ટ કાઉન્ટર્સમાં એકમાત્ર એક્સિસ બેંક 0.4 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. એ સિવાય અન્ય તમામ કાઉન્ટર્સ નરમ ટ્રેડ થઈ રહ્યાં છે. જેમાં આરબીએલ બેંક, પીએનબી, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને ફેડરલ બેંક મુખ્ય છે.
ઈન્ડિયા વિક્સમાં મજબૂતી
માર્કેટમાં ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ પાછળ ઈન્ડિયા વીક્સમાં 2 ટકાથી વધુનો સુધારો જોવા મળી રહ્યો છે અને તે હાલમાં 23.06 પર ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સત્રોથી તે સાંકડી રેંજમાં અથડાઈ રહ્યો છે.
મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ નરમાઈ
અંતિમ ત્રણ ટ્રેડિંગ સત્રોમાં બ્રોડ બેઝ ખરીદી બાદ ગુરુવારે બ્રોડ બેઝ પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. નિફ્ટી મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સ પણ નરમાઈ દર્શાવી રહ્યાં છે. નિફ્ટી મીડ-કેપ્સમાં 0.36 ટકા જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ્સમાં 0.12 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
એલ્યુમિનિયમ-કોપરમાં નવી ટોચ, ગોલ્ડ-સિલ્વર પોઝીટીવ
બેઝ મેટલ્સમાં મજબૂતીનો દોર ટક્યો છે. એમસીએક્સ ખાતે એલ્યુમિનિયમ રૂ. 203ની ટોચને પાર કરી ગઈ છે. જ્યારે કોપર રૂ. 761ને પાર કરી ગયું છે. જોકે ઝીંક અને લેડમાં નરમાઈ જોવા મળી રહી છે. જ્યારે કિંમતી ધાતુઓ પોઝીટીવ ટ્રેડ દર્શાવે છે. જેમાં સિલ્વર મે વાયદો રૂ. 666ના સુધારા સાથે રૂ. 68452 પર તથા ગોલ્ડ જૂન વાયદો રૂ. 37ના સાધારણ સુધારે રૂ. 47130 પર ટ્રેડ થઈ રહ્યો છે.
Mid day Market 29 April 2021
April 29, 2021