Market Summary 3 November 2020

માર્કેટ સમરી

બેન્ચમાર્ક નિફ્ટી 11800 પર બંધ રહેવામાં સફળ રહ્યો હતો. સેન્સેક્સ 500 પોઈન્ટ્સ ઉછળી 40 હજાર પર બંધ રહ્યો હતો. માર્કેટમાં સમગ્ર દિવસ દરમિયાન બુલ્સનું પ્રભુત્વ જળવાયું હતું. વીઆઈએક્સ પણ ઘટીને 4 ટકાના સ્તરે આવી ગયો હતો. જે આગામી દિવસોમાં મજબૂતી ટકી શકે તેનો સંકેત આપે છે. નિફ્ટીને ઉપરમાં 11942 અને ત્યારબાદ 12025નો અવરોધ છે.

યુએસ ચૂંટણી પર બજારની નજર

માર્કેટની નજર યુએસ પ્રમુખ પદની ચૂંટણી પર છે. અત્યાર સુધીના સર્વેક્ષણોમાં ડેમોક્રેટ ઉમેદવાર બિડેન જીતવાની શક્યતા ઊંચી દર્શાવવામાં આવી છે. જો આમ થશે તો ડોલર નબળો પડશે અને ઈક્વિટી બજારોમાં મજબૂતી જોવા મળે તેવું માનવામાં આવે છે. તેની અસર સોનું-ચાંદી પણ મજબૂતી દર્શાવી શકે છે.

  • નિફ્ટીમાં 2 ટકા સામે બે દિવસમાં બેંક નિફ્ટી 7.4 ટકા ઉછળ્યો
  • ઓક્ટોબર બાદ નવેમ્બરમાં પણ બેંકિંગ શેર્સ આઉટપર્ફોર્મન્સ દર્શાવે તેવી શક્યતા

સતત બે દિવસથી બેંકિંગ ક્ષેત્ર અન્યોની સરખામણીમાં જબરદસ્ત આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યું છે. સોમવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં નવ ટકા જેટલા ઘટાડાને ખાળવા માટે બેંકિંગ શેર્સે તેમની તમામ શક્તિનો ઉપયોગ કર્યો હતો. જે મંગળવારે પણ જાળવી રાખ્યો હતો અને તેને કારણે જ સેન્સેક્સ 500 પોઈન્ટ્સનો જ્યારે નિફ્ટી 144 પોઈન્ટ્સનો સુધારો દર્શાવવામાં સફળ રહ્યાં હતાં. બેંક નિફ્ટી 790 પોઈન્ટ્સ અથવા 3.17 ટકાના સુધારે 25683ના છેલ્લા પખવાડિયાની ટોચ પર બંધ રહ્યો હતો. અંતિમ બે દિવસો દરમિયાન તેણે 7.4 ટકાનો તીવ્ર સુધારો દર્શાવ્યો છે. જે દરમિયાન નિફ્ટી માંડ 2 ટકાનો સુધારો નોંધાવી શક્યો છે. સોમવારે બેંક નિફ્ટી 4 ટકાથી વધુ ઉછળ્યો હતો.

ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે બેંકિંગ ક્ષેત્રે સારા પરિણામો પાછળ બેંક નિફ્ટીમાં ઝડપી મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. નજીકમાં ઈન્ડેક્સ 26000 અને 26500નો ટાર્ગેટ ધરાવે છે. જ્યારે તેને 24800નો મહત્વનો સપોર્ટ છે. છેલ્લા એક વર્ષમાં બેંક નિફ્ટી મોટો અન્ડરપર્ફોર્મન્સ રહ્યો છે. વાર્ષિક ધોરણે નિફ્ટી લગફગ ફ્લેટ રિટર્ન દર્શાવી રહ્યો છે. ત્યારે બેંક નિફ્ટી 15 ટકા જેટલો ઘટાડો દર્શાવી રહ્યો છે. તેણે 32 હજારની ટોચ દર્શાવી હતી. જ્યાંથી પટકાઈને તે માર્ચ મહિનાં 17 હજાર પર ટ્રેડ થયો હતો. અંતિમ બે દિવસમાં સૌથી ઉત્કૃષ્ટ દેખાવ દર્શાવનાર બેંક શેર્સમાં આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, ઈન્ડ્સઈન્ડ બેંક, એસબીઆઈ અને કોટક મહિન્દ્રા બેંકનો સમાવેશ થાય છે. મંગળવારે આઈસીઆઈસીઆઈ બેંકનો શેર 6.51 ટકા ઉછળી રૂ. 444.25ના ભાવે બંધ રહ્યો હતો. જ્યારે એસબીઆઈ 4.46 ટકા ઉછળી રૂ. 204.75ના સ્તરે બંધ રહ્યો હતો. ઈન્ડ્સઈન્ડ બેંક, એક્સિસ બેંક અને એચડીએફસી બેંકે પણ 2-3 ટકા વચ્ચેનો સુધારો નોંધાવ્યો હતો. બેંકિંગ સાથે એનબીએફસી શેર્સ પણ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. જેમાં એચડીએફસી અને બજાજ ફાઈનાન્સ મુખ્ય હતાં.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage