મીડ-ડે માર્કેટ
નિફ્ટીની બેવડી સદી, 15140ની ટોચ
ભારતીય બજાર પર તેજીવાળાઓએ ફરી પકડ મજબૂત બનાવી છે. બુધવારે બજાર સતત નવી ટોચ ભણી ગતિ કરી રહ્યું છે. તેણે બપોરે 220 પોઈન્ટ્સના ઉછાળે 15140ની ટોચ બનાવી છે. સેન્સેક્સ પણ 51000ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જો નિફ્ટી 15100 પર બંધ આપવામાં સફળ રહેશે તો આગામી દિવસોમાં કોન્સોલિડેશન બાદ તે નવી ટોચ ભણી આગળ વધી શકે છે.
ઈન્ડિયા વીક્સમાં ત્રીજા દિવસે ઘટાડો
ભારતીય બજાર માટે વોલેટિલિટીના માપદંડ જેવો ઈન્ડિયા વીક્સ સતત ત્રીજા દિવસે ઘટાડો સૂચવી રહ્યો છે. ગયા શુક્રવારે 28ની સપાટી પાર કરી ગયેલો વીક્સ 5.46 ટકાના ઘટાડે 22.32 પર ટ્રેડ થઈ રહ્યો છે. જેણે લોંગ ટ્રેડર્સને મોટી રાહત આપી છે. વૈશ્વિક બજારોમાં પણ કોન્સોલિડેશન વચ્ચે સ્થાનિક બજારને સપોર્ટ મળ્યો છે.
એક માત્ર નિફ્ટી ઓટોમાં નરમાઈ
બુધવારે બેન્ચમાર્ક્સ જ્યારે ફૂલગુલાબી તેજી જોઈ રહ્યાં છે ત્યારે એક માત્ર ઓટો ક્ષેત્ર નબળાઈ દર્શાવી રહ્યું છે. ફેબ્રુઆરી મહિનાના વેચાણના આંકડા ઓવરઓલ સારા આવવા છતાં ઓટો ક્ષેત્રે લેવાલીના આસાર નથી. જોકે ટાટા મોટર્સ જેવી કંપનીઓ તાજેતરની ટોચ પર ટ્રેડ થઈ રહી છે. ટાટા મોટર્સનો શેર 2.4 ટકા મજબૂતી સાથે રૂ. 354 પર ચાલી રહ્યો છે. બીજી બાજુ ટુ-વ્હીલર ઉત્પાદક હીરોમોટોકોનો શેર 1.4 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો છે. ટીવીએસ મોટર પણ 1.24 ટકા અને બજાજ ઓટો 1 ટકા ડાઉન છે. એમએન્ડએમ 1 ટકો અને ટાયર કંપનીઓના શેર્સ પણ અગાઉના બંધ સામે નરમ ટ્રેડ થઈ રહ્યાં છે.
નિફ્ટી બેંકમાં 2 ટકાથી વધુનો સુધારો
બેંક નિફ્ટી 800 પોઈન્ટ્સથી વધુ ઉછળી 36250ની ટોચ પર જોવા મળી હતી. પીએસયૂ બેંક્સમાં સારી લેવાલી પાછળ બેંક નિફ્ટીનો સુધારો નિફ્ટી કરતાં સારો છે. પીએનબી 5.5 ટકા, આરબીએલ બેંક 4.14 ટકા, એચડીએફસ ફર્સ્ટ બેંક 3.8 ટકા, બેંક ઓફ બરોડા 3.54 ટકા, બંધન બેંક 3.33 ટકા, એસબીઆઈ 3.04 ટકા અને એક્સિસ બેંક 3.02 ટકાની મજબૂતી દર્શાવી રહ્યાં છે.
મેટલ્સમાં ત્રણ ટકાનો ઉછાળો
મેટલ સેક્ટરમાં ફાટ-ફાટ તેજી જોવા મળી રહી છે. નિફ્ટી મેટલ 145 પોઈન્ટ્સના ઉછાળે 4075ની તેની ટોચ દર્શાવી રહ્યો છે. મેટલમાં જાતે-જાતમાં તેજી જોવા મળી છે. ટાટા સ્ટીલ 5 ટકાથી વધુની મજબૂતી સાથે રૂ. 775ની સપાટી પાર કરી ગયો છે. જ્યારે જીંદાલ સ્ટીલ 4 ટકા મજબૂતી પાછળ રૂ. 352ને પાર કરી ગયો છે. જેએસડબલ્યુ સ્ટીલ 3.3 ટકા, હિંદાલ્કો 3.2 ટકા, વેંદાત 2.33 ટકા, હિંદુસ્તાન ઝીંક 2.09 ટકા, એનએમડીસી 1.6 ટકાની મજબૂતી દર્શાવી રહ્યાં છે.
રિઅલ્ટી શેર્સમાં પણ મજબૂતી
રિઅલ્ટી કાઉન્ટર્સ તેમની મજબૂતી દર્શાવી રહ્યાં છે. ડિએલએફ 4 ટકાથી વધુના ઉછાળે રૂ. 328ની નવી ટોચ પર જોવા મળ્યો છે. જ્યારે સોભા ડેવલપર્સ 3 ટકા, ગોદરેજ પ્રોપર્ટી 1.2 ટકા અને મહિન્દ્રા લાઈફ એક ટકાની મજબૂતી દર્શાવી રહ્યાં છે.